Devil - EK Shaitan -14 in Gujarati Horror Stories by Jatin.R.patel books and stories PDF | ડેવિલ એક શૈતાન-૧૪

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

ડેવિલ એક શૈતાન-૧૪

ડેવિલ : એક શૈતાન

ભાગ-૧૪

આગળ ના પ્રકરણ માં તમે વાંચ્યું...રાધાનગર માં આરઝુ નામ ની મહિલાની લાશ ચોરાયા ના થોડા દિવસો પછી ફરીથી હત્યાઓ નો સિલસિલો ચાલુ થાય છે-શ્રીજી ફાર્મહાઉસ માં પાંચ લોકો ની લાશ મળી આવે છે-બચી ગયેલી પૂર્વી આ હત્યાઓ કોઈ શૈતાની ચુડેલ જેવી સ્ત્રી દ્વારા કરાઈ હોવાનું જણાવે છે-બીજા એક હત્યાકાંડ માં એક સાઈટ પરથી ત્રણ ચોકીદારો ની લાશો મળી આવે છે -પીનલ અર્જુન ને જણાવે છે કે લાયબ્રેરીયન ભારતીબેન એની મદદ કરવા માંગે છે-હવે વાંચો આગળ...

અર્જુન પોતાની બુલેટ લઈને મહાત્મા ગાંધી લાયબ્રેરી આગળ આવીને ઉભી કરે છે..બુલેટ પરથી ઉતરી અર્જુન લાયબ્રેરીની અંદર જવા માટે ડગલાં ભરે છે.

શહેર ની ઉત્તર દિશા માં મહાદેવ મંદિર ની જોડે આવેલી મહાત્મા ગાંધી લાયબ્રેરી રાધાનગર શહેર ની જુના માં જૂની ધરોહર માં એક હતી..આ લાયબ્રેરી ની બહાર ગાંધીજી ની આરસ ની સુંદર પ્રતિમા સ્થાપિત કરેલી હતી અને લાયબ્રેરી ફરતે સુંદર લોન વાવવામાં આવેલી હતી.

અત્યારે રાત ના ૮:૩૦ થવા આવ્યા હોવાથી લાયબ્રેરીમાં અત્યારે નીરવ શાંતિ નો માહોલ હતો.લાયબ્રેરી સવાર ના ૧૦ થી સાંજ ના ૬ વાગ્યા સુધી શહેરીજનો માટે ખુલ્લી રહેતી.ભારતીબેન આ લાયબ્રેરી ના મુખ્ય લાયબ્રેરીયન ઉપરાંત વહીવટકર્તા હોવાથી ઘણીવાર મોડે સુધી કોઈ કામ હોય તો રોકતા હતા.

ભારતીબેન શું જાણતા હતા કાતિલ વિશે એ જાણવાની ઇંતેજારી માં અર્જુન ઉતાવળા પગલે લાયબ્રેરી માં પ્રવેશ્યો. અત્યારે લાઈબ્રેરી માં ટ્યુબલાઈટ ચાલુ હોવા છતાં જોઈએ એટલું અજવાળું નહોતું.

"ભારતીબેન તમે ક્યાં છો?"અર્જુન ને લાઈબ્રેરી માં કોઈ ના દેખાતા એને જોરથી બુમ પાડી.. અર્જુન ના અવાજ નો પડઘો અત્યારે સંભળાઈ રહ્યો હતો.

અર્જુન ના ૨-૩ વાર અવાજ આપતા છતાં કોઈ જવાબ ભારતી બેન તરફ થી ના મળતા અર્જુન ની ચીંતા માં વધારો થયો.

અર્જુને પીનલ ને કોલ કરી ભારતીબેન નો ફોન નમ્બર માંગ્યો અને પોતાના મોબાઈલ માંથી ફોન લગાવ્યો.કોલ કનેક્ટ કરવા ની સાથે અર્જુન ને મોબાઈલ ની રિંગ સંભળાઈ..રિંગ લાઇબ્રેરીમાં જ વાગતી હતી..અર્જુન રિંગ ના અવાજ ની દિશા કાન માંડી એ તરફ આગળ વધ્યો.

આગળ ઘણા બધા પુસ્તકો ના કબાટ હતા..વિશાળકાય લાઈબ્રેરી માં અત્યારે અર્જુન એની જાત ને એકલી મહેસુસ કરી રહ્યો હતો..મનોમન અર્જુન વિચારતો કે દિવસ ના સમયે સેંકડો લોકો થી ભરેલી આ લાયબ્રેરી રાત ના સન્નાટા માં કેવી ગજબ ની બિહામણી લાગી રહી હતી.

કોલ ડિસ્કનેક્ટ થતા અર્જુને ફરી થી ભારતીબેન ના નમ્બર પર કોલ લગાવ્યો.. ધીરે ધીરે રિંગ નો અવાજ ની તીવ્રતા વધી રહી હતી..અર્જુને આગળ વધી જોયું તો દીવાલ ને અડકીને આવેલા વિશાળ કબાટ ની બાજુ માં એક મહિલા જમીન પર પડયા હતા.

અર્જુન એમને જોતાંજ સમજી ગયો કે આ ભારતીબેન જ છે..અર્જુન ફટાફટ એમની નજીક ગયો અને એમના ઉલ્ટા પડેલા દેહ ને સીધો કર્યો..ભારતીબેન નો દેહ સીધો કરતા ની સાથે અર્જુન ના ચહેરા પર ગુસ્સો અને ઉદાસી ફરી વળી.

ભારતીબેન ના ગળા ને ધારદાર હથિયાર થી જાણે કાપવામાં આવ્યું હોય એવું લાગી રહ્યું હતું.ગળા માં પડેલા ઉંડા ઘા ના લીધે શ્વાસનળી કપાઈ જવા ના લીધે એમનું મૃત્યુ થયું હશે એવું અર્જુન ને લાગ્યું..અત્યારે એમની લાશ ની બાજુ માં પડેલું લોહી જોઈ અર્જુન ને લાગ્યું કે ભારતીબેન નું મોત હમણાં થોડા સમય પહેલાં જ થયું હોવું જોઈએ..એટલે કાતિલ વધુ દૂર નહીં ગયો હોય..પણ એ એકલો આવ્યો હતો..એટલે ભારતીબેન ની લાશ ને આમ રઝળતી મૂકી શકે એમ નહોતો..તાત્કાલિક અર્જુને ફોન કાઢી નાયક ને કોલ લગાવી ત્યાં આવી જવા પણ જણાવી દીધું.

પંદર વીસ મિનિટ માં તો નાયક બીજા પોલીસકર્મીઓ સાથે મહાત્મા ગાંધી લાયબ્રેરી માં પહોંચી ગયો.લાયબ્રેરી માં કોઈ ના દેખાતા નાયકે અર્જુન ને કોલ લગાવ્યો અને અર્જુન ના કહ્યા મુજબ ખૂણા માં આવેલ કબાટ જોડે જ્યાં ભારતીબેન ની લાશ મળી હતી ત્યાં પહોંચી ગયો.

"કોણ છે આ મહિલા?અને તમે કેવી રીતે અચાનક અહીં આવી ગયા?"નાયકે અર્જુન ને અહીં આ રીતે હાજર જોઈને કહ્યું.

"નાયક આ ભારતીબેન છે..આ લાયબ્રેરી ના લાયબ્રેરીયન અને કર્તાહર્તા.. તને ખબર તો છે કે તારી ભાભી ને પુસ્તકો નો કેટલો ગાંડો શોખ છે.એના એ શોખ ને લીધે આ ભારતીબેન સાથે એની સારી એવી મિત્રતા થઈ ગઈ હતી."અર્જુને નાયક ના સવાલ નો જવાબ આપતા કહ્યું.

"એટલે પીનલ ભાભી એ તમને ભારતીબેન ના ખુન વિશે જાણ કરી?"નાયકે અર્જુન ની પુરી વાત સાંભળ્યા પહેલાં વચ્ચે જ પૂછી લીધું.

"અરે નાયક તારી આ ટેવ બહુ ખરાબ છે..હજુ મારી વાત પુરી થયા પહેલાં વચ્ચે ટપકી પડ્યો"અર્જુને ગુસ્સા માં કહ્યું.

"સોરી સર"અર્જુન ની આંખો માં ગુસ્સા ને જોઈ નાયકે માફી માંગતા કહ્યું.

"ઇટ્સ ઓલ રાઈટ...પીનલે મને નથી કીધું ભારતીબેન ને મર્ડર વિશે..પણ હા પીનલે જ મને કીધું હતું ભારતીબેન ને મળવા માટે..પીનલે હમણાં એકાદ કલાક પહેલાં કોલ કરી કીધું કે ભારતીબેન આ બધી હત્યાઓ વિશે એવું કંઈક જાણે છે જે મને અને પોલીસ સ્ટાફ ને આ બધી ઘટનાઓ પાછળ કોણ છે એ શોધવામાં મદદ કરી શકે એમ છે.."અર્જુને કહ્યું.

"એવું તો શું જાણતા હતા ભારતીબેન?"નાયક બોલ્યો.

"એતો મને શું ખબર હોય..હું અહીં આવીને મળું એ પહેલાં એમનું કત્લ થઈ ગયું હતું..એમની લાશ જોઈને એવું લાગે છે કે કોઈએ ધારદાર હથિયાર થી એમના ગળા પર ઘા કરી ને એમને મોત ને ઘાટ ઉતારી દીધા છે..સાચેજ ભારતીબેન કંઈક એવું જાણતા હતા જે આપણા માટે ઘણું ઉપયોગી બની શકે એમ હતું એટલે જ કોઈ એ એમની હત્યા કરી દીધી."અર્જુને કહ્યું..હજુ પણ એના શબ્દો માં ભારોભાર હતાશા અને ગુસ્સા નું મિશ્રણ હતું.

"સાહેબ..એનો અર્થ તો એવો જ થાય કે કોઈ એવું છે જે નથી ઇચ્છતું કે આપણે ખુની સુધી પહોંચી શકીએ..પણ આ ઘટના બીજી ઘટનાઓ કરતાં સાવ અલગ છે"નાયકે પોતાનું મગજ કસતાં કહ્યું.

"હા એવું બીજું કોઈ નહીં પણ આગળ ની ઘટના ને અંજામ આપનાર જ છે..પણ તારી એ વાત પણ સાચી કે આ હત્યા બીજી હત્યાઓ કરતા સાવ અલગ જ છે..કેમકે પ્રથમ વાર કોઈ હથિયાર નો ઉપયોગ થયેલો છે અને લાશ ને વધુ વિકૃત કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો નથી..અથવા તો આવું કરવાનો ટાઈમ મળ્યો નથી.."અર્જુને વાત ચાલુ રાખી.

નાયકે અર્જુન ને આંખ થી ઈશારો કરી થોડી દૂર આવવા કહ્યું..જેવા એ બંને બીજા પોલીસ કોન્સ્ટેબલો થી થોડા દૂર ગયા એટલે નાયકે પૂછ્યું"જો સાહેબ આપણી ગણતરી મુજબ આગળ ના હુમલા કોઈ શૈતાની શક્તિ ધરાવતી સ્ત્રી દ્વારા થયા છે તો આ વખતે એને હથિયાર વાપરવાની શું જરૂર પડી?"

"નાયક તારી આ વાત વિશે હું પણ ક્યારનોય વિચારી રહ્યો છું..પણ કોઈ નક્કર પુરાવા વગર આ બધી વાત નું શું અર્થઘટન કાઢવું એની ખબર નથી પડતી."અર્જુને પોતાના મન ની વાત કરી.

"હું એમની લાશ ને પોસ્ટમોર્ટમ માટે મોકલાવું એ પહેલાં ભારતીબેન ના પરિવાર ને આ દુઃખદ સમાચાર આપવા પડશે."નાયકે કહ્યું.

"હા નાયક..હું પહેલાં પીનલ ને આ વિશે જણાવી દઉં..એ ભારતીબેન ના પરિવાર ના સંપર્ક માં છે તો એ એમને જાણ કરી દેશે..સૌપ્રથમ તો આ વાત પીનલ માટે કેટલી કષ્ટદાયક હશે એનો અંદાજો લગાવવો જ મુશ્કેલ છે..આ શહેર માં પીનલ માટે કોઈ પોતાનું કહી શકાય એવું હતું તો એ ભારતીબેન જ હતા."અર્જુને ગળગળા અવાજે કહ્યું.

અર્જુને પીનલ ને કોલ કરી આ ઘટના વિશે જણાવી દીધું..અર્જુન ની વાત સાંભળી પીનલ ખૂબ રડી અને ત્યાં આવવાની જીદ કરવા લાગી..ઘણી તરકીબો અજમાવી અર્જુને એને શાંત કરી અને અહીં આવવાની ના કહી.નાયકે હોસ્પિટલમાં કોલ કરી એમ્બ્યુલન્સ ને મહાત્મા ગાંધી લાયબ્રેરી પાસે બોલાવી લીધી.

થોડીવાર માં એમ્બ્યુલન્સ આવીને મહાત્મા ગાંધી લાયબ્રેરી આગળ ઉભી રહી..સ્ટ્રેચર લાવીને ભારતીબેન ને દેહ ને એની ઉપર રાખવામાં આવ્યો..ભારતીબેન ની લાશ ને સ્ટ્રેચર પર લઈ જેવા હોસ્પિટલ ના સ્ટાફ ના લોકો જતા હતા એવી અર્જુન ની નજર ભારતીબેન ના સ્ટ્રેચર ની બહાર લબડતાં હાથ પર પડી....!!

"ઉભા રહો.."અર્જુને જોર થી બુમ પાડતા સ્ટ્રેચર લઈને ચાલતા હોસ્પિટલ સ્ટાફના લોકો અટકી ગયા.

અર્જુન ઝડપથી સ્ટ્રેચર સુધી ગયો અને ભારતીબેન ના હાથ પર નું લખાણ જોવા લાગ્યો..

હાથ પર અંગ્રેજી માં v.a લખ્યું હતું અને એની પાછળ ગુજરાતી આંકડા માં ૬/૧૧/૧૪ લખ્યું હતું.આ બધું લખાણ કાળા રંગ ની પેન થી લખાયેલું હતું જે જોઈ અર્જુન ના મગજ માં એક ઝબકારો થયો.અર્જુન જ્યારે ભારતીબેન ની લાશ જોડે બેઠો હતો ત્યારે એની નજર પુસ્તકો ભરેલા સામે ના કબાટ ની નીચે પડી..જ્યાં એને કંઈક બોલપેન જેવું જોયું હતું..અર્જુને એ સમયે એ વાતનું ધ્યાન નહોતું આપ્યું..પણ આમ ભારતીબેન ના હાથ પરના લખાણે એના શરીર માં જાણે કરંટ દોડતો કરી દીધો.!!!

અર્જુન ફટાફટ જ્યાં ભારતીબેન ની લાશ પડી હતી એ જગ્યા એ ગયો અને ત્યાં નીચા નમી એને સામેના કબાટ નીચે થી બોલપેન બહાર કાઢી.એ બોલપેન ની શાહી પણ કાળા રંગ ની જ હતી.."એનો મતલબ કે ભારતીબેન નું જ્યારે મર્ડર કરવામાં આવ્યું એ પહેલાં એમને પોતાની પર થનારા હુમલા વિશે જાણી ગયા હોવા જોઈએ એટલે જ એમને કોઈ કલ્યુ આપવાના ઉદ્દેશથી પોતાના હાથ માં ફટાફટ આ બધી હત્યાઓ પાછળ કોણ છે એ વિશે કંઈક લખી દીધું હશે...પણ શું?" અર્જુન સ્વગત બબડયો.

અર્જુને પેન હાથ માં લીધી અને પાછો બધા ની જોડે આવ્યો..અર્જુને આવીને હોસ્પિટલ ના સ્ટાફ ને ભારતીબેન ની લાશ ને લઈ જવા માટે જણાવી દીધું.

***

અત્યારે અર્જુન પોતાની કેબીન માં બેઠો હતો..ભારતીબેન ની હત્યા ને ૨ અઠવાડિયા ઉપર સમય વીતી ગયો હતો..પોસ્ટમોર્ટમ રિપોર્ટ માં ભારતીબેન ની હત્યા કોઈ ચાકુ જેવા હથિયાર થી થઈ હોવાનું માલુમ પડ્યું..પણ એમના શરીર ઉપર કોઈ જગ્યા એ બીજા ઘા જોવા ના મળ્યા જે અર્જુન માટે નવાઈ ની બાબત હતી.

"શું આ હત્યા નો સંબંધ આગળ ની હત્યાઓ જોડે નહીં હોય..?કેમકે જો કોઈ સંબંધ હોત તો જરૂર ભારતીબેન ની લાશ પણ વિકૃત હાલત માં મળવાની શક્યતા હતી? અર્જુન ના મનમાં સવાલો ની હારમાળા સર્જાઈ હતી.

અર્જુન માં સામે પડેલા કાગળ માં ભારતીબેન ના હાથ પર લખેલું લખાણ હતું.! v.a નો અર્થ શું નીકળતો હશે એ અર્જુન સમજી નહોતો શકતો..પણ પાછળ ના આંકડા કોઈ તારીખ દર્શાવી રહ્યા હોય એમ માલુમ પડતું..૬/૧૧/૧૪ નો સીધો અર્થ અર્જુને ૬ તારીખ,૧૧ મો મહિનો અને ૨૦૧૪ ની સાલ એવો કાઢ્યો..!!

૬/૧૧/૧૪ ની તારીખ શું દર્શાવતી હતી એ જાણવા અર્જુન ૩-૪ વખત લાયબ્રેરીમાં જતો આવ્યો હતો પણ કંઈ હાથ નહોતું લાગ્યું.એ તારીખે લાયબ્રેરી માં આવેલ નવા પુસ્તકો વિશે પણ તપાસ કરાઈ જોઈ પણ એ દિવસે કોઈ પુસ્તકો ની ડિલિવરી લાયબ્રેરી માં નહોતી થઈ.

આ ઉપરાંત એ દિવસે લાયબ્રેરી ની એન્ટ્રીબુક માં નોંધાયેલા લોકો વિશે પણ તપાસ કરાવી જોઈ પણ અર્જુન ના હાથ માં કંઈ લાગ્યું નહીં. પીનલ પર પણ ભારતીબેન ની આ પ્રકારે થયેલી હત્યા ની ખરાબ અસર થઈ હતી.અર્જુન પીનલ ને લઈ ને દવાખાને લઈ ગયો જ્યાં અર્જુન ને એક સારા સમાચાર મળ્યા કે એ હવે પિતા બનવાનો છે.!!!!

અર્જુન આ ખબર સાંભળી ખુશી ના માર્યો ઉછળી પડ્યો પણ જ્યારે નૂર વગર નો પીનલ નો ઉદાસ ચહેરો જોયો ત્યારે એ પણ ચિંતિત થઈ ગયો.પોતાની પત્ની ની આવા સમયે આ દશા જોઈ અર્જુન નો જીવ ગભરાઈ રહ્યો હતો.પીનલ ની આ ઉદાસી એના આવનારા બાળક ના સ્વાસ્થ્ય પર ગંભીર અસર કરી શકે છે એવુ ડોક્ટરે અર્જુન ને જણાવ્યું એ સમય થી જ એ પીનલ ને જેમ બને એમ વધુ ખુશ રાખવા પ્રયત્ન કરવા લાગ્યો.

સવારે પીનલ ની સાથે મોર્નિંગ વૉક પર જવું,સાંજે એની જોડે મંદિરે જવું..આવા નાના મોટા પ્રયત્નો થી અર્જુન પીનલ ની ખોવાઈ ગયેલી સ્માઈલ પાછી લાવવા માંગતો હતો.અર્જુન ના પ્રેમ અને હૂંફ ના લીધે પીનલ ની તબિયત માં અને વ્યહવાર માં ઘણો સુધારો થઈ રહ્યો હતો.છતાંપણ અર્જુન જ્યારે પોતે ડ્યૂટી પર હોય અને પીનલ ઘરે એકલી હોય ત્યારે અર્જુન ના મન માં અજાણ્યો ડર હંમેશા ભરાઈ રહેતો.

એક દિવસ પીનલે અર્જુન ને કહ્યું કે " એને વાંધો ન હોય તો એ લાયબ્રેરી માં જ્યાં સુધી કોઈ નવું લાયબ્રેરીયન ના આવે ત્યાં સુધી ભારતીબેન ના સ્થાને સેવા આપી શકે?"

પીનલ ને આ સવાલ સાંભળી ના પાડવાની વાત તો આવતી જ નહોતી.અર્જુને એ વિચારી પીનલ ને સહમતિ આપી કે એ બહાને થોડું મન કામ માં હોય તો એ પાછી પોતાના જુના સ્વભાવ મુજબ વર્તે.!

લાયબ્રેરીમાં જવાનું શરૂ કરે હજુ તો ચાર દિવસ જ થયા હતા પણ એના ચહેરા પર પરિવર્તન પામેલા હાવભાવ ને જોઈ અર્જુન ને મનોમન રાહત થઈ.હવે પીનલ નો વ્યવહાર પહેલાં ની માફક રમતિયાળ અને હસતો થઈ ગયો હતો.

પીનલ ની ચિંતા તો દુર થઇ ગઇ હતી પણ ભારતીબેન ના ખુની અને આગળ ની હત્યાઓ ને અંજામ આપવાવાળી વ્યક્તિ સુધી પહોંચવાનું હજુ ઘણું દુર લાગી રહ્યું હતું જે એના માટે મોટો ચિંતા નો વિષય હતો.!!

અર્જુને શક્ય એટલા પ્રયત્નો કરી જોયા પણ એ કોઈ નક્કર આધાર પર આવી શક્યો નહોતો.ભારતીબેન ના હાથ પર નું લખાણ પણ અર્જુન ની હજુસુધી કોઈ મદદ કરી શક્યું નહોતું.પોતાની મદદ કરવામાં ભરતીબેને જીવ ગુમાવ્યો એ વાત નું દુઃખ અર્જુન ના મન ને વિહવળ બનાવી રહ્યું હતું.

અર્જુને ભારતીબેન ના હાથ પર ના લખાણ વિશે પીનલ ને પણ જણાવ્યું હતું..કે ક્યાંક એને લાયબ્રેરીમાં થી એવો કોઈ કલ્યુ મળી જાય જે હજુ સુધી પોતાની આંખો થી ઓઝલ હતો.નિખિલ રૂપી દૈત્ય એ જ્યારે હત્યાકાંડ સર્જી હાહાકાર મચાવ્યો ત્યારે એના મર્ડર કરવાની એક પેટર્ન હતી પણ આ વખતે ઘણા માથા પછાડયા બાદ પણ અર્જુન ના હાથ માં કંઈ આવ્યું નહોતું.

અર્જુન એક નિષ્ઠાવાન અને ફરજનિષ્ટ પોલીસ ઓફિસર ની જેમ સતત રાતો ના ઉજાગરા કરી રાધાનગર ના લોકો ની રક્ષા માટે પ્રત્યનશીલ રહેતો."કુવા માં હોય તો હવાડા માં આવે" એ ગુજરાતી કહેવત મુજબ અર્જુન ના કામ કરવાની પદ્ધતિ અને ઈમાનદારી થી ફરજ નિભાવવા ની રીત થી પ્રભાવિત થયેલા રાધાનગર પોલીસ સ્ટેશન ના દરેક કર્મચારી પુરી ખંત અને મહેનત થી અર્જુન નો પુરેપૂરો સાથ આપી રહ્યા હતા.!

ફાધર થોમસ ની પણ અર્જુને ત્રણ ચાર વાર મુલાકાત લીધી પણ ફાધર પણ આ વખતે અર્જુન ની કોઈ મદદ કરી શક્યા નહોતા.ઇશ્વરી સંકેત એમને મળતો નહોતો અથવા એ ઓળખી નહોતા શકતા.પણ એક કામ ફાધર થોમસે અર્જુન ના કહ્યા મુજબનું કરી આપ્યું..ગોવા થી ફાધર બેંજામીન જોડે થી દિવ્ય ખંજર બનાવવામાં જે પંચધાતુ વપરાયુ હતું એ જ પંચધાતુ નો થોડો જથ્થો જરૂર લાવી આપ્યો હતો.એ પંચધાતુ માંથી બુલેટ બનાવવા માટે અર્જુને એ જથ્થો હૈદરાબાદ પોતાની સાથે કોલેજ કરતા મિત્ર અને હથિયારો ના નિષ્ણાત દેવધર સક્સેના ને મોકલાવી દીધી હતી.

અર્જુન અત્યારે આગળ શું રણનીતિ ઘડવી એની વિશે વિચારતો પોતાની કેબીન માં બેઠો બેઠો સિગરેટ ઉપર સિગરેટ ફૂંકી રહ્યો હતો.સિગરેટ ના ધુમાડા ના ગોટેગોટા થી આખી કેબીન ભરાઈ ગઈ હોય એવું લાગી રહ્યું હતું.

બપોર ના ૨ વાગવા આવ્યા હતા..પીનલ લાયબ્રેરી માં હોવાથી હવે બપોરનું જમવાનું અર્જુન પોલીસ સ્ટેશન ની બહાર આવેલી નર નારાયણ લોજ માંથી મંગાવતો.જમ્યા પછી થોડો થાક દુર કરવા અર્જુને હજુ આંખ મીંચી જ હતી એટલા માં કેબીન નો દરવાજો નોક થવાના અવાજે એની ઊંઘ માં ખલેલ પહોંચાડી.

"હા..જે હોય એ અંદર આવી શકે છે"બપોર ની મીઠી ઊંઘ બગડતા અર્જુન થોડા ગુસ્સેથી બોલ્યો.

અર્જુન ની પરવાનગી મળતા ની સાથે અશોક અંદર આવ્યો..

"સાહેબ તમારી આંખો પરથી લાગે તમે સુઈ ગયા હતા..હેરાન કર્યા હોય તો મને માફ કરજો પણ એક અગત્ય ની વસ્તુ આપવા મારે અત્યારે આવવું પડ્યું"અશોકે વિનમ્રતા થી કહ્યું.

"કંઈ વાંધો નહીં.. બોલ શું લઈને આવ્યો છે..?"અર્જુને થોડો મૂડ ઠીક કરી કહ્યું.

"સર..આ કવર આવ્યું છે.સ્ટાફ માં બધા ને ખબર છે કે જ્યારે જ્યારે આવા કવરમાં લેટર આવે છે ત્યારે ત્યારે કોઈ મોટી ઘટના બને છે..એટલે જ હું જેવો ટપાલી આ કવર આપી ગયો એવો જ તમારા જોડે લઈને આવ્યો"અશોકે પોતાના હાથ માં રહેલું કવર અર્જુન તરફ લંબાવતા કહ્યું.

અર્જુને જોયું તો આ એવું જ કવર હતું જેવું કવર એને આગળ પણ શ્રેણીબદ્ધ રીતે મળતું રહ્યું છે..અર્જુને પોતાના અવાજ માં ગુસ્સો લાવવા બદલ પસ્તાવો થયો..

"સોરી.. અશોક..હું તારા પર વગર કારણે ગુસ્સો થયો..પણ હું શું કરું તું એ જણાવ..એકતો રાતભર નો ઉજગરો અને આટઆટલી કોશિશો છતાં ખુની આપણી પકડ થી દુર હોય એ વાત ના લીધે ઘણીવાર મગજ બેકાબુ બની જાય છે"અર્જુને અશોક ની માફી માંગી અને સાથેસાથે પોતાના ગુસ્સા નું કારણ પણ જણાવ્યું.

"સાહેબ તમારે માફી માંગવાની કોઈ જરૂર નથી..તમે દિવસ રાત એક કરી આ શહેર ના લોકો ની રક્ષા માટે જે કંઇ કરી રહ્યા છો એ વિશે અમને બધી ખબર છે..માટે હું તમારા ગુસ્સા થી થોડો પણ વ્યથિત નથી થયો..હવે હું જઇ શકું..સર"અશોકે અર્જુન પ્રત્યે પોતાના દિલ માં રહેલું માન દર્શાવતા કહ્યું.

"હા અશોક તું હવે જઇ શકે છે.."અર્જુને કહ્યું.

અશોક ના કેબિનમાંથી બહાર જતાં ની સાથે અર્જુને કવર ખોલ્યું અને અંદર હાથ નાખી એક લેટર બહાર કાઢ્યો..લેટર આગળ મળેલા લેટર જેવોજ હતો..એજ રીત નું ટાઈપિંગ અને નીચે ખોપરી ની ડેન્જર ની નિશાની.. આ વખતે લેટર માં લખેલું..

"રામાયણ માં જ્યારે જ્યારે શ્રીરામ સંકટ માં આવતા ત્યારે હનુમાનજી એમની વ્હારે આવતા..શું કળયુગમાં હનુમાનજી પર સંકટ આવશે તો શ્રીરામ એમની વ્હારે આવશે?" લી. ડેવિલ

અટપટી રીતે લખાયેલા આ લેટરનો અર્થ શોધવામાં ઘણું મગજ કસવા છતાં એ વધુ ખબર ના પડતા એને બીજા લેટર ની સાથે એ લેટર ને રાખી દીધો.

***

To be continued....

ભારતીબેન ના હાથ પર લખેલા લખાણ નો અર્થ શું? અર્જુન ને મળેલા લેટર ના અટપટા લખાણ નો મતલબ શું થતો હશે? ભારતીબેન ની હત્યા આખરે કરી કોને? શું અર્જુન આ બધી ઘટનાઓ ના મૂળ સુધી પહોંચી શકશે? આ બધા સવાલો ના જવાબ માટે વાંચતા રહો ડેવિલ:એક શૈતાન..નવો ભાગ આવતા સપ્તાહે..આ નોવેલ અંગે આપનો અભિપ્રાય મારા whatsup નમ્બર 8733097096 પર જણાવી શકો છો.

ઓથર :- જતીન. આર.પટેલ