Karnalok - 10 in Gujarati Moral Stories by Dhruv Bhatt books and stories PDF | કર્ણલોક - 10

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

કર્ણલોક - 10

કર્ણલોક

ધ્રુવ ભટ્ટ

|| 10 ||

સવારે કાગળો લઈને નેહાબહેનને આપ્યા પછી નંદુ સીધો ઘરે ગયો. મેં નેહાબહેનના ઘરે જ બે કલાકની ઊંઘ ખેંચી લીધી. નવેક વાગે નહાઈને દુકાને જવા તૈયાર થયો ત્યાં દુર્ગા આવી.

‘ક્યાં ચાલ્યો?’ મને જવાની તૈયારી કરતો જોઈને દુર્ગાએ પૂછ્યું.

‘બસ. હવે પાછા દુકાને.’

‘રોકાઈ જાને. શેફાલીનું કામ થઈ રહે એટલે બપોરે સાથે જતાં રહીશું.’ દુર્ગા બોલી.

નેહાબહેને પણ મને જમીને જવાનો આગ્રહ કર્યો. શક્ય હોય તો કૉર્ટમાં પણ આવવાનું કહ્યું. અગિયાર આસપાસ અમે કાગળો લઈને કૉર્ટમાં ગયાં.

થોડી પૂછપરછ પછી કણ્ણગીને શેફાલીને લઈને જવાની રજા મળી ગઈ. શેફાલી રોઝમ્મા પાસે દવાખાનામાં હતી. તેને લેવા હું અને દુર્ગા કણ્ણગી સાથે ગયાં. નેહાબહેન સીધાં તેમની ઑફિસે જવા નીકળ્યાં.

શેફાલીને હાથમાં લેતાં જ કણ્ણગી રડી પડી. નાનકડી છોકરીને છાતીએ વળગાડીને તેણે મન ભરીને વહાલ કર્યું પછી રોઝમ્માને અંગ્રેજીમાં કંઈક પૂછ્યું.

રોઝમ્માએ અમને કહ્યું, ‘મૅડમ કો મદુરાઈ ફોન લગાના હૈ. પોસ્ટ આફિસ તક સાથમે જાયેગા?’

અમે બધાં તાર-ફોન ઑફિસે ગયેલાં. કણ્ણગીએ લાઇટનિંગ કૉલ લગાડેલો. ઘડીભર તો તે આનંદની મારી વાત ન કરી શકી. જાણે ખોવાયેલી દીકરી પાછી મળી આવી હોય તેમ રડતાં રડતાં એકનાં એક વાક્યો બે-ત્રણવાર કહેતી રહી હોય તેવું લાગ્યું.

ત્યાંથી અમે નેહાબહેનને ઘરે પહોંચ્યાં તો બે વાગવા આવેલા. સાંજની ગાડીમાં કણ્ણગીને જવાનું હતું. નેહાબહેને ફરી તેની સાથે કંઈક વાત કરી. શ્રીમતી આયંગરનું મોં પડી ગયું હોય તેવું લાગ્યું. પણ નેહાબહેને કંઈક આશ્વાસન આપતાં તે સ્વસ્થ થઈને શેફાલીની દેખભાળમાં પડ્યાં.

નેહાબહેનનાં બા તેમના કમરામાંથી બહાર આવ્યાં અને કણ્ણગી આયંગરને પૂછ્યું, ‘મળી ગઈને તને છોકરી, હવે તો ચિંતા નથીને?’

કણ્ણગીને બા શું કહે છે તે સમજ ન પડી એટલે એ નેહાબહેન સામે જોઈ રહી.

‘હા. મળી ગઈ. એના રૂમમાં જ સૂવરાવી છે.’ નેહાબહેને બાને કહ્યું, ‘કણ્ણગીને નવાઈ લાગે છે કે સરકારી કામ, કૉર્ટનું કામ આમ આટલા સમયમાં થયું કેમ કરીને! એ તો માની શકતી નથી. નંદુનો અને આ છોકરાનો આભાર માનવાનું કહ્યા કરે છે.’

‘એના બધા કાગળો પાકા થઈ ગયા?’ માજીએ નેહાબહેનને પૂછ્યું.

‘હા; પણ મ્યુનિસિપાલિટીમાં શેફાલીનાં માતા-પિતા કરીકે એ લોકોનાં નામની નોંધણી કરવાની ના પાડે છે. કહે છે કે એવો કાયદો નથી.’

‘તે હવે શું કરવાનું? તારે દોડવાનું થશે?’ માજીએ ચિંતા કરી.

‘કરીશું કંઈક.’ નેહાબહેને વિચારમાં હોય તેમ જવાબ આપ્યો, ‘અત્યારે તો એ શેફાલીને લઈને જાય છે. પછી કંઈક થાય તો જોઈશું.’

માજીને કંઈક યાદ આવ્યું હોય તેમ બોલ્યાં, ‘સવારે તમે નહોતાં ત્યારે પેલો રિક્ષાવાળો અને એની વહુ આવેલાં.’

‘હં.’ નેહાબહેને ટૂંકમાં કહ્યું. બા પોતાના કમરામાં ગયાં. નેહાબહેને મને અને દુર્ગાને ઉદ્દેશીને કહ્યું, ‘હું નલિનીબેન પાસે જ જઉં છું. તમારે સાથે આવવું હોય તો થોડી રાહ જુઓ.’

અમે રાહ જોઈ અને નેહાબહેનની સાથે જ રિક્ષામાં જ જવાનું રાખ્યું. આજે પણ દુર્ગા સાથે તે પીળા મકાનમાં કેવી રીતે આવી તે વાત ન થઈ શકી.

ઑફિસે પહોંચીને મેં ચા મૂકી ત્યાં નલિનીબહેન આવ્યાં. નેહાબહેને તેમને પૂછ્યું, ‘હવે આ સૌમ્યાનું શું કરીશું?’

‘તમે તો જાણો છો કે સરકારી કામ એટલે જવાબદારી. કાયદા-કાનૂનમાં આપણને બહુ ખબર ના પડે. હું તો ઉપરની ઑફિસે લખાણ કરીશ, ટ્રસ્ટીઓને નકલ મોકલીશ. પછી જેવી સૂચના મળે એવું મારાથી થાય.’ નલિનીબહેને કહ્યું.

સૌમ્યાને હુસ્ના લઈ જવાની હતી; પરંતુ કોર્ટે ડિપોઝિટ માગી એટલે એને પાછી પીળા મકાનમાં લાવવી પડી હતી. સંસ્થામાં નિયમોનો ગૂંચવાડો સર્જાયો હતો. દત્તક અપાઈ ગયેલું બાળક અહીં કેમ રાખી શકાય?

નેહાબહેને કહ્યું, ‘આપણે રજિસ્ટરમાં વિગતે નોંધ લખીએ, કૉર્ટના ઓર્ડરની નકલ ચીપકાવી દઈએ. ફારુક પચાસ હજાર ન ભરે ત્યાં સુધી બાળકની કસ્ટડી આપણા સિવાય બીજું કોણ રાખે?’

‘પચ્ચાહજાર ભરવાનું એ રિક્ષાવાળાનું ગજું ક્યાં છે? એ કરતાં તમે આ શેફાલી માટે ગોત્યું એવું બીજું કોઈ ગોતી કાઢો એટલે જા બિલાડી મોભા-મોભ. તમે તો ઘણાંને ઓળખો છો. આજે નહીં તો કાલે, સૌમ્યાને ફારુકીયા અને હુસની કરતાં ક્યાંય વધારે સારાં મા-બાપ મળી રહેશે.’

ચાનાં વાસણ સાફ કરીને બહાર નીકળતાં મેં આ સાંભળ્યું. ઘડીભર ઊભો રહીને નેહાબહેન શું કહે છે તે સાંભળવાની લાલચ છોડી શકાઈ નહીં.

નેહાબહેને કહ્યું, ‘હુસ્ના કરતાં સમૃદ્ધ, સુખી માણસો મળી શકે; પણ એવું કરાય નહીં. આ કેસમાં તો સૌમ્યાની મા તરીકે હુસ્ના જ યોગ્ય છે.’

દુકાને જઈને કામ શરૂ કર્યું પણ મન તો સૌમ્યાના ભાવિ વિશે વિચાર્યા કરતું રહ્યું. કોઈ આવે, બેસે તો કંઈક વાત પણ કરી શકાય; પરંતુ દરવાજા બહાર નેહાબહેનને લઈને આવેલી રિક્ષા સિવાય બધે સૂમસામ હતું.

કેટલીયે વારે નલિનીબહેન અને નેહાબહેન બહાર આવ્યા. રિક્ષા તરફ જતાં પહેલાં તે બેઉ મારી દુકાન સામે જ વાતો કરતાં ઊભાં. એ બેઉ હજી પણ કાયદાની અને નિયમોની ચર્ચા કરતાં હોય તેવું લાગેલું. ખાસ કરીને ફારુકની વાત ચાલતી હોય તેવું લાગ્યું.

નેહાબહેનના મોં પર ગુસ્સો અને મૂંઝવણ દેખાતાં હતાં. નલિનીબહેન તેમને સમજાવતાં હોય તેમ બોલ્યાં, ‘આપણે ચોપડી વાંચીને નિયમો જોયાને? કાયદામાં આવી ડિપોઝિટ મૂકવાની કોઈ જોગવાઈ નથી. છતાં છોકરીની સલામતી માટે માગે; તો બહુ બહુ તો કોઈને જામીન થવાનું કહે. કોરટમાં રોકડા પૈસા જમા કરવાનો હુકમ થયાનું હજી સુધી ક્યાંય સાંભળ્યું નથી; પણ કોરટ સામે આપણાથી શું થાય?’

‘તમે સંસ્થા તરફથી હાઈકૉર્ટમાં અપીલ કરી શકો?’ નલિનીબહેનનો હાથ હાથમાં લેતાં નેહાબહેન કરગરતાં હોય તેમ બોલ્યાં, ‘નાનું બાળક હેરાન થાય છે. બીજી તરફ હુસ્નાને છોકરી નહીં મળે ત્યાં સુધી એ મને ઝંપવા નહીં દે. આ તમારી દુર્ગા પણ મને રોજ યાદ કરાવશે.’

નલિનીબહેન તરત કંઈ બોલ્યાં નહીં. એ કયા દુ:ખે, કયા વિચારે આવી વિધિ કરવાના! એમણે સ્પષ્ટ કહી દીધું, ‘મારે એવી લપમાં પડવું નથી. તમને ખબર નથી. એક રિક્ષાવાળા માટે કાયદાના કાગળો કરવા સુધી જઉં તો ટ્રસ્ટીઓ મને લેતા પડે કે તમારે એવું તે શું છે? હા શેફાલી માટે કરવાનું હોત તો હજીયે હિંમત કરત.’

નલિનીબહેન આવજો કહીને અંદર ગયાં અને નેહાબહેન મારી દુકાન જોવા રોકાયાં. મને શું આવક થાય છે, કેટલું કામ મળે છે, બીજું કંઈ કામ કરવાનું ફાવે કે નહીં? જેવા થોડા પ્રશ્નો પૂછ્યા.

‘ફાવે, કોઈ પણ કામ ફાવે. મશીનનું હોય તો વધુ મજા પડે.’

‘મશીન બનાવવાને બદલે વેચવાનું હોય તો તને ગમે?’

‘હા. તોપણ ગમે. લોકોને મશીન સમજાવતાં સારી ગમ્મત પડે.’

‘ગમ્મત અને મજામાં ફરક છે હો.’ નેહાબહેને હસીને કહ્યું, ‘આ તો તને પૂછી રાખું છું. કદાચ કોઈને જરૂર હોય તો કહી શકાય.’

‘કંઈ વાંધો નહીં. હું કરીશ.’ મેં જવાબ આપેલો.

નેહાબહેન થોડું રોકાઈને ચાલ્યાં ગયાં. રાત્રે હું ડાયરી લખવા બેઠો તો લાગ્યું જાણે હુસ્ના મને કહેતી હોય, ‘રીસ્તે ક્યા સીરીફ સગાઈસે જ બનતે હૈ?’ નેહાબહેન કહેતાં હોય ‘હુસ્ના અને દુર્ગા મને ઝંપવા નહીં દે.’ વ્યવહારુ સૂચન કરતાં નલિનીબહેન જાણે કહે છે, ‘જા બિલાડી મોભામોભ.’

આ બધાં વાત કરતાં હતાં એક અસ્તિત્વ વિશે. રાતભર ઝાકઝમાળ ચમકતાં શહેરો અને ટમટમતાં ગામડાંઓથી સુશોભિત આ રમ્ય કહેવાતી પૃથ્વી પર હજી થોડા દિવસો અગાઉ પધારેલી એક જીવતી જાગતી સુકુમાર બાળકી વિશે. આ બધી સ્ત્રીઓના અભિપ્રાયમાંથી સાચું અને સારું શું હતું તે તો આવનારા સમય સિવાય કોઈને ખબર નથી.

નંદુ કદાચ સાચું કહેતો હતો, માનવસમાજ માટે સૌથી કપરી ઘડી નિયમો અને કાયદા ઘડવાની જરૂર ઊભી થઈ તે પળે હતી.

આવા વિચારો મને શા માટે આવે છે તે હું સમજી ન શક્યો. મારે તો આ બધાંથી અલિપ્ત, અળગા રહેવું છે. એક ઝનૂનપૂર્વક. મારી આગવી ઓળખ સાથે. બીજાથી જુદા હોવાની સભાનતા સાથે. તો પછી સૌમ્યા વિશે આટલી ચિંતા મને શા કાજે થાય છે?

એક ઊંડી આશંકા જન્મે છે. કોઈ અજાણ્યા રસ્તે મારા જગતને પીળા મકાનના લોક સાથે જોડતો સેતુ સર્જાતો જાય છે. એ જો જોડાઈ ગયો તો લાખ પ્રયત્ને પણ તે તોડી શકાવાનો નથી. ઉપાય એક જ છે કે અત્યારે જ આ પીળી દીવાલને ટેકે, મેં જ ઊભી કરેલી દુકાન છોડીને નાસી જઉં. એમ કરતાં મને કોણ રોકે છે તે સમજી શકતો નથી.

લખી રહ્યો ત્યાં દુર્ગા આવી. ‘ઓહો, પંડિત લખવા બેઠા?’ કહીને તેણે ડાયરી તરફ હાથ લંબાવતાં કહ્યું, ‘લાવ જોઈએ. વાંચીએ તો ખરા કે મહાશય કેવુંક લખે છે!’ હા-ના કરું ત્યાં તો તેણે ડાયરી છીનવી લીધી. પછી કહે, ‘લાવ. તારી પેન આપ.’

‘અંદર કંઈ લખતી નહીં.’ મેં કહ્યું; છતાં પેન તો આપી જ.

દુર્ગાએ ડાયરીમાં લીટી દોરતી હોય તેમ પેન ફેરવીને મને પાછી આપતાં કહ્યું, ‘લખ્યું નથી; પણ તેં ભૂંસવાની ના નહોતી પાડી.’

દુર્ગાના હાથમાંથી ડાયરી લઈને મેં જોયું તો તેણે ફકરાનાં છેલ્લાં બે વાક્યોને છેકી નાખ્યાં હતાં. મેં રોષપૂર્વક તેની સામે જોયું.

દુર્ગા જોરથી હસી પડતાં બોલી, ‘તને તો ખિજાતાંય નથી આવડતું. આંખો બતાવ્યે દુર્ગા ડરી જશે એમ?’

મેં કંઈ જવાબ ન આપ્યો. દુર્ગાએ માફી માગતી હોય તેમ હાથ જોડવાનું નાટક કર્યું. પછી ધીરેથી, કોઈ ગંભીર વાત કરતી હોય તેમ બોલી, ‘તને એક વાત કહેવી છે; પણ આજે નહીં કહું. સમય આવ્વા દે. અત્યારે તો એ જ કહેવાનું કે મોટી ફિશિયારીની વાતો લખવાનું બંધ કરી દે. તારું ભલું થશે.’

‘તું તારું ભલું વિચાર. મારું હું કરી લઈશ.’ મેં જવાબ આપ્યો.

દુર્ગા મોં બગાડીને વાત બદલતાં બોલી, ‘કાલ શહેર આવવું છે?’

‘ના. બહુ દિવસ દુકાન બંધ રાખી. ઘરાકોને ધક્કા પડે તે ન પોસાય.’ પછી ફરી થયું કે કંઈક અગત્યનું કામ હોય તો પૂછી લઉં, ‘કેમ કંઈ ખાસ કામ છે?’

‘ના. પૈસા વાપરવા.’ દુર્ગાએ કહ્યું અને ફ્રોકના ખિસ્સામાંથી થોડી નોટો કાઢી બતાવીને કહ્યું, ‘પટેલ લોકોના લગનમાં અમે પીરસવા ગયેલાં ત્યારનો પગાર છેક આજે મળ્યો. બધી છોકરીઓ માટે બંગડીઓ લઈશું.’

‘તમે લોકો જ જાવ. મારે કામ છે.’

‘ભલે ત્યારે, કરો કામ. બસ ત્યારે?’ દુર્ગા એવા ધારદાર અવાજે ‘બસ ત્યારે?’ બોલી જાણે કહેતી હોય, ‘તમારી આટલી જ તાકાત!’ કે પછી કહેતી હોય, ‘બસ. બધું જ પૂરું થયું.’

બીજે દિવસે બહેન પાસે નિશાળેથી એક કલાક વહેલાં જવા દેવાનો કાગળ લખાવીને સખીઓ શહેર ફરી આવી હતી. પગપાળાં જ તો! એ જમાનામાં બસો ક્યાં હતી? એક પારસીની બસસેવા હતી તે મોટા રસ્તે ફેરા કરતી. આ તરફ તો ગાડું કે સાઇકલ, ભાગ્યે જ કોઈ મોટરસાઇકલ. નેહાબહેન આવે ત્યારે તેની રિક્ષા.

એકેએક છોકરીઓએ પોતાની બંગડી એકબીજાને બતાવી. જે સામે મળે તેને ‘શહેર ગયાં હતાં’ની વાતો કરી. માત્ર એક વાર નહીં. બે દિવસ સુધી વર્ણન સહિત વાતો ચાલી. પછીના અઠવાડિયે એક સંધ્યાકાળે કંઈક કાગળિયાં ભરેલી થેલી લઈને દુર્ગા દુકાન પર આવી. કહે, ‘જલદી કર. ચાલ મોહનકાકાની વાડીએ. જરા આટલા કાગળોની નકલ કરી દે.’

‘એ વળી શું છે?’ મેં કહ્યું.

‘શું છે તે જાણ્યા વગર નથી કરી આપવાનો?’ દુર્ગા મારા પર આવી જોહુકમી પહેલી વાર નહોતી કરતી.

મને જરા ગુસ્સો આવ્યો. ઘડીભર થયું કે ના પાડી દઉં પણ પછી કાગળો લેતાં કહેલું, ‘કદાચ ન પણ કરી આપું.’

‘ના પાડવાવાળા બહુ જોયા. હવે છાનોમાનો વાડીએ ચાલ. બધું ત્યાં જઈને કહું છું.’ કહીને દુર્ગા મોહનના ઘર તરફ ચાલવા માંડી. મારે પણ સાથે ગયા વગર ન ચાલ્યું.

વાડીએ પહોંચતાં જ દુર્ગા ‘મોહનકાકા, તમારું ફાનસ થોડી વાર લઉં છું.’ કહેતી, જાતે જ ફાનસ લઈ, સળગાવીને બેઠી. મને કહે, ‘બેસ. અહીં, સામે.’

મને સામે બેસાડીને દુર્ગાએ થેલીમાંથી એકાદ રજિસ્ટર અને થોડા કાગળો કાઢ્યા અને કહ્યું, ‘આ બધાની નકલ ઉતારવાની છે. તારા અક્ષર કેવા છે? નહીંતર તું બોલતો જા. હું લખીશ.’

મેં જોયું તો એ બધામાં દત્તક બાળક માગતી અરજીઓ અને તે અરજી નોંધવાનું રજિસ્ટર હતાં. સંસ્થામાં રહેતાં બાળકોનાં નામ, કોણ કેટલા દિવસથી અહીં છે વગેરે રેકોર્ડ પણ હતું. કોરા કાગળ અને કાર્બન કાગળો પણ દુર્ગા ઉઠાવી લાવી હતી.

‘લાવ હું લખું છું. તું બોલતી જા.’ કહીને મેં કાગળ પર ખાના દોરવા માંડ્યાં અને પૂછ્યું, ‘આ બધાં કારસ્તાન શાના માટે છે?’

‘નેહાબેનને આ બધી નકલો જોઈએ છીએ. હવે કામ પતે નહીં ત્યાં સુધી બીજી વાત નહીં. કહ્યુંને કે પછી બધું કહું છું.’ દુર્ગાએ કહ્યું.

કામ પતે ત્યાં સુધી દુર્ગા મૂંગી ન રહી. હું કાગળો પર ખાનાં પાડતો હતો તે દરમિયાન જ તેણે ઘણી વાતો કરી. દુર્ગાએ જે કહ્યું તે પરથી એટલું સમજી શકાયું કે પેલી સાંજે મારી દુકાન પાસે નલિનીબહેન સાથે વાત કર્યા પછી ઘરે જઈને નેહાબહેને હાઈકૉર્ટના મુખ્યન્યાયાધીશને એક સાદો પત્ર લખ્યો હતો.

જુવેનાઈલ કૉર્ટ દ્વારા સૌમ્યા માટે કાયદાની જોગવાઈ વગર ડિપોઝિટ મગાયાની વાત ઉપરાંત મ્યુનિસિપાલિટિના જન્મપત્રકમાં દત્તક લેવાતાં બાળકોનાં નવા માતા-પિતાનાં નામ દાખલ કરવામાં થતા પ્રશ્નોની, સંસ્થાઓમાંથી બાળક દત્તક આપવામાં થતી આનાકાની અને ઢીલની એવી બીજી ઘણી બાબતો અંગે શું થઈ શકે તે માટે એક જાણકાર વડીલ તરીકે ખુદ ન્યાયાધીશનું માર્ગદર્શન માગેલું.

નેહાબહેનના તે પત્રના જવાબમાં ઇલાબહેન નામે કોઈ વકીલનો કાગળ આવ્યો છે, ‘નામદાર કોર્ટે તમારા પત્રને સુઓમોટો ગણીને કેસ દાખલ કરાવાની સૂચના અમને આપી છે. પ્રાથમિક રજૂઆત માટે અને કેસ તૈયાર કરવા માટે નીચે પ્રમાણેની માહિતી તાત્કાલિક મોકલશો....’

એ માહિતી તૈયાર કરવા અમે બે અડબંગની જેમ બેસી ગયાં છીએ. દુર્ગા મને લખાવવા લાગી છે.

કેટલીયે વારે કામ પત્યું એટલે દુર્ગાએ મને કહ્યું, ‘જો, આ કાગળિયા નેહાબેનને પહોંચાડી આવ તો કામ પૂરું થઈ જાય. તું આપી આવે પછી આપણે વધુ વાત કરીશું.’

દુર્ગા વધુ વાત કરે તે પહેલાં જ હું તે કાગળોની જરૂર વિશે સમજી ગયેલો હતો. વધુમાં કંઈ જાણવાનું હતું તે નેહાબહેને મને સામે બેસારીને કહેલું, ‘જો, તારે ગમે ત્યારે મારી સાથે આવવું પડશે. તું તારી રીતે તૈયાર રહેજે. મુસાફરીના પૈસાની ચિંતા કરતો નહીં.’

‘કંઈ મુશ્કેલી છે?’ મેં પૂછેલું.

‘ના. પણ કદાચ, કંઈ કામ પડે તો એક જણ જોઈએ.’ નેહાબહેને મેં લાવેલાં કાગળિયાં ફેંદતાં કહ્યું. કાગળો જોઈને તેમણે ફરી કહ્યું, ‘સરસ. નલિનીબેનનો વહીવટ સુધરી ગયો લાગે છે. નકલો ઉતારી આપવા એમને હજી પરમદિવસે કહેલું અને આજે તો મોકલી પણ આપી!’

‘નલિનીબેને કંઈ નથી કર્યું.’ મેં જવાબ આપ્યો, ‘આ બધું દુર્ગાએ અને મેં કર્યું છે. દુર્ગા રાતે થેલામાં સંતાડીને કાગળો લઈ આવેલી. મોહનકાકાના ઘરે બેસીને અમે નકલો ઉતારી.’

મેં નેહાબહેનની ગેરસમજ દૂર કરવા આ કહ્યું. તે સાથે જ મને દુર્ગા પર ચીડ પણ ચડી. એક તો નેહાબહેનને કાગળો રાતોરાત જોઈતા નહોતા. બીજું કે તેમણે નલિનીબહેન પાસે જ માગ્યા હતા અને બહેન મોકલવાનાં હતાં પછી દુર્ગાએ ચોરી-છૂપી લાવવાની શી જરૂર હતી? મારી પાસે મહેનત કરાવી તે તો જુદું.

‘દુર્ગાએ?’ નેહાબહેન નવાઈ પામતાં બોલેલાં. ‘ખરી છે છોકરી. સૌમ્યાને માટે કંઈક કરવાનું કહ્યા કરે તે સમજાય; પણ સાવ કારણ વગર ઑફિસના કાગળો બહાર લઈ જવાનું ખોટું જોખમ શા માટે લેતી હશે! એને કહેજે. આવું ન કરાય. આ ગુનો ગણાય.’

નેહાબહેનનાં બા આ વાત સાંભળતાં હતાં. તેમણે પણ કહ્યું, ‘એ છોકરી નકામી આવાં નાટક કરતી ફરે છે. કો’ક દા’ડો તને પણ મુશ્કેલીમાં મૂકશે. કાં તો નલિની એને જેલ દેખાડશે ત્યારે સુધરશે.’

આ શબ્દો મેં દુર્ગા સુધી તો ન પહોંચાડ્યા; પણ નંદુને વાત કર્યા વગર મારાથી રહેવાયું નહીં. કહ્યું, ‘બાની વાત સાચી જ છે. દુર્ગાએ આવાં ખોટાં કામ ન કરવાં જોઈએ. એ નકામી આવામાં પડે છે.’

નંદુ મારા સ્વરથી અને કહેવાની રીતથી દુ:ખી થઈ ગયો. તેણે મને કહ્યું, ‘તું પણ આમ કહીશ? લાલા, નેહાબેન અને બા તો એવું કે બીજું કંઈ બોલે તે માફ; પણ તારાથી એવું કઈ રીતે બોલાયું? દુર્ગાને શું કરાય કે શું ન કરાય તે સમજવાની જરૂર શી છે? મનમાં સૂઝ્યું તે કરે એવા જણ આ ધરતી પર કરોડોમાં એકાદ થાય. એ વિરલ જનોએ સાચું-ખોટું કે પાપ-પુન્ય વિશે વિચારવાનું પણ શા માટે હોય? એ બધું વિચારવા માટે તો આખી દુનિયા ભરી પડી છે.’

નંદુની વાત મને અસર કરી ગઈ; પણ મને એ ન સમજાયું કે દુર્ગાના વર્તનમાં એવું શું હોય છે જે તેને દોષિત ઠરવા દેતું નથી! મેં અહીં રહીને જોયું છે કે પળ બેપળ પૂરતું તેના આચરણને અમાન્ય કરી શકાય છે; પણ એવો વિરોધ લાંબો ટકતો નથી.

નંદુના શબ્દોએ મારા વિરોધને શાંત કર્યો તે છતાં દુર્ગા મળી ત્યારે મારાથી કહેવાઈ ગયું, ‘અલી, નલિનીબેન આ બધી નકલો આપવાનાં જ હતાં. તેમણે પોતે જ નેહાબેનને કહેલું કે એ ઉતારા કરાવી આપશે. પછી આપણે શહીદ થવા જવાની શી જરૂર હતી?’

દુર્ગા મારી દયા ખાતી હોય તેમ મને જોઈ રહેલી. પછી કહેલું, ‘કોઈ શહીદ થતું નથી. તને શું સમજ પડે! નેહાબેન કહે એટલે નલિનીબેન આપી દે એમ?’

‘અરે ખુદ નેહાબેને મને કહ્યું કે બેન વિગતો કાઢી આપવાનાં હતાં.’

‘નેહાબેન તો કહે; પણ એ નેહાબેન ઘરડાં થઈ જાત તોય એમને એક કાગળિયું પણ મળત નહીં. ફોન પર બધા હા, હા કહે. બાકી તો બેન શું, ટ્રસ્ટીઓ પણ ન આપે. અહીં હાથે લખીને એક ચબરખી પણ કોઈ નથી આપતું. હાઈકોરટે ટ્રસ્ટીઓને, જૂવેનાઈલ બોર્ડના નિયામકને બધાને હાજર રહેવા બોલાવ્યા હોય ત્યારે બેનની શી હિંમત કે એક લીટીની નકલ પણ કોઈને ઉતારી આપે! નેહાબેનની વાત ક્યાંની ક્યાં ઊડી જાય.’

હું તેની આ દલીલ સાંભળીને મૂંગો થઈ રહ્યો. તો દુર્ગા કહે, ‘હવે આમ મારી, બિચારી દુર્ગાને... કરતો રડમસ ન થઈ જા. દયામણાં મોઢાં ગમતાં નથી.’

‘હશે હવે, એમાં આટલું ખિજાઈ જવાની જરૂર નથી. આ તો એમ કે તારી મહેનત એળે જાય અને નેહાબેનને છાપ ખોટી પડે.’ મેં કહ્યું.

‘જેન જે પડતું હોય તે પડે. નેહાબેન તો ગમે તેમ કરત. મેં કંઈ નેહાબેનને મદદ નથી કરી. મહેનત કરી છે તો એક સૌમ્યા કાજે. એનો કેસ અટવાયો છે. એ છોકરીનો. શેફાલી તો સુખી થઈ ગઈ, પણ સૌમ્યા! બે અઠવાડિયાની છોકરી અહીં કેવી પીડામાં પડી છે તે જોયું છે? ગઈકાલે કીડીઓએ એનો આખો સાથળ કરડી ખાધો. આપણું તો ભમી જ જાય.’ દુર્ગા આટલું લાંબું બોલી ગઈ એટલે કે પછી ઉશ્કેરાટથી, તેનું ગળું ભરાઈ આવ્યું.

બે દિવસ પછી નેહાબહેનનો સંદેશો આવ્યો કે મને સમય હોય તો તેમની સાથે હાઈકૉર્ટમાં જવા તૈયાર થવું. ના પાડી શકાઈ નહોતી.

રસ્તામાં નેહાબહેને કહ્યું, ‘હું તો કોઈ દિવસ કોઈ કેસ લડી નથી. મનમાં ગભરાઉં છું કે ત્યાં શું થશે. શું કહીશ!’

‘કંઈ નહીં થાય.’ મારાથી અચાનક કોઈ વડીલની માફક જવાબ આપી બેસાયું, ‘તમે ક્યાં કોઈ ઉપર ફરિયાદ કરી છે? તમે તો શું થઈ શકે તેની ચોખવટ માગી છે.’

નેહાબહેન મારા કરતાં પણ નાનાં હોય તેમ સાંભળી રહ્યાં અને મારા સામે જોઈને મલક્યાં, ‘હા. બાબા, પણ બધું અજબ જેવું લાગે છે. અચાનક કોઈને નહીંને હાઈકાર્ટના જજને કાગળ લખવાનું મને સૂઝ્યું. ન્યાયાધીશ પણ એક સાદી ટપાલના કાગળ પર લખેલા શબ્દોમાંથી પૂરી વાત તારવીને સુઓમોટો ગણીને અરજી દાખલ કરવાનું કામ ઇલાબેન જેવાં વકીલને સોંપે. બધું જ અજબ લાગે છે.’

આ વાતનો જવાબ મારી પાસે નહોતો. મને ખબર નથી કે માનવીના મનમાં રહીને જે અજાયબ ચીજ માણસ પાસે આ બધું કરાવે છે તેને કઈ સમજણ કે વૃત્તિ કહેવાય? ક્યારેક લાગે છે કે પ્રેમ, કરુણા, દયા કે લાગણી જેવાં નામ આપવાથી પણ દૂષિત થાય તેવી આ સમજણ છે. કદાચ આ દુનિયા આ સમજણને લીધે જ ચાલતી રહી છે. આ સરળ, સાદી સમજ માણસમાં પહેલેથી જ હશે કે હજારો વરસના જીવનઅનુભવે માનવજાત આ તત્ત્વને પામી હશે તે જાણવું મને અઘરું લાગે છે.

કૉર્ટમાં કોઈ મુશ્કેલી ન પડી. સહુથી પહેલાં તો ડિપોઝિટવાળો મુદ્દો ચર્ચાયો અને હાલના કાયદા મુજબ ડિપોઝિટ માગવાની કોઈ જોગવાઈ નથી તેથી મૅજિસ્ટ્રેટના હુકમમાં ફેરફાર કરી યોગ્ય હુકમો કરવાની સૂચના અપાઈ.

પછી બાકીની બાબતો પર માર્ગદર્શક સૂચનાઓ મળી. ખાતા તરફથી જૂવેનાઈલ બોર્ડના નિયામક હાજર રહેલા. કોર્ટે ઘણી બાબતોમાં તેમને ખુલાસા પૂછ્યા, માર્ગદર્શક નોંધો કરાવી અને છેલ્લે પૂછ્યું, ‘લોકોની માગણી છતાં બાળકોને દત્તક કેમ અપાતાં નથી?’

‘સાહેબ કોઈ અરજી જ આવતી નથી’ નિયામકે જવાબ આપેલો.

એ સમયે દુર્ગાની અને મારી મહેનત કામે આવેલી. ઇલાબહેને એકસો એકવીસ અરજીની નકલો કૉર્ટના ટેબલ પર મૂકીને કહેલું, ‘નામદાર, આટલી અરજી તો ફક્ત એક જ આશ્રમમાં પેન્ડિંગ છે. પ્રોસિજર પ્રમાણે તો અરજી આવે કે તરત આશ્રમની ઑફિસે રજિસ્ટરમાં નોંધીને કાર્યવાહી કરવાની હોય છે. અહીં રજૂ કરેલી અરજીઓની તારીખો જોતાં અને રજિસ્ટર સાથે મેળવતાં સ્પષ્ટ દેખાય છે કે આમાંની એક પણ અરજી રેકોર્ડ પર લેવાની ચિંતા કોઈએ કરી નથી. આ અરજીઓ આજે, હજી પણ સંસ્થાના કબાટમાં જ છે.’

સાંજે કૉર્ટના ક્લાર્કે આપેલા કાગળો લઈને પાછા ફરતાં અમારો આનંદ માતો નહોતો.

નેહાબહેને બીજી સવારે જ સૌમ્યાને લઈ જવાનો સંદેશો હુસ્નાને મોકલાવ્યો. નવ-દશ આસપાસ તો હુસ્ના અને ફારુક રિક્ષા લઈને સૌમ્યાને લેવા આવી પણ ગયાં.

સૌમ્યાને એક વાર તેડી લેવાનો મોહ કોઈ રોકી શક્યું નહોતું. નંદુ તો ખાસ પૂજા કરીને તિલક કરવા કંકુ લઈને આવ્યો. નલિનીબહેન લગ્નમાં જવા તૈયાર થયાં હોય તેમ નવાં કપડાં પહેરીને ઑફિસમાં આવેલાં. દીવો કરાવેલો. ફારુક અને હુસ્ના અંદર આવ્યાં ત્યારે બહેને દુર્ગાને બોલાવીને કહેલું, ‘લે, તારા મનમાં હતું કે આ છોકરીને એની મા મળી જાય એટલે જ મળી. તારા હાથે જ સોંપી દે.’ પછી હસીને કહ્યું, ‘એને માટે થઈને તો તું ઑફિસનાં કબાટ તોડવા સુધી પહોંચી ગયેલી એ જાણું છું.’

મારા મનને કઠોર વચન અને વર્તન માટે જ જાણીતાં નલિનીબહેનને તે દિવસે મેં નવા સ્વરૂપે જોયાં.

દુર્ગા હસી પડી. તેણે કહ્યું, ‘તમારાથી છાનું ક્યાં છે બેન; પણ કબાટ તૂટ્યું નથી. ખૂલ્યું જ હતું.’

મેં સૌમ્યાને ગાલે સ્પર્શ કર્યો. આમ જુઓ તો એ છોકરી મારી કોઈ નહોતી. નિમુબેનની પણ તે ક્યાં કંઈ સગી હતી? નંદુ કે દુર્ગાને પણ તેની સાથે કોઈ સગાઈ ક્યાં હતી? છતાં ફારુકને શોધી કઢાયો. હોઈકૉર્ટના જજને પત્ર લખાયો. સુઓમોટોની ઘટના બની. ચોરી પણ કરાઈ. આ બધું કોણે કર્યું, કોના માટે, શું, કેવી રીતે, અને સૌથી મહત્ત્વનું તો શા માટે કર્યું? તેનો જવાબ ક્યારેય મળશે ખરો!

***