Premchandjini Shreshth Vartao - 14 in Gujarati Short Stories by Munshi Premchand books and stories PDF | પ્રેમચંદજીની શ્રેષ્ઠ વાર્તાઓ - 14

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

પ્રેમચંદજીની શ્રેષ્ઠ વાર્તાઓ - 14

પ્રેમચંદજીની

શ્રેષ્ઠ વાર્તાઓ

(14)

આશા એ જ નિરાશા...

જેને ઘેર માત્ર દિકરીઓ જ અવતરતી હોય એ માણસ સદા

નિરાશ રહે છે. એ એટલું તો સમજે છે કે એમાં પત્નીનો કોઇ દોષ નથી.

છતાં તે પત્નીને અભાગણી માનીને એના પર મોંઢું ચઢાવે છે. નિરુપમા

આવી જ એક અભાગણી સ્ત્રી હતી. ઘમંડીલાલ ત્રિપાઠી એનો પતિ હતો.

નિરુપમા એક પછી એક એમ ત્રણ પુત્રીઓને જન્મ આપ્યો હતો. આખા

ઘરમાં એ અપ્રિય થઇ ગઇ હતી. સાસુ સસરાની તો ખાસ ચિંતા ન હતી.

કારણ કે એ તો જૂના જમાનામાં માણસો હતાં. એને દુઃખ હતું ભણેલા

ગણેલા પતિના અસંતોષનું, એનાં મ્હેણાંનો માર બિચારીથી સહન થતો ન

હતો એ દિવસો સુધી ઘેર પણ આવતો ન હતો. અને આવતો તો પત્ની સાથે

વાત પણ કરતો ન હતો.

ઘરમાં પૈસાની કોઇ ખોટ ન હતી. છતાં નિરૂપમાની કોઇ ઇચ્છા

સંતોષાતી ન હતી. એ પોતાના જાતને અભાગણી માનતી હતી. પતિના

મીઠા સ્મિત માટે સદા એ તડપતી રહેતી. પુત્રીઓને એ પૂરતો પ્રેમ પણ

આપી શકતી ન હતી. એને લોકચર્ચાનો ડર હમેશાં સતાવ્યા કરતો હતો.

પતિના ઘેર આવવાના સમયે એ દિકરીઓને કોઇને કોઇ બહાને પોતાનાથી

દૂર રાખતી. પતિએ એને ધમકી આપી હતી કે હવે જો દિકરી જન્મશે તો એ

ઘરનો સદાને માટે ત્યાગ કરી દેશે. નિરૂપમાને આ ચિંતા વિશેષ ડરામણી

લાગતી હતી.

એ એકાદશીનું વ્રત કરવા લાગી. રવિવાર અને મંગળવાર જેવા

અનેક વાર પણ કરતી. પૂજા પાઠ તો એને માટે નિત્ય નિયમ થઇ ગયો હતો.

અનુષ્ઠાનથી એની આશા ફળતી ન હતી. હમેશાં અવગણના, તિરસ્કાર અને

અપમાન સહન કરતાં કરતાં એનું મન હવે આ સંસારમાંથી ઊઠી ગયું હતું.

જે ઘરમાં સ્ત્રીને જીવન પ્રત્યે અરુચિ ના થાય તો બીજું થાય પણ શું?

ઘોર નિરાશામાં સપડાયેલી તેણે એક દિવસ મોટી ભાભીને કાગળ

લખ્યો. એના એક એક અક્ષરમાંથી અસહ્ય વેદના ટપકતી હતી. ભાભીએ

જવાબ લખ્યો હતો - ‘‘તમારા ભાઇ તમને જલ્દીથી તેડાવવા વિચારે છે.

અહીં હમણાં એક સિદ્ધ મહાત્મા આવ્યા છે. એમના આશીર્વાદ ક્યારેય

નિષ્ફળ જતા નથી. એમના આશીર્વાદથી કેટલીય પુત્ર વિહોણી સ્ત્રીઓની કુખો

ફળી છે.મને આશા છે કે તેમને પણ એમના આશીર્વાદ અચૂક ફળશે.’’

નિરુપમાએ કાગળ પતિને વંચાવ્યો. ત્રિપાઠીજીએ ઉદાસભાવે કહ્યું

- ‘‘જગતની રચના કરવાનું કામ સાધુ સંતોષનું નથી, એ કામ તો ઇશ્વરનું

છે.’’

‘‘તેમ છતાં મહાત્માઓમાંય કઇંક સિદ્ધિ તો હોય છે જ.’’

‘‘હોય છે. પણ એવા મહાત્માઓનાં દર્શન દુર્લભ હોય છે.’’

‘‘હું તો એ મહાત્માના દર્શન કરીશ જ.’’

‘‘તો જા. ચાલી જા.’’

‘‘સાવ વાંઝણી સ્ત્રીઓએ દિકરા જણ્યા તો શું હું એમનાથી ગઇ?’’

‘‘કહ્યું તો ખરું તને, જા. એમ કરીનેય જોઇ લ્યે. મને તો લાગે છે કે

દિકરાનું મોં જોવાનું સુખ આપણા નસીબમાં નથી.’’

કેટલાક દિવસ બાદ નિરુપમા ભાઇના સાથે પિયરમાં ચાલી ગઇ.

ત્રણેય દિકરીઓને પણ એ સાથે લઇ ગઇ હતી. ભાભીએ એને ગળે વળગાડી

કહ્યું - ‘‘તમારા ઘરનાં માણસો નિર્દય છે. ગુલાબના કળીઓ જેેવી

દિકરીઓ મેળવીનેય નસીબને દોષ દે છે! તમને જો એમનો ભાર લાગતો

હોય તો સોંપી દો મને. નણંદ ભોજાઇ ખાઇ પીને જરા આડાં પડ્યાં ત્યારે

નિરુપમાએ પૂછ્યું - ‘‘ક્યાં રહે છે મહાત્માજી, ભાભી?’’

‘‘શી ઊતાવળ છે? કહું છું.’’

‘‘છે તો નજીક ને?’’

‘‘હા, નજીક જ છે. કહેશો ત્યારે બોલાવી લાવીશ.’’

‘‘તમારી ઉપર ઘણા પ્રસન્ન હશે?’’

‘‘હા, અહીં જ જમે છે. રહે છે પણ અહીં જ.’’

‘‘તો તો બહુ સારું. મને આજે જ એમનાં દર્શન કરાવો.’’

‘‘ભેટ શું આપશો?’’

‘‘હું તો શું આપું, ભાભી?’’

‘‘તમારી સૌથી નાની દિકરી આપજો.’’

‘‘જાવ, જાવ. એવું શું બોલો છો?’’

‘‘ઠીક, ઠીક! પણ એક વાર એને આલિંગન આપવા દેવું પડશે.’’

‘‘જાઓને ભાભી! એવી મશ્કરી શું કરો છો? એવું કહેશો તો ચાલી

જઇશ હું.’’

‘‘મહાત્માજી ઘણા રસિક માણસ છે.’’

‘‘તે જાય ચૂલામાં. હશે કોઇ દુષ્ટ, પાપી.’’

‘‘પણ તે સિવાય એમના આશીર્વાદ નહીં મળે. એ સિવાય બીજી

કોઇ શરત એમને માન્ય નથી.’’

‘‘તમે તો એમનાં દલાલ હો એ રીતે વાત કરો છો ને ભાભી?’’

‘‘હા. એ મારા થકી જ આ બધું નક્કી કરે છે. હું જ ભેટ લઉં છું

અને હું જ આશીર્વાદ આપું છું. હું જ એમના વતી ભોજન કરું છું.’’

‘‘ઓ હો! તો એમ કહોને કે મને બોલાવવા જ તમે આ ખેલ કર્યા

છે?’’

‘‘ના, એમની સાથે તમને હું એવા ગુરુ દેખાડી દઇશ કે પછી તમે

નિરાંતે તમારે ઘેર રહી શકશો.’’

બંન્ને નણંદ ભોજાઇ ગુસપુસ કરવા લાગ્યાં. ભાભી બોલતી બંધ

થઇ ત્યારે નિરુપમા બોલી - ‘‘અને ફરીયે જો દિકરી જન્મી તો?’’

‘‘તો શું? થોડા દિવસ સુખશાંતિથી જીવન પસાર તો થશે! પુત્ર થશે

તો તો ઠીક પણ પુત્રી જન્મશે તો નવી તરકીબ વિચારવી પડશે. તમારા

ઘરવાળા જેવા અક્કલના ઓથમીર સાથે તો સાવા જ ખેલ ખેલવા પડે.’’

‘‘મને તો શરમ આવે છે. ભાભી.’’

‘‘ત્રિપાઠીજીને કાગળ લખી દેજો કે મહાત્માજીનાં દર્શન થયાં છે

અને એમના આશીર્વાદ પણ મળ્યા છે. ઇશ્વરની ઇચ્છા હશે તો તે દિવસથી

જ તારાં માન પાન વધી જશે. ઘમંડીલાલ દોડતા આવશે અહીં અને અછો

અછો વાનાં કરશે. પછી જોયું જશે.’’

‘‘પતિ સાથે કપટ કરવાથી પાપ નહીં લાગે?’’

‘‘ના,ના, એવા સ્વાર્થી લોકો આગળ તો કપટ કરવું પણ પુણ્ય

ગણાય.’’

ત્રણ ચાર મહિના પિયરમાં રહ્યા પછી નિરુપમા સાસરે પાછી

આવી. ઘમંડીલાલ પોતે જ એને તેડવા ગયેલો. વિદાયવેળાએ સાળાવેલીએ

કહ્યું હતું - ‘‘મહાત્માજીનું વરદાન સાચું પડ્યું ના હોય એવું આજ સુધી તો

બન્યું નથી. પણ જેનું ભાગ્ય જ, ફૂટેલું હોય તેને માટે તું શું થઇ શકે!

ઘમંડીલાલ વરદાન કે આશીર્વાદનો આમ તો વિરોધી હતો, પણ

એના દિલ ઉપર આ વાતની અસર થયા વિના રહી નહીં.

નિરુપમાની હવે વિશેષ કાળજી લેવાવા લાગી. એ ગર્ભવતી થઇ

ત્યારે બધાનાં હૈયાંમાં જાત જાતની આશાઓ ઉમટી આવી. સાસુ પણ હવે

તેની સાથે પ્રેમ અને સહાનુભૂતિથી વર્તતી. કહેતી - ‘‘બેટી, રહેવા દે. હું

રસોઇ બનાવી નાખું છું. હમણાં પાછું તારું માથું દુઃખશે.’’ સાસુ હવે એને

કોઇ વસ્તુને હાથ પણ અડકવા દેતી ન હતી. કહેતી - ‘‘વહુ, હવે તારાથી ભારે વસ્તુ ના ઊંચકાય.’’ નિરુપમા માટે સાસુ વિશેષ કાળજી લેતી થઇ. એને સાત્ત્વિક ખોરાક મળવા લાગ્યો. ઘમંડીલાલ પત્નીને રાજી રાખવા દર મહિને કોઇને કોઇ નવી વસ્તુ ઘરમાં લઇ આવતો. નિરુપમાએ આટલાં સુખ સંતોષ તો ક્યારેય અનુભવ્યાં ન હતાં.

દિવસો ઉપર દિવસો પસાર થઇ ગયા. આ વખતે પણ કન્યાનો જ જન્મ થવાનો હોય એવાં લક્ષણ નિરુપમાને જણાવા લાગ્યાં. એણે એ વાતનો ભેદ ગુપ્ત જ રાખ્યો. એ વિચારતી હતી - ‘‘આ તો શ્રાવણ મહિના નો તડકો છે. એનો શો વિશ્વાસ! છાંયડો ક્યારે આવી જાય એનું નક્કી નહીં!’’ નિરુપમાને આટલું માન ઘરમાં કદી મળ્યું ન હતું. એને ઠેસ પહોંચવાની બીકે ઘરમાં કોઇ એને ખસ કહેતું નહીં. કોઇ કોઇક વાર ઘરવાળાને બાળવા નિરુપમા અનુષ્ઠાન કરતી. એને સૌને સૌને બાળવામાં ખૂબ મઝા પડતી હતી. એ વિચારતી - ‘‘તમારા જેવા સ્વાર્થી લોકોને બાળવાની મઝા આલવે છે મને તો. તમે એટલા માટે મારો આદર કરો છો કે તમને આશા છે કે હું દીકરાને જન્મ આપીશ! અને એ દિકરો તમારો કુળનું નામ દિપાવશે! મારી તો કોઇ વિસાત નથી. તમારે મને વિશેષ મહત્ત્વ દિકરાનું છે, મારું નહીં. મારો પતિ પણ મને પહેલાં કેટલો બધો પ્રેમ કરતો હતો? હવે એનો પ્રેમ પણ સ્વાર્થી બની ગયો છે. હું પણ પશુ જેવી છું. જેને માત્ર દૂધની લાલચે ઘાસ પાણી નીરવામાં આવે છે! ભલે, પણ હમણાં તો તમે મારી આણ નીચે આવ્યાં છો. જેટલાં થઇ શકે એટલાં ઘરેણાં એકઠાં કરી લઉં. પછી કોઇ એ મારી પાસેથી લઇ શકે એમ છે?’’

દસ માસ પૂરા થયા. નિરુપમાની બંન્ને નણંદો તેડાવવામાં આવી. દિકરા માટે પહેલેથી જ સોનાનાં ઘરેણાં બનાવડાવ્યાં હતાં. દૂધ માટે ગાય પણ ખરીદી લેવામાં આવી હતી. ઘમંડીલાલે બાળક માટે એક નાની સેજગાડી પણ ખરીદી લીધી હતી. નિરુપમાને વેણ ઉપડ્યું ત્યારે ઘેર મૂહુર્ત જોવા પંડિતજીને બોલાવી લેવામાં આવ્યા હતા. નાચ ગાનનો પ્રબંધ પણ અગાઉથી જ કરી દેવામાં આવ્યો હતો. ઘરમાંથી પ્રતિક્ષણ ખબર મેળવવામાં આવતા હતા કે શું થયું? લેડી ડૉક્ટરને પણ હાજર રાખવામાં આવી હતી. વાજાંવાળા તો હુકમની રાહ જોઇ તૈયાર બેઠા હતા.

બધી તૈયારીઓ, બધી આશાઓ, બધો જ ઉત્સાહ અને બધો ઉત્સવ માત્ર એક જ શબ્દ પર ટકી રહ્યાં હતાં. જેમ જેમ સમય વીતતો જતો હતો તેમ તેમ જિજ્ઞાસા અને આતુરતા વધતાં જતાં હતાં. ઘમંડીલાલ તેના મનની લાગણીઓ છુપાવવા માટે સમાચાર પત્ર જોતો હતો. એનો ઘરડો બાપ આશાઓમાં રાચતો હતો. હસી હસીને પૈસાની થેલી રમાડતો હતો.

દિકરાના જન્મની વધાઇ વખતે બંદૂક ફોડવા માટે તૈયાર થઇ બેઠેલા મીરશિકારે કહ્યું - ‘‘માલિક પાસે પાઘડી અને દુપટ્ટો ભેટમાં લઇશ.’’

વૃદ્ધે કહ્યું - ‘‘કેટલી પાઘડિઓ લઇશ અલ્યા? આ વખતે એવી તો અણમોલ પાઘડી આપીશ કે તું જોતાં જ દંગ રહી જઇશ.’’

પામર સારંગી વાળો બોલ્યો - ‘‘સરકાર, મનેય તમારે રાજી કરવો પડશે, હોં?’’

‘‘અરે, રાજી કરી દઇશ. તું તારે ખાજે પેટ ફાટી જતા સુધી, બસ?’’

ઘરમાંથી દાસી બહાર આવી. ગભરાયેલી હતી એ. એ કશું બોલે એ પહેલાં જ મીરશિકારે તો બંદૂક ફાયર કરી. ધડાકાથી વાતાવરણ ગુંજી ઊઠ્યું. પામર સારંગીવાળાએ સૂર છેડ્યા. વાજાંવાળાએ પણ ધૂન છેડી. નાચવાવાળા નાચવા લાગ્યા.

નોકરાણીએ કહ્યું - ‘‘અરે, તમે બધાંએ ભાંગ પીધી છે કે શું?’’

‘‘કેમ? શું થયું?’’

‘‘શું થવાનું હતું! દિકરી જન્મી.’’

‘‘દિકરી?! વૃદ્ધ બાપને ધ્રાસકો પડ્યો.’’

એ ઢગલો થઇને ભોંય પર બસી પડ્યા. એમના માથે જાણે વજ્રપાત થયો. ઘમંડીલાલે બહાર આવી નોકરાણે ધમકાવી - ‘‘જા, દઇને ડૉક્ટરને પૂછી જો અને બરાબર ખાતરી કરી લે જોઇને. સાંભળ્યું ન સાંભળ્યું કરીને ચાલી આવી છું તે.’’

‘‘બાબુજી! મેં મારી આંખોએ જોયું છે.’’

‘‘દિકરી જ જન્મી છે?’’ ઘમંડીલાલે પૂછ્યું.

વૃદ્ધ બાપે કહ્યું - ‘‘દિકરા! આપણું તકદીર જ ફૂટેલું છે. જાઓ, બધાં ચાલ્યાં જાઓ. તમારા બધાંનાં નસીબેય કાણાં છે. જાઓ, ઊઠો. સેંકડો રૂપિયા પર પાણી ફરી વળ્યું. બધી તૈયારીઓ ધૂળમાં મળી ગઇ.’’

ઘમંડીલાલે કહ્યું - ‘‘પેલા મહાત્માજીને તો પૂછીએ જરા. હું આજે જ એની ખબર લઉં છું.’’

વૃદ્ધ બાપે કહ્યું - ‘‘લુચ્ચો છે લુચ્ચો. બીજું શું?’’

‘‘હું એની બધી લુચ્ચાઇ કાઢી નાખીશ. મારી મારી ને ખોપરી ભાંગી ના નાખું તો કહેજો. સાલો ચંડાળ, લફૂંગો. સાલ્લાએ મારા રૂપિયાને ધૂળધાણી કરાવી દીધા. આ સેજગાડી, આ ગાય, સોનાનાં ઘરેણાં, બધું ક્યાં નાંખુ? એણે આમ ને આમ કેટલાય લોકોને ઠગ્યા હશે!’’

‘‘એનો શો વાંક ગુનો દિકરા? એ તો આપણાં કરમ જ ફૂટેલાં. આવાં આવાં પાખંડ કરીને તો બૈરાં પાસેથી કોણ જાણે કેટલાય રૂપિયા પડાવ્યા હશે? એ બધા હવે એને ઓકવા પડશે. નહીં તો સાલ્લાને પોલીસને હવાલે કરી દઇશ. મને તો પહેલેથી જ શંકા હતી. પણ શું થાય? મારી સાળાવેલીએ જ દગો કર્યો. નહીં તો હું એવા ધૂંતારાના પંજામાં પડું ખરો?’’ ઘમંડીલાલે ગુસ્સો ઠાલવતા કહ્યું.

વૃદ્ધ બાપે કહ્યું - ‘‘ધીરજ ધર બેટા! ઇશ્વરને જે ગમ્યું હશે તે જ થયું. દિકરો કે દિકરી એ ઇશ્વરની દેણ છે. ત્રણ છે તે એક ચોથી એમાં શું?’’

પિતા પુત્ર વચ્ચે વાતો ચાલતી જ રહી. પામર, મીરશિકાર વગેરેએ પોત પોતાની વસ્તુઓ લઇ ચાલવા માંડ્યું. ઘર આખામાં જાણે શોક છવાઇ ગયો. લેડી ડૉક્ટર પણ ત્યાંથી ઊઠીને ચાલી ગઇ ઘરમાં પણ સુવાવડી નિરુપમા અને દાયણ સિવાય કોઇ રહ્યું નહીં. નિરુપમાની સાસુ તો એટલી હતાશ થઇ ગઇ કે એ સોડતાણી સૂઇ જ રહી.

સૂવાવડના બાર દિવસ પછી જ્યારે નિરુપમા નાહી ઊઠી ત્યારે ઘમંડીલાલે એની પાસે જઇને સરોષ કહ્યું - ‘‘પાછી છોકરી આવી?’’

‘‘શું થાય? મારું શું ચાલે એમાં? કઇ મારા હાથની વાત હતી?’’

‘‘પેલા લુચ્ચાએ દગો કર્યો.’’

‘‘નસીબમાં જ નહીં હોય તે શું થાય! નહીં તો ત્યાં રાત દહાડો કેટલી સ્ત્રીઓ એમને વિંટળાઇને બેસી રહે છે. એ કોઇની પાસેથી કશું લેતા હોય તો તો જાણે સમજ્યા. પણ તમારા સમ; રાતી પાઇ પણ મેં એ મહાત્માને આપી હોય તો!’’

ઘમંડીલાલ ઘૂરક્યો ‘‘એણે પૈસોય ભલે ના લીધો; પણ અહીં તો દેવાળું ફૂંકાઇ ગયું. લાગે છે કે નસીબમાં દિકરાનું સુખ જ લખ્યું નથી. કુળનું નામ જવાનું હોય તો આજે જાય કે કાલે જાય. શો ફેર પડવાનો હતો? હવે હું તો ચાલ્યો જઇશ ક્યાંક! સંસારમાં શું સુખ છે?’’

ઘણીયે વાર સુધી એ નસીબને દોષ દેતો બબડતો જ રહ્યો પણ નિરુપમાએ ઊંચી નજર કરી નહીં.

નિરુપમાને માથે પાછી એ જ આફત આવીને ઊભી રહી! એ જ મ્હેણાં ટોણાં, એ જ અપમાન, એ જ તિરસ્કાર! હવે કોઇને એની કશી પડી ન હતી. એના ખાવા પીવાનીય કોઇને કશી દરકાર ન હતી. ઘમંડીલાલે ઘર છોડવાથી ધમકી આપવાનું ચાલું રાખ્યું હતું.

નિરુપમાએ મોટી ભાભીને પત્ર લખી હકીકત જણાવી. લખ્યું - ‘‘ભાભી, તમે તો મને ભારે સંકટમાં ધકેલી દીધી છે. આના કરતાં તો હું પહેલાં સારી હતી. હવે તો મારા મરવા જીવવાનીય કોઇને પડી નથી. જો આમ જ ચાલ્યા કરશે તો તમારા નણદોઇ તો ઘર છોડીને જતા જશે, પણ હું તો ચોક્કસ ઘર છોડીને ચાલી નિકળીશ.’’

ભાભી પત્ર વાંચીને બધું સમજી ગઇ. આ વખતે એણે નિરુપમાને બોલાવી નહીં. કારણ કે એને ખબર હતી કે કોઇ એને મોકલશે નહીં. તેથી તે પોતે જ તેના પતિને લઇને નણંદને ઘેર આવી પહોંચી. નિરુપમાની ભાભી સુકેશી મિલનસાર, ચતુર અને હસમુખી સ્ત્રી હતી. આવતાં જ નિરુપમાની ગોદમાં દિકરીને જોઇ બોલી - ‘‘અરે, આ શું છે?’’

નિરુપમાની સાસુએ કહ્યું - ‘‘નસીબ!

સુકેશીએ કહ્યું - ‘‘ નસીબ? નસીબ કેવું? એ મહાત્માની સલાહ ભૂલી ગઇ હશે! નહીં તો આમ થાય જ નહીં.’’ પછી નણંદ તરફ ફરી પૂછ્યું - ‘‘તમે મંગળનું વ્રત કર્યું હતું?’’

‘‘હા, એક પણ મંગળવાર ચૂકી ન હતી.’’

‘‘મંગળવારે પાંચ બ્રાહ્મણોને જમાડતાં હતાં?’’

‘‘એવું દો મહાત્માએ કહ્યું ન હતું. ભાભી.’’

‘‘માથું તમારું! મને બારાબર યાદ છે. હું ત્યારે હાજર તો હતી. વિધિ પ્રમાણે કોઇ અનુષ્ઠાન કરીએ અને સફળ ના થાય એ તો બને જ શી રીતે?’’

આ સાંભળી સાસુએ કહ્યું - ‘‘પણ એણે તો એવી વાત પણ કોઇને કરી ન હતી. કહ્યું હોત તો પાંચ શું દસ બ્રાહ્મણોને જમાડી દેત.’’

સુકેશીએ કહ્યું - ‘‘હવે શું થાય? ભૂલી ગયાં. દિકરાનું મોં જોવાનું એમ રસ્તામાં નથી પડ્યું, બહેન. બહુ ભારે જપ તપ કરવાં પડે છે. તમે એક મંગળના વ્રતથી ગભરાઇ ગયાં?’’

વચમાં જ સાસુ બોલ્યા - ‘‘અભાગણી છે. પછી શું?’’

ઘમંડીલાલે કહ્યું - ‘‘એવી શી અઘરી વાત હતી કે યાદ ના રહે! પણ એ અમને બાળવા જ માગે છે.’’

સાસુને વાતમાં વિશ્વાસ બેઠો - એણે સુકેશીને કહ્યું - ‘‘મનેય થતું તું કે મહાત્માજીનું વચન નિષ્ફળ શી રીતે થયું? મેં તો સાત સાત વરસ સુધી તુલસી માતાને દિવો કર્યો હતો ત્યારે મારી કૂખે દિકરો જન્મ્યો હતો.’’

ઘમંડીલાલે કહ્યું - ‘‘પણ એને તો એ વાત ચણા મમરા ફાકવા જેવી લાગતી હશે.’’

સુકેશીએ કહ્યું - ‘‘જવા દો હવે, જે થવાનું હતું તે થઇ ગયું. કાલે મંગળવાર છે. ફરી વ્રત રાખો. અને જોજો ભૂલતાં નહીં. આ ફેરા દર મંગળવારે સાત બ્રાહ્મણોને જમાડજો. જોઉં તો ખરી કે મહાત્માજીનાં વચન કેવાંક ફળતાં નથી?!’’

‘‘હવે એ બધું કરવાથી કશું જ વળવાનું નથી.’’ ઘમંડીલાલે કહ્યું.

સુકેશીએ આશ્વાસન આપતાં કહ્યું - ‘‘બાબુજી! આપ ભણેલા ગણેલા અને સમજદાર માણસ થઇને આવું બોલશો? હજુ તો તમારી ઉંમરેય ક્યાં થઇ છે? બોલો, કેટલા દિકરા જોઇએ છીએ?’’

સાસુએ વચમાં જ કહ્યું - ‘‘દિકરાઓથી તે કોઇનું મન ભરાતું સાંભળ્યું છે, બેટી?’’

‘‘ઇશ્વરની ઇચ્છા હશે તો તમારાં બધાનાં મન ભરાઇ જશે. મારું તો ભરાઇ જ ગયું છે.’’

ઘમંડીલાલે કહ્યું - ‘‘સંભળાય છે મહારાણી. હવે કોઇ ગોટાળો ના કરતી પાછી. જે પૂછવું હોય તે વિગતે પૂછી લેજે તારી ભાભીને.’’

‘‘તમે ચિંતા ના કરશો. હું બધું જ યાદ કરાવી દઇશ. શું ખાવું, ક્યારે ખાવું, કેમ રહેવું, કેમ સ્નાન કરવું એ બધું ડાયરીમાં જ નોંધાવી દઇશ આ ફેરા તો. અને માજી આજથી દોઢ વરસ બાદ તમારી પાસેથી મોટું ઇનામ લઇશ.’’

સુકેશી નણંદને ઘેર એક અઠવાડિયું રોકાઇ, અને નિરુપમાને બરાબર ભણાવી ગણાવી પાછી ફરી.

નિરુપમાનો સિતારો ફરી એકવાર ચમકતો થયો. સુકેશીની

વાતોથી ઘમંડીલાલ એવો તો પ્રભાવિત થઇ ગયો કે એ ભવિષ્યની કલ્પનામાં

ભૂતકાળને સમૂળગો ભૂલી ગયો. નિરુપમા ફરી દાસી મટી મહારાણી બની.

ફરી પાછાં ઘરમાં એનાં માન પાન વધી ગયાં.

દિવસો વીતતા ગયા. નિરુપમા કોઇકવાર સાસુને કહેતી -

‘‘માજી, એક સ્ત્રી મને સ્વપ્નમાં આવી બોલાવીને નાળિયેર આપી કહેતી હતી

કે લે દિકરી આ તને હું આપી જાઉં છું. ગમે તેમ પણ કોણ જાણે શાથી મારા

હૈયામાં આનંદ ઉભરાય છે. મને થાય છે કે ખૂબ ગીતો સાંભળું, નદીમાં ખૂબ

સ્નાન કરું.’’ વહુની વાતો સાંભળી સાસુ કહેતી - ‘‘વહુ! એ બધાં સારાં

લક્ષણ કહેવાય છે.’’

નિરુપમા ફૂલોના ગજરા પહેરવા લાગી. ઘમંડીલાલ રોજ રાત્રે

સૂતી વખતે પત્નીને મહાભારતની વીર કથાઓ સંભળાવતો. ક્યારેક ગુરુ

ગોવિંદસિંહની પ્રશંસા ગાઇ સંભળાવતો અભિમન્યુની કથા નિરુપમાને ખૂબ

ગમતી. પિતા આવનાર પુત્રને વીર સંસ્કારોથી સંતૃપ્ત કરી દેવા ઇચ્છતો હતો.

એક દિવસ નિરુપમાએ પતિને કહ્યું - ‘‘શું નામ પાડશો?’’

‘‘અરે! તેં ઠીક વિચાર્યું. હું તો એ વાત જ ભૂલી ગયો હતો. નામ

તો એવું પાડવું કે જેમાંથી શૂરવીરતા અને તેજ ટપકતાં હોય. જો વિચારી કાઢ

એવું કોઇક નામ.’’

બંન્ને જણાં એક પછી એક નામ વિચારવા લાગ્યાં. જોરાવરલાલથી

માંડી હરિશ્ચંદ્ર સુધીનાં બધા જ નામો વિચારવામાં આવ્યાં. પણ આવનારા

અસામાન્ય બાળક માટે એક પણ નામ જ રહ્યું નહીં. છેવટે વિચાર કરીને

પતિએ કહ્યું - ‘‘તેગબહાદુર નામ કેવું છે?’’

‘‘સરસ! સરસ! મને એ નામ ઘણું જ ગમે છે.’’

‘‘નામ તો ઘણું જ સરસ છે. તેગબહાદુરની કીર્તિ સાંભળી છે તેં?

નામની પણ માણસ ઉપર અસર થાય છે વત્તીઓછી!’’

નિરુપમા બોલી - ‘‘નામમાં છે, જે છે તે બધું. આપણા દિકરાનું

નામ રહેશે તેગબહાદુર.’’

પ્રસવ સમય આવી પહોંચ્યો. નિરુપમાને તો થનાર ભવિષ્યની

ખબર જ હતી. પણ બહાર તો મંગલાચરણ માટે સામાન ખડકી દેવામાં

આવ્યો હતો. વિશાળ મંડપ બાંધવામાં આવ્યો હતો. સંગીતના જલસાની

વ્યવસ્થા કરવામાં આવી હતી. કંદોઇ મિઠાઇ બનાવતો હતો. મિત્રો મંડપ

નીચે બેસી ગપ્પાં મારતાં હતા. ભિખારીઓને વહેંચવા અનાજની ગુણો પણ

તૈયાર રાખવામાં આવી હતી. જરાપણ વાર થાય નહીં તો માટે થેલાઓનાં મોં

પણ ઉધાડીને તૈયાર રાખવામાં આવ્યાં હતાં.

પણ નિરુપમાનું કાળજું ક્ષણે ક્ષણે કોચવાતું જતું હતું હવે શું થશે?

ત્રણ વર્ષો તો સુખચેનમાં પસાર થઇ ગયાં. પણ હવે વિપત્તિનાં વાદળો

ઘૂમરાવા લાગ્યાં હતાં. અરેરે! કેટલી બધી લાચારી! નિર્દોષ હોવા છતાં પણ

આવી કઠોર શિક્ષા! મારી કૂખે કોઇ પુત્ર જન્મે નહીં એમાં મારો શો વાંક? પણ

મારું તો સાંભળે છે જ કોણ? હું જ અભાગણી છું. ત્યાજ્ય છું. કાળમુખી છું.

એટલા માટે ને કે હું લાચાર છું! શું થશે? ક્ષણ માત્રમાં આનંદોત્સવની જગાએ

શોક છવાઇ જશે. મ્હેણાંનો વરસાદ વરસશે. સાસુ સસરાની તો ચિંતા નથી.

પણ પતિ દેવ મારું મોં ફરીવાર નહીં જુએ! કદાચ સદાને માટે ઘરનો ત્યાગ

કરી દેશે! ચારે તરફ અશુભ છે. કરવાનું તો ઘણુંય કરી જોયું. હવે કોઇ આશા

નથી. મારાં તો અરમાન હતાં કે દિકરીઓને પાળી પોષી ઉછેરીશ. એમને

પરણાવીશ, એમનાં ભાણેજાં જોઇ સુખી થઇશ. પણ હાય,બળ્યાં સ્વપ્નો ધૂળમાં

મળી ગયાં. હે ભગવાન! હવે તો તું જ મારી દિકરીઓનો બાપ છે, તું જ

એમનો રાખણહારો છે. હું તો હવે જાઉં છું, સદાને માટે.

લેડી ડૉક્ટરે કહ્યું - ‘‘ફરી દિકરી આવી છે.’’

જાણે વિજળી ત્રાટકી! અંદર બહાર ભારે કોલાહલ મચી ગયો.

ઘમંડીલાલે આવેશ અને હતાશાની મિશ્ર લાગણીથી કહ્યું - ‘‘નરકમાં જાય

આવી જિંદગી. હવે તો મોત આવે તો સારું. આ લહાયમાંથી તો છૂટીએ.’’

વૃદ્ધ બાપે કહ્યું - ‘‘અભાગણી છે. પૂરી અભાગણી!’’

અનાજની રાહ જોઇ બેઠેલા ભિક્ષુકોએ કહ્યું - ‘‘કરમ જ ફૂટેલાં

છે ને સાલ્લાં, ચાલો બીજે ઘેર.’’

આ શોકોદ્‌ગાર હજુ શમ્યાય ન હતા. ત્યાં જ લેડી ડૉક્ટરે હાંફળા

ફાંફળા આવી કહ્યું - ‘‘માની તબિયત સારી નથી. એનો જીવ જોખમમાં છે.

હવે એ બચી શકે એમ નથી. એનું હૃદય બંધ પડી ગયું છે.’’

***