Redlite Bunglow - 42 in Gujarati Fiction Stories by Rakesh Thakkar books and stories PDF | રેડલાઇટ બંગલો ૪૨

Featured Books
  • Mujh se Miliye

    कहानी मेरी है… मैं एक पेन हूँ…  जी हाँ, आपने सही पढ़ा है…  ...

  • The Subscriber

    The subscriberरात के ठीक बारह बजे थे।मोबाइल की स्क्रीन पर सि...

  • नेहरू फाइल्स - भूल-98-99

    भूल-98 ‘लोकतंत्र’ नेहरू की देन?—असत्य है आपको यदा-कदा ही ऐसे...

  • वो शहर, वो लड़की

    की वो भागती-दौड़ती शामें।ट्रैफिक की लंबी कतारें, हॉर्न की आव...

  • समर्पण से आंगे - 7

    ‎‎भाग – 7‎जब बदनामी ने दरवाज़ा खटखटाया‎समाज जब हारने लगता है...

Categories
Share

રેડલાઇટ બંગલો ૪૨

રેડલાઇટ બંગલો ૪૨

-રાકેશ ઠક્કર

પ્રકરણ- ૪૨

અર્પિતાને મા ઉપર દાઝ તો ઘણી ચડી હતી. તે પરાયા પુરુષના પડખામાં જઇને ભરાઇ બેઠી એથી અર્પિતા વધુ દુ:ખી હતી. બીજી તરફ તે માની ઇચ્છાઓ સમજતી હતી. માની શારિરીક જરૂરિયાતો તેને આવું કરાવી રહી હતી. પુરુષો તો પોતાની ઇચ્છા પૂરી કરવા પોતાના જેવી વેશ્યાઓ પાસે બિંદાસ આવતા હતા. મા જેવી લગ્નજીવનનું સુખ પામી ન શકતી સ્ત્રીઓની તેને દયા પણ આવતી હતી. પણ માની છડેચોક કોઇ પુરુષને ત્યાં જતાં રહેવાની આ રીત બરાબર ન હતી. તેને પુરુષ વગર ચાલતું ના હોય તો બીજા લગ્ન કરી લેવા જોઇએ. તેણે મને આ વાત કરી હોત તો હું જ તેને હા પાડત. અર્પિતા પોતાની બેગ તૈયાર કરવા લાગી અને એક વિચાર કરી મનમાં જ બોલી:"મા, તારે પણ બેગ બાંધવાનો વખત આવી ગયો છે."

હેમંતભાઇને વધુ એક ઝાટકો આપવા અને માને પાછી ઘરભેગી કરવા અર્પિતાએ એક કાગળ હાથમાં લીધો અને તેને એક પથ્થર સાથે બાંધી બબડી:"હેમંતભાઇ, તમારા માટે જાસાચિઠ્ઠી તૈયાર છે."

અર્પિતાએ માના એઇડ્સના રીપોર્ટની એક ઝેરોક્ષ કઢાવી લીધી હતી. તેમાં એચઆઇવી લખેલું હતું તેના પર બ્લ્યુ પેનથી વર્તુળ દોર્યું અને બોલી : "હેમંતભાઇ, તમારા માટેનો આ ગળાફાંસો છે! જો તકેદારી નહીં લીધી હોય તો ગળેફાંસો ખાવો પડશે અથવા ઉપર પહોંચવાની આ ચેતવણી બની રહેશે."

હવે પથ્થર ફેંકશે કોણ? પોતે તો હેમંતભાઇના ઘર સુધી જઇ શકશે નહીં. કોઇ એવી વ્યક્તિને શોધવી પડશે જે હેમંતભાઇને ત્યાં નાખી આવવાની હિંમત કરી શકે અને વાત ખાનગી પણ રહે. અર્પિતાએ પહેલાં વિચાર્યું કે ફળિયાના કોઇ નાના છોકરા કે છોકરીને આ કામ સોંપી દઉં. એ પકડાઇ જાય તો પણ વાંધો નથી. હેમંતભાઇને ખબર પડે કે અર્પિતાએ આ કાગળ મોકલ્યો છે તો તેનો પણ કોઇ વાંધો નથી. પછી તેને થયું કે આમ કરવાથી વાત ફળિયામાં કે ગામમાં જાહેર થઇ જાય તો માનું નામ ખરાબ થાય. નાના છોકરા પાસેથી તેના મા-બાપ આ રીપોર્ટ વાંચી લે તો સમસ્યા ઊભી થાય.

અર્પિતાએ થોડો વિચાર કર્યો અને તેને વિનય યાદ આવી ગયો. તેણે વિનયને કહ્યું જ હતું કે જતાં પહેલાં ખરા બપોરે તેને ખેતરે મળવા આવશે. વિનયને જ આ કામ સોંપી દેવું પડશે. વિનયના પિતા લાભુભાઇએ હવે વહુ તરીકે સ્વીકારવાનું મન બનાવી લીધું છે એટલે વિનયને આ બધી વાત કરવામાં વાંધો નથી. તે ઝટપટ તૈયાર થઇ ગઇ. ઘરની એક ચાવી મા પાસે હતી એટલે ચિંતા ન હતી. હેમંતભાઇ એઇડસનો રીપોર્ટ વાંચીને આજે માને કાયમ માટે વિદાય કરી દેશે. માને બીજું ઘર વસાવવાને બદલે અત્યારે તો પોતાના ઘરે જ રહેવું પડશે. અને ન જાણે કેટલા દિવસ એ આ ઘરની, આ ધરતીની મહેમાન રહેશે... વિચારતાં તેની આંખમાં પાણી આવી ગયાં. આવો અમંગળ વિચાર કરવા બદલ તેને પસ્તાવો થયો. પણ હકીકત સામે તે આંખમિંચામણા કરી શકે એમ ન હતી.

તેણે વિચાર્યું કે આજે હવે શહેરમાં પાછા ફરવું જ પડશે. કોલેજમાં ઘણી રજા પડી છે અને રાજીબહેનનો લોહીનો વેપાર બંધ કરાવવાનો સમય પાકી ગયો છે. કોઇ પ્રકારનો લોહીયાળ જંગ કર્યા વગર રાજીબહેનને પોતાની શરણમાં લાવવાની યોજનામાં ચૂક ના થવી જોઇએ. મારું જે થવાનું હશે તે હશે. પણ આ ધંધામાં પાડવામાં આવેલી મીના જેવી અનેક છોકરીઓ ઉગરી જશે. રચનાએ માહિતી મેળવી જ લીધી હશે. હવે પહોંચીને મિશન શરૂ કરી દેવું પડશે.

અર્પિતા બેગ તૈયાર કરી અને ઘરને તાળું મારી વિનયને મળવા નીકળી. દર વખતે રાત્રે ચોરીછૂપીથી અંધારામાં વિનયને મળવા જતી અર્પિતા આજે માથે તપતા સૂરજના અજવાળામાં માથું ઊંચું રાખીને વિનયના ખેતર તરફ જઇ રહી હતી. હવે તેને ગામલોકોનો ડર ન હતો કે લાભુભાઇના પરિવારની ઇજ્જતની ચિંતા ન હતી. અડધું ગામ જાણી ગયું હતું કે વિનય અને અર્પિતા પ્રેમમાં છે. અને લગ્ન કરવાના છે. અર્પિતા ખેતરોના રસ્તે વળી પછી ક્યાંય કોઇ દેખાયું નહીં. બધાં ખેડૂતો જમવા જતા રહ્યા હતા.

અર્પિતા વિનયના ખેતર પર પહોંચી ત્યારે વિનય આતુરતાથી તેની રાહ જોતો હતો. તે અર્પિતા પર ઓળઘોળ હતો. તેણે તેના પરિવારને હેમંતભાઇના કાવતરામાંથી બચાવી લીધો હતો અને બાપા અર્પિતાથી ખુશ હતા. હવે તેમના મિલન વચ્ચે કોઇ આવી શકે એમ ન હતું. અર્પિતાને જલદી લગ્ન કરવા રાજી કરવાની હતી.

અર્પિતા વિનયના ખેતરની ઝૂંપડીમાં પ્રવેશી એટલે વિનય તેને ભેટી પડયો. તેને પોતાની છાતી સાથે ભીંસી નાખી. અને ચુંબનોથી નવડાવી દીધી.

"અરે! શું વાત છે! આજે ભરબપોરે પ્રેમનો વરસાદ વરસી રહ્યો છે!" અર્પિતા તેની પકડને માંડ માંડ છોડાવતા શ્વાસ લેતાં બોલી.

"અર્પિતા! તને મારી ખુશીનો અંદાજ હશે જ. હવે તું મારી થઇ શકશે. બાપાએ મંજુરી આપી દીધી છે. બોલ, ક્યારે લગ્ન કરીએ? તું કોલેજની ચિંતા છોડી દેજે. આપણે હવે કંઇ ભણવું નથી. બસ આનંદમાં જીવન જીવવું છે..." વિનય પોતાની લાગણી વ્યક્ત કરી રહ્યો.

"ઓહોહો! તેં તો ઘણું બધું વિચારી લીધું છે ને! પહેલું અને બીજું બાળક ક્યારે આવશે એની પણ ગણતરી કરી નથી ને!" અર્પિતા પણ તેની ખુશીને બળ આપી રહી હતી.

"બાળક તો લાવીશું એકાદ વર્ષ પછી! પછી ખબર નહીં કોઇ ભૂલ થઇ જાય અને..!"

"ચલ હટ! બાળકનું તો હું જ નક્કી કરીશ!"

"હા, એ તારી મરજી બસ! પહેલાં એ કહે કે તું મારી સાથે ક્યારે સાત ફેરા ફરવાની છે?"

"હું એક એવા ફેરામાં અટવાઇ છું કે તું મારા વિશે જાણશે પછી મારી સાથે અગ્નિની સાક્ષીમાં સાત ફેરા ફરવા તૈયાર થશે કે ગુસ્સામાં આગ લગાવશે એનો વિચાર કરતાં ડરું છું..." એવા શબ્દો અર્પિતાની જીભ પર આવી ગયા પણ અર્પિતા ગંભીર થઇને બોલી:"વિનય, તું સાત ફેરા સુધી પહોંચી ગયો છે ત્યારે મને એમ થાય છે કે હું તારી સાથે સાત જનમ તો ઠીક આ જનમ માટે પણ યોગ્ય છું કે નહીં?"

"કેમ? આવી કેવી વાત કરે છે?" વિનયને અર્પિતાની વાતથી નવાઇ લાગી રહી હતી.

અર્પિતા જ્યારે વિનયને મળવા ઘરેથી નીકળી ત્યારે રસ્તામાં તેણે બધું જ વિચારી લીધું હતું. વિનયને તે હવે પોતાના વિશે બધું જ કહી દેવા માગતી હતી. તે વિનયને અંધારામાં રાખવા માગતી ન હતી. ભલે પોતાનું જીવન અંધારામાં વીતે પણ તે વિનયને સાચો પ્રેમ કરતી હતી એટલે સાચેસાચું કહી દેવા માગતી હતી. હવે એ સમય આવી ગયો હતો. તેને ડર હતો કે વિનય પોતાના વેશ્યાના ધંધા વિશે જાણીને તેને છોડી દેશે. તેનો પરિવાર તો આ જાણીને સ્વીકારશે જ નહીં. તેમની શંકા કદાચ સાચી પડશે. જેવી મા એવી દીકરી એમ કહેશે. જીવનની કડવી સચ્ચાઇનો સામનો કરવાનું સહેલું હોતું નથી. વેશ્યાના ધંધામાં રહેલી કોઇપણ છોકરીને કોઇ પરિવાર સ્વીકારવા તૈયાર ના થાય એ સ્વાભાવિક છે. પોતે પહેલાંથી જ પ્રામાણિક રહી છે. પોતાની આગળની જિંદગીનું ભલે જે થવું હોય એ થાય પણ પોતે કોઇને છેતરશે નહીં. વિનયને બધું જ કહી દેશે. તે સમજદાર હશે તો સમજી જ જશે કે આ માટે કોણ જવાબદાર છે. હવે વાત જ્યારે સહજીવન સુધી પહોંચી ગઇ છે ત્યારે વિનયને બધું જ કહી દેવું જોઇએ. પાછળથી ખબર પડે કે ના પડે પણ હું આ રહસ્ય દિલમાં રાખીને સહજ જીવન જીવી શકીશ નહીં.

અર્પિતાનું મૌન વિનયને રહસ્યમય લાગ્યું.

"અરે! ચૂપ કેમ થઇ ગઇ? મારી વાતનો જવાબ આપ. તું કેમ મારા માટે યોગ્ય નથી? તું સુંદર છે એટલે તને ચાહી નથી. હું તને સાચા દિલથી પ્રેમ કરું છું."

"વિનય, હું આજે મારા જીવનનું એક રહસ્ય ખોલવા જઇ રહી છું. મને માફ કરી દેજે.."

અર્પિતાએ પોતે કોલેજમાં પ્રવેશ લીધો અને રાજીબહેનની ચુંગાલમાં કેવી રીતે ફસાઇ ગઇ અને છૂટવા માટે કેવી રીતે પ્રયત્ન કરી રહી છે એની બધી જ વાત વિનયને કરી દીધી.

અર્પિતાની વાત સાંભળી વિનય શાંત બેસી રહ્યો. બે ક્ષણ માટે તેણે આંખો મીંચી દીધી. અર્પિતાને થયું કે વિનય હવે તેનો ચહેરો પણ જોવા માગતો નથી. તેને પોતાની હકીકત જાણીને આઘાત લાગ્યો હશે. તે ધીમેથી ઊભી થઇને જવા લાગી. વિનયના નિર્ણયનો તેને અંદાજ આવી રહ્યો હતો. તે સમજી ગઇ હતી કે પોતે વિનયને લાયક નથી.

અર્પિતાના પગલાંનો અવાજ સાંભળી વિનયે આંખો ખોલી કહ્યું:" અર્પિતા તું મારે લાયક નથી...."

ઓહ! તો વિનય પણ એવું જ વિચારે છે. એનું વિચારવાનું ખોટું પણ તો નથી... અર્પિતાએ જવા માટે ઝૂંપડીનો દરવાજો ખોલવા હાથ લગાવ્યો ત્યાં અટકેલો વિનય આગળ બોલ્યો: અર્પિતા, આવું હું વિચારી જ શકું નહીં. અહીં આવ..."

અર્પિતા નજીક પહોંચી એટલે વિનયે તેના બંને હાથ પોતાના હાથમાં લઇ કહ્યું:" અર્પિતા, આ દુનિયા તારે લાયક નથી. તારા જેવી છોકરી માટે આ દુનિયા નથી. તારા દિલમાં કોઇ ખોટ નથી. તેં સાચી વાત કહેવાની હિંમત કરી છે. મને તારા પર માન છે. તેં જાણી જોઇને કીચડમાં પગ મૂક્યો નથી. તને ઢસડીને લઇ જવામાં આવી છે અને તું તારી સાથે બીજી છોકરીઓને બચાવવા માગે છે એ પણ સારી વાત છે. રહી વાત મારી તો હું તને આ રૂપમાં પણ સ્વીકારવા માગું છું. મેં તને માત્ર સાચો પ્રેમ કર્યો છે. હું માત્ર તારા શરીરને ચાહતો નથી. તારો આત્મા પવિત્ર અને શુધ્ધ છે. તારામાં પરોપકારની લાગણી છે. જો તેં મને બચાવ્યો ન હોત તો હું પણ જેલમાં જઇને ગુનેગાર બની જાત. કમનસીબે તને કોઇ બચાવી શક્યું નહીં. તારે જાતે જ સંઘર્ષ કરવો પડે છે. હું તારો સાથ ક્યારેય છોડીશ નહીં. પણ આ વાત આપણા બે વચ્ચે જ રાખીશું. બોલ, મારી જે મદદની જરૂર હોય તે કહે હું તૈયાર છું..."

"વિનય..." કહી ખુશીથી અર્પિતા તેને ભેટી પડી. તેનું વિનય પ્રત્યેનું માન વધી ગયું. એક વેશ્યા બનેલી છોકરીને પત્ની તરીકે સ્વીકારવાનો નિર્ણય સરળ નથી. વિનયને તો બીજી ઘણી છોકરીઓ મળે એમ છે. પણ તેનો પ્રેમ સાચો છે.

"અર્પિતા, તું કોઇ વાતની ચિંતા કરીશ નહીં. આપણે બધાને પહોંચી વળીશું..."

"પેલા હેમંતભાઇની પહોંચ ઘણી છે પણ હમણાં તો તેને ત્યાંથી માને છોડાવવાની છે..." કહી અર્પિતાએ બધી વાત કરી પથ્થરથી બાંધેલો માનો આરોગ્ય રીપોર્ટ આપી એને હેમંતભાઇને ત્યાં ફેંકવાનું કામ સોંપ્યું.

વિનય કહે:"તારું આ કામ આજે જ થોડીવારમાં કરી દઇશ. મારો એક ખાસ મિત્ર છે. ઊંચાઇમાં ઓછો છે પણ તેની બુધ્ધિ લાંબી છે. મને સવાલ પણ કરશે નહીં. તેના દ્વારા આ પથ્થર ફેંકાવીશ. હેમંતભાઇ જોઇ જશે તો પણ નાના છોકરાએ કોઇ કારણથી ફેંક્યો છે એમ વિચારશે. અને એ એવો ભાગશે કે હેમંતભાઇ તો શું કોઇ દોડવીરના કોઇના હાથમાં પણ નહીં આવે..."

"વિનય તેં તો આજે મારા મન અને હ્રદય પરનો બધો ભાર ઊતારી દીધો...." અર્પિતા વિનય પર ખુશ થઇ ગઇ.

"તો પછી આ ભાર પણ થોડીવાર ઉતારી દે..." કહી વિનય તેનું ટીશર્ટ ઊંચું કરવા લાગ્યો."

"લુચ્ચા! આજે તને હાફ ટિકિટ જ મળશે!" કહી અર્પિતા પેટ સુધીનો હાથથી ઇશારો કરી ટીશર્ટ ઉતારતાં બોલી:" મારે હમણાં શહેરની બસ પકડવાની છે. તું ચાહે તો આંખોના જામ પી લે, અધરનું રસપાન કરી લે અને જે બીજું પાન કરવું હોય એ કરી લે..."

વિનયે પોતાનાં કપડાં કાઢી અર્પિતાના ઉપરનાં આંતરવસ્ત્રો ઉતાર્યા અને તેના અંગેઅંગ પર ચુંબન કરવા લાગ્યો. વિનયે તેના પ્રેમથી અર્પિતાને નવડાવી દીધી. અર્પિતા પણ મોજથી વિનયનો પ્રેમ અનુભવતી રહી.

થોડીવારે અર્પિતાએ તેને પ્રેમથી દૂર કર્યો. તે ફરીથી અર્પિતા પાસે ધસી ગયો અને તેને ભીંસી નાખી. અર્પિતાના ભરાવદાર ઉરોજ વિનયની છાતી સાથે ઘસાયા એટલે વિનયની ઉત્તેજના વધી. શરીરમાં તોફાન ઊભું થવા લાગ્યું. વિનયને થયું કે અર્પિતાનો મખમલી સ્પર્શ તેનો સંયમ ગુમાવશે. વિનય તેની કમનીય કમરની ફરતે બંને હાથ ફેરવતાં બોલ્યો:" અર્પિતા, આજે રોકાઇ જાને! તારા પ્રેમમાં ઊંડો ઉતરી રહ્યો છું...."

"અરે! છોડ. આગળ વધવાનું નથી. પ્રેમયાત્રા પૂરી થાય છે. હવે મારે મોડું થાય છે." કહી અર્પિતાએ તેને જબરદસ્તી દૂર ખસેડ્યો અને ઝટપટ કપડાં પહેરી બોલી:"ચાલ આવજે. લવ યુ! બહુ જલદી મળીશું..."

અર્પિતા ઉતાવળે ચાલતી ઘરે પહોંચી. તેના દિલમાં ખુશીઓ ઉછળી રહી હતી. વિનય તેને આવા રૂપમાં સ્વીકારી લેવા તૈયાર થયો હતો. હવે જીવનના તમામ સુખ તેનાથી બહુ દૂર ન હતા. અર્પિતા હવે રાજીબહેનને માત આપી જલદીથી તેમના ધંધામાંથી છૂટી જવા માગતી હતી. તેણે બેગ હાથમાં લીધી અને ઘરને તાળું મારી બસ સ્ટેન્ડ જવા નીકળી. તે આવતીકાલથી જ પોતાના મિશન પર લાગી જવા માગતી હતી અને એક જ સપ્તાહમાં રચનાની મદદથી તેને સફળ બનાવવા માગતી હતી. ઉત્સાહમાં ચાલતી અર્પિતાને ત્યારે ખબર ન હતી કે રાજીબહેન તેના પગ તળેથી જમીન ખસેડવા તેની બહુ આતુરતાથી રાહ જોઇ રહી હતી. રાજીબહેન તેની સામે એવો ધડાકો કરવાની હતી કે અર્પિતાએ વિચારેલી યોજના પર તો પાણી ફરી જ વળવાનું હતું. પણ તે તેમની કેદમાંથી ક્યારેય છૂટી ના શકે એવી યોજના રાજીબહેન બનાવી રહ્યા હતા.

*

વર્ષાબેન હેમંતભાઇને ત્યાંથી આજે સાંજે નીકળીને પોતાના ઘરે પાછા જતા રહેવાના હતા. ગામમાં બંનેની ઇજ્જ્ત સચવાય એટલે આ નિર્ણય લઇ લીધો હતો. વર્ષાબેનને એઇડસ હોવાનું જાણી હેમંતભાઇ તેમનાથી છૂટવા માગતા હતા. તો વર્ષાબેન પણ માન સન્માન સાથે હેમંતભાઇને ત્યાં રહેવા માગતા હતા. વર્ષાબેને રસોઇ બનાવી દીધી હતી.

હેમંતભાઇ વર્ષાબેન પાસે પહોંચ્યા ત્યારે તે જમવા માટે કહેવા આવતા હતા. હેમંતભાઇએ તેમની સાથે પ્રેમથી ભોજન કર્યું. જમતી વખતે હેમંતભાઇએ વાતવાતમાં અર્પિતાની કોલેજનું નામ અને તે ક્યાં રહે છે એની માહીતી મેળવી લીધી. અને સાંજે આવવાનું કહી પોતાના કામથી નીકળી ગયા.

સાંજ પડી એટલે વર્ષાબેન બેગ લઇ બંને બાળકો સાથે તૈયાર થઇ ગયા. વર્ષાબેનને હેમંતભાઇનો સાથ છોડવો પડ્યો તે ગમ્યું ન હતું. પણ બાળકો ખુશ હતા. હેમંતભાઇ આવી પહોંચ્યા. તેમણે માણસને પોતાની ગાડી લઇ વર્ષાબેનને તેમના ઘરથી થોડે દૂર ઉતારવાનું કહી દીધું. વર્ષાબેન ફરી આ ઘરમાં એક નવોઢા તરીકે આવવાનું એક સ્વપ્ન લઇ કારમાં બેઠા. હેમંતભાઇને થયું કે એક દુ:સ્વપ્ન પૂરું થયું!

વર્ષાબેન ઘરે પહોંચ્યા. બંને બાળકો મસ્તી કરવા લાગ્યા. તેમને આ ઘરમાં સહજ લાગતું હતું. એ જોઇ વર્ષાબેને આનંદ થયો. તેમણે ઝટપટ રસોઇ બનાવી અને તેમને જમાડીને સુવડાવી દીધા.

ઘરનું બધું કામ પતાવી વર્ષાબેન પથારીમાં સૂઇ ગયા. પણ ઊંઘ આવતી ન હતી. દિવસે ઘણા કલાક ઊંઘી ગયા હતા. તેમને અર્પિતાના વિચાર આવતા હતા. અર્પિતા સાથે પોતે સારો વ્યાવહાર કર્યો ન હતો. તેની માફી માગવી જોઇએ એમ થયું. તેણે જમીન લઇ લીધી હોત તો પણ શું વાંધો હતો. વિનય જેવો છોકરો પોતાની દિકરીનો જમાઇ બને એ ગામના કોઇપણ પરિવારની ઇચ્છા રહી છે. ત્યારે પોતે ભૂલ કરી આરોપ લગાવ્યો.

વિચારમાં અડધી રાત થઇ ગઇ તોય ઊંઘ ના આવી. ત્યાં અચાનક દરવાજો ખખડ્યો હોય એમ લાગ્યું. પછી થયું કે કૂતરું બેસવા આવ્યું હશે એનાથી હલ્યો હશે. પણ ફરી કોઇ ધીમેથી દરવાજો ખખડાવતું હોય એવું લાગ્યું. તે સહેજ મલકાયા. નક્કી હેમંતભાઇ હશે. રાત્રે મારા વગર ઊંઘ આવતી નહીં હોય. આદત પડી ગઇ છે ને! મને પણ ક્યાં ઊંઘ આવી રહી છે. બંને તરફ સરખી જ આગ લાગી છે.

વર્ષાબેન ઊભા થયા. પણ ખાતરી થાય ત્યાં સુધી સાવચેતી રાખી. આખું બારણું ના ખૂલે એટલે વચ્ચેની સાંકળ બંધ કરી અને ઉપરની કડી ખોલી બંને દરવાજા સહેજ ખોલી બહાર નજર નાખી. અંધારામાં કોઇ ઊભું હતું. એ હેમંતભાઇ ન હતા. પણ તેને જોઇ વર્ષાબેન ચમકી ગયા અને બોલ્યા:"તું?"

વર્ષાબેનને ખબર ન હતી કે તે હેમંતભાઇ સાથે બાકીનું જીવન ગુજારવાનું સપનું જોતા હતા પણ આવનાર વ્યક્તિ તેમના જીવનની રાહ બદલી નાખવાની હતી.

*

અર્પિતાની યોજના પર રાજીબહેન પાણી ફેરવી દેશે? વર્ષાબેનને અડધી રાત્રે મળવા આવનાર કોણ હતું? તે વર્ષાબેનની જીવનરાહ કેવી રીતે બદલશે? શું અર્પિતા રાજીબહેનનો બદલો લઇ શકશે? હેમંતભાઇને છંછેડવાની ગુસ્તાખી અર્પિતાને ભારે પડશે? આ બધું જ જાણવા હવે પછીના રસપ્રચૂર પ્રકરણો વાંચવાનું બિલકુલ ચૂકશો નહીં.

***

વાચકમિત્રો, અંત તરફ ધસમસતી જઇ રહેલી રેડલાઇટ બંગલો નવલકથાને આપના દ્વારા અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે, એના આંકડા જ બતાવે છે કે આ નવલકથાને આપ ભરપૂર માણી રહ્યા છો. રેડલાઇટ બંગલોના નવેમ્બર-૨૦૧૮ ના ડાઉનલોડ: ૨૧૦૮૫ (માતૃભારતીના માસિક ટોપ ઓથરમાં મને ત્રીજું સ્થાન) મળ્યું એ બદલ આપનો અને માતૃભારતીનો દિલથી આભારી છું. વાચક બિરાદરોને વિનંતી કે દરેક પ્રકરણ અચૂક વાંચશો તો કશું ચૂકી જશો નહીં. અને આપનું રેટીંગ દરેક પ્રકરણ માટે જરૂરથી આપશો. એ મને વધુ સારું લખવાનું પ્રેરણાબળ અને ઉત્સાહ આપે છે.