Karnalok - 1 in Gujarati Moral Stories by Dhruv Bhatt books and stories PDF | કર્ણલોક - 1

Featured Books
  • નારદ પુરાણ - ભાગ 61

    સનત્કુમાર બોલ્યા, “પ્રણવ (ૐ), હૃદય (નમ: ) વિષ્ણુ શબ્દ તથા સુ...

  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

  • ફરે તે ફરફરે - 66

    ફરે તે ફરફરે - ૬૬   માનિટ્યુ સ્પ્રીગ આમતો અલમોસામાં જ ગ...

Categories
Share

કર્ણલોક - 1

કર્ણલોક

ધ્રુવ ભટ્ટ

|| 1 ||

‘મેં એને મારી છે. ડાળખું તૂટી ગયું ત્યાં સુધી ઝૂડી.’ દુર્ગા બોલતી હતી. સાહેબ શાંતિથી તેને સાંભળતા હતા. ‘પહેલાં એ લોકે ગાળો આપી. તે વખતે અમે તો ખાલી ઊભાં જ ’તાં. કંઈ કરતાં જ નો’તાં તોય. પછી એ લોકે અમને મારવા કર્યું. આવડી નાની કરમીને પણ એ લોકે...’ દુર્ગા આગળ બોલી ન શકી.

આમ જ બનવાનું હતું. માધો અને લક્ષ્મીએ ગમે તેટલું શીખવ્યું હોય તોપણ દુર્ગા પોતે જે કર્યું હતું તે જ કહેવાની હતી. આ જગતમાં કેટલાંક મનુષ્યો એવાં પણ હોય છે જેને દુનિયાથી છુપાવવા જેવું પણ કશુંક હોય છે તેની સમજ હોતી નથી. એવાં વિરલ જનોને ક્યાં, શું કહેવું જોઈએ તે શીખવવાનું સામર્થ્ય કોઈમાં હોતું નથી.

‘એ લોકે એટલે બેટા, કોણે કોણે?’ દુર્ગાએ ‘એ લોક’ શબ્દ વાપર્યો તેથી જરા નવાઈ પામીને સાહેબે લાગણીભર્યા સ્વરે પૂછ્યું.

‘આવા આ, નલિનીબેને.’ નલિનીબહેનની હાજરીમાં પણ જરાય અચકાયા વગર દુર્ગાએ કહ્યું. તેની આંખોમાં જરા પણ ડર નહોતો.

‘તે બહેનને તમે ‘એ લોક’ કહો છો?’ સાહેબને થયો તે જ પ્રશ્ન મારા મનમાં પણ જાગ્યો હતો.

‘એ લોક અમને પણ ‘એ લોક’ જ કહે છે.’ દુર્ગા પોતાને જે સહજ, સરળ લાગ્યું તે બોલી.

સાહેબે બહેન સામે જોયું અને અછડતું પૂછ્યું, ‘તમે આપસમાં ‘તે લોકો’ બનીને રહેવાનું વાતાવરણ બદલી ન શકો?’ આ રીતે પુછાયેલા પ્રશ્નોના ઉત્તર અપાતા નથી હોતા.

દુર્ગા આમ સીધેસીધું વર્ણન કરી જશે તેવો અંદેશો કદાચ કોઈને, સ્વયં નલિનીબહેનને પણ નહોતો; તો પછી બિચારાં માધો અને લક્ષ્મીને તો ક્યાંથી હોવાનો હતો? સાહેબોની સામે, કચેરીમાં બોલાવીને પુછાતું હોય ત્યારે ખોટું બયાન દેતાં શીખવવાની પોતાની આવડત પર માધો અને લક્ષ્મીને ભલે ગમે તેટલો ભરોસો હોય; પણ તે દિવસે તેમની શિખામણો કામ નહોતી આવી. પરિણામે જે થવાનું હતું તે જ થયું. માધોએ લક્ષ્મી સામે નજર કરીને મોં બગાડ્યું. લક્ષ્મીએ કપાળે હાથ મૂક્યો.

ચોરી કરતી, ધડાધડ સામે મોંએ જવાબ આપતી, કોઈ ને કોઈ ઉપદ્રવ મચાવતી રહેતી, ચાલાક અને તોફાની ગણાતી દુર્ગાએ ખરે સમયે, છેલ્લી ઘડીએ લક્ષ્મી-માધોએ કહેલું, શીખવેલું બધું જ વિસારે પાડીને જે બન્યું હતું તે કહી દીધું.

‘છોકરી પોતે તો બધુંય કબૂલે છે. હવે શું કરવાનું છે તે તમે કહો.’ અધિકારીએ નલિનીબહેન સામે જોઈને કહ્યું.

‘તે ગુનો કરીને કબૂલવામાં એ લોકોને શી શરમ?’ નલિનીબહેને પોતાની આછી ભૂરી સાડીનો છેડો ખેંચતાં જવાબ આપ્યો. તેમણે નેહાબહેન સામે પણ જોઈ લીધું. નેહાબહેન સફેદ ડ્રેસમાં શાંત અને વિચારમગ્ન બેઠાં રહ્યાં. નલિનીબહેનની નજર તેમણે નોંધી કે નહીં તે સમજી શકાયું નહોતું.

દુર્ગા આ કોઈના તરફ ધ્યાન આપવાને બદલે તપાસનીશ સામે જોઈ રહી હતી. નલિનીબહેનની વાતે તેની સ્વચ્છ ચમકતી આંખોમાં અપાર આશ્ચર્ય ભરી દીધું. આ આખીએ વાતમાં ગુનો ક્યાં અને શું હતો તે દુર્ગાની સમજમાં ઊતરતું હોય તેવું ન લાગ્યું.

સાહેબ ફરિયાદના નિકાલની, સજા કઈ રીતે થઈ શકે તે મુદ્દાની અને બીજી વાતો કરી રહ્યા હતા તે વખતે દુર્ગા તો પોતાનું હૈયું સાબૂત રહે અને આંસુનો ધોધ વહાવી ન બેસે તેના પ્રયત્નોમાં રોકાયેલી હતી. એવું ન હોત તો તે તપાસ અધિકારીને બધું જ સમજાવત.

તે કહેત, ‘તમે જ કહો સાહેબ, તાળામાં પૂરી દે તે ગુનેગાર બને કે પછી પુરાઈ ગયેલાને છોડાવે તે? છોકરાં માટે આવેલી ખાવા-પીવાની, પહેરવા-ઓઢવાની વસ્તુઓને તાળા-કૂંચી પાછળ મૂકી રાખનારા, તે બધું પોતાને ઘેર લઈ જનારાને ગુનેગાર કહેવાય કે પછી તેને છોડાવીને છોકરાં સુધી પહોંચાડે તેને કહેવાય!’

તે ઉમ્મરે આવું ભાષણ કદાચ તેને ન આવડત તોપણ દુર્ગા એટલું તો કહેત જ, ‘તે વારે અમે એક પણ જામફળ તોડ્યું નોતું. તોડ્યું હોય તોય એમના ઘરનું તો નહોતું તોડ્યું. બાગના ઝાડવે ઊગેલા જામફળ તોડે એટલે કાંઈ એ લોકથી કોઈને મરાય તો નહીં. તોયે અમને માર્યાં, સોટીથી માર્યાં, મને જાત ઉપર ગાળ દીધી, તોય મેં કંઈ કરેલું નહીં પણ કરમીને સોટી ઝૂડી...’

પછીની બધી વાત તો અધિકારીના ટેબલ પર ટાઇપ કરીને મુકાઈ હતી. તેમાં નલિનીબહેને જે લખેલું હતું તે બધું જ થયું હતું.

દુર્ગા દૃઢપણે માનતી હતી કે જે થવું જોઈતું હતું તે જ થયું હતું. આવી સાદી વાત આવડા મોટા અને ભલા લાગતા અધિકારી ન સમજે એવું તો બનવાનું નહોતું; પણ દુર્ગા આવું કશું કહી ન શકી. તે કહી શકી હોત તોપણ આવી વાતો સમજી શકે તેવો કોઈ અધિકારી ક્યાંય હોઈ શકે કે કેમ તે યક્ષપ્રશ્ન કરતાંયે જટિલ બાબત છે.

આજે સમજી શકું છું કે તે બારેક વરસની છોકરીએ, પોતે શો ગુનો કર્યો છે તે સમજવાની જરૂર જ નહોતી. કદાચ તે સમજવા પ્રયત્ન કરે તોયે તે ઘડીએ જ નહીં, જીવનભર તેને સમજાવાનું નહોતું; કારણ કે તેણે કરેલું કોઈ કૃત્ય ‘ગુના’ વિશેની તે બાળાની પોતાની સમજ પ્રમાણેની વ્યાખ્યામાં આવતું નહોતું.

પોતે નાનકડી, છ વર્ષની હતી ત્યારથી રસોડા-કોઠારમાં ઘૂસીને તાળા-કૂંચીમાં પડેલાં બિસ્કિટ, દૂધના પાઉડરને કે ઢાંકેલા ભોજનને મુક્ત કરવાની કળા તેણે સાધ્ય કરી લીધી હતી. અંધારી રાતે પણ પીળી દીવાલ કૂદીને ગમે તે રીતે તે કેરીઓ તોડી લાવી શકતી; પરંતુ આવા બેજોડ કૌશલ્યને ગુનો કહેવાય તેવું; તે કૌશલ્ય બતાવ્યાની સજા ભોગવવા છતાં તે ક્યારેય સ્વીકારી શકી નહોતી.

તે દિવસે તપાસ ચાલતી હતી. બહારગામથી આવેલા અધિકારી ટેબલ પાછળની ખુરસીમાં બેઠા હતા. એક તરફ નેહાબહેન. બીજી બાજુ ભારેખમ ચહેરો ધારણ કરી રાખવાના પ્રયત્નો કરતાં નલિનીબહેન. પાછળ દીવાલ પાસે માધો. સામી બાજુ હંમેશની જેમ નવાં જેવાં કપડાં પહેરીને ઊભેલી લક્ષ્મી.

નંદુ બારણાની બહાર પરસાળમાં બેઠેલો. દુર્ગા લાલ રંગના ફૂલોવાળું લાંબી બાંયનું ફ્રોક પહેરીને, ગુરુ દ્રોણના પદ્મમાં નીડરતાથી પ્રવેશી ગયેલા બાળ અભિમન્યુની જેમ, ટેબલની સામે જ સ્વસ્થ ઊભી રહીને જવાબ આપતી હતી.

તે પીળી દીવાલથી ઘેરાયેલા મકાનના નિવાસીઓનો આછા-પાતળો પરિચય મને તો હજી દશ-પંદર દિવસથી થયો હતો. જે રાત્રે તે પીળી દીવાલવાળા મકાને પહોંચવાનું બન્યું તેની સવારે જ દુર્ગા અને નલિનીબહેન વચ્ચે જે થયું તે મને નજરોનજર જોવા મળેલું.

તે સવાર પછીના બે દિવસે તે સ્થળનું રૂટીન ઇન્સ્પેક્શન હતું. આ ઇન્સ્પેક્શન દરમ્યાન જ નલિનીબહેને લેખિત ફરિયાદ કરેલી.

નલિનીબહેને કાગળો કર્યા છે તે વાત માધો જાણતો હતો. થોડા દિવસ તો તે કંઈ બોલ્યો નહોતો. પછી એક વાર અમસ્તો જ આવ્યો હોય તેમ દુકાને આવેલો. સ્ટૂલ ખેંચીને પગ પર પગ ચડાવીને બેસતાં કહે, ‘દુર્ગા ભલે ખેપાની પણ બિચારી દિલની ભલી છે. ચોરી કરે, સામે જવાબ આપે પણ તું જ કહે ભાણા, એવું તો આજકાલ કોણ નથી કરતું!’

જવાબ ન મળે તોપણ માધો પોતાની વાત અટકાવી દે તેમ બનવાનું નહોતું. તેના તરફ સહેજ પણ ધ્યાન આપ્યા વગર કરતા હો તે કર્યે જાઓ તોપણ પોતાની અવગણના થાય છે તેવું તે માનવાનો નહીં તેની ખાતરી કોઈ પણ આપી શકે.

દાંત બહાર દેખાય તેમ માધો હસ્યો અને આગળ બોલ્યો, ‘કોઠારમાંથી કેટલીયેવાર વસ્તુઓ જાય. હું જાણું કે દુર્ગા ઉઠાવે છે; પણ મોટી વાત ન હોય તો ફરિયાદ ન કરું. આપણે પણ જાણીએ, અને તું જ કહે, આવડી અમથી છોકરીની ફરિયાદ કરવાની?’

‘શાની, ફરિયાદ કંઈ ચોરી થઈ છે?’ જરા ચમકીને મેં પૂછ્યું.

માધો શું કહે છે તે કોઈ સમજે નહીં ત્યારે તે જરા ચિડાઈ જતો. તેને લાગતું કે તેની વાત ન સમજવાનો ડોળ થઈ રહ્યો છે. આવે વખતે તેના કાળા રુક્ષ ચહેરા પર લુચ્ચું હાસ્ય ઝબકતું.

માધો સાશંક થઈને બોલ્યો, ‘તો લાલાભાઈ, તમેય માધાને ચક્કરમાં ફેરવવાની કોશિશમાં પડી ગયા! ફરિયાદ ચોરીની નહીં બીજી વાતની થઈ છે. પેલી આટલી અમથી છોકરીએ બેનને ઝૂડી પાડી તે નથી જોયું?’

ના કહી શકાય તેમ નહોતું. જે નજર સામે બન્યું હોય તે જોયું ન હોય તેવું તો કેમ બને જોયું જ હતું વળી. ત્રણ દિવસ પહેલાં, અહીં પહોંચ્યાની પહેલી સવારે જ જોયું હતું.

‘હં, તો હવે ચા બનાઈ કાઢ’ માધોએ કહ્યું અને ઉમેર્યું, ‘મારામારીની ફરિયાદ બેને ઇન્સ્પેક્શનને દા’ડે જ ઉપર મોકલી છે. હું કહું, દુર્ગી ગમે એવી હોય પણ દિલની ખરાબ ના મલે. ચોરી કરે પણ કંઈ પૈસાબૈસાની નહીં, વસ્તુ લઈ જઈને વેંચે એવુંય નહીં. બસ, એનું મન છોકરાંવમાં. છોકરાં ભૂખ્યાં થયાં નથી ને દુર્ગા ત્રાટકવાની. કાં તો દૂધનો પાઉડર ઉઠાવશે, કાં દૂધ ચોરી જશે કે કાંઈ ખાવા-પીવાનું લઈ જશે. બીજું કાંઈ નૈં.’ કહીને માધો ફરી હસ્યો.

દુર્ગા વિશે માધોએ જે કહ્યું તેથી વિશેષ મને કશી ખબર પણ નહોતી. જે માણસ હજી કાલ-પરમ દિવસથી આવેલો હોય અને અંદર રહેતો પણ ન હોય તેને આવું પૂછવું વ્યર્થ છે એ વાત માધો સમજવાનો નહોતો. મેં કહ્યું, ‘અંદર તમે બધા શું કરો છો તેની અહીં કોઈને કંઈ પડી નથી.’

માધો કહે, ‘પડી કેમ નથી ભાઈ? તને મલવા અહીં અમથો નથી આવ્યો. કે’વાનું તો એમ કે હું નાનો માણસ થઈને આટલું ચલાવી લઉં છું તો બેન તો બધાંનાં ઉપરી છે. એમણે થોડું કંઈક ચલાવી લીધું હોત તો આ આટલી અમથી છોકરીની ફરિયાદ ઉપર સુધી ન જાત અને તપાસ ન આવત.’

તપાસ આવવાની છે તેવું સાંભળીને કોઈ પણને ગભરાટ થાય. ખાસ કરીને પ્રસંગ જોનારે તો ચિંતા કરવી જ પડે. માધોની વાત પર સાવ ધ્યાન ન આપવું તે અશક્ય હતું. આખી હકીકત જાણવી તો પડી જ. ફરિયાદ શી છે તે અને તેની તપાસ ક્યારે થવાની છે તે વાત પણ જાણી.

છેલ્લે માધોએ કહેલું, ‘દુર્ગાએ કો’કને પૂછવું જોવે કે તપાસમાં કેમ અને શું જવાબ દેવાય. હું જાણું છું. લક્ષ્મી પણ જાણે છે કે શું કહીએ પછી કાંઈ વાંધો ન આવે. દુર્ગી જાણે કે પોતે રાજકુમારી. કોઈને પૂછે-ગાછે તો નાની થઈ જાય.’

દુર્ગા. આવડી અમથી છોકરીને જ્ઞાન નહીં હોય કે તેણે માધો અને લક્ષ્મી જેવાં સલાહકારોની સલાહ પ્રમાણે ચાલવું જોઈએ. કદાચ હોય તોયે તેને તેવું કરવું ગમતું ન હોય. માધો આ બધું અહીં દુકાને આવીને શા માટે બોલવા બેઠો છે તે સમજાતું નહોતું તોપણ મેં કંઈ કહ્યું નહીં.

માધોએ પોતાની વાત ચાલુ રાખી, ‘એવી એ ન પૂછે તો ભલે ન પૂછે. વડીલ તરીકે અમારીય કંઈક ફરજ તો ખરીને! અમે કહીને મોકલીએ તે બોલે તો પેલા લોક ગમે તેટલું મથે તોયે કંઈ ઊપજે નહીં.’

જવાબો આપવાની કળા તમે જાણતા હો અને દુર્ગાનું હિત ઇચ્છતા હો તો પછી તમે જ તેને કહો ને! મનમાં ઊગેલો જવાબ ટાળીને મેં કહ્યું, ‘દુર્ગા તો રાત દિવસ તમારી સાથે રહે છે તો પછી શીખવોને!’

માધો કહે, ‘અમારાથી સીધું કહેવાતું હોત તો તારા સુધી આવત જ નહીં. હું સાવ સાચા-દિલથી કહું તોય મારી કોઈ વાતને દુર્ગા માનવાની નહીં. લક્ષ્મી પર તો એને સહેજેય ભરોસો ન પડે. એક નંદુનું માને; પણ નંદુ આવામાં પડે નહીં. પડે તો ઊંધું મારે. તું બહારનો છે. તું કેય તો કદાચ તેને ભરોસો પડે.’

થોડું રોકાઈને માધો કહે, ‘બચ્ચુ તપાસમાં જવાબ તો તારેય આપવો પડવાનો. તું ત્યાં હાજર હતો તે પણ અરજીમાં લખ્યું છે. સાક્ષીમાં તને બોલાવ્યે છૂટકો કરશે. તું દુર્ગાને મલી લેય એમાં જ ભલીવાર છે.’

મારે પણ અટવાવાનું હોય તો હવે કામ અટકાવીને પણ કંઈક વિચારવું પડે તેમ હતું. હું, જોકે દુર્ગાને એકાદ-બે પ્રસંગે માંડ મળ્યો હોઈશ. તે રાત્રે ટ્રેનમાં સાથે હતી પણ કંઈ લાંબી વાત તો થયેલી નહોતી. અરે પરસ્પર ઓળખાણ પણ ખાસ કરી નહોતી.

બીજે દિવસે સવારે બાગમાં નલિનીબહેન સાથે તેને જે થયું તે જોયું અને છેલ્લે ગઈ કાલે જ એ અહીં, આ દુકાનમાં નંદુની વાત પૂછવા આવી હતી એટલું જ. આથી વિશેષ દુર્ગા સાથે મારે કોઈ પરિચય નથી. દુર્ગાને સમજાવવાનું તો દૂર, જરા જેટલી ભલામણ કરવાનું પણ મારાથી બને તે વિશે મને જરાય શ્રદ્ધા નહોતી.

આમ છતાં ગયા બે-ચાર દિવસો દરમિયાન નંદુએ દુર્ગા વિશે કરેલાં વિધાનો, દુર્ગાનો પરિચય કેળવવાની સુષુપ્ત ઇચ્છા, તે વખતે માધોએ કરેલી વાત કે પછી સાક્ષી તરીકે કંઈક કહેવું તો પડશે જ તેવો ભય, ન જાણે કયા કારણથી પ્રેરાઈને મેં દુર્ગા સાથે વાત કરવાનું કબૂલ્યું હતું. કહેલું, ‘દુર્ગાને મળીશ ત્યારે તે તમારી વાત માને તેવું કહી જોઈશ. અને સાક્ષી થવાનું આવે તો તો કહી દઈશ કે મને કાંઈ ખબર જ નથી. એ વખતે હું ઘણે દૂર ઊભેલો.’

‘બસ બસ, એ જ જવાબ આપ્યે રાખજે. મેં જોયું જ નથી તેમ કહ્યા કરવું. બીજું બોલતો જ નહીં.’ માધો કહીને ગયો.

કેટલીક મૂંઝવણો એવી હોય છે જેનો ઉકેલ શોધવામાં અટવાતાં હોઈએ અને તે આપોઆપ સરળતાથી ઊકલી જાય. તે સવારે વાત કરીને માધો ગયો પછી આખો દિવસ તે અને લક્ષ્મી કહે તેમ બયાન આપવાનું દુર્ગાને કેવી રીતે કહેવું તે ગડમથલમાં ગયો. સામેથી દુર્ગાને મળવા જવું કે તે નંદુને ત્યાં આવી હોય ત્યારે કહેવું તે નક્કી થઈ શકાતું નહોતું. ત્યાં સાંજે નિશાળેથી પાછી આવતી દુર્ગા દેખાઈ.

‘એક મિનિટ, જરા ઊભી રહે તો.’

તે સંકોચ વગર ઊભી રહી. હું પાસે પહોંચ્યો ત્યારે સહજ હસી.

અચાનક જ શું કહેવાનું છે તે મારાથી ભૂલી જવાયું. લગભગ સરખી ઉમ્મરની છોકરીને આમ રસ્તો રોકીને ઊભી રાખ્યા પછી તેની સામે બાઘા બનીને મૌન ઊભા રહેવું પણ લજ્જાભર્યું થઈ પડ્યું. અરે, બાપ રે! મનમાં ગોઠવેલા શબ્દો જાણે હવામાં ઓગળી ગયા.

દુર્ગા જોરથી હસી પડી.

સાંભળ્યું તો હતું કે આવું થાય ત્યારે ધરતી મારગ આપતી હોય તો સમાઈ જવું જોઈએ અથવા ઢાંકણીમાં પાણી ભરીને ડૂબી મરવું જોઈએ; પણ એવું કંઈ કરવું પડે તે પહેલાં તો પાછી હિંમત સાંપડી. લાગલું જ બોલી પડાયું, ‘સાંભળ, તારા પર તપાસ થવાની છે.’

સાવ અણઘડ વાક્ય. અને કહેવાની રીત તો તેનાથીયે વધુ અણઘડ. થયું કે દુર્ગા ફરી હસી પડશે. ફારસ જ થવાનું; પરંતુ એવું કંઈ ન થયું.

ચોપડાં છાતી સરસાં દબાવીને દુર્ગા ટટ્ટાર થઈને આગળ શું બોલાય છે તે સાંભળવા તત્પર ઊભી. મેં આગળ કહ્યું, ‘તે દહાડે... તે દહાડે બાગમાં થયેલું તેની ફરિયાદ બેને કરી છે. તપાસ આવવાની છે. માધો કહેતો હતો કે તપાસમાં જવાબ કેમ અપાય તે માધોને અને લક્ષ્મીને આવડે છે. એ બેઉ જણાં શીખવશે.’ બરાબર બોલાય છે કે નહીં તે વિચારવા મારે રોકાવું પડ્યું.

‘તે તું માધોનો વકીલ ક્યારથી થયો?’

‘મેં.. મને તો ...’ હવે શો જવાબ આપવો?

તપાસની વાતથી ગભરાઈ જવાને બદલે દુર્ગા બીજી જ વાત પર છેડાઈ પડી. તેનું હસવાનું તો ક્યારનુંયે થંભી ગયું હતું. તે વધુ કશુંક કહેવા ગઈ; પણ પછી અટકી ગઈ. થોડી વાર એમ જ સામે જોતી ઊભી રહી. પછી કોણ જાણે કોની દયા ખાતી હોય તેવું મોં કરીને બોલી, ‘લક્ષ્મી-માધો શું ધૂળ શીખવશે? આવી વાતોમાં પડવાને બદલે દુકાનમાં બેસીને સાઇકલો બરાબર રિપેર કરતો રહે તો કલ્યાણ થશે.’

બીજું કશું જ બોલ્યા વગર તે ચાલી ગઈ. બીજે દિવસે તેને જાળી પાસે પગથિયાં પર ઊભી રહીને માધો સાથે કંઈક વાત કરતી જોઈ. તેમની વાતો સાંભળી શકાય તેના કરતાં વધુ અંતર હતું. મેં માની લીધું કે માધો તેને પાઠ શીખવે છે.

પછીના અઠવાડિયે તપાસ અધિકારી આવી ગયા. નેહાબહેન પણ આવેલાં. બધાંને બોલાવ્યાં. છેવટે દુર્ગાને બોલાવી. અધિકારીએ પહેલાં તો દુર્ગાને પ્રેમથી પાસે બોલાવીને ઊભી રાખી.પછી બહેનની ફરિયાદ વાંચીને સંભળાવેલી. પછી પીઠ થપથપાવતાં પૂછેલું, ‘તારાં બહેને આ લખી મોકલ્યું છે. હવે તું કહે તે પણ સાંભળીશ. બોલ જોઈએ બેની, તે દિવસે શું થયેલું?’

બસ. અધિકારી બોલી રહે એટલી જ વાર હતી અને દુર્ગાએ કહી દીધું, ‘મેં નલિનીબેનને મારી છે. બધાંના દેખતાં મારી. ડાળું તૂટી ગયું ત્યાં સુધી ઝૂડી. પહેલાં એ લોકે અમને...’

દુર્ગા સ્થિર ઊભી હતી. હવે શું થઈ શકે તે વિશે બધાં કંઈ ને કંઈ દલીલો કરતાં હતાં તેનો એક શબ્દ પણ દુર્ગાને કાને પડે તેમ ન હતું. અચાનક તેણે અધિકારીને પૂછ્યું, ‘હવે હું જઉં?’ અને રજા મળવાની રાહ જોયા વિના દોડી ગઈ.

બહેન, નેહાબહેન, સાહેબ બધાં હજી વાતોમાં હતાં. અમે, બાકીનાં બધાંએ વિદાય લીધી. નંદુ બારણામાં બેઠો હતો તે ઊભો થઈને અમારી સાથે ચાલ્યો. બહાર કમ્પાઉન્ડમાં પહોંચતાં જ મારાથી બોલી પડાયું, ‘ખરું થયું.’

નંદુએ ચાલતાં અટકી જઈને મારી સામે જોયું અને બોલ્યો, ‘શું ખરું થયું ભાઈ? ખોટું જ તો થયું છે. અગાઉ તેણે હજાર હજાર વાર અટકાવી રાખેલું તે આજે થઈને રહ્યું. મારી મા જનની હંમેશાં છુપાવવા માંગતી તે આંસુને લાખ પ્રયત્ને પણ સંતાડી રાખી શકી નહીં. તેં ભાળ્યું નહીં!’

ભાળ્યું હતું. સુપેરે જોયું જ હતું વળી. કરમીનું નામ આવતાં જ અજાણી બખોલમાંથી સરતા ઝરણાની જેમ ખારાં પાણી આંખની ધારે આવીને ઊભાં રહ્યાં હતાં. વધારે વાર ત્યાં રોકાવું પડ્યું હોત તો વહીને ગાલ પર રેલાઈ જાત.

બીજે દિવસે લક્ષ્મી અને માધો બેઉ ખરીદી માટે નીકળ્યાં ત્યારે મારી દુકાને બેઠાં. ઘરાકની સાઇકલ સમારવાનું પૂરું કરીને મેં ઑફિસમાં મોકલવા ચા બનાવી લીધી હતી. તે બેઉને પણ ચા આપી. હાથમાં કપ લેતાં લક્ષ્મી માધોને કહેતી હોય તેમ બોલી, ‘બેને નકામું તૂત કર્યું. આનું પરિણામ શું? તો કે કંઈ નહીં. મિયાં ઠેરના ઠેર.’

માધો ગંભીર થઈને બોલ્યો, ‘તે બેન પોતેય કહેતાં હતાં કે’ ફરિયાદ થતાં થઈ ગઈ. હવે થાય છે કે ભૂલી ગઈ હોત તો સારું હતું.’

‘એ તો ઠીક આ દુર્ગીયે ખરી છે. મને હતું કે આવડું છોકરું રોઈ પડીને કાલાવાલા કરશે; પણ માફીનો તો એક શબ્દ બોલી નહીં.

લક્ષ્મીએ પવનમાં ઊડતો સાડલો પકડીને પોતાના જાડા શરીર પર સરખો વીંટતાં કહેલું, ‘દુર્ગા રડે? તે વારે પણ તેં જોયું નહીં કે આંખમાં ઝળઝળિયાં આવ્યાં ત્યાં તો ‘હું જઉં’ કહીને જવાબ સાંભળવા પણ રોકાઈ નહીં. સીધી ભાગી.’

લક્ષ્મી કહેતી હતી, ‘ગમે એવી ખીજ ચડે તોયે દુર્ગાને ધમકાવતાં જીવ ન ચાલે. ગમે તેટલાં તોફાન કરે પણ હું જાણું ને કે દુર્ગી પારકાં માટે પોતે સહે એમાંની છે.’

લક્ષ્મી અને માધોને બાળકોને ધુત્કારતાં બધાંએ જોયાં છે. આમ પણ એ બેઉ માથાભારે ગણાય તેવાં; તોપણ કોઈ ને કોઈ તે પ્રસંગે તેમની લાગણી વહી નીકળતી જોઈ છે. માણસ ઇચ્છીને હંમેશાં કોઈનું ખરાબ કરી શકતો નથી. બૂરાઈના અગોચરમાંથી ભલાઈનું ઝરણું ક્યારેક ને ક્યારેક અચાનક દડદડ કરતું વહી જ નીકળે છે.

એક વખત માધો પાસે પણ સાંભળેલું, ‘આ તો બેનને હતું કે આ ફરિયાદના બહાને છોકરાં કાબૂમાં નથી રહેતાં કહીને અહીંથી બદલી માગી લેવાશે એટલે આ બધો તાયફો ઊભો કરેલો.’

લક્ષ્મીની વાતો પરથી જ જાણેલું. આવડી ઉમ્મરની છોકરીને કોઈ સજા કરી શકાય તેમ નહોતું. કાયદો જોવા બેસીયે તો બહારના અધિકારી તેને ઠપકો પણ આપી ન શકે. હા નલિનીબહેન પોતે તેને વઢે કે ઠપકો આપે કે લક્ષ્મી તેને ધમકાવે તોપણ તેમને કોઈ શું કરી લેવાનું?

બધી જફાને અંતે નક્કી તો એવું થયું કે બહેનને નહીં; દુર્ગાને જ બીજે બદલી નાખવી. આવા આશ્રમ ઠેર ઠેર તો હોય નહીં એટલે પાલિતાણા નારીસંરક્ષણ ગૃહમાં ધકેલી મૂકવી એવું ઠરાવ્યું છે.

દુર્ગા, મારા માટે તો સાવ અજાણી છોકરી. તોયે તે ચાલી જશે તે વાત નંદુને કરવા હું દોડી ગયેલો. આ લોકોએ દુર્ગાને કાઢી મૂકવાનો નિર્ણય કર્યો છે તે કહીને ઉમેર્યું હતું, ‘એણે તે દહાડે ડાહ્યાં થઈને બધું કબૂલ કરી લેવાની શી જરૂર હતી. માધોએ શીખવ્યું તો હતું; છતાં થઈને અંતે દેશનિકાલ!’

નંદુ આવે વખતે વિચારમાં પડી જતો. થોડી પળો કહેનારની સામે જોઈને તેની ખરાઈને તપાસતો હોય તેવું લાગતું.

થોડી વારે પોતાની જનોઈ રમાડતાં ધીમે પણ સ્પષ્ટ અવાજે નંદુએ કહ્યું, ‘સાચું હતું તે દુર્ગાએ કહ્યું, ભાઈ, એને જાણ્યા વગર તું ગમે તેમ વિચારીશ તો સારું થવાનું નથી. હજી અહીં રહીશ પછી એને ઓળખી શકીશ.’

માધો અને લક્ષ્મીની વાત પર નંદુ થોડું હસ્યો. પછી કહ્યું, ‘એક બીજી વાત સાંભળી લે મુન્ના, કે આલતુફાલતુ લોકોએ શીખવેલું દુર્ગાઈ કદી પણ બોલવાની નહીં. એ કોણ છે તે જાણીશ ત્યારે સમજાશે. એ વળી કોઈની શીખવેલી વાતો કયા કારણે બોલવાની? પાલિતાણા જવું પડે કે બીજે ક્યાંય. એને શો ફરક પડવાનો! હા, આ છોકરાંઓને અને મને ફરક પડશે.’ નંદુ થોડો અટક્યો. ઊંડો શ્વાસ લઈને તેણે ઉમેર્યું, ‘તને પડશે કે નહીં તે અત્યારથી જાણી શકતો નથી.’

***