ભેદી ટાપુ
ત્યજાયેલો
ખંડ બીજો
(19)
એ તાપણું કોણે કર્યું ?
બે વરસ! બે વરસથી તેઓ પોતાના દેશથી છૂટા પડી ગયા હતા. સુધરેલી દુનિયાના કોઈ સમાચાર તેમને મળતા ન હતા.
અમેરિકામાં શું થતું હશે? આંતરિક યુદ્ધ ચાલુ હશે કે પૂરું થઈ ગયું હશે? આ બે વરસમાં એક પણ વહાણ આ બાજુ ડોકાયું નથી. લીંકન ટાપુ દુનિયાથી અજાણ્યો છે. નકશામાં પણ તેને બતાવવામાં આવ્યો નથી. અહીં બંદર નથી. બહુમાં બહુ તો આગબોટ પીવાનું પાણી લેવા કોઈ ટાપુ પર આવતી હોય. સ્વદેશ પાછા પહોંચવા માટે બહારની કોઈ મદદની આશા વ્યર્થ હતી. બધો આધાર પોતાનાં બાવડાનાં બળ ઉપર જ રાખવો પડે તેમ હતો.
જો કે, બચવાનો એક ઉપાય હતો. એપ્રિલના પહેલા અઠવાડિયામાં આ ઉપાય અંગ ચર્ચા થઈ. બધા ગ્રેનાઈટ હાઉસમાં ભોજનખંડમાં બેઠા હતા. તેઓ અમેરિકા શી રીતે પહોંચી શકાય એનો વિચાર કરતા હતા.
“એક રસ્તો છે.” સ્પિલેટે કહ્યું. “જો આપણે દોઢસો માઈલ જઈ શકે એવું નાનું વહાણ બનાવી શક્યા; તો બારસો માઈલ જઈ શકે એવું મોટું વહાણ શા માટે બનાવી ન શકીએ?”
“હું ના નથી પાડતો.” ખલાસીએ જવાબ આપ્યો.“ પણ ટૂંકી સફર કરવી અને લાંબી સફર કરવી એમાં ઘણો ફેર છે. બારસો માઈલની સફર ખેડવમાં ઘણું મોટું જોખમ રહેલું છે.”
“તમે એવું જોખમ ખેડવા તૈયાર ન થાઓ?” સ્પિલેટે પૂછ્યું.
“હું જરૂર પડ્યે ગમે તેવું જોખમ ખેડવા તૈયાર છું.”
“અને વળી, હવે આપણી પાસે એક વધારાનો ખલાસી પણ છે.” નેબે કહ્યું.
“એ કોણ?” ખલાસીએ પૂછ્યું.
“આયર્ટન.”
“હા, એ ખરું.” હર્બર્ટે જવાબ આપ્યો.
“પણ એ આવવા તૈયાર થશે?”
“હા થશે.” સ્પિલેટ કહ્યું. “ટેબોર ટાપુ પર લોર્ડ ગ્લિનાર્વનનું વહાણ તેને લેવા આવ્યું હોત તો તે ગયા વગર રહેત?”
“આમા એક બીજો મુદ્દો છે.” હાર્ડિંગે કહ્યું. “આયર્ટનને લેવા માટે વહાણ આવવાનું છે.”
“હા, અને બાર વરસ થયાં છે એટલે,” સ્પિલેટે કહ્યુ. “એ બહુ જલ્દી આવશે.”
“તો આપણે એક ઉપાય કરીએ.” હાર્ડિંગે કહ્યું. “ટેબોર ટાપુ પર આયર્ટનની ઝૂંપડીમાં એક ચિઠ્ઠી મૂકી આવીએ. તેમાં બધી હકીકત લખી લીંકન ટાપુ પર આવવાની વિનંતી કરીએ.”
“આપણે ગયા ત્યારે જ ચિઠ્ઠી મૂકી દેવાની જરૂર હતી.” ખલાસી બોલ્યો.
“એ વખતે આપણને આયર્ટનના ઈતિહાસની અને તેને લેવા માટે વહાણ આવવાનું છે, એ વાત ક્યાં ખબર હતી?” હર્બર્ટે કહ્યું.
“ઘણું મોડું થયું છે.” હાર્ડિંગે કહ્યું. “હવે આવતી વસંતઋતુ સુધી ટેબોર ટાપુની સફર થઈ ન શકે.”
“એ પહેલાં લોર્ડ ગ્લિનાર્વનનું વહાણ આવીને ચાલ્યું જાય તો?” ખલાસીએ પૂછ્યું.
“આ ઋતુમાં આયર્ટનને લેવા વહાણ ન આવે.” હાર્ડિંગે જવાબ આપ્યો.
“એ આયર્ટનને આપણે લાવ્યા તે દિવસોમાં આવીને ચાલ્યું ગયું હોય તો જુદી વાત છે.”
“જો ડંકન આવીને ચાલ્યું ગયુ હોય તો આપણે માટે એ કમનસીબ ઘટના છે.” નેબે કહ્યું.
“અત્યારે કંઈ કહી શકાય નહીં.” ઈજનેરે જવાબ આપ્યો.
“આપણે ધીરજથી રાહ જોવી જોઈએ, હવે શું કરવું તેનો આપણે પછી વિચાર કરીશું.”
“એટલું ચોક્કસ કે આપણે લીંકન ટાપુને છોડીને જતા રહીએ તો એનું કારમ આપણે અહીં દુઃખી છીએ, એ નથી.”
“હા,” ઈજનેરે જવાબ આપ્યો. “આપણે લીંકન ટાપુને છોડીશું તો દેશને માટે, કુટુંબ માટે અને મિત્રો માટે!”
વાત ત્યાં અટકી પડી મોટું વહાણ બાંધવાની કોઈ યોજના નક્કી ન થઈ. સૌ પોતપોતાના કામે લાગી ગયા.
એવું નક્કી થયું કે તોફાની મોસમ આવે તે પહેલાં એકવાર વહાણમાં બેસીને આખા ટાપુની પ્રદક્ષિણા કરી લેવી. આખા ટાપુની તપાસ હજી એકેય વાર થઈ ન હતી. 16મી એપ્રિલે વહાણમાં નીકળવાનું નક્કી થયું. તેમાં થોડો સમય લાગે એમ હતો.
હાર્ડિંગે આ યોજનાની આયર્ટનને જાણ કરી અને તેમાં જોડાવાનું તેને આમંત્રણ આપ્યું.
આયર્ટને સાથે આવવાની ઈચ્છા પ્રગય ન કરી. તેથી એવું નક્કી થયું કે ગ્રેનાઈટ હાઉસને સાચવે અને માસ્ટર જપ તેની સંગાથે રહે.
16મી તારીખે સવારે ટોપ સહિત બધા વહાણમાં બેઠા આખા ટાપુનો ચકરાવો લેતાં લગભગ નેવુંથી સો માઈલ જેટલું અંતર કાપવું પડે એમ હતું. પ્રારંભમાં તેઓ પોર્ટ બલૂનથી સર્પભૂશિર તરફ રવાના થયા. લગભગ આખો દિવસ નીકળી ગયો. ભૂશિરને છેડે પહોંચતાં રાત પડી ગઈ.
ખલાસીની ઈચ્છા તો રાત્રે આગળ વધવાની હતી, પણ હાર્ડિંગે ત્યાં જ રાત રોકવાનું ઉચિત માન્યું. દિવસે એ ભાગ સારી રીતે તપાસી શકાય, એવો ઉદ્દેશ હતો.
રાત્રિ સારી રીતે પસાર થઈ. જો કે ખલાસી સિવાય બીજા કોઈને વહાણમાં બરાબર ઊંઘ ન આવી. સવારે વહાણ હંકારવામાં આવ્યું. આ કાંઠા પર તેઓએ પગપાળા મુસાફરી કરી હતી. પમ વહાણમાં બેસીને કિનારેથી આ ભાગનું સૌદર્ય જુદું જ લાગતું હતું. વચ્ચે વચ્ચે વહાણને ઊભું રાખવામાં આવતું હતું અને સ્પિલેટ કુદરતી દશ્યોનો ફોટા ખેંચી લેતો હતો.
લગભગ બપોરે વહાણ ધોધ નદીના મુખ પાસે આવી પહોંચ્યું. ઉત્તર અને દક્ષિણના કિનારા વચ્ચે કેટલો તફાવત હતો! ઉત્તરનો કિનારો ફળદ્રુપ હતો. જ્યારે દક્ષિણનો કિનારો ઉજ્જડ અને ખડકાળ હતો. ખલાસીની ભાષામાં આવા કિનારાને ‘લોખંડી કિનારો’ કહેવામાં આવે છે. આ કિનારો અતિશય બિહામણો હતો. તેમને ફ્રેન્કલીન પર્વત ઉપરથી આ દક્ષિણ કિનારાની ભયાનકતા દેખાઈ ન હતી. આખા જગતમાં આવો ડરામણો કિનારો ભાગ્યે જ ક્યાંય જોવા મળશે.
વહાણ આ કિનારે અર્ધો માઈલ સુધી ચાલ્યું. અહીં મોટી મોટી શિલાઓ આડીઅવળી પડી હતી. વીસ ફૂટની ઊંચાઈથી માંડીને ત્રણસો ફૂટની ઊંચાઈવાળી શિલાઓ દેખાતી હતી. આ શિલાઓના આકાર અનેક પ્રકારના હતા. કોઈક સ્થળે બે મોટા ખડક પુલની જેમ ગોઠવાઈને પડ્યો હતો. આવો મોટા મોટા ખડકોવાળો કિનારો આઠથી નવ માઈલ સુધી પથરાયેલો હતો.
હાર્ડિંગ અને તેના સાથીઓ સ્તબ્ધ થઈને આ કિનારો જોઈ રહ્યાં. તેઓ શાંત હતા પણ ટોપ ભસતો હતો. એના ભસવાના અવાજના પડઘા પડતા હતા. ટોપની ભસવાની આ રીતે તે કૂવા પાસે ભસતો હતો તેને બરાબર મળતી આવતી હતી.
“જરા નજીક લઈ લો.” હાર્ડિંગે કહ્યું.
વહાણને ખડકાળ કિનારાની નજીક લેવામાં આવ્યું. કદાચ કોઈ ગુફા કે એવું કંઈક આ ભાગમાં મળી આવે પણ એવું ક્યાંય જોવા ન મળ્યું. તેઓએ વહાણને આગળ હંકાર્યું. થોડીવાર પછી ટોપ ભસતો બંધ થઈ ગયો. ટાપુની વાયવ્ય બાજુએ કિનારો સપાટ અને રેતીવાળો હતો. આ કિનારો બધાએ જોયો હતો. સાંજે નાનકડા અખાત પાસે વહાણે લંગર નાખ્યું.
રાત શાંતિથી પસાર થઈ ગઈ.
સવારે હર્બર્ટ અને સ્પિલેટ જંગલમાં જઈ શિકાર કરી આવ્યા. ટોપ પણ સાથે હતો. સવારે આઠ વાગ્યે વહાણ હંકાર્યું. પવન અનુકૂળ હતો. બપોરે પેનક્રોફ્ટને લાગ્યું કે પશ્વિમમાંથી પવનનું તોફાન આવશે. અમુક પ્રકારનાં વાદળાં જોઈને ખલાસીએ આવું અનુમાન કર્યું હતું.
કિનારે કિનારે વહાણ આગળ વધતું હતું. રાત પડી ગઈ હતી. દરિયો અતિશય ખડકાળ હતો. હવે જો શાર્કના જડબાં જેવા આકારના અખાતમાં પહોંચી જવાય તો વહાણને ત્યાં સલામતી મળી રહે. એ તરફ જવા માટે પવન અનુકૂળ હતો. પણ દરિયો અજાણ્યો હતો અને અણીવાળા ખડકો હિંસક પ્રાણીની જેમ મોઢું ફાડીને બેઠા હતા.
હવે શું કરવું? અહીં જ રાતનો મુકામ કરવો કે આગળ વધવું? હાર્ડિંગે એ વસ્તુનો નિર્ણય ખલાસી ઉપર છોડ્યો.
“કેટલા વાગ્યા?” ખલાસીએ પૂછ્યું.
“દસ વાગ્યા.” સ્પિલેટે જવાબ આપ્યો.
“અને અહીંથી અખાત કેટલો દૂર છે?” ખલાસીએ કપ્તાન હાર્ડિંગને સંબોધીને પ્રશ્ન કર્યો.
“આશરે પંદર માઈલ.”
“તો અઢી કલાક ત્યાં પહોંચતાં થાય. બાર અને એક વાગ્યાની વચ્ચે આપણે ત્યાં પહોંચી જઈશું.”
વહાણને ખલાસીએ ધીરે ધીરે આગળ હંકાર્યું. ચારે બાજુ અંધકાર હતો.
“જો ટાપુને આ કિનારે દીવાદાંડી હોય,” ખલાસીએ કહ્યું.. “તો નાવિકોને ખૂબ અનુકૂળતા રહે!”
“હા,” હર્બર્ટે જવાબ આપ્યો. “અને આ વખતે ઈજનેરની જેમ તાપણું કરીને આપણને કોઈ રસ્તો દેખાડે એમ નથી!”
“હા, કપ્તાન!” સ્પિલેટે કહ્યું. “અમે તમારો આભાર માનવાનું તો સાવ ભૂલી જ ગયા. એ તાપણા વિના અમે લીંકન ટાપુ ઉપર પહોંચ્યા જ ન હોત!”
“તાપણું?” હાર્ડિંગે પૂછ્યું. તે સ્પિલેટના શબ્દોથી ખૂબ નવાઈ પામ્યો હતો.
“કેમ, ભૂલી ગયા?” ખલાસીએ કહ્યું. ટેબોર ટાપુથી અમે પાછા ફર્યા તે રાત્રે, 19મી ઓકટોબરે, તમે ટેકરી પર તાપણું નહોતું કર્યું?”
“હા, હા!” ઈજનેરે જવાબ આપ્યો.“ ખરે વખતે તાપણું કરવાનું મને ઠીક સૂઝી ગયું હતું!”
“પણ અત્યારે,” ખલાસીએ કહ્યું. “આયર્ટનને એ સૂઝે તો થાય!”
“ના બીજાને એવું સૂઝવું મુશ્કેલ છે!” હાર્ડિંગે ધીમેથી કહ્યું.
થોડી મિનિટો પછી, જ્યારે આસપાસ કોઈ નહોતું ત્યારે ઈજનેરે સ્પિલેટના કાનમાં ધીરે અવાજે કહ્યું...
“એ વાત ચોક્કસ છે સ્પિલેટે, કે મે 19મી ઓકટોબરની રાતે કોઈ તાપણું સળગાવ્યું નથી! ટેકરી ઉપર પણ નહીં અને બીજે કોઈ સ્થળે પણ નહીં!”
***