Karnalok - 12 in Gujarati Moral Stories by Dhruv Bhatt books and stories PDF | કર્ણલોક - 12

Featured Books
  • నిరుపమ - 10

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • మనసిచ్చి చూడు - 9

                         మనసిచ్చి చూడు - 09 సమీరా ఉలిక్కిపడి చూస...

  • అరె ఏమైందీ? - 23

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • నిరుపమ - 9

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • మనసిచ్చి చూడు - 8

                     మనసిచ్చి చూడు - 08మీరు టెన్షన్ పడాల్సిన అవస...

Categories
Share

કર્ણલોક - 12

કર્ણલોક

ધ્રુવ ભટ્ટ

|| 12 ||

શાળામાં નવું સત્ર શરૂ થઈ ગયું હતું. દુર્ગાએ નિશાળના સમય પછી બાળકોને નવી નવી રમતો કરાવીને ભણાવવાનું શરૂ કરી દીધું. કેટલીક વાર સવારે કે સાંજે તે છોકરાંઓને લઈને વગડે કે ખેતરોમાં ફરવા લઈ જવા માંડી છે. વનસ્પતિ ઓળખાવે, કંઈ કંઈ વાતો કરતી રહે છે.

કોઈ વખત હું પણ તેની સાથે જઉં છું. ક્યારેક અમે ભેગાં મળીને છોકરાં પાસે ભમરડાં, પતંગ, તીર-કામઠાં, પૈડાંવાળી ગાડી કે બીજાં નાનાં મોટાં સાધનો બનાવરાવીએ છીએ. દુર્ગા આકાશના તારા ઓળખતાં શીખી લાવી છે. ઘણી વાર રાત્રે અમને બધાંને આકાશ ઓળખાવે. નંદુ સાથે હોય તો એ આશ્ચર્ય પામીને અચૂક બોલે, ‘મા તું પોતે તારી ચૂંદડી અમને બતાવે છે. એ કેટલું મોટું ભાગ્ય!’

એક રાત્રે દુર્ગા વારતા કહેતી હતી અને રાહુલ અચાનક રડવા માંડ્યો. દુર્ગાએ વારતા અટકાવી અને રાહુલને પાસે ખેંચીને છાનો રાખવા માંડી. થોડું વહાલ કર્યું, બીજી-ત્રીજી વાતો કરી; પરંતુ તેના રડવાનું કારણ ન પૂછ્યું.

થોડી વારે રાહુલ રડતો અટકીને હસ્યો પણ પછી તરત ગંભીર થઈ ગયો અને પૂછ્યું, ‘પણ દુર્ગાઈ, મહેમાન કેમ નથી આવતા?’

સન્નાટો ફેલાયો હોય તેવી શાંતિ છવાઈ ગઈ. દુર્ગા ઉતાવળે બોલી ગઈ, ‘હમણાં ઉનાળાનો તાપ કેવો પડે છે? શિયાળામાં બધાં ફરી આવશે.’

દુર્ગા સહિત ત્યાં બેઠેલાં બધાં જાણતાં હતાં કે રાહુલ બધાં ફરી આવે તેની નહીં; કોઈ નવું આવે તેની રાહ જુએ છે.

કોઈ મહેમાન આવે અને બાળકને લઈ જાય તે દિવસ પીળા મકાનમાં નાના ઉત્સવ જેવું કરાતું; પરંતુ બાળકની પસંદગી માટે કોઈ આવે તે પહેલાં ત્યાં વસનારાં બાળકો જે અનુભવતાં તે સંશયની પીડાને બીજા સામે વર્ણવી શકે તેવી ભાષા આ પૃથ્વી પર મૌન સિવાય બીજી હશે કે કેમ તે હું જાણતો નથી.

બાળક પસંદ કરવા કોઈ આવવાનું છે તે ખબર પડતાં જ સમજણાં થઈ ગયેલાં બાળકોના ચહેરા પર અકથ્ય ભાવો જોઈ શકાતા. દરેક જાણે મનોમન કહેતું હોય, ‘હે ભગવાન, આ વખતે તો મારી જ પસંદગી થાય અને મને જ લઈ જવાય તેમ કરજે!’

આ પીળા મકાનમાં દરેકે દરેકની ઇચ્છા છે કે કોઈ પોતાને દત્તક લઈ જાય. આ માટે મહેમાન આવે ત્યારે એ લોકો પોતાનાથી શક્ય તે મહેનતે ખાસ સજીને તૈયાર થાય છે.

આ કોઈ વારતા નથી. નાટક નથી. જીવતું સત્ય છે. મોટા થવાનું દુ:ખ કેટલી નાની ઉમ્મરે શરૂ થઈ જાય છે તે મેં પીળા મકાનમાં રહીને મોટાં થઈ રહેલાં નિવાસીઓની આંખમાં હર હંમેશ જોયું છે. જેમ જેમ દિવસો પસાર થતા જાય તેમ તેમ મોટાં થતાં બાળકોને કોઈ જલદી પોતાને લઈ લે તેવી અપાર ઉતાવળ થવા માંડે છે.

રાહુલ તો એકલો એકલો ‘મારે જવાનું છે’ એવું બબડી લેતો હશે. તેના સિવાયનાની તો વેદના પણ મૌન રહે છે. ધીમે ધીમે એક એવો સમય આવે છે જ્યારે બાળકને શંકા થવા માંડે છે કે હવે પોતાને લઈ જવા કદાચ કોઈ આવવાનું નથી.

આમ છતાં પોતે રાહ જોવાનું બંધ કરવું જોઈએ તે પોતાની જાતે કોઈ નક્કી નથી કરતું. આ કામ બીજા કરે છે. સત્ય કઠોર શબ્દોમાં કહી સંભળાવાય છે. અચાનક કદાચ અજાણપણે; પરંતુ કોઈ એવું કંઈક બોલી જતું કે સત્ય પરિવેશ ત્યજીને ઊભું રહે. જેને વિશે કહેવાયું હોય તેણે મનમાં જ સમજી લેવાનું રહે કે હવે તેને કોઈ લેવા આવે તે ઉમ્મર પસાર થઈ ગઈ છે. હવે સદાકાળ મા-બાપ કે વાલી વગર રહેવાનું છે.

ક્યાંય અવાજ ન આવતો. પીડા મૂંગી થઈ જતી.

દુર્ગાને પણ આમ જ કહેવાયું હતું. માત્ર દુર્ગા જ સહી શકે તે રીતે. આ મેં જોયું છે. મારી નજરે, મારી સામે.

રાહુલ રડ્યો હતો તેના એકાદ અઠવાડિયા પછી એક બપોરે નિશાળની રિસેસમાં દુર્ગા મારી દુકાને આવી અને કહી ગઈ, ‘તું નેહાબેન પાસે જા. કહે કે બેને દિલ્હી ફોન કર્યો છે. મહેરાને બોલાવ્યા છે. આજે જ ખબર કરી આવજે.’ કહીને જતી રહી.

મેં દુર્ગાને ઉતાવળમાં જોઈ એટલે કંઈ પૂછ્યું નહીં. તેણે મને કંઈક કામ સોંપ્યું તે મારા માટે પૂરતું હતું. તે બપોરે નેહાબહેનને ઘરે ગયો અને દુર્ગાએ કહેવરાવેલો સંદેશો આપ્યો.

‘નલિનીએ મહેરાને સીધા જ બોલાવી લીધા?’ નેહાબહેન સ્વગત બોલતાં હોય તેમ બોલ્યાં પછી મને કહ્યું, ‘સારું. તું તારે જા.’ કહીને તેમણે મહેરા સાથે વાત કરવા ફોન નોંધાવ્યો.

સાંજે દુર્ગા મળી ત્યારે મેં તેને કહ્યું, ‘તારો સંદેશો તો પહોંચાડ્યો છે; પણ આ મહેરા કોણ છે? એ તો કહે.’

દુર્ગાએ કહ્યું, ‘નેહાબેનના ઓળખીતા છે. એમને નાનામાં નાની ઉમ્મરનું બાળક જોઈએ છે. એટલે શેફાલી કે સૌમ્યા જેવું. ‘તરતનું જન્મેલું બાળક આવે તો જણાવજો’ એવું નેહાબેને આપણે ત્યાં કહી રાખ્યું છે. પણ બહેને નેહાબેનને જણાવવાને બદલે સીધું મહેરાને જ કહ્યું.’

‘મહેરાનું નામ, સરનામું સંસ્થામાં ક્યાંથી આવ્યું?’ મેં પૂછ્યું.

‘અક્ક્લ! એની માગણીની અરજી અહીં નોંધાવી રાખવી ન પડે? તું જ તો કોરટમાં ગયો હતો.’ દુર્ગા જરા ચિડાઈ.

‘સીધું મહેરાને કહ્યું એમાં ખોટું શું. આવે અને લઈ જાય.’

‘એટલું સીધું હોત તો તને બપોરે દોડાવવાનો મને શોખ નહોતો થતો. છોકરું સિવિલમાંથી નહીં, કોઈના ખાનગી દવાખાનેથી આવશે. મહેરા લોક નેહાબેનના ઓળખીતા છે તોયે બેને એમનાથી વાત સંતાડી એટલે મને વહેમ જાય છે કે દાક્તર અને સંસ્થા બેઉ મહેરા પાસેથી પૈસા પડાવશે.’

‘શાના પૈસા?’ મેં પૂછ્યું.

‘તારા માથાના.’ દુર્ગા તંગ થઈને બોલી. ‘લક્ષ્મી કહેતી હતી કે કાલે કોઈ દાક્તરનો ફોન બેન ઉપર આવ્યો હતો કે એમના દવાખાને એક છોકરું થવાનું છે. એને બારોબાર વગે કરી દેવાનું છે. અહીં લાવે તો બધું ચિતરામણ થાય. બેનને એમ કે મહેરાને નાનું છોકરું જોઈએ છે. એટલે આ સીધું જ આપી દઈએ. બારોબાર પતી જાય. એમાં પૈસાની ગોઠવણ હોય જ. બાળકનાં સગાં સાથે તો ખરી જ અને કદાચ મહેરા પાસે પણ પડાવે.’

મેં કહ્યું, ‘હવે તો નેહાબેનને ખબર પડી ગઈ છે એટલે તેમણે મહેરા સાહેબને ફોન કરીને કહ્યું જ હશે કે બધું વિધિસર, કાયદા પ્રમાણે જ કરે.’

‘એમ તો નેહાબેને અહીં પણ ફોન કરીને કહ્યું છે. મહેરા સાહેબ તેમનાં પત્ની સાથે પહેલાં નેહાબેનને ત્યાં જવાના છે. એ લોકો ટ્રેનમાંથી ઊતરીને ફોન કરશે. નેહાબેને અહીંના કાગળો તૈયાર રાખવાનું પણ કહેલું છે.’ દુર્ગાએ માંડીને વાત કરી.

રાત્રે માધો મારી પાસે આવીને પૂછવા માંડ્યો, ‘મહેરા સાહેબ આવ્વાના છે એ નેહાબેનને કોણે કહ્યું?’

‘કોણ મહેરા સાહેબ?’ મેં સાવ અજ્ઞાન દર્શાવ્યું.

‘કાંઈ નહીં’ માધોએ વાત પલટી, ‘આ તો દિલ્લીથી એક મે’માન આવ્વાના છે. પાછા રાતે ને રાતે જ એ લોક દિલ્લી જાવાના. એટલે બેને સીધો દિલ્લી ફોન કરેલો તે નેહાબેનને ના ગમ્યું એવું બેન કે’તાં’તાં.’

‘તો?’

‘તો કાંઈ નંઈ.’ માધો હસ્યો અને બીડી સળગાવતાં આગળ બોલ્યો, ‘નેહાબેને દુર્ગાઈને જોડે મોકલવાનું કીધું છે. ત્યાં આંટાફેરામાં કંઈ કામ આવે.’

મેં આ વાત દુર્ગાને કરી તો તે હસી પડતાં બોલી, ‘નેહાબેન વચ્ચે રહ્યાં તે નલિનીબેનને નહીં ગમે. ને હું જોડે જવાની એટલે જોઈ લો મજા.’

આ ગણગણાટ પરથી બાળકોએ તારવી લીધું કે કાલે નેહાબહેન મહેમાનને લઈને આવવાનાં છે. તે રાતની બાળસભામાં મહેમાન કોને લઈ જવાના છે તેની ચોખવટ ન કરાઈ હોત તો કદાચ તે રાતે છોકરાં ઊંઘી પણ ન શકત.

માધોએ મને કહેલું કે નેહાબહેને દુર્ગાને મોકલવાનું કહ્યું છે; પણ રાત સુધીમાં તો નલિનીબહેને દુર્ગાને બોલાવીને કંઈ કહ્યું નહોતું.

બીજે દિવસે નવેક વાગે મારું ઑફિસનું પાણી ભરવાનું કામ ચાલતું હતું અને દુર્ગા નલિનીબહેન પાસે આવી. કદાચ વહેલી સવારે બહેને સંદેશો મોકલ્યો હોય એટલે કે પછી ‘નેહાબેને કહ્યું છે એટલે બેન મોકલશે’ તેમ માનીને દુર્ગા જરા સરખી તૈયાર થયેલી. એને તૈયાર થયેલી જોતાં જ નલિનીબહેનને જાણે કંઈક થયું હોય તેમ ચમકી પડ્યાં.

થોડી વાર વિચિત્ર નજરે દુર્ગા સામે જોઈ રહીને નલિનીબહેને મોં બગાડ્યું અને બોલ્યાં, ‘ઓહો, તમે તો બહુ સજ્યાં-ધજ્યાં! જાણે મહેરા તમને જ લઈ જવાના હોય!’ અને પછી ઉમેર્યું, ‘મૂરખ. એટલું તો વિચારતાં હો કે હવે ક્યાં જવાનાં? આવડાં મોટાં ઢાંગાંને લઈને કોઈ શું કરે!’

નીચું જોઈ જવા સિવાય મારાથી કશું થઈ શક્યું નહીં.

મને હતું કે દુર્ગા તીવ્ર પ્રતિભાવ આપશે; પરંતુ તે પણ કંઈ જ બોલી નહીં. તે જે કહેવા આવી હશે તે પણ તેણે કહ્યું નહીં. કશો જ ઉત્તર આપ્યા વગર તે ત્યાંથી જતી રહી.

બારણાં બહાર જઈને દુર્ગા જરા રોકાઈ. પછી, હંમેશ કરતી તેમ, પાછળ જોયા વિના તે બોલી, ‘હું એ લોક જોડે દવાખાને કે કોરટમાં બધે જ જવાની છું.’ પછી દોડી ગઈ.

દુર્ગા દોડતી જતી રહી તેનું કારણ કોઈ પણ સમજી શકે તેવું હતું. તેના મોઢા પર, મારી હાજરીમાં જ તેને આટલી ક્રૂરતાપૂર્વક કહી બતાવાયું હતું કે જે ઉંમરની છોકરીને કોઈ દત્તક ન લે એટલી ઉમ્મરે તે પહોંચી ગઈ છે. આવે સમયે આંસુ રોકી રાખવાં દુષ્કર હોય છે અને દુર્ગાને જેણે રડતી જોઈ હોય તેવું કોઈ ભાગ્યે જ કોઈ મળે.

આંખ છલકાઈને ગાલ પર વહી નીકળે તે પહેલાં દુર્ગા ત્યાંથી ભાગી ગઈ. ઑફિસનું કામ પૂરું કરીને હું દુર્ગા ક્યાં છે તે જોવા નીકળ્યો. આખા આશ્રમમાં ફરી વળ્યો; પણ દુર્ગા ક્યાંય દેખાઈ નહીં. નિશાળને તો હજી વાર હતી. કદાચ અગાસીએ જઈને બેઠી હોય તેમ માનીને અગાસી પર ગયો તો તે ત્યાં નહોતી. દૂર પીળા મકાન પાછળના ખેતરમાં સામે છેડે પાછલી દીવાલ પાસે આવેલા કૂવા પર બેઠેલી જણાઈ. પીપળાના થડે અઢેલીને હીબકે ચડીને રડતી હતી.

ત્યાં જવાની મારી હિંમત નહોતી. તે પળે ભર્યાભાદર્યા આખા જગતમાં દુર્ગા સાવ એકલીઅટૂલી હતી; તોપણ મારાથી તેની પાસે જવાયું નહીં. ક્યાંય સુધી તે ત્યાં બેસી રહી. કોઈએ તેને શોધી પણ નહીં, ન કોઈએ તેની સાથે વાત કરી.

છેવટે જે બન્યું હતું તે મેં નંદુને કહ્યું. નંદુએ ધ્યાનથી બધું જ સાંભળ્યું. કૂવા પર જતાં નંદુ મને હાથ પકડીને સાથે લઈ ગયો. અમને આવતાં જોઈને દુર્ગાએ આંખો લૂછી નાખી. નંદુનો હાથ છોડાવીને હું ધીમો પડી ગયો. નજીક જવાનું મને બરાબર ન લાગ્યું. હું થોડે દૂર કૂવાની પાળે ટેકો લઈને ત્યાં જ રોકાઈ ગયો.

નંદુ પોતાનો ઉપરણો ખભે નાખીને દુર્ગા સામે બેઠો અને દુર્ગાના ગોઠણ પર હાથ મૂકીને કહ્યું, ‘જાણું છું મા, બધી ખબર પડી છે. ભલે બોલી ગયાં નલિનીબેન. તું દુ:ખ ન લગાડતી.’ પછી થોડું રોકાઈને પૂછ્યું, ‘તું જ કહે, બેન ખોટુંયે ક્યાં કહે છે? એમણે કહ્યું તે જ તો સાચું છે. તું ક્યાં જવાની? તારાથી ક્યાંય જવાનું બનશે? બનવાનું પણ કેમ કરીને? આટઆટલાં ભટુરિયાંની ચિંતા છોડીને મા કંઈ જતી થોડી રહેવાની? તને લેવા કોઈ આવે તો પણ, હું જાણું છું, તું જ કહેવાની, ‘મને નહીં, કરમીને લઈ જાવ.’ આ નંદુ શું તને ઓળખતો નથી?’

દુર્ગા શાંત રહી. તેણે કશો જવાબ ન આપ્યો; પણ ઊભી થઈને અમારી સાથે ચાલી. અમે પીળા મકાન પાસે પહોંચ્યાં અને દરવાજામાંથી મહેરા કુટુંબને લઈને આવતી કાર પ્રવેશતી દેખાઈ. કારને આવતી જોતાં જ દુર્ગા લગભગ દોડતી હોય તેમ ઑફિસ તરફ ચાલવા માંડી.

હું અને નંદુ પણ ઑફિસે ગયા. મહેરા અને તેમનાં પત્ની બે જ જણાં ગાડીમાંથી ઊતર્યાં. નેહાબહેન એમની સાથે નહોતાં.

નલિનીબહેને બહાર આવીને, મહેમાનોને આવકાર આપ્યો અને અંદર લઈ ગયાં. નંદુ પાછળ ગયો. હું અને દુર્ગા પરસાળમાં ઊભાં હતાં.

અમારા પર નજર પડતાં નલિનીબહેને મને ચા બનાવવા કહ્યું અને દુર્ગાને પૂછ્યું, ‘તું અહીં શું કરે છે?’

‘ઊભી છું.’ દુર્ગાએ નિર્વિકાર સ્વરે જવાબ દીધો. નલિનીબહેને બે પળ ગુસ્સાથી તેને જોઈ રહ્યાં પરંતુ આગળ કંઈ કહ્યું નહીં.

‘તું અંદર જા. તારે ચા મૂકવાની છે.’ કહીને દુર્ગા પગથિયાં ઊતરીને મહેમાનોની ગાડીને ટેકો દઈને ઊભી રહી.

હું ઑફિસમાં ગયો. કબાટ ખોલીને દૂધ-ચા-ખાંડ કાઢીને ખૂણામાં પાર્ટીશન પાછળ ચા બનાવતો ઊભો. બહેન કોઈ સાથે ફોન પર વાત કરતાં હતાં. ‘હા, સહી કરાવીને મોકલું છું. તમતમારે છોકરો આપી દેજો... હો, હો, બાકીનું અમે કરી દઈશું... હા એ લોક નીકળે જ છે... હમણાં તમારે ત્યાં આવશે.’

વાત પૂરી કરીને બહેને મહેરાને કહ્યું, ‘આપ વહીં જાઈયે. બેબી વહીં સે લે જાઈયે. એક દિન કે બચ્ચે કો ખામ-ખાં યહાં-વહાં...’

‘જી, ઠીક હૈ, ઠીક હૈ.’ તે પતિ-પત્ની તો જાણે બાળક પોતાના ખોળામાં આવી ગયું હોય એટલાં ખુશ થયાં. મહેરાની પત્નીએ બહેનનો હાથ પકડીને બે-ત્રણ વખત આભાર માન્યો.

ચા-પાણી પતાવીને મહેમાનો ઊભાં થયાં. અચાનક નલિનીબહેને બહારથી દુર્ગાને બોલાવીને કહ્યું, ‘તું આ લોકો જોડે જા. કશું લેવા-મૂકવામાં મદદ થાય.’

‘તમે નેહાબેનને ફોન કરો. પછી જઉં.’ દુર્ગા બોલી.

‘ઉનકો ફોન કર લેંગે.’ મહેરાએ કહ્યું, ‘ઈનફેક્ટ, ગાડીસે ઉતરતે હી મુઝે ઉનકો બુલાના તય હુઆ થા. પર અબ અસ્પતાલ જાતે હૈં. વહીં સે ફોન કરકે બાત કર લેંગે.’

બાળક મેળવી લેવાની, તેને રમાડવાની ઉતાવળ, રાતની ગાડી પકડીને પાછા જવું જરૂરી હતું તે ઉતાવળ. તે લોકો તરત જ ટેક્સીમાં બેસવા ગયાં. ‘મૈં આતી હું’ કહેતાં દુર્ગા વધારે દલીલ કર્યા વિના ગાડીમાં બેસી ગઈ. ગાડી ઉપાડતાં પહેલાં મહેરાએ મને ડૉક્ટરનું સરનામું બતાવતાં કહ્યું, ‘આપને યે જગા દેખી હૈ?’

આવડો મોટો માણસ મને આપ કહીને બોલાવે તે મારા માટે નવું હતું. મેં સરનામું વાંચ્યું અને કહ્યું, ‘હાં, નેહાબેન કે ઘરસે થોડા આગે. સ્ટેશન કે સામને વાલી ગલીમેં’ મેં કહ્યું. અને ડ્રાઇવરને સમજાવ્યું કે તેણે કયાં જવાનું છે.

એ લોકો ગયા અને હું ચાનાં વાસણ સાફ કરતો હતો અને ફોન આવ્યો. નલિનીબહેન ઘરે ગયાં હતાં એટલે લક્ષ્મીએ ફોન ઉપાડ્યો. અને મારી તરફ જોઈને કહ્યું, ‘નેહાબેનનો ફોન છે.’ પછી ફોન પર જવાબ દીધો, ‘મેરાનું કામ તો બેને કરી આલ્યું. એ લોક તો છોકરો લેવા જતાંય રયાં.’

ફોન પરથી સામેથી બોલાયેલું સાંભળીને લક્ષ્મી આગળ બોલી, ‘એ તો ખબર નંઈ. ઑફિસમાં હું છું. ને પેલો છોકરો સાઇકલવાળો છે.’ પછી થોડું સાંભળીને મને ફોન આપતાં કહે, ‘લે વાત કર.’

ફોન પર નેહાબહેને મને કહ્યું, ‘એક કામ કર. તું જલદી દવાખાને પહોંચ. અને એ લોકો નીકળી ગયાં હોય તો રેલવે સ્ટેશને જઈને તપાસ કરજે. મહેરા ત્યાં હોય તો તેમને કહે કે મને ફોન કરે. તરત ફોન કરાવજે.’

‘હા, જઉં છું. અને સાંભળો, દુર્ગા એમની સાથે ગઈ છે.’ મેં કહ્યું.

સાઇકલ લઈને હું દવાખાને ગયો તો મહેરાકુટુંબ બાળક લઈને નીકળી ગયું હતું. ત્યાંથી સ્ટેશને પહોંચ્યો તો ટિકિટબારી સામે ઊભી ઊભી દુર્ગા એક હથેળીમાં બીજા હાથની આંગળી મૂકતી રહીને મહેરાની પત્નીને કશુંક સમજાવવા મથતી હતી.

મહેરા રિઝર્વેશનનો ચાર્ટ જોતા ઊભા હતા. ત્યાં પહોંચીને હું મહેરાને કંઈ કહું તે પહેલાં રિક્ષામાંથી નેહાબહેન ઊતરતાં જોઈને હું અટક્યો.

નેહાબહેને આવીને બાળકને જોયું, માને વધાઈ આપી અને કહ્યું, ‘મહેરાજી, બચ્ચે કો આપ ઐસે સીધે ક્લીનીક સે નહીં લે જા સકતે. પહેલે ઇસે અનાથાલય લે જાના પડેગા. વે લોગ વહાંસે સિવિલ અસ્પતાલમેં ચેક-અપ કરવાયેંગે. બાદમેં મૅજિસ્ટ્રેટ કે સામને રજિસ્ટ્રેશન હોગા. ઇસકે બાદ બચ્ચા આપકો મિલેગા. યે પ્રોસિજર હૈ.’

મહેરાના પત્ની અમારી પાસે આવીને બોલ્યાં, ‘ઇતને છોટેસે બચ્ચેકો કહાં કહાં ઘુમાયેંગે! વો વહાંવાલી બહન તો કહ રહી થી કી સબ ફોરમાલિટી વે લોગ કર લેંગે’

‘વે ઐસા નહીં કર સકતે. હો સકતા હૈ થોડા કામ નિપટા સકે; લેકિન સિવિલ મેં ચેક-અપ તો બચ્ચે કા હી કરના હોગા. વહ કૈસે કરેંગે?’ નેહાબહેને ખુલાસો કર્યો અને આગળ કહ્યું, ‘આપકી ગાડી તો રાત દસ બજે જાયગી. અભી તો દોપહર બારા બજે હૈં. આપ મેરે સાથ ચલીયે, કમસે કમ સિવિલમેં ચેક-અપ તો કરવા હી લિજીયે. મૈં સાથ રહૂંગી, જલદી હો જાયેગા.’

મહેરાએ થોડો વિચાર કર્યો અને અમે બધાં સિવિલ હૉસ્પિટલ ગયાં. નેહાબહેને ડૉક્ટરને વિગતે બધી વાત કરી. મહેરાને સાંજે નીકળવાનું છે એટલે ઉતાવળ રાખવા ભલામણ પણ કરી.

ડૉક્ટર બાળકને તપાસે ત્યાં સુધીમાં અમે વારા ફરતી કેન્ટીનમાં નાસ્તો કરી આવ્યાં. સાડા ત્રણ વાગે ડૉક્ટરે મહેરાદમ્પતીને બોલાવીને બાળક સોંપતાં પૂછ્યું, ‘રજિસ્ટ્રેશન કરાવી લીધું?’

‘તમે તપાસી ન લો ત્યાં સુધી કેવી રીતે થાય?’ નેહાબહેને કહ્યું.

‘બધુંય થાય છે. આ લોકો બધું કરાવી શકતા હોય.’ ડૉક્ટર હસીને બોલ્યા. પછી મહેરા તરફ ફરીને કહ્યું, ‘આપ રજિસ્ટ્રેશન મત કરવાઈએ. બચ્ચેકો યહાં છોડ જાઈયે. હમ ઉસે વાપસ બાલાશ્રમમેં ભેજ દેંગે.’

મહેરા અને તેની પત્ની મૂંઝવણમાં પડી ગયાં. તેમણે નેહાબહેન સામે જોયું. નેહાબહેને તેમને શાંત રહેવા ઇશારો કરીને ડૉક્ટરને પૂછ્યું, ‘કેમ, કંઈ મુશ્કેલી છે?’

ડૉક્ટરે કહ્યું, ‘મુશ્કેલી નહીં, મુશ્કેલીઓ છે. આની માએ કોઈ ગોળીઓ ગળી હોય કે ગમે તેમ; પણ મોટો થાય ત્યારે તેને ઘણા પ્રશ્નો થાય તેવી શક્યતા છે. થાઈરોડનો તો થશે જ. શરીર પૂરું વિકસે નહીં કે કદાચ મંદબુદ્ધિ પણ થાય. કંઈ કહેવાય નહીં. આ લો વાંચો.’ ડૉક્ટર નેહાબહેનના હાથમાં રિપોર્ટ આપતાં બબડ્યાં, ‘આશ્રમવાળા પણ ખરા છે. આમ છોકરું જન્મ્યું કે સીધેસીધું કોઈને પધરાવી દેવાનું!’

ડૉક્ટરે મહેરા દંપતીને પણ આ સમજાવ્યું. પતિ-પત્ની બેઉના ચહેરા ઝાંખા પડી ગયા. એનાથી પણ વધુ ઝાંખપ દુર્ગાના ચહેરા પર આવી. થોડી પળો મૌન છવાયું.

નેહાબહેન કંઈક બોલવા જતાં હતાં ત્યાં જ મહેરાનાં પત્નીનો અવાજ સંભળાયો, ‘હમ લે જાયેંગે. ઇસી બચ્ચે કો લે જાયેંગે. જબ લે હી લીયા હૈ તો અબ યે હમારા હો હી ગયા.’

મહેરા કંઈ બોલ્યા નહીં. અમે બધાં આશ્ચર્યથી શ્રીમતી મહેરાને જોઈ રહ્યાં. ડોક્ટરે કહ્યું, ‘ઇતના ઇમોશનલ બનને...’

‘બાત ઇમોશનલ હોને કી નહીં હૈ દાક્તરજી,’ મહેરાનાં પત્નીએ વચ્ચે જ કહ્યું, ‘બાત મેરે અપને બચ્ચે કી હૈ. આપ સમજીયે. મૈને ઉસે લે લીયા હૈં. અબ યે મેરા હો ગયા. મૈં અપને બચ્ચે કો અનાથાલય મેં કૈસે છોડ દૂં?’

તે સ્ત્રી પોતાના પતિ સામે ફરી અને આગળ બોલી, ‘આપ ભી બોલીયે, અગર મેરી કોખ સે હુઆ હોતા તો કીસી કે કેહને પર હમ ઇસે છોડ દેતે ક્યા? આપ સમજતે હૈ મૈં ક્યા કહ રહી હૂં!’

‘હાં. બિલકુલ સમઝતા હૂં.’ મહેરાએ પત્નીને જવાબ આપ્યો.

ડૉક્ટરને અને નેહાબહેનને સમજાવતાં મહેરાએ ફરી કહ્યું, ‘ દેખીયે, હમ દોનોં દિલ્હીસે રાતભર ઇસી બચ્ચેકે ખ્વાબ દેખતે આયે હૈં. અબ વો જૈસા હૈ વૈસા, હમારા હૈ. હમ લે જાયેંગે. આપ પેપર્સ કરવા દીજીયે.’

‘પક્કા?’ નેહાબહેને આંખો વિસ્તારતાં પૂછ્યું.

‘હાંજી, પક્કા.’ મહેરાએ કહ્યું.

ડૉક્ટર મૌન રહીને તે બેઉને જોઈ રહ્યા. પછી આશ્વાસન આપતા હોય તેમ બોલ્યા, ‘શાયદ આગે કુછ ભી પરેશાની ના હો ઐસા ભી હો સકતા હૈં.’ પછી સહેજ અટકીને બોલ્યા, ‘અગર હો ભી તો તબતક મેડિકલ સાયન્સ ભી ઇતના આગે નિકલ ગયા હોગા.’

ડૉક્ટરની વાતનો મહેરાએ કંઈ પ્રતિભાવ ન આપ્યો. રિપોર્ટ લઈને પોતાની બૅગમાં મૂક્યા અને પત્ની સામે જોઈને બોલ્યા, ‘ચલેંગે?’

કૉર્ટની કાર્યવાહી પૂરી કરીને અમે નેહાબહેનને ઘરે ગયાં. રાતે આઠ વાગે હું અને દુર્ગા મહેરાને મૂકવા સ્ટેશન પર ગયાં.

દુર્ગા અને હું ગાડી આવી ત્યાં સુધી સ્ટેશન પર રોકાયાં. મહેરાદંપતી ગાડીમાં ચડવા ગયાં ત્યારે દુર્ગાએ તે કદી ન કરે તેવું કર્યું. તે છોકરી નીચે નમી. પતિ-પત્ની બેઉ જણના પગે હાથ અડાડીને ઊભી થઈ.

રાત્રે નંદુએ વાત જાણી તો તેની આગવી રીતે કહ્યું. ‘આપણે ઓળખતાં ન હોઈએ; પણ આદિબ્રહ્મમાંથી માનવી માત્રમાં ભલાઈનો તંતુ ઊતરી આવે છે. ક્યારે કયા સમયે તે રણઝણી ઊઠે એ કોણ જાણે છે?’

***