Devil - EK Shaitan -20 in Gujarati Horror Stories by Jatin.R.patel books and stories PDF | ડેવિલ એક શૈતાન-૨૦

Featured Books
Categories
Share

ડેવિલ એક શૈતાન-૨૦

ડેવિલ : એક શૈતાન

ભાગ-૨૦

આગળ ના પ્રકરણ માં તમે વાંચ્યું...રાધાનગર માં શૈતાની હુમલા થવાની ઘટનાઓ બને છે-અલગ અલગ શૈતાની શક્તિ ધરાવતા બે લોકો ને અર્જુન મોત ના ઘાટ ઉતારી મૂકે છે-બિનવારસી હાલત માં મળેલી કારની ડેકીમાં મળેલ કુતરા ની લાશ ની કોઈ દ્વારા ચોરી થાય છે-બિરવા અર્જુન ની વધુ નજીક આવવાનો પ્રયત્ન કરે છે-અર્જુન ને બીજો એક રહસ્યમયી લેટર મળે છે-લેટર નું લખાણ ઉકેલવામાં અર્જુન બિરવા ની મદદ માંગે છે-નવસર્જન હોસ્પિટલ માં નકુલ દેશમુખ ના ખુન ની ખબર સાંભળી અર્જુન તપાસ અર્થે જાય છે-હવે વાંચો આગળ...

"નકુલ દેશમુખ ની હત્યા ના સમાચાર જ્યારે મીડિયા ના લોકો ને મળશે ત્યારે બધા ને જવાબ આપવા મારા માટે મુશ્કેલ બની જવાના..."આવા વિચારો સાથે અર્જુન નવસર્જન હોસ્પિટલના ગેટ માં દાખલ થાય છે..ગેટ બહાર લોકો નું મોટું ટોળું જોઈ અર્જુન સમજી જાય છે કે નકુલ દેશમુખ ના ખુન ની વાત લોકો ના કાને પડી ગઈ છે..!!

અર્જુન જેવો હોસ્પિટલમાં પગ મૂકે છે એવો જ ગેટ ની બહાર "રાધાનગર પોલીસ હાય હાય" ના નારા સંભળાય છે..લોકો ની આવી પ્રતિક્રિયા હશે એવું અર્જુને મનોમન પહેલાં થી જ નક્કી કરી લીધું હતું.ડોકટર નકુલ ૪૫-૪૬ વર્ષ ના ખૂબ જ હોનહાર અને દયાળુ ડોકટર હતા.નવસર્જન હોસ્પિટલ હતી તો પ્રાઇવેટ પણ ક્યારેય કોઈ ગરીબ કે લાચાર જોડે ફી કે ઓપરેશન ચાર્જ નહીં લેવાનો એ હોસ્પિટલ નો નિયમ હતો.

ડોકટર દેશમુખ કેન્સર અને ડાયાબીટીસ ની ઉપર રિસર્ચ કરતા અને એની વર્લ્ડ વાઈડ પેટન્ટ રજીસ્ટર કરાવતા..એમાંથી જે આવક થાય એમાંથી નવસર્જન હોસ્પિટલ નો તમામ ખર્ચ ચાલતો.દેશ વિદેશ ની ખ્યાતનામ યુનિવર્સિટીમાં માંથી એમને અલગ અલગ પ્રકાર ના એવોર્ડ થી નવાજવામાં આવ્યા હતા..એમની પ્રસિદ્ધિ અને જન ઉપયોગી કામ ના લીધે ગુજરાત સરકાર અને ભારત સરકારે પણ એમને વિશિષ્ટ નાગરિક નો દરજ્જો આપેલો હતો.બહાર ઉભેલી ભીડ એ ડોકટર દેશમુખ ના સત્કાર્યો ના લીધે એકત્રિત થઈ હતી..એ લોકો અત્યારે વ્યથિત હતા અને ગુસ્સા માં પણ હતા..એટલે જ એમને રાધાનગર પોલીસ ના નામ નો હુરિયો બોલાવ્યો હતો.

હોસ્પિટલ ની ઇમારત ની આજુબાજુ અત્યારે પોલીસ નો કાફલો ખડકાઈ ગયો હતો..અર્જુન જેવો હોસ્પિટલ ની મેઈન બિલ્ડીંગ ના એન્ટ્રન્સ સુધી પહોંચ્યો એવી જ નાયક અને જાની ની નજર એના પર પડી એટલે એ બન્ને દોડીને અર્જુન તરફ આવ્યા..

"ગુડ ઇવનિંગ સર..."નાયકે અદબભેર કહ્યું.

"નાયક ઇવનિંગ વેરી બેડ છે..બહાર ભેગા થયેલા લોકો ના ટોળા ની આંખો નો રોષ જોઈને એતો ખબર પડી ગઈ કે આ મામલો હવે ચોક્કસ મોટું સ્વરૂપ ધારણ કરવાનો"આ બોલતા અર્જુન ના અવાજ મા આવેલી ચિંતા સ્પષ્ટ વર્તાતી હતી.

"વાત સાચી છે પણ હવે ખુન થઈ ગયા પછી તો આપણે શું કરી શકીએ..સિવાય કે ખુની ને શોધીને જેલભેગો કરવો" નાયકે શાંત મુદ્રા માં જવાબ આપ્યો.

"હા નાયક તારી વાત તો સાચી છે..પણ આ બધા લોકો ને એ કોણ સમજાવશે..અને ડોકટર દેશમુખ નું ખુન થયા પછી રાધાનગર ના દરેક રહેવાસી ને લાગશે કે એ પણ સુરક્ષિત નથી.." અર્જુન ના ચહેરા પર એક ગજબ ની બેચેની દેખાતી હતી..

"તમારા કહ્યા મુજબ હજુ સુધી જ્યાં ડોકટર સાહેબ ની હત્યા થઈ છે એ રૂમ માં કોઈને પણ પ્રવેશ આપવામાં આવ્યો નથી..ડોકટર સાહેબ ની ફેમિલી મુંબઈ માં રહે છે એમને કોલ કરી આ દુઃખદ ઘટના ની જાણ કરી દેવામાં આવી છે"અદબભેર જાની એ જણાવ્યું.

"ગુડ જોબ..જાની.. રેસપ્સનિસ્ટ મંદાકિની બેન નું બયાન લઈ લીધું?એ અત્યારે ક્યાં છે?" અર્જુને પૂછ્યું.

"સાહેબ..મંદાકિની મેડમ પેલા કાઉન્ટર પર બેઠા..હજુ પણ એમની હાલત એમનું બયાન લે એવી નથી..થોડો સમયમાં એમની સ્થિતિ ઠીક થશે એટલે એમનું બયાન લઈ લઈશ.." જાની એ કહ્યું.

"નાયક તું મારી સાથે આવ અને તું જાની મંદાકિની મેડમ નું બયાન જેમ બને એમ ઝડપ થી નોંધી લેજે"આટલું કહી અર્જુન નાયક સાથે ડોકટર નકુલ દેશમુખ ની કેબીન તરફ આગળ વધ્યો.

અર્જુને હાથ માં મોજા પહેર્યા અને ડોકટર દેખમુખ ના કેબીન નો દરવાજો ખોલી અંદર પ્રવેશ કર્યો..અર્જુન નું અનુકરણ કરતા નાયકે પણ પોતાના હાથ પર રબર ના મોજા ચડાવી લીધા."

જ્યારે અમે આવ્યા ત્યારે ડોકટર સાહેબ ના કેબીન માં ટીવી ઓન હતું જે અમે બંધ કર્યું..ટીવી નો વોલ્યુમ ખુબ જ વધુ હતું..અને આ કેબીન પાછું સાઉન્ડ પ્રુફ છે એટલે જ્યારે હત્યા થઈ ત્યારે ડોકટર સાહેબ ની ચીસો બહાર બેસેલા મંદાકિની મેડમ ને નહીં સંભળાઈ હોય..આ ઉપરાંત છત પંખો ચાલુ હતો અને પાછળ બગીચા તરફ પડતી બારી ખુલ્લી હતી.." નાયકે પોતે રૂમ માં આવીને જે જોયું એ અર્જુન ને બતાવી દીધું.

અર્જુને જોયું તો પોતાની રોલિંગ ચેર ની બાજુમાં વીશાળ લાકડાના ટેબલ નીચે ડોકટર નકુલ દેસાઈ નો લોહી થી તરબોળ મૃતદેહ પડ્યો હતો..અર્જુને નજર કરી તો ડોકટર નકુલ ના શરીર નું કોઈ અંગ નહોતું જ્યાં થી લોહી ના નીકળતું હોય..અર્જુને હાથ માં રૂ લઈ લોહી સાફ કરી જોયું તો એ બધી જગ્યા એ બચકા ભર્યા હોય એવા નિશાન હતા..ઘા બહુ વધુ ઉંડા તો નહોતા પણ દાંત ઊંડે ઉતરી ગયા હોય એવું પ્રાથમિક તપાસ માં અર્જુન ને લાગ્યું..!!

ડોકટર નકુલ ના હાથ અને ચહેરા ના ભાગે ઉઝરડા જણાતા હતા..એનો મતલબ ડોકટર નકુલ બચવા માટે પ્રયત્નો જરૂર કર્યા હશે..આ ઉપરાંત અર્જુને જોયું તો ડોકટર દેશમુખ ના ચહેરા અને ગળા ના ભાગ ને બળપૂર્વક નોંચી નાખવામાં આવ્યો હતો..ત્યાં ભરેલા બચકમાંથી માંસ ના લોચા થોડા ઘણા અંશે બહાર નીકળી ગયા હતા..!!

અર્જુન થોડું અવલોકન કર્યા બાદ ડોકટર દેશમુખ ની લાશ જોડે થી ઉભો થઈને બારી તરફ આવ્યો..અર્જુને જોયું તો નાના નાના લોહીના ડાઘ ડોકટર દેશમુખ ની લાશ થી બારી સુધી જોવા મળ્યા..આ નિશાન જોતાં જ અર્જુન સમજી ગયો કે આ ખુની ખેલ પાછળ કોનો હાથ છે..!!

"નાયક ખુની કોણ છે એની ખબર પડી ગઈ?"અર્જુને નાયક ની પાસે જઈને કહ્યું.

"શું કીધું..તમને ખબર પડી ગઈ કે ખુની કોણ છે?" નાયકે ચકિત થઈને પૂછ્યું.

"નાયક તને ખબર છે એક બિનવારસી હાલત માં થોડા દિવસ પહેલાં એક કાર મળી હતી..અને એમાં એક કુતરા ની ડેડબોડી પણ મળી આવી હતી"અર્જુને કહ્યું.

"હા તો..એનો આ ખુન સાથે શું સંબંધ છે..?"નાયકે સવાલ કર્યો..

"એ કુતરા ની ડેડબોડી ની ફોરેન્સિક લેબમાંથી ચોરી થઈ ગઈ એ વાત તો તું જાણતો જ હોઈશ?"અર્જુને કહ્યું.

"હા મને ખબર છે હું જ્યારે હોસ્પિટલ માં એડમિટ હતો ત્યારે ન્યુઝ મળ્યા હતા કે ચોકીદાર પર હુમલો કરી કૂતરાની ડેડબોડી ની ચોરી કરવામાં આવી છે."નાયકે કહ્યું.

"એ ડેડબોડી ચોરી થયા પછી એક લેટર મળ્યો..એવોજ રહસ્યમયી લેટર જે પહેલાં પણ થયેલા હુમલા વખતે મળતો હતો..અને પછી આજે આ ખુની ખેલ ને અંજામ આપવામાં આવ્યો" ત્યારે ગુસ્સા અને હતાશા ની ઝાંખી ઝલક અર્જુન ના હંમેશા શાંત રહેતા ચહેરા પર વર્તાઈ રહી હતી.

"એનો મતલબ તમે એમ કહેવા માંગો છો કે ડોકટર નકુલ દેશમુખ ની હત્યા એક કુતરા દ્વારા."આટલું બોલી નાયક અટકી ગયો..

"હા નાયક તું જે વિચારે છે એમજ..આ હુમલો એજ કુતરા દ્વારા કરવામાં આવેલો છે જેની ડેડબોડી ની ચોરી ફોરેન્સિક લેબ માંથી કરવામાં આવી છે..."અર્જુને કહ્યું.

"પણ એક મૃત કુતરા દ્વારા આ ઘટનાને અંજામ આપવાની વાત વિચિત્ર નથી લાગતી..?" નાયકે પ્રશ્નસુચક આંખો સાથે પૂછ્યું.

"જો નિખિલ અને આરઝુ ની ડેડબોડી એક શૈતાન તરીકે પુનઃજીવીત થઈ નિર્દોષ લોકો નું લોહી રેડી શકતી હોય તો એક શ્વાન ની ડેડબોડી ને પણ પુનઃજીવીત કરી શકવાની વાત વધુ નવાઈ પમાડે એવી તો ના જ કહેવાય..."ગહન વિચારોમાં ખોવાયેલા અર્જુને કહ્યું.

"હા સાહેબ...એ વાત બિલકુલ ખરી તમારી..પણ આ બધી ઘટનાઓ પાછળ કોનો હાથ હોઈ શકે?" નાયકે કહ્યું.

"એ અજાણ્યા માણસ નું નામ ડેવિલ છે .પણ એ ડેવિલ નો સાચો ચહેરો જ્યાં સુધી આપણી આંખો સુધી નહીં આવે ત્યાં સુધી આ બધી ઘટનાઓ ની જડ સુધી જવું અશક્ય છે.."અર્જુને ખુલ્લી બારી તરફ જોતા કહ્યું.

"સાહેબ તમારા કહેવાનો મતલબ કે એ કુતરા ને કોઈએ પુનઃજીવીત કર્યો છે અને એ બારીમાંથી ડોકટર સાહેબ ની કેબીન માં આવ્યો અને એમના પર અચાનક હુમલો કરી એમને મોત ને ઘાટ ઉતારી દીધા"નાયકે અર્જુન ની નજીક જઈને કહ્યું.

"હા નાયક એમજ.."અર્જુને આટલું કહી..ટીવી ઓન કર્યું અને દરવાજો બંધ કરી નાયક ને બહાર મંદાકિની ના ટેબલ જોડે જવા કહ્યું..પછી પોતે નકુલ દેશમુખ ની ડેડબોડી જોડે આવ્યો અને જોર થી નાયક ને બુમો પાડી.. ત્યારબાદ દરવાજો ખોલી નાયક ને પૂછ્યું કે એને કંઈ સંભળાયું કે નહીં..નાયકે નકાર માં જવાબ આપતાં અર્જુન સમજી ગયો કે સાઉન્ડ પ્રુફ રૂમ અને ટીવી ના ઉંચા અવાજ ના લીધે ડોકટર દેશમુખ ની ચીસો મંદાકિની સુધી પહોંચી શકી નહીં હોય.

નાયકે અર્જુન ના કહ્યા પ્રમાણે દરેક વસ્તુ ને વિગતવાર નોંધી લીધી..પછી પોતાના મગજ માં ઉત્તપન્ન થયેલા સવાલ ને અર્જુન સમક્ષ મુક્યો..

"તો શું આપણે બહાર બધા ને એમ કહીશું કે આ ખુન એક શ્વાન દ્વારા થયું છે..લોકો માનશે આપણી વાત ?"

"હું પણ એજ વિચારતો હતો..આપણે લોકો ને આ હુમલો કોના દ્વારા થયો એ અત્યારે નહીં જણાવીએ જ્યારે કોઈ નક્કર સબુત હાથમાં આવશે પછી જ આ હુમલા ની વિગતો મીડિયા અને લોકો ને જણાવીશું..અત્યારે કોઈ પૂછે તો કહી દઈશું કે અમે હજુ ખુની ને શોધી રહ્યા છીએ.." અર્જુને નાયક ના સવાલ નો યોગ્ય જવાબ આપ્યો..

"હા એમ જ કરીશું.."નાયકે હકાર માં ડોકું ધુણાવ્યું.

અર્જુન નાયક ને ફોટોગ્રાફર અને ફોરેન્સિક ટીમ વાળા ને અહીં આવી જવા માટે જણાવવાનું કહી..ડોકટર નકુલ ની કેબિનમાંથી બહાર નીકળ્યો...જાની બહાર અર્જુન ની રાહ જોતો જ ઉભો હતો..અર્જુન ને જોઈ એ અર્જુન ની તરફ આવ્યો અને કહ્યું.

"સાહેબ..મંદાકિની એ એનું બયાન આપી દીધું છે..એમને જણાવ્યું કે "સાંજ ના ૫:૪૫ થવા આવ્યા હતા પણ ડોકટર સાહેબ પોતાની કેબીન માંથી બહાર આવ્યા નહોતા.આમ તો સાંજે ૫ વાગ્યા પછી એ ઘરે જવા નીકળી જાય છે.હું પણ સાંજે છ વાગે ઘરે જવા માટે નીકળી જાઉં છું..મને એમ કે ડોકટર સાહેબ ને કંઈક કામ હશે..આજે કોઈ પેન્ડિંગ પેશન્ટ બપોર પછી નહોતું એટલે હું ઘરે જવાની રજા માંગવા અંદર ગઈ તો ડોકટર સાહેબ નજર માં ના આવ્યા..પછી ટેબલ ની જોડે ડોકટર સાહેબ ના પગ જોયા એટલે ત્યાં નજીક જઈને જોયું તો ડોકટર સાહેબ..." આટલું કહી એ ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા..પછી એમને પોલીસ સ્ટેશન ફોન કરી આ ઘટના ની વિગત જણાવી..

એમને એ પણ કીધું કે એમને ડોકટર સાહેબ ની કેબીન માંથી કોઈપણ પ્રકાર નો અવાજ સાંભળ્યો નહોતો.

"હા જાની.. મંદાકિની સાચું કહી રહી છે..ડોકટર દેશમુખ ના કેબીન ને સાઉન્ડ પ્રુફ ડિઝાઇન કરાયું હતું..જેથી બહાર નો અવાજ અંદર ના આવે અને અંદર નો અવાજ બહાર ના જઇ શકે..એટલે જ ડોકટર સાહેબ ની ચીસો બહાર કાઉન્ટર પર બેસેલા મંદાકિની બેન ને નહીં સંભળાઈ હોય." અર્જુને મંદાકિની નું બોલેલું અક્ષરશ સાચું છે એ તરફેણ કરતા કહ્યું.

અર્જુન ને અત્યારે સિગરેટ ની જોરદાર તલપ લાગી હતી એટલે નાયક અને જાની ને જરૂરી સુચન આપી શોધખોળ કરવા ના બહાને અર્જુન ડોકટર દેશમુખ ની કેબીન ની પાછળ ની તરફ ગયો.રસ્તામાં જતા જતા અર્જુને ખિસ્સામાંથી સિગરેટ અને લાઈટર કાઢ્યું અને સિગરેટ ને સળગાવી. સિગરેટ ના કશ પણ અત્યારે મગજ માં ચાલતી દુવિધાઓ ને રોકવામાં અસમર્થ હોય એવું અર્જુન ને લાગી રહ્યું હતું.

"ડેવિલ એકવાર તું મારી સામે આવી જા પછી હું જોવું છું કે તને કોણ બચાવે છે.."મનમાં ને મન માં ગુસ્સા થી બોલતો બોલતો અર્જુન ડોકટર દેશમુખ ના કેબીન ની પાછળ ખુલ્લી રહેલી બારી જોડે આવ્યો..અર્જુને જોયું તો બારી ૪-૫ ફૂટ થી વધુ ઉંચી નહોતી.

"એક કુતરા માટે આટલું કુદવું સામાન્ય કહેવાય.એમાંપણ જો એ શ્વાન શૈતાની શક્તિ ધરાવતો હશે તો એના માટે આ બધું કરવું તો એક તુચ્છ બાબત જ ગણાય..એક મૃતદેહ માં પુનઃ જીવ સ્થાપિત કરી એના જોડે પોતાનું કામ કઢાવવું આ વાત તો વિચારીને જ મગજ ચકરાવે ચડી ગયું..ક્યાં છે તું ડેવિલ?" ગુસ્સા માં બબડતાં બબડતાં અર્જુને સિગરેટ નું ઠૂંઠું નીચે નાખી ને એના પર પગ મૂકી મસળી દીધું.

પોલીસટીમ દ્વારા બીજી કાનુની પ્રોસેસ કરવામાં આવી..ફોરેન્સિક એક્સપર્ટ ની ટીમ અને ફોટોગ્રાફર દ્વારા પોતપોતાનું કામ બખુબી પૂર્ણ કરવામાં આવ્યું.ડોકટર નકુલ દેશમુખ ની લાશ નું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું અને સવારે એમના ફેમિલી મેમ્બર ના આવ્યા પછી..એમના દેહ ના રાજકીય માન મોભા સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા.

ડોકટર દેશમુખ ના અંતિમ સંસ્કાર ની વિધિ માં દેશ ના અને રાજ્ય ના મોટા મોટા લોકો ઉપસ્થિત રહ્યા..પોલીસ દળ ના પણ ઉચ્ચ કર્મચારીઓ ડોકટર દેશમુખ ના અંતિમ દર્શનાર્થે આવ્યા હતા.કમિશનર વિક્રમ સિંહ ઝાલા એ અર્જુન ને ખાનગી માં બોલાવી આ કેસ નું જલ્દી માં જલ્દી સોલ્યુશન લાવી કાતિલ ને પકડી લેવાનું કહેવામાં આવ્યું.

કમિશનર ઝાલા ની વાત સાંભળી અર્જુને બસ હકાર માં માથું ધુણાવ્યું..એકવાર તો અર્જુન ને એવું થઈ ગયું કે કમિશનર ઝાલા ને સઘળી હકીકત જણાવી દે પણ અત્યારે એના જોડે એવું કોઈ પ્રુફ નહોતું જેના પર થી એ સાબિત થઈ શકે કે ડોકટર દેશમુખ ની હત્યા એક શ્વાન દ્વારા થઈ છે.

ડોકટર નકુલ દેશમુખ ના અંતિમ સંસ્કાર ને ચાર દિવસ જેટલો સમય વીતી ગયો હતો..રાજ્યભર માંથી મીડિયા અને મંત્રીઓ ના ફોન અર્જુન પર આવતા જેના લીધે અર્જુન પણ રાહત નો શ્વાસ નહોતો લઈ શકતો..હજુ સુધી કઈ દિશા માં આગળ વધવું એ નક્કી કરી શકતું હાલપુરતું તો લોઢા ના ચણા ચાવવા જેવું હતી.!!

ડેવિલ હજુપણ અર્જુન ની નજરો થી ઓઝલ હતો એટલે એના પકડ માં આવવાની તો હજુ ઘણી વાર હતી..અર્જુન પણ માની ગયો હતો કે આ વખતે એનો પનારો કોઈ ચડિયાતા શત્રુ જોડે થયો છે..આ પહેલા અર્જુન માંડવી ના દરિયા કિનારા માં ઘૂસણખોરી કરતાં આતંકવાદી ઓ જોડે પણ બાથ ભીડાવી ચુક્યો હતો પણ આ વખતે મામલો બહુ પેચીદો હતો..એક એવો માણસ જેના જોડે આત્માઓ ને વશ માં કરવાની શક્તિ છે..જેને પોતાની બુદ્ધિક્ષમતા પર પુરેપુરો ભરોસો છે એ વ્યક્તિ કોઈ કાળે આસાની થી નહીં પકડવાનો એની અર્જુન ને ખાતરી હતી.

નકુલ દેશમુખ ની કરપીણ હત્યા પછી રાધાનગર માં જિલ્લા કલેકટર ના હુકમ થી વધારા ના સુરક્ષા કર્મીઓ પુરા પાડવામાં આવ્યા હતા..અર્જુન માટે આ બાબત થોડી લાભદાયી જરૂર હતી..કેમકે એમના આવવાથી હવે દિવસ રાત શહેર ના દરેક ખૂણે ચાંપતો પોલીસ બંદોબસ્ત જાળવી રાખવામાં આવતો.

અર્જુન પોતાની કેબીન માં બેઠો બેઠો ચા ની ચૂસકી સાથે મારબલો સિગરેટ ની મજા લઈ રહ્યો હતો ત્યારે નાયક કેબીન માં પ્રવેશ્યો..

"આવ આવ નાયક બેસ..."અર્જુને નાયક ને બેસવાનું કહ્યું.

નાયકે અર્જુન ની સામે ખુરશી માં સ્થાન લીધું..અને કહ્યું.

"સર..આ વખત ના હુમલા માં એક વાત નવાઈ ઉપજાવે એવી હતી..આવું આગળ ક્યારેય નથી બન્યું"નાયકે વાત ચાલુ કરતાં કહ્યું.

"એવી તો કઈ વાત છે જે નવાઈ ઉપજાવે એવી છે..તને એ જોઈ નવાઈ નથી થઈને કે કોઈ મનુષ્ય ના મૃતદેહ ને પુનઃજીવીત કરવાની જગ્યા એ આ વખતે ડેવિલે એક શ્વાન ને પુનઃજીવીત કરી એના દ્વારા ડોકટર દેશમુખ ની હત્યાને ને અંજામ આપ્યો?"અર્જુને સવાલ ના જવાબ માં સવાલ કર્યો.

"હા એ વાત તો છે જ જે અલગ છે પણ આ ઉપરાંત આ હુમલો રાત ની જગ્યા એ ધોળા દિવસે થયો..એ વાત ક્યારનીયે મને ખટકી રહી છે" નાયકે ધીરે થી કહ્યું.

"હા નાયક તારી આ વાત સાથે હું પણ સહમત છું..દિવસે હુમલો કરાવીને ડેવિલ આપણ ને ખુલ્લો પડકાર ફેંકી રહ્યો છે કે દમ હોય તો એને રોકી ને બતાવીએ" અર્જુન ની આંખો માં આ શબ્દો બોલતા બોલતા ક્રોધ વર્તાઈ રહ્યો હતો.

"હા સાહેબ..એ તો છે ભલે એ આપણો શત્રુ હોય પણ એની હિંમત અને બુદ્ધિક્ષમતા માટે ઘણીવાર એના મનોમન વખાણ પણ થઈ જાય છે"નાયકે કહ્યું.

"હા નાયક પણ એ શૈતાની દિમાગ ધરાવતા ડેવિલ દ્વારા એની બુદ્ધિ લોકો ના પરોપકાર અને સેવા માટે વપરાઇ હોત તો મને એના માટે ચોક્કસ માન થાત"દાંત કચકચાવીને અર્જુને કહ્યું.

અર્જુન અને નાયક વચ્ચે આ વિશે ઘણી ચર્ચા થઈ..બન્ને ના મન માં એક જ સવાલ હતો કે આ ડેવિલ આખરે હતો કોણ??

અચાનક અર્જુન ના મોબાઈલ ની રિંગ વાગી જોયું તો પીનલ નો ફોન હતો..અર્જુને ફોન ઉપાડ્યો અને કહ્યું..

"હેલ્લો.. ડિયર..કેમ આજે વહેલા યાદ કર્યો..?"

"અર્જુન અભિનંદન..."પીનલ નો મીઠો કોયલ જેવો અવાજ અત્યારે અર્જુન ના કાને પડ્યો.

"કઈ વાત ના અભિનંદન?"અર્જુને ચમકીને પૂછ્યું.

"અર્જુન ભારતીબેન ના હાથ પર ના લખાણ નો અર્થ સમજાઈ ગયો છે..તું જલ્દી લાયબ્રેરી આવ હું તને વિગતે સમજાવું છું.."પીનલ ના અવાજ માં હજુપણ આનંદ વર્તાતો હતો..

"ઓકે..હું હમણાં જ આવ્યો.. અને તું એકલી તો નથી ને?"ભારતીબેન પર થયેલા હુમલા ની વાત યાદ આવતા એને પીનલ ની ચિંતા થઈ એટલે પૂછ્યું.

"અરે હજુ તો સાંજ ના ચાર વાગે છે..અત્યારે તો લાયબ્રેરી માં ઘણી ભીડ છે..કેમ તમે આવું પૂછ્યું કે તું એકલી તો નથી ને?"પીનલે કહ્યું.

"બસ ડાર્લિંગ એમજ..હું આવું છું..ત્યાં સુધી તું સાચવજે.."અર્જુને પ્રેમ થી કહ્યું.

"સારું.."આટલું કહી પીનલે કોલ કટ કરી દીધો.

નાયક અર્જુન અને પીનલ ની વાત સાંભળી રહ્યો હતો..અર્જુન નો કોલ પુરો થતા જ એને પૂછ્યું.

"સર..ભાભી નો ફોન હતો એતો ખબર પડી પણ તમારા ચહેરા પર એક અજબ ની ખુશી અને ચિંતા ના મીશ્રીત ભાવ જોવા મળે છે..એવું તો શું કીધું ભાભી એ..?

"નાયક તને ખબર તો છે કે ભારતીબેનનો મૃતદેહ મળ્યો ત્યારે બોલપેનથી એમના હાથ પર કંઈક લખેલું હતું..?"અર્જુને નાયક ને સવાલ કર્યો .

"હા પણ ભાભીના ફોન ને એ લખાણ સાથે શું સંબંધ?" અર્જુન ની વાત સાંભળી આશ્ચર્ય સાથે નાયકે પૂછ્યું.

"તારી ભાભી એ એ લખાણ ની ગૂંચ ઉકેલી લીધી છે"અર્જુને ગર્વ થી કહ્યું.

"બહુ સરસ..ભાભી ખરેખર ખૂબ હોંશિયાર છે.."નાયકે વખાણ ના સુર માં કહ્યું.

"હા નાયક એ તો છે જ..પણ ભારતીબેન ની હત્યા ની ઘટના પછી મારુ મન બેચેન છે..મને પીનલ ની ચિંતા થઈ રહી છે"અર્જુને કહ્યું.

"તો ચાલો જેમ બને એમ જલ્દી નીકળીએ લાયબ્રેરી માં જવા માટે.."નાયકે ખુરશીમાંથી ઉભા થતા કહ્યું.

"હા નાયક..મારે પણ જેમ બને એમ વહેલી તકે તારી ભાભી ને મળવું જ પડશે"આટલું કહી અર્જુને પોતાની ટોપી માથે પહેરી અને કેબીન ની બહાર નીકળી પડ્યો.....!!!

નાયક પણ અર્જુન ની પાછળ પાછળ કેબીન ની બહાર નીકળ્યો અને અર્જુન ના બુલેટ પાછળ બેસી ગયો..પછી આ રામ અને હનુમાન ની જોડી નીકળી પડી લાયબ્રેરી તરફ.

***

To be continued.....

પીનલ ને એવી તો શું માહિતી મળી હતી? પીનલ જોડેની માહિતી દ્વારા શું અર્જુન ડેવિલ સુધી પહોંચી શકશે કે નહીં? શું ડેવિલ નો નવો હુમલો અર્જુન રોકી શકશે? કોણ છે આ ડેવિલ?બિરવા ના અર્જુન પ્રત્યે ના એકતરફી પ્રેમ નો શું અંજામ આવશે? આ બધા સવાલો ના જવાબ માટે વાંચતા રહો ડેવિલ એક શૈતાન..નવો ભાગ આવતા સપ્તાહે..આ નોવેલ આપ સર્વે ને ખૂબ પસંદ આવી રહી છે..ઘણા લોકો ના whatsup પર મેસેજ આવે છે આપ પણ તમારો અંગત અભિપ્રાય મારા whatsup નમ્બર 8733097096 પર જણાવી શકો છો.

ઓથર:- જતીન. આર. પટેલ