Angarpath Part-7 in Gujarati Fiction Stories by Praveen Pithadiya books and stories PDF | અંગારપથ ભાગ-૭

Featured Books
  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

Categories
Share

અંગારપથ ભાગ-૭

અંગારપથ

ભાગ-૭

( આગળ વાંચ્યુ કેઃ- ઇન્સ. કાંબલે એક બંધ કમરામાં કેદ હોય છે.... બસ્તીમાંથી બાળકો ગાયબ થયાં હોય છે... અભિમન્યુ જૂલી નામનો કોયડો ઉકેલવા નિકળે છે... રક્ષા ઉપર હોસ્પિટલમાં હુમલો થાય છે... હવે આગળ વાંચો..)

રક્ષા ઉપર જીવલેણ હુમલો થયો હતો. ડોકટરોની અથાગ મહેનતનાં કારણે તે માંડ માંડ બચી હતી પરંતુ આ ઘટનાથી અભિમન્યુ ફફડી ગયો હતો. તેણે ડેરેન લોબોની લાગવગનો ઉપયોગ કરીને રક્ષાની સિક્યુરીટીમાં એક પોલીસમેન તૈનાત કરાવ્યો હતો જેથી ફરી વખત એવી ઘટના ન બને. બધી વ્યવસ્થા કરાવીને અભિ બહાર લોબીમાં આવ્યો. તેનું મગજ ફાટફાટ થતું હતું અને સાથોસાથ હેરાન પણ હતો કે રક્ષાએ એવું તે શું કર્યુ હશે જેનાં કારણે તેનો જીવ જોખમમાં મુકાયો..! અને તેની ઉપર બે બે વાર હુમલા થયાં...! એ તો ગનીમત થયું કે ખરે સમયે તે હોસ્પિટલમાં મોજૂદ હતો નહિતર અત્યારે રક્ષા જીવિત ન હોત.

તેણે પેલી નર્સને બહું નજદીકથી જોઇ હતી. નર્સનો ચહેરો તેનાં જહેનમાં છપાઇ ગયો હતો. એ બહું ખુબસૂરત અને ગોરી હતી. કોઇ કાચની પૂતળી જ જોઇ લો... જો એ બીજી વખત ક્યાંય નજરે ચડે તો ઓળખતાં બિલકુલ વાર લાગે નહી એની અભીને ખતરી હતી. હવે તેની પાસે બે ક્લ્યૂ હતાં. એક જૂલી અને બીજી આ નર્સ. આ બન્નેનો પીછો પકડીને તેણે રક્ષાનાં અસલી ગુનેગારો સુધી પહોંચવાનું હતું. તે વિચારે ચડયો કે શરૂઆત ક્યાંથી કરવી...?

હોસ્પિટલની લોબીમાં ગોઠવાયેલાં સોફામાં વિચારમગ્ન દશામાં તે ઘણીવાર સુધી બેસી રહયો. જૂલી અને પેલી ખૂબસૂરત નર્સે તેનાં મનમાં ધમાસાણ મચાવી મૂકયું હતું. એકાએક એક વિચારે તે ચમકી ગયો. ક્યાંક આ બન્ને એક તો નથી ને...? રક્ષા ઉપર હુમલો કરનાર નર્સનું નામ જૂલી હોઇ શકે એ વિચારે તેની રગોમાં દોડતા લોહીમાં તેજી ભળી. યસ્સ... ચોક્કસ એ નર્સ જ જૂલી હશે. મારે ગમે તેમ કરીને તેને શોધવી પડશે. એક મક્કમ નિર્ધાર સાથે તે ઉભો થયો અને હોસ્પિટલનાં પગથીયા ઉતરી ગયો.

@@@@@@@@@

“ બેવકુફ... એક કામ ઠીક રીતે થતું નથી. એ ઔરત બચી જ કેવી રીતે..? તું સારી રીતે જાણે છે કે જો એ જીવીત રહી તો આપણે બધા મરી જઇશું. આટલી સીધી સાદી વાત તારાં ભેજામાં નથી ઉતરતી...? “ ફોનમાંથી ક્રોધભર્યો એક ઘોઘરો અવાજ યુવતીનાં કાનમાં ગૂંજયો. આ એ જ યુવતી હતી જે રક્ષાનાં કમરામાં નર્સ બનીને દાખલ થઇ હતી. તેણે રક્ષા બચી ગઇ હોવાનાં સમાચાર જાણ્યાં હતાં અને પોતાનાં બોસને ફોન કર્યો હતો. બોસ ફોન ઉપર જ વરસી પડયો હતો.

“ પરંતુ એમાં હું શું કરું...? મેં ઇન્જેકશન આપ્યું જ હતું. જો તેનો ભાઇ ત્યાં આવી ચડયો ન હોત તો એનું બચવું નામુમકીન હતું. “ તેણે પોતાનો લૂલો બચાવ કર્યો. હકીકત એ હતી કે તે નાકામિયાબ નિવડી હતી. કારણ ગમે તે હોય, પરંતુ કામ ન થવાનો મતલબ નિષ્ફળ જવું એ જ થતો હતો. અને... ખરેખર જો રક્ષા જીવીત રહી તો તેનું બચવું અસંભવ હતું એ પણ એટલું જ સત્ય હતું. કોઇપણ ભોગે રક્ષાનું મરવું જરૂરી હતું. એકનાં મોતથી બીજા ઘણાં બચી જવાનાં હતાં.

“ મારે કોઇ દલીલો નથી સાંભળવી. એ મરવી જોઇએ, અને એ પણ જલ્દી. ગમે તે રીતે તેને ઠેકાણે પાડ. એ કેમ કરીશ એ તારો વિષય છે. આ બાબતે બીજો ફોન નહી કરું, એટલામાં સમજી જજે. “ સામેથી ફોન મુકાયો. તે થથરી ઉઠી. એકદમ ઠંડકભર્યા સ્વરે તેને ધમકી અપાઇ હતી. અને એ ખાલી ધમકી નહોતી, જો કામ ન થયું તો તેનાં મોતનું ફરમાન હતું. તેનાં ખૂબસૂરત રૂપાળા ચહેરા ઉપર પસીનો ફૂટી નિકળ્યો. તે જાણતી હતી કે હવે રક્ષાને મારવાનું કામ પહેલાં જેટલુ આસાન નહી નિવડે, કારણકે એક વખત હુમલો થયા પછી તેની સિક્યૂરીટીની તગડી વ્યવસ્થા ગોઠવાઇ ચૂકી હશે. હવે શું કરવું એ વિચારમાં તે ગોલ્ડન બાર તરફ ચાલી નિકળી.

@@@@@@@@@@@

આટલાં મોટા ગોવામાં એક જૂલી નામની યુવતીને શોધવી કંઇ નાનીસૂની વાત નહોતી. નોર્થ ગોવા અને સાઉથ ગોવા વચ્ચે જ દોઢથી બે કલાકનું ડ્રાઇવીંગ ડિસ્ટંન્સ હશે, હવે આટલો મોટો ઇલાકો કંઇ એમ જ થોડો સર્ચ કરી શકાય..! અભિ નિકળી તો પડયો હતો પરંતુ એ યુવતીનું ઠેકાણું ક્યાં શોધવું એ મુસીબત તેની સામે આવી પડી. અને એ પણ કોઇ નામ ઠામ અને નિશાની વગર કોઇને શોધવું એ તો ઘાંસનાં ગંજમાં સોંઈ ગોતવા બરાબર હતું.

તેમ છતાં... લગભગ રાત પડતાં સુધી તે ગોવાનાં વિવિધ ઇલાકાઓમાં ફરતો રહ્યો. બાર.. રેસ્ટોરન્ટ.. પબ્લીક પ્લેસ.. બીચીઝ.. જેવી કેટલીય જગ્યાઓ તે જોઇ વળ્યો. તેને ખબર હતી કે આ ખોટી રીત છે છતાં ક્યાંકથી કોઇ ક્લ્યૂ મળી જાય એ આશાએ તે રખડતો રહ્યો હતો. તેણે લોબોને કહીને પોલીસ ખાતામાં પણ પ્રેશર ઉભુ કરાવ્યું હતું, પરંતુ પોલીસ તો ખુદ તેમનાં અફસરને શોધવામાં પરોવાયેલી હતી એટલે ત્યાંથી વધું મદદની આશા રાખવી નકામી હતી.

આખરે સાંજ ઢળતાં તે ફરી પાછો હોસ્પિટલે આવ્યો હતો. રક્ષાની સ્થિર તબીયત જોઇને તેને રાહત ઉદભવી હતી.

@@@@@@@@@

આલમ કાદરી મુંઝાતો હતો. રંગા ભાઉએ પોલીસની મદદ લેવાનું નક્કી કર્યુ હતું એ તેને સહેજે રુચ્યું નહોતું. એ સમયે તો રંગા ભાઉને તે કંઇ કહી શકયો નહોતો પરંતુ પછી તેણે પોતાની રીતે વિચારવાનું શરૂ કર્યુ હતું.

બસ્તીમાથી ભૂતકાળમાં પણ ઘણાં નાના બાળકો તેમજ યુવતીઓ ખોવાઇ હતી. એ બધાનું શું થયું હશે અને ક્યાં ગાયબ થઇ ગયા હતાં એ અત્યાર સુધી કોઇ જાણી શકયું નહોતું. તેને પાછલાં ઘણાં લાંબા સમયથી આ વાત પરેશાન કરતી હતી. તે ભલ સાવ રખડું કિસમનો યુવાન હોય, પરંતુ નાના નાના ભૂલકાઓ જ્યારે ગાયબ થતાં ત્યારે એમનાં મા- બાપનો વલોપાત જોઇને તે ખળભળી ઉઠતો. તેનાં ખુદમાં એટલી તાકાત નહોતી કે આ બાબતે કંઇ કરી શકે, એટલે જ મનમાં એક રોષ જન્મ્યો હતો. તેમાં પણ રક્ષા મેડમ વાળો કિસ્સો બન્યો પછી તો રીતસરનો તે બેચેન રહેવા લાગ્યો હતો. તેને એવું લાગતું હતું કે ક્યાંકને ક્યાંક આ બન્ને કિસ્સા આપસમાં સંકળાયેલાં હોવા જોઇએ. રક્ષા મેડમે ઘણી વખત આ બાબતે બસ્તીમાં પુછપરછ કરી હતી. કદાચ એ કારણે જ તેમનાં ઉપર હુમલો થયો હોવો જોઇએ અને મામલો દબાવાની કોશિશ થઇ હોવી જોઇએ.

પણ હવે તેનાથી વધું ચૂપ રહેવાય એમ નહોતું. મનમાં એક ડર ઉદભવ્યો હતો કે જો અત્યારે તે કંઇ નહી કરે તો પછી ખરેખર ઘણું મોડું થઇ જશે. આ સંજોગોમાં એક જ રસ્તો તેને દેખાતો હતો... રક્ષાનાં ભાઇને મળીને બધું જણાવી દેવાનો. આજે બપોરે જ તેણે સાંભળ્યું હતું કે રક્ષા મેડમ ઉપર હોસ્પિટલમાં હુમલો થયો હતો ત્યારે તેનાં ભાઇનાં લીધે તે માંડ માંડ બચ્યાં હતાં. રક્ષા મેડમનો ભાઇ એક મિલિટ્રી અફસર હતો એટલે જરૂર તે કંઇક કરી શકશે એવી આશા કાદરીને બંધાઇ હતી. તેણે અભિમન્યુને મળવાનું નક્કી કર્યુ હતું અને તે હોસ્પિટલ જવા નિકળ્યો હતો. તેને ખાતરી હતી કે અભિમન્યુ હોસ્પિટલે જ મળશે.

પરંતુ.. કુદરતે તેનાં માટે કંઇક અલગ જ વિચારી રાખ્યું હતું. નાનપણથી ગુનાખોરીનાં રવાડે ચડેલો આલમ કાદરી આજે એક નેક કામ કરવાં જઇ રહ્યો હતો અને એ તેની આખરી સફર બની રહેવાની હતી.

@@@@@@@@@@

અભિમન્યુએ રાતનું ભોજન હોસ્પિટલની કેન્ટિનમાં જ લીધું. હવે રક્ષા બાબતે તે કોઇ રિસ્ક લેવા માંગતો નહોતો એટલે બને તેટલો વધું સમય તેણે રક્ષા પાસે જ વિતાવવાનો નિર્ણય કર્યો હતો. જમવાનું પતાવીને તે રક્ષાનાં કમરા નજીક પહોચ્યો. પોલીસનો એક જવાન કમરાની બહાર મુસ્તેદીથી પહેરો ભરતો હતો. અભીને જોઇને તે વધું ટટ્ટાર થયો અને હળવી મુસ્કાન વેરી. અભિએ પણ માથુ નમાવીને પ્રતિ ઉત્તર આપ્યો અને કમરામાં પ્રવેશી ગયો. અંદર બધું જૈસે થે.. ની સ્થિતિ હતી. રક્ષા ખામોશી ઓઢીને સૂતી હતી. અભિમન્યુ એક મેગેઝીન લઇને બેઠો અને સમય પસાર થવા લાગ્યો.

બરાબર એ સમયે જ આલમ કાદરી હોસ્પિટલનાં પરસાળમાં દાખલ થયો. રીસેપ્શન પરથી તેણે રક્ષા સૂર્યવંશી ક્યા કમરામાં છે એ જાણ્યું અને લોબીમાં દાખલ થયો. દૂરથી જ તેણે રક્ષા મેડમનાં કમરા બહાર એક પોલીસમેનને ઉભેલો જોયો એટલે ઠઠકીને તે ઉભો રહી ગયો. પોલીસવાળા સાથે નાનપણથી જ તેને છત્રીસનો આંકડો હતો. ઘડીક ત્યાં જ ઉભા રહીને તેણે વિચાર્યુ અને પાછો રિસેપ્શન પર આવ્યો. રિસેપ્શન પર નાઇટ ડયૂટીમાં એક ઘરડી નર્સ બેઠી હતી.

“ માફ કરશો, પણ મારે પેલા કમરામાં છે એ રક્ષા મેડમનાં ભાઇનો ફોન નંબર જોઇએ છે.. “ કાદરીએ બહું સલૂકાઇથી વાત કરી. ઘરડી નર્સ સતર્ક બની. તેને ખાસ કહેવાયું હતું કે એ કમરામાં કે તેની આસપાસ કોઇપણ હલચલ થાય કે કશુંક અજૂગતું લાગે તો એની જાણકારી તુરંત ડોકટરને પહોચાડવી.

તેણે આલમ કાદરીનાં ચહેરા સામું જોયું. છોકરો સોહામણો હતો એટલે પહેલી નજરે તો કંઇ શક કરવા જેવું લાગ્યું નહી તેને. અને વળી તે એક મિલિટ્રી અફસરનો નંબર માંગતો હતો એટલે નર્સને ધરપત થઇ. છતાં તેણે નંબર આપવાને બદલે ચોપડામાં જોઇને અભિમન્યુનો નંબર ડાયલ કરી કાદરીનાં હાથમાં થમાવી દીધો.

“ તમે અહીથી જ તેમની સાથે વાત કરી લો... “ તે બોલી. કાદરીએ ફોન કાને ધર્યો.

બરાબર એ સમયે જ એક કાળી વાન હોસ્પિટલનાં કંપાઉન્ડની અંદર દાખલ થઇ અને પાર્કીંગ એરીયા નજીક આવીને ઉભી રહી. એક લોહીયાળ ઘટનાની પૂર્વ તૈયારીનો આગાઝ હતો એ...

( ક્રમશઃ )

વધું આવતાં સોમવારે..

રેટિંગ અને કોમેન્ટ ચોક્કસ કરજો. આપનાં મિત્રો અને પરીવાર જનોને આ કહાની જરૂરથી વંચાવજો.

મારી સાથે જોડાવા ૯૦૯૯૨૭૮૨૭૮ પર વોટસઅપ કરી શકો છો.

ફેસબુક અને ઇન્ટા. પર મને ફોલો પણ કરી શકો છો.

ઉપરાંત મારી અન્ય નોવેલ્સ જેવી કે

નો રીટર્ન-૧ અને ૨,

નસીબ,

નગર,

અંજામ,

આંધી. પણ વાંચજો. આ બધી બુક્સ તરીકે પણ બજારમાં અવેલેબલ છે.