Bhedi Tapu - Khand - 2 - 5 in Gujarati Adventure Stories by Jules Verne books and stories PDF | ભેદી ટાપુ - ખંડ બીજો - 5

Featured Books
Categories
Share

ભેદી ટાપુ - ખંડ બીજો - 5

ભેદી ટાપુ

ત્યજાયેલો

ખંડ બીજો

(5)

તૂટેલું બલૂન

સાયરસ હાર્ડિંગ અને તેના સાથીઓ જેગુઆર બોડમાં નિરાંતે સૂતા.

સર્યોદય વખતે બધા સમુદ્ર કિનારે આવ્યા. તેઓ સૌ ક્ષિતિજ સુધી જોઈ શકતા હતા. ટાપુના કિનારાનો બે તૃતિયાંશ ભાગ સ્પષ્ટ રીતે જોઈ શકાતો હતો. દૂરબીનથી પણ કોઈ શંકાસ્પદ વસ્તુ જોવામાં ન આવી.

અહીંથી ત્રણ માઈલ સુધી દષ્ટિ પડતી હતી. દરિયામાં કે જમીન પર કોઈ વસ્તુ દેખાતી ન હતી. હવે દક્ષિણ કિનારાને તપાસવો બાકી હતો. અત્યારે જ એ તપાસ શરૂ કરવી? આજનો આખો દિવસ એ કામમાં વાપરી નાખવો?

નીકળ્યા ત્યારે દક્ષિણ કિનારો તપાસવાની યોજના ન હતી.

જ્યારે હોડી નદીના મૂળ પાસે છોડી દીધી ત્યારે તો મનમાં એમ હતું કે, પશ્વિમ કિનારો ડોઈને વળતી વખતે મર્સી નદીના પ્રવાહમાં હોડી દ્વારા પાછા ગ્રેનાઈટ હાઉસ પહોંચવું.

ત્યારે હાર્ડિંગને લાગ્યું હતુ કે પશ્વિમ કિનારા ઉપર ભાંગલાં વહાણે આશ્રય લીધો હશે; પણ હવે તેણે જોયું કે પશ્વિમ કિનારો સારું આશ્રયસ્થાન બની શકે તેમ નથી. તેથી તેણે આજે જ દક્ષિણ કિનારો તપાસી લેવાનું નક્કી કર્યું.

સ્પિલેટ પણ એવા જ મતનો હતો. તેણે કપ્તાનને પૂછ્યું કે અહીંથી દક્ષિણ કિનારો કેટલો દૂર થાય?

“આશરે ત્રીસ માઈલ.” ઈજનેરે જવાબ આપ્યો.

“ત્રીસ માઈલ?” સ્પિલેટ બોલ્યો, “તો તો આખો દિવસ જાય તેમ છતાં હું માનું છું કે આજે જ આપણે દક્ષિણ કનારો તપાસી લેવો જોઈએ.”

“પણ,” હાર્બર્ટે અભિપ્રાય આપ્યો.“ત્યાંથી પાછું ગ્રેનાઈટ હાઉસ તરફ જતાં દસ માઈલ થાય.”

“હા, કુલ મળીને ચાલીસ માઈલ થાય.” ઈજનેરે જવાબ આપ્યો. “એ આજે જ પતાવવું જોઈએ. જેથી બીજો ધક્કો રહે નહીં.”

“હા, પણ હોડીનું શું?” પેનક્રોફ્ટે પૂછ્યું.

“હોડી બે દિવસ વધારે પડી રહેશે તો કોઈ ચોરી નહીં જાય.” સ્પિલેટે જવાબ આપ્યો.

“કાચબાની ઘટના યાદ છે ને?” ખલાસીએ ક્હ્યું.

વચ્ચે નેબ કંઈ બોલવા ગયો પણ બોલવાનું માંડી વાળ્યું. જો કપ્તાને તેને પૂછ્યું. “નેબ, તું શું કહેતો હતો?

“આપણે દક્ષિણ કિનારાથી ડઈશું તો મર્સી નદી પાસે રોકાઈ રહેવું પડશે. ત્યાં પુલ પમ નથી કે હોડી પણ નથી.”

“નદી ઓળંગવાની જવાબદારી મારી.” ખલાસીએ ક્હ્યું.

બધા દક્ષિણ કિનારે થઈને નીકળવા સહમત થયા. કપ્તાને આગવ વધવાનો હુકમ આપ્યો. ચાલીસ માઈલનું અંતર કાપવાનું હતું એટલે સમય બગાડવો પોષાય તેમ હતો નહીં.

સવારે છ વાગ્યે આખી ટોળી નીકળી પડી. સાવચેતીના પગલાંરૂપે બંદૂકો ભરી લેવામાં આવી. અને ટોપને સૌથી આગળ ધ્યાન રાખવાનું સોંપવામાં આવ્યું.

શરૂઆતમાં પાંચ માઈલ ઝડપથી કાપવામાં આવ્યા. કિનારાની તપાસ ઝીણવટથી ચાલુ હતી. કોઈ પડાવ, કોઈ તાપણું કે કોઈ પગલાંનું નિશાન જોવા ન મળ્યું. હવે પચીસ માઈલ કાપવાના હતા. કિનારે વૃક્ષો હારબંધ ઊભાં હતાં. પછી કિનારો ધીરે ધીરે અનિયમિત બનવા લાગ્યો. અંતે પથ્થરના કાળા ખડકો કિનારા પર પથરાયેલા જોવા મળ્યાં.

“જો કોઈ વહાણ અહીં આવે તો ભાંગ્યા વગર રહે નહીં. એવો અણીદાર ખડકોવાળો આ કિનારો છે.” પેનક્રોફ્ટે કહ્યું.

“પણ વહાણ ભાંગ્યા કોઈ અવશેષો તો મળવા જોઈએ ને?” સ્પિલેટે પૂછ્યું.

“તે વખેત ને યે મળે.” ખલાસીએ જવાબ આપ્યો. “ભરતીમાં તણાઈ જાય કે રેતીમાં દટાઈ જાય.”

એક વાગ્યે બપોરે તેઓ વીસ માઈલ દૂર અખાત પાસે આવી પહોંચ્યા. ત્યાં તેઓ જમવા માટે રોકાયા. અહીંથી કિનારો ખાંચાખૂંચીવાળો અને વધારે અનિયમિત બનતો હતો. ખડકો પણ ઘણા હતા. હવે ચાલવામાં વધારે મુશ્કેલી પડતી હતી. કિનારા પર નાના મોટા ખડકો મોટા જથ્થામાં વેરાયેલા પડ્યાં હતા.

અડધી કલાકના આરામ પછી તેમણે ફરી મુસાફરી શરૂ કરી. તેઓ કોઈ પણ ખડક તપાસ્યા વિનાનો રહેવા દેતા ન હતા. દરિયાનાં મોજાં વચ્ચે કોઈ પદાર્થ દેખાય તો નેબ અને ખલાસી ત્યાં ધસી જતાં હતા. પણ અત્યાર સુધી કશું પ્રાપ્ત થયું ન હતું.

વહાણ ભાંગવાનો કોઈ પુરાવો મળતો ન હતો. જેમ પેટી મળી તેમ કૂવાથંભ, પાટિયા, હલેસાં કે એવી કોઈ વસ્તુ મળે તો આગળ વિચારી શકાય. પણ ક્યાંય કશું ન હતું.

બપોરે ત્રણ વાગ્યે હાર્ડિંગ અને તેના સાથીઓ એક નાનકડી નદી પાસે આવી પહોંચ્યા. નદી જ્યાં સમુદ્રને મળતી હતી ત્યાં એક કુદરતી બારું તૈયાર થયું હતું.

પાણીની છોળને લીધે ખડકની અંદર એક નાના તળાવ જેવું કોતરાઈ ગયું હતું. આ સ્થળ દરિયામાંથી દેખાય તેમ ન હતું. હોડી કે વહાણ રાખવા માટે આ સ્થળ અત્યંત સલામત હતું. ભવિષ્યમાં પોતાની હોડી અહીં બાંધી રાખવી એવો નિર્ણય બધાએ કર્યો.

થોડો વખત અહીં રોકાવાનું નક્કી થયું. તેમને ભૂખ લાગી હતી. સામાન્ય રીતે તેઓ આ સમયે નાસ્તો કરતા ન હતા; છતાં બધાયે થોડું ઘણું ખાઈ લેવાનું નક્કી કર્યું. પાઈનના વૃક્ષની નીચે બધા નાસ્તો કરવા બેઠા. આ સ્થળ સમુદ્રની સપાટીથી પચાસથી સાઈઠ ફૂટ ઊંચું હતું. અહીંથી ઘણે દૂર સુધી કોઈ જ્હાજ જોવા ન મળ્યું. દરિયા કિનારાને ખૂબ કાળજીથી તપાસ્યો.

“મને લાગે છે કે આ ટાપુ ઉપર આવનાર પાછા ચાલ્યા ગયા છે.” કપ્તાને કહ્યું.

“તો પછી વહાણ ઉપડી ગયું અને આપણે સ્વદેશ જવાનો મોકો ગુમાવ્યો એમ તમે માનો છો?” નેબે પૂછ્યું.

“મને એવું લાગે છે.” કપ્તાને જવાબ આપ્યો.

“તો પછી ચાલો ઉપડીએ.” પેનક્રોફ્ટે કહ્યું.

જેવા તેઓ ઊભા થયા કે તેમને ટોપના ભસવાનો અવાજ સંભળાયો. પછી કૂતરો મોંઢામાં કપડાંનો એક કટકો લઈને જંગલમાંથી બહાર આવ્યો. આ ટુકડો ગારાથી ખડકાયેલો હતો.

નેબે તે કપડાનો ટુકડો હાથમાં લીધો. એ મજબૂત કપડાનો કટકો હતો.

ટોપ હજી ભસતો હતો. તે આગળ અને પાછળ જઈને પોતાના માલિકને પોતાની પાછળ જંગલમાં આવવાનું સૂચન કરતો હતો.

“હવે બંદૂકની ગોળીનું રહસ્ય ઉકેલાશે!” પેનક્રોફ્ટે બૂમ પાડી.

“ભાંગેલા વહાણના મુસાફરો!” હર્બર્ટે જવાબ આપ્યો.

“કદાચ ઘાયલ હશે!” નેબ બોલ્યો.

“કે મરેલા!” સ્પિલેટે ઉમેર્યું.

બધા કૂતરાની પાછળ દોડ્યા, જંગલના સીમાડા પર ઊંચાં ઊંચાં પાઈનનાં વૃક્ષો હતાં. કોઈ કટોકટી ઊભી થાય તો સામનો કરવા હાર્ડિંગ અને તેના સાથીઓએ બંદૂકો તૈયાર રાખી.

તેઓ આગળ વધ્યા, પણ, જંગલમાં માણસનું કોઈ ચિન્હ ન દેખાયું. તેઓ નિરાશ થયા. પણ ટોપ વિશ્વાસપૂર્વક આગળ વધતો હતો.

સાતઆઠ મિનિટ પછી ટોપ એક પાઈનના તોતીંગ વૃક્ષ પાસે ઊભો રહ્યો.

બધાએ ચારે બાજુ જોયું પણ કંઈ દેખાયું નહીં.

પછી ટોપ એ ઝાડને થડે બે પગે થઈને ઊંચે જોઈને જોર જોરથી ભસવા લાગ્યો. બધાનું ધ્યાન ઊંચે ગયું.

“અરે! આ તો આપણું બલૂન!” ખલાસી બોલ્યો.

બધાએ જોયું તો ફાટી ગયેલું બલૂન ઝાડમાં ભરાઈ ગયું હતું. તેનો નીચે પડેલો ટુકડો કૂતરો લાવ્યો હતો.

“આપણે ભાંગલું વહાણ શોધતા હતા ને?” ખલાસીએ કહ્યું. “લો, આ જડી ગયું.”

“ભાંગેલુ વહાણ? ક્યાં છે?” સ્પિલેટે પૂછ્યું.

“વહાણ નહીં તો હવાઈ વહાણ અથવા બલૂન વૃક્ષની ટોચે ફસાયું છે.” ખલાસીએ કહ્યું.

ખલાસીની વાત સાચી પડી. તેણે આનંદની ચિચિયારી પાડી.

“સરસ કાપડ છે. આપણને વરસો સુધી ચાલશે. એમાંથી આપણાં કપડાં બની જશે.” ખલાસી બોલ્યો. “હા, હા, હા, મિ. સ્પિલેટ, આ ટાપુ ઉપર તો ખમીસનાં ઝાડ ઊગે છે.”

લીંકન ટાપુના વસનારા માટે ખરેખર એક મોટું સદ્દભાગ્ય હતું. બલૂન આ લોકોને ટાપુ પર ફેંકીને ઊડતું ઊડતું આ વૃક્ષમાં ભરાઈ ગયું હશે. તે ફરીવાર જડ્યું. એમાં બેસીને હવે ઊડી શકાય એમ ન હતું. પણ એમાં સેંકડો વાર મજબૂત કાપડ રહેલું હતું, પેનક્રોફ્ટના આનંદમાં બધાએ ભાગ લીધો. પણ એ બલૂનનું કપડું ઝાડની ટોચેથી નીચે ઊતારવું પડે એમ હતું. નેબ, હર્બર્ટ અને ખલાસી વૃક્ષની ટોચે ચડી ગયા. અને ફસાયેલા બલૂનને ઝાડની ડાળીઓમાંથી બુદ્ધિપૂર્વક છૂટું પાડ્યું.

આ કામમાં બે કલાક લાગ્યા. ત્યારપછી બલૂનની કોથળી, તેના વાલ્વ, તેની કમાનો, તેનું ધાતુનું કામ, તેની જાળી-બધું ઝાડ ઉપરથી નીચે નાખ્યું; જાળીમાંથી મોટા જથ્થામાં દોરડાં અને દોરી વગેરે પ્રાપ્ત થયું. બલૂનની કોથળી, ફાટેલા ભાગ સિવાય, સારી સ્થિતિમાં હતી. માત્ર નીચેનો ભાગ ફાટી ગયો હતો.

આકાશમાંથી કુદરતે જ તેમને આ મહામૂલી ભેટ મોકલી હતી.

“કપ્તાન, આ દોરડાં આપણેને વહાણમાં કામ લાગશે અને આ કાપડમાંથી આપણે વહાણના સઢ બનાવીશું, બાકીનું કપડું પહેવાના કપડામાં વપરાશે.” ખલાસીએ કહ્યું.

“આપણે જોઈશું. કપ્તાને જવાબ આપ્યો.

દરમિયાન બલૂનનાં કપડાંને સલામત સ્થળે રાખવાની જરૂર હતી. આટલો બધો ભાર ઉપાડીને ગ્રેનાઈટ હાઉસ જવાય એમ ન હતું. કોઈક વાહનમાં તેને લઈ જવું પડે તેમ હતું. લાંબો વખત પડી રહે તો વળી પાછું ક્યાક તોફાનમાં ફસાય એવો સંભવ હતો.

બધાએ ભેગા થઈને બલૂનને ખેંચીને કિનારાથી દૂર એક ખડકની ગુફામાં મૂકી દીધું.

સાંજે છ વાગ્યે તેઓ આગળ વધ્યાં. રસ્તામાં તેમણે ભાવિ યોજના વિષે ચર્ચા કરી. પહેલાં તો મર્સી નદી ઉપર પુલ બાંધવો. બીજું, બલૂન લેવા માટે ગાડું મોકલવું, હોડીમાં બલૂન સમાય એમ ન હતું.

દરમિયાન રાત પડી ગઈ. હવે તેઓ પેટી અને પીપ મળ્યાં હતાં. તે સ્થળે પહોંચ્યા. અહીંથી ગ્રેનાઈટ હાઉસ ચાર માઈલ દૂર હતું. લગભગ અડધી રાતે, મર્સી નદીના મુખ પાસે થઈને તેઓ નદીના પહેલાં વળાંક પાસે પહોંચી ગયા.

અહીં મર્સી નદીના વહેણની પહોળાઈ એંસી ફૂટ જેટલી હતી. તેને ઓળંગવી મુશ્કેલ હતી. પણ પેનક્રોફ્ટે વચન આપ્યું હતું કે આ મુશ્કેલીમાંથી પોતે માર્ગ કાઢી આપશે; એટલે એને આ માટે કામ કરવાની ફરજ પડી. બધા મૂળ થાકી ગયા હતા. તેઓ ચાલીસ માઈલની મુસાફરી કરીને આવ્યા હતા; અને બલૂનને ઝાડ પરખી નીચે ઉતારવાના કામને લીધે તેમને જરાય આરામ મળ્યો ન હતો. ગ્રેનાઈટ હાઉસ પહોંચીને ખાવા અને ઊંઘવાની તેમની ઈચ્છા હતી. જો મર્સી નદી ઉપર પુલ હોત તો તેઓ પંદર મિનિટમાં ઘેર પહોંચી જાત.

રાત ખૂબ અંધારી હતી. પેનક્રોફ્ટ પોતાનું વચન પાળવા તરાપો બાંધવાના કામમાં લાગી ગયો. તે અને નેબ કુહાડીથી બે ઝાડને કાપવા લાગ્યા. ઝાડના થડ ઉપર તેઓ કુહાડીથી ઘા કરતાં હતા.

સાયરસ હાર્ડિંગ અને સ્પિલેટ નદીને કિનારે બેઠા હતા; તેમના સાથીઓ મદદ માગે તેની તેઓ રાહ જોતા હતા. હર્બર્ટ નદી કિનારે ટહેલતો હતો. એકાએક તે દોડીને પાછો આવ્યો અને મર્સી નદી તરફ આંગળી ચીંધીને બોલ્યો, “જુઓ, ત્યાં કંઈક તરતું દેખાય છે?”

પેનક્રોફ્ટે કામ અટકાવી જોયું તો કોઈ પદાર્થ વહેણમાં તરતો આ તરફ આવતો હતો.

“હોડી!“ તેણે બૂમ પાડી.

બધા દોડ્યાં; અને આશ્વર્યથી જોયું કે, હોડી પ્રવાહમાં તરતી આવતી હતી.

“હોડીમાં કોણ છે?” ખલાસીએ મોટેથી બૂમ પાડી.

કંઈ જવાબ ન મળ્યો. હોડી નજીક આવી, અને લગભગ બાર ફૂટ દૂર રહી ત્યારે ખલાસીએ આશ્વર્યનો ઉદ્દગાર કાઢ્યો---

“અરે! આ તો આપણી હોડી છે! તે દોરડું તોડાવીને અહીં સુધી પહોંચી ગઈ. બહું સમયસર આવી પહોંચી.”

“આપણી હોડી?” ઈજનેર ધીમે અવાજે બોલ્યો.

પેનક્રોફ્ટની વાત સાચી હતી. હોડી દોરડું તોડાવીને અહીં સુધી પહોંચી ગઈ હતી. તે દરિયામાં તણાઈ જાય તે પહેલાં તેને પકડી લેવી જરૂરી હતી. નેબ અને પેનક્રોફ્ટે વાંસની મદદથી હોડીને કિનારા ઉપર ખેંચી લીધી.

ઈજનેર પહેલાં હોડીમાં કૂદી પડ્યો. તપાસ કરતાં માલૂમ પડ્યું કે દોરડું ખડક સાથે ઘસાઈને તૂટી ગયું હતું.

“ગજબની વાત છે!” હાર્ડિંગ જવાબ આપ્યો.

ગજબની વાત હોય કે ન હોય, પણ ખુશનસીબી તો હતી જ.

બધા એે પછી એક હોડીમાં બેઠાં દોરડું ઘસાઈને તૂટ્યું હતું. પણ નવાઈની વાત એ હતી કે એ સમયસર આવી પહોંચી, પંદર મિનિટ વહેલી કે મોડી આવે તો એ સમુદ્રમાં તણાઈ જાય!

જો આ લોકો વહેમી હોત તો એમ માની લેત કે કોઈ ભૂતપલિત તેમને મદદ કરે છે.

તેઓ થોડાં હલેસાં મારીને મર્સી નદીના મુખ પાસે આવી પહોંચ્યા. હોડીને ધસડીને ગુફા પાસેના કિનારા પર લઈ ગયા; અને બધા ગ્રેનાઈટ હાઉસની સીડી તરફ રવાના થયા.

તે વખતે ટોપ ગુસ્સામાં આવીને જોર જોરથી ભસતો હતો; અને નેબે સીડીની જગ્યા પાસે આવીને જોરથી ચીસ પાડી.

સીડી ત્યાંથી અલોપ થઈ ગઈ હતી!

***