Satya Asatya - 3 in Gujarati Love Stories by Kajal Oza Vaidya books and stories PDF | સત્ય અસત્ય - પ્રકરણ - 3

Featured Books
  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

  • ફરે તે ફરફરે - 66

    ફરે તે ફરફરે - ૬૬   માનિટ્યુ સ્પ્રીગ આમતો અલમોસામાં જ ગ...

  • ભાગવત રહસ્ય - 177

    ભાગવત રહસ્ય-૧૭૭   તે પછી સાતમા મન્વંતરમાં શ્રાદ્ધદેવ નામે મન...

Categories
Share

સત્ય અસત્ય - પ્રકરણ - 3

સત્ય અસત્ય

કાજલ ઓઝા વૈદ્ય


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


પ્રકરણ-૩

દાદાજી સાથે દલીલ કરી રહેલી પ્રિયંકાને આજે ખરેખર દુઃખ પહોંચ્યું હતું. એ દરેક વખતે સત્યજીતને માફ કરી દેતી. નાની નાની વાતોમાં સત્યજીત જ્યારે પણ જુઠ્ઠું બોલતો ત્યારે પ્રિયંકાનો વિશ્વાસ એક વાર નવેસરથી ડગમગી જતો.

માફી માગીને, લાડ કરીને, વહાલ કરીને સત્યજીત એને મનાવી લેતો. પ્રિયંકાને લાગતું કે સમય સાથે પરિસ્થિતિ બદલાશે. પોતે જે વાતને આટલી ગંભીરતાથી લે છે એ વાત સત્યજીત પણ ગંભીરતાથી લેતો થઈ જશે...

પરંતુ એવું થઈ શકતું નહોતું. દરેક વખતે સત્યજીત એક નવું જુઠ્ઠુાણું બોલતો, દરેક વખતે પ્રિયંકાના હૃદય પર એક વધુ ઉઝરડો પડતો. આ વખતે એણે નક્કી કરી લીધું હતું કે એ આ સંબંધને તોડી નાખશે.

એને સત્યજીત સાથેની પહેલી મુલાકાત યાદ આવી ગઈ.

*

જૂઠમાંથી શરૂ થયેલી આ મુલાકાત આગળ વધી એ પહેલાં જ પોતે ચેતી ગઈ હોત તો કેટલું સારું થાત એમ વિચારીને પ્રિયંકાને આજે સાચે જ અફસોસ થઈ રહ્યો હતો.

પોતે કોલેજમાં આવી ત્યારે પિતાના અખબાર ‘અપના ભારત’માં પાર્ટટાઇમ જોબ કરતી. મોર્નિંગ કોલેજ અટેન્ડ કરીને બપોરે એ ઓફિસ ચાલી જતી.

એણે સત્યજીતને અવારનવાર કેમ્પસમાં ફરતો, મિત્રો સાથે તોફાન-મસ્તી કરતો જોયો હતો. ઇમ્પોર્ટેડ ગાડીમાં આવતો સત્યજીત આમ પણ એટલો દેખાવડો હતો કે જેણે એક વાર જોયો હોય એને માટે એનો ચહેરો ભૂલવો અઘર હતો. છ ફૂટ જેટલો ઊંચો, રેગ્યુલર જિમમાં જવાને કારણે રોમન શિલ્પ જેવું શરીર, પુરુષોના ચહેરા પર ભાગ્યે જ હોય એવી ભાવવાહી અને મોટી આંખો, તદૃન નિર્દોષ સ્મિત... કોઈ ફિલ્મના હીરો જેવા અદ્યતન ફેશનેબલ કપડા...

મોટા ભાગે સીધી લેક્ચરમાં જતી અને લેક્ચરમાંથી નીકળીને ઓફિસ જવાની ઉતાવળમાં રહેતી પ્રિયંકાને ભાગ્યે જ કેમ્પસમાં બેસી રહેવાનો કે રખડવાનો સમય મળતો. એટલે એની કોઈ સાથે ખાસ દોસ્તી નહોતી, પણ એની કવિતાઓ અને લેખો વારંવાર બોર્ડ પર લાગતા હોવાને કારણે, ડીબેટ, ઇલોક્યુશન, ક્વિઝમાં વારંવાર ઇનામો જીતતી છોકરી તરીકે એને લગભગ બધા જ ઓળખવા લાગ્યા હતા...

પ્રિયંકાને સ્વપ્નેય કલ્પના નહોતી કે આટલો નિર્દોષ દેખાતો છોકરો એની સાથે આવી મજાક કરશે !

પ્રિયંકા રોજ બસમાં કૉલેજ આવતી. એક દિવસ બસસ્ટોપ પર જઈને બસની રાહ જોતી પ્રિયંકા પાસે જઈને એણે ગાડી ઊભી રાખી, “કૉલેજ જાવ છો ?” પ્રિયંકાએ ડોકું હલાવીને હા પાડી, “હું કૉલેજ જ જાઉં છું. તમને વાંધો ન હોય તો...”

“ના, ના, મારી બસ આવતી જ હશે.”

“બસ ? તમે ન્યૂઝ પેપર નથી વાંચ્યું ?”

પ્રિયંકાના ચહેરા પર આશ્ચર્ય આવ્યું. એણે ડોકું ધુણાવ્યું, “ના, કેમ ?”

આમ જ અધ્ધરતાલ જ સત્યજીતે ગપ્પુ મારી દીધું, “આજે તો બસની હડતાળ છે.” રિક્ષા માટે આમતેમ જોતી પ્રિયંકાને સાવ નિર્દોષ અને ભોળા ચહેરે ઓફર આપી, “તમને વાંધો ન હોય તો મારી સાથે આવી શકો છો.”

“આર યુ શ્યૉર ?” પ્રિયંકાને નવાઈ તો લાગી, પણ બસ આવવાના સમય કરતા પાંચ મિનિટ ઉપર થઈ ચૂકી હતી. વળી સામાન્ય રીતે દાદાજી આવા કોઈ સમાચાર હોય તો એને કહેતા. આજે એવું કંઈ ઘરમાં કોઈએ કહ્યું નહોતું. એણે ફરી એક વાર બસના આવવાની દિશામાં જોયું.

“કમ ઓન... હું તમારા સારા માટે કહું છું.”

સ્વતંત્ર મિજાજની, આત્મવિશ્વાસથી સભર પ્રિયંકા કોઈ સંકોચ વગર કૉલેજ જઈ રહેલા આ છોકરાની ગાડીમાં બેસી ગઈ. સત્યજીતની ગાડી જ્યારે કૉલેજના કંપાઉન્ડમાં દાખલ થઈ ત્યારે ત્યાં ઊભેલું ટોળું હો... હો... હો...ના પોકારી ઊઠ્યું ત્યારે પ્રિયંકાને ખબર પડી કે સત્યજીતે એને મૂરખ બનાવી હતી.

આ વાતને સિનિયરની મજાક માનીને એણે ગંભીરતાથી ન લીધી, પરંતુ સમય સાથે એને સમજાયું કે જુઠ્ઠું બોલવું એ સત્યજીતને મન મજાક નહોતી, એક જાતની બહાદુરી, એક ટેવ, એક અનિવાર્ય જરૂરિયાત બની ગઈ હતી !

*

અત્યારે દાદાજી સાથે વાત કરતા એને પોતાને સમજાયું કે સત્યજીત માટે પોતાના ગમા-અણગમા એટલા અગત્યના નહોતા. એને માટે લગ્નનો સંબંધ એક વિશ્વાસનો સંબંધ હતો. પહેલી વાર સત્યજીતે મજાક ઉડાવી ત્યારે એને એટલું ખરાબ નહોતું લાગ્યું, બલકે સત્યજીતની સ્માર્ટનેસ માટે માન થયું હતું. ધાર્યું કરી શકવાની એની આવડત અને પોતાના જેવી છોકરીને પણ એક વાર વાત ગળે ઉતારી દેવાની એની કુનેહ પર સન્માન થયું હતું. ધીમે ધીમે એને સમજાયું કે સત્યજીત પોતાની સ્માર્ટનેસને હથિયાર બનાવીને વાપરતા શીખી ગયો હતો. હવે જરૂર હોય કે નહીં, એ સાવ સ્વાભાવિક રીતે જુઠ્ઠું બોલી નાખતો. એને જે કરવું હોય તે જ કરતો... પછી સામેના માણસને સાચવી લેવા માટે સહજતાથી ખોટું કહી દેતો. પ્રિયંકા માટે સંબંધનો પાયો જ પ્રામાણિકતાની માટીમાં ઊભો કરવો જરૂરી હતો, જ્યારે એને માટે તો જુઠ્ઠું બોલવું, શ્વાસ લેવા જેવું, જીવવા જેવું જ એક કામ હતું. બે જણા જ્યારે સાવ જુદું માનતા હોય ત્યારે સાથે રહેવું લગભગ અસંભવ છે એવું એની બુદ્ધિ એને કહી રહી હતી.

એણે નક્કી કરી લીધું કે કાલે સવારે એ સત્યજીતને ચોખ્ખે ચોખ્ખું કહી દેશે. મહાદેવભાઈ એની આંખમાં એનો નિર્ણય જોઈ શક્યા એટલે એમણે આગળ દલીલ કરવાનું ટાળીને માત્ર એક છેલ્લી વાર પ્રિયંકાને સમજાવી જોવાનો પ્રયાસ કરી જોયો, “જો બેટા, જિંદગીનું પોતાનું એક ગણિત હોય છે. સંબંધોના સરવાળા-બાદબાકી સમજવાનું કામ આપણું નથી. સત્ય અને પ્રેમની વચ્ચે પસંદગી કરવાની આવે તો તું શું પસંદ કરીશ એટલું જ તારે નક્કી કરવાનું છે. કેટલાક લોકો પ્રેમ માટે સત્યને કુરબાન કરતા હોય છે, તો કેટલાક સત્ય માટે પ્રેમ છોડી દેવા તૈયાર થઈ જાય છે...”

“પ્રેમ અને સત્ય એકબીજાથી જુદા નથી દાદાજી, જ્યાં પ્રેમ હોય ત્યાં આપોઆપ સત્ય કહેવાઈ જાય છે. આઈ ટ્રસ્ટ યુ એ આઈ લવ યુની પહેલાં કહેવાતું વાક્ય છે. તમે જેને પ્રેમ કરતા હો એના પર વિશ્વાસ ના હોય એવું બને...” એણે ઊંડો શ્વાસ લીધો, “મારી જ સાથે બન્યું છે, પણ તમને જેના પર વિશ્વાસ હોય એને માટે તમને આપોઆપ પ્રેમ થઈ જાય છે.”

“જો બેટા, લાગણીના સંબંધોને લૉજિકનાં ત્રાજવામાં નથી તોલી શકાતા. મન અને મગજ એક જ દિશામાં, એકસાથે, એક જ ઝડપે પ્રવાસ કરે અને એક જ એક જ જગ્યાએ પહોંચે એવું નથી બનતું.”

“સાચું. પણ આખી જિંદગી નિભાવવા માટેના નિર્ણયો ફક્ત હૃદયના આધારે નથી લઈ શકાતા એવું તમે જ શીખવ્યું છે. મગજનું સ્થાન હૃદયની ઉપર એટલા માટે છે કે અંતિમ નિર્ણય કરતી વખતે મગજની હકૂમત હૃદય પર ચાલે.”

“જો બેટા, આ બધું તું મને કહે છે કે તારી જાતને સમજાવે છે એ હું નક્કી નથી કરી શકતો.” એમણે પ્રિયંકાની આંખોમાં જોયું, “કેટલીક વાતોમાં આપણે ગમે તેટલું અને ગમે તેવું નક્કી કરીએ, પણ ભવિષ્ય પાસે એક બંધ મુઠ્ઠી હોય છે. હથેળીમાં દોરાયેલી હસ્તરેખાઓ આપણે બદલી શકતા નથી. વર્તમાનને ભવિષ્ય બનાવવાની જરૂર નથી બેટા... ભૂતકાળનો બોજ લઈને ભવિષ્ય તરફ જનારાઓ વર્તમાનમાં જ હાંફી જતા હોય છે.”

“દાદાજી, દરેક વાતમાં ભવિષ્ય ઉપર આધારિત ન રહેવાય. વર્તમાન ક્યારેક ભૂતકાળ બનશે અને ભવિષ્યને નડશે ત્યારે હું શું કરીશ ? મારાં સંતાનો મોટાં થશે ત્યારે એમને શું કહીશ ? તારા પપ્પા જુઠ્ઠું બોલે છે એમ ન કહેવાય, એ તો એમની ટેવ છે...”

“તને જેમ યોગ્ય લાગે એમ કર બેટા, આ સંબંધ બાંધવો એ પણ તારો જ નિર્ણય હતો અને તોડી નાખવાનો નિર્ણય કરીશ તો પણ અમે તારો વિરોધ નહીં કરીએ. સ્વતંત્રતા શબ્દનું મહત્ત્વ આ ઘરમાં ૧૯૪૭ની પહેલાં પણ હતું...” મહાદેવભાઈ ઊભા થયા અને ઢીલા પગે પોતાના ઓરડામાં ચાલી ગયા.

પ્રિયંકા થોડી વાર વિચારતી રહી. પછી એણે આંખ મીંચી દીધી. ઊંઘવાનો પ્રયાસ કરવા લાગી. સત્યજીત સાથે સંબંધ તોડી નાખવાના નિર્ણયથી એને એક જાતની રાહત થઈ ગઈ હતી ! એને પોતાને આ લાગણીથી નવાઈ લાગી.

“શું આ સંબંધ મારા માટે બોજ બની ગયો હતો ?” એણે જાતને જ પૂછ્‌યું, “કદાચ જેને માટે પ્રેમ નથી એની સાથે આખી જિંદગી જીવી શકાય છે, પણ જેના પર વિશ્વાસ નથી એની સાથે જીવવું અસંભવ બની જતું હશે.”

પ્રિયંકા માટે સત્યજીત એક વ્યક્તિ નહોતો. એ આખેઆખું લાગણીઓનું, ભવિષ્યનું, સુખનું બંડલ હતો. એક આખેઆખું એવું પેકેજ, જેમાંથી કંઈ પણ ઓછું થાય તો પ્રિયંકાને પોસાય એમ નહોતું. એણે એનાં માતાપિતાનો સ્નેહભર્યો સંબંધ જોયો હતો. માતાપિતાની પહેલાં દાદા-દાદીનું સ્નેહભર્યું લગ્ન પણ એની સામે એક આદર્શ તરીકે જોતી રહી હતી પ્રિયંકા... સત્યજીત સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું ત્યારે એના મનમાં લગ્નનું ચિત્ર એ જ હતું, જે એ અત્યાર સુધી જોતી આવી હતી. સત્યજીત સાથેનું લગ્ન એવું આદર્શ લગ્ન પુરવાર નહીં થાય એવી એને સમજ પડવા લાગી ત્યારથી જ એનું મન ધીમે ધીમે ઠંડું પડતું જતું હતું. પરસ્પર સ્નેહ અને વિશ્વાસ ન હોય તો નહીં જીવી શકાય એ વાત ધીમે ધીમે એના મનમાં દૃઢ થતી જતી હતી.

કોણ જાણે કેમ, પણ આજે પહેલી વાર એની જિંદગીમાં સત્યજીત નહીં હોય તો શું થશે એ વિચારીને એને ડર ન લાગ્યો... ગભરામણ ન થઈ... સત્યજીત વગરની જિંદગીનો વિચાર એને અધૂરી બનાવવાને બદલે વધુ મજબૂત અને શાંત બનાવી રહ્યો હતો એવુ એને લાગ્યું. જાતજાતના વિચારો કરતા કરતા એની આંખો ક્યારે મીંચાઈ ગઈ એની એને પોતાને પણ ખબર ન પડી.

એની આંખો ખૂલી ત્યારે એનો સેલફોન જોરજોરથી રણકી રહ્યો હતો, એણે ફોન હાથમાં લીધો, “સત્ય” એના સેલફોનના સ્ક્રીન પર ચમકતું હતું. ગઈ કાલ રાતની વાત યાદ આવતા જ એના હોઠ પર વ્યંગભર્યું સ્મિત આવી ગયું. જેને પોતે સત્ય તરીકે સંબોધતી હતી એને માટે અસત્ય જ જીવનનું સત્ય હતું ! એણે ફોન કાને ધર્યો, “બોલ...”

“હું નીચે ઊભો છું.” છેલ્લા ઘણા વખતથી પ્રિયંકા અને સત્યજીત સાથે જ કોલેજ જતા.

“હું તારી સાથે નથી આવવાની.”

“પાછું શું થયું ?”

“મેં તને કેટલી વાર કહ્યું છે કે જુઠ્ઠું બોલવાનું છોડી દે.”

“આહ ! તારાથી મજાક પણ સહન નથી થતી.”

“સત્યજીત, એ મજાક નહોતી. મમ્મીની તબિયત ખરાબ છે એવું કહેવામાં વળી મજાક કેવી ? મેં તને વારંવાર કહ્યું છે, તારું આ જુઠ્ઠાણું આપણને છૂટા પાડી દેશે.”

“ઓ.કે. સ્વીટહાર્ટ... તું તો બહુ ગુસ્સામાં લાગે છે. હું ઉપર આવું છું.”

“જરૂર નથી.” એણે ફોન મૂકી દીધો, પણ એ જાણતી હતી કે સત્યજીત ઉપર આવ્યા વિના નહીં રહે.

સત્યજીત ઉપર આવ્યો. એના હાથમાં ઓર્કિડનાં ફૂલોનો ગુલદસ્તો હતો, સાથે એક સૉરીનું કાર્ડ ! એણે હંમેશની જેમ પ્રિયંકાને મનાવી, લાડ કર્યા, વહાલ કર્યું... ફરી જુઠ્ઠું નહીં બોલવાનું વચન આપ્યું.

પ્રિયંકાએ કૉલેજ જવાની ના પાડી, સત્યજીત નીકળી ગયો...

સાંજે મૃગાંકને ત્યાં ડિનર હતું. બધા મિત્રો ભેગા થવાના હતા... પ્રિયંકા તૈયાર થઈને સત્યજીતની રાહ જોતી હતી. સાડા સાત વાગ્યાથી તૈયાર પ્રિયંકાએ લગભગ પોણા નવ વાગ્યે કપડાં બદલીને સૂઈ જવાનો વિચાર કર્યો. બેડરૂમથી બાલ્કની ને બાલ્કનીથી બેડરૂમના આંટા મારતા આખરે કંટાળીને પ્રિયંકાએ સત્યજીતને ફોન લગાડ્યો. એના ફોનમાં હંમેશની જેમ રિંગ વાગતી હતી. ત્રણેક વખત ટ્રાય કરીને પ્રિયંકાએ સાચે જ કપડાં બદલી નાખ્યાં.

એ લગભગ ઊંઘી જવાની તૈયારીમાં હતી ત્યારે એનો સેલ રણક્યો, “સત્ય”, એણે વાંચ્યું. બાજુની ઘડિયાળ સાડા દસનો સમય દેખાડતી હતી. ફોન ઉપાડવો કે નહીં એની અસમંજસમાં આખરે એણે ફોન કાને ધર્યો, “બોલ...”

“પ્રિયંકા...” સત્યજીતનો અવાજ ગભરાયેલો હતો.

“શું છે ?” સત્યજીતના અવાજમાં ગભરાટ સાંભળીને પ્રિયંકાને થયું કે એ ફરી કોઈ નાટક કરી રહ્યો હતો.

“પ્રિયંકા ડેડીને હાર્ટઅટેક આવ્યો છે.”

“શટઅપ...” પ્રિયંકાએ ફોન પછાડ્યો, ફરી રિંગ વાગી, “સત્યજીત, પ્લીઝ... તું મારી સાથે આ રમત બંધ કરી દે.”

“રમત ?” સત્યજીતનો અવાજ સહેજ ઊંચો થઈ ગયો, “મારા ડેડી હૉસ્પિટલમાં છે અને તને લાગે છે કે હું તારી સાથે રમત કરું છું ?”

“કઈ હૉસ્પિટલમાં છે ?” પ્રિયંકાએ પૂછ્યું.

“અ... એ એમના ફ્રેન્ડને ત્યાં હતા. ત્યાં એટેક આવ્યો છે. હૉસ્પિટલ પહોંચે એટલે મને ફોન કરવાના છે. હું વેઇટ કરું છું.”

“તું સાચું બોલે છે ?” સત્યજીત જવાબ આપે તે પહેલાં એણે મગજ ગુમાવ્યું, “મને ખબર છે કે તું જુઠ્ઠું બોલે છે.” એણે ફોન ડિસકનેક્ટ કર્યો. ફોન સાઇલન્ટ મોડ પર મૂકીને, પડદા ખેંચીને પ્રિયંકા ફરી સૂઈ ગઈ. ક્યાંય સુધી એનો સેલફોન ઝબકતો રહ્યો, પણ પ્રિયંકાએ ફોન લીધો નહીં.

થોડી વાર પછી એના ઘરની લેન્ડલાઇન રણકી ઊઠી. પ્રિયંકાના દાદાજી હાંફળા-ફાંફળા પ્રિયંકાના રૂમમાં આવ્યા, “પ્રિયા બેટા...”

“મને ખબર છે, એ જુઠ્ઠું બોલે છે. ગઈ કાલે મમ્મીની બીમારીનું બહાનું હતું, આજે પપ્પાનું.”

“બહાનું નથી. એના પપ્પા હૉસ્પિટલમાં છે. એને તારી જરૂર છે.” છોંતેર વર્ષના દાદાજીનો અવાજ સામાન્ય રીતે ક્યારેય ન ધ્રૂજતા પણ અત્યારે એમનું આખું શરીર ધ્રૂજી રહ્યું હતું. આંખોમાં પાણી છલકાયાં હતાં. પ્રિયંકા ઝટકા સાથે બેઠી થઈ ગઈ.

“વ્હોટ ? ખરેખર ? કઈ હૉસ્પિટલમાં છે ?”

“એ તો મેં ન પૂછ્યું, પણ સત્યજીત ઘેર છે. તારી રાહ જુએ છે.” દાદાજીએ નજીક આવીને એના ખભે હાથ મૂક્યો, “તારે જવું જોઈએ.” પ્રિયંકા ઊભી તો થઈ, પણ એની અંદર કશુંક વલોવાઈ ગયું. ચોવીસ વર્ષનો છોકરો પિતાને ગુમાવી બેસશે તો ? હતો. એની સામે આખું ભવિષ્ય હતું... રવીન્દ્ર પારેખનું આખું સામ્રાજ્ય, એનો બિઝનેસ, ઘરની જવાબદારી... એક જ રાતમાં સત્યજીત દસ વર્ષ મોટો થઈ જવાનો હતો.

દાદાજી કદાચ સાચું કહેતા હતા, સત્યજીત સામે આવી પડેલી પરિસ્થિતિમાં હવે કદાચ એની પાસે બદલાયા વિના બીજું કશુંય કરવાનો વિકલ્પ બચ્યો જ નહતો.

(ક્રમશઃ)