પ્રકરણ ૨૬
આગ!
પહેલી ડિસેમ્બર આવી ગઈ! જીવલેણ દિવસ! જો આજે દસ કલાક અડતાલીસ મિનીટ અને ચાલીસ સેકન્ડે ગોળાને છોડવામાં ન આવે તો બીજા અઢાર વર્ષ ચંદ્રને ફરીથી એ જ શિરોબિંદુ અને તેના પૃથ્વીના સહુથી નજીક આવવાના સમયની રાહ જોવી પડવાની હતી.
હવામાન સુંદર હતું. શિયાળો આવી રહ્યો હોવા છતાં સૂર્ય ચમકી રહ્યો હતો અને તેના ઉજ્જવળ પ્રકાશ હેઠળ પૃથ્વી હતી જેના ત્રણ નાગરિકો થોડાજ સમયમાં તેને છોડીને એક નવી દુનિયામાં જવાના હતા.
જે દિવસ લાંબો રહેવાની અપેક્ષા હતી તેની આગલી રાત્રે ઘણાબધા લોકોને આરામ મળ્યો નહીં. જ્યારે ઘણાબધા હ્રદયો પોતાના ધબકારા ચૂકી જતા હતા ત્યારે માઈકલ આરડનના હ્રદયને બચાવવાનો વિચાર જરૂર આવે. એ સ્થિતપ્રજ્ઞ વ્યક્તિ અહીં નિશ્ચિંત થઈને આવ્યો અને તેના મનમાં અત્યારે કોઇપણ પ્રકારના વિચારો અવી રહ્યા ન હતા.
પ્રભાત ઉગ્યા બાદ સ્ટોન્સ હિલની આસપાસ ઘાસથી ભરેલા વિસ્તારમાં નજર પહોંચે ત્યાંસુધી માણસો ઉભા રહી ગયા હતા. દર પંદર મિનિટે રેલવે અહીં ઢગલાબંધ દર્શકોને ઠાલવી રહી હતી અને ટેમ્પા ટાઉન ઓબ્ઝર્વરના કહેવા અનુસાર ફ્લોરિડાની ધરતી પર પાંચ મિલિયનથી બિલકુલ ઓછી નહીં તેવી સંખ્યામાં દર્શકો આવી પહોંચ્યા હતા.
ગયા આખા મહિના દરમ્યાન આમાંથી મોટાભાગનાઓએ અહીં પડાવ નાખ્યો હતો અને આજ પછી જે ‘આરડનનું શહેર’ તરીકે ઓળખાવાનું હતું તેનો પાયો નાખી દેવામાં આવ્યો હતો. સમગ્ર મેદાન ઝુંપડીઓ, કોટેજો અને તંબુઓથી ભરાઈ ગયું હતું. દુનિયાના દરેક રાષ્ટ્રનો પ્રતિનિધિ અહીં આવી પહોંચ્યો હતો અને એકજ સમયે અહીં અસંખ્ય ભાષાઓ સાંભળી શકાતી હતી. આખું વાતાવરણ ઘોંઘાટથી ભરાઈ ગયું હતું. અમેરિકાના સમાજના તમામ સ્તરના લોકો એકબીજા સાથે સંપૂર્ણ સમાનતા સાથે ભળી ગયા હતા. બેન્કરો, ખેડૂતો, ખલાસીઓ, કપાસના ખેડૂતો, દલાલો, વેપારીઓ, લાયબંબાવાળાઓ, ન્યાયાધીશો એકબીજાની કોણીઓ અડે એ રીતે પોતાને સરળતાથી દ્રશ્યો દેખાય એ રીતે ગોઠવાઈ ગયા હતા. લુઈઝીયાનાના લોકો ઇન્ડિયાનાના ખેડૂતો સાથે ભાઈચારો દેખાડી રહ્યા હતા; કેન્ટકી અને ટેનેસીના સજ્જનો અને વર્જીનીયાના અભિમાનીઓ સિનસિનાટીના ખાટકીઓ, શિકારીઓ અને માછીમારો સાથે વાતચીત કરી રહ્યા હતા. મોટી, નાની અને પનામા હેટ્સ, બ્લુ કોટનના ટ્રાઉઝર્સ, હળવા રંગના સ્ટોકીંગ્સ, સુતરાઉ કપડા આ બધાનું પ્રદર્શન થઇ રહ્યું હતું; દરેક શર્ટના આગલા ભાગ પર, કાંડા પર બાંધવાના બેન્ડ અને નેકલેસ, દરેક આંગળીઓમાં, દરેક કાન પર તેમણે ભાતભાતની વીંટીઓ, શર્ટ પીનો, બ્રોચ, સસ્તા ઘરેણાં પહેરવામાં આવ્યા હતા જેની કિંમત અત્યંત તુચ્છ હતી. સ્ત્રીઓ, બાળકો અને નોકરોએ એક સરખી કિંમતના કપડા પહેર્યા હતા અને તેમની સાથે તેમના પતિઓ, પિતાઓ અથવાતો માલિકો હતો જેઓ પોતાના ઘરના આદિવાસીઓના મુખિયા જેવું વર્તન કરતા દેખાઈ રહ્યા હતા.
જમવાના સમયે એ બધા એ પ્રકારના ભોજન બનાવતા જે દક્ષિણના રાજ્યોને આશ્ચર્ય પમાડે તેવી હતી અને તેને એ રીતે ખાવામાં આવતી કે ફ્લોરિડામાં ખાદ્યપદાર્થોની અછત થવાની ભીતિ વર્તાઈ રહી હતી, દેડકાના ટુકડા, ભરેલા વાંદરા, માછલીનો સૂપ, શક્કરીયા અને રીંછ. અને આ અપાચક ખોરાક સાથે શરાબ પણ જોડાયો હતો. જુદીજુદી શરાબની બોટલો, ગ્લાસ વગેરે દ્વારા શણગારવામાં આવેલી શરાબની દુકાનોમાં એટલો બધો શોરબકોર કરવામાં આવતો હતો કે આ સુંદર દુકાનો હવે ઘાંસના ઢગલા જેવી લાગી રહી હતી. શરાબની દુકાનોમાં ચારેબાજુથી વિવિધ પ્રકારના શરાબની માંગણી કરતી બુમોને કારણે આ દુકાનોના માલિકો ગૂંચવાઈ જતા હતા.
પરંતુ આજના પહેલી ડિસેમ્બરના દિવસે આ પ્રકારના અવાજો ભાગ્યેજ આવી રહ્યા હતા. કોઇપણ વ્યક્તિને ખાવા પીવાનો વિચાર સુધ્ધાં નહોતો આવી રહ્યો અને સાંજે ચાર વાગ્યે પણ લોકોએ પોતાનું રોજિંદુ બપોરનું ભોજન નહોતું લીધું. અને સહુથી નોંધપાત્ર ઘટના એવી બની કે રમતગમત માટેના રાષ્ટ્રીય જુસ્સાએ પણ આ ખાસ ઘટનાની આભામાં વિરામ લેવો પડ્યો હતો.
રાત્રી થવાના સમયે કંટાળાજનક, શાંત વાતાવરણ ઉભું થયું જે સામાન્યરીતે કોઈ મોટી આફત આવવા અગાઉ ઉભું થતું હોય છે અને તેણે લોકોમાં ચિંતાને અનેકગણી વધારી દીધી. અવર્ણનીય ચિંતા દરેકના મનમાં ફેલાઈ ગઈ, હ્રદયને ભારે કરી મુકતી અવર્ણનીય ઉત્તેજના ઉભી થઇ. દરેકને એવું લાગતું હતું કે આ બધું જલ્દીથી પૂરું થાય તો સારું.
જો કે સાંજે સાત વાગ્યે આ શાંતિ વિખેરાઈ ગઈ. ક્ષિતિજે ચન્દ્ર ઉગ્યો. લાખો અવાજોએ તેના આગમનનું સ્વાગત કર્યું. ચન્દ્રએ તેની મુલાકાતનો સમય જાળવ્યો અને તેના સ્વાગતના અવાજો ચારેતરફથી આવવા લાગ્યા, તેના પાતળા કિરણોએ આકાશને સ્વચ્છ કર્યું. આ સંકેતે ફરીથી ઉત્તેજક ચીસો પાડવા માટે લોકોને મજબૂર કર્યા. તરતજ આ વિશાળ સભાએ એક સૂરમાં અમેરિકાનો રાષ્ટ્રીય છંદ “યાન્કી ડૂડ્લ” પાંચ મિલિયન અવાજોમાં દિલથી ગાવાનું શરુ કર્યું જેનો અવાજ એટલો બધો હતો કે તે કદાચ વાતાવરણની સીમાને પણ ભેદીને આગળ વધી શકે તેમ હતો. ત્યારબાદ સમગ્ર ટોળામાં નિરવ શાંતિ વર્તાઈ ગઈ.
એક ફ્રેન્ચમેન અને બે અમેરિકનો આ ટોળાની વચ્ચે તેમના માટે ખાસ આરક્ષિત જગ્યામાં પ્રવેશ્યા. તેમની સાથે ગન કલબના સભ્યો અને તમામ યુરોપિયન ઓબ્ઝરવેટરીઓના પ્રતિનિધિઓ હતા. બાર્બીકેન શાંત અને સંયમિત હતા અને છેલ્લી સૂચનાઓ આપી રહ્યા હતા. નિકોલ દબાયેલા હોઠ અને પીઠ પાછળ હાથ રાખીને કડક પરંતુ સંયમિત પગલા સાથે ચાલી રહ્યો હતો. માઈકલ આરડન કાયમની જેમ સરળ અને પ્રવાસીઓના કપડા પહેરીને, પગમાં ચામડાના ગેઇટર્સ, જેની બંને તરફ ખિસ્સા હતા, ઢીલો વેલ્વેટનો સુટ, મોઢામાં સિગાર, અખૂટ ઉત્સાહ, હાસ્ય સાથે, જોક કરતા જે ટી મેટ્સનની મજાક કરતા કરતા ચાલી રહ્યો હતો. એક શબ્દમાં કહેવું હોય તો તે છેક છેલ્લી ક્ષણ સુધી પાક્કો ‘ફ્રેન્ચમેન’ (અને ખરાબમાં ખરાબ શબ્દો વાપરવા હોય તો ‘પારીસીયન’) લાગી રહ્યો હતો.
દસ વાગ્યા! ગોળામાં પોતપોતાની જગ્યા લઇ લેવાની ક્ષણ આવી ગઈ! બધું છુટું પાડવાની જરૂરી ક્રિયા શરુ કરવામાં આવી જેમકે ક્રેન દૂર કરવી, કોલમ્બિયાડના મુખેથી પાલખ હટાવવું વગેરેને એક ચોક્કસ સમય લાગવાનો હતો.
બાર્બીકેને ક્રોનોમીટરનો સમય સેકન્ડના દસમાં ભાગનો નક્કી કર્યો હતો અને મર્ચીસન નામના એન્જીનીયરને ઇલેક્ટ્રિક સ્પાર્ક દ્વારા તોપમા ધડાકો કરવાની જવાબદારી સોંપી હતી. આ રીતે મુસાફરો પણ પોતાની નજરે જ તેમની વિદાયની ક્ષણને જોઈ શકવાના હતા.
“ગૂડ બાય” કહેવાનું દ્રશ્ય અત્યંત ભાવનાત્મક હતું. અત્યંત ઉત્સાહમાં હોવા છતાં માઈકલ આરડન પણ ભાવુક થયો. જે ટી મેટ્સનની કોરી આંખોમાં એક પ્રાચીન આંસુ જોવા મળ્યું જે તેણે આ ક્ષણ માટે જ બચાવી રાખ્યું હતું તે સ્પષ્ટ હતું. તેણે આ આંસુને પોતાના પ્રમુખના કપાળ પર રેલાવ્યું.
“શું હું ન આવી શકું?” તેણે કહ્યું, “હજી પણ સમય છે!”
“અશક્ય છે મિત્ર!” બાર્બીકેને જવાબ આપ્યો. થોડી ક્ષણો બાદ, અન્ય ત્રણ સાથી મુસાફરો ગોળામાં પ્રવેશ્યા અને પ્રવેશદ્વારને પ્લેટમાં સ્ક્રૂ ભરાવીને બંધ કર્યું. કોલમ્બિયાડના મુખ પરથી પાલખને હટાવી દેવામાં આવ્યું અને હવે તે આકાશ તરફ ખુલ્લું થઇ ચુક્યું હતું.
ચન્દ્ર હવે આકાશમાં એટલો બધો ઉંચે આવી ગયો હતો કે તે એકદમ સ્વચ્છ દેખાઈ રહ્યો હતો અને પોતાના ચમકતા તારાઓના માર્ગ કરતા પણ વધારે પ્રકાશિત હતો.
ચન્દ્ર તેના તારામંડળથી આગળ વધી ચુક્યો હતો અને હવે ક્ષિતિજ અને શિરોબિંદુની અધવચ્ચે આવી ગયો હતો. આ સમગ્ર દ્રશ્ય સમયે ખતરનાક શાંતિ વર્તાઈ રહી હતી. પૃથ્વી પર શ્વાસથી ઉદભવતા પવનનું પણ નામોનિશાન ન હતું! તેમના હ્રદય જાણેકે ધબકવાથી ડરી રહ્યા હતા! તમામ આંખો કોલમ્બિયાડના પહોળા મુખ તરફ તંકાયેલી હતી.
મર્ચીસને તેની આંખો અને હાથ ક્રોનોમિટર પર લગાવ્યા. વિદાય હવે ડરામણી ચાલીસ સેકન્ડ દૂર હતી, પરંતુ દરેક સેકન્ડ એક યુગ જેટલી લાંબી લાગી રહી હતી! વીસમી સેકન્ડે બહાર ભેગી થયેલી વિશાળ સભાના મનમાં તેમજ પોતાને ગોળામાં પૂરીને બેઠેલા મુસાફરોના મનમાં એક સામાન્ય કંપારી છૂટી ગઈ તેઓ પણ એ ખતરનાક સેકન્ડોને ગણી રહ્યા હતા. ટોળામાં અહીં તહીં કેટલાક ચિત્કારો વછૂટી ગયા.
“પાંત્રીસ!—છત્રીસ!—સાડત્રીસ!—આડત્રીસ!—ઓગણચાલીસ!—ચાલીસ!—ફાયર!!”
તુરંતજ મર્ચીસને ઇલેક્ટ્રિક બેટરીની ચાવી દબાવી, પ્રવાહીમાં કરંટ વ્યાપ્ત થયો અને કોલમ્બિયાડના છેડે તણખો જોવા મળ્યો.
તરતજ એક આઘાતજનક ધરતીને હલાવી દેતો વૃતાંત વ્યક્ત થયો, જેને કોઇપણ અવાજ સાથે સરખાવી ન શકાય, વીજળીના ચમકારાના અવાજ સાથે પણ નહીં કે પછી જ્વાળામુખીના ધડાકા સાથે પણ નહીં. આ અદભુત અવાજ સાથે કોઇપણ શબ્દ સરખાવી શકાય તેવો ન હતો! પૃથ્વીના પેટાળમાંથી ખાડો પાડી નાખે તેવી અગ્નિ ઉત્પન્ન થઇ. ધરતી ભારે થઇ અને કેટલાક દર્શકોએ ગોળાને બાષ્પમાંથી હવાને સાફ કરતા વિજયી ગમન કરતા જોયો.
***