Devil - EK Shaitan -22 in Gujarati Horror Stories by Jatin.R.patel books and stories PDF | ડેવિલ એક શૈતાન-૨૨

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

ડેવિલ એક શૈતાન-૨૨

ડેવિલ : એક શૈતાન

ભાગ-૨૨

આગળ ના પ્રકરણ માં તમે વાંચ્યું...રાધાનગર માં શૈતાની હુમલા થવાની ઘટનાઓ બને છે-અર્જુન ને લેટર મળવાનો સિલસિલો ચાલુ હોય છે-અર્જુન ના લાખ પ્રયત્ન છતાં ડેવિલ એની પહોંચ થી બહાર હોય છે-પીનલ દ્વારા ભારતીબેન ના હાથ પર ના લખાણ વિશે અર્જુન ને જાણકારી મળે છે-ડોકટર નકુલ દેશમુખ,ન્યાયાધીશ રમેશભાઈ અને હવે મેટલ કિંગ ભીમજી ભાઈ શાહ ની હત્યા થાય છે-અર્જુન પોતાના સ્ટાફ સાથે તપાસ માટે નીકળે છે-હવે વાંચો આગળ. ...

પોલીસ સ્ટેશન થી નીકળી ને પોલીસ ની જીપો શહેર ની પૂર્વ દિશા માં આવેલ મહાવીર વિલા ના પાર્કિંગ માં આવીને ઉભી રહી..પોલીસ ની જીપો હોવાથી અર્જુન અને એમની ટીમ ને અંદર પ્રવેશતા રોકવામાં આવી નહીં.

ભીમજીભાઈ શાહ ની ગણના રાધાનગર ના સૌથી સુખી સમૃદ્ધ લોકો માં થતી હતી...મેટલ ને લગતી ઇન્ડસ્ટ્રીયલ ઉપકરણો બનાવતી એમની અદ્યતન ટેકનોલોજી થી સંપન્ન મહાવીર મેટલ ઇન્ડસ્ટ્રી ભારત ની ટોચના ૨૦ ઔધોગિક એકમો માં સ્થાન પામતી હતી.

પોતાની મહેનત ના જોરે ઉભું કરેલું મેટલ ઇન્ડસ્ટ્રી નું આ સામ્રાજ્ય ભીમજીભાઈ ને વર્ષે દહાડે કરોડો ની સંપત્તિ કમાઈ આપતું હતું..પોતે જૈન ધર્મ ના ચુસ્ત પાલન વાળા ભીમજી ભાઈ એ સેવા,દાન ના કાર્યો માં ક્યારેય પાછી પાની કરી નહોતી..શહેર માં એક મોટું જૈન ઉપાશ્રય,પોતાની માં ના નામે વૃદ્ધાશ્રમ અને લોકો ને પીવા માટે પાણી ની ટાંકી પણ એમને બનાવી હતી.

એમની મહાવીર ઇન્સ્ટ્રી માં પણ કામ કરતા લોકો ને ભીમજીભાઈ પ્રમાણ માં સારો એવો પગાર આપતા..એમનો પુત્ર હિમાંશુ પણ પિતાજી ની જેમ જ પરોપકારી અને દયાળુ પ્રકૃતિ નો હતો.

મહાવીર વીલા લગભગ દસેક એકર માં બનાવેલ વિશાળ બંગલો હતો..વીલા ની સુંદરતા આંખે ઉડી ને વળગે એવી હતી..બગીચો,જિમ,મંદિર,થિયેટર,સ્વિમિંગ પુલ વગેરે સુવિધા થી સજ્જ મહાવીર વીલા સ્વર્ગ થી કમ તો નહોતો જ.આટલી બધી ધન દોલત હોવા છતાં પણ પોતાના સેવા કાર્યો ના લીધે ભીમજીભાઈ ની છાપ રાધાનગર માં એક સમાજ સેવક જેવી હતી..!!

અર્જુન અને એના સાથી પોલીસકર્મીઓ જેવા વીલા માં દાખલ થયા એવાજ એ ફિલ્મી સેટ જેવી વીલા ની સુંદરતા જોઈ આભા જ બની ગયા હતા..પાર્કિંગ માંથી ઉતરી જેવા પોલીસ સ્ટાફ ના લોકો આગળ વધ્યા એવા જ એક નોકર દ્વારા એમને મુખ્ય બંગલો ના પ્રવેશદ્વાર ની જોડે બનાવેલા યોગા રૂમ તરફ જવાનું કહેવામાં આવ્યું..અર્જુન સમજી ગયો કે ભીમજીભાઈ ની હત્યા ત્યાં જ થઈ હોવી જોઈએ.

નોકર ની વાત સાંભળી અર્જુન યોગરૂમ તરફ આગળ વધ્યો..જેમ જેમ અર્જુન આગળ વધતો હતો એમ એમ એના કાને રોકકળ નો અવાજ અફડાતો હતો..અર્જુન ને સમજતા વાર ના થઇ કે લોકો નું મોટું ટોળું અત્યારે યોગરૂમ ની જોડે હાજર હશે.

અર્જુને જોયું તો એક સામાન્ય માણસ ના ઘર ની જેટલા વિસ્તાર ધરાવતી એક બિલ્ડીંગ પર યોગરૂમ લખેલું હતું..જેના દરવાજા આગળ અત્યારે પંદર થી વીસ લોકો હાજર હતા..અર્જુન અને પોલીસ ના લોકો ને આવતા જોઈ એ બધા એક તરફ ખસી ગયા..

અર્જુને અંદર જઈને જોયું તો ભીમજીભાઈ નો દેહ નીચે ફ્લોર પર પડ્યો હતો જેની આજુ બાજુ ચાર પાંચ મહિલાઓ અને સાત આઠ પુરુષો હાજર હતા..એ બધા ના ચહેરા પર હાજર દુઃખ અને આઘાત અત્યારે સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો.પોલીસ ની ટીમ ને જોઈ એ બધા નું ધ્યાન એમની તરફ પડ્યું.

"તમારા માંથી mrs. સુનિતા શાહ કોણ છે?"અર્જુને ત્યાં હાજર મહિલાઓ ને ઉદ્દેશીને કહ્યું.

અર્જુન ની વાત સાંભળી એક સ્ત્રી ઉભી થઇ..એ સ્ત્રીની ઉંમર લગભગ ત્રીસેક વર્ષ હતી..એક પાંત્રીસેક વર્ષ નો પુરુષ પણ એ સ્ત્રી નો ખભો પકડી અર્જુન તરફ આવ્યો.

"સર..હું હિમાંશુ શાહ અને આ મારા પત્ની સુનિતા શાહ..એમને જ તમને કોલ કરી અહીં બોલાવ્યા હતા.."સજ્જન લાગતા એ વ્યક્તિ એ હાથ લાંબો કરી અર્જુન ને કહ્યું..અર્જુને નોંધ્યું કે સુનિતા અને હિમાંશુ ની આંખો માં હજુ પણ આંસુઓ હતા અને એમાંપણ સુનિતા ની આંખો થી રડી રડી લાલ થઈ ગઈ હતી.

"તમારા પિતાજી ખૂબ જ સજ્જન અને સારા માણસ હતા..એમની મોત નું અમને બધા ને પારાવાર દુઃખ છે.."અર્જુને પોતાના માથે પહેરેલી ટોપી હાથ માં લઈને દુઃખ ની લાગણી દર્શાવી.

ત્યારબાદ અર્જુન ભીમજી ભાઈ ની ડેડબોડી તરફ આગળ વધ્યો..અર્જુને આગળ વધ્યો ને નીચે બેસી ભીમજીભાઈ ના સમગ્ર દેહ નું બારીકાઈથી નિરીક્ષણ કરવા લાગ્યો..ભીમજીભાઈ ના દેહ ને પણ ડોકટર નકુલ અને ન્યાયાધીશ રમેશભાઈ ના દેહ ની જેમ જ ચૂંથવામાં આવ્યો હતો..ઠેકઠેકાણે બચકાં ના નિશાન અને એમાંથી નીકળતું લોહી એ વાત ની સાબિતી આપી રહ્યું હતું કે આ હત્યા પણ આગળ ની બે હત્યાઓ ની જેમ જ કરવામાં આવી છે.

અત્યારે રૂમ માં હાજર લોકો ને બહાર જવાનું કહી અર્જુન અને પોલીસ સ્ટાફ ના બીજા લોકો દ્વારા રૂમ ની અને ભીમજીભાઈ ની ડેડબોડી ની સંપૂર્ણ તપાસ કરવામાં આવી..અર્જુને રૂમ ને સીલ કરાવી દીધો અને નાયક ને ફોરેન્સિક ટીમ અને ફોટોગ્રાફર ને કોલ કરવાનું જણાવી પોતે બહાર નીકળી ગયો..!!

બહાર આવી અર્જુન હિમાંશુ શાહ અને સુનિતા ને થોડી પૂછપરછ કરવાનું કહી એમને લઈ થોડો દૂર આવ્યો..

"તો સુનિતા બેન તમને ક્યારે તમારા સસરા ની ડેડબોડી જોવા મળી"?અર્જુને સુનિતાબેન ને કહ્યું.

"સાહેબ..પિતાજી હવે લગભગ નિવૃત જીવન પસાર કરતા હતા એટલે મોટેભાગે ધ્યાન અને પૂજા પાઠ માં પોતાનો સમય પસાર કરતા..આજે સવારે પણ રોજ ના નિત્યક્રમ મુજબ એ યોગ કરવા માટે યોગા રૂમ માં આવ્યા હતા..હું પણ દસ વાગ્યા પછી યોગ કરવા માટે ત્યાંજાઉં છું..બસ આજે સવારે પણ હું દસ વાગે અંદર ગઈ એવી જ મારી નજર પિતાજી ના લોહી નીતરતા દેહ પર પડી..હું થોડી હિંમત કરી જોડે ગઈ અને જોયું તો પિતાજી નું મૃત્યુ થઈ ચૂક્યું હતું એટલે મેં તમને કોલ કર્યો.."આટલું કહી સુનિતા પાછી એના પતિ હિમાંશુ ને ભેટી ને રડવા લાગી..!!

"આભાર mrs. સુનિતા..."અર્જુને કહ્યું.

"સર..મારા પિતાજી ની આવી કરપીણ હત્યા કરવા વાળા ખુની ને તમે જીવતો ના છોડતા..જ્યારે એમનો ખુની પકડાશે ત્યારે જ એમની આત્મા ને શાંતિ મળશે.."આંખો માં આંસુ અને ચહેરા પર આવેશ ના ભાવ સાથે હિમાંશુ એ કહ્યું.

"હા એવું જ થશે જેવું તમે ઇચ્છો છો.. તમારા પિતાજી નો હત્યારો વધુ સમય સુધી મારી પકડ થી દુર નહીં રહે"અર્જુને મક્કમ અવાજે કહ્યું.

પૂછપરછ ની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ અર્જુન પાછો યોગા રૂમ માં આવ્યો..યોગા રૂમ માં હવા ની અવરજવર થઈ શકે એ માટે બારીઓ ખુલ્લી હતી..એમાંથી જ ભીમજીભાઈ ની હત્યા કરવાવાળો શ્વાન આવ્યો હશે એવો અર્જુને મનોમન અંદાજો લગાવ્યો.

થોડીવાર માં ફોરેન્સિક એકપર્ટ ની ટીમ અને ફોટોગ્રાફર પણ આવી ગયા..એમના દ્વારા આગળ ની પ્રોસેસ પતાવ્યા પછી ભીમજીભાઈ ના મૃતદેહ ને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલાયો..બીજા દિવસે જ્યારે એમના દેહ નો અંતિમ સંસ્કાર કરાયો ત્યારે આખું શહેર એમની અંતિમ યાત્રા માં જોડાયું હોય એવું લાગતું હતું..ભીમજીભાઈ ની મોત થી રાધાનગર ના સમસ્ત લોકો ના હૃદય માં ભારે દુઃખ અને વેદના ની લાગણી હતી...કાતિલ હજુ ખુલ્લો ઘુમતો હોવાથી પોલીસકર્મીઓ પ્રત્યે નો ગુસ્સો પણ લોકો ના અંદર ધીરે ધીરે વધી રહ્યો હતો.!!

એક પછી એક રાધાનગર માં અલગ અલગ બનેલી ત્રણ ઘટનાઓ માં મૃત્યુ પામેલા લોકો નું લિસ્ટ જ જાણે પોતાની કારકિર્દી ની સૌથી મોટી નિષફળતા ના દર્શન કરાવતું હોવાનું અર્જુન ને લાગ્યું.રાધાનગર વાસી ઓ ના ગુસ્સા નો પણ હવે ઘણીવાર સામનો કરવો પડતો હતો.

ડેવિલ દ્વારા ત્રણ અલગ અલગ ક્ષેત્ર ની મોટી મોટી હસ્તીઓ ની દિવસ દરમિયાન થયેલી હત્યાઓ એ વાત ની સાબિતી પુરી પાડતા કે ડેવિલ હવે આત્મ વિશ્વાસ થી ભરપુર છે અને પોતે હતાશા અને નિરાશા થી ભરપુર..!!

ભીમજીભાઈ શાહ ની હત્યા ના અઠવાડિયા પછી પણ ડેવિલ અર્જુન ની પકડ થી બહાર જ હતો..અર્જુન જાણતો હતો કે આ બધી હત્યાઓ ને કુતરા નો ઉપયોગ કરી ડેવિલ જ અંજામ આપે છે એટલે કુતરા ને પકડવા કરતા ડેવિલ સુધી કઈ રીતે પહોંચવું એ વધુ વિચારવા જેવું અર્જુન ને લાગ્યું..ઘણા પ્રયત્નો અને ચુસ્ત ચોકી પહેરો પણ અર્જુન ની મદદ કરી શક્યો નહીં..શહેરમાં આવતા જતા દરેક વાહન ની સઘન તપાસ થતી પણ હાથ માં કંઈ હાથ ના લાગતા સમગ્ર પોલીસ સ્ટાફ વ્યથિત અને નિરાશ લાગતો હતો..!!

બિરવા પણ અર્જુન ની કોઈ મદદ કરી શકી નહોતી..છતાંપણ અર્જુન ની મુલાકાત લેવાનો ક્રમ એને જાળવી રાખ્યો હતો..કોઈને કોઈ કારણ થી બિરવા અર્જુન ને કોલ પણ કરી લેતી હતી..અત્યારે રાધાનગર માં બની રહેલી ઘટનાઓ થી હેરાન પરેશાન અર્જુન પણ અત્યારે બિરવા પ્રત્યે આકર્ષાઈ રહ્યો હતો..!!

પોતાના માફકસર ના સુડોળ દેહ અને મારકણી અદાઓ થી અર્જુન ને ઘાયલ કરવામાં બિરવા એ કોઈ કચાશ બાકી રાખી નહોતી..હવે જ્યારે પણ એ અર્જુન ને મળતી ત્યારે એના ગળે લાગીને પોતાના ઉભારો નો સ્પર્શ અર્જુન મેં અચૂક કરાવતી...અર્જૂન પણ બિરવા ની આ હરકતો થી હવે ટેવાઈ ગયો હોય આંનદ લેવા લાગ્યો હતો..પીનલ ની ગર્ભાવસ્થા માં પોતાની શારીરિક જરૂરિયાત કોઈ પૂર્ણ કરી શકે તો એ બિરવા જ છે એવું ઘણી વાર અર્જુન ને લાગતું પણ પીનલ નો પ્રેમ એને આગળ વધતા રોકી રહ્યો હતો..બાકી બિરવા તો અત્યારે અર્જુન ને પોતાને ભોગવી લેવા આમંત્રી જ રહી હતી.

દિવસે ને દિવસે અર્જુન ના માથે ચિંતા વધી રહી હતી..દેશભર માં ખ્યાતનામ એવી ત્રણ ત્રણ વિરલ વિભૂતિઓ ની હત્યા પછી પણ એમનો હત્યારો હજુ ખુલ્લેઆમ ફરતો હતો એ વાત અર્જુન ને અકળાવી રહી હતી...!!

એમાં પણ આગળ ના દિવસે આવેલા મુખ્યમંત્રી ના ફોન ના લીધે અર્જુન ની હાલત અત્યારે વધુ દયનિય થઈ રહી હતી..કઈ રીતે આ બધી ઘટનાઓ ને અંજામ અપાઈ રહ્યો છે એ વાત પોતે જાણતો હોવા છતાં કોઈને કહી શકાય એમ નહોતું..કેમકે કોઈ પુરાવા વગર ની એની વાત હાંસીપાત્ર બને એમાં મીનમેખ નહોતો..

મીડિયા અને પોતાના ઉચ્ચ અધિકારીઓ ના પ્રેસર ના લીધે અર્જુન અત્યારે ડિપ્રેશન નો સામનો કરી રહ્યો હતો..આખરે આ હતાશા અને નિરાશા માંથી પોતાની અંદર કોઈ ઉર્જા અને વિશ્વાસ નો સંચાર કરી શકે એવું હોય તો એ છે ફાધર થોમસ...એવું વિચારી અર્જુન પોતાની બુલેટ લઈ સેન્ટ લુઈસ ચર્ચ તરફ આગળ વધ્યો..

***

બપોર નો સમય હોવાથી ચર્ચ માં અત્યારે નીરવ શાંતિ નો માહોલ હતો..અર્જુન જેવો ચર્ચ માં અંદર પ્રવેશ્યો એવી એની નજર ફાધર થોમસ ને શોધવા લાગી..અર્જુને થોડું આગળ વધીને જોયું તો ફાધર ના રૂમ નો દરવાજો અડધો ખુલ્લો હતો..એટલે એને અંદર નજર કરી તો ફાધર પલંગ પર સુઈ ગયા હતા..!!

ફાધર થોમસ ને સુતા જોઈ અર્જુન અવઢળ માં પડ્યો અને એ દરવાજા થી પાછો વળતો હતો એવો ફાધર નો અવાજ એના કાને પડ્યો..

"અર્જુન કેમ પાછો જાય છે..?"

અવાજ સાંભળી અર્જુન અટકી ગયો અને દરવાજો પુરો ખોલી અંદર રૂમ માં પ્રવેશ્યો..ફાધર પોતાની પથારી માંથી બેઠા થયા એટલે અર્જુન પણ જોડે રાખેલી ખુરશી માં જઈને બેઠો અને બોલ્યો.."એતો ફાધર તમે સુતા હતા એટલે તમને ઊંઘ માંથી ઉઠાડવા મને ઉચિત ના લાગ્યા એટલે મેં વિચાર્યું થોડો ટાઈમ બહાર રાહ જોઉં.."

"માય ચાઈલ્ડ..દીકરો મળવા આવે ને એક પિતા એને રાહ જોવડાવે એ મને ઉચિત નથી લાગતું" ચહેરા પર સ્મિત સાથે ફાધરે કહ્યું.

"હા ફાધર..તમારી એ વાત સાચી છે.."અર્જુન અત્યારે ફાધર ના જવાબ થી નિરુત્તર થઈ ગયો.

"બેટા.. અહીં આવવાનું કોઈ ખાસ કારણ...?તારા ચહેરા પર આટલી ઉદાસી અને હતાશા કેમ?" અર્જુન ના હાથ પર પોતાનો કરચલી વાળો હાથ મૂકી ફાધરે કહ્યું.

"ફાધર આ શહેર માં ઉપરાઉપરી ત્રણ એવા લોકો ની હત્યા થઈ જેમની ગણના દેશ ના પોતપોતાના ક્ષેત્ર ના અગ્રીમ સ્થાન ધરાવતા લોકોમાં થતી હતી.."અર્જુને ધીમા અવાજે કહ્યું.

"હા દીકરા..ખરાબ તબિયત ના લીધે હું વધુ બહાર તો આવતો નથી પણ સમાચાર પત્રક અને ટીવી માં ન્યુઝ દ્વારા આ બાબત ની જાણકારી મળી હતી..હકીકત માં ડોકટર નકુલ,ન્યાયાધીશ રમેશ ભાઈ..અને ભીમજીભાઈ શાહ ખૂબ સારા માણસો હતા..એમના કરેલા સેવકાર્યો સરાહનીય હતા..ખરેખર એમની હત્યા એ રાધાનગર ના લોકો માટે ખૂબ આઘાતજનક છે" ફાધર ના શબ્દો માં આ બોલતાં બોલતાં દુઃખ ની આછી છાંટ વર્તાઈ રહી હતી..!!

"ફાધર પણ આ બધી હત્યાઓ પાછળ કોણ છે એ જાણ્યા છતાંપણ હું એ ખુની સુધી પહોંચી શકતો નથી...મારા જોડે એ ખુની દ્વારા કઈ પદ્ધતિ અપનાવાઈ છે એની પણ માહિતી છે તો પણ હું કંઈ કરી શકતો નથી"અર્જુને પોતાના દાંત ભીંચીને આવેશ માં કહ્યું.

"શું તું જાણે છે આ બધી ઘટનાઓ પાછળ કોણ છે..?"આશ્ચર્ય ના ભાવ સાથે ફાધર થોમસે કહ્યું.

"હા ફાધર મને ખબર છે આ બધી હત્યાઓ ને કઇરીતે અંજામ આપવામાં આવ્યો છે"આટલું કહી અર્જુને પોતાના જોડે રહેલું પુસ્તક ફાધર ના હાથ માં મૂક્યું..

ફાધર ના હાથ માં પુસ્તક મૂકી અર્જુને પુસ્તક માં લખેલી માહિતી ફાધર ને વિગતવાર સમજાવી..પોતાના ઉપર આવતા રહસ્યમયી લેટર ની વાત પણ અર્જુને ફાધર સમક્ષ કરી..આ ઉપરાંત ડેવિલ નામ વાળા એ વ્યક્તિ દ્વારા કુતરા નો ઉપયોગ કરી આ ખુની ખેલ ને અંજામ આપવાની વાત પણ જણાવી..!!

અર્જુન ની બધી વાત ફાધર થોમસ ફાટી આંખે સાંભળી રહ્યા..પછી એમને કહ્યું..

"એનો મતલબ અર્જૂન એમ છે કે કોઈ શાતિર મગજ ધરાવતો શૈતાની માણસ આ પુસ્તક ના ઉપયોગ કરી એમાં દર્શાવેલી વિધિઓ મુજબ આ બધી ઘટનાઓ ને એક પછી એક અંજામ આપી રહ્યો છે..જો આ બધી ઘટનાઓ ને રોકવી હોય તો આ ઘટનાઓ ના મૂળ એટલે કે ડેવિલ નામ વાળા એ શૈતાન ને પકડવો જ રહ્યો.."ફાધરે કહ્યું.

"હા પણ હું કઈ રીતે એના સુધી પહોંચું એ જ સમજાતું નથી..હજારો પ્રયત્નો છતાં એ મારી પહોંચ થી ઘણો દુર છે...હવે તો એ ડેવિલ જ્યાંસુધી નહીં પકડાય મને ઊંઘ નહીં જ આવે"અર્જુને મક્કમ નિર્ધાર કરતો હોય એમ કીધું.

"જો બેટા અર્જુન તારે જાતે જ આ પરિસ્થિતિ નો સામનો કરવો પડશે..હું આમાં તારી કોઈ મદદ કરી શકું એમ નથી..પણ તને એક સૂચન કરવા માગું છું..જો અર્જુન અસત્ય અને શૈતાન નો ક્યારેય વિજય નથી થઈ શકતો..જીત હંમેશા સત્ય અને ઈશ્વરીય શક્તિ ની જ થાય છે.." ફાધરે પોતાનો હાથ અર્જુન ના માથા પર મૂકી કહ્યું.

"ફાધર એ ડેવિલ ને હું જીવતો નહીં છોડું.. એને ઘણા માસુમ અને નિર્દોષ લોકો ની પોતાના મતલબ માટે હત્યા કરી છે..એવા નીચ માણસ ને જીવતો રહેવાનો કોઈ અધિકાર નથી.."અર્જુને ગુસ્સા માં કહ્યું.

"બેટા અર્જુન ક્રોધ કરી ને તમે પોતાનું જ નુકશાન કરી રહ્યા છો..કોઈ પણ કાર્ય ક્રોધ ક ગુસ્સા થી થઈ શકતું નથી..કોઈપણ કાર્ય માં સફળતા ત્યારે જ મળે જ્યારે શાંત ચિત્તે અને ધીરજ થી પૂરતી બુદ્ધિ વાપરી એને કરવામાં આવે..એટલે આ ગુસ્સા ને થૂંકી દે અને મગજ ને ઠંડુ રાખી એ વિચાર કે એ ડેવિલ ની નબળી કડી શું છે જેના પર વાર કરી શકાય.."ફાધર થોમસે શાંત અને ધીમા અવાજે અર્જુન ની આંખો માં જોઈ કહ્યું.

ફાધર નું આમ પોતાની તરફ આ રીતે જોવું અર્જુન ને એક શાંતિ અને હૂંફ બક્ષી રહ્યા હતા જેની એને શોધ હતી..ફાધર ના ચહેરા ની દિવ્યતા એના હૃદય ને સ્પર્શી ગઈ હતી..ફાધર ની સંપૂર્ણ વાત નો મર્મ સમજ્યા બાદ અર્જુને કહ્યું.

"ફાધર તમારી વાત બિલકુલ યોગ્ય છે..હવે હું ગુસ્સો નહીં કરું અને એ ડેવિલ ને પુરી શક્તિ અને બુદ્ધિ થી પકડવાના પ્રયાસ માં લાગી જઈશ"

"વિજયી ભવ દીકરા..લોર્ડ જીસસ હંમેશા તારી સાથે છે.."ફાધર ના મુખે થી આર્શીવચન નીકળ્યા.

ફાધર ના ચરણ સ્પર્શ કરી એમની રજા લઈ અર્જુન ચર્ચ ની બહાર નીકળ્યો..અર્જુન જ્યારે ફાધર ના રૂમ માં પ્રવેશ્યો ત્યારની બે ચમકતી આંખો એમની ઉપર સ્થિર નજરે જોઈ રહી હતી..અર્જુન ના બહાર જતાં ની સાથે એ ચમકતી આંખો ના તેજ માં વધારો થયો.અર્જુન અને ફાધર થોમસ આ વાત થી બિલકુલ અંજાન હતા.!!

અર્જુન અત્યારે પોતાની જાત ને એકદમ ચુસ્ત અને ફીટ મહેસુસ કરી રહ્યો હતો..ઘણા દિવસ થી પોતાના અંદર ઉત્તપન્ન થયેલા હતાશા અને નિરાશા ના ભાવ જાણે ફાધર થોમસ ની એક મુલાકાત માત્ર થી દુર થઇ જવાનું અર્જુન મહેસુસ કરી રહ્યો હતો..

"ફાધર ભગવાન નથી પણ ભગવાન થી ઓછા પણ નથી"ફાધર થોમસ ની દિવ્યતા થી અત્યારે અર્જુન અભિભુત થઈ ગયો હોય એમ બોલ્યો.

પોતાનું બુલેટ હજુ ચર્ચ થી થોડુંક જ દુર પહોંચ્યું હતું એટલા માં અર્જુન ને મગજ માં કંઈક ઝબકારો થતા એને પોતાના બુલેટ ને બ્રેક કરી...

"અરે પેલું પુસ્તક તો ફાધર ના જોડે જ રહી ગયું.."સ્વગત અર્જુન બબડયો..

એને જઈને પાછું લઈ આવું એમ વિચારી અર્જુને પોતાની બુલેટ નો યુ ટર્ન લીધો અને બુલેટ ને સેન્ટ લુઈસ ચર્ચ તરફ પાછી વાળી...

***

To be continued.......

કોની હતી એ ચમકતી આંખો? શું અર્જુન ની થિયરી પ્રમાણે આ હત્યાઓ કોઈ શ્વાન દ્વારા જ કરવામાં આવી રહી હતી? કોણ હતો ડેવિલ? શું અર્જુન ડેવિલ સુધી શકશે? બિરવા અને અર્જુન વચ્ચે નો સંબંધ ક્યાં સુધી આગળ વધશે? આ બધા સવાલો ના જવાબ માટે વાંચતા રહો ડેવિલ એક શૈતાન...

આ નોવેલ અંગે વાંચકો ના ઘણા અભિપ્રાય મળી રહ્યા છે..વાંચક મિત્રો નો ભરપૂર પ્રેમ આ નવલકથા ને મળી રહ્યો છે..ડેવિલ નવલકથા મારા માટે મસીહા નું કામ કરી રહી છે..આપ પણ મારા whatsup નમ્બર 8733097096 પર આપના અભિપ્રાય આપી શકો છો.

ઓથર :- જતીન. આર. પટેલ