Devil - EK Shaitan -25 in Gujarati Horror Stories by Jatin.R.patel books and stories PDF | ડેવિલ એક શૈતાન-૨૫

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

ડેવિલ એક શૈતાન-૨૫

ડેવિલ : એક શૈતાન

ભાગ-૨૫

આગળ ના પ્રકરણ માં તમે વાંચ્યું...રાધાનગર માં શૈતાની હુમલા થવાની ઘટનાઓ બને છે-અર્જુન ને લેટર મળવાનો સિલસિલો ચાલુ હોય છે-અર્જુન ના લાખ પ્રયત્ન છતાં ડેવિલ એની પહોંચ થી બહાર હોય છે-એક પછી એક ત્રણ મહાન વ્યક્તિઓ ની હત્યા પછી ડેવિલ નો નવો શિકાર ફાધર થોમસ બને છે-ફાધર ની ફનરેલ માં અર્જુન ની મુલાકાત ડોકટર આર્યા સાથે થાય છે-બીજી મુલાકાત પછી પણ ડોકટર આર્યા અર્જુન ની મદદ નથી કરી શકતાં-અર્જુન ન્યૂઝપેપર માં કંઈક એવું વાંચે છે જેના પરથી હવે કોણ ડેવિલ નો શિકાર બનશે એ સમજી જાય છે-હવે વાંચો આગળ...

ન્યૂઝપેપર ના મુખ્ય હેડિંગ ના નીચે લખેલા વિગતવાર ન્યુઝ ને જેમ જેમ અર્જુન વાંચતો ગયો એમ એમ એને મળેલા છેલ્લા રહસ્યમયી લેટર ની ગુંચ ઉકેલાઈ ગઈ.

ન્યૂઝપેપર માં લખાણ હતું કે "રાધાનગર શહેર માં એક પછી એક ચાર કરપીણ હત્યા ઓ માં ચાર દિગજ્જ લોકો ના મોત.. સૌપ્રથમ મેડિકલ ક્ષેત્ર માં પોતાના આપેલા પ્રદાન અને ગરીબ દર્દીઓ ની મફત સેવા ના લીધે પ્રખ્યાત એવા નકુલ દેશમુખ નું એમની જ હોસ્પિટલ માં ખુન.

નકુલ દેશમુખ ની હત્યા ના થોડા દિવસ પછી પોતાના ન્યાય અને પ્રામાણિકતા ના લીધે ન્યાય જગત માં યુધિષ્ઠિર ના નામે ઓળખાતા રમેશભાઈ પટેલ ની લાશ એમના જ ઘર ના કમ્પાઉન્ડ માં મળી આવી.

ત્રીજી હત્યા થઈ ભીમજીભાઈ શાહ ની..મેટલકીંગ તરીકે ઓળખાતા ભીમજીભાઈ શાહ ની લાશ એમના જ વિશાળ મહાવીર વીલા માં થી મળી આવી...ભીમજીભાઈ ની હત્યા ની હજુ કળ વળી નહોતી ત્યાં જ પોતાની જ્યોતિષ વિદ્યા અને દીર્ઘ દ્રષ્ટિ ના લીધે રાધાનગર ના સહદેવ તરીકે જાણીતા ફાધર થોમસ નું પણ ખુન થઈ ગયું.."

ન્યૂઝપેપર માં વિગતવાર છપાયેલી ખબર ના દરેક શબ્દો ને અર્જુન પોતાના મગજ માં તબક્કાવાર ગોઠવતો ગયો..."ડેવિલ દ્વારા કલયુગ માં કયા પાંચ પાંડવો ની હત્યા થવાની વાત થઈ હતી એ અર્જુન સમજી ગયો હતો..!!"

નકુલ દેશમુખ,રમેશભાઈ પટેલ,ભીમજીભાઈ શાહ અને ફાધર થોમસ અનુક્રમે નકુલ,યુધિષ્ઠિર, ભીમ અને સહદેવ ના નામ ની ઝલક રજુ કરતા હતા એ સમજવામાં અર્જુન ને વાર ના થઇ..ચાર પાંડવો હણાઈ ચુક્યા હતા અને એક પાંડવ બાકી હતો...અર્જુન..અર્જુને રાધાનગર માં વસતા અર્જુન નામ ના દરેક વ્યક્તિ વિશે તપાસ કરાવી..તો એની તપાસ માં એના સિવાય બીજા બે અર્જુન પણ રાધાનગર માં રહે છે એવી માહિતી મળી.

બીજા બે અર્જુન માં એક અર્જુન બે વર્ષ નું નાનુ બાળક હતું જ્યારે બીજો અર્જુન કરીને માણસ એક સાઠ વર્ષ ની ઉંમર નો વૃદ્ધ વ્યક્તિ..એ બન્ને ની ડિટેઇલ કઢાવતાં ખબર પડી કે એ બન્ને સામાન્ય પરિવાર ના સામાન્ય માણસો હતા..એનો મતલબ કે હવે વધ્યો એક અર્જુન..એટલે કે પોતે...ડેવિલ નો આગળનો શિકાર પોતે જ છે એ વાત અર્જુન ના મગજ માં બરાબર ફીટ બેસી ગઈ હતી.

બીજો કોઈ હોય તો આ વાત ના લીધે રીતસર નો ફફડી જ ગયો હોત પણ આ અર્જુન હતો...એક જુદી માટી નો બનેલો માણસ..જેને હંમેશા આફતો થી લડવાની ઉતાવળ રહેતી...અર્જુન હવે આવનારી મોત નો સામનો કરવા ઉત્સુક બન્યો હતો.

જ્યારથી અર્જુન ને ખબર પડી ગઈ કે પોતાના પર ડેવિલ દ્વારા હુમલો થશે ત્યારથી એ હર હંમેશા સાવધ રહેવા લાગ્યો...પંચધાતુ થી બનેલું ખંજર અને બુલેટ...સાથે સાથે પવિત્ર પાણી પણ અર્જુન જોડે રાખતો.. પોતે ડેવિલ નો આગળનો શિકાર છે એ વાત અર્જુને કોઈને જણાવી નહીં..એમાંપણ પીનલ ને તો આ વાત નો અર્જુને સહેજ પણ અણસાર આવવા દીધો નહીં કેમકે ગર્ભાવસ્થા ના સમય માં પીનલ ની ચિંતા વધારી એ એની તબિયત બગાડવા માંગતો ન હતો.

ડોકટર આર્યા સાથે થયેલી મુલાકાત પછી હતાશ અર્જુન અત્યારે શૈતાની શ્વાન નો સામનો કરવા અધીરો બન્યો હતો..મોટાભાગે એ હવે એકલો જ રહેતો..રાત્રી ના સમયે પણ જ્યારે જ્યારે એ ડ્યૂટી પર જતો ત્યારે ત્યારે બીજા પોલીસ કર્મીઓ ની સાથે જવાના બદલે એકલો જ પોતાની બુલેટ લઈને નીકળી પડતો.

ફાધર થોમસ પર થયેલા હુમલાને લગભગ આઠ દિવસ જેટલો સમય થઈ ગયો હતો..આગળ ના ચાર હુમલા વચ્ચે ના દિવસો ના અંતર કરતા આ સમય વધુ હતો..આમ પણ જ્યારે તમારા પર આફત આવવાની હોય ત્યારે જ્યાં સુધી એનો સામનો થઈ ના જાય ત્યાં સુધી તમારા મન ની શાંતી જાણે ક્યાંક ગુમ થઈ ગઈ હોય એવું લાગે..આવી જ હાલત અત્યારે અર્જુન ની હતી.

અર્જુન જ્યારે એકલો બેઠો હોય કે કંઈક વિચારો માં ખોવાયેલો હોય ત્યારે થતો નાનકડો અવાજ પણ એના મન ને સતેજ કરી દેતો હતો..અને એ શૈતાની શ્વાન નો હુમલો કરવા પોતાની જાત ને તૈયાર કરી દેતો પણ હજુ સુધી એવું કંઈ બન્યું નહીં જેની એને અપેક્ષા હતી.

"શું મારુ વિચારેલું ખોટું હશે?તો પછી ડેવિલ નો નવો શિકાર કોણ હશે?બીજો કોઈ અર્જુન તો છે નહીં રાધાનગર માં તો..હજુ સુધી ડેવિલ દ્વારા મારા પર હુમલો કેમ નથી થયો?? આવા સવાલો અર્જુન ના મનમાં દિવસ ભર ચાલતા રહેતાં.

ઉનાળા ની મોસમ હોવાથી દિવસ ભર ના બફારા થી કંટાળેલા લોકો રાત્રે ખુલ્લી જગ્યા માં કે અગાશી પર સુવાનું વધુ પસંદ કરતાં..ફાધર થોમસ ની ફનરેલ વિધિ પતે દસેક દિવસ જેટલો સમય વીતી ગયો હતો..અર્જુન પોતાની બુલેટ લઈને શહેર થી બહાર ની તરફ જતા રસ્તા પર ડ્યૂટી માટે ઉભો હતો.

મારબોલો સિગરેટ નો કશ ખેંચતા ખેંચતા અર્જુન ચારેબાજુ નજર ઘુમાવી લેતો..અચાનક એની પાછળ ના ભાગ માં કંઈક સળવળાટ થતાં અર્જુને પાછળ ફરીને જોયું પણ ત્યાં કોઈ નજર આવ્યું નહીં.. એટલે પોતાના મન નો કોઈ વ્હેમ હશે એમ માની અર્જુને હાથ માં રહેલી સિગરેટ નીચે જમીન પર નાંખી અને બુટ વડે મસળી દીધી.

અત્યારે બે ચમકતી લાલાશ પડતી બે આંખો અર્જુન પર ધ્યાન રાખી રહી હતી..એ આંખો નું તેજ ક્યારેક ઓછું થતું તો ક્યારેક એકાએક તીવ્ર થઈ હતું..સિગરેટ નીચે નાંખી ને અર્જુને ઘડિયાળ માં જોયું તો હજુ રાત ના બે વાગતાં હતા એટલે હજુ તો બીજા ચાર કલાક આમ જ ઉભું રહેવાનું હતું.ટાઈમપાસ કરવા અર્જુને મોબાઈલ માં માતૃભારતી એપ ખોલી અને એમાં રહેલ વાર્તાઓ નો વિશાળ સંગ્રહ ખોલી જતીન પટેલ ની શાનદાર નોવેલ બેકફૂટ પંચ નું વાંચન શરૂ કર્યું..!!

નોવેલ વાંચવામાં ખોવાયેલ અર્જુન ની જાણ બહાર બે ચમકતી આંખો ધીરે ધીરે અર્જુન ની તરફ આગળ વધી રહી હતી...એ અર્જુન ની પીઠ તરફ થી આગળ વધતી હોવાથી અર્જુન નું સહેજ પણ ધ્યાન એ તરફ ગયું નહીં.. અર્જુન ના ધ્યાન બહાર એ ચમકતી આંખો અને એની પીઠ વચ્ચે નું અંતર હવે પાંચ છ કદમ જેટલું જ હતું.

ગેમ રમતાં રમતાં અર્જુન બીજા હાથે બુલેટ ની ચાવી ને ઘુમાવી રહ્યો હતો.એ ચમકતી આંખો બીજા કોઈની નહીં પણ ડેવિલ દ્વારા તૈયાર કરાયેલા શૈતાની શ્વાન ની હતી..અર્જુન જ ડેવિલ નો નવો શિકાર હતો..લેટર માં દર્શાવેલ વાત મુજબ પાંચમો પાંડવ અર્જુન જ હતો.

અર્જુન ની એકદમ નજીક આવી ગયા બાદ એ શ્વાન ની આંખો ની ચમક બમણી થઈ ગઈ અને એને અર્જુન પર કુદકો મારવા માટે પોતાના શરીર નું બધું વજન પાછળ ના પગ પર રૂપાંતરિત કર્યું..એજ સમયે અર્જુન ના હાથ માંથી બુલેટ ની ચાવી નીચે પડી ગઈ.

શૈતાની શ્વાન નો અર્જુન ની પીઠ પર કુદકો લગાવવો અને અર્જુન નું નીચે ચાવી લેવા માટે જમીન પર નમવું બંને ઘટના એક સાથે બની...શ્વાન દ્વારા મરાયેલો કુદકો એકદમ પેરફેક્ટ હતો અને એનું નિશાન પણ યથાયોગ્ય હોય એમ અર્જુન ની પીઠ જ હતી.

અર્જુન ના નીચે નમવાથી એ શ્વાન નો ટાર્ગેટ ખોટો પડ્યો અને બેલેન્સ ના રહેતા એ જોર થી નીચે જમીન પર પટકાયો..અર્જુન એક સમય તો આ બધું શું થઈ રહ્યું છે એ સમજી ના શક્યો પણ ક્ષણવાર માં અર્જુન ને સમજતા વાર ના થઈ કે શું ઘટિત થયું છે.

નીચા નમેલા અર્જુને પોતાના પર હુમલો કરનાર શ્વાન પર એક નજર કરી..અર્જુન અને શૈતાની શ્વાન ની નજર ટકરાઈ..અર્જુને સ્ટ્રીટ લાઈટ ની આછી રોશની માં જોયું તો માથામાં પડેલા ઘા અને ચમકતી આંખો વાળા શ્વાન નો દેખાવ ખુબ જ બિહામણો લાગી રહ્યો હતો.મોંઢા માંથી નીકળતી લાળ અને રાક્ષસી અણિયાળા દાંત એને ખરેખર શૈતાની બનાવી રહ્યા હતા.

અર્જુન તરફ નજર કરી એ શ્વાને જોરદાર ઘુરકિયું કર્યું અને એક ડગલું પાછું લઈ અર્જુન પર પુનઃ હુમલો કરવા માટે તૈયારી કરી..એની આ હરકત અર્જુન સમજી ગયો હતો અને એ પણ આ શ્વાન ની હરકત ને ખાળવા માટે તૈયાર થઈ ગયો..

જેવો એ કૂતરો કુદી ને અર્જુન પર હુમલો કરવા આવ્યો એવો જ અર્જુને પોતાના મજબુત પગ ની એક જોરદાર લાત એના ચહેરા પર મારતાં એ ત્રણ ચાર ગોઠમણાં ખાઈ ને દૂર ફેંકાઈ ગયો.અર્જુન તાત્કાલિક સર્કસ નો કોઈ કરતબ કરતો હોય એમ કૂદીને ઉભો થઈ ગયો.

ફરીવાર એ શ્વાન અર્જુન ને જોઈ ને ઘુરકયો...એના માટે અર્જુન એનો શિકાર હતો તો અર્જુન માટે એ શૈતાની શ્વાન એનો શિકાર.."જ્યારે મોત તમારી સામે હાસ્ય કરે ત્યારે તમે સામે મુસ્કાન આપ્યા વિના બીજું કંઈ કરી શકતા નથી..." બસ અર્જુન પર અત્યારે મોત ની બાઝી રમી રહ્યો હતો.થોડી પણ ભુલ એના રામ રમાડી દેવાની હતી પણ એ હસતો રહ્યો.

પોતાનો બીજો પ્રહાર પણ વ્યર્થ જતા એ શ્વાન વધુ વેગ થી અર્જુન પર હુમલો કરવા માટે કુદયો..અર્જુન પર એના હુમલા માટે પહેલા થી જ તૈયાર હતો..જેવો જ એ શ્વાન કુદી ને અર્જુન ની છાતી સુધી આવવા ગયો ત્યારે અર્જુને ખિસ્સા માં મુકેલી કાચ ની શીશી માં રહેલ પવિત્ર પાણી એના ચહેરા પર છાંટી દીધું.

પાણી પડતા ની સાથે તીવ્ર પીડા અને દર્દ ના લીધે એ કુતરો જમીન પર પડી ગયો..અર્જુને આ તક નો લાભ લઈ થોડી સ્વસ્થતા મેળવી અને પોતાની રિવોલ્વર એ શ્વાન તરફ તાકી દીધી..અર્જુન ની રિવોલ્વર માં દિવ્ય પંચધાતુ થી તૈયાર બુલેટ ભરી હતી..એ શ્વાન નો કાળ બની અર્જુન એની થોડી નજીક ગયો અને રિવોલ્વર નું નાળચું એ શ્વાન ની ખોપરી નું નિશાન લઈ ને ધરી દીધું.

અર્જુન જેવો જ ગોળી ચલાવવા જતો હતો એ જ સમયે એના ખભા પર કોઈએ ખંજર નો જોરદાર પ્રહાર કર્યો..પાછળ ની તરફ થી કરેલા આ ઓચિંતા વાર ને લીધે અર્જુન ના હાથ માંથી રિવોલ્વર પડી ગઈ..ખંજર વધુ ઉંડું તો ગયું નહોતું પણ જેવું અર્જુને ખંજર ખેંચી ને બહાર કાઢ્યું એવું જ એના ઘા ને લીધે અર્જુન ના ખભા પર થી લોહી ની ટશર ફુટી નીકળી..

અર્જુન ને આવા નાના મોટા ઘા તો ઘણીવાર થતાં આવ્યા હોવાથી આ હુમલા ની એને વધુ અસર તો ના થઈ.. પણ જ્યારનું આ ખંજર વાગ્યું હતું અર્જુન નું માથું ભમવા લાગ્યું હતું..અર્જુન સમજાયું નહીં કે આવું કેમ થઈ રહ્યું છે.આજુબાજુ બધું બધું ગોળ ગોળ ઘુમતું હોય એવું લાગતા અર્જુન માથું પકડી ને જમીન પર બેસી ગયો.

ધીરે ધીરે અર્જુન ને લાગ્યું કે હવે એની આંખે અંધારા આવી ગયા છે અને એ થોડા સમય માં જ સુઈ જશે..શૈતાની શ્વાન પણ અત્યારે પવિત્ર પાણી ની અસર ના લીધે થયેલી પીડા માંથી સંપૂર્ણ રીતે બહાર આવી ગયો હતો..અર્જુન ના જમીન પર નીચે બેસી જવાથી એ વધુ હિંસક બની અર્જુન પર કુદી પડ્યો.

આંખો આગળ રીતસર અંધારું ફેલાઈ જવાને કારણે અર્જુન કંઈપણ જોઈ શકતો ન હતો એટલે એ શ્વાન એના ઘાતકી હુમલા માં સફળ થયો..એને પોતાના મજબુત દાંત અર્જુન ની સાથળ ના ભાગ માં પરોવી દીધા..અર્જુન ને અત્યારે કોઈએ મોટી સોય ઘુસાડી દીધી હોય એવી તકલીફ પહોંચી રહી હતી..હાથ પગ આમ તેમ હલાવ્યા છતાં શ્વાન ની પકડમાંથી એ છુટી ના શક્યો..અચાનક એ શ્વાન નું ગળું અર્જુન ના હાથ માં આવી ગયું અને બળપૂર્વક અર્જુને એને દબાવી દીધું.

અર્જુન ના હાથ ની પકડ પોતાના ગળા પર વધુ ને વધુ મજબુત થતાં એને અર્જુન ના પગ પર થી પોતાના દાંત બહાર નીકાળી લીધા..એના આ બચકા ભરવાના લીધે અર્જુન ના સાથળ ના ભાગ માં પડેલા ઉંડા ખાડા માંથી લોહી નીકળવા લાગ્યું હતું..અર્જુન માટે આ તકલીફ ખુબ જ પીડા દાયક હતી.પગ પર ની પકડ ઓછી થતાં અર્જુને એ શ્વાન ને જોર થી દુર ફેંકી દીધો.

અર્જુન ની આંખ સામે મોત રમવા લાગ્યું હતું..આંખો સામે પીનલ નો ચહેરો એને દેખાઈ રહ્યો હતો..ઘણા પ્રયત્નો છતાં આંખો કંઈપણ જોવા સક્ષમ ના લાગતા અર્જુને મગજ ને શાંત રાખી આગળ શું કરવું એ વિચાર્યું..અર્જુન ધીરે રહીને ઉભો થયો અને પોતાના કાન સરવા કરી ને આજુબાજુ થઈ રહેલા નાના માં નાના અવાજ ને સાંભળવા પ્રયત્નશીલ થયો.

શૈતાની શ્વાન ના ઘુરકિયા હજુ ચાલુ હતું..શાંત વાતાવરણ માં એના જોરજોર થી શ્વાસ લેવાનો અવાજ પર અર્જુન ને સંભળાઈ રહ્યો હતો..પોતાની ઘમણ ના જેમ ચાલતી ધડકનો ને કાબુ માં લઇ અર્જુન નાના માં નાના અવાજ પરથી એ શ્વાન ની આગામી હરકત શું હશે એનો ક્યાસ કાઢી રહ્યો હતો.હવે એ શ્વાન છેલ્લો હુમલો કરવાના મૂડ માં હતો..અને એનું નિશાન હતી અર્જુન ની ગરદન..એ દોડીને અર્જુન પર કુદયો..

જેવો એ કૂતરો અર્જુન પર કુદે છે એવો જ અર્જુન એક સેકન્ડ ની પણ ભુલ કર્યા વગર પેરફેક્ટ ટાઇમિંગ સાથે નીચે જમીન પર ઢીંચણ ના બળે ઘસડાયો એની આ હરકત ના લીધે શ્વાન નો કુદકો અર્જુન ના ઉપર થઈ ને જતો રહ્યો અને શ્વાન જમીન પર ઉંધા માથે પટકાયો.

થોડીવાર માં એ શ્વાન ઉભો થયો અને અર્જુન તરફ એક નજર ફેંકી..સહેજ અવાજ કરી પાછો જમીન પર ઢળી પડ્યો અને એના શરીર માંથી એક કાળો ધુમાડો નીકળી આકાશ માં વિલીન થઈ ગયો..જ્યારે અર્જુન ની ઉપર થઈ ને એ શ્વાન કુદયો ત્યારે અર્જુને પોતાના બુટ માં રાખેલું દિવ્ય ખંજર એના પેટ માં ભાગ માં ઘુસાડી દીધું.

અર્જુન ને મનોમન ખબર હતી કે પોતાનું નિશાન યોગ્ય જગ્યા એ લાગ્યું હતું એટલે એના ચહેરા પર દર્દ ની સાથે વિજયસુચક સ્મિત ફરી વળ્યું..પોતાના પર ખંજર નો ઘા કરનાર ડેવિલ જ છે..જે અત્યારે આજુબાજુ જ ક્યાંક છે..એવું વિચારતાં વિચારતાં..ખંજર પર લાગેલા કેમિકલ ની અસર ના લીધે અર્જુન બેહોશ થઈને જમીન પર ઢળી પડ્યો.

અર્જુન પર ખંજર નો ઘા કર્યા પછી ડેવિલ ચૂપચાપ આગળ નો ખેલ જોઈ રહ્યો હતો..એનો મોટા માં મોટો શત્રુ અર્જુન આજે જીંદગી ની જંગ હારી જવાનો છે એ વાત થી ડેવિલ આશ્વસ્ત હતો..પણ અર્જુને ગજબ ની હિંમત અને સાહસ બતાવી પોતાનો દાવ સાવ ઉલટો પાડ્યો અને પોતે તૈયાર કરેલા શૈતાની શ્વાન ને મોત ને ઘાટ ઉતારી દીધો એ વાત થી ડેવિલ છંછેડાઈ ગયો હતો.

બેભાન પડેલા અર્જુન ને હવે પોતાના હાથે મારવા માટે એ ધીમા પગલે અર્જુન તરફ આગળ વધતો હતો ત્યારે અચાનક વાતાવરણ માં પેદા થયેલા જીપ ના એન્જીન ના અવાજ ના લીધે એ પાછો પડ્યો અને એક ઝાડ ની ઓથ લઈને છુપાઈ ગયો.

વાત એમ બની કે અર્જુને પોતે ડેવિલ નો નવો શિકાર પોતે છે એવિશે કોઈને કંઈપણ જણાવવા માંગતો ન હોવાથી આ વાત ની જાણ એને કોઈને નહોતી કરી..પણ નાયક દ્વારા અર્જુન ના બદલાયેલા હાવભાવ ની નોંધ લેવાઈ.. નાયક સમજી ગયું કે એના સાહેબ કંઈક નવી ગડમથલ માં છે એટલે નાયકે અર્જુન ના ધ્યાન બહાર એની બુલેટ માં માઇક્રોફોન ફીટ કરી દીધો હતો..અને આજ માઇક્રોફોન માં કુતરા ના ઘુરકવાનો અને કંઈક અફડાતફડી નો અવાજ સાંભળી નાયક વીજળી વેગે અર્જુન જ્યાં ડ્યૂટી કરતો હતો એ તરફ જીપ લઈને નીકળી પડ્યો..!!

નાયક ને પોતાની ટીમ સાથે જોઈ ડેવિલ અકળાઈ ગયો..એનો સૌથી મોટો શત્રુ આજે બચી ગયો એ વાત થી ગુસ્સે ભરાઈ એ પોતાના ખુફિયા સ્થળ પર ચાલી નીકળ્યો..નાયકે સ્થળ પર જઈને જોયું તો ખભા અને સાથળ માં પડેલા ઉંડા ઘા માંથી નીકળતા લોહી થી ખરડાયેલા દેહ સાથે અર્જુન બેભાનાવસ્થા માં જમીન પર પડ્યો હતો..બાજુમાં એક કાળા રંગ નો શ્વાન જમીન પર નિશ્ચેતન પડ્યો હતો જેના ચહેરાના ઘા અને પેટ ના ભાગ માં ખૂંપેલાં ખંજર ના લીધે કાળા રંગ નું રક્ત નીકળી રહ્યું હતું.

નાયક સમજી ગયો કે અહીં શું થયું હશે..તાત્કાલિક એને કોન્સ્ટેબલો ની મદદ થી અર્જુન ને જીપ માં સુવડાવ્યો અને બે કોન્સ્ટેબલો ને જ્યાં સુધી જાની પોતાની ટીમ લઈને ના આવે ત્યાં સુધી અહીં જ ઉભા રહેવા માટે કહી દીધું.ત્યારબાદ એ ઝડપ થી જીપ ડ્રાઈવ કરી જીપ ને હોસ્પિટલમાં પહોંચી ગયો.

ડોક્ટરે તાત્કાલિક અર્જુન ની સારવાર શરૂ કરી દીધી..સૌપ્રથમ તો એના ઘા સ્પિરિટ થી સાફ કર્યા પછી ધનુર અને રેબિશ(હડકવા ની રસી) ના ઈન્જેકશન આપ્યા અને ફર્સ્ટ એઈડ આપી બધા ઘા પર મલમ પટ્ટી કરી દીધી..

"હવે સાહેબ ને કેમ છે?એ ક્યારે ભાન માં આવશે?" ડોકટર ને અર્જુન ની સારવાર કરી બહાર નીકળતાં જોઈ નાયકે ચિંતાતુર સ્વરે કહ્યું.

"નાઉ..હી ઇઝ ઓલરાઇટ અને થોડા સમય માં જ એ ભાન માં આવી જશે..એમના ખભા પર ના ઘા માંથી કેમિકલ મળ્યું છે..એ કેમિકલ નાઈટ્રીક ઓક્સાઇડ કે ઈથર નું હોઈ શકે જેના લીધે હ્યુમન બોડી થોડો સમય સુસુપ્તવસ્થા માં જતું રહે છે..એની અસર થોડા કલાકો સુધી જ હોય છે એટલે તમારા સાહેબ થોડો સમય માં જ બેહોશી માંથી બહાર આવી જશે."ડોક્ટરે શાંતિ થી કહ્યું.

"Thanks.."આભારવશ નાયકે કહ્યું અને એ અર્જુન ની બાજુ માં ખુરશી પર જઈને બેસી ગયો.

નાયક એ વાત થી અજાણ હતો કે અર્જુન ના ખભા પર નો ઘા ડેવિલ ની મહેરબાની છે..ડેવિલ ના હાથ થી અર્જુન નો જીવ અજાણતા જ પોતે બચાવી લીધો હતો એ વાત નો નાયક ને સહેજ પણ અણસાર નહોતો.

જાની એ ઘટના સ્થળે પહોંચી શ્વાન ના મૃતદેહ ને જીપ માં નાંખી ફોરેન્સિક લેબ માં મોકલાવી દીધો..અને અર્જુન ના બુલેટ ને એક કોન્સ્ટેબલ ને કહી પોલીસ સ્ટેશન મૂકી આવવા કહ્યું.

અર્જુન નું મોત હાથવેંતમાં હતું પણ નસીબ નો સાથ મળતાં એ બચી ગયો..આ વાત થી પોતાને ડેવિલ કહેતો ખુંખાર વ્યક્તિ અકળાઈ ગયો હતો..પોતાના જુના પુરાણા બંગલા માં આવી એને પોતાનો ઓવરકોટ ઉતર્યો અને ખૂંટી પર ટાંગી દીધો.

ડેવિલ ના જેમ એના બંગલા ની અંદર નું દ્રશ્ય પણ ખુબ ભયંકર હતું..કાચ ની બરણી માં સચવાયેલા પ્રાણીઓ અને માનવ ના અંગો..દીવાલો પર લગાવેલા ભેદી લખાણ વાળા ચાર્ટ..આછા પ્રકાશ માં આવી રહેલી કેમિકલો ની બદબુ,અને જુદા જુદા મિકેનિકલ મશીનો..આ બધી વસ્તુઓ સાથે મળીને ડેવિલ ના સ્થળ ને બિહામણું બનાવી રહ્યા હતા.

"અર્જુન..તારા કરેલા કર્મો ની સજા તને મળ્યા વગર નહીં રહે..મારો બદલો હું લઈને જ રહીશ..આ દુનિયા ને પણ ખબર પડી જશે કે ડેવિલ ની તાકાત આગળ દરેક તાકાત પાણી ભરે છે.." આટલું કહી ડેવિલ એક ખુરશીમાં બેઠો અને ટાઈપિંગ મશીન પર ટાઈપ કરવાનું શરુ કર્યું.

***

To be continued.....

અર્જુન સાથે ડેવિલ ને શું દુશમની હતી? હવે ડેવિલ નો નવો પ્લાન શું હશે? અર્જુન ડેવિલ ને પકડી શકશે? બિરવા અર્જુન ને પોતાના પ્રેમ ની મોહજાળ માં ફસાવી શકશે? ડેવિલ ને પકડવા અર્જુન શું પ્લાન બનાવશે? આ બધા સવાલો ના જવાબ માટે વાંચતા રહો ડેવિલ એક શૈતાન..નવો ભાગ આવતા સપ્તાહે..!!

મારી આ નવલકથા ડેવિલ એક શૈતાન ને વાંચકો નો બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે..એક શૈતાન ને કેન્દ્ર માં રાખીને લખાયેલી મારી આ નોવેલ આપ સૌનો પ્રેમ મેળવી મારા માટે એક મસીહા બની ગઈ છે..રોજ આવતા આપ સૌના મેસેજ ના લીધે મારો ઉત્સાહ વધતો જાય છે..આપ આપનો કિંમતી અભિપ્રાય મારા whatsup નમ્બર 8733097096 પર મોકલાવી શકો છો..

ઓથર :- જતીન. આર.પટેલ