Ketluy khute chhe - 9 in Gujarati Short Stories by Ranna Vyas books and stories PDF | કેટલૂય ખૂટે છે!!! (ભાગ - 09 )

Featured Books
  • అరె ఏమైందీ? - 24

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • నిరుపమ - 10

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • మనసిచ్చి చూడు - 9

                         మనసిచ్చి చూడు - 09 సమీరా ఉలిక్కిపడి చూస...

  • అరె ఏమైందీ? - 23

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • నిరుపమ - 9

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

Categories
Share

કેટલૂય ખૂટે છે!!! (ભાગ - 09 )

(૦૯)

ન્યાય

બતકો વચ્ચે હંસ, હાથીઓ ના ઝુંડ વચ્ચે ઐરાવત કે સામાન્ય જીગર ના ગણાતા દીપડા વચ્ચે માતેલો કેસરી ઉભો હોય એમ આજુ બાજુ નાં સાધારણ દેખાતાં ઘર મધ્યે પ્રકાશચંદ્ર ભટ્ટ ની હવેલી જુદી પડતી. રાની પશુઓ ની ઉપમા જરી ખટકે પણ અહી ઐરાવત કે વનરાજ કેસરી ભટ્ટ હવેલી ની ભવ્યતા અને એ પરિવાર ની વર્ષોથી પેઢી દર પેઢી ચાલી આવતી ખ્યાતિ, ઐશ્વર્ય, ભણતર અને ખંતીલ સ્વભાવ તથા કુટુંબ ના તમામ સભ્યો ની પરસ્પર પ્રેમ થી જીવાતી, ઈર્ષા થાય એવી જિંદગી એ બધા નો સરવાળો. ભણતર કમાઈ કે રળી લેવાના સાધન પુરતુ ન રહેતાં સુંદર જીવન જીવવા નું માધ્યમ છે એમ એ કુટુંબ માં વણાઈ ગયેલુ. અને એટલેજ પુસ્તકીયા ભણતર માં અવ્વલ આવતાં બાળકો જયારે સાંજ ના સમયે દાદા પ્રકાશ ચંદ્ર સાથે બેસી સંગીત નો અભ્યાસ કરે ત્યારે તો આખી પોળ માં સોપો પડી જતો. લીમડી પોળ માં બધાં જાણે કે દાદા પોતાના પૌત્રો પાછળ જીવ રેડીદે છે. પોળ એટલે અમદાવાદ એવું ના સમજાય હો કે . આપણે તો અહી મધ્ય ગુજરાત ના એક નાના ગામ દેવાતજ ની વાત કરીએ છીએ.

પ્રકાશ ચંદ્ર પરોઢીએ ઉઠી સ્નાન કરી પૂજા કરે અને પછી પ્રભાતિયાં ગાય. લીમડી પોળ તો એમનાં પ્રભાતિયાં થી જ ઉઠવા ટેવાયેલી. એક ભજન ‘ ગજ કાતર લઇ બેઠો હરિ, વધે ઘટે કરે બરાબર’ પ્રકાશચંદ્ર નું ખાસ પ્રિય. લગભગ રોજ એ ગવાય. પ્રકાશ ચંદ્ર એ ભજન ને માનતા પણ સાચુ. અડોશ-પડોશ માં બધાં સાથે વાત-ચીત દરમ્યાન પ્રકાશ ચંદ્ર અવાર નવાર કહ્યા કરે કે કુદરત નો ન્યાય બહુ ચીવટ વાળો છે સારા કામ નું સારુ ને ખોટા કામ નું ખોટુ અહી નું અહી ભોગવવુ પડે છે. એટલે સત્ય ને નિતી કદી છોડવાં નહી.

પ્રકાશ ચંદ્ર ને બે દીકરા ને બે દીકરીઓ. મોટા દીકરા અને દીકરી નાં લગ્ન એક સાથે લીધેલાં. મોટા દીકરા ની પત્ની જશોદા બહુ સુંદર. પણ નાની ઉંમરે ઘરકામ માથે પડ્યું તે જરા એને કપરુ લાગતુ. એની બીજી કોઈ ફરિયાદ ન કરી શકાય બસ...કામ જરા ધીમુ કરી શકતી. વળી નાની ઉંમરે લગ્ન ના બે-ત્રણ મહિના માં જ તે સગર્ભા થઇ. અને ખબર પડી કે બે જોડીયા બાળકો છે. એટલે એણે આરામ કરવાનો થયો. સમય પસાર થયો અને એક સંસ્કારી કુટુંબ ને છાજે એવી સંભાળ પામી ને જશોદા એ પુરા મહિને એક દીકરા અને એક દીકરી ને જન્મ આપ્યો. ઘર માં આનંદ ની લહેરખી ઉઠી. પણ ત્રણ જ દેવસ માં દીકરી મૃત્યુ પામી. બધાં ને થોડી હતાશા ઘેરી વળી પણ પૂર્ણિમા ના ચંદ્ર જેવું રૂપ જેનું ખીલતુ હતુ એ દીકરા ને જોઈ હરખાતાં રહેતાં બધાં દીકરી ની ખોટ ભૂલી ગયાં. આમેય એક વારે એક બાળક ની જ આશા હોય ને? આતો ઈશ્વરે જોડિયાં બાળકો આપ્યાં એટલે આશા વધી....એમ માની સહુ એ મન વાળ્યું. દીકરો પાંચ મહિના નો થયો એટલે જશોદા એને લઇ પોતાના પિયરથી પાછી ફરી. લગભગ આખા ગામ માં પ્રકાશ ચંદ્ર એ પેંડા વહેંચ્યા. ધીમે ધીમે પુત્રવધુ જશોદા એ ઘરકામ માં જોતરાવુ પડ્યું.

સજ્જન પુરુષો પણ ઘરકામ ને અન્ય બાબતો ને લઈને સ્ત્રીઓ ના કલહ ને નિવારી શકતા નથી. પ્રકાશ ચંદ્ર પણ કઈ એમાં અપવાદ નહતા. દરરોજ કઈ ને કઈ બહાને પ્રકાશ ચંદ્ર નાં પત્ની ચંદન બહેન પુત્રવધુ જશોદા સાથે ઘરકામ ની નાની નાની ભૂલો ને લઇ ઉગ્ર ઝઘડો કરતાં. જશોદા નું પિયર આર્થિક રીતે નબળું અને પાછળ એક બહેન કુવારી. એટલે બિચારી જશોદા ચુપચાપ સહન કરતી. પણ સહન શક્તિ ની હદ થાય ત્યારે ક્યારેક એનાથી સામું બોલાઈ જતુ. અને એ સાંજ એના માટે કયામત ની બની જતી. જેવો એનો પતિ ઘેર આવે કે તરત જ સાસુ ચંદન બહેન દીકરા ને એવી રીતે ફરિયાદ કરતાં કે દીકરો જશોદા ને ઝૂડી જ નાખતો. ક્રુરતા પૂર્વક માર મારી લીધા પછી શાંતિથી માં પીરસે એ રસોઈ જમી યોગેશ સુઈ જતો. ચંદન બહેન ના દિલ માં ચંદન શબ્દ ને સાર્થક કરતી શિતળતા કે સ્નેહાળ વાત્સલ્ય તો હતુ જ નહી કે વહુ ની સહેજ પણ ચિંતા એમને થાય. એ તો મન માં વિકૃત આનંદ લેતાં પોતે પણ શાંતિ થી સુઈ જતાં. જશોદા માર ખાધા પછી સુનમુન થઇ જતી અને લગભગ એક અઠવાડિયા સુધી બરાબર જમતી જ નહી. એના દીકરા અંશ ને આખુ ઘર પ્રેમથી સાચવે. પણ અંશ નું અસ્તિત્વ જેને લીધે છે એ જશોદા માટે એના પતિ યોગેશ ને પણ લાગણી ના થતી.

યોગેશ સાવ લાગણીહીન નહતો પણ માં ની મમતા આગળ એને પત્ની નું માં સામે બોલવું કે ઘરકામ માં બેધ્યાન રહેવુ બહુ ખટકતું. અવાર નવાર ના ઝઘડા અને કલહ તેમજ માનસિક ત્રાસ ની જશોદા પર ધીમે ધીમે અસર થવા માંડી અને એના દિયર ના લગ્ન ના બે દિવસ અગાઉ જ જશોદા માનસિક રીતે અસ્વસ્થ થઇ ગઈ.

માનસિક અસ્વસ્થ શબ્દ તો જેનું શબ્દ વિશ્વ વિશાળ છે એના માટે નો છે સામાન્ય માણસ ની ભાષા માં તો ‘જશોદા ગાંડી થઇ ગઈ’. લગ્ન ની ધમાલ માં વહુ ના ઈલાજ નું કોણ વિચારી શકે? છેવટે ગાંડી ને ઘર ના એક રૂમ માં પૂરી ને આખુ ઘર જાન જોડી ને ગયુ. ખુદ જશોદા ના પતિ યોગેશ ને પણ પત્ની સાથે રોકાવા નો વિચાર ન આવ્યો પ્રકાશચંદ્ર ને મર્યાદા નડી. લગ્ન પછી સારવાર કરાવી. એક બે જગ્યાએ માનતા પણ માની અને એટલેજ કદાચ એક અઠવાડિયા માં જશોદા સાજી થઇ ગઈ. ડોક્ટર ના મત અનુસાર અતિશય માનસિક ત્રાસ ને લીધે જશોદા ના મન પર અસર થયેલી. પ્રકાશ ચંદ્ર એ યોગેશ ને બેસાડી સમજાવ્યો. ચંદન બહેન ની વાતો સાંભળી વહુ ને ત્રાસ ના આપવા બહુ સમજાવ્યો પણ અગાઉ ની જેમ જ આ વખતે પણ તે નિષ્ફળ થયા. થાડા દિવસ શાંતિ રહી ને ફરી પાછુ એ જ સાસુ-વહુ વચ્ચે કલહ પુરાણ શરુ થયું. ઘરકામ તો જશોદા હવે ઘણું સારુ કરી લેતી હતી. પણ ચંદન બહેન ની વિકૃતિ ઘર માં શાંતિ નહતી રહેવા દેતી. એકાદ વર્ષ પસાર થયું ને જશોદા ની દેરાણી નું શ્રીમંત આવ્યું. અને બધાં ના આઘાત વચ્ચે શ્રીમંત ના આગલા દિવસેજ જશોદા ફરી ગાંડી થઇ ગઈ. ફરી એ જ ઈલાજ, બાધા-માનતા ને દસેક દિવસ માં જશોદા સ્વસ્થ! દેરાણી એ પણ દીકરા ને જન્મ આપ્યો. અને એના દીકરા નું પણ ઘર માં એટલું જ માન હતુ જેટલું જશોદા ના અંશ નું. જશોદા દેરાણી સાથે બહુ માન થી વર્તતી અને એને સાચવતી પણ એટલું જ અને કદાચ એટલે જ મકર રાશી આવતાં દેરાણી એ જશોદા ના નામ ને મળતુ ‘જશ’ નામ પોતાના દીકરા માટે પસંદ કરેલું.

અંશ અને જશ બંને પ્રકાશચંદ્ર ને જીવથીય વ્હાલા. અને એટલેજ શરૂઆત માં કહ્યું એમ બન્ને પુત્રો દાદા પાસે બેસી સંગીત નો અભ્યાસ કરે ત્યારે પોળ માં સોપો પડી જતો.

પ્રકાશ ચંદ્ર જશ અને અંશ બન્ને ના ઘડતર માં જીવ રેડી દેતા એમના મન માં એક લક્ષ્ય હતુ કે જેમ ચંદન બહેન ની ખરી-ખોટી વાતો સાંભળી યોગેશ જશોદા પર અત્યાચાર કરતો એમાં યોગેશ નો વિવેકબુદ્ધિ નો અભાવ જવાબદાર હતો. તેમ અંશ કે જશ માં વિવેક બુદ્ધિ નો અભાવ તો ના જ હોવો જોઈએ. એવું નહતું કે એમણે યોગેશ ને સમજાવવા કે વારવા પ્રયત્ન નહતો કર્યો પણ યોગેશ માં ચંદન બહેન નું લોહી વધારે હતુ.

પાંચ વર્ષ પછી બન્ને પૌત્રો અંશ અને જશ ની ચૌલ ક્રિયા હતી એ દિવસે જશોદા ફરી ગાંડી થઇ ગઈ. અને હવે તો લગભગ બધાં ને સમજાઈ ગયુ કે જશોદા ને કૈક માનસિક અસર થઇ ગઈ છે કે શુભ પ્રસંગે અસ્વસ્થ થઇ જાય છે અને પછી બરાબર પણ થઇ જાય છે.

પ્રકાશ ચંદ્ર એ એવું તારણ કાઢ્યું કે સંસારિક પ્રસંગો વખતે આનંદ બહાર થી લાગે ને ખરેખર સંસાર માં તો અત્યંત દુઃખ જ છે .....આ સંસાર...જ મિથ્યા છે.... આવું જશોદા ના મન માં ઠસી ગયુ છે. અને એની પાછળ એણે સહન કરેલી યાતનાઓ જ જવાબદાર છે. અને આટલી માનસિક યાતના થઇ પોતાની પુત્ર વધુ ને પોતાના જ ઘર માં...અને પોતે કઈ ના કરી શક્યા... એવા બોઝ માં ખુબ દુખી થઇ પ્રકાશ ચંદ્ર આડા પડ્યા ને ચીર નિંદ્રા માં પોઢી ગયા. દરરોજ આખી પોળ જેનાં પ્રભાતિયાં સાંભળી ઉઠતી એ આજે પરોઢે જ પોઢી ગયા સદા માટે. ઘર માં રો કકળ થઇ ગઈ. યોગેશ ને પ્રકાશ ચંદ્ર ના ઓશિકા નીચેથી એક કાગળ મળ્યો. એ પત્ર હતો પિતાનો જે એમણે તેને પોતાને ઉદ્દેશી લખ્યો હતો. ત્રણ પાન ના પત્ર માં સાચા દિલ થી એક જ આજીજી હતી કે હવે જશોદા ને સાચવજે....ચંદન નું સાંભળી વહુ ને અન્યાય કરતો નહી નહીતર ....’ગજ કાતર લઇ બેઠો હરિ....’ યોગેશે છુપાવી છતાં આખી પોળ માં આ વાત ફેલાઈ ગઈ..કે પ્રકાશ ચંદ્ર જશોદા ને થયેલા અન્યાય નો બોઝ લઇ મર્યા છે કદાચ એ બોઝ થી જ એમને હાર્ટ એટેક આવ્યો. અને પાછા રાત્રે મરતા પહેલાં પત્ર લખી યોગેશ ને જશોદા ને સાચવવાની સલાહ પણ આપતા ગયા છે. હવે એવો પ્રશ્ન ન કરવો કે યોગેશે છુપાવી તો ય આ વાત કેમની ફેલાઈ! ખરાબ / છુપાવવા જેવી લાગતી વાતો ને પાંખો હોય છે.

પોતાના પિતા પુત્રવધુ ને થયેલ અન્યાય નો બોઝ લઇ મર્યા એ વાત યોગેશ ને ખુબ ખટકી. અને કદાચ એટલેજ એણે જશોદા પ્રત્યે વર્તન એકદમ સુધારી દીધું. ચંદન બહેન કઈ કહે તો ય એ હવે ગણકારતો નહી. આ બદલાવ પિતા ના જીવતાં ન લાવ્યા નો અફસોસ પણ યોગેશ ને રહ્યો.

બીજાં આઠ વર્ષ વિત્યાં અને હર્ષ અને અંશ ની જનોઈ નો પ્રસંગ આવ્યો. હવે વાચક ને ઝાટકો લાગશે કે છેલ્લાં આઠ વર્ષ થી કોઈ મારઝૂડ કે માનસિક ત્રાસ ન હોવા છતાં જનોઈ ના દિવસે જશોદા અસ્વસ્થ! અને હવે સમજણા થયેલા અંશ અને જશ ની આંખો માં રહેલા પ્રશ્નો નો સામનો કેવી રીતે કરવો એ વિચારે યોગેશ પણ રડી પડ્યો. ના...જશોદા ગાંડી નહતી. અન્ય દિવસો માં એનું વર્તન એકદમ સામાન્ય જ હતુ. પણ એણે સહેલા અત્યાચાર ની એવી તો ઊંડી અસર થયેલી કે આ સંસાર સાગર એને વિષ સાગર જ લાગતો અને પાછલી યાતનાઓ એનો પીછો જ નહતી છોડતી.

પચિસ વર્ષ ના જશ અને સત્યાવીસ ના અંશ ના લગ્ન નું રિસેપ્શન એક સાથે ગોઠવાયું ત્યારે પચાસ વર્ષ નાં જશોદા કાકી ને અડોશ પડોશ નાં સહુ એ છેલ્લી વાર ગાંડા થયેલાં જોયાં. ચંદન બા ને મરે તો દસ વર્ષ થઇ ગયેલાં. પણ એમની આપેલી યાતનાઓ જશોદા ના મન માં જીવતી હતી ને! એ તો કાયમી રીતે મનમાં કંડારાઈ ગયેલી.

અંશ ને ત્યાં બે દીકરીઓ ત્રણ-ત્રણ વર્ષ ના અંતરાય બાદ જન્મી. દેરાણી નો દીકરો જશ તો અમેરિકન લેડી ને પરણી અમેરિકા જ સેટ થઇ ગયેલો. અને એની અમેરિકન પત્ની તો સંતાન ને જન્મ આપવા માં માનતી જ નહતી. હવે ભટ્ટ પરિવાર નો વંશ વેલો અટકી ના જાય એ માટે યોગેશે અંશ ને બહુ સમજાવ્યો પણ ત્રીજા સંતાન માટે અંશ કે તેની પત્ની સહેજ પણ તૈયાર નહતા.

દીપડા વચ્ચે વનરાજ કેસરી સમી હવેલી હવે કુળ દિપક વિના સુની થઇ જવાની હતી. એ વાત યોગેશ ને કોરી ખાતી હતી. પ્રકાશ ચંદ્ર ની જેમ એ પણ વૃદ્ધાવસ્થા માં વહેલો ઉઠી પૂજા કરી ભજનો ગાતો. રાગ તો તેને પિતા તરફ થી વારસા માં મળેલો પણ બહુ મહાવરો નહી.

એક દિવસ એણે પેલું પ્રકાશ ચંદ્ર નું પ્રિય ભજન ‘ગજ કાતર લઇ બેઠો હરિ...’ ગાયું. પાછળ ના ઓરડા માં કઈ કામ કરી રહેલી જશોદાની દેરાણી જેને જશોદા એ ખુબ પ્રેમથી બહેન ની જેમ સાચવેલી અને એટલેજ દેરાણી એ પોતાના દીકરાનું નામ જશોદા ના નામ પરથી જશ પાડેલું એ આવી પહોચી અને બોલી,”મોટા ભાઈ, આ ભજન તમને આવડે છે? “

યોગેશ,”હા, આ તો બાપુજી ને બહુ ગમતું”

અને યોગેશ સામું અટ્ટ હાસ્ય કરવાની અદાથી જશોદા ની દેરાણી બોલી,” હા...આ જ તો તમને પપ્પા એ છેલ્લા પત્ર માં ય લખેલું ને! જુઓ ને મારી મોટી બહેન ને તમે બહુ ક્નડ્યા પણ કેવી હરિ ની ગજ કાતર ફરી.... જશ ની ભૂરી તો છોકરાં બોકરાં લાવે નહી, હવે આપણે અંશ ને તો બે દીકરીઓ જ છે... બાધા...જનોઈ કશું જ નહી. કોઈ પ્રસંગ આવશે નહી ને મારી મોટી બહેન ને કોઈ તકલીફ થશે નહી...”

હાર્ટ એટેક આવી જાય એવી ભીતિ થઇ અને યોગેશ ને પરસેવો વળી ગયો. કુદરત ના ન્યાય અને પડતા ફટકા નું ગણિત એક અલગ જ રીતે એણે આજે જાણ્યું. ચક્કર આવવા જેવી અનુભૂતિ થઇ ત્યાં જશોદા આટલું સહ્યા પછી ગાંડપણ કહેવાય છતાં......એક ભારતીય સ્ત્રી જ કરી શકે એ ....ગાંડપણ..... ના....કહેવાતા સેવા ભાવથી નિત્યક્રમ મુજબ..... યોગેશ માટે સવારે પૂજા બાદ દૂધ લઇ હાજર હતી.