Devil - EK Shaitan -2 in Gujarati Horror Stories by Jatin.R.patel books and stories PDF | ડેવિલ એક શૈતાન-૨

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

ડેવિલ એક શૈતાન-૨

ડેવિલ-એક શૈતાન :

ભાગ-૨

આગળના પ્રકરણ માં તમે વાંચ્યું કે એસીપી અર્જુન ની બદલી રાધાનગર થાય છે જ્યાં નાયક પણ એના પાછળ ત્યાં ટ્રાન્સફર લઈ લે છે. એમના આવ્યા ના થોડા દિવસ પહેલા શહેર ના એક કબ્રસ્તાન માંથી કોઈ સંદિગ્ધ વ્યક્તિ તંત્ર મંત્ર વિધિ કરી એક લાશ ને લઈ જાય છે. -અર્જુન ને એક કવર માં કોઈ લેટર મોકલાવે છે જેવો અર્જુન લેટર વાંચવા જતો હોય છે એવો કોઈનો કોલ આવે છે જેમાં એક વ્યક્તિ ખૂન થવાની ખબર આપે છે, જે સાંભળી અર્જુન અને નાયક તપાસ અર્થે નીકળે છે...હવે આગળ...

"સાહેબ કઈ બાજુ માં જીપ ને લઈ ને જવાનું છે.."નાયકે પૂછ્યું..

"નાયક તું જીપ ને રેલ્વે સ્ટેશન ની પાછળ ના રોડ પર લઈ લે ત્યાં એક જૂનો ચબૂતરો છે એની આજુ બાજુ જ ક્યાંક ખુન થયેલા છે..ફોન કરનાર તિલોક પણ ત્યાંજ ઉભો છે"અર્જુને કહ્યું..

અર્જુન ના બતાવેલા રસ્તા પર ૧૦ મિનિટ જેટલી જીપ ને હંકાર્યા બાદ એ લોકો ચબૂતરા ની જોડે આવી પહોંચ્યા..ત્યાં પહોંચીને અર્જુને નાયક ને ધીરે ધીરે જીપ ચલાવવા કહ્યું અને પોતે આજુ બાજુ નજર કરતો હતો કે તિલોક ક્યાં ઉભો હશે..અચાનક એક વળાંક આગળ ૫-૬ જણા ઉભા હતા..અર્જુન ને લાગ્યું કે તિલોક કહેતો હતો એ જગ્યા અહીં જ હશે.

અર્જુને નાયક ને જીપ રોકવાનો ઈશારો કર્યો..જીપ રોકતા જ ત્યાં ઉભેલા લોકો દોડીને જીપ તરફ આવ્યા અને એમાંથી એક વ્યક્તિ એ કીધું"સાહેબ મેં જ સૌથી પહેલા આ લાશ જોઈ હતી અને મેં જ તમને આ કોલ કર્યો હતો"

અર્જુન જીપ માંથી નીચે ઉતર્યો જેને જોઈને નાયક અને બીજા કોન્સ્ટેબલ પણ નીચે ઉતર્યા. અર્જુને નીચે ઉતરી પેલા ફોન કરનાર વ્યક્તિ ને પૂછ્યું"હું એસીપી અર્જુન છું, અને તારું નામ તિલોક જ છે ને?"

"હા સાહેબ મારુ નામ તિલોક છે.."તિલોક એ અદબ જોડી કહ્યું..

"હા તો તિલોક તે જોયેલી લાશો કઈ બાજુ છે અને અહીં તું કેમ અને શું કરતો હતો જ્યારે તારી નજર આ લાશો પર પડી?"અર્જુને તિલોક ના ખભે હાથ મૂકી જુના મિત્ર હોય એવા ભાવ સાથે પ્રેમ થી પૂછ્યું.. અર્જુને બખૂબી જાણતો હતો કે કોઈ પણ ગવાહ જોડે કઈ રીતે વર્તન કરવું જેનાથી એ ડરે નહીં અને કેસ સોલ્વ કરવામાં વધુ ને વધુ મદદ કરે..(અર્જુન ની આજ કાબેલિયત થી સુરત માં એક હીરા ના વેપારી ના ત્યાં થતી લૂંટ રોકી શકાઇ હતી..જે વિશે આપ મારી નવલિકા છોટુ માં વાંચી શકો છો)

"સાહેબ અમે રેલ્વે સ્ટેશન જોડે આવેલી ઝૂંપડપટ્ટી માં રહીએ છીએ અહીં હું સવારે કુદરતી હાજતે જવા માટે આવ્યો હતો..આ મારો રોજનો ક્રમ છે.."તિલોક એ ચાલતા ચાલતા કહ્યું..

"હા સાહેબ અમે રોજ હાજતે જવા અહીં આ ઝાડી ઓ બાજુ જ આવીએ છીએ"ત્યાં હાજર ટોળા માંથી એક ૫૦-૫૫ વરસ ના કાકા બોલ્યા..

"હા તો તિલોક સૌથી પહેલા લાશ તે જોઈ પછી મને કોલ કર્યો પછી આ બધા લોકો પણ તારી જેમ અહીં આવ્યા અને તારા જોડે અહીં ઉભા છે..બરાબર ને?"અર્જુને અનુમાન લગાવતા કહ્યું..

"હા સાહેબ બિલકુલ એમજ થયું હતું.."તિલોક એ કહ્યું..

"ચલ તો હવે લાશ ક્યાં છે એ બતાવ..?"અર્જુને કહ્યું..

"સાહેબ ત્યાં ઝાડી ની પાછળ ૧૫-૨૦ ફુટ જેટલી અંદર"તિલોક એ હાથ ની આંગળી વડે એ જગ્યા બતાવતા કહ્યું..

અર્જુને નાયક અને બીજા કોન્સ્ટેબલ ને એની પાછળ પાછળ આવવા કહ્યું અને પોતે ઝાડી ઓ ખસેડીને અંદર ની તરફ પેઠો.. તિલોક અને બીજા લોકો ને બહાર ની તરફ ઉભા રહેવાનું કહીને નાયક પણ અર્જુન ની પાછળ દોરવાયો..તિલોક અને ટોળાં ના બીજા લોકો નાયક દ્વારા એમને બહાર રોકાઈ જવાની વાત સાંભળી રાહત અનુભવી રહ્યા હતા એ એમના ચેહરા પર થી સ્પષ્ટ હતું..એમની આંખો માં હજુ ડર દેખાઈ રહ્યો હતો..એમનું આખું શરીર બીક ના માર્યા ધ્રુજતું હોય એવું લાગી રહ્યું હતું...

અર્જુન થોડો આગળ વધ્યો ત્યાં કાંટાળી ઝાડીઓ પાછળ એને કંઈક હોય એવું લાગ્યું..અર્જુને ધીમા પગલે એ તરફ આગળ વધવાનું ચાલુ રાખ્યું..નાયક પણ અત્યારે બિલકુલ અર્જુન ની લગોલગ ચાલતો હતો..નાયકે કાંટાળી ઝાડીઓ ને પોતાના ડંડા વડે થોડી દૂર કરી ને અંદર જવાનો રસ્તો બનાવી આપ્યો..!!!

ઝાડીઓ પાછળ નું દ્રશ્ય જોઈ અર્જુન, નાયક અને બીજા જોડે આવેલા કોન્સ્ટેબલ ના પગ ત્યાં જ ખડાઈ ગયા..જાણે કે સિમેન્ટ માં એમના પગ કોઈએ ફિટ કરી દીધા હોય..અર્જુને અને નાયકે એમની કારકિર્દી માં ઘણીવાર મર્ડર ના કેસ જોયા હતા અને સોલ્વ પણ કર્યા હતા પણ આજે આ લાશો ને જોઈ એમને પણ ઉબકો આવી ગયો..!!

અર્જુને તાત્કાલિક કોન્સેબલ ને આ જગ્યા ને સીલ કરવાનું કહ્યું અને નાયક ને ફોટોગ્રાફર અને ફોરેન્સિક ટીમ ને કોલ કરી અહીં બોલાવવા માટે નું સૂચન કરી દીધું..અર્જુન ની વાત સાંભળી ૨ ઘડી માટે સ્તબ્ધ થઈ ગયેલા બધા થોડા નોર્મલ થયા અને અર્જુને કહ્યા મુજબ ના પોતપોતાના કામ માં લાગી ગયા..નાયકે કોલ કરી ફોરેન્સિક ટીમ અને ફોટોગ્રાફર ને તાત્કાલિક આ જગ્યા એ આવવા કહ્યું..બીજા કોન્સ્ટેબલ જીપ માં થી પીળા કલર ની પ્લાસ્ટિક ની ક્રાઈમ સીન લખેલી પટ્ટી લઈને આવ્યા અને આખા વિસ્તાર ને સીલ કરવાના કામ માં લાગી ગયા..!!

અર્જુને સ્વસ્થતા મેળવી અને એ સાચવીને લાશો ની નજીક આવ્યો..અર્જુને પોતાના ખિસ્સા માં હાથ નાખી ગ્લોવસ બહાર કાઢ્યા અને બંને હાથ પર પેહરી લીધા..અર્જુન દરેક કેસ સોલ્વ કરતી વખતે પૂરતું ધ્યાન રાખતો કે એના કે એના સ્ટાફ દ્વારા થયેલી કોઈ ભૂલ થી કોઈ સબૂત નાશ ના પામે..!!

અર્જુને લાશ તરફ નજર કરી તો એક લાશ કોઈ છોકરી ની હતી અને એક લાશ છોકરા ની..બંને ના ચેહરા અને ગળા પર નું માંસ લોચા રૂપે બહાર આવી ગયું હતું..બંને ની લાશો એક પ્લાસ્ટિક ના પાથરણા ઉપર પડી હતી અને બંને લગભગ નિવસ્ત્ર હતા, બાજુ માં એમના કપડાં અહીં તહીં પડ્યા હતા, એનો મતલબ એ હતો કે આ બંને અહીં રતિક્રીડા કરવાના ઉદ્દેશ થી આવ્યા હોઇ શકે..અને એ સમયે આ ગોઝારી ઘટના ને કોઈએ અંજામ આપ્યો હશે..અચાનક થયેલા હુમલા થી બંને ને સહેજ પણ પ્રતિકાર નો મોકો મળ્યો નહીં હોય અને એમનું આ મિલન એમનું આખરી મિલન બની ગયું હશે એવું અર્જુને પ્રાથમિક નજર માં અનુમાન લગાવી રાખ્યું..!!

તિલોક અને બીજા લોકો એ આ બંને લાશો પર એક સાદું કપડું નાખ્યું હતું જે અત્યારે લોહી થી તરબતર હતું..અર્જુને એ કપડાં નું આવરણ દૂર કર્યું તો જે દ્રશ્ય જોવા મળ્યું એ જોઈને તો એના પણ મોતિયા મરી ગયા..!!!

બંને લાશ ના ચેહરા ની જેમ એમના ધડ નો ભાગ પણ બહુ વિકૃત અવસ્થા માં હતો.. કોઈ કાચા પોચા હૃદય નું માણસ તો આ જોઈને જ ધબકારો ચુકી જાય એવું બને..તિલોક નો અવાજ ફોન કર્યો ત્યારે કેમ ધ્રૂજતો હતો એ અર્જુન ને હવે સમજાયું..!!!

બંને લાશ ની દશા લગભગ એક સમાન હતી..ધડ ના ભાગ ને કોઈએ ચીરી નાખ્યો હોય એવું લાગી રહ્યું હતું..પેટ માં આવેલા કોઈ પણ અંગ હાજર નહોતા ફક્ત બચ્યા હતા થોડા થોડા માંસ અને લોહી ના અવશેષો.. આંતરડા, કિડની, હૃદય લગભગ બધું જ મોજુદ હતું પણ નામ માત્ર નું..અર્જુને કપડું પાછું હતું એમ નાખ્યું અને આજુબાજુ કંઈક બીજુ પગેરું મળે છે કે નહીં એની તપાસ માં લાગી ગયો..!!

લાશો પડી હતી ત્યાં નીચાણ વાળા ભાગ પર ડાબી બાજુ એક બાઇક સ્ટેન્ડ કરેલું હતું..અને એના પર કોલેજ બેગ પડી હતી..અર્જુને નાયક ને બૂમ પાડી ત્યાં આવવા આદેશ આપ્યો..નાયક તરત દોડતો દોડતો એ દિશા માં આવ્યો..

"બોલો સાહેબ..મેં ફોરેન્સિક ટીમ અને ફોટોગ્રાફર ને કોલ કરી દીધો છે એ ટૂંક સમય માં આવતા હશે.."નાયકે હાંફતા હાંફતા કહ્યું..

"નાયક આ જો બાઇક અને એના ઉપર આ કોલેજ બેગ..આના ઉપર થી આપણે જાણી શકીશું કે આ બંને લાશ કોની છે..મારા અંદાજ મુજબ આ બંને પ્રેમી યુગલ હશે જે પ્રેમ વિલાસ કરવા અહીં આવ્યા હશે અને એમના પર અચાનક હુમલો કરી કોઈએ એમને મોત ને ઘાટ ઉતારી દીધા હશે..તને શું લાગે છે નાયક?

"હા સાહેબ મને પણ એમજ લાગે છે..પણ સાહેબ આ બહાર જે લોકો મોજુદ છે એમનો અભિપ્રાય લઈ લઈએ જ્યાં સુધી ફોરેન્સિક ટીમ આવે ત્યાં સુધી..આ એરિયા કોર્ડન કરી દીધો છે.."નાયકે કીધું..

"સારું..આ બેગ જોડે લઈ લે..અને આ બાઇક નો નમ્બર નોટ કરી તપાસ કરાવ આ બાઇક કોની છે.."આટલું કહી અર્જુન ઝાડીઓમાં થી બહાર નીકળી..પેલા લોકો ઉભા હતા એ તરફ આવ્યો..

"હા તો તમને લોકો ને શું લાગે છે..આ લાશ અને આ મર્ડર વિશે?"અર્જુને એ ટોળા માં ઉભેલા લોકો ને પૂછ્યું..અત્યારે લોકો ની સંખ્યા વધી ગઈ હતી..કેમકે જેમ જેમ ખબર ફેલાઈ એમ એમ લોકો આ તરફ શું થયું એ જોવા આવી રહ્યા હતા..

"સાહેબ અહીં રોડ પર આવેલી સહજાનંદ કોલેજ ના છોકરા છોકરી હશે.ત્યાંના ઘણા યુગલો અહીં પ્રેમ મિલન કરવા આવતા જ હોય છે"એક ૩૦-૩૨ વરસ ના માણસે કહ્યું..

"આ સિવાય આ હત્યા કોને કરી હશે એનું કંઈ અનુમાન ખરું?"અર્જુને પૂછ્યું..

"ના સાહેબ પાકું તો ના કહી શકીએ પણ આ હત્યા કોઈ જંગલી પશુ દ્વારા થઈ હશે.પેહલા મને એવું લાગ્યું કે કોઈકે ખૂન કરીને લાશો અહીં ફેંકી દીધી હશે પણ પછી એ બંને ના શરીર ના ઘા પર થી તો એવું જ લાગી રહ્યું છે કે કોઈ જાનવર નું જ આ કામ છે. આમ પણ આ વિસ્તાર માં અવારનવાર વરુ ના ઝુંડ જોવા મળે છે" તિલોક એ કહ્યું..

"તિલોક મને પણ એવું જ લાગે છે..જે રીતે આ યુગલ ને મારી ને એમના શરીરના અંગો ની મિજબાની કરવામાં આવી છે એતો એ બાબત નો જ ઈશારો કરે છે કે આ મર્ડર નથી પણ કોઈ હિંસક પશુ નો હુમલો છે"અર્જુને પણ એમની વાત માં સુર પરોવ્યો..!!!

થોડી વાર માં ફોટોગ્રાફર અને ફોરેન્સિક ટીમ આવી પહોંચી..અર્જુને બાજુ માં રહી નાના માં નાની વિગત ના ફોટો પડાવ્યા અને દરેક વસ્તુ ને ભેગી કરવામાં ફોરેન્સિક ટીમ ની મદદ કરી..ત્યાં મળેલું બાઇક પણ કોન્સ્ટેબલ જાની ને પોલીસ સ્ટેશન લઈ આવવા માટે કહ્યું..!! ફોરેન્સિક ટીમ ના લોકો પણ આ બંને યુગલો ની લાશ જોઈએ હેબતાઈ ગયા હતા..!!!

બંને ની લાશ ને પોસ્ટમોર્ટમ માટે રાધાનગર ની સરકારી હોસ્પિટલ માં મોકલવામાં આવી..અર્જુન બીજી બધી પ્રોસેસ પતાવી દરેક વિગતો નોંધાવીને પોલીસ સ્ટેશન પોતાની ટીમ ને પાછો લઈ પહોંચ્યો ત્યારે ૬ વાગી ગયા હતા.. એક ધાર્યું કામ કરવાને લીધે એ થોડો થાક મહેસુસ કરી રહ્યો હતો. અર્જુને નાયક ને બુમ પાડી અંદર આવવા કહ્યું.

"બોલો સાહેબ..શું કામ છે??"નાયકે કહ્યું..

"નાયક ફટાફટ બધા માટે ચા નો ઓર્ડર આપ..અને મારા માટે મારબોલો સિગરેટ નું પેકેટ મંગાવજે..સવાર ની એકપણ પીધી નથી..અને પછી તું પેલી બેગ લઈને અંદર આવ"અર્જુને કહ્યું.

"બે જ મિનિટ માં આવું"નાયકે કહ્યું..એ જેટલી ગતિ એ બહાર ગયો એટલી જ ગતિ એ બેગ લઈ અંદર આવ્યો..

"સાહેબ પોસ્ટમોર્ટમ રિપોર્ટ કાલ સવારે આવશે..અને બાઇક ની ડિટેઇલ પણ અડધા કલાક માં આવતી જ હશે"નાયકે ટેબલ પર બેગ મુકતા કહ્યું..

અર્જુન બેગ હાથ માં લે છે અને એનો બધો સામાન ટેબલ પર ઠાલવે છે..જેમાંથી ૨ નોટબુક, લિપ બામ, કાંસકો, બોલપેન અને સહજાનંદ કોલેજનું આઇડેન્ટિટી કાર્ડ નીકળે છે જેના પર લખેલું હોય છે માધવી હસમુખ ભાઈ દવે..ટી.વાય.બીકોમ..!! નીચે એનું એડ્રેસ લખેલું હોય છે.. અર્જુન નાયક ને આ એડ્રેસ પર ૨ કોન્સ્ટેબલ ને મોકલી એના ફેમિલી મેમ્બર ને આ દુઃખદ ઘટના ની જાણ કરવા કહે છે..!!

થોડીવાર માં ચા અને સિગારેટ આવી જાય છે..સિગરેટ ના કસ અને ચા ની ચૂસકી ની મજા માણતા માણતા અર્જુને નાયક ને પૂછ્યું.."બાઇક કોની છે કાંઈ ખબર પડી?"

"હમણાં જ જાવેદ ને પૂછું..એને મેં એના માટે જ મોકલ્યો છે.."આટલું કહી નાયકે જાવેદ નામ ના કોન્સ્ટેબલ ને કોલ લગાવ્યો અને થોડી વાર વાત કર્યા પછી બોલ્યો..

"સાહેબ આ બાઇક પણ રાધાનગર ના જ એક યુવાન ની છે જેનું નામ વિવેક મિસ્ત્રી છે એ પણ સહજાનંદ કોલેજ માં ટી.વાય બી.કોમ માંજ ભણે છે..જાવેદે એના ઘરે આ ઘટના ની માહિતી આપી દીધી છે એના મમ્મી પાપા હમણાં જ આવતા હશે..!!

ઘટના નો ભોગ બનેલા બંને યુવક યુવતી ના ફેમિલી મેમ્બર ને કઈ રીતે સંભાળવા એ વિશે પોતાના મન ને મજબૂત કરી અર્જુન સિગરેટ નો આખરી કશ ખેંચી ધુમાડા ને બહાર કાઢે છે..અર્જુન માટે સિગરેટ નું વળગણ બહુ જબરું હતું..પીનલ ના આવ્યા પછી પણ સિગરેટ પીવાનું બંધ નહોતું થયું..હા એની રોકટોક થી થોડી ઓછી થઈ હતી પણ બંધ તો નહીં જ...!!!

થોડીવાર માં બંને યુવક યુવતી ના કુટુંબ ના સદસ્યો આવી ગયા..આ ઘટના રાધાનગર માં વાયુવેગે પ્રસરી હતી એટલે એમની સાથે બીજા ૪૦-૫૦ માણસ નું ટોળું પણ આવ્યું હતું..

અર્જુને અને નાયકે બંને ના પરિવાર ને બધી વાત વિગતે કરી અને સાંત્વના આપવાનો પૂરતો પ્રયાસ કર્યો, પણ એ વાત એમના થી છુપાવી કે બંને ની લાશ કઈ હાલત માં મળી હતી કેમકે અર્જુન નહોતો ઇચ્છતો કે એમના પરિવાર ની લાગણી દુભાય. બીજા દિવસે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા પછી બંને ની લાશ એમના પરિવાર ને આપવામાં આવશે એમ જણાવી અર્જુને ભારે હૃદયે સૌને ઘરે જવા કહ્યું..!!

આ બધી વાત માં રાત ના ૮:૩૦ થઇ ગયા હતા..અર્જુને નાયક ને પોતે ઘરે જાય છે એમ કહી ઘર તરફ જવા પોતાનું બુલેટ ચાલુ કર્યું અને ફૂલ સ્પીડ માં ભગાવી મૂક્યું..!!નાયક રાતે પણ પોલીસ સ્ટેશનમાં જ રહેતો.

ઘરે જઈ અર્જુને પીનલ ને આખા દિવસ દરમિયાન શું શું ઘટના બની હતી એ વિશે વિગતે વાત કરી અને પછી જમવાનું જલ્દી ડાઇનિંગ ટેબલ પર હાજર કરવા કહ્યું..આજે પીનલ એ વઘારેલી ખીચડી, શિરો, અને બટાકા ની સૂકી ભાજી બનાવી હતી..અર્જુન ભરપેટ જમ્યા બાદ પોતાના રૂમ માં જઈ આડો પડ્યો..આખા દિવસ ની દોડધામ ના લીધે ૫ મિનિટ માં તો એ ઘસઘસાટ સુઈ ગયો..!!

અર્જુન સવારે ૬ વાગે એલાર્મ ના અવાજ સાથે ઉભો થઇ ગયો..થોડી કસરત કર્યા બાદ એ સ્નાન કરી ને બહાર આવ્યો ત્યારે પીનલ એ ચા નાસ્તો તૈયાર કરી રાખ્યો હતો..જેને ન્યાય આપી પોલીસ ના પોશાક માં તૈયાર થઈ અર્જુન પોતાનું બુલેટ લઈ ને ૮ વાગે પોલીસ સ્ટેશન પહોંચી જાય છે..!!!

"સુરેશ, નાયક દેખાતો નથી.."પોલીસ સ્ટેશન માં નાયક ને ના જોતા અર્જુન બોલ્યો..

"નાયક સાહેબ તો દવાખાને ગયા છે પોસ્ટમોર્ટમ રિપોર્ટ લેવા..એમને કીધું હતું હું થોડીવાર માં આવી જઈશ..એટલે હમણાં આવતા જ હશે.."સુરેશ નામ ના કોન્સ્ટેબલ એ કહ્યું.

"સારું હું મારી કેબીન માં છું એ આવે એટલે મારી કેબીન માં મોકલ"આટલું કહી અર્જુન પોતાની કેબીન માં આવ્યો..અંદર આવતા જ એને પેકેટમાંથી એક સિગરેટ કાઢી અને સળગાવી..સિગરેટ સળગાવી ને એ પોતાની ખુરશી માં બેઠો..૧૫-૨૦ મિનિટ પછી નાયક પોસ્ટમોર્ટમ રિપોર્ટ લઈને અંદર આવ્યો!!

"સાહેબ આ રહ્યો પોસ્ટમોર્ટમ રિપોર્ટ..બંને ભોગ બનેલા યુવક યુવતી ના પરિવાર ને બોલાવી એમની લાશ સુપ્રત કરવા રોકાયો હતો એટલે થોડું મોડું થયું"આટલું કહી નાયકે અર્જુન ને પોસ્ટમોર્ટમ રિપોર્ટ ની ફાઇલ આપી અને સામે ની ખુરશી માં સ્થાન ગ્રહણ કર્યું..

અર્જુને ફાઇલ હાથ માં લીધી અને કહ્યું"ઓકે.. નો પ્રોબ્લેમ"

અર્જુને રિપોર્ટ વાંચ્યો જેમાં લખ્યું હતું"બંને ની બોડી એક સમાન અવસ્થા માં છે.બંને ના ગળા પર કોઈએ બચકા ભરી ને શ્વાસનળી કાપી નાખતા મોત નિપજ્યા છે..મારી નાખ્યા પછી બંને યુવક યુવતી ની લાશ નું મારણ કરવામાં આવ્યું હોય છે એટલે કે એમના શરીર ના અંગો ને ખાવામાં આવ્યા હોય છે..ફોરેન્સિક ટીમ માં ચીફ ઓફિસર દ્વારા આને વરુ કે એના જેવા બીજા કોઈ હિંસક પશુ નો હુમલો ગણવામાં આવ્યો હોય છે..!!

અર્જુને આખો પોસ્ટમોર્ટમ રિપોર્ટ વાંચી ને નાયક ને સંભળાવ્યો..આ સાંભળી નાયકે કહ્યું..

"એટલે સાહેબ આપણી ગણતરી મુજબ આ કોઈ મર્ડર નથી પણ હિંસક પશુ ના હુમલા થી થયેલા મોત છે..હું મીડિયા માં આ વિશે માહિતી આપી દઉં..અને એક અકસ્માત તરીકે આ દુઃખદ ઘટના ને ગણી ને એની ફાઇલ ને ક્લોઝ કરી દઉં..!!

"હા નાયક એવું જ કર..આમપણ હવે આ કેસ માં કંઈપણ તપાસ જેવું નથી..આ એક પ્રાણી દ્વારા થયેલા હુમલા નો કેસ છે એટલે તું ફાઇલ બંધ કરી દે.."અર્જુને કહ્યું..આ સાંભળી તરત નાયક બહાર નીકળી ગયો..નાયક ના બહાર જતા જ અર્જુને બીજી એક સિગરેટ સળગાવી અને મોબાઈલ માં જુના ગીતો ચાલુ કરી એને સાંભળતાં સાંભળતા શાંત મુદ્રા માં ખુરશી પર લંબાવ્યું..!!

એકતરફ આ ઘટના લીધે અર્જુન દુઃખી હતો તો બીજી તરફ કોઈ હિંસક પશુ દ્વારા થયેલા આ હુમલા થી એ યુગલ નો જીવ ગયો છે એ જાણી થોડી રાહત પણ થઈ..કેમકે જો મર્ડર હોત તો ગુનેગારો ને શોધવા માટે નીકળવું પડત.અર્જુન આળસુ નહોતો પણ મર્ડર ની વાત સાંભળી આ રાધાનગર શહેર ની શાંતી માં ભંગ પડે એવું એ નહોતો ઇચ્છતો, બાકી ગુનો થયો હોય તો એનો ગુનેગાર ભલે પાતાળ માં છુપાય પણ અર્જુન એને શોધ્યા વીના બેસતો નહીં.!!

અચાનક થયેલા એક ઝબકારા ને લીધે અર્જુન ખુરશી માંથી ઉભો થયો અને ટેબલ નું ખાનું ખોલી કાલ વાળો પેલો લેટર બહાર કાઢ્યો, આ એજ લેટર હતો જે અર્જુન વાંચવા જતો જ હતો પણ તિલોક ના ફોન ના લીધે એને લેટર વગર વાંચે ટેબલ માં ખાના માં મૂકી દીધો હતો..!!અત્યારે એ વિશે યાદ આવતા એ તરત હરકત માં આવ્યો.

અર્જુને લેટર ખોલ્યો અને એમાં લખેલું વાંચ્યું..અંદર કોમ્પ્યુટર વડે ટાઈપ કરી ૨ લાઇન લખેલી હતી..અને નીચે એક ખોપરી નું નિશાન હતું.એમાં લખ્યું હતું..

"અપમાન અને અશ્વત્થામા ની રાશી એક જ છે.. માટે જ એના ધા ટપકે છે, ઝરે છે, દુખે છે પણ ક્યારેય રૂઝાતા નથી.." લી. ડેવિલ.!!!

બહુ ટૂંક માં કહેવાયેલી આ વાત નું રહસ્ય શું હતું એ વિચારવાની અર્જુને વિફળ કોશિશ કરી પણ આખરે કંઈ ખબર ના પડતા એને એ લેટર પાછો ટેબલ ના ખાના માં જેમ હતો એમ જ મૂકી દીધો..એને એમ લાગ્યું કે કોઈએ હેરાન કરવા માટે કે મજાક માં આમ કર્યું હશે એટલે આ વાત વિશે ગંભીરતા થી વિચારવાનું માંડી વાળ્યું અને પાછો આંખ બંધ કરી ને જુના ગીતો સાંભળવા લાગ્યો.!!!

નાયકે મીડિયા માં હિંસક પશુ દ્વારા કરેલા હુમલા વિશે વાત કરી ને આ મર્ડર ને અકસ્માત નો ગુનો નોંધી એની ફાઇલ ક્લોઝ કરી દીધી..!!!

To be continued..........

શું ખરેખર આ ઘટના કોઈ હિંસક પશુ દ્વારા થયેલ હુમલો હતી? કબર માંથી લાશ ને ચોરી ને લઈ જનારા માણસ નું રહસ્ય શું? અર્જુન ને મળેલા લેટર ના લખાણ નો શું અર્થ હતો અને એ મોકલનાર કોણ હતું?ફાઇલ ક્લોઝ કરવા થી આવી ઘટના ઓ અટકી જશે ખરી???? જાણવા માટે વાંચતા રહો ડેવિલ-એક શૈતાન નો નવો ભાગ આવતા સપ્તાહે...આ નોવેલ અંગે નો આપનો અભિપ્રાય મારા whatsup નમ્બર 8733097096 પર આપી શકો છો..

-જતીન. આર. પટેલ