Satya Asatya - 31 in Gujarati Love Stories by Kajal Oza Vaidya books and stories PDF | સત્ય અસત્ય - પ્રકરણ - 31

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

સત્ય અસત્ય - પ્રકરણ - 31

સત્ય-અસત્ય

કાજલ ઓઝા વૈદ્ય


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


પ્રકરણ - ૩૧

દિવસો વીતતા ગયા. અમેરિકા પાછા જવાની તારીખ નજીક આવી રહી હતી. પ્રિયંકાએ સત્યજીત સુધી પહોંચવાના સાચા અર્થમાં ભયાનક પ્રયત્નો કર્યા, પણ સત્યજીતે જે ગાંઠ વાળી હતી એ છૂટી નહીં.

એણે અમોલાની સહાય લેવાનો પણ પ્રયાસ કરી જોયો, પણ અમોલા ઇચ્છતી જ નહોતી કે સત્યજીત પ્રિયંકાને મળે. એટલે એણે દરેક વખતે સંદેશો પહોંચાડવાનું વચન આપ્યું, પરંતુ પ્રિયંકાએ એને આપેલા એકપણ સંદેશા સત્યજીત સુધી ક્યારેય પહોંચ્યા નહીં. એણે આદિત્યને પણ એકથી વધારે વાર સત્યજીતને ઘેર બોલાવવા વિનંતી કરી અને આદિત્યએ સાચા હૃદયથી સત્યજીતને ઘરે આવવા સમજાવ્યો પણ ખરો, પરંતુ પ્રિયંકાને નહીં મળવાનો નિર્ણય બદલાયો નહીં.

પ્રિયંકાનો દીકરો ઘરમાં સુખની એક લહેર લઈને આવ્યો હતો. શીલાબહેન અને મહાદેવભાઈ માટે તો જાણે વહાલનો ખજાનો લૂટાવા માટે એક પાત્ર મળી ગયું હતું. મહાદેવભાઈ વારંવાર પ્રિયંકાનું બાળપણ યાદ કરતા. વારે વારે એના દીકરા સાથે સરખામણી કર્યા કરતા. પ્રિયંકા અને આદિત્ય એનું નામ પાડવા માટે રાતદિવસ દલીલો કરતા. ઘરના પાંચેય સભ્યોને ગમે એવું કોઈ નામ હજી સુધી જડ્યું નહોતું. દરેકને એક વધુ સારું નામ સૂઝી આવતું અને એના વિશે વાદવિવાદ શરૂ થઈ જતો ! સ્વાભાવિક રીતે પ્રિયંકાના શરીરમાં કોઈ ખાસ લક્ષણો દેખાતા નહોતા. નબળાઈ ખૂબ લાગતી અને અવારનવાર સૂઈ જવાની, ઊભા ન થવાની ઇચ્છા થયા કરતી.

પ્રિયંકાની દવાઓ શરૂ થઈ ગઈ હતી. ડૉક્ટર્સનો અભિપ્રાય હતો કે પ્રિયંકા દવાઓને રિસ્પોન્ડ કરી રહી છે. શીલાબહેન અને સિદ્ધાર્થભાઈ એવું ઇચ્છતા હતા કે પ્રિયંકા અહીં જ રહે, પરંતુ આદિત્ય એને અહીંયા એકલી છોડીને જવા માટે સહેજપણ તૈયાર નહોતો. વળી, બહુ સ્વાભાવિક રીતે અમેરિકામાં એને વધુ સારી સારવાર મળી શકે એમ હતી એટલે કમને પણ પ્રિયંકાને અમેરિકા જવા દેવાનો નિર્ણય લેવાયો.

અમેરિકા જતા પહેલા નામ પાડવું જરૂરી હતું એટલે એક દિવસ સાંજે મળેલી બેઠકમાં નામ નક્કી કરી નાખવામાં આવ્યું, ‘‘.............’’

પ્રિયંકા ધીરે ધીરે પેકિંગ કરતી હતી. એની ફરી એક વાર ભરાતી બૅગ અને એકઠી થતી વસ્તુઓ જોઈને શીલાબહેનનું હૃદય ચિરાઈ ગયું. એ વારંવાર પ્રિયંકાની પાસે જતા, એના માથે હાથ ફેરવતા - .........ને વહાલ કરતા રહેતા.

પેકિંગ થઈ ગયું હતું. નીકળવાના આગલા દિવસે પ્રિયંકાએ આદિત્યનો હાથ પકડીને એની આંખમાં જોયું, ‘‘તું ........ ને થોડી વાર સાચવીશ ? મારે સત્યજીતને મળવું છે.’’

‘‘શા માટે આટલો બધો આગ્રહ રાખે છે ? આટલા મહિનાના પ્રયાસ પછી પણ તને સમજાયું નથી ? કે એ તને નથી મળવા માગતો !’’

‘‘એ મને મળવા ન ઇચ્છતો હોય તો પણ હું જતા પહેલા એને મળીશ.’’

‘‘પણ એવો દુરાગ્રહ શા માટે ?’’

‘‘ખબર નથી.’’ પ્રિયંકાએ પ્રામાણિકપણે કહ્યું, ‘‘મને એમ લાગ્યા કરે છે કે એ મારી સાથે જુઠું બોલે છે. એ જે કહે છે કે દેખાડે છે તે સત્ય નથી.’’

‘‘ધારો કે એમ છે તો પણ શું થઈ શકે ?’’ આદિત્ય જાણતો હતો કે એની દલીલો પોકળ હતી, ‘‘તમે કોઈને સાચું બોલવા મજબૂર ન જ કરી શકો.’’ એણે પ્રિયંકાના બદલાયેલા હાવભાવ જોયા અને ઉમેર્યું, ‘‘એ જે કાંઈ કહે છે તે સાચું નથી એ પણ તારી માન્યતા છે. એ શું કામ તારી સાથે જુઠું બોલે ?’’

‘‘કારણકે એ જાણે છે કે હું એને બરાબર ઓળખું છું.’’ પ્રિયંકાએ વાત સમેટી લીધી, ‘‘તું થોડી વાર...........ને સાચવી શકીશ ?’’

‘‘હા, જરૂર.’’ આદિત્યને લાગ્યું કે હવે એને રોકવાનો અર્થ નથી. પ્રિયંકા જવા માગતી હતી અને એક છેલ્લા પ્રયાસ તરીકે એને જવા દેવી જોઈએ.

પ્રિયંકા જ્યારે સત્યજીતની ઑફિસમાં દાખલ થઈ ત્યારે એને રિસેપ્શન પરથી કહેવામાં આવ્યું કે સત્યજીત નથી. પ્રિયંકા સડસડાટ સત્યજીતની ચેમ્બર તરફ આગળ વધી. એને રોકવા માટે દોડી આવેલા બે પ્યૂનને ધકેલીને એ સત્યજીતની ચેમ્બરમાં દાખલ થઈ ગઈ. ચેમ્બર સાચે જ ખાલી હતી, પરંતુ ચેમ્બરમાં બીજા બે દરવાજા હતા જે ક્યાંક બીજે ખૂલતા હોય એવું દેખાતું હતું. એણે પહેલો દરવાજો ખોલ્યો. જે બાથરૂમ હતો. બીજો દરવાજો ખોલતા જ એ આશ્ચર્યચકિત થઈ ગઈ. અચ્છોખાસ્સો સ્ટુડિયો અપાર્ટમેન્ટ કહી શકાય તેવો ૨૦ ફીટ બાય ૧પ ફીટના એક વિશાળ ઓરડામાં જીવનજરૂરિયાતની તમામ સગવડો ઊભી કરવામાં આવી હતી. એક તરફ પથ્થરનો નાનકડો પ્લેટફોર્મ બનાવી એના પર ગૅસ અને માઇક્રોવેવ ગોઠવાયા હતા. એક નાનું ફ્રીજ, થોડા વાસણો, નાનકડો પલંગ અને બેસવા માટેની નાનકડી સિટિંગ વ્યવસ્થા. ખૂણામાં રેલવે સ્લિપર્સના પાટિયા વાપરી સુંદર રીતે બાર બનાવવામાં આવ્યો હતો. બારની પાસે બેસવા માટે અબનૂસના લાકડાની કોતરણીવાળું કાઉચ ગોઠવાયું હતું.

સુંદર રીતે સજાવાયેલા એ કમરામાં પ્રિયંકાના આશ્ચર્ય વચ્ચે સત્યજીત બેસીને લેપટોપ પર કશું કામ કરી રહ્યો હતો.

અંદર દાખલ થઈને પ્રિયંકા એની સામે જઈને ઊભી રહી. સત્યજીત ડઘાઈ ગયો હતો. એક શબ્દ બોલી શકવાની સ્થિતિમાં નહોતો. પ્રિયંકાએ એની આંખોમાં આંખો નાખી, ‘‘શું કામ ભાગે છે મારાથી ?’’

થોડી વાર સુધી કોઈ જવાબ આપ્યા વિના સત્યજીત એની સામે તાકી રહ્યો. એની આંખોમાં અપરાધભાવ અને પીડા બંને વાંચી શકાતા હતા.

‘‘મેં દરેક વખતે તારું સારું ઇચ્છ્‌યું, તારી મદદ કરવાનો પ્રયત્ન કર્યો, દોસ્તી નિભાવવાનો સાચા દિલથી પ્રયાસ કર્યો.’’ બોલતા બોલતા પ્રિયંકાને ડૂમો ભરાવા લાગ્યો હતો. એની આંખો છલકાવાની તૈયારીમાં હતી, ‘‘હું જાણું છું કે તને મારા પર ગુસ્સો છે. હું જે રીતે તને છોડીને ગઈ એ પછી...’’

‘‘ના...ના...’’ સત્યજીત ઊભો થઈ ગયો, ‘‘ગુસ્સો નથી. ખરેખર ગુસ્સો નથી.’’

‘‘તો શા માટે નથી મળતો મને ?’’

‘‘જો પ્રિયંકા, હું તને જેટલી વાર મળું છું એટલી વાર ઇમોશનલ થઈ જાઉં છું. મારી જાત પર કાબૂ નથી રાખી શકતો. તારી સાથે ફોન પર વાત કરતાય જો હું આટલો લાગણીવશ થઈ જતો હોઉં તો તારી સામે આવું ત્યારે મારું શું થાય એનો વિચાર કર.’’ એ થોડી વાર પ્રિયંકા સામે જોઈ રહ્યો. કહેવું કે નહીં એનો નિર્ણય કરતો હોય એમ... પછી કહી જ નાખવાનો નિર્ણય કરીને એણે કહ્યું, ‘‘હું હવે તારા પર ઇમોશનલી આધારીત રહેવા નથી માગતો. એક વાર ખૂબ પીડા અને તકલીફમાંથી પસાર થયો છું. એકલતાએ તોડી નાખ્યો છે મને. ઘણાબધા પરિણામો આવ્યા જે હજી ભોગવી રહ્યો છું.’’

‘‘સત્યજીત, તું જાણે છે આપણે કેમ છૂટા પડ્યા તે... નાની વાતમાં જે માણસ સાચું ન બોલી શકે એના પર મોટી વાતમાં વિશ્વાસ...’’

સત્યજીતે એની વાત વચ્ચે જ કાપી નાખી, ‘‘સાચું ? હું તને સાચું કહેત કે મારે તને નથી મળવું તો તને આનંદ થાત ને ? તું સ્વીકારી લેત એ સત્યને ?’’

‘‘તારે મને નથી મળવું એ વાત ખોટી છે. તું ડરે છે, કશાકથી... કદાચ, તારા પોતાનાથી.’’

‘‘આ તારો અહમ્‌ છે, પ્રિયંકા. હું શું કામ ડરું ? સાચું તો એ છે કે તું એવું સ્વીકારી નથી શકતી કે હું મારી જિંદગીમાં ગોઠવાઈ ગયો છું, તને ભૂલી ગયો છું, છતાં સુખી છું. અમોલા મને ચાહે છે. મારો સંસાર સુખી છે એ સત્ય તારા ગળે નથી ઊતરતું.’’ પ્રિયંકા નવાઈથી જોઈ રહી, ‘‘તેં હંમેશા સાચું સાંભળવાનો આગ્રહ રાખ્યો છે. આજે મારે તને સાચું કહેવું છે. હવે મને તારા માટે કોઈ લાગણી નથી. હું ચાહતો નથી તને... મારી અને તારી દુનિયા જુદી છે. મારા અને તારા વિચારો જુદા છે. માન્યતાઓ અને જરૂરિયાતો જુદી છે. હું સાચે જ તને મળવા નથી માગતો. મારી ઇચ્છા એવી હતી કે તું જાય ત્યાં સુધી તને કોઈ તકલીફ આપ્યા વિના શાંતિથી જવા દેવી, પણ હવે જ્યારે તું અહીંયા આવી જ ગઈ છે તો સાંભળી લે. હું મારા લગ્નમાં, મારા સંસારમાં અને મારી જિંદગીમાં ખૂબ સુખી છું. હું નથી ઇચ્છતો કે તારે કારણે મારી જિંદગીમાં ફરી એક વાર સમસ્યાઓ ઊભી થાય.’’

પ્રિયંકા સ્તબ્ધ થઈ ગઈ. ભીની આંખે અને ઘવાયેલા મન સાથે એ સત્યજીતને બોલતો સાંભળી રહી હતી, ‘‘મારે લીધે તારા જીવનમાં સમસ્યા ઊભી થઈ ? હું તો તારી સાથે દોસ્તી...’’

‘‘નથી જોઈતી મારે તારી દોસ્તી.’’ સત્યજીતે એટલા જોરથી કહ્યું કે પ્રિયંકા એકક્ષણ માટે હેબતાઈ ગઈ, ‘‘તું શા માટે મને શાંતિથી જીવવા નથી દેતી, પ્રિયંકા ? મને છોડીને જવાનો નિર્ણય તેં કર્યો હતો. મેં સ્વીકારી લીધો. એ પછી વારંવાર મારી જિંદગીમાં પાછા આવીને શું સાબિત કરવા ઇચ્છે છે તું ?’’

‘‘સત્યજીત !’’

‘‘હા, હું સાચું જ કહું છું... તદૃન સાચું... તેં હંમેશા સાચું સાંભળવાનો આગ્રહ રાખ્યો, પણ ક્યારેય તારી જાતને પૂછ્‌યું ખરું કે તારામાં સાચું સાંભળવાની શક્તિ છે કે નહીં ? સાચું પચાવવાની, સહન કરવાની તારી ક્ષમતા છે કે નહીં ? આજે-અત્યારે હું તને જે કહી રહ્યો છું તે સત્ય છે... સાંભળ, સ્વીકાર અને પચાવ.’’ સત્યજીતનો અવાજ ધ્રૂજી ગયો.

પ્રિયંકા ત્યાં જ ઊભી રહીને થોડીક ક્ષણો એની સામે જોતી રહી. પછી એકપણ શબ્દ બોલ્યા વિના ચૂપચાપ ત્યાંથી પાછી વળીને બહાર નીકળી ગઈ.

પ્રિયંકાના જતા જ ક્યારનો રોકી રાખેલો ડૂમો વિસ્ફોટ થઈને બહાર નીકળ્યો. સત્યજીતે ટેબલ પર માથું પછાડ્યું અને નિઃશબ્દ રડવા માંડ્યું.

(ક્રમશઃ)