Premchandjini Shreshth Vartao - 13 in Gujarati Short Stories by Munshi Premchand books and stories PDF | પ્રેમચંદજીની શ્રેષ્ઠ વાર્તાઓ - 13

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

પ્રેમચંદજીની શ્રેષ્ઠ વાર્તાઓ - 13

પ્રેમચંદજીની

શ્રેષ્ઠ વાર્તાઓ

(13)

કાળમુખી

ઘરવાળાંને અને ખાસ કરીને પ્રસૂતા સ્ત્રીને જે વાતની શંકા હતી તે

જ થયું. ત્રણ દિકરીઓ બાદ દિકરીનો જન્મ થયો હતો. અનર્થ! ભયંકર

અનર્થ! મા, પિતા અને વૃદ્ધ દાદીમા ઉપર તો આખું આભ તૂટી પડ્યું જાણે.

હવે તો ભગવાન બચાવે તો બચાય એમ હતું. સૌ નવજાત બાળકીને રાક્ષસી

માનતાં હતાં. થતું - ‘‘આ અભાગણી આ ઘરમાં શું કામ આવી? ને આવવું

જ હતું તો વહેલી કેમ ના આવી? ભગવાન દુશ્મનને ઘેર પણ તેંતર ને જન્મ

ના આપે.’’

પિતાનું નામ પંડિત દામોદરદત્ત હતું. એ ભણેલા ગણેલા માણસ

હતા. શિક્ષણ ખાતામાં નોકરી છતાં એમના મનમાં અંધશ્રદ્ધાનો ભંડાર ભર્યો

હતો જાણે! એ પણ સામાજિક પરંપરા પ્રમાણે વિચારતા હતા કે ત્રણ પુત્રો

પછી જન્મતી દિકરી કાં માતાનો અથવા પિતાનો ભોગ લે છે. ઘરનાં સૌ એને

કાળમુખી કહેવા લાગ્યાં. વૃદ્ધ દાદીમા કહેતી ‘‘નમારમૂડી શું માગતું લેવા

આવી હશે અહીં? કોઇક વાંઝિયણની કૂખે જન્મી હોત તો એનો બિચારીનો

દહાડો ફરી જાત.’’

દામોદરદત્ત અંદરથી મૂંઝાતા હોવા છતાં માને સમજાવવા લાગ્યા

- ‘‘મા, તેંતર બેંતર જેવું કશું છે જ નહીં. ભગવાનની ઇચ્છા પ્રમાણે બધું

થાય છે. ઇશ્વરની મરજી હશે તો બધું સમું સૂતર પાર ઉતરશે. જાઓ,

ગાનારીઓને બોલાવીને ગીતો ગવડાવો. નહીં તો લોકો મ્હેંણાં મારશે કે ત્રણ

દિકરા જન્મ્યા ત્યારે કેવાં હરખપદુડાં થઇ ગયાં હતાં! ને એક દિકરી જન્મી તો

જાણે ઘરને માથે આભ તૂટી પડ્યું જાણે!’’

‘‘મા, આ આફતમાંથી ઉગરવાનોય કોઇક તો ઉપાય હશે ને?’’

‘‘બતાવવા પૂરતા ઉપાય તો ઘણાય હોય. શાસ્ત્રીને પૂછો તો

કોઇકને કોઇક ઉપાય એ જરૂર બતાવે. પણ એથી શો ફાયદો? મેં જપ, તપ,

દાન, પુણ્ય, અનુષ્ઠાન વગેરે કરાવવામાં કશું જ બાકી રાખ્યું ન હતું. પણ જે

થવાનું હતું તે થઇને જ રહ્યું. આજના બ્રાહ્મણોય બોદા થઇ ગયા છે.

એમનામાં ક્યાં કશી આવડત જ રહી છે હવે! બસ એક જ આવડત બચી છે

એમનામાં અને તે દક્ષિણા લેવાની. પછી જમાનનું જે થવાનું હોય તે થાય.

પછી ખૂબ ધીમેથી ઊમેર્યું -‘‘છોકરી છેય પોટલા જેવી ભારે. પાછો મૂઇનો

રંગેય ધોળો દૂધ જેવો. રૂપની તો વાત ના પૂછો. અણીયાળું નાક, પરવાળા

જેવા હોઠ, મોટીમોટી આંખો, કાળા ભમ્મરવાળ! કાળમુખી નવડાવતી વેળાએ

રડીયે નહીં. ટગર ટગર તાકી રહી હતી. આ બધાં લક્ષણ સારાં થોડાં

કહેવાય કંઇ?’’

દામોદરદત્તના ત્રણ દિકરા ભીનેવાન હતા. રૂપાળા પણ ખાસ

નહીં. દિકરીના રૂપનાં વખાણ સાંભળીને એમને ખુશી થઇ. કહ્યું - ‘‘અમ્મા,

ભગવાનનું નામ લઇ આનંદમંગળ વરતાવો. ભલે નાચગાન થાય. આ બધી

તો ભગવાનની માયા છે. અને ભાગ્યનાં લખેલું હશે તે કોઇ કાળે મિથ્યા

થવાનું નથી.’’

‘‘મારો જીવ નથી ચાલતો. શું કરું?’’

‘‘તે જીવ બાળવાથી ઓછું દુઃખ ટળી જવાનું છે, મા?’’

‘‘બેટા, નર્તકીને બોલાવડાવું છું. ગવૈયાને પણ કહેણ મોકલું છું. જે

થવાનું હતું તે તો થઇ ગયું.’’

એટલામાં સુવાવડીના ઓરડામાંથી બહાર આવી દાયણે કહ્યું -

‘‘વહુજી કહે છે કે આનંદ ઉત્સવ કરવાની કોઇ જરૂર નથી.’’

પન્નાએ કહ્યું - ‘‘એને કહે કે બેસી રહે છાનીમાની હવે. નાહ્યા

ધોયા પછી એને જે કરવું હોય તે કરે. હવે બાર દહાડાની જ વાર છે ને? બહુ

અભિમાન કરતી હતી ને કે આમ નહીં કરું, તેમ નહીં કરું, દેવ દેવી એ વળી

કઇ બલા છે? તે હવે કેમ મોં સીવીને બેસી જતી નથી? ભણેલી ગણેલી તો

તેંતરને અશુભ નથી માનતી. એની વાતોય મોટી મેમ સાહેબો જેવી છે. તે

આજે શું કામ આમ મનાવવા ના કહે છે?’’

માએ આડોશપાડોશ માંથી સ્ત્રીઓને ગાણાં ગાવા તેડાવી. આનંદ

ઉત્સવ થયો.

સવારે ઊઠીને મોટા દિકરાએ દાદીમાને પૂછ્યું - ‘‘દાદીમા, કાલે

માને શું થયું?’’

‘‘દિકરી તો જન્મી.’’

બાળક તો ઊછળતો કૂદતો રાજીના રેડ થઇ ગયો. એણે કહ્યું -

‘‘દાદીમા, પગમાં ઝાંઝર પહેરીને છુમક...છુમક...છુમક...ચાલશે. મને એનું

મોં તો બતાવો!’’

‘‘ગાંડો થયો છે કે શું? હમણાં જવાતું હશે તારી માની

ઓરડામાં?’’

પણ છોકરાએ માન્યું જ નહીં. એ તો સુવાવડીના ઓરડાને બારણે

જઇ બોલ્યો - ‘‘મા, મા, બહેનનું મોંઢુ તો દેખાડને મને!’’

ત્યાં દાયણે જવાબ આપ્યો - ‘‘જા ભાઇ, જા. તારાથી અહીં ના

અવાય. દિકરી ઊંઘી ગઇ છે.’’

‘‘સહેજ ઊંચી કરીને દેખાડો ને!’’

છેવટે દાયણે ઊંઘતી છોકરીને ઊંચી કરી બતાવી એટલે મોટો

છોકરો હરખપદુડો થઇ દોડતો દોડતો નાના ભાઇઓ પાસે પહોંચી ગયો.

એમને સૌને જગાડ્યા અને ખુશખબર સંભળાવી.

એકે કહ્યું - ‘‘નાની હશે?’’

મોટાએ જવાબ આપ્યો - ‘‘તદ્દન નાની. જાણે મોટી ઢીંગલી જ

જોઇ લ્યો! અને રંગ તો એવો ગોરો ગોરો કે કોક મોટા સાહેબની દિકરી જ

જોઇ લ્યો.’’

સૌથી નાનાએ કહ્યું - ‘‘અમને બતાવો ને!’’

ત્રણેય ફરી સાથે નવજાતા બાળકીને જોવા પહોંચ્યા અને ઊછળતા

કૂદતા પાછા બહાર નીકળ્યા.

મોટાએ પૂછ્યું - ‘‘કેવી છે?’’

વચલાએ કહ્યું - ‘‘કેવી આંખો બંધ કરીને પડી રહી હતી?’’

મોટાએ ફરીવાર કહ્યું - ‘‘આપણે ઘેર જાન આવશે,વાજાં વાગશે,

દારૂખાનું ફૂટશે.’’

છઠ્ઠી ગઇ. બાર દહાડા પૂરા થયા. આનંદ ઉત્સવ થયો. પણ એમાં

ખાસ આનંદ જણાયો. માત્ર એક પરંપરા પૂરી કરવા જ બધું થતું હોય એમ

લાગ્યું.

દિકરી દિવસે દિવસે અસ્વસ્થ થવા લાગી. મા એને સવાર સાંજ

અફીણ પિવડાવતી તેથી તે બેહોશ પડી રહેતી હતી. નશો ઉતરી જતાં ભૂખે

વ્યાકુળ થઇને રડવા લાગતી. મા દિકરીને ઉપરથી દૂધ પીવડાવતી. નવાઇની

વાત તો એ હતી કે હવે એનાં થાનેલાંમાં ધાવણ ઉતરતું ન હતું. ફૂલ જેવી

બાળકી ધાવણના અભાવે નિર્બળ થવા લાગી. મા તો એના ભણી નજર

સરખીયે કરતી નહીં. વાળંદણ છોકરીનું ધ્યાન રાખતી હતી. પણ તેથી શું?

મોટો દિકરો સિદ્દુ વારંવાર કહેતો - ‘‘મા, લાવ મને આપ બહેન, હું જરા

એને બહાર રમાડું.’’ પણ મા એને લડતી.

ત્રણ ચાર માસ વીતી ગયા. રાત્રે દામોદરદત્ત પાણી પીવા ઊઠ્યા

ત્યારે તેમણે જોયું કે દિકરી અંગૂઠો ચૂસતી ચૂસતી ટમટમતા દીવાને તાકી

તાકીને જોઇ રહી હતી. તેનું મોં નિસ્તેજ દેખાતું હતું. પણ તે રડતી ન હતી કે

ન હતી હાથ પગ પછાડતી. બસ, એક અંગૂઠો ચૂસવામાં મગ્ન હતી. ધાવવાનું તો એ નામેય લેતી ન હતી. દામોદરદત્તને એના પર દયા આવી. થયું ‘‘મારે ઘેર જન્મ લેવામાં એનો શો દોષ? માત્ર કાલ્પનિક અનિષ્ટના ભયે અમે કેટલો તિરસ્કાર કરી રહ્યાં છીએ એનો? કોઇ અમંગળની આશંકાથી આ નાની ફૂલ જેવી બાળકીનો જીવ લઇ લેવો? ખરેખર જો કોઇ ગુનેગાર હોય તો તે મારું પ્રારબ્ધ છે. આ નાનકડા અને નિર્દોષ બાળક પર આચારવામાં આવતી કઠોરતા શું ભગવાનને સારી લાગતી હશે?’’ ભાવવાહી હૈયે એમણે બાળકીને ઊંચકી લીધી અને એ એના ગાલ પર ચુંબન કરવા લાગ્યા. બાળકીને આજે પ્રથમવાર સાચા પ્રેમનો અનુભવ થયો. એ હાથ પગ ઊછાળતી ગું ગું કરવા લાગી.

પરોઢિયે દામોદરદત્ત બાળકીને ખોળામાં ઊંચકી લીધી અને એ બહાર આવ્યા. પત્નીએ વારંવાર કહ્યું - ‘‘રે’વાદ્યો હવે. અભાગણી રાત દા’ડો મારો જીવ ખાઇ ગઇ. મરતી હોય તો હવે છુટાય એનાથી.’’ પણ દામોદરદત્તે માન્યું જ નહીં. બહાર લાવીને એ દિકરાઓ સાથે એને પણ રમાડવા લાગ્યા. એટલામાં ઘરની સામેની છુટ્ટી જગામાં ફરી રહેલી એક બકરી ઉપર દામોદરદત્તની નજર પડી. ઓચિંતો એમના મનમાં વિચાર સ્ફૂર્યો. મોટા દિકરાને કહ્યું - ‘‘સિદ્દુ, જા જઇને પેલી બકરીને પકડી લાવ. બિચારી આ તારી બહેન ઘણા દિવસોથી ભૂખી છે, તે એને દૂધ પીવડાવીએ.’’

સિદુને તો વાતમાં મઝા પડી. કામનું કામ અને રમતની રમત. એ તો બકરીનો કાન ઝાલીને લઇ આવ્યો. દામોદરદત્તે બકરીના પાછળના પગ પકડી લીધા અને ધીમે રહીને એનો એક આંચળ પેલી બાળકીના મોંમાં મૂક્યો. બાળકી તો આંચળ ચૂસવા લાગી. દૂધ એના મોંમાં જવા લાગ્યું. બાળકી તો રાજી રાજી થઇ ગઇ હતી જાણે! કદાચ આજે પહેલી વાર એણે ધરાઇને ધાવણ ધાવ્યું હતું! એ બાપના ખોળામાં ઊછળી ઊછળીને રમવા લાગી. ભાઇઓએ પણ એને ખૂબ ખૂબ રમાડી.

એ દિવસથી સિદ્દુને મનોરંજનનો નવો વિષય મળી ગયો હતો જાણે! બાળકોને બચ્ચાં ખૂબ ગમે છે. ચકલીનાં બચ્ચાંને જોઇને એઓ રાજી થઇ જાય છે. ચકલી બચ્ચાંને ઘણા ખવડાવતી હોય અને બચ્ચાં ચીં ચીં કરીને પાંખો ફફડાવતાં હોય એ એમને માટે આનંદની વાત બની જાય છે. સિદ્દુ હવે નાની બહેનને પણ એ જ રીતે રમાડવા લાગ્યો. માની નજર ચૂકવી લાગ મળતાં એ એને ઊઠાવી લાવતો અને બકરીના આંચળે વળગાડતો. હવે તો બકરી પણ ટેવાઇ ગઇ હતી. આમને આમ મહિનો વીતી ગયો. બાળકી બકરીનું દૂધ ધાવી ધાવીને ખાસ્સી તાજી માજી થઇ ગઇ હતી. એના ફિક્કા મોં પર ગજબની લાલાશ ઉપસી આવી હતી.

માને તો દિકરીના આવા ફેરફારથી નવાઇ લાગતી હતી. કોઇને એ કશું કહી શકતી તો ન હતી. પણ હવે એને શંકા થવા લાગી કે દિકરી કદાચ મરવામાંથી બચી જશે ઇશ્વર જ એનું રક્ષણ કરી રહ્યો હતો. દહાડે દહાડે એ તાજી થતી જાય છે. નહીં તો તો એ ક્યારનીય ભગવાનને ઘેર પહોંચી ગઇ હોત!

પણ દાદીમાને વધારે ચિંતા થતી હતી. એને એવો ભ્રમ થતો હતો કે દૂધ પાઇને ઘરમાં સાપ ઉછેરવમાં આવી રહ્યો છે. બાળકી સામે આંખ ઊંચી કરીને એ જોતી પણ ન હતી. એણે તો એમ પણ કહ્યું કે ‘‘દિકરીને બહુ લાડ પ્યાર કરે છે ને! હા, ભઇ હા, ગમે તેમ તોય તું મા છે ને? મા વહાલ ના કરે તો બીજું કોણ કરે?’’

‘‘માજી! હું એને ટીપુંય ધવડાવતી હોઉં તો એમના જ સમ. ઇશ્વર તો જાણે છે ને!’’

‘‘તો પીવડાવ્યને દૂધ. હું ના ઓછી કહું છું? મારે શી ગરજ છે તે નકામું માથે પાપ વહોરું? મને એ શું નડવાની છે?’’

‘‘તમને વિશ્વાસ ના હોય તો હું શું કરું?’’

‘‘રે’વાદ્યે તારું ડાહપણ. મને ભોટ સમજતી હઇશ, ખરૂં ને? કંઇ હવા ખાઇને એ આવી તાજી માજી થઇ હશે?’’

‘‘મા, મનેય નવાઇ લાગે છે એ વાતની.’’

વહુની સાચી વાત પર સાસુને વિશ્વાસ બેઠો નહીં. એના મનમાં થઇ આવ્યું કે , હવે તો કઇંક બની જાય તો જ એમના મનમાં થાય કે હું જે કહેતી હતી એ સાચું હતું. એ પોતાનાં જ પુત્ર અને પુત્રવધુ માટે અમંગળ કલ્પનાઓ કરવા લાગી. કોઇ મરી જાય એવી એની ઇચ્છા ન હતી. પણ પોતાનો આશંકાની પ્રતીતિ મળી જાય અને પોતે સાચી ઠરે એવું તો એ ઝંખતી જ હતી.

એક બાજુ સાસુ તરફથી જેમ જેમ દ્વેષભાવ પ્રગટવા લાગ્યો. તેમ તેમ વહુનો દિકરી પ્રત્યેનો પ્રેમભાવ બળવત્તર બનતો ગયો.ઇશ્વરને એ પ્રાર્થના કરતી હતી કે એક વર્ષ હેમખેમ પાર પડી જાય. હવે દિકરીનો નિર્દોષ ચહેરો જોઇ એ રાજી થવા લાગી. એ બિચારી દ્વિધા અનુભવવા લાગી. ના તો એ દિકરીને પૂરતો પ્રેમ આપી શકતી કે ના તો એ એના પ્રત્યે સાવ નિર્દય બની શકતી. એ હસી પણ શકતી નહીં, કે રડી પણ શકતી નહીં.

બીજા બે માસ પૂરા થયા. કશું અનિષ્ટ કે અમંગળ બન્યું નહીં. વૃદ્ધ સાસુના પેટમાં જાણે ઉંદર દોડવા લાગ્યા. એને ધ્રાસકો પડ્યો. એને થયું કે - ‘‘હે ઇશ્વર! વહુને ચાર દા’ડા તાવ આવી જાય એવું કરજે. મારી લાજ જળવાય. દિકરોય મારો સાયકલ ઉપરથી નથી પડી જતો! વહુના પિયરમાંથી યે કોઇકના દેવ થયાના સમાચારેય આવતા નથી. એક દિવસ છેવટે દામોદરદત્તે કહી પણ નાખ્યું કે ‘‘જોયું ને મા? તારી વાત છે ને વ્હેમ? તેંતર દિકરીના જન્મી તે કઇ આભ તૂટી પડતું હશે?’’

મનોમન સાસુ દુઃખી થવા લાગી. પોતાની હાર એ સહી શકે એમ ન હતી. શંકાને સાચી પાડવાનો એણે મનસૂબો કરી એક યોજના બનાવી. એક દિવસ જ્યારે દામોદરદત્ત શાળાએથી ઘેર આવ્યો ત્યારે મા ખાટલા પર સૂઇ રહી હતી. પત્ની સગડીમાં દેવતા સળગાવી માની છાતીએ શેક કરતી હતી. ઘરનાં બારી બારણાં બંધ હતાં. તેણે ફાળભર્યા હૈયે પૂછ્યું - ‘‘શું થયું, મા?’’

પત્નીએ કહ્યું - ‘‘આજ બપોરથી માને છાતીમાં શૂળ ભરાય છે. બિચારાં ક્યારનાંય દુઃખીમાં દુઃખી થઇ રહ્યાં છે.’’

દામોદરે કહ્યું ‘‘ડૉક્ટરને બોલાવી લાવું? વાર કરવાથી કદાચ પીડા વધી જાય.’’ પછી માની નજીક દઇ પૂછ્યું - ‘‘મા, તબિયત કેમ છે?’’

આંખો ખોલી કણસતાં કણસતાં માએ કહ્યું - ‘‘આવી ગયો દિકરા? હવે મારાથી નહીં જીવાય. જાણે કાળજામાં ભાલાં ભોંકાતાં હોય એવી પીડા થાય છે. આટલાં વર્ષોમાં આવું દુઃખ ભાળ્યું નથી કોઇ દા’ડો.’’

પત્નીએ કહ્યું - ‘‘આ કાળમુખી કોણ જાણે કેવા અશુભ ચોઘડિયાંમાં જન્મી છે!’’

સાસુએ કહ્યું - ‘‘એનો બિચારીનો શો વાંક? આ તો નસીબની લેણાદેણી છે. જો હું મરી જાઉં તો એને દુઃખ ના દેશો. સારું થયું તે મારો ભોગ લેવા બેઠી! હે ભગવાન, હવે મારાથી નહીં બચાય.’’

દામોદરે કહ્યું - ‘‘મા, ડૉક્ટરને બોલાવું?’’

માને તો પોતાની વાતની ટેક રાખવી હતી. એ નકામો ખર્ચ કરાવવા તૈયાર ન હતી. તેથી કહ્યું - ‘‘ના, ના, બેટા! ડૉક્ટરને બોલાવવાથી હવે શો ફાયદો? ડૉક્ટર કઇ ભગવાન થોડો છે? નકામો પાંચ પંદર લેતો જશે! બેટા, તું લૂંગડા ઊતારી નાખ ને મારી પાસે બેસી ભાગવત વાંચ. હવે મારો અંતકાળ નજીક છે.’’

આખરે દામોદરે કહ્યું - ‘‘મા, તેંતર એ તો અપશુકનિયાળ છે. મને તો એમ કે એ પાખંડ હશે! અપશુકનિયાળ છે. મને તો એમ કે એ પાખંડ હશે!’’

પત્નીએ વચમાં કહ્યું - ‘‘એટલે તો એની સામે હું નજરેય ન હોતી કરતી.’’

‘‘બેટા, છોકરાંને સાચવજો. ભગવાન તમને સુખી રાખે. સારું થયું તે હું તમારી નજર સામે પરલોક જઇશ. કદાચ એ ઘરના બીજાને માથે બેઠી હોત તો તો શું નું શું થઇ જાત! ભગવાને મારી અરજ સાંભળી ખરી.’’

દામોદરને પણ ખાતરી થઇ ગઇ કે હવે મા નહીં બચી શકે. એનું ધાર્યું થઇ શકતું હોત તો તો એ દિકરીને જ મરવા દેત! જે માએ જન્મ આપી, પાળી પોષી ઉછેરીને,વૈધવ્યનો ભાર સહન કરીને પણ ભણાવી ગણાવી પોતાનું સર્વવાતે સુખ વાંચ્છ્યું હોય એ માની આગળ આવી કાળમુખી દિકરીની શી કિંમત? એ શોકાતુર થઇ, કપડાં ઉતારીને એ માના ખાટલાના ઓશિકે બેસી ભાગવત્‌ વાંચવા લાગ્યા.

સાંજે વહુ રસોઇ કરવા ગઇ ત્યારે સાસુને પૂછતી ગઇ - ‘‘મા, તમારે માટે થોડા સાબુદાણા બનાવું?’’

સાસુએ કટાક્ષ કરતાં કહ્યું - ‘‘વહુ બેટા, મારાથી સાબુદાણા શી રીતે ખવાશે! મને ભૂખે ના મારશો. થોડીક પૂરીઓ બનાવો. ઇચ્છા હશે એટલી ખાઇશ. થોડી કચોરી પણ બનાવજે. મરવાનું જ હોય તો ભૂખે શું કામ મરવું? મલાઇ પણ મંગાવી રાખજો થોડીક. પછી ઓછી હું ખાવા આવવાની છું! કે’છે કે છાતીમાં પીડા થાય ત્યારે કેળાં ખાવાથી આરામ થાય છે, તેથી થોડાં કેળાંય ના હોય તો મંગાવી લેજો.’’

ખાવાની વેળાએ માનું દુઃખ શમી ગયું. પણ પાછું અડધા કલાક પછી દર્દ ઊપડ્યું. એક અઠવાડિયું આમ ચાલ્યું. આખો દિવસ કણસ્યા કરવું ને ખાવાના સમયે થોડી વાર સાજા થઇ જવું! દામોદરદત્ત માથે બેસીને પંખો હલોવતો હલાવતો રડતો હતો. જોત જોતામાં આખા મહોલ્લામાં વાત ફેલાઇ ગઇ. સૌ લોક ભેગું થઇ ગયું. વૃદ્ધાની માંદગીનો સઘળો દોષ પેલી બાળકીના માથે ઢોળાયો.

કોઇકે કહ્યું - ‘‘એ તો એમ કહો કે તેંતર એની દાદીને માથે જઇ બેઠી. નહીં તો મા કે બાપ માંથી એકનો ભોગ લીધા વગર છોડે જ નહીં. ભગવાન કોઇને ઘેર તેંતરને જનમ ના આલે.’’

‘‘એના કરતાં તો વાંઝિયાં રહેવું સારું’’ - બીજી બોલી ઉઠી.

એક અઠવાડિયા બાદ વૃદ્ધમાના દુઃખનું નિવારણ થયું. કહો કે પૂર્વજોનો પૂણ્યપ્રતાપ હતો. બ્રાહ્મણોને ગાયો દાનમાં આપવામાં આવી. દુર્ગાપાઠ કરવામાં આવ્યો. ત્યારે દુઃખ ટળ્યું.

***