From the Earth to the Moon - 1 in Gujarati Short Stories by Jules Verne books and stories PDF | ફ્રોમ ધ અર્થ ટુ ધ મૂન - પ્રકરણ ૧

Featured Books
Categories
Share

ફ્રોમ ધ અર્થ ટુ ધ મૂન - પ્રકરણ ૧

ફ્રોમ ધ અર્થ ટુ ધ મૂન – જુલ્સ વર્ન

પ્રકરણ ૧ – ગન કલ્ચર

બળવાના સમય દરમિયાન અમેરિકાના મેરીલેન્ડ રાજ્યના બાલ્ટીમોરમાં એક એવી ક્લબ બની હતી જેમાં એવા લોકો ભેગા થતા જે પોતાની જાતને લશ્કરી અધિકારીઓ માનતા. જો કે ખરેખર આ લોકો તો જહાજોના માલિકો, નાની-મોટી દુકાનોના માલિકો કે પછી મીકેનીકો જ હતા. પરંતુ જ્યારે તેઓ આ ક્લબમાં ભેગા થતા ત્યારે પોતાની જાતને કેપ્ટન, કર્નલ અને જનરલ માની બેસતા. સાચું કહીએ તો આ લોકોએ નજીકમાં જ આવેલી વેસ્ટ પોઈન્ટની મિલીટરી સ્કૂલનો દરવાજો પણ નહોતો જોયો. પરંતુ આ લોકો ક્લબમાં ભેગા થઈને પોતાના પૈસાના જોરે તેમના બળવાના વિજયોનો ઉત્સવ મનાવતા.

એક બાબત એ સમયે દરેક લોકો માનતા કે અમેરિકનોએ તોપ બનાવવાના વિજ્ઞાનમાં યુરોપીયનોને પાછળ છોડી દીધા હતા. આ પાછળ એવું ન માનવાને કોઈજ કારણ નથી કે યુરોપીયનો કરતા અમેરિકનોની તોપો વધારે યોગ્ય અથવાતો એની ગુણવત્તા ચડિયાતી હતી. અમેરિકનોએ તોપના વપરાશમાં નવીનતા લાવી અને તોપને વાપરવાના તેમના સાવ અલગ વ્યવહારે તેમને અંગ્રેજો, ફ્રેન્ચ અને રશિયનોથી વધારે ચડિયાતા નિશાનેબાજ બનાવી દીધા. અમેરિકનોની ગન ચલાવવાની નવી રીતને કારણે યુરોપીયનોની તમામ પ્રકારની ગન અને તોપ વામણી પૂરવાર થતી.

એ બાબતે કોઈને પણ આશ્ચર્ય નહોતું થયું કે ધ યાન્કીઝ જે દુનિયાના પહેલા મીકેનીકો ગણવામાં આવે છે તેઓએ ઈન્જીનીયરીંગમાં મહારથ હાંસલ કરી હતી. જેમ ઈટાલીયનો જન્મજાત સંગીતકાર હોવાનું દુનિયા માની ચૂકી છે તેવીજ રીતે યાન્કીઝ પણ જન્મજાત ઈન્જીનીયર્સ હોવાનું પણ સ્થાપિત થઇ ચૂક્યું હતું. કેટલાક જાણીતા યાન્કીઝ દ્વારા બનાવવામાં આવેલી તોપ અને ગન્સ એટલાન્ટીક મહાસાગરની બીજી તરફ આવેલા તેમના હરીફોને હંફાવી રહી હતી.

જ્યારે કોઈ અમેરિકનને કોઈ આઈડિયા આવે છે ત્યારે તે આ આઈડિયા બીજા અમેરિકન સાથે જરૂરથી શેર કરે છે. જો આ આઈડિયા ત્રીજા વ્યક્તિને ખબર પડી જાય તો આ ત્રણ અમેરિકનોમાંથી એક પ્રેસિડેન્ટ બને છે અને અન્ય બે સેક્રેટરી. જો તેમની સાથે ચોથો વ્યક્તિ જોડાય તો તેને રેકોર્ડ કીપર બનાવવામાં આવે છે અને પાંચમો સભ્ય બનતાની સાથેજ ક્લબ સ્થાપિત થઇ જાય છે અને તેની જનરલ મીટીંગ પણ બોલાવી લેવામાં આવે છે. આવી જ રીતે બાલ્ટીમોરમાં એક પછી એક ક્લબો સ્થપાઈ રહી હતી. તોપની શોધ કરનાર એક વ્યક્તિએ લોઢાનું કાસ્ટિંગ સારું કરી શકનાર વ્યક્તિ અને તોપના ગોળા બનાવી શકનાર વ્યક્તિઓને પોતાની સાથે જોડ્યા અને એક ‘ગન ક્લબ’ની સ્થાપના કરવામાં આવી. માત્ર એક જ મહિનામાં આ ક્લબમાં ૧,૮૩૩ સીધી રીતે જોડાયેલા સભ્યો અને ૩૦, ૫૬૫ પત્રવ્યવહારથી બનેલા સભ્યો જોડાઈ ગયા.

જો કે આ ક્લબમાં જોડાવા માટે એક પૂર્વશરત ફરજિયાતપણે પાળવાની હતી. જેણે પણ આ ક્લબમાં જોડાવું હોય તેણે કોઈ એક તોપની ડીઝાઈન બનાવી હોવી જોઈએ અથવાતો તોપ બનાવવી જોઈએ કે પછી તોપ જેવું લાગે એવું કશુંક તો જરૂર બનાવ્યું હોવું જોઈએ. આ ક્લબમાં તોપને સારી રીતે ચલાવી શકનાર વ્યક્તિઓને સૌથી વધારે માનપાન મળતા અને તેમને કાયમ ઉચ્ચ હોદ્દાઓ પણ આપવામાં આવતા. ગન ક્લબમાં સભ્યોને સામેથી ઉમેરવા માટે ક્લબ દ્વારા એવો નિયમ બનાવવામાં આવ્યો હતો કે એ વ્યક્તિએ બનાવેલી તોપની સાઈઝ અને તેની તોપે છોડેલા ગોળાનું અંતર આ બંનેનો ગુણોત્તર જેનો સૌંથી વધારે આવે તેને જ ક્લબનો સભ્ય બનાવવા માટે સામેથી આમંત્રિત કરવો.

ગન ક્લબની સ્થાપનાથી તરતજ ફાયદો એવા પ્રતિભાવાન અમેરિકનોને થયો જેઓ તોપ બનાવવા માટેની કળા તેમના વિવિધ સંશોધનોને લીધે હસ્તગત કરી ચૂક્યા હતા. તેમણે મિલીટરી માટે બનાવેલી તોપોને અદભુત સફળતા મળી જો કે કેટલીક તોપો તેમની ક્ષમતા કરતા પણ વધારે અંતરે ગોળો ફેંકવા માટે નિષ્ફળ પણ નીવડી. પરંતુ આ તમામ શોધોને લીધે યુરોપીયનોની તોપો અમેરિકનોની તોપો સામે ડરપોક લાગવા લાગી હતી.

યાન્કીઝ માટે એટલું જરૂર કહેવું પડે કે તેઓ હિંમતવાળા હતા અને બાદમાં તેમણે તેમની વીરતા પૂરવાર પણ કરી બતાવી હતી. યાન્કીઝની લડવાની રીત અલગ અને અન્યો કરતા જૂદીજ ફોર્મ્યુલાવાળી હતી પણ તેમને તેમના કાર્યના અઢળક નાણા મળતા. તેમણે પોતાની જાતને લેફ્ટનન્ટથી માંડીને જનરલ સુધીના તમામ પદ આપી દીધા હતા. ભલે પછી જોડાનારો એકદમ યુવાન છોકરો હોય કે પછી તે વર્ષો સુધી તોપ બનાવવામાં ઘરડો થઇ ગયો હોય. અહીં તમામ ઉંમરના લોકો જોવા મળતા. જેમણે યુદ્ધના મેદાનમાં વીરતા દેખાડી હોય તેમનું નામ ગન ક્લબની 'બૂક ઓફ ઓનર’માં સામેલ થતું. આ તમામ લોકોને તેમની વીરતા ના વળતર રૂપે ભારે માત્રામાં નાણા અને કિંમતી વસ્તુઓ પણ ભેટમાં આપવામાં આવતી.

ગમે તે હોય પરંતુ આ લોકોને તેની કોઈજ પડી ન હતી. તેઓ તો પોતાના કાર્ય એટલેકે લડાઈમાં જ મસ્ત અને વ્યસ્ત રહેતા. આમાંથી કોઈને પણ એકબીજાની ઈર્ષા ન થતી. તેમનો એક પ્રોજેક્ટ પૂરો થાય તો બીજો પ્રોજેક્ટ તેનાથી દસગણો વધી જતો.

પરંતુ એક દિવસ આ બધુંજ બંધ થઇ ગયું કારણકે યુદ્ધની બંને તરફના લોકોએ સંધી કરી લીધી હતી. બંદૂકો, તોપો અને અન્ય શસ્ત્રોને વિરામ આપી દેવામાં આવ્યો. આ તમામ શસ્ત્રો શસ્ત્રાગારમાં પરત થઇ ગયા અને બંદૂકો અને તોપોના અવાજ જાણેકે અચાનક જ બંધ થઇ ગયા. પરંતુ યુદ્ધમાં માર્યા ગયેલાઓ પ્રત્યે શોકની ભાવના જાગ્રત થઇ અને તમામ લોકો ખિન્ન અને નિરાશ તેમજ દુઃખી લાગવા લાગ્યા.

ગન ક્લબ પણ સૂનીસૂની થઇ ગઈ. કેટલાક લોકો હવે યુદ્ધ પૂરું થઇ જવાને કારણે હવે શસ્ત્રોનો ઉપયોગ કયા સંજોગોમાં કરવો તેના નિયમો ઘડવામાં વ્યસ્ત થઇ ગયા. એક સમયે જ્યાં પગ મુકવાની પણ જગ્યા નહોતી મળતી એ ગન ક્લબમાં હવે ચકલુંય ફરકતું ન હતું. ક્યાંક ક્યાંક કોઈ વ્યક્તિ ટેબલ પર માથું ઢાળીને બેઠી હોય એવું જરૂર દેખાતું. તો કેટલાક ટેબલ પર છાપાંઓના ઢગલા એમનેમ પડ્યા જોવા મળતા. ગન વિષેની વાતો અને યુદ્ધની ચર્ચાઓ હવે સપના જેવું બની ગયું હતું.

‘આ બધું ભયંકર લાગે છે. કશું કરવાનું પણ નહીં અને હવે શું થશે તેની કોઈ વાત નહીં. આ બધું ઘૃણા ઉપજાવે એવું છે.’ ફાયરપ્લેસમાં લાકડાં સરખા કરતા ટોમ હન્ટર બોલ્યો.

‘એ દિવસો હવે તું ભૂલી જા ભાઈ. આખો દિવસ બંદુકો ચલાવવાની ભલે તેનું કાસ્ટિંગ બરોબર થયું હોય કે નહીં. દુશ્મનોને શોધીશોધીને મારવાના... આ બધું હવે ભૂતકાળ થઇ ગયું. શર્મન અને મેક્ક્લેલન જેવા મિત્રો આવીને તમારી બહાદુરીના વખાણ કરશે એવું વિચારવાનું પણ નહીં. જનરલો હવે પોતપોતાને ઘેર જતા રહ્યા. એક જમાનામાં શસ્ત્રો તૈયાર કરતા લોકો હવે રૂના બેલાં પેક કરીને બહાર મોકલવા માંડ્યા છે. હે ભગવાન! અમેરિકામાં હવે શસ્ત્રોનું કોઈજ ભવિષ્ય નથી.’ નિરાશ જોલી બિલ્સ્બી એ પણ પોતાનું મંતવ્ય આપ્યું.

‘હા દોસ્ત! દૂરદૂર સુધી યુદ્ધની કોઈજ શક્યતાઓ દેખાતી નથી અને એ પણ એવા સમયે જ્યારે શસ્ત્રોમાં નવીનવી શોધ કરવાની બસ શરુઆત જ થઇ હતી. જો હું આજે જ તમારી પાસે મારી નવી શોધ વિષે ચર્ચા કરવા આવ્યો છું જે ખૂબ દૂર સુધી મોર્ટાર ફેંકી શકે છે.’ ગન ક્લબમાં પ્રખ્યાત એવા જેમ્સ ટી મેસ્ટ્ને પણ સૂર પૂરાવ્યો.

‘શું વાત કરો છો? શું એવું શક્ય છે?’ ટોમ હન્ટરે જે ટી મેસ્ટ્નની વાત સાંભળતા જ પોતાની કુદરતી પ્રતિક્રિયા આપી. ટોમ હન્ટર મેસ્ટ્નની છેલ્લી શોધની પહેલી જ ટ્રાયલમાં ત્રણસો સાડત્રીસ દુશ્મનોને ખતમ કરી ચૂક્યો હતો.

‘બિલકુલ! જો કે હજી મારી આ શોધને અમલમાં લાવવા અગાઉ ઘણી પરીક્ષાઓમાંથી પસાર થવું પડશે, પરંતુ એનો શો મતલબ છે? આ બધું સમયનો બગાડ જ છે ને, જ્યારે લોકોને હવે શાંતિ ગમવા માંડી છે? આપણા યુદ્ધખોર છાપાંએ તો એવી ભવિષ્યવાણી પણ કરી છે કે યુદ્ધ બંધ થઇ જવાને લીધે હવે અમેરિકામાં વસ્તીવધારા નામની એક મોટી હોનારત પણ સર્જાવા જઈ રહી છે.!’ મેસ્ટ્ને જવાબ આપ્યો.

‘ચલો જે થઇ ગયું એ થઇ ગયું. પણ યુરોપમાં હજીપણ ઘણા નાનામોટા યુદ્ધો ચાલી રહ્યા છે જેમાં લોકો પોતપોતાના પ્રદેશવાદને કારણે એકબીજા સાથે લડી રહ્યા છે. કદાચ આમાંથી કોઈ એક રાજ્ય આપણી સેવાઓનો લાભ લેવાનું સ્વીકારે તો...’ કર્નલ બ્લોમ્સબેરી અચાનક જ બોલી પડ્યા.

‘તમે સપનું તો નથી જોઈ રહ્યાને કર્નલ? આપણી ગન ફેક્ટરીઓ હવે વિદેશીઓ માટે કામ કરશે?’ બિલ્સ્બી ત્રાડ પાડી ઉઠ્યો.

‘અહિયાં ક્લબમાં નવરા બેસી રહેવા કરતા તો એ બરોબર જ છે ને?’ કર્નલે શાંતિથી જવાબ આપ્યો.

‘એ તો બરોબર જ છે, પણ તોયે આપણે એવા સપનાંઓ ન જોવા જોઈએ.’ મેસ્ટ્ન બોલ્યો.

‘કેમ?’ કર્નલનો અવાજ ભારે થયો.

‘કારણકે તેમના લશ્કરના નિયમો જરીપુરાણા થઇ ગયા છે. તેમની અને આપણી માન્યતાઓ વચ્ચે આસમાન જમીનનો ફરક છે. તેઓ એવું માને છે કે એક સૈનિક ત્યાંસુધી જનરલ ન બની શકે જ્યાંસુધી તેણે કેટલોક સમય સેનાનો ઝંડો ન ઉપાડ્યો હોય. આનો તો એક જ મતલબ થયો કે કોઈ વ્યક્તિ ત્યાંસુધી પોતાની તોપ ન વાપરી શકે જ્યાંસુધી એ પોતાના પર એનો પ્રયોગ ન કરે.’ મેસ્ટ્ને જવાબ આપ્યો.

‘આ તો બકવાસ કહેવાય. પણ આનો મતલબ એક જ છે કે આપણી પાસે હવે તમાકુની ખેતી કે પછી વ્હેલના તેલને શુદ્ધ કરવા સિવાયના બીજા કોઈજ કામ બચ્યા નથી.’ પોતાની છરીને ખુરશીના હાથા પર ઘસતા ટોમ હન્ટર બોલ્યો.

‘શું? એટલે હવે આપણે આપણા શસ્ત્રો ક્યારેય નહીં વાપરી શકીએ? આપણને આ શસ્ત્રો ક્યા સુધી વાર કરી શકે છે એ જોવાની તક ક્યારેય નહીં મળે? શું હવે આપણે આપણી બંદુકોમાંથી ગોળી છૂટતી વખતે નીકળતો અગ્નિ જોવાનું મનોરમ્ય દ્રશ્ય ક્યારેય નહીં જોઈ શકીએ? એવું કશું ન થાય કે આપણે એટલાન્ટીકની પેલેપાર કોઈ સાથે યુદ્ધ જાહેર કરી દઈએ? કોઈક ફ્રેન્ચ આપણી સ્ટીમર ડુબાડી દે કે પછી કોઈ અંગ્રેજ આપણા સ્વતંત્ર રાષ્ટ્રના હક્ક પર તરાપ મારે? જે ટી મેસ્ટ્ન ચિત્કારી ઉઠ્યો.

‘ના એવા આપણા નસીબ ક્યાંથી? આવું કશું જ નથી થવાનું અને જો એવું થાય તો પણ આપણો એમાં કોઈજ ફાયદો નહીં હોય. અમેરિકા માટે હવે કોઈજ સંભાવનાઓ રહી નથી. જો જો થોડા દિવસોમાં આપણા બધાની જિંદગી કુતરા જેવી થઇ જશે.’ કર્નલ બ્લોમ્સબેરી નિરાશ થઈને બોલ્યા.

‘હા, મને પણ હવે આ સાચું લાગવા લાગ્યું છે. લડવા માટે હજારો કારણો છે પરંતુ તો પણ આપણે હવે લડી નહીં શકીએ. આપણે આપણા શસ્ત્રો અને આપણી જાતને એવા લોકો માટે બચાવી રહ્યા છીએ જેમને યુદ્ધનો કક્કો પણ નથી આવડતો. ઉભા રહો, લડવા માટે બીજું કોઈ કારણ શોધવા કરતા મને એમ કહો કે એક સમયે આપણા પર અંગ્રેજો રાજ કરતા હતા કે નહીં?’ મેસ્ટ્ન કશુંક વિચારીને બોલ્યો.

‘હાસ્તો વળી.’ ટોમ હન્ટર પોતાની કાંખઘોડી પછાડીને બોલ્યો.

‘તો પછી, હવે અંગ્રેજોનો વારો ન આવી શકે આપણા ગુલામ બનવાનો?’ મેસ્ટ્ને પોતાનો વિચાર જાહેર કર્યો.

‘હા એ તદ્દન યોગ્ય અને ન્યાયી પણ રહેશે.’ કર્નલ બ્લોમ્સબેરી બોલ્યા.

‘તો પછી જાવ અને અમેરિકાના પ્રેસિડેન્ટને આમ કરવાની વિનંતી કરો અને પછી જુઓ કે એ શો જવાબ આપે છે.’ મેસ્ટ્ન ચિત્કારી ઉઠ્યો.

‘હંહ.. એવું એ ક્યારેય નહીં કરે.’ બિલ્સ્બી પોતાના ચોથા દાંત વચ્ચેથી અવાજ કાઢીને બોલ્યો જેને એ યુદ્ધમાં ગુમાવી ચૂક્યો હતો.

‘તો ભગવાનના સમ ખાઈને બોલું છું કે તેમણે આવતા ઈલેક્શનમાં મારા વોટની આશા ન રાખવી જોઈએ.’ મેસ્ટ્ન ગુસ્સે થઈને બોલ્યો.

‘અને અમારા પણ.’ ત્યાં બેઠેલા તમામે મેસ્ટ્નની વાતમાં સૂર પૂરાવ્યો.

‘તો ત્યાં સુધી, મને એવું જાહેર કરવા દો કે, જો મને મારા નવા મોર્ટારને અસલી યુદ્ધભૂમિ પર વાપરવાની છૂટ નહીં મળે તો પછી હું મારી ગન ક્લબના મેમ્બર્સને સદા માટે ગૂડ બાય કહીને આર્કેન્સોલના ઘાસના મેદાનોમાં મારી જાતને દફનાવી દઈશ.’ મેસ્ટ્ન નિરાશ થઈને બોલ્યો.

‘જો એવું થશે તો અમે પણ તારી સાથેજ આવીશું.’ ફરીથી બધાએ મેસ્ટ્નની વાતમાં પોતાનો સૂર પૂરાવ્યો.

હવે આ બાબત ગંભીર વણાંક લઇ રહી હતી. ગન કલબના અસ્તિત્વનો સવાલ સામે આવીને ઉભો રહી ગયો હતો. પરંતુ અચાનક કશું એવું બન્યું જેણે આ હોનારત ટાળવાનો પ્રયાસ કર્યો.

આ ચર્ચાના થઇ તેના બીજા દિવસે ક્લબના દરેક સભ્યને એક બંધ કવર મળ્યું જેમાં એક પત્ર હતો અને તેમાં નીચે પ્રમાણે લખવામાં આવ્યું હતું:

બાલ્ટીમોર, ઓક્ટોબર 3.

ગન ક્લબના પ્રેસિડેન્ટ પૂરા આદર સાથે તેમની ક્લબના મિત્રોને એમ જણાવવા માંગે છે કે આવનારી પાંચમી તારીખે તેઓએ એક મીટીંગ બોલાવી છે જેમાં તેઓ એક એવો પત્રવ્યવહાર તેમની સામે રજુ કરવા માંગે છે જે ખાસોએવો રસપ્રદ છે. આથી તમામ સભ્યોને વિનંતી કે આ પત્રને તેમનું આમંત્રણ સમજીને મીટીંગમાં હાજર રહેવાનો ભરપૂર પ્રયત્ન કરે.

આપનો વિશ્વાસુ,

ઈમ્પી બાર્બીકેન, P.G.C.