Once Upon a Time - 15 in Gujarati Biography by Aashu Patel books and stories PDF | વન્સ અપોન અ ટાઈમ - 15

Featured Books
  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

  • તલાશ 3 - ભાગ 21

     ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તે...

Categories
Share

વન્સ અપોન અ ટાઈમ - 15

વન્સ અપોન અ ટાઈમ

આશુ પટેલ

પ્રકરણ 15

સબ ઈન્સ્પેક્ટર આઈઝેક બાગવાન અને તેમના સાથી પોલીસમેનને મુંબઈ પોલીસના ઉચ્ચ અધિકારીઓ શાબાશી આપી રહ્યા હતા ત્યારે બીજી બાજુ અંડરવર્લ્ડ ડોન કરીમલાલા વિચલિત થઈ ગયો હતો.

મુંબઈ પોલીસ સાથેના એન્કાઉન્ટરમાં મન્યા સુર્વે માર્યો ગયો એનું કરીમલાલાને દુ:ખ નહોતું, પણ ડોશી મરી જાય એના કરતા જમ ઘર ભળી જાય એનો ભય એને સતાવતો હતો. આગળ જતા આ બધાનો અંત શું આવી શકે એની કલ્પના કરતાં પણ એને તકલીફ થતી હતી. મન્યા સુર્વેની જગ્યાએ આવતી કાલે સમદ, અમીરજાદા કે આલમઝેબ નામ પણ હોઈ શકે.

સમદનું નામ આ રીતે છાપામાં આવી શકે એ વિચારમાત્રથી કરીમલાલા બેચેન થઈ ગયો હતો. એને જેનો ભય સતાવતો હતો એ બધું હવે વાસ્તવિક સ્વરૂપમાં સામે આવી રહ્યું હતું. એણે અને હાજી મસ્તાને જુવાનિયાઓને સમજાવવા માટે કરેલી કોશિશ એળે ગઈ હતી અને હવે ન થવાની થઈ રહી હતી.

***

ગ્રાન્ટરોડ વિસ્તારની ‘તાહેર મંઝિલ’ બિલ્ડિંગનું વાતાવરણ અજંપામય હતું. કરીમલાલા, તેના ભાઈ રહીમખાન, અને ભત્રીજા સમદ ખાનને કારણે ‘તાહેર મંઝિલ’ મુંબઈના અંડરવર્લ્ડમાં અને ‘ઓવરવર્લ્ડ’માં (ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને રાજકીય લોબીમાં) પણ જાણીતી બની ગઈ હતી. કરીમલાલાએ જિંદગીમાં ઘણા ખેલ કર્યા હતા અને એમનો ભાઈ રહીમ ખાન એ બધા ખેલનો સાક્ષી હતો. છતાં બંને ભાઈ ઉચાટમાં હતા. સમદ ખાન કોર્ટમાંથી નાસી છૂટ્યો હતો અને મુંબઈ પોલીસ એને શોધતી હતી. તો બીજી બાજુ દાઉદ ઈબ્રાહીમ ઘવાયેલા વાઘની જેમ બદલો લેવા માટે સમદનું પગેરું દબાવી રહ્યો હતો. કરીમલાલા અને રહીમ ખાને સમદને બહુ સમજાવી જોયો હતો, પણ સમદના જુવાન લોહી સામે તેમની સમજાવટ નકામી સાબિત થઈ હતી.

‘તાહેર મંઝિલ’ના વિશાળ લિવિંગ રૂમમાં આરામખુરશી પર બેઠેલા કરીમલાલાના કપાળ પર કરચલીઓ ઊપસી આવી હતી. કરીમલાલાએ જ સમદને પોતાનો ‘વારસદાર’ બનાવ્યો હતો. પણ સમદ અંડરવર્લ્ડમાં આટલી હદ સુધી જોખમ ઉઠાવવા માંડશે એની કલ્પના એને નહોતી. સમદ સામે ગુસ્સો આવતો હોવા છતાં કરીમલાલા એને ધિક્કારતો નહોતો. ગમે તેમ તોય સમદની નસોમાં અફઘાનિસ્તાનના આ પઠાણ કુટુંબનું લોહી દોડતું હતું. સમદ વિશે વિચારતા-વિચારતા કરીમલાલાને પોતાની યુવાનીના દિવસો યાદ આવવા માંડ્યા. સાડા ત્રણ દાયકા અગાઉ તેના કાકાએ એને અટકાવવાની કોશિશ કરી હતી અને એમની સમજાવટની કરીમલાલા પર કોઈ અસર થઈ નહોતી. પણ અત્યારે સમદને કોઈ પણ હિસાબે પોલીસના શરણે થવા સમજાવવાનું જરૂરી હતું.

***

‘સમદ, તૂ સરન્ડર કર દે...’

મન્યાના કમોતથી ગભરાઈ ગયેલો કરીમલાલા તેના ભત્રીજા સમદને કહી રહ્યો હતો.

સમદ કોર્ટમાંથી ભાગી છૂટ્યો હતો અને જે રીતે મુંબઈ પોલીસે આક્ર્મક બનીને મન્યા સૂર્વેને મારી નાખ્યો હતો એ રીતે પોલીસ સમદને પણ ગોળીએ દઈ શકે એ વિચાર કરીમલાલાને સતાવી રહ્યો હતો.

‘પુલીસ કે લોગ તો હમારી જેબ મેં હૈ...’ સમદ ખાને દલીલ કરી.

‘મેરી બાત માન. મૈ ને દુનિયા જ્યાદા દેખી હૈ...’ કરીમલાલા સમદને સમજાવવા લાગ્યો.

લાંબી દલીલોને અંતે તે સમદને સામે ચાલીને પોલીસને શરણે જતા રહેવા માટે મનાવવામાં સફળ થયો.

સમદ લિવિંગ રૂમમાંથી બહાર નીકળી ગયો એ પછી કરીમલાલા વિચારે ચડી ગયો.

***

ભારતને સ્વતંત્રતા મળી એ અરસામાં કરીમલાલા અફઘાનિસ્તાનમાંથી મુંબઈ ફરવા આવ્યો હતો. એના કાકાએ આઝાદીના બે દાયકા અગાઉ મુંબઈ આવીને કાપડની દુકાન કરી હતી. કાકાને મળવા અને મુંબઈમાં રખડપટ્ટી કરવા આવેલા અબ્દુલ કરીમ ખાન શેર ખાનને મુંબઈ ગમી ગયું. એ મુંબઈમાં જ રહી પડ્યો. અબ્દુલ કરીમ ખાન શેર ખાન ભારે ગરમ મિજાજનો યુવાન હતો. વાતવાતમાં એ ઝઘડી પડતો અને મારામારી પર ઉતરી આવતો. મુંબઈના ડોંગરી વિસ્તારમાં બહુ ઝડપથી કરીમ ખાન જાણીતો થવા માંડ્યો હતો. એને પઠાણ યુવાનો લીડર તરીકે સ્વીકારવા માંડ્યા હતા. અફઘાનિસ્તાનમાં ફારસી અને પુશ્તુ ભાષા લખતા વાંચતા શીખેલા કરીમલાલાનું ભણતર બહુ નહોતું. પણ ‘જેની લાઠી તેની ભેંસ’નું ગણતર એના દિમાગમાં બરાબર ફીટ થઈ ગયું હતું.

વેપારીઓની ઉઘરાણી વસૂલ કરાવી દેવાના નાના નાના કોન્ટ્રાક્ટથી કરીમ ખાનની ‘કરિયર’ની શરૂઆત થઈ. પચાસના દાયકાના ઉતરાર્ધમાં કરીમ ખાનનો પરિચય હાજી મસ્તાન સાથે થયો અને અફઘાનિસ્તાનથી આવેલા કરીમ ખાનની કરીમલાલા બનવા તરફની જીવન સફર શરૂ થઈ. કરીમલાલાએ હાજી મસ્તાનને મસલ પાવર પૂરો પાડવાનું શરૂ કર્યું. એ વખતે મુંબઈનો માટુંગા અને સાયન વિસ્તારનો દાદો વરદરાજન મુદલિયાર પણ હાજી મસ્તાનની સાથે કામ કરતો હતો.

સિત્તેરના દાયકાના પૂર્વાર્ધમાં કરીમલાલાએ મસ્તાન સાથે છેડો ફાડી નાખ્યો. હાજી મસ્તાન મોટે ભાગે સોનાની દાણચોરી કરતો હતો. કરીમલાલાએ પોતાનું નેટવર્ક ઊભું કર્યું. પોલીસ માનતી હતી કે કરીમલાલાએ હાજી મસ્તાનથી છૂટા પડીને અલગ સ્મગલિંગનો ગોરખ ધંધો આદર્યો છે. મુંબઈ પોલીસને શંકા હતી કે, કરીમલાલા અફઘાનિસ્તાનથી હશિશ મગાવીને બીજા દેશોમાં સપ્લાય કરતો હતો. 1972માં હશિશની હેરાફેરી કરનારા 22 પઠાણ યુવાનોની મુંબઈ પોલીસે ધરપકડ કરી હતી. મુંબઈ પોલીસને ખાતરી હતી કે એ બધા કરીમલાલાના જ માણસો છે. અને પકડાયેલું હશિશ કરીમલાલાનું જ છે. એ વખતે કરીમલાલાની ધરપકડ પણ થઈ હતી. જો કે મુંબઈ પોલીસને કરીમલાલા વિરુદ્ધ એક પણ પુરાવો મળ્યો નહોતો.

મુંબઈ પોલીસની શંકા બિલકુલ વજૂદ વિનાની નહોતી. કરીમલાલા દેશભરના પઠાણોનો લીડર બની ચૂક્યો હતો. એ ભારતમાં વસતા બે લાખ જેટલા પઠાણોને એક છત્ર નીચે લાવ્યો હતો. ‘સરહદના ગાંધી’ તરીકે જાણીતા ખાન અબ્દુલ ગફાર ખાનના ‘ખુદાઈ ખિદમતગાર’ સંગઠન સાથે લાલા સંકળાયેલો હતો અને પછી એણે ‘પખ્તુન જિરગા-એ-હિન્દ’ નામનું સંગઠન ઊભું કર્યું હતું. ડોન તરીકે પંકાઈ ગયેલા કરીમલાલાનો આ સંગઠનોને કારણે રાજકારણીઓ સાથે પણ ઘરોબો થવા માંડ્યો હતો.

હાજી મસ્તાનની જેમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ કરીમલાલાની ‘ઈજ્જત’ થવા માંડી હતી. ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ખેરખાંઓ કરીમલાલાને લળી લળીને સલામ કરવા માંડ્યા હતા. 1960થી અત્યાર સુધીની હિન્દી ફિલ્મોમાં પઠાણના જેટલાં પાત્રો આવ્યાં એ બધાં પાત્રોનો પ્રેરણાસ્ત્રોત કરીમલાલા હતો. બલરાજ સહાનીનું ‘કાબુલીવાલા’ હોય કે પ્રકાશ મહેરાના ‘ઝંઝીર’માં શેરખાન બનેલો પ્રાણ હોય કે પછી ‘ખુદાગવાહ’માં બાદશાહ ખાનનું પાત્ર કરતો અમિતાભ હોય કે ‘અંગાર’માં નાના પાટેકરના બાપનો રોલ ભજવનારો કાદર ખાન હોય, પઠાણનો રોલ કરતી વખતે એમણે કરીમલાલાને જ નજર સામે રાખ્યો હતો. ‘ઝંઝીર’માં તો પ્રાણ પાસે પુશ્તુ સ્ટાઈલથી જ ડાયલોગ બોલાવાયા હતા.

સિત્તેરના દાયકામાં કરીમલાલાનો દબદબો જોવા જેવો હતો. દિલીપકુમાર અને શત્રુઘ્ન સિંહાથી માંડીને અનેક ફિલ્મ સ્ટાર્સ અને મુંબઈના ઘણા કોર્પોરેટર્સથી માંડીને ઈન્દિરા ગાંધી સુધીના રાજકારણીઓ સાથે કરીમલાલાની તસવીરો મુંબઈનાં અખબારોમાં છપાતી હતી, પણ સિત્તેરના દાયકાના ઉતરાર્ધમાં દાઉદ-શબ્બીર અંડરવર્લ્ડમાં જામી પડ્યા અને બીજી બાજુ હાજી મસ્તાનથી છૂટા પડીને વરદરાજન મુદલિયારે પોતાનો અલગ ચોકો રચ્યો એ પછી કરીમલાલા અને હાજી મસ્તાનના નામ ઝાંખા થવા માંડ્યા. અંડરવર્લ્ડમાં વર્ચસ્વ જમાવવાની લડાઈમાં વરદરાજન મુદલિયાર પણ મેદાને પડ્યો હતો. અને બીજી બાજુ કાસકર બંધુઓ (દાઉદ-શબ્બીર) સાથે સમદે લોહીયાળ જંગ શરૂ કરી દીધો હતો.

કરીમલાલા સમદ ખાનને વારવાની કોશિશ કરી રહ્યો હતો, પણ એણે પોતે કંઈ અંડરવર્લ્ડમાંથી સંન્યાસ લઈ લીધો નહોતો, પણ એ માનતો હતો કે કાનૂન અને ખૂનખરાબાથી બાર ગાઉ છેટા રહેવું સારું. ઈન્દિરા ગાંધીએ કટોકટી લાદી એ વખતે મુંબઈના તમામ ગુંડા સરદારો (અમીરજાદાથી હાજી મસ્તાન સુધીના) ‘મિસા’ હેઠળ જેલના સળિયા પાછળ ધકેલાઈ ગયા હતા. એવા સમયમાં પણ કરીમલાલા વટભેર બહાર રહી શક્યો હતો. કાનૂનથી બચવાની પોતાની આવડત પર એ મુસ્તાક હતો. પણ એ બધું વિચારતી વખતે એને કલ્પના નહોતી કે ટૂંક સમયમાં તેણે પણ પોલીસ લોકઅપના મહેમાન બનવું પડશે અને એ પણ બે સામાન્ય વેપારીને કારણે!

(ક્રમશ:)