Karnalok - 9 in Gujarati Moral Stories by Dhruv Bhatt books and stories PDF | કર્ણલોક - 9

Featured Books
  • એઠો ગોળ

    એઠો ગોળ धेनुं धीराः सूनृतां वाचमाहुः, यथा धेनु सहस्त्रेषु वत...

  • પહેલી નજર નો પ્રેમ!!

    સવાર નો સમય! જે.કે. માર્ટસવાર નો સમય હોવા થી માર્ટ માં ગણતરી...

  • એક મર્ડર

    'ઓગણીસ તારીખે તારી અને આકાશની વચ્ચે રાણકી વાવમાં ઝઘડો થય...

  • વિશ્વનાં ખતરનાક આદમખોર

     આમ તો વિશ્વમાં સૌથી ખતરનાક પ્રાણી જો કોઇ હોય તો તે માનવી જ...

  • રડવું

             *“રડવુ પડે તો એક ઈશ્વર પાસે રડજો...             ”*જ...

Categories
Share

કર્ણલોક - 9

કર્ણલોક

ધ્રુવ ભટ્ટ

|| 9 ||

નેહાબહેને દુર્ગાને ઘરે રોકાવા કહ્યું અને મારે એકલા એ જ દુકાને પાછા આવવું પડ્યું. પાછા ફરતાં દુર્ગા સાથે જે વાતો કરવાની નક્કી કરી રાખી હતી તે થઈ ન શકી.

હુસ્નાના જવાબે અને કૉર્ટના આદેશે મને કંઈક અજંપ સ્થિતિમાં મૂક્યો હતો. અચાનક મને એ બધું લખવાનું મન થઈ આવ્યું અને મેં જી’ભાઈએ આપેલી ડાયરી કાઢી. લખીને પછી નંદુને વંચાવવા ગયો.

નંદુ ઓરડીની બહાર ખાટલો ઢાળતો હતો તે અટકાવીને તેણે ધ્યાનથી વાંચ્યું. પછી કંઈ બોલ્યા વગર પાછું આપ્યું અને ખાટલો ઢાળીને મને કહ્યું, બેસ સામે.

મેં નીચે તેની સામે બેસતાં પૂછ્યું, ‘વાંચ્યું?’

‘તારી સામે તો વાંચી ગયો ભાઈ,’ નંદુ હસી પડતાં બોલ્યો અને પછી તેની ટેવ મુજબ અકળાઈને બોલ્યો, ‘જેની ઇચ્છા તને બતાવવાની હતી તેણે તને સામે લઈ જઈને બતાવ્યું છે.’

નંદુની વાત મને સમજાઈ નહોતી. હું મૂંગો રહ્યો.

નંદુ ખાટલાની ઈસ પર હાથ ટેકવીને મારા તરફ નમીને બોલ્યો, ‘મંદિરમાં મૂર્તિઓ ધ્યાનથી જોઈ છે? હવે જાય ત્યારે બરાબર જોજે. વિચારજે કે, નજરે જોયા વિના એવાં રૂપ સરજવાનું માણસનું ગજું કોઈ દિવસ હોય ખરું? તને ખબર પડશે કે માણસથી આવાં સરજત થઈ ન શકે.’

બોલતાં જરા અટકીને નંદુ આકાશ ભણી તાકી રહ્યો અને થોડી વારે કહ્યું, ‘દુનિયાના દરેક કળાકારને એક વખત તો સમજાય જ છે કે કુદરત પોતાને જેવું રૂપ લઈને બેસવું છે તેવું રૂપ નજરે, કલ્પનામાં કે સપનામાં બતાવે છે. પછી કળાકાર સરજવા બેસે ત્યારે એને હાથે એણે પોતે જોયેલા રૂપથી જુદું નિપજવાનું શી રીતે? આ વાત જે વહેલો જાણે છે તેણે પછી કંઈ કરવાનું રહેતું નથી. મોડું જાણે તે લાંબું ચીતરે.’

નંદુ શું કહેવા માગે છે તે મને સ્પષ્ટ ન થયું. તે ક્યાંય સુધી બોલતો રહ્યો હોત પણ ઓચિંતું તેને કંઈક યાદ આવ્યું હોય તેમ વિચારમાં પડી ગયો અને ચાલુ વાત પડતી મૂકીને મને પૂછ્યું, ‘તે આ શેફાલી માટે ઍફિડેવિટ લેવા તો મુંબઈ જવું પડશે. ખરું?’

‘હાસ્તો.’ મેં કહ્યું, ‘નેહાબેન કંઈક ગોઠવણ કરવાનાં છે.’

‘એ એકલી કેટલુંક દોડશે!’ કહીને નંદુ બહાર જવા ઊભો થયો. જતાં જતાં કહે, ‘તું હમણાં અહીં જ રહે. ક્યાંય જતો નહીં.’

લગભગ અડધો કલાક મેં તેની રાહ જોઈને મારું જ લખાણ રહી રહીને વાંચ્યા કર્યું. નંદુએ જે કહ્યું તે સમજવાની કોશિશ પણ કરી. કંટાળીને ચાલ્યા જવાનો વિચાર આવ્યો ત્યાં નંદુ આવ્યો. લાગલું જ મને કહે, ‘મુંબઈ આવીશ મારી સાથે?’

‘કેમ?’

‘આપણે બેઉ જઈએ. ઍફિડેવિટ લઈ આવીએ. બીજા કોઈ માટે નહીં તો શેફાલીને માટે. તું વિચાર. દશ-બાર દિવસની નાનકડી છોકરી અહીંતહીં ભટકે છે તે કેમ કરીને જોઈ રહેવાશે?’

નંદુ નલિનીબહેન પાસે જઈને મુંબઈ જવાની રજા લઈ આવેલો. ફારુક સૌમ્યાને માટે પચાસ હજાર ભરી શકે તે કોઈ કાળે બનવાનું નહોતું. એટલે સૌમ્યા તો અહીં રહેવાની તે નક્કી હતું. એમાં મદુરાઈવાળા આયંગર દંપતી જો શેફાલીને ન લઈ જઈ શકે તો એ પણ અહીં આવી પડે. અહીં તો પેલી ‘અપાઈ ગયેલી બાળકી’ વાત હજીયે ઊભી છે. આ બધી વાત કરીને નંદુએ નલિનીબહેનને મનાવ્યાં છે.

નલિનીબહેને ફોન કરીને નેહાબહેનને વાત કરી તો તેમણે તો કહ્યું, ‘ભલે જાય. ડોસો એકલો ન જાય તો સારું. છેવટે પેલા છોકરાને સાથે રાખે. એનો ખરચ અમે આપશું.’

નંદુ મને મનાવતો હોય તેમ કહેતો ગયો, ‘તાર-ટપાલનાં કશાં ઠેકાણાં નહીં. રૂબરૂ મુંબઈ જઈએ તો જ બને. ભાઈ, એ શેઠને મળીને એમની પાસેથી કાગળિયાં લાવવા જ પડશે. નેહાબહેને કહ્યું છે કે એ લખાણ તૈયાર કરાવી રાખે છે. આપણે તે લેતા જઈશું. ચાલ ભાઈ ચાલ. જઈને જ લઈ આવીએ.’

રાત્રે આઠેક વાગે અમે નેહાબહેનને ત્યાં ગયા. કેવું લખાણ જોઈશે તે નેહાબહેને કાગળ પર ઉતારી આપ્યું. મુંબઈ શેઠ સાથે ફોન ઉપર વાત કરવાનો પ્રયત્ન કર્યો પણ મોડે સુધી કોલ લાગ્યો જ નહીં. મોડી રાતની ગાડીમાં અમે મુંબઈ જવા નીકળ્યા.

મુંબઈ પહોંચીને એક ધરમશાળામાં નાહી-ધોઈને નંદુએ પૂજા કરી તે પછી અમે શેઠની ઑફિસે પહોંચ્યા. ભલા ઉદ્યોગપતિએ અમારી સારી સ્વાગતા કરી અને કહ્યું, ‘નેહાબેનનો ફોન તો નથી આવ્યો પણ તમને બેઉને હું ઓળખું છું. કૉર્ટ કહે તે તો કરવું જ પડે. એમ કરો, તમે બેઉ ઘરે ચાલો. જમીને તરત આપણે કામ પતાવી દઈશું.’

બપોરે તેમના ઘરે પહોંચીને શેઠે વાત કરી તો શેઠાણી બોલ્યાં, ‘તમે જમી લો. એ બેઉને જમાડી દેવાનું મહારાજને કહું છું.’

શેઠ થોડા છોભીલા પડી ગયા પણ પછી તરત જમવાના કમરામાં ચાલ્યા ગયા. શેઠને પિરસાવીને શેઠાણી બહાર અમારી પાસે આવ્યાં અને પૂછ્યું, ‘તે હવે કોણ લઈ જવાનું છે એ આંધળી છોકરીને?’

આ સાંભળતાં જ ઝાળ લાગી હોય તેમ હું ઊભો થઈ ગયો. હું કંઈ બોલું તે પહેલાં તો નંદુ શેઠાણી સામે હાથ જોડતાં બોલ્યો, ‘મા, આટલી અમથી છોકરીને અંધાપાનો શાપ ન આપશો. એને લઈ જવાના છે એ બેઉ વર-વહુ દાક્તર છે. મદુરાઈનાં છે.’

‘છોકરી ભાળતી નથી એ વાત તમે એમને કરી?’

‘કોણ કહે છે કે છોકરી ભાળતી નથી?’ મારાથી રહેવાયું નહીં.

નંદુએ મને આગળ બોલવા ન દીધો અને કહ્યું, ‘કરી છે મા, બધી વાત એ બેઉ જણાંને ખુદ આંખના દાક્તરે કરી છે. આ કારણે તમે છોકરીને નથી લઈ ગયાં એ પણ એ બેઉ જાણે છે. અમે કોઈને છેતરશું નહીં.’ નંદુએ પ્રેમથી જવાબ આપ્યો.

‘સાંભળ્યું?’ પૂછતાં શેઠાણી અંદર ગયાં અને બોલ્યાં, ‘એ નવા મા-બાપ તો કહે છે કે બેઉ ડૉક્ટર છે. જો ડૉક્ટર છોકરીને લેવા તૈયાર હોય તો એનો અરથ એ કે છોકરીની આંખે કોઈ ખોડ નથી.’

‘એ તો ત્યાં પેલાં નેહાબેન પણ તમને આ જ વાત કહ્યા કરતાં હતાં.’

‘હા પણ નેહાબેન કાંઈ દાક્તર તો નહોતાં. આ બેય તો પોતે દાકતર છે અને તોય છોકરીને લઈ જવાનાં.’

‘નેહાબેન દાક્તર નથી એ ખરું; પણ આપણે આંખના દાક્તરનેયે પૂછેલું.’ શેઠ જમીને હાથ લૂછતાં બહાર આવ્યા અને આગળ બોલ્યા, ‘ત્યારે તમે માન્યાં નહીં. તમે જ તો શંકાવાળી છોકરીને લેવા માગતાં નહોતાં. હવે પાછી આમ વાત કરો છો. કહો શું કરવું છે? જે કરવું હોય તે કહો એટલે વાતનો નિવેડો આવે.’

શેઠાણીની આ નવી વાતથી અમે પણ જરા મૂંઝાયા. શેઠની વાતના અનુસંધાને મેં કહ્યું, ‘હા. જે કંઈ કરવાનું હોય તે જલદી કરવું પડે.’

શેઠે પણ શેઠાણીને સમજાવતાં કહ્યું, ‘ડૉક્ટર આયંગર તો આજે મદુરાઈ પાછા જવાના છે. તેમનાં પત્ની રોકાયાં છે. તે આ છોકરીને સાથે લઈને જવાનાં છે. આમ તો લઈ ગયાં હોત પણ કોર્ટે આપણી મંજૂરીના કાગળ માગ્યા છે તે લેવા આ બેઉ આવ્યા છે. આપણે આજે જ દેવા પડે.’

શેઠાણી મારી અને નંદુની સામે જોઈ રહ્યાં. પછી શેઠ તરફ ફરીને કહે, ‘એમ રાતોરાત મંજૂરી ક્યાંથી આપીએ? થોડું વિચારવું તો પડે ને!’

મારા ક્રોધનો પાર ન રહ્યો. નંદુએ સ્થિતિ પામીને મારો હાથ દબાવીને મને બોલતો રોક્યો ન હોત તો મારાથી ગમે તેમ બોલાઈ જાત.

નંદુએ શાંતિપૂર્વક કહ્યું, ‘ફરી હાથ જોડું છું મા, છોકરીને તમે મૂકીને ગયાં પછી હજીયે એનું ઠેકાણું નથી પડતું. કાં તો તમે લઈ જાવ કાં તો લખાણ કરી આપો.’

‘હા, તે કરીએ છીએ પણ આમ ઊભેઊભ આવીને માગો તો શું કરીએ? થોડા દિવસ પછી કહેવરાવીશું.’ શેઠાણીએ નિર્લેપ રહીને કહ્યું.

હવે મારાથી મૌન ન રહેવાયું, મેં નંદુને અવગણીને કહ્યું, ‘જુઓ, અમે શેઠને બધી વાત કરી છે. અમે અહીં કોઈ વાટાઘાટ કરવા માટે નથી આવ્યા. કૉર્ટે માગ્યું છે તેવું ઍફિડેવિટ લેવા આવ્યા છીએ. આમ છતાં તમને હવે શેફાલીને લઈ જવાનું મન થતું હોય તો અમારી સાથે કોઈને મોકલી આપો જે આવીને શેફાલીને લઈ જાય. બેમાંથી એક વાત તો કરો. છોકરી હેરાન થતી મટે અને કણ્ણગીબહેન ખોટી રાહ ન જુએ.’

‘બહુ ચાંપલું બોલે છે ને કાંઈ!’ શેઠાણીએ આંખો વિસ્તારીને મને કહ્યું. પછી શેઠ સામે જોઈને ઉમેર્યું, ‘ત્યાંનું લોક આવું જ રહેવાનું. એક તો કોના સંસ્કાર લાવ્યા હોય તે કોણ જાણે. બીજું માથે કોઈ કહેનારું ના હોય. પછી આમ મોટાં-નાનાં જોયા વગર ચબચબ બોલવાનું જ શીખે.’

આવા સમયે ચૂપ રહેવું એટલે કેવી પીડા તે અનુભવ વગર સમજાવી શકાય તેવું નથી હોતું. એ વ્યથા માત્ર વેઠવી પડે છે. નંદુએ જોરપૂર્વક મારો હાથ પકડી લીધો. અમે બેમાંથી કોઈ હવે વધુ કંઈ બોલીએ તો કદાચ ઍફિડેવિટવાળી વાત આખી રદ થઈ જાય તેમ હતું.

શેઠ મારી દશા પામી ગયા હોય તેમ શેઠાણી સામે જોઈને બોલ્યા, ‘હશે, માણસના જણ્યા તરફ આવી સૂગ ન રાખીએ. તમે આવું વિચારશો તો તમે ને અહીં આવનારું બેઉ હેરાન થશો. એના કરતાં એ વાત જ પડતી મૂકો. દત્તક લેવાની આપણે જરૂર શી છે? આપણે કંઈ નથી જોઈતું.’

‘તે પારકી પીડાની સૂગ હોય તો હોય. કોણ જાણે કેવી રીતે જન્મેલાં હોય! આ તો હું ક્લબમાં કહીને આવી છું કે એક અનાથ છોકરીને પાળીશ અને મોટી કરીને પરણાવીશ. તે હવે લાવવી તો પડશે જ ને?’ શેઠાણીએ રહસ્ય ખોલ્યું, ‘અને લાવતાં પહેલાં જોવું તો પડે ને કે સાવ માથે પડે એવું તો નથી ને!’

માણસ આ રીતે વિચારી શકે તે પણ મારી સમજ બહારનું હતું. માણસ વિશે વાત કરતાં વસ્તુની વાત થતી હોય તેવો વ્યવહાર મેં ભાગ્યે જ જોયો છે. દુર્ગાને આવા અનુભવ ઘણી વાર થયા હોવાનું તે કહેતી. તે ત્યાં હાજર હોત તો તેણે કેવો પ્રતિભાવ આપ્યો હોત તે હું આજે પણ નથી જાણતો. કદાચ કંઈ પણ બોલ્યા વિના તેણે શેઠાણી સામેથી નજર ફેરવી લીધી હોત, કદાચ સ્થિર પગલે ચાલી ગઈ હોત, કદાચ માત્ર હસી હોત કે પછી તેણે કંઈ પણ એવું કર્યું હોત કે જે માત્ર દુર્ગા જ કરી શકતી.

વાત વણસવાની અણી પર છે તે શેઠને સમજાઈ જતું લાગ્યું. એક તો અમે બેઉ બહારના, ખાસ તો ‘તે લોક’માંથી આવતા માણસો હતા. ત્યાં જઈને અહીં થયેલી બધી વાત જાહેર કરીએ અને ક્યાંક છાપામાં આવી જાય તો શેઠની આબરૂનો પ્રશ્ન પણ ઊભો થાય.

શેઠે બાજી સંભાળતાં શેઠાણીને કહ્યું, ‘આપણે એક વાર નક્કી કર્યું કે આના બદલે બીજેથી સારી છોકરી શોધી લાવવી છે. તો પછી હવે તે જ નક્કી રાખો. આ શેફાલીને તો નવાં મા-બાપ મળી ગયાં છે. તમે ક્લબમાં કહી શકો કે તમે તો લેવા ગયેલાં. છોકરી આવવાની હતી; પણ તમે પસંદ કરેલી તે છોકરી બીજાને પણ ગમી ગઈ એટલે તમે ત્યાગ કર્યો. હમણાં નથી લાવી શક્યાં.’

‘સારું, કરો તમે કરતા હો તે. પણ પછી બીજી સારી છોકરી ગોતી દેવી પડશે.’ શેઠાણીએ કહ્યું. પછી અંદર કોઈને બૂમ પાડીનો કહ્યું, ‘આ બેયને જરા જમાડી દેજો.’

અમે કમને જમ્યા. શેઠ અમને તેમની સાથે કચેરીએ લઈ ગયા અને તે જ દિવસે માણસ મોકલીને કાગળો તૈયાર કરાવી આપ્યા. રાતની ગાડીએ બેસારવા માણસ પણ મોકલ્યો.

ટ્રેનમાં ઉપરની છાજલીએ જગ્યા તો મળી હતી પણ મને ઊંઘ ન આવી. રહી રહીને શેઠાણીના શબ્દો જાણે કાનમાં અફળાતા હોય તેમ યાદ આવ્યા કર્યા, ‘ત્યાંનું લોક તો આવું જ રહેવાનું...’ મુંબઈમાં નંદુની હાજરીને કારણે જ મારાથી શેઠાણીને જવાબ આપી શકાયો નહોતો. અન્યથા મેં શેઠાણીને કહ્યું હોત કે જેવાં તે છે એવો જ હું પણ છું.

અત્યારે તો મને એ વિચાર પણ આવે છે કે શેઠાણીએ મને તે પીળા મકાનનો કહ્યો. અચાનક મને યાદ આવી ગયું કે હું એ લોકનો નથી. મારે કુળ છે. મારે ગોત્ર છે, જ્ઞાતિ છે, મારી એક અટક છે. માતા-પિતા સહિતની ઓળખ છે. ભલે છોડીને આવ્યો છું. તોપણ મારે મારો પોતાનો એક સમાજ છે. પીળી દીવાલ પાછળની દુનિયામાં રેખા કે કરમી સિવાય ભાગ્યે જ કોઈ પાસે એમાંનું કંઈ પણ હશે.

મેં નંદુ સામે જોયું. એણે મને તે પીળા મકાનમાં રોકી ન રાખ્યો હોત તો પહેલે જ દિવસે તે પીળા મકાનમાંથી હું જતો રહ્યો હોત. મારે નાસી જવું જોઈતું હતું.

નંદુનું ધ્યાન પણ મારા તરફ હતું. તેણે અચાનક મારી છાજલી પર આવતાં કહ્યું, ‘જરા બેસવા જેટલી જગ્યા કર.’

પહેલાં મેં પગ ટૂંકાવીને નંદુની જગ્યા કરી. પછી નંદુને બેસતાં નહીં ફાવે તેવું લાગતાં હું પણ બેઠો થયો.

થોડી વાર નંદુ કંઈ બોલ્યો નહીં. કંઈક વિચારતો હોય તેમ નીચે જોતો બેસી રહ્યો. પછી અચાનક મને કહ્યું, ‘તને ઊંઘ નથી આવતી તે ક્યારનોયે જોઉં છું. જો, ધ્યાનથી સાંભળ. તું એમ માનતો હોય કે જે રીતે નેહાબેન આ લોકનું કામ કરે છે, જેમ ક્યારેક દાક્તરો દવા કરી આપે છે, બીજા-ત્રીજા મહેમાનો ભેટ આપી જાય છે, એ જ રીતે તું પણ તારાથી શક્ય એટલું આ લોકો માટે કરે છે તો તે ખોટી વાત છે. એ બધાં તો પારકાં છે. એ રીતે કામ કરવા ટેવાયેલાં છે. તારાથી એવું નહીં થઈ શકે.’

હું આશ્ચર્યથી મૂઢ થઈ ગયો. આ માણસ મારા મનોભાવ કળી જશે તે મને ખબર નહોતી. એણે જે કહ્યું તે હું સ્પષ્ટપણે સમજી શક્યો. મેં કંઈ જવાબ ન આપ્યો; પરંતુ મનોમન નક્કી કરી લીધું કે પીળા મકાનના નિવાસીઓ સાથેનો મારો સંબંધ જો આ રીતે જોડાવાનો હોય તો મારે ત્યાં રહેવું ન જોઈએ. રાત્રે જ એકાદ સ્ટેશને ઊતરી પડીને ચાલ્યા જવાનો નિર્ણય કરીને મેં ધીમેથી જવાબ આપ્યો, ‘મને સમજાય છે.’

નંદુ ફરી પોતાની છાજલી પર જઈને સૂતો અને મેં નીચે ઊતરીને બેસવાનું પસંદ કર્યું. નંદુ ઊંઘમાં પડે કે ટ્રેનમાંથી ઊતરી જવાનો મારો ઇરાદો પાકો કર્યો.

મોડેથી એક અજાણી જગ્યાએ ગાડી રોકાઈ ગઈ. દૂર સ્ટેશનના દીવા દેખાતા હતા.

‘આગળ જવાનો સિગ્નલ નહીં હોય’ કોઈ બોલ્યું. મેં નંદુ તરફ જોયું તે ઊંઘમાં હતો. મેં થેલી હાથમાં લીધી અને દરવાજેથી નીચે ઊતર્યો.

સામેની લાઈન પર પસાર થતા એક રેલવેના કર્મચારીને કોઈએ પૂછ્યું, ‘ગાડી કેમ ઊભી રહી?’

‘આગળ ફાટક પર ટ્રક પલટી ખાઈ ગઈ છે. હટાવવાનું કામ ચાલુ છે. અડધો કલાક લાગશે.’

ગાડીમાંથી ઘણાંબધાં ઊતરવા માંડ્યાં. અત્યારે જ ટોળા સાથે ભળીને નીકળી જવાનો સમય ગણીને હું પણ એન્જિન તરફ ચાલ્યો. બીજાઓથી જુદા પડીને ખેતરોમાં ઊતરી જવાનો વિચાર કરું તે સાથે જ મને યાદ આવ્યું કે શેઠે આપેલા ઍફિડેવિટના કાગળો તો મારી થેલીમાં છે.

એ સાથે જ મને શેફાલી સાંભરી. કાલે સવારે એ કાગળો પહોંચે તે જરૂરી હતું. હજી અડધો કલાક છે. ત્યાં સુધીમાં તો પાછા જઈને કાગળો નંદુની થેલીમાં મૂકી દેવાશે.

પાછો ફર્યો તો ડબામાં લગભગ બધાં મુસાફરો જાગી ગયાં હતાં. નંદુ પણ બારી બહાર જોતો બેઠો હતો. તેની નજર દૂર એન્જિન તરફ હતી એટલે મને ચડતાં જોઈ શક્યો નહીં.

પાછો જઈને બેઠો ત્યાં સુધી નંદુનું ધ્યાન બહાર મને શોધવામાં જ હતું. એક તરફ જગ્યા કરીને હું બેઠો ત્યારે છેક તેણે મારા સામે જોયું અને કહ્યું, ‘અંધારે ન ઊતરવું.’

જવાબમાં મેં હકારસૂચક ડોક નમાવી.

સામેની સીટ ઉપર એક યુવતી દોઢ-બે વરસની બાળકી સાથે કંઈક રકઝક કરતી હતી. છોકરી તેના ખોળામાં ચડ-ઊતર કરતી રહી, રિસાતી, રડતી રહી અને મા એને મનાવવાના, જાતજાતના નુસખા કરતી રહી.

મારી બાજુમાં બેઠેલાં માજીએ તે બાળકીને રમાડવાની કોશિશ કરી તો તે છણકો કરતી હોય તેવું મોં કરીને અમળાઈ. માજીએ તેની માને પૂછ્યું, ‘છોડીનું નામ શું પાડ્યું છે?’

‘સુખી.’ પેલી સ્ત્રીએ કહ્યું અને હસીને આગળ બોલી, ‘પણ ઇને ક્યાં સખ છે! જુવોને, ક્યારની પજવે છે.’

‘તમેય તમારી માયુંને આમ જ હેરાન કરી હશે.’ માજી બોલ્યાં અને ઉમેર્યું, ‘જેવી મા એવી દીકરી. મોં-કળા પણ બરાબર તમારી ઊતરી છે.’

મેં પણ ધ્યાનથી જોયું તો બાળકીની મુખરેખામાં એની માની મુખરેખા સ્પષ્ટ જોઈ શકાઈ. છોકરી માથી જુદી પડી જાય અને એની મા કોણ છે તે શોધવું હોય તો સહેલું પડે એટલું સામ્ય બેઉના ચહેરામાં હતું.

પેલી સ્ત્રી હસી અને છોકરીને તેડી લેવા નીચે નમતાં બોલી, ‘એ તો બહુ લાડ કરીએ એટલે આંખ-મોંના અણસાર આવી જાય. બાકી છોકરી મારી નથી. મારાં માશીયાઈ નણંદની છે. એ દેવ થયાં તે આને હું લઈ આવી. આઠ દિ’ની હતી ને હું લયાવી’તી. બે વરહથી મારી કણે છે.’

નિમુબહેને કહેલું તે મને યાદ આવ્યું, ‘જોતાં સાંભળતાં રહેવું. ક્યારેક કંઈક એવું બને જે ઘડીથી આપણે કોણ, કેવાં છીએ તે સમજતાં આવડતું થાય.’

મને લાગ્યું કે મારી નજર સામે એક નવું સત્ય ખૂલે છે. માત્ર માતા-પિતાના વંશાનુગત અંશો જ ચહેરાની સામ્યતા ઉતારી આપે છે તેવી મારી માન્યતા તૂટતી દેખાઈ. વંશ ઉપરાંત બીજું પણ કંઈક એવું છે જે એક માનવીને બીજા માનવી સાથે જોડી શકે છે, બાંધી શકે છે.

તે દિવસે કૉર્ટમાં હુસ્નાએ કહેલું, ‘રીસ્તે ક્યા સીરીફ સગાઈ સે બનતે હૈ?’ આજે હુસ્નાની વાત વધુ સ્પષ્ટતાથી, આંખ સામે ખૂલતી જોઈ શકાઈ. હાવ-ભાવમાં, સ્વભાવમાં અરે ચહેરામાં પણ ફેરફાર લાવી દેવાની શક્તિ જેનામાં હોય તે સંબંધ, તે લાડ, તે લાગણી, તે બંધન કેવી અજાયબ ગૂંથણીથી જોડાયેલાં હશે!

હું કંઈ વધુ વિચારું તે પહેલાં માજીએ કહ્યું, ‘ઈ તો જે રાખે ઇના જ થાય. એવું નો હોત તો કંસમામો પોતાની સગીબેનના છોકરાને ઓળખી ગ્યો નો હોત? વાં કણે આટલા બધા મોટા મોટા મા’પુરુષો ભેગા હતા ઇ ઓલા કરણને ઓળખી નો જાત કે આ સારથિનો છોકરો નથી?’

મેં આંખો બંધ કરીને કલ્પના કરી કે અર્જુન અને કર્ણમાં કેટલું સામ્ય અને કેટલું જુદાપણું હશે! બેઉની માતા એક હતી તે છતાં કર્ણના ચહેરાની રેખા કુંતીને બદલે રાધા જેવી દેખાઈ હશે?

‘ઈ તો જે રાખે ઇના જ થાય!’ સત્ય જો આ હોય તો પછી વંશ, કુટુંબ અને પેઢીઓ વિશેના મારા જ્ઞાન અને મારી સમજ કરતાં પ્રકૃતિની રચના અને વ્યવસ્થા કંઈક જુદી જ છે!

અચાનક મારું મન આજ સુધી જેને સગપણ માનતું આવ્યું છે તે સંબંધનું ફલક મને અસીમ વિસ્તરતું ભાસ્યું. પૃથ્વીથી પારના મુલક સુધી.

ટ્રેન ચાલી. હું પાછો ઉપર સૂવા ચાલ્યો. નંદુ સામેની છાજલી પર ચડ્યો. મને વાંચી ગયો હોય તેમ બોલ્યો, ‘તારાથી નહીં થાય. દીવાલની બહાર રહે છે માટે ત્યાંની કોઈ બાબત સાથે તારો સંબંધ રચાતો નથી એવો સંતોષ તું લઈ નહીં શકે. આ પહેલાં પણ મેં તને કહ્યું હતું કે કુદરત તને બતાવવા ઇચ્છે છે. હવે તારે જે જોવાનું છે તે બહાર ઊભા રહીને જોવાનું નહીં બને. હવે ફાંફાં મારવાં છોડી દે.’

***