Satya-Asatya - 5 in Gujarati Love Stories by Kajal Oza Vaidya books and stories PDF | સત્ય અસત્ય - પ્રકરણ - 5

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

સત્ય અસત્ય - પ્રકરણ - 5

સત્ય-અસત્ય

કાજલ ઓઝા વૈદ્ય


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


પ્રકરણ ૫

સવારે નાસ્તાના ટેબલ પર વાતાવરણ એકદમ ગંભીર હતું. પ્રિયંકાના પિતા સિદ્ધાર્થભાઈ પ્રિયંકાના નિર્ણયને બહુ ગંભીરતાથી લેવા તૈયાર નહોતા. સવારે પ્રિયંકાએ જ્યારે ઘરમાં જણાવ્યું કે એનો અને સત્યજીતનો સંબંધ પૂરો થયો છે ત્યારે શીલાબેન તો આઘાતથી રડવા જ લાગ્યાં, “તમે લોકો પ્રેમ અને લગ્નને ઢીંગલા-ઢીંગલીની રમત સમજો છો કે શું ? એક વર્ષથી ફરે છે એની સાથે... સમાજમાં, દુનિયામાં બધા જાણે છે.”

“તો શું થયું ?” પ્રિયંકાએ ખભા ઊંચક્યા.

“શું થયું ? મારે તો લોકોને જવાબ આપવો પડે.”

“તો કહી દેને લોકોને કે એ ખૂબ જૂઠ્ઠુ બોલતો હતો માટે પ્રિયંકાએ સંબંધ તોડી નાખ્યો.”

“હું તારા જેટલી મૂરખ નથી. ગામમાં એવું ન કહેવાય.”

“શું કામ ન કહેવાય ? આ આખી વાત જ સાચું બોલવા માટે ઊભી થઈ છે. જે છે તે કહેવાનું.”

“તારું ક્યાં કંઈ નક્કી છે ? કાલે ઊઠીને...”

“મમ્મી, આપણે અત્યારે શું કામ દલીલ કરીએ છીએ ?

જો કાલે ઊઠીને બધું બદલાવાનું હોય તો તારે જવાબ નહીં આપવો પડે અને જો નહીં બદલાય તો સાચું કહી દેજે.” એણે સિદ્ધાર્થભાઈ સામે જોયું. પ્રિયંકા અને સિદ્ધાર્થભાઈના સંબંધો પિતા-પુત્રી કરતાં વધારે મિત્રો જેવા હતા.

બંને ખૂબ વાંચતા અને એકબીજા સાથે રાજનીતિથી શરૂ કરીને અંગત સમસ્યાઓની ચર્ચા ખુલ્લા મને કરી શકતા, “મને એક વાતનો જવાબ આપો.” એણે સિદ્ધાર્થભાઈને પૂછ્યું, “કોઈ સંબંધ તૂટી જાય એ બહુ મોટો ગુનો છે ?”

“બેટા, મને એવું લાગે છે કે...” સિદ્ધાર્થભાઈ જવાબ આપવાનું શરૂ કરે એ પહેલાં શીલાબેન વચ્ચે કૂદ્યાં.

“ગુનો ? તમે કોઈની સાથે હરો-ફરો, એક વરસ સુધી સંબંધ રાખો અને પછી તોડી નાખો... સમાજમાં કોઈ તારો હાથ નહીં પકડે.”

“મારી વહાલી મા, કોઈક દિવસ છાપું ખોલ... છૂટાછેડા લીધેલી સ્ત્રીઓને પરણનારા પણ મળી રહે છે.” એણે ફરી સિદ્ધાર્થભાઈ સામે જોયું, “રોજ રોજ શંકાઓ કર્યા કરવા કરતા એક વાર ગુનેગાર ઠેરવીને સંબંધમાંથી બહાર નીકળી જવાથી બધા સુખી થઈ જશે.”

“મને એવું લાગે છે કે તારે વિચારી લેવું જોઈએ.”

“બાપુ, તમને ખરેખર એવું લાગે છે કે મેં આ નિર્ણય વિચાર્યા વગર લીધો હશે ?” પ્રિયંકાના સવાલ સામે સિદ્ધાર્થભાઈ પાસે કોઈ જવાબ નહોતો. આ ઘરમાં પ્રિયંકાને બધા બરાબર ઓળખતા હતા. એ એની ઉંમર કરતા ઘણી વધારે મેચ્યોર અને ગંભીર હતી. ઉતાવળિયા નિર્ણય કરવા એ એનો સ્વભાવ નહોતો જ...

“બેટા હોય. કોઈનો સ્વભાવ એવો હોય. એ તને દુઃખ પહોંચાડવા ન માગતો હોય એટલે...”

પ્રિયંકાની આંખો ફરી ગઈ, “શું ? દુઃખ પહોંચાડવા ન માગતો હોય એટલે જૂઠ્ઠું બોલે ? મોમ, એને ખબર છે કે મને સૌથી વધારે દુઃખ જ જૂઠું બોલવાથી થશે.”

“જો આ ઘરમાં મારું તો કોઈ સાંભળતું નથી.” એમણે સિદ્ધાર્થભાઈ સામે જોયું, “તારા બાપુએ એટલી બધી છૂટ આપી છે કે મારે કંઈ બોલવાનું રહેતું જ નથી.”

મહાદેવભાઈ બધી જ વાત શાંતિથી સાંભળતા હતા.એ કશું જ બોલ્યા વિના ફક્ત આંખોથી પ્રિયંકાને સધિયારો આપતા રહ્યા. ખાસ્સી એવી ક્ષણો સુધી વજનદાર મૌન છવાયેલું રહ્યું પછી પ્રિયંકાએ ધીમેથી કહ્યું, “મારે કોઈ બીજા શહેરમાં જઈને કામ કરવું છે.”

“શું ?” શીલાબેનની આંખો પહોળી થઈ ગઈ, “બીજા શહેરમાં શું કામ જવું છે ? અહીં ઘર છે, મા-બાપ છે...” એમણે મહાદેવભાઈ સામે જોયું, “મને તો આ છોકરી સમજાતી જ નથી.”

“બાપુ, આઈ જસ્ટ વૉન્ટ અ ચેન્જ. જુદા વાતાવરણમાં જઈને...”

“જો, તારા મનની અંદર ગૂંગળામણ હશે તો તું જ્યાં જઈશ ત્યાં એ ગૂંગળામણ તારી સાથે આવવાની. સ્વસ્થતાથી વિચારવા માટે જગ્યા નહીં, મનની સ્થિતિ બદલવી જોઈએ.”

“મને એવું લાગે છે કે એ જ્યાં સુધી મારી નજર સામે હશે ત્યાં સુધી મારા નિર્ણય પર એની હાજરીની અસર થતી રહેશે.”

“એનો અર્થ જ એ કે તું એને પ્રેમ કરે છે.” શીલાબેને ઉશ્કેરાઈને કહ્યું, “ચૂપચાપ પરણી જા ને બહેન... તારા બાપુ મને જોવા આવ્યા ત્યારે મારાં મા-બાપે મને કોઈ નહોતું પૂછ્યું. હું શું દુઃખી છું એમની સાથે ?”

“તારો સમય અને પરિસ્થિતિ બંને જુદા છે...”

“લગ્નને સુખી કરવા માટે એક જ ચીજ જોઈએ, જીભ ઉપર કાબૂ... જે તને સહેજેય નથી. જેમ ફાવે એમ બોલી નાખે છે.”

“સાચું કહેવું એ ગુનો નથી.”

“ભઈસાબ, હું તો થાકી તારાથી.” શીલાબેને પતિ સામે જોયું, “જરા સમજાવો આને. એને જોઈએ તેવો છોકરો આ દુનિયામાં ક્યાંય નહીં મળે. નાનાં-મોટાં સમાધાનો તો કરવા જ પડે. એ પોતેય ક્યાં પરફેક્ટ છે ? પૂછો એને, શું આવડે છે ? ઘર ચલાવી શકે ?”

“હું તમારી પાસે ટ્રાન્સફર માગું છું... ”પ્રિયંકાએ સિદ્ધાર્થભાઈને કહ્યું, “હું ‘અપના ભારત’ના તંત્રીને વિનંતી કરું છું કે મને કોઈ બીજા શહેરમાં ટ્રાન્સફર આપે. હું થોડો સમય માટે અમદાવાદમાં નથી રહેવા માગતી.”

“પણ બેટા...”

“પ્લીઝ બાપુ, મને સમજવાનો પ્રયત્ન કરો. આ શહેરમાં રહીને, રોજ કોલેજમાં જઈને સત્યજીત વગર જીવવું અઘરું પડશે મને. ”

“પ્રિયા, તારો અભ્યાસ, તારા ક્લાસીસ અને... ”

“બાપુ, હું બધું મેનેજ કરી લઈશ, બસ, મારે થોડા દિવસ ક્યાંક જતા રહેવું છે.”

“જો પ્રિયા, આ તો ભાગેડુવૃત્તિ કહેવાય. તારે એની સાથે લગ્ન કરવા છે એવો નિર્ણય કર્યો ત્યારે પણ અમે સ્વીકાર્યો. હવે તું કહે છે કે લગ્ન નથી કરવા તો પણ અમે તને સપોર્ટ કરવા તૈયાર છીએ, પણ હું શહેર છોડીને જવાની વાત સાથે સહમત નથી.” મહાદેવભાઈ પહેલી વાર બોલ્યા.

“દાદાજી, તમને શું લાગે છે ? આજ શહેરમાં રહીને, રોજે રોજ એને નજર સામે જોઈને એને ભૂલી શકીશ હું ? એ ભૂલવા દેશે મને ? કાલે ફરી માફી માગશે, ફરી વચનો આપશે, અમારો સંબંધ ફરી ત્યાં નો ત્યાં જ પહોંચી જશે. પ્લીઝ બાપુ, હું હવે આ જૂઠ્ઠાણાના વર્તુળમાંથી બહાર નીકળવા માગું છું. છેલ્લી વાર મારી મદદ કરો, પછી જિંદગીમાં ક્યારે...”

“બેટા, અત્યારે તું ઉદ્વેગમાં છે. કોઈ પ્રતિજ્ઞાઓ ના કરીશ, કોઈ ગાંઠ નહીં વાળતી.” સિદ્ધાર્થભાઈ થોડીકક્ષણ ચૂપ રહ્યા. પછી એમણે ધીમેથી કહ્યું, “હું અમેરિકાના રેસેશન પર એક સ્ટોરી કરવા માગું છું. ઑફિસમાંથી કોઈને મોકલવાનો વિચાર કરતો જ હતો. કતાર એરવેઝે નવો બિઝનેસ ક્લાસ શરૂ કર્યો છે. એ લોકો એક રિપોર્ટરને ફ્રી પેસેજ આપવા તૈયાર છે. હું વિચારું છું કે તું...”

“વાહ, દીકરી અમદાવાદ છોડવાની વાત કરે છે ને, બાપ અમેરિકા મોકલવાની... હું તમને પહેલા પણ કહી ચૂકી છું. આ દીકરો નથી, દીકરી છે. એને એ જ રીતે ઉછેરો. કાલે ઊઠીને પારકે ઘેર...”

“મા, આ બધું ન થયું હોત તો તું મને અમેરિકા જવા દેત ?” પ્રિયંકાએ પૂછ્‌યું. શીલાબેન પાસે એનો જવાબ નહોતો, “હું મારા કામે અમેરિકા જાઉં છું એમ માની લે. સત્યજીતથી ભાગીને કે સંબંધ તોડીને નથી જતી. બસ ? બાપુ, પ્લીઝ, મારા પેપર્સ કરાવો. મારે જવું છે...”

“પ્રિયા...” સિદ્ધાર્થભાઈના અવાજમાં સહેજ ગંભીરતા આવી ગઈ, “જવું હોય તો કાલે રાત્રે જ જવું પડે. બાકીના બધા પેપર્સ થઈ ગયા છે. માત્ર અમારે ત્યાંથી રિપોર્ટરનું નામ અને બીજી વિગતો મોકલવાના છે. તારે વિઝા લેવા માટે મુંબઈ જવું પડે અને વિઝા મળી જાય તો...”

“એટલી બધી ઉતાવળ શું છે ?” શીલાબેનને ગુસ્સો આવી ગયો, “હું હજી કહું છું. આ બધું નાટક કર્યા પછી જેવી પાછી આવશે કે તરત પેલા છોકરાની વાતમાં આવી જશે. એની ઉંમર તો જુઓ ? એને નિર્ણય કરવાની સ્વતંત્રતા અપાય જ કેવી રીતે ? એની સમજ શું છે ?”

મહાદેવભાઈ અને સિદ્ધાર્થભાઈની નજર મળી. બંને જણા એકબીજાના મનની વાત સમજી શકતા હતા.

“હું તમને બધાને વિનંતી કરું છું. મારી જિંદગીનો આખરી નિર્ણય મને મારી રીતે કરવા દો. હવે પછી હું તમને પૂછ્‌યા વિના કશું જ નક્કી નહી કરું.”

“વચન આપે છે ?” શીલાબેને તક ઝડપી લીધી.

“હા, વચન આપું છું...” પ્રિયંકાની આંખોમાં પાણી આવી ગયા, “અમેરિકા જાઉં છું તો રન્નામાસીના અભિષેકને મળતી આવીશ. એ જ ઇચ્છે છે ને તું ?”શીલાબેન એક ક્ષણ માટે ચૂપ થઈ ગયા, પણ પ્રિયંકાની વાત ખોટી નહોતી. એમની બાળપણની સહેલી રન્ના અમેરિકા રહેતી હતી. રન્નાનો દીકરો અભિષેક અમેરિકામાં ડૉક્ટર હતો. એ બે વાર ભારત આવ્યો ત્યારે શીલાબેને એની અને પ્રિયંકાની મુલાકાત ગોઠવવાનો પ્રયાસ કર્યો હતો, પણ પ્રિયંકા દરેક વખતે ટાળી ગઈ હતી. સાચું પૂછો તો શીલાબેનને પહેલેથી જ સત્યજીત બહુ ગમતો નહોતો. શીલાબેન એને ‘છેલબટાઉ’ કહેતા. વળી એમને હંમેશા લાગતું કે રવીન્દ્ર પારેખનો સ્વભાવ જોતા, એમની આર્થિક સ્થિતિ જોતા એ લોકો પ્રિયંકાને નહીં સ્વીકારે. આ સંબંધ તૂટે એની સામે એમનો કોઈ ખાસ વિરોધ નહોતો જ, પણ આવું અનેક વાર થઈ ચૂક્યું હતું. પ્રિયંકા અને સત્યજીત પહેલી વાર નહોતા ઝઘડ્યા, એટલે હજી એમને વિશ્વાસ નહોતો પડતો.

કોણ જાણે એ છોકરામાં શું હતું કે દરેક વખતે એ પ્રિયંકાને મનાવી જ લેતો અને પ્રિયંકા પણ કદાચ એને એટલો પ્રેમ કરતી હતી કે દરેક વખતે એને વધુ એક મોકો આપવા તૈયાર થઈ જતી. આજે જ્યારે પ્રિયંકાએ સામેથી અભિષેકને મળવાનું વચન આપ્યું ત્યારે એમને લાગ્યું કે પ્રિયંકાએ સાચેસાચ આ સંબંધ તોડવાનો નિર્ણય લઈ લીધો છે. એનાથી એમને એક જાતની રાહત જ થઈ. હવે આગળ દલીલો કરવા જેવું એમને કંઈ ખાસ લાગ્યું નહીં એટલે એમણે ઊભા થઈ ટેબલ પરના વાસણો સમેટવા માંડ્યા.

*

ક્યાંય સુધી બેચેન રહ્યા પછી આખરે એણે હિંમત કરીને લેન્ડલાઇન પર ફોન કર્યો, એના ધાર્યા મુજબ જ ફોન મહાદેવભાઈએ ઉપાડ્યો, “દાદાજી... સત્યજીત બોલું છું... ”

“બેટા, પ્રિયંકા તારી સાથે વાત કરવા નથી માગતી.”

“દાદાજી, પ્લીઝ તમે એને સમજાવો. મારી ભૂલ થઈ ગઈ. ગઈ કાલે મેં તમારી સાથે પણ...”

“જો બેટા, તેં મને ખોટું કહ્યું એનું મને બહુ દુઃખ નથી, પણ તેં તારા પોતાના પિતા વિશે જે કંઈ કહ્યું એનાથી મને ઘણો આઘાત લાગ્યો છે... અને બીજી એક વાત, પ્રિયંકાએ ખરેખર નક્કી કર્યું છે કે હવે એ આ સંબંધની બહાર નીકળવા માગે છે. હું તને વિનંતી કરું છું કે હવે એ છોકરીને વધારે...” ગઇ કાલે રાત્રે જે રીતે રડતી હતી એ યાદ આવતા મહાદેવભાઈનો અવાજ ભરાઈ આવ્યો, “જો બેટા, હું ખોટું નહીં બોલું એટલે તને સાચું જ કહી દઉં છું કે પ્રિયા મુંબઈ જવા નીકળી ગઈ છે. કાલે સવારે એ વિઝા માટે અપિયર થવાની છે અને જો વિઝા મળી જશે તો એ અમેરિકા જાય છે.”

“વ્હોટ ?” સત્યજીતનો અવાજ ફાટી ગયો, “પણ અચાનક ?”

“એ અહીંથી જવા માગતી હતી. ‘અપના ભારત’માંથી કોઈએ અમેરિકા જવાનું હતું. પ્રિયાએ સામે ચાલીને જવાની વાત કરી. તાત્કાલિક વિઝા માટે માગણી કરી અને એ મુંબઈ ગઈ. પત્રકારના વિઝા પર જો એને જવા મળશે તો એ જશે.”

“પણ, મને મળ્યા વિના..” સત્યજીતના અવાજમાં એક અજબ જેવો ખાલીપો મહાદેવભાઈ સાંભળી શક્યા.

“બેટા, હવે જે થયું એને સ્વીકારી લે, બીજો કોઈ રસ્તો નથી. પ્રિયાએ નિર્ણય લઈ લીધો છે અને મને લાગે છે કે એણે જે નિર્ણય લીધો છે એ તમારા બંનેની ભલાઈમાં છે.”

“દાદાજી હું ફરીથી...”

“બેટા, આ બધાનો હવે કોઈ અર્થ નથી.” મહાદેવભાઈએ સામે છેડેથી ફોન મૂકી દીધો. સત્યજીત ડઘાયેલો, તરછોડાયેલો, કોઈએ એનેસ્થેસિયાનું ઇન્જેક્શન આપ્યું હોય એમ બધીર થઈ ગયેલી સંવેદનાઓ સાથે કૉલેજના કંપાઉન્ડમાં ઊભો હતો. એની આસપાસની દુનિયા અને ચહલપહલ એના એ જ હતા, પણ એની અંદર કશુંક એક ઝટકા સાથે તૂટી ગયું હતું...

લાગણીના વિસ્ફોટના અવાજો અને એને કારણે તૂટેલા સંબંધની કરચો એને ચારેતરફ ઊડતી દેખાતી હતી. એને સમજાતું નહોતું કે હવે એ શું કરે તો એના હાથમાંથી સરકી રહેલી એની જિંદગીને એ બચાવી શકે.

ફોન મૂકીને મહાદેવભાઈ પ્રિયંકાના રૂમમાં ગયા, “બેટા...”

“મને ખબર છે. સત્યજીતનો ફોન હતો.” એ પોતાની બેગમાં સામાન ભરી રહી હતી“ તમે સારું જ કર્યું. આપણે તો એને સાચું જ કહેવું જોઈએ. હું છુપાઇને કે ભાગીને નથી જતી... બસ, થોડા દિવસ અહીંથી જતા રહેવું છે માટે જાઉં છું.” મહાદેવભાઈએ એના માથે હાથ ફેરવ્યો, પ્રિયંકા જાણે પોતાના બાકીના શબ્દો ગળતી હોય એમ એણે છલકાઈ પડેલા આંસુની સાથે ડૂમો ગળે ઉતારી દીધો અને મનોમન કહ્યું, “ગુડબાય સત્યજીત... ગુડબાય ફોર એવર...”

(ક્રમશઃ)