Ketluy khute chhe - 7 in Gujarati Short Stories by Ranna Vyas books and stories PDF | કેટલુંય ખૂટે છે !!! (વાર્તા - 07)

Featured Books
  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

  • ખજાનો - 85

    પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ...

  • ભાગવત રહસ્ય - 118

    ભાગવત રહસ્ય-૧૧૮   શિવજી સમાધિમાંથી જાગ્યા-પૂછે છે-દેવી,આજે બ...

Categories
Share

કેટલુંય ખૂટે છે !!! (વાર્તા - 07)

(૦૭)

વાડ

કહેવાય છે કે વીજળી એક ની એક જગ્યા એ નથી પડતી. પણ કુદરત જેને દુઃખ આપવા બેસે એણે એક પછી એક દુઃખ જીરવતાં જીવવાનું શીખી જવું પડે. ઘણા દુખી જીવ આ ભવમાં જાણે દુઃખ ભોગવવા આવ્યા હોય એમ ઈશ્વર, અલ્લા, ઇસુ કે પછી રૂઠેલ કુદરત એમને એક પછી એક દુઃખ આપ્યા કરે છે. હા.... દુઃખ નું રૂપ બદલાય, સુખ આવે પણ ખરુ પણ બીજી કોઈ રીતે એ જીવ દર્દ તો સહ્યા જ કરે. સુખ મેળવીને પણ સુખ નો ભોગવટો કદાચ એમની તકદીર માં જ ના હોય.

આવો જ એક દુખી જીવ એટલે ઉર્વશી. ગરીબ બાપ નાં ઝાઝાં સંતાનો માં સૌથી મોટી ઉર્વશી બીજાં પાંચ ભાઈ-બહેનો સાથે અથડાઈ કુટાઈ મોટી થયેલી. એની માં કોઈ કારણસર હતાશા માં સરી પડેલી. ટાઈમે ઘરમાં રસોઈ પણ ન થતી. ઘણું ખરું પુરતુ સીધુ ન હોય અને જો હોય તો ઉર્વશી ની માં નો રસોઈ કરવા નો મૂડ ન હોય. બાપા દુકાને થી થાકી ને આવે ને રસોઈ તૈયાર ના હોય એટલે હાથ માં આવે એ વસ્તુ લઇ એની માં ને મારવા માંડે. છોકરાં ગભરાઈ જાય. પણ કોઈ બોલી ના શકે. મોટી ઉર્વશી ઝડપથી મોટી થઇ ગઈ અને ધીરે રહી ને એણે રસોઈ નું નાનું નાનું કામ કરવા માંડ્યું. ઝડપથી એ બધી રસોઈ શીખી ગઈ. હવે એની માં ને તો ભાવતું હતુ ને વૈદે કહ્યું. દીકરી રસોડા માં પેઠી ને માં નીકળી ગઈ. ધીમે ધીમે ઘર નું બધુ કામ ઉર્વશી ના માથે આવી પડ્યું. કારણ કે એની માં એ છોડી દીધું. અલબત્ત એના ભણતર પર આની વિપરીત અસર થઇ. ગરીબી માં ભણતાં છોકરાં ને આમેય અગવડો વચ્ચે રસ્તો કરવાનો હોય ને એમાં આ વધારા નો બોજ લઇ ઉર્વશી કેટલું ભણે?

બારમા ધોરણ માં નાપાસ થયેલી ઉર્વશી માટે છોકરા શોધવા નું શરુ થયુ અને એક સારુ કમાતો છોકરો જોઈ સગપણ નક્કી થયું. થોડી દુનિયાદારી જાણતા વાચક ને પ્રશ્ન થાય કે આ ગરીબ ઘરની કન્યા માટે સારુ કમાતો છોકરો કેવી રીતે મળ્યો? વૈષ્ણવ વાણીયા ની નાનકડી નાત તો ગરીબ ઘરની દીકરી લઇ ના જાય પણ એ જ નાત નું એક નાત બહાર ગણાતુ ખોરડુ ઉર્વશી ના ભાગ્ય માં લખાયેલુ હતુ. નાત બહાર મુકવા નો તો હવે રિવાજ નથી પણ મોટા ભાગ ની નાત જયારે સંબંધ ઓછો રાખે ત્યારે વગર મુકે એ ઘર નાત બહાર મુકાતું હોયછે. એ કુટુંબ મુંબઈ સ્થાયી થયેલું. છોકરાઓ ભણેલા સારુ. નોકરી પણ દરેક ને સરકારી છતાં એ કુટુંબ ના ત્રણેય દીકરા નાત બહાર ગણાવા ના ભોગે રહી જાય એ ડરે પોતાનાથી નિમ્ન ગણાતી નાત ની જ પણ ગરીબ મજબુર કન્યા ને વરવા તૈયાર થઇ ગયેલા. ઉર્વશી મન માં વિચારી રહી કે આ કુટુંબ પૈસે ટકે સુખી છે અને છોકરાઓ દેખાય છે પણ સારા. મુંબઈ માં રહેવા નું ને ગાડી માં ફરવાનું તોય કેમ જાણે નાત બહાર હોય એમ નાત ની કોઈ સારી કન્યા એમને ના મળે? અને એવા કુટુંબ માં પોતે પરણી ને જશે તો કોઈ તકલીફ તો નહી પડેને? પણ ગરીબ ઘરની સૌથી મોટી દીકરી જેની પાછળ બીજાં પાંચ ભાઈ બહેન હોય એને માટે આવો તર્ક કરી ને શો ફાયદો? છેવટે એણે મન વાળ્યું કે પિયર માં પડી એ આર્થિક તંગી તો સહન નહી કરવી પડે.

જે નાત ગરીબ પરિવાર નાં બાળકો નાં ભણતર માટે મદદ કરવા નહતી આવી કે ગરીબ ઘર ની દીકરીઓ ને પરણી લઇ જવા તૈયાર નહતી એ નાત દેવુ કરી દીકરી પરણાવનાર બાપ ને ત્યાં એની દીકરી ના લગ્ન નિમિત્તે જમી આવી.

ઉર્વશી પરણી ને મુંબઈ જવા ને બદલે પતિ સાથે સીધી વર્લ્ડ ટુર પર ગઈ. બે માસ ના હનિમૂન પછી મુંબઈ સાસરે આવી. એક જ સપ્તાહ માં એને ખબર પડી કે એના સાસરી કુટુંબ નો મુખ્ય ધંધો દારુ માટે વપરાતો સડેલો ગોળ વેચવાનો હતો. ઉર્વશી ના માથે જાણે વીજળી પડી. હવે એને સમજાયું કે બધી રીતે સારા લાગતા છોકરાઓ કેમ પોતાના કરતાં નિમ્ન કન્યા પસંદ કરી ચુપચાપ પરણી ગયેલા કે શા માટે એ કુટુંબ નાત બહાર હોય એ રીતે ઉપેક્ષિત હતુ!!!

ભૂકંપ પછી આફ્ટર શોક આવે એમ નાની નાની વાતો ઉર્વશી ને માનસિક રીતે હચમચાવતી રહી. એના પતિ એ તો સાઈડ પર જુગાર – મટકા નો ધંધો પણ જમાવેલો અને કુટુંબ ના વડીલો ને પણ ખબર નહતી કે એ લોકો નો એક ડાન્સ બાર પણ હતો જેમાં તમામ પ્રકાર નાં કાળાં કામ ચાલતાં. ઉર્વશી ના પિતા ને કદાચ આ વાત ની ખબર નહી પડી હોય નહીતર એ પોતાની દીકરી આવા ઘર માં ના નાખે. પણ ઉર્વશી ને ગુસ્સો એ વાત નો હતો કે એના પિતા ને કોઈએ એ વાત કાને ના નાખી? એની સાસરી નાત માં કુખ્યાત હશે એટલે જ નાત બહાર જેવી ગણાતી. તો પછી ઉર્વશી ના પિતા ને કોઈએ ના ચેતત્વ્યા? ગરીબ પણ ઈમાનદાર માણસ ની ખુદ્દારી ની કોઈ કિંમત નહી? ઉર્વશી ને પોતાની નાત એક કાંટાળી વાડ જેવી લાગી.

આર્થિક સ્થિતી સદ્ધર થઇ. એક દુઃખ ગયુ પણ મસ મોટું દુઃખ એ હતુ કે એ સાહ્યબી ખોટા ધંધામાંથી આવતી હતી. અને એ વાત ઉર્વશી ને કોરી ખાતી હતી. બે બાળકો ને ઉછેરવામાં ઉર્વશી નો થોડો સમય જાત પણ ફરી ઉર્વશી ના માથે એક વીજળી પડી.....એના પતિની ધંધા ની કોઈ દુશ્મની ને લઇ હત્યા થઇ ગઈ. લગ્નજીવન નાં પાંચ જ વર્ષ માં બે બાળકો ને લઇ વિધવા ઉર્વશી ગામડે પાછી ફરી. મુંબઈ માં હવે તેને માટે રહેવુ સલામત નહતું. એક ઘર ખરીદી ઉર્વશી બન્ને બાળકો સાથે રહેતી. એના પિયર થી નજીક જ હતુ ઉર્વશી નું ઘર. એના સસરા ઘર ખર્ચ માટે દર મહિને નિયમિત પૈસા મોકલતા. પૈસા ની ખેંચ નહતી પણ માથે કોરી સેંથી લઇ જીવતી ઉર્વશી ને મન હવે જીવન રથ નું ચઢાણ ખુબ કપરુ થઇ પડ્યુ. પાંચ વર્ષ ના લગ્ન જીવન માં ઉર્વશી એ ઘણાં સગાં-સંબંધીઓ ને જરૂર પડે આર્થિક મદદ કરેલી. એ સગાં કે નાત ભાઈ કોઈ હવે ઉર્વશી કે એનાં બાળકો ની મદદે આવવા તૈયાર નહતું. છતાં ઉર્વશી ધીરજ રાખી જીવતી ગઈ. હાથી દાંત ની વાડ કરી રહી છે એ ભાવનાથી એણે ઘણાં જ્ઞાતિ જનો અને સગાં-સંબંધીઓ ની મદદ કરેલી. પણ હવે પોતાના કપરા સમય માં કોઈ પૂછનાર નહતું ત્યારે ઉર્વશી સમજી કે હાથી દાંત નહી પણ પોતાની નાત માં તો કાંટાળી થોરિયા ની વાડ છે. પૈસા તો એના સસરા મોકલતા એ વાત ની બધાં ને જાણ છતાં કોઈ નાના મોટા કામ માટે પણ નહતું પૂછતું.

કપરુ ચઢાણ ઘટતુ ગયુ ને ઉર્વશી નો દીકરો ભવ્ય કૉલેજ માં આવ્યો. ભણવા સાથે પાર્ટ ટાઈમ ટ્યુશન પણ કરતો ભવ્ય. અને ઉર્વશી ની દીકરી તપસ્વીની બારમા ધોરણ માં આવી. ફરી એકવાર ઉર્વશી ના માથે વીજળી પડી જ્યાં એના સાસરી પક્ષ ના આખા કુટુંબ નું માર્ગ અકસ્માત માં મોત થયુ. કેદારનાથ ના રસ્તે સહજ એવી ભૂસ્ખલન ની ઘટના નો ભોગ ઉર્વશી ની સાસરે પક્ષ નો પરિવાર બની ગયુ. વર્ષો પહેલાં મુંબઈ છોડી પિયર આવી ગયેલી ઉર્વશી ની મુંબઈ જઈ ધંધા-મિલકત ની તપાસ કરવાની કોઈ તૈયારી નહતી છતાં તે ગઈ. અને કોઈ દિવસ ના પડી હોય એવી વીજળી એના માથે પડી જયારે એણે જાણ્યું કે નજીક રહેતી નણંદે બધું પચાવી પાડેલ છે. એક માસ બાદ પરત આવી ઉર્વશી એ પોતે એક ખાનગી નોકરી શરુ કરી. લગ્ન નાં વીસ વર્ષ પછી ઉર્વશીને કામ કરવાની ફરજ પડી. હવે વારંવાર ક્યાં કહેવું કે કોઈ નાતભઈએ એને મદદ ન કરી!!! એવાં એવાં પાંચ વર્ષ વિત્યાં અને ઉર્વશી નો દીકરો હવે સારુ કમાતો થયો. ઘર તો પોતાનું હતુ જ. હવે ઉર્વશી ની ચિંતા ઓછી થઇ.

દીકરા ના લગ્ન માટે છોકરીઓ જોવાનું વિચારતી ઉર્વશી ને દીકરાએ સામેથી જ કહ્યું કે એણે એક બીજી નાત ની છોકરી પસંદ કરેલ છે. વણકર કોમની કન્યા પણ ડોક્ટર થયેલી અને રૂપ માં તો પદમણી. દીકરા ને સારી રીતે ખબર હતી કે વૈષ્ણવ વાણીયા ની નાત ના ઘણા કડવા અનુભવ ઉર્વશી ને જીવનભર થતા રહ્યા છે એટલે સહજ રીતે ઉર્વશી ને નાત નો મોહ નહી હોય. પણ એના આઘાત વચ્ચે ઉર્વશીએ નાત ની જ છોકરી સાથે દીકરો પરણે એવી ઈચ્છા બતાવી. ભવ્ય એ ઉર્વશી ને યાદ કરાવવા પ્રયત્ન કર્યો કે જીવનભર એ જ વૈષ્ણવ વાણીયા ની નાતે કોઈ મદદ ઉર્વશી ને કરી નથી ઉપરથી તકલીફ આપી છે. છતાં ઉર્વશી પોતાની જીદ ને અડી રહી.જ્યારે ભવ્ય દલીલ પર દલીલ કરતો રહ્યો ત્યારે કંટાળી ઉર્વશી બોલી, ”મને વાણીયાની છોકરી વહુ થઇ ને આવે એવો કોઈ મોહ છે જ નહી.. મારા લગ્ન સમયે તારા પપ્પા ના કુટુંબ ની હકીકત ઘણા લોકો જાણતા હશે છતાં મારા ગરીબ બાપ ને કોઈ કહેવા નહતું આવ્યું. એ વખતે જ મને તો મારી આ નાત માટે કોઈ લાગણી નહતી રહી. અને તારા દાદા ને કાકાઓ ના મોત પછી મુંબઈ નો નો ધંધો પડાવી લેનાર તારી ફોઈ ને ફુઓ પણ આપડો જ્ઞાતિ ભાઈ જ હતો ને! પણ, ભલે વાણીયા ની દીકરી ના હોય ને બીજી નાત હોય પણ મારે વણકર તો ના જ ચાલે” અને ભવ્ય સમજી જ ના શક્યો કે જ્ઞાતિવાદ ની આ કેવી તે કાંટાળી વાડ છે!!!

***