ભેદી ટાપુ
ખંડ ત્રીજો
(18)
દીવાલમાં જોખમ
સવારે નવ વાગ્યે બધા ગ્રેનાઈટ હાઉસમાં પાછા ફર્યાં. રસ્તામાં કોઈ કંઈ બોલ્યું નહીં. 15મી ઓકટોબરની રાત્રે જોયેલા દશ્યે તેમના મનનો કબજો લીધો હતો. કપ્તાન નેમો અવસાન પામ્યા હતા. તેણે સબમરીન સાથે જળસમાધિ લીધી હતી. મુશ્કેલીની વખતે અણધારી મદદ કરનાર નેમો હવે આ દુનિયામાં ન હતા.
વહાણ બનાવવાનું કામ ઝડપભેર ચાલવા લાગ્યું. હાર્ડિંગ હવે એ કામમાં પહેલાં કરતાં વધારે સમય આપવા લાગ્યો. ભવિષ્યમાં શું બને તે કહી શકાય તેમ ન હતું. ટેબોર ટાપુએ જવું હોય તો માર્ચની શરૂઆતમાં વહાણ તૈયાર થઈ જાય તે જરૂરી હતું. હજી પાંચ મહિના હાથમાં હતા. પણ સમય વેડફવો પોષાય તેમ ન હતું.
ઈ.સ.1868ની સાલના અંત સુધી તેઓ એકલા વહામ બાંધવાના કામમાં જ મચી પડ્યાં હતા. અઢી મહિનામાં ઘણું કામ થઈ ગયું હતું. ખલાસી પોતાની બધી શક્તિ રડીને વહાણ બાંધવાના કામમાં લાગ્યો રહેતો હતો. કોઈ સુથારની કુહાડીને બદલે શિકાર કરવા બંદૂક ઉપાડે તે તેને ગમતું નહીં. કારખાનામાં કારીગર ન હોય ત્યારે તે ધૂંધવાતો અને ગુસ્સામાં છ માણસનું કામ કરી નાખતો!
1લી જાન્યુઆરી, 1869ને દિવસે જોરદાર તોફાન થયું. આ તોફાનને પૃ્થ્વીના પેટાળમાં ખદબદતા લાવારસ સાથે સંબંધ હશે? ત્રીજી જાન્યુઆરીએ હર્બર્ટે સવારમાં ઉચ્ચપ્રદેશમાં રોઝ ઉપર સવારી કરતાં, જ્વાળામુખીમાંથી ટોપાના આકારના ધુમાડાના ગોટેગોટા નીકળતા દીઠા.
હર્બર્ટે બધાનું ધ્યાન ખેંચ્યું. બધા ભેગા થઈને જ્વાળામુખી સામે જોવા લાગ્યા. પહેલાં ધુમાડાના ગોટા ત્રણસો ફૂટ પહોળા અને આઠસો ફૂટ ઊંચા બહાન નીકળતા હતા. તેનો આકાર બિલાડીના ટોપ જેવો દેખાતો હતો. હાર્ડિંગ આ ધુમાડાનું બારીકાઈથી નિરીક્ષણ કરતો હતો. તેણે બધાને પાસે બોલાવ્યા.
“મિત્રો!” હાર્ડિંગ બોલ્યો; “ આ ટાપુ પર ભારે ફેરફાર થઈ રહ્યો છે. આપણા પર આફત તોળાઈ રહી છે. પર્વતમાંથી લાવારસ નીકળવા માંડે એ સમય બહુ દૂર નથી. જો કે, લાવારસ ઉત્તરને રસ્તેથી વહી જાય એ શક્ય છે, એટલે ગ્રેનાઈટ હાઉસની સલામતીને વાંધો નહીં આવે. પણ જો જ્વાળામુખી પોતાનો રસ્તો બદલે તો ભારે આફત ઊભી થાય. એ માટે આપણે સજાગ રહેવું જોઈએ.”
ખલાસી આ ઘટનાને હળવી રીતે જોતો હતો. પણ હાર્ડિંગને એની ગંભીરતાનો ખ્યાલ હતો. જ્વાળામુખીના ફાટવા સાથે ધરતીકંપ થાય; અને એનું કેવું પરિણામ આવે તે કહી શકાય નહીં.
“કોઈ ગાડું લોઢાના સળિયા ભરીને જતું હોય એવો અવાજ મને જમીનમાંથી આવતો સંભળાય છે.” આયર્ટને જમીન પર કાન માંડીને કહ્યું.
બધાએ ધ્યાનપૂર્વક સાંભળવા પ્રયાસ કર્યો. આયર્ટનની વાત સાચી હતી. જમીનની અંદરના ભાગમાંથી કોઈ વિશાળ ઘંટી ફરતી હોય એવો અવાજ સંભળાતો હતો. આ ધરતીકંપની નિશાની હતી.
“ચાલો, કામે વળગો!” ખલાસી બોલ્યો; “પર્વત ભલે ધુમાડે કાઢે. આપણે આપણું કામ કરો!”
જ્વાળામુખીનો વિચાર કર્યા વિના બધા આખો દિવસ કામે વળગ્યા. ગ્રેનાઈટ હાઉસની દરિયા કિનારા પાસેથી જ્વાળામુખી દેખાતો ન હતો. જરાય વિલંબ વિના વહાણ બાંધવાનું કામ અતિ મહત્વનું હતું. જ્વાળામુખીને લીધે ઊભા થતા જોખમમાંથી વહાણ જ તેમને બચાવી શકે તેમ હતું.
એક દિવસ સાંજે વાળું કરીને બધા સરોવરના ઉચ્ચપ્રદેશના મેદાનમાં આવ્યા. અંધારું હતું. પર્વતના મુખમાંથી આગની જ્વાળાઓ નીકળતી બધાએ જોઈ. ફ્રેંકલીન પર્વત અહીંથી છ માઈલ દૂર હતો. જ્વાળાનો પ્રકાશ આખા ટાપુ પર પડતો હતો. આગ સાથે ધુમાડાના ગોટગોટા ઘુમરીઓ ખાતા આકાશમાં ફેલાતા હતા.
“પરિવર્તન ઝડપી છે!” ઈજનેરે કહ્યું.
“પણ નવાઈજનક નથી!” સ્પિલેટે જવાબ આપ્યો. “ ચાર મહિના પહેલાં સૂતેલો જ્વાળામુખી જાગ્યો હતો. 7મી સપ્ટેમ્બરે આપણે પર્વતની ટોચમાંથી ધુમાડા નીકળતા જોયા હતા. અંદરની ભઠ્ઠી તો તે વખતે જ ચાલુ થઈ ગઈ હતી.”
“તમને ધરતી ધ્રુજતી હોય એમ નથી લાગતું?” હાર્ડિંગે પૂછ્યું.
“લાગે છ પણ એ ધરતીકંપ નથી.” સ્પિલેટે જવાબ આપ્યો.
“વાહ! કેવી સુંદર જ્વાળાઓ નીકળે છે!” હર્બર્ટે કહ્યું.
અગ્નિની જીભો હજારો જ્વાળાઓ રૂપે લબકારા મારતી હતી. તે સાથે ઝીણી રજ ચારે બાજુ ઊડતી હતી અને ધડાકાભડાકા પણ થતા હતા.
એક કલાસ સુધી બધાએ આ દશ્ય જોયું. પછી બધા ગ્રેનાઈટ હાઉસમાં પાછા ફર્યા. ઈજનેર ગંભીર વિચારમાં પડી ગયો. આથી સ્પિલેટે પૂછ્યું કે, “ તાત્કાલીક ભય પામવા જેવું કોઈ જોખમ છે? ધરતીકંપ થશે એવું લાગે છે?”
“ઘણું કરીને ધરતીકંપ નહીં થાય; કારણ કે, લાવારસને નીકળી જવા માટે પૂરતી જગ્યા છે, પણ બીજાં કારણોને લીધે મોટી આફત આવે એવું લાગે છે!” હાર્ડિંગે જવાબ આપ્યો.
“બીજાં ક્યાં કારણો?” સ્પિલેટે પૂછ્યું.
“આ બાબતમાં હું ચોક્કસ નથી. મારે પર્વતમાં જાતે જઈને તપાસ કરવી પડશે.”
જ્વાળામુખીનું જોર દિવસે દિવસે વધતું હતું. મોટા ધડાકાઓ થતા હતા. છતાં ગ્રેનાઈટ હાઉસમાં બધા ઘસઘસાટ ઊંઘી શકતા હતા. ત્રણ દિવસ પસાર થયા. તા.4-5-6 જાન્યુઆરી સુધી વહાણનું કામ ખંતપૂર્વક ચાલુ રહ્યું. પર્વતના મુખમાંથી હવે જ્વાળાઓ સાછે મોટા માટા પથ્થરો બહાર ફેંકાતા હતા; અને પાછા મુખમાં જ ઊડીને પડતા હતા. અગ્નિખૂણાના મુખમાંથી કંઈ નીકળતું હોય એવું દેખાતું ન હતું.
પશુશાળામાં ધ્યાન આપવાની જરૂર હતી. 7મી જાન્યુઆરીએ સવારે આયર્ટન પશુશાળાએ જાય એમ નક્કી થયું.
“તમે કાલે પશુશાળાએ જાઓ ત્યારે હું પણ તમારી સાથે આવીશ.” હાર્ડિંગે આયર્ટનને સંબોધીને કહ્યું. “મારે જ્વાળામુખીની તપાસ કરવાની છે.”
“પણ કપ્તાન!” ખલાસીએ કહ્યું; “ અહીંના કામનું શું?”
“અમે કાલેને કાલા પાછા ફરી જઈશું. તપાસ કરવાનું કામ ખૂબ જ અગત્યનું છે.”
“જ્વાળામુખી હંમેશાં જ્વાળામુખી!” ખલાસી બોલ્યો; “ જ્વાળામુખી એ અગત્યની વસ્તુ છે! પણ હું તો તેના પ્રત્યે કંઈ ધ્યાન આપતો નથી!”
ખલાસીનો ગમે તે અભિપ્રાય હોય, હાર્ડિંગ બીજે દિવસે સવારે આયર્ટન સાથે ઊપડી ગયો. બંને ગાડામાં બેસીને નીકળ્યા. રસ્તામાં તેમણે જોયું કે જ્વાળામુખીમાંથી ઝીણી રાખ નીકળતી હતી. અને રસ્તા પર પથરાઈ જતી હતી. આઈસલેન્ડમાં ઈ.સ.1783માં જ્વાળામુખી ફાટ્યો ત્યારે આકાશમાં ઊડેલી ઝીણી રાખ એક વરસ વાદળા સાથે ભળી ગઈ હતી. અને તેમાંથી સૂર્યનાં કિરણોને પણ પસાર થવુ મુશ્કેલ પડતું હતું.
હાર્ડિંગ અને આયર્ટન પશુશાળા પાસે પહોંચ્યા ત્યારે જ્વાળામુખીમાંથી એક કાળું બરફરનું હોય એવું વાદળું નીકળ્યું અને જંગલ ઉપર ફેલાઈ ગયુ. વૃક્ષો, મેદાન અને બધી જમીન ઉપર કેટલાંક ઈંચનો થર જામી ગયો. સદ્દભાગ્યે ઈશાન ખૂણાના પવને એ કાળી ભૂકીના મોટા ભાગના વાદળાંને દરિયા તરફ ઉડાડી મૂક્યાં.
“આ તો બહુ વિચિત્ર કહેવાય!” આયર્ટને કહ્યું.
“હા, આ ગંભીર બાબત છે.” હાર્ડિંગે જવાબ આપ્યો. “ આ રાખ જેવી કાળી ભૂકી દર્શાવે છે કે જમીનના પેટાળમાં મોટો ઉલ્કાપાત મચી ગયો છે.”
“આનો કોઈ ઉપાય નથી?”
“ના, કોઈ ઉપાય નથી. તમે આયર્ટન, અહીં પશુશાળામાં જરૂરી કામ કરો; અને હું તે દરમિયાન પર્વતની ઉત્તર બાજુએ તપાસ કરી આવું. તે પછી આપણે કપ્તાન નેમો વાળી ગુફા જઈશું. હું બે કલાકમાં પાછો આવું છું.”
આયર્ટન પશુશાળામાં કામે વળગ્યો. ઘેટાં અને બકરાં ગભરાઈ ગયાં હતાં. દરમિયાન હાર્ડિંગ પર્વત તરફ આગળ વધ્યો. રાતી નદી પાસે બધાએ ગંધકનો પાણીનો ઝરો જોયો હતા; ત્યાં તે આવી પહોંચ્યો.
અત્યારે જબરો ફેરફાર થઈ ગયો હતો. ગંધકના પાણીના એક ઝરાને બદલે તેર ઝરાઓ વહેતા હતા. જમીનમાં મોટી મોટી તિરાડો પડી ગઈ હતી. અહીં જમીન ઉપર નીચેથી લાવારસનું ભારે દબાણ હોવું જોઈએ. હવામાં કાર્બોનિક તેજાબ અને બીજા વાયુંઓની ગંધ આવતી હતી. જો કે ક્યાંય તાજો લાવારસ જોવા ન મળ્યો.
ઈજનેર પર્વતના ઉત્તર ભાગ તરફ ગયો. ધુમાડાના ગોટેગોટા અને આગની જ્વાળા મુખમાંથી નીકળતી હતી પણ જ્વાળામુખીમાંથી લાવારસનો પ્રવાહ બરાબર નીકળતો ન હતો. એનો અર્થ એ થયો કે લાવારસ હજી પર્વતના તળિયામાં ખદબદે છે; પણ ઊભરાઈને ઉપર આવ્યો નથી.
લાવારસ બહાર નીકળ્યો હોત તો સારું હતું એમ હાર્ડિંગનું માનવું હતું. જો એના જૂના મુખ વાટે બહાર નીકળી જાય તો નવું મુખ ફાટવાનો પ્રશ્ન જ ન રહે.ચ પણ ખરું જોખમ ત્યાં નથી. કપ્તાન નેમોએ હાર્ડિંગને પોતાની આગાહીથી પરિચિત કર્યો હતો. એ જોખમ જુદું જ હતું.
હાર્ડિંગ ત્યાંથી પર્વતની તળેટીમાં થઈને પશુશાળાએ પાછો આવ્યો. રસ્તામાં તેણે જમીનમાંથી સંભળાતા ધડાકાઓની નોંધ લીધી. આયર્ટન તેની રાહ જોઈને જ ઊભો હતો. સવારના નવ વાગ્યા હતા.
“પશુઓ ગભરાઈ ગયા છે, કપ્તાન હાર્ડિંગ.” આયર્ટન બોલ્યો;
“હા, પશુઓને આફતની ગંધ વહેલી આવી જાય છે!”
“તમે તૈયાર છો?”
“હા, ફાનસ લઈ લો, આયર્ટન,” ઈજનેરે જવાબ આપ્યો. “આપણે તરત જ નીકળવું છે.”
આયર્ટન હાથમાં ફાનસ લીધું અને બંને જણા નીકળી પડ્યા. એક ટૂંકે માર્ગે થઈને પશ્વિમ કિનારા તરફ ચાલવા લાગ્યા. રસ્તામાં કોઈ પશુપક્ષી દેખાયું નહીં. રસ્તો જ્વાળામાંથી નીકળતી રાખથી છવાયેલો હતો. રાખ એટલી ઊડતી હતી કે તેમને મુખ આગળ રૂમાલ રાખવો પડતો હતો.
દસ વાગ્યે તેઓ કિનારા પાસે આવી પહોંચ્યા. ખડક પાસે હોડી તૈયાર હતી. બંને જણા તેમાં બેસી ગયા. હાર્ડિંગે સુકાન પકડ્યું અને આયર્ટન હલેસાં મારતો હતો. ફાનસ હોડીના આગળના ભાગમાં મૂક્યું હતું. ફાનસમાંથી આવતો પ્રકાશ ભલે ઝાંખો હતો, પણ તેનાથી રસ્તો દેખાતો હતો. ગુફામા મૃત્યવત શાંતિ હતી. થોડેક આગળ વધ્યા પછી લાવારસ ઊકળતો હોય એવો અવાજ ગુફાની દીવાલોમાંથી સંભળાવા લાગ્યો.
“આ અવાજ જ્વાળામુખીનો છે.” હાર્ડિંગે કહ્યું.
અવાજ ઉપરાંત અમુક રસાયણોની જોરદાર ગંધ આવતી હતી. ઈજનેર અને આયર્ટનન ગંધકની વરાળથી લગભગ ગૂંગળાઈ ગયા.
“આ જ વસ્તુથી કપ્તાન નેમો ડરતા હતા.” હાર્ડિંગ ગણગણ્યો.
“ચાલો આગળ!” હાર્ડિંગે કહ્યું.
તેઓ પચ્ચીસ મિનિટે ગુફાના છેડા પાસે પહોંચ્યા. હાર્ડિંગે ઊભા થઈને પ્રકાશ ગુફાની દીવાલો પર નાખ્યો. આ દીવાલો કેટલી જાડી હશે? દસ ફૂટ કે સો ફૂટ કહેવું અશક્ય છે. પણ પર્વતના પેટાળમાંથી સંભળાતા અવાજો ઉપરથી લાગતું હતું કે દીવાલ બહુ જાડી નહીં હોય. ઈજનેરે હલેસાના છેડા સાથે ફાનસને બાંધીને ઊંચે સુધી દીવાલની તપાસસ કરી. એ દીવાલમાંથી વરાળ નીકળતી હતી. દીવાલમાં મોટી મોટી તિરાડો પડી હતી.
થોડી વાર વિચારીને હાર્ડિંગ બોલ્યોઃ
“હા! કપ્તાન નેમોની વાત સાચી હતી. અહીં ભયંકર જોખમ રહેલું છે!”
આયર્ટન એક શબ્દ પણ ન બોલ્યો. હાર્ડિંગે નિશાની કરી એટલે તેણે હલેસાં મારવા શરૂ કર્યા. અડધી કલાકમાં બંને ગુફાના મુખ પાસે આવી પહોંચ્યા.
***