Bhedi Tapu - Khand - 2 - 12 in Gujarati Adventure Stories by Jules Verne books and stories PDF | ભેદી ટાપુ - ખંડ બીજો - 12

Featured Books
  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

Categories
Share

ભેદી ટાપુ - ખંડ બીજો - 12

ભેદી ટાપુ

ત્યજાયેલો

ખંડ બીજો

(12)

અણધાર્યો પત્ર

સાંજે શિકાર કરીને બધા પાછા ફર્યાં. બધાને ખૂબ મજા પડી હતી. શિકાર પણ ખૂબ મળ્યો હતો ચાર માણસો ઉપાડી શકે એટલી સામગ્રી પ્રાપ્ત થઈ હતી.

“માલિક,” નેબ બોલ્યો, “કોઠારના ઓરડામાં સંગ્રહ કરવા જેવું ઘણું મળ્યું છે; પણ મને મદદની જરૂર પડશે. પેનક્રોફ્ટ, તમે મદદ કરશો?”

“ના,” ખલાસીએ જવાબ આપ્યો. “હું વહાણ બાંધવાના કામમાં રોકાયેલો છું.”

“હર્બર્ટ તમે?”

“ના,” હર્બર્ટે જવાબ આપ્યો, “મારે કાલે સવારે પશુશાળાએ જવાનું છે.”

“તો પછી સ્પિલેટ, તમે?”

“હા, હું તને મદદ કરીશ.”

બીજે દિવસે ગિડિયન સ્પિલેટ નેબની મદદમાં જોડાયો. એ પહેલાં ઈજનેરે પોતે કૂવામાં ઊતર્યો હતો એ વાત સ્પિલેટને કહી સંભળાવી હતી. સ્પિલેટે એ વાત સાંભળ્યા પછી કપ્તાન જેવો જ અભિપ્રાય આપ્યો. રહસ્ય હજી શોધવાનું બાકી છે.

એક અઠવાડિયા સુધી હિમ પડવાનું ચાલુ રહ્યું. તેઓ બહાર નીકળી શકતા ન હતા. માત્ર પશુશાળાએ કોઈક જઈ આવતું. ખાવાપીવાના સામગ્રીનો તો કોઈ સવાલ જ હતો નહીં. આ અઠવાડિયામાં ખલાસી હર્બર્ટે મદદ કરી. એટલે વહાણનું બાકીનું કામ પાછું ચાલુ થયું. સઢ તો તૈયાર જ હતા. દોરીઓ અને દોરડાનો પણ પાર ન હતો. એ બધાં બલૂનમાંથી મળ્યાં હતાં. એનો બધાંનો ઉપયોગ વહાણમાં ખલાસીએ સારી રીતે કર્યો. મજબૂત દોરડાથી સઢને બાંધવામાં આવ્યા. તે સિવાય બીજાં અધૂરા કામ પણ હાથમાં લીધાં.

ખલાસીએ એક ધ્વજ બનાવ્યો. એ અમેરિકાનો રાષ્ટ્રધ્વજ હતો. તેમાં જુદાં જુદા રંગો છોડવાનો રસ કાઢીને પૂરવામાં આવ્યા. અમેરિકાના રાષ્ટ્રધ્વજમાં સાડત્રીસ રાજ્યોને અનુલક્ષીને સાડત્રીસ તારા અંક્તિ કરવામાં આવે છે. ખલાસીએ આડત્રીસમો તારો ઉમેર્યો. એ તારો લીંકન રાજ્યનો હતો. તે આ ટાપુને અમેરિકન સામ્રાજ્યનો એક ભાગ ગણતો હતો.

દરમિયાન વાવટો ગ્રેનાઈટ હાઉસની વચલી બારીમાં ફરકાવવામાં આવ્યો. બધાએ તેને સલામી આપી.

શિયાળાની ઋતુનો હવે લગભગ અંત આવી ગયો હતો. અને એવું લાગ્યું કે આ બીજો શિયાળો ખાસ કોઈ ઘટના વિના પસાર થઈ જશે. ત્યારે 11મી ઓગસ્ટની રાત્રિએ સસરોવરના ઉચ્ચ પ્રદેશમાં સંપૂર્ણ વિનાશ સર્જાયો. આખા દિવસના થાક્યા પાક્યા રાતના ઘસઘસાટ ઊંઘતા હતા ત્યારે સવારે ચાર વાગ્યે ટોપના ભસવાનો અવાજ આવ્યો અને બધા જાગી ગયા.

“શું છે ટોપ?” નેબે પૂછ્યું. નેબ સૌથી પહેલાં જાગી ગયો હતો. પણ ટોપે તો ભસવાનું ચાલુ જ રાખ્યું.

“શું છે?” હાર્ડિંગે પૂછ્યું.

બધા ઝડપથી કપડાં પહેરીને બારીઓ તરફ દોડ્યા. બારી ઉઘાડીને જોયું તો જમીન સફેદ ચાદર પાથરી હોય એમ સર્વત્ર બરફ છવાયેલો હતો. પ્રકાશ ઝાંખો હતો. ખાસ કંઈ દેખાતું ન હતું. કોઈક પશુઓના અવાજ અંધારામાં સંભળાતા હતા. એ તો દેખીતું જ હતુ કે પશુશાળા અને ખેતર ઉપર કોઈ પશુએ ચડાઈ કરી છે.

“ક્યા પશુ છે? ખલાસીએ પૂછ્યું.

“જેગુઆર, વરૂ કે વાંદરા?” નેબનો પણ એ જ પ્રશ્ન હતો.

“તેઓ પશુશાળા સુધી પહોંચી ગયાં લાગે છે.” સ્પિલેટ બોલ્યો.

“મરઘાં ઉછેર કેન્દ્ર.” હર્બર્ટે કહ્યું. “અને આપણો બગીચો.”

“પણ અંદર ઘૂસ્યા ક્યાંથી?” ખલાસીએ પૂછ્યું.

“પુલ ઉપાડવાનું ભુલાઈ ગયું લાગે છે.” ઈજનેરે કહ્યું.

“હા,” સ્પિલેટે જવાબ આપ્યો. “કાલે મારે હાથે જ એ ભૂલ થઈ છે.”

આ પ્રમાણે સવાલ જવાબ થયા. એટલું ચોક્કસ કે પુલ ઉપર થઈને પ્રાણીઓ ઘૂસી આવ્યાં હતા. જલદી જઈને તેમને ભગાડવાં જોઈએ.

તેની લાળી ઉપરથી ખ્યાલ આવ્યો કે આ શિયાળ છે. બધા હથિયારો સાથે લિફ્ટમાં બેસીને નીચે ઊતર્યા અને પશુશાળા તરફ ધસ્યા.

આ શિયાળ વરૂ જેવા ભયંકર પ્રાણીઓ છે. મોટીસંખ્યામાં તેઓ ઉતરી પડ્યાં હતાં. શિયાળો પશુશાળા, પક્ષીઘર કે ઘઉંના ખેતરને નુકસાન ન કરે એ ખાસ જોવાનું હતું.

પાંચેય જણા વ્યૂહરચના કરી ગોઠવાઈ ગયા. ટોપ અને જપ પણ સાથે હતા. રાત અંધારી હતી. રિવોલ્વરના ધડાકા થતા ત્યારે જે પ્રકાશ થતો એના ઉપરથી ખ્યાલ આવ્યો કે હુમલાખોરોની સંખ્યા સો જેટલી હતી. તેમની આંખો અંગારાની જેમ ચમકતી હતી.

“જો જો, કોઈ છટકવા ન પામે!” ખલાસીએ બૂમ પાડી.

રિવોલ્વર અને કુહાડીથી જોરદાર હુમલો કરવામાં આવ્યો. કેટલાંય શિયાળ મરણને શરણ થયા; અને જમીન પર પડ્યાં. પણ તેમની સંખ્યા ઘટતી ન હતી. એવું લાગતું હતું કે જાણે પુલ ઉપર થઈને નવાં શિયાળની આવક ચાલુ હોય.

થોડીવારમાં નજીકથી લડાઈ શરૂ થઈ. તેમને ઘા વાગ્યા. પણ સદ્દભાગ્યે થોડા. હર્બર્ટે પોતાની બંદૂકથી નેબને બચાવ્યો. એક શિયાળે વાઘની જેમ તેના ઉપર તરાપ મારી હતી. ટોપ પૂરી હિંસકતાથી લડતો હતો. તે શિયાળને ગળે વળગી પડ્યો હતો અને એક પછી એક શિયાળને ગૂંગળાવીને ભોં ભેગા કરી દેતો હતો. જપના હાથમાં એક દાંડૂકો હતો. તે બહાદૂરીથી લડતો હતો. તેને પાછળ રાખવામનો પ્રયત્ન નિષ્ફળ જતો હતો. જપ રાતના અંધારામાં જોઈ શકતો હતો. આથી તે ભારે લડાઈ ચાલતી હોય તેની વચમાં કૂદી પડતો હતો. તેના મોઢામાંથી ઘૂરકવાનો અવાજ નીકળતો હતો જે આનંદની નિશાની હતી.

એક ક્ષણે તે એટલો આગળ વધી ગયો કે પાંચ-છ મોટાં શિયાળોની વચ્ચે ઘેરાઈ ગયો. તે પોતાના દાંડૂકો ખૂબ સ્વસ્થતાથી વીંઝતો હતો. તેના દાંડૂકાનો એક ઘા શિયાળના પ્રાણ લેવા પૂરતો હતો.

લડાઈ અંતે પૂરી થઈ, વિજય કપ્તાન હાર્ડિંગ અને તેના સાથીઓનો થયો. પણ તે માટે તેમને બે કલાક સુધી લડવું પડ્યું. સૂર્યોદય થવાના સમયે હુમલાખોરોએ પીછેહઠ કરી. તેઓ ઉત્તર તરફ પુલ ઉપર થઈને નાસી જતા હતા. આ વસ્તુ તરફ નેબનું ધ્યાન જતાં તેણે પુલ ઊંચો કરી લીધો. જ્યારે અજવાળું થયું ત્યારે લડાઈના મેદાનમાં હાર્ડિંગે શિયાળના પસાચ મૃતદેહો ગણ્યા. બધા મૃતદેહો સરોવરને કિનારે વેરણછેરણ પડ્યા હતા.

“જપ ક્યાં છે?” ખલાસીએ બૂમ પાડી.

જપ અદશ્ય થઈ ગયો હતો. તેના મિત્ર નેબે તેને બોલાવ્યો; અને પહેલીવાર તેનો જવાબ જપે ન આપ્યો.

બધા જપની શોધમાં લાગી ગયા. બધાને ભય હતો કે કદાચ તે મૃત્યુ પામ્યો ન હોય. તેમણે મડદાંઓ એક પછી એક હટાવ્યાં. તેમનો લોહીથી બરફમાં લાલ ધાબાં પડ્યાં હતાં. જપ મડદાંના એક પગ નીચેથી મળી આવ્યો. શિયાળનાં જડબાં ભાંગી ગયાં હતાં અને તેમની પાંસળીના ચૂરેચૂરા થઈ ગયા હતા. એ ઉપરથી ખ્યાલ આવતો હતો કે જપના ભયંકર દાંડૂકાનો આ પ્રાણી ભોગ બન્યા હતાં.

બિચારા જપે હજી હાથમાં ભાંગેલો દાંડૂકો પકડી રાખ્યો હતો! તેની છાતીમાં કેટલાક ઘા વાગ્યા હતા.

“તે હજી જીવે છે!” નેબે બૂમ પાડી. તે નીચો નમીને ઘા તપાસતો હતો.

“આપણે તેને બચાવી લઈશું.” ખલાસીએ કહ્યું.

જપ જાણે સમજતો હોય તેમ તેણે પોતાનું માથું ખલાસીના ખભા પર રાખ્યું એ રીતે એ એનો આભાર માનતો હતો. ખલાસી ખૂબ ઘવાયો હતો, પણ તેના ઘા સાવ મામૂલી હતા. તેમની પાસે દારૂગોળાથી ફૂટતી બંદૂકો હતી. એટલે હુમલાખોરો તેનાથી દૂર જ રહ્યા હતા. એક માત્ર વાંદરાની સ્થિતિ ગંભીર હતી.

જપને ગ્રેનાઈટ હાઉસમાં લાવવામાં આવ્યો. તેને પથારી પર સુવડાવવામાં આવ્યો. તેના ઘા ખૂબ જ કાળજીથી ધોવામાં આવ્યા.

સદ્દભાગ્યે કોઈ ઘા જીવલેણ નીવડે તેવો ન હતો. આમ છતાં લોહી વહી જવાને કારણે જપ ખૂબ નબળો પડી ગયો હતો.

તેના ઘા ઉપર પાટા બાંધ્યા પછી જોરદાર તાવ આવી ગયો. તેને સુવડાવી રાખવામાં આવ્યો. ખોરાકમાં ચળી પડાવવામાં આવી. એક મનુષ્યની જેમ જ તેની સારવાર થઈ. તેને દવાઓ પીવડાવી. ગ્રેનાઈટ હાઉસમાં ઘણી બધી દેશી દવાઓ હતી.

શરૂઆતમાં જપ અસ્વસ્થ હતો. તેના મોઢામાંથી ઊંહકારા નીકળી જતા હતા. પણ ધીરે ધીરે શ્વાસોચ્છવાસ નિયમિત બન્યા અને તે શાંતિથી ઊંઘી ગયો. વચ્ચે વચ્ચે ટોપ દબાતે પગલે ચૂપચાપ પોતાના મિત્રની ખબર કાઢવા આવતો હતો. જપનો એક હાથ પથારીની એક બાજુ લટકતો હતો. ટોપે તેને ચાટીને પોતાની સહાનુભૂતિ વ્યક્ત કરી.

આ હુમલાથી બધાની આંખ ઉઘડી ગઈ. હવે તેઓ સૂતાં પહેલાં પુલ ઊંચો કર્યો કે નહીં તેની ખાતરી કરી લેતા હતા.

થોડા દિવસ જપે બધાને ચિંતા કરાવી પણ હવે તેની તબિયત સુધરવા લાગી. તાવ ધીમે ધીમે ઊતરી ગયો. ગિડિયન સ્પિલેટ થોડી ઘણી ડૉક્ટરી વિદ્યા જાણતો હતો. તેણે તેને ભયમુક્ત જાહેર કર્યો. 16મી ઓગસ્ટે જપે ખાવાનું શરૂ કર્યું. નેબ એને માટે ભાવતી વાનગી બનાવી આપતો હતો.

દસ દિવસ જપ પથારીવશ રહ્યો. 21મી ઓગસ્ટે જપ બેઠો થયો. તેના ઘા રુઝાઈ ગયા હતા. તેનામાં શક્તિનો સંચાર થતાં બહુ સમય લાગે એમ ન હતો. તે ખૂબ ભૂખ્યો થયો હતો સ્પિલેટે તેને જેટલું ખાવું હોય તેટલું ખાવાની છૂટ આપી. પ્રાણીઓને ઈશ્વરે આંતરસૂઝ આપી હોય છે તેથી તે જરૂર કરતાં વધારે ખાતાં નથી. જપ ખાતો હતો ત્યારે નેબે કહ્યું...

“ખા, ખૂબ ખા, જપ! તેં અમારે માટે તારું લોહી વહાવ્યું છે; એને તેના બદલામાં બીજું તો ઠીક, પણ અમે તને ખવડાવી-પીવડાવીને તાજો-માજો કરી શકીએ એમ છીએ.”

25મી ઓગસ્ટે નેબે તેના સાથીઓને બોલાવ્યા.

“કપ્તાન, મિ.સ્પિલેટ, મિ.હર્બર્ટ, પેનક્રોફ્ટ, બધા આવો, આવો!”

બધા ભોજનખંડમાં બેઠા હતા. ત્યાંથી ઊઠીને સૌ જપના ઓરડામાં આવ્યા.

“શું વાત છે, નેબ?” સ્પિલેટે પૂછ્યું.

“જુઓ,” નેબે હસીને જવાબ આપ્યો, અને બધાએ શું જોયું? માસ્ટર જપ શાંતિથી હોકલી પીતા હતા! તે પલાંઠી વાળીને બેઠા હતા.

“મારી હોકલી!” પેનક્રોફ્ટે બૂમ પાડી. “હું તને તે ભેટ આપું છું!”

અને જપ મોંમાંથી ધુમાડાના ગોટા કાઢતો રહ્યો. હાર્ડિંગને ખ્યાલ હતો કે કેટલાક પાળેલાં વાંદરા હોકલી પીએ છે, જપ પોતાના હાથે હોકલી ભરી અને સળગાવી લેતો. ધુમ્રપાનની ટેવને કારણે જપ અને ખલાસી વચ્ચે મૈત્રી વધારે ગાઢ થઈ.

“કદાચ આ વાંદરો નથી, પણ માણસ છે!” ખલાસીએ એક વાર નેબને કહ્યું. “એ આપણી સાથે વાત કરવા માંડે તો મને જરાય નવાઈ ન લાગે.”

“ના,” નેબે જવાબ આપ્યો. “મને તો નવાઈ એ વાતની લાગે છે કે હજી સુધી બોલતો કેમ નથી? માણસ હોવામાં તેનામાં એક જ ચીજ ખૂટે છે, અને તે છે વાણી!”

સપ્ટેમ્બર મહિનામાં શિયાળો પૂરો થયો અને વહાણ બાંધવાનું કામ અધૂરું કામ ફરી શરૂ થયું. તૂતકનું બાંધકામ પૂરું થયું હતું. સઢની વ્યવસ્થા પણ થઈ ગઈ હતી. જંગલમાં લાકડાંની ખામી ન હતી. એટલે ખલાસીએ ઈજનેરની પાસે દરખાસ્ત મૂકી કે વહાણના માળખાને બહારથી બેવડાં પાટિયાં જડીને વધારે મજબૂત બનાવીએ. હાર્ડિંગે તેમાં સંમતિ આપી.

15મી સપ્ટેમ્બરે વહાણનું મોટા ભાગનું કામ પૂરું થઈ ગયું. વહાણના પાટિયાં વચ્ચે જ્યાં તિરાડ રહેતી હતી ત્યાં ડામર ગરમ કરીને રેડવામાં આવ્યો. વહાણની વ્યવસ્થા તદ્દન સરળ હતી. તેમાં સમતોલપણું રાખવા માટે મોટા મોટા કાળમીંઢ પથરાઓ ભરવામાં આવ્યા. તેનું વજન આશરે બાર હજાર રતલ હતું. અંદરના ભાગમાં એ નાની ઓરડી બનાવી હતી. બે બાંકડાઓ ગોઠવ્યા હતા અને વસ્તુઓ મૂકવા માટે પટીઓ પણ બનાવવામાં આવી હતી.

વહાણનો કૂવાસ્થંભ શોધવામાં ખલાસીને મુશ્કેલી ન પડી. તેણે ગાંઠાં-ગરબા વિનાનું એક ફરનું ઝાડ પસંદ કર્યું. એ કૂવાસ્થંભ વહાણમાં જડી દેવામાં આવ્યો. ઓકટોબર પહેલાં અઠવાડિયામાં વહાણ તૈયાર થઈ ગયું. એવું નક્કી કરવામાં આવ્યું કે વહાણની એક અજમાયશી સફર આ ટાપુની આસપાસ કરવી. એ ઉપરથી ખ્યાલ આવી જશે કે વહાણ સમુદ્રમાં બરાબર તરી શકશે કે નહીં.

આ દિવસોમાં જરૂરી કામોની ઉપેક્ષા કરવામાં આવી ન હતી. પશુશાળાનો વિસ્તાર કર્યો. કારણ કે ઘેટાં અને બકરાંનાં ઘણાં બચ્ચાં જન્મ્યા હતાં.

10મી ઓકટોબરે વહાણને તરતુ કર્યું. ખલાસીના આનંદનો પાર ન હતો. તેને કપ્તાનનો દરજ્જો આપવામાં આવ્યો. કપ્તાન પેનક્રોફ્ટને સંતોષ આપવા માટે વહાણનું નામ ‘બેન એડવેન્ચર’ પાડવામાં આવ્યુ. તે પાણીમાં સરસ રીતે તરું હતું.

તે ને તે દિવસે અજમાયશી સફર કરવાનું નક્કી કર્યું. ઋતુ સ્વચ્છ હતી. સમુદ્ર શાંત હતો. નાસ્તો કરીને બધા વહાણમાં બેઠા. સાયરસ હાર્ડિંગ પણ વહાણની અજમાયશ કરવા આતુર હતો. વહાણનું મોડેલ તેણે બનાવ્યું હતું; જો કે ખલાસીની સલાહ પ્રમાણે તેમાં કેટલાક ફેરફાર કર્યા હતા. આ વહાણમાં બેસીને ટેબોર ટાપુની મુલાકાત લેવી તેને જોખમકારક લાગતી હતી.

તેને વહાણમાં ખલાસીએ મૂકેલી શ્રદ્ધા વધારે પડતી લાગતી હતી. ખલાસી ટેબોર ટાપુ જવાની વાત કરતો ન હતો; એટલે હાર્ડિંગે માન્યું કે તેણે ત્યાં જવાનો વિચાર માંડી વાળ્યો છે. આવા પંદર ટનેના નાના વહાણમાં દોઢસો માઈલની મુસાફરી કરવા અને ખલાસી સાથે પોતાનો એક-બે સાથીને મોકલવા એ જરાય રાજી ન હતો.

સાડા દસ વાગ્યે બધા વહાણમાં બેસી ગયા. જપ અને ટોપ પણ આવી ગયા. હર્બર્ટે લંગર ઉપાડ્યું. સઢ ચઢાવવામાં આવ્યા. ધ્વજ ફરકાવ્યો અને પેનક્રોફ્ટે વહાણ દરિયામાં હંકાર્યું. પવન અનુકૂળ હતો. વહાણ ગતિશીલ હતું. બધાને વહાણ ખૂબ ગમ્યું. જરૂર પડે ખૂબ કામ આવે એવું બન્યું હતું.

પેનક્રોફ્ટે વહાણને દરિયામાં ત્રણ-ચાર માઈલ દૂર સુધી હંકાર્યું. હવે ટાપુ નવા સ્વરૂરમાં દેખાતો હતો. જંગલો અને અખાત તથા શિખર વચ્ચે ફ્રેન્કલીન પર્વત શોભતો હતો. તેના શિખર ઉપત બરફ છવાયો હતો.

“કેવો સુંદર ટાપુ છે!” હર્બર્ટે બૂમ પાડી.

“હા, આપણો ટાપુ સરસ અને સુંદર છે.” ખલાસીએ જવાબ આપ્યો. “હું તેને મારી માતાની જેમ ચાહું છું. આપણે એ ટાપુ પર પડ્યા ત્યારે આપણી પાસે કંઈ ન હતું, અત્યારે આપણને કોઈ વસ્તુની ખોટ નથી.”

આ બધા સમય દરમિયાન સ્પિલેટે દૂરથી દેખાતા ટાપુનું રેખાચિત્ર દોરવામાં સમય ગાળ્યો. કપ્તાન હાર્ડિંગ શાંતિથી ચારે બાજુ જોતો હતો.

“કપ્તાન હાર્ડિંગ,” પેનક્રોફ્ટે પૂછ્યું, “આ વહાણ તમને કેવું લાગે છે?”

“સરસ.”

“તમને લાગે છે કે આ વહાણમાં નાનકડા સફર થઈ શકે?”

“કઈ સફર?” હાર્ડિંગે પૂછ્યું.

“ટેબોર ટાપુની.”

“મિત્ર,” હાર્ડિંગ જવાબ આપ્યો. “ફરજિયાત મુસાફરી કરવી પડે તો જુદી વાત છે; પણ વિના કારણ જોખમ લેવું? વળી, તમે એકલા તો જવાના નથી.”

“હા, મારી સાથે એક સાથીદાર પૂરતો છે.”

“તો પણ પાંચમાંથી બે ને જોખમમાં મૂકવા મને યોગ્ય લાગતું નથી.” કપ્તાને કહ્યું.

“એમાં કોઈ જોખમ નથી.” ખલાસીએ જવાબ આપ્યો.

ત્યાં વાત અટકી પડી. પણ એ વાત ફરીવાર ચર્ચાવાની હતી. એમાં કોઈ શંકા ન હતી, પણ એક ઘટના એવી બની કે જેથી ખલાસીની વાતને સમર્થન મળ્યું અને ટેબોર ટાપુની મુલાકાત લેવા માટે તેણે યોગ્ય કારણ પૂરું પાડ્યું.

વહાણ પાછું પોર્ટબલૂનની દિશામાં ચાલવા લાગ્યું ત્યાં બારામાં વહાણ રાખી શકાય એમ છે કે તેની તપાસ કરવાની હતી. તેઓ કિનારાથી અર્ધો માઈલ દૂર રહ્યા. વહાણ મધ્યમ ગતિથી ચાલતું હતું. સમુદ્રની લહેરો ધીમી હતી. હર્બર્ટ વહાણના તૂતક પર બેઠો હતો. એકાએક તેણે બૂમ પાડી.

“પેનક્રોફ્ટ, જુઓ, કંઈક છે!”

વહાણને જમણી તરફ લેવામાં આવ્યું. હર્બર્ટે નીચા નમીને પાણીમાંથી એક વસ્તુ ઉપાડી લીધી, પછી આશ્વર્યથી બૂમ પાડીઃ

“શીશો!”

તેણે બૂચવાળો શીશો હાથમાં પકડી રાખ્યો હતો. કિનારાથી એ સ્થળ બે ફર્લાંગ દૂર હશે.

સાયરસ હાર્ડિંગે શીશો હાથમાં લીધો. તેનું ઢાંકણ ખેંચી કાઢ્યું. અને અંદરથી એક ચિઠ્ઠી બહાર કાઢી, તેમા આટલા શબ્દો લખ્યા હતા.

“તરછોડાયેલા માણસ....... ટેબોર ટાપુઃ 153 અંશ પશ્વિમ રેખાંશ 37 અંશ 11’ દક્ષિણ અક્ષાંશ.”

***