Bhedi Tapu - 6 in Gujarati Adventure Stories by Jules Verne books and stories PDF | ભેદી ટાપુ - 6

Featured Books
Categories
Share

ભેદી ટાપુ - 6

ભેદી ટાપુ

[૬]

શિકાર

અનુવાદ

ડો. અમૃત રાણિગા

ગુફામાં સૂતેલા માણસો પાસે પોતાનાં કપડાં સિવાય બીજું કંઈ ન હતું. સ્પિલેટ પાસે ઘડિયાળ તથા નોટબુક રહી ગઈ હતી. તેમની પાસે કોઈ પણ હથિયાર કે ખિસ્સામાં રાખવાનું ચાકૂ સુધ્ધાં ન હતું. તેમણે બલૂનનો ભાર હળવો કરવા બધું જ ફેંકી દીધું હતું. વાર્તાનો કાલ્પનિક નાયક ડેનિયલ ડેફો પણ આટલી મુશ્કેલ સ્થિતિમાં ન હતો. કાં તો તેની પાસે પૂરતી સામગ્રી હતી અથવા ટાપુ પર તેને બધું મળી રહેતું હતું. જયારે અહીં તો કોઈ સાધન પાસે નથી. કોઈ વાસણો નથી. અહીં તો શૂન્યમાંથી સર્જન કરવું પડે એવી વિકટ પરિસ્થિતિ હતી.

આમ છતાં, કેપ્તાન હાર્ડિંગ જો તેમની સાથે હોત તો જરૂર તે પરિસ્થિતિને સંભાળી લેત. અત્યારે તો તેમને માત્ર પોતાનો જ આધાર હતો. અત્યારે તેઓ ક્યાં હતા? આ ટાપુ ઉજ્જડ હતો કે તેમાં કોઈ વસ્તી હતી? આ પ્રશ્નનો ઉકેલ શોધવો જરૂરી હતો. એને આધારે તેઓ આગળ પગલાં ભરી શકે એમ હતા.

પેનક્રોફટની સલાહ હતી કે રહેવાની બધી સગવડ કાર્ય પછી હાર્ડિંગની શોધખોળ કરવી. શોધખોળ માટે તાકાતની જરૂર હતી; અને તાકાત માટે સારો ખોરાક અને આરામની જરૂર હતી. ગુફામાં પૂરતો આરામ મળી રહે તેમ હતો. આગને હિસાબે ઠંડીથી રક્ષણ મળી શકે તેમ હતું. ખડક ઉપર જથ્થાબંધ છીપ માછલીઓ અને ઈંડા મળી શકે એમ હતાં. થોડાં જંગલી કબૂતરોનો શિકાર કરવો અઘરો ન હતો. જંગલમાંથી ખાવાલાયક ફળ પણ મળી જાય એમ હતું, છેલ્લે મીઠું પાણી પણ પાસે જ હતું.વિચારણાને અંતે એમ નક્કી થયું કે ગુફામાં થોડા દિવસ આરામ કરવો અને પછી પાછા શોધખોળમાં નીકળી પડવું. આ યોજના નેબને અનુકૂળ આવી ગઈ. તે આ કાંઠો છોડવાની ઉતાવળમાં ન હતો. તેનો માલિક હાર્ડિંગ જીવતો છે, એવી એને પાકી શ્રદ્ધા હતી. જ્યાં સુધી હાર્ડિંગનો મૃતદેહ તે સગી આંખે જુએ નહીં અને પોતાના હાથથી અડે નહીં ત્યાં સુધી તે એને મરેલો માનવા તૈયાર ન હતો.

આટઆટલી તપાસ કર્યા છતાં હાર્ડિંગનો પત્તો લાગ્યો ન હતો. તેથી ખલાસી અને સ્પિલેટે આશા છોડી દીધી હતી. ફક્ત નેબને દુઃખ ન થાય એટલા માટે તેઓ શોધખોળ ચાલુ રાખવા તૈયાર હતા.

૨૬ માર્ચની સવારે નેબ ઉત્તર દિશામાં તપાસ માટે નીકળી પડ્યો. જ્યાંથી હાર્ડિંગ ગૂમ થયો હતો એ કિનારા પાસે તે આવી પહોંચ્યો.

તે દિવસે હર્બર્ટને થોડું મીઠું મળી આવ્યું. તેથી તે ખુશ થયો. સવારે નાસ્તો કરીને હર્બર્ટ અને ખલાસી શિકાર માટે નીકળી પડ્યા. સ્પિલેટ ગુફામાં જ રહ્યો. તેની પાછળ એવી ગણતરી હતી કે નેબ અચાનક મદદની જરૂર પડે અથવા લાકડાં ઠરી જાય ન જાય તે માટે એક માણસે ગુફામાં હાજર રહેવું જરૂરી હતું.

નીકળતાં પહેલાં હર્બર્ટે સૂચન કર્યું કે બળેલો કપડાનો ટુકડો હોય તો કામ આવે. આથી, ખલાસીએ પોતાના રૂમાલના બે ટુકડા કરી એક ટુકડો સળગાવ્યો, અને ભેજ ન લાગે એવી જગ્યાએ એ અર્ધબળેલ કપડું રાખ્યું.

સવારે નવ વાગ્યે હર્બર્ટ અને પેનક્રોફટ અગ્નિખૂણા તરફ ચાલવા લાગ્યા. તેઓ નદીના ડાબે કિનારે ઊંચે ચડતા હતા. જંગલમાં આવીને તેમણે એક ઝાડની બે મજબૂત ડાળીઓ કાપી લીધી. અને તેને હોકીની આકારની ગેડી જેવી બનાવી દીધી. હવે તે ગેડીઓ હથિયાર તરીકે કામ આવે તેમ હતી. જો અત્યારે તેમની પાસે ચાકૂ હોત તો તેઓ કેટલા રાજી થાત.

બંને શિકારીઓ કિનારે કિનારે આગળ વધ્ય. ભૂલા પડી ન જવાય તેટલા માટે તેઓ નદીનો કિનારો છોડતા ન હતા. વચ્ચે જે કંઈ અંતરાયો આવતાં હતા તેને તેઓ આ ગેડી વીંઝીને દૂર કરતા હતા. ડાબો કાંઠો સીધો હતો, જમણો કાંઠો ચાલવામાં મુશ્કેલી પડે એવો હતો.

આ ટાપુ ઉપર કોઈ માનવી રહેતો હોય એવી નિશાની મળતી ન હતી. ચોપગાં જાનવરોના પગલાં જોવા મળતાં હતાં. આ પ્રાણીઓ હિંસક હોવાનો સમભાવ હતો. ક્યાંય ઝાડના થડ ઉપર કુહાડીનો ઘા લાગ્યો ન હતો, તાપણાની રાખ દેખાતી ન હતી, કે નહોતાં દેખાતાં માણસનાં પગલાનાં નિશાન!

આથી તેઓ મનમાં રાજી થયા હતા.આવા ટાપુ ઉપર જો માણસ હોય તો તે પશુ કરતાંય ભયંકર હોય. બંને જણા સતત એક કલાક ચાલ્યા પછી તેમણે એક માઈલનું અંતર કાપ્યું હશે. હજુ સુધી કોઈ શિકાર મળ્યો ન હતો. વૃક્ષો ઉપર કેટલાંક પક્ષીઓ કલબલાટ કરતાં હતાં. લાંબી ચાંચવાળા કલકલિયાને મળતાં કેટલાંક પક્ષીઓ ઉડાઉડ કરતાં હતાં. હર્બર્ટ તરત તેમને ઓળખી ગયો.જુઓ, આ જેકેમાર પક્ષીઓ.હર્બર્ટે કહ્યું.

જેકેમારનો સ્વાદ ચાખવાની આ સરસ તક છે.પેનક્રોફટે જવાબ આપ્યો; “આપણે તેને શેકીને ખાઈશું.

હર્બર્ટે તાકીને પથ્થરનો ઘા કર્યો. પક્ષીને તે પંખ પર વાગ્યો. છતાં જેકેમાર ઊડી ગયું.

મારું નિશાન બરાબર ન વાગ્યું.હર્બર્ટ બોલ્યો.

ના, મારા દીકરા! નિશાન તો બરાબર હતું. નિરાશ ન થા. ફરી ક્યારેક એનો શિકાર કરીશું.પેનક્રોફટે જવાબ આપ્યો.

શિકારીઓ આગળ વધ્યા. કેટલાંક તોતિંગ વૃક્ષો જોવા મળતાં હતાં; પણ જંગલ પાંખું બનતું જતું હતું. તેમાં ફળવાળા વૃક્ષો દેખાતાં ન હતા. પેનક્રોફ્ટે ચારે બાજુ જોયું પણ ક્યાંય નાળિયેરી જોવા ન મળી. અહીં દેવદાર, પાઈન અને ફરનાં વૃક્ષો હતાં. ફરનાં ઝાડ તો દોઢસો ફૂટ જેટલાં ઊંચા હતાં.

થોડી વાર પછી હર્બર્ટે કોરુક્સ નામનાં પક્ષીનાં પીંછા જોયા.

આ કોરુક્સ પક્ષીઓ છે.હર્બર્ટે કહ્યું.

તેનો સ્વાદ કેવો છે?” પેનક્રોફ્ટે પૂછ્યું.

ખાવામાં સ્વાદિષ્ટ!હર્બર્ટે જવાબ આપ્યો; “અને તેનો શિકાર કરવો પણ સહેલો છે.

ખલાસી અને છોકરો થડ પાસે સંતાઈને ઉભા રહ્યા. લાગ જોઈ તેમણે ડાળી ઉપર હારબંધ બેઠેલાં પક્ષીઓ ઉપર લાકડીથી હુમલો કર્યો. એક ઘાએ થોડાં પક્ષીઓ જમીન પર પડ્યાં. બંને જણાએ ઘાયલ પક્ષીઓને એકઠાં કરી લીધાં. ગુફાના રહેવાસીઓ માટે ખોરાકની ખોટ ન પડે એ તેમનો ઉદ્દેશ હતો.

કોઈ વાર ઘાસમાં કોઈ પ્રાણી દોડી જાય ત્યારે ખલાસી કહેતો, “કૂતરો ટોપ જો અત્યારે સાથે હોત તોપણ કૂતરો અને તેનો માલિક બંને ગૂમ થયા હતાં.

બપોરે ત્રણ વાગ્યે નવી જાતનાં પક્ષીઓનાં ટોળા દેખાયાં. આ પક્ષીઓ બ્યુગલ વાગતું હોય એવો અવાજ કાઢતાં હતાં. આ પક્ષીઓ અમેરિકામાં ટેટ્રા તરીકે ઓળખાય છે. તેનું કદ કૂકડા જેવડું હોય છે. ટેટ્રાનું માંસ ખૂબ સ્વાદિષ્ટ હોય છે.

આપણે આને પકડવા યુક્તિ કરવી પડશે.ખલાસી બોલ્યો, “માછલીની જેમ ગલ વિના આ નહિ પકડાય!

માછલીની જેમ?” હર્બર્ટે પૂછ્યું.

હા, માછલીની જેમ.ખલાસીએ જવાબ આપ્યો.

પેનક્રોફટે વેલાઓનું એક લાંબુ દોરડું ગૂંથ્યું. તેમાં વચ્ચે વચ્ચે તેણે બાવળના જેવા મજબૂત કાંટા ભરવી દીધાં. એ કાંટા સાથે મોટા લાલ રંગનાં જીવડાં પરોવી દીધાં. પછી એ દોરડું પાથરીને પેનક્રોફટ અને હર્બર્ટ સંતાઈ ગયા. હર્બર્ટને આ યોજના સફળ થશે કે કેમ એ અંગેની શંકા હતી.

અર્ધો કલાક પસાર થઇ ગયો. પછી ટેટ્રા પોતાના માળા પાસે આવ્યાં. તેઓ જીવડાં ખાવા ગયાં કે જીવડાંની સાથે કાંટા તેમની ચાંચમાં પરોવાઈ ગયા.

પેનક્રોફટે દોરી હળવેથી ખેંચી લીધી. ત્રણ મોટા ટેટ્રા પક્ષી પકડાઈ ગયાં હતાં. હર્બર્ટ તાળીઓ પાડવા લાગ્યો. દોરીથી આ રીતે પક્ષીઓનો શિકાર તેણે પહેલી વાર જોયો હતો. પેનક્રોફટે નમ્રતાથી સ્વીકાર્યું કે, પોતે જંગલી લોકો પાસેથી આ યુક્તિ શીખ્યો હતો.

સાંજ પડવા આવી હતી. બંને જણા ગુફા તરફ પાછા ફર્યા. નદી કિનારે ચાલતાં ચાલતાં તેઓ સાંજે છ વાગ્યે ગુફા પાસે પહોંચ્યા. પેનક્રોફટ અને હર્બર્ટ બંને ખૂબ થાક્યા હતા.

***