Pruthvivallabh - 32 in Gujarati Fiction Stories by Kanaiyalal Munshi books and stories PDF | પૃથિવીવલ્લભ - 32

Featured Books
  • నిరుపమ - 10

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • మనసిచ్చి చూడు - 9

                         మనసిచ్చి చూడు - 09 సమీరా ఉలిక్కిపడి చూస...

  • అరె ఏమైందీ? - 23

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • నిరుపమ - 9

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • మనసిచ్చి చూడు - 8

                     మనసిచ్చి చూడు - 08మీరు టెన్షన్ పడాల్సిన అవస...

Categories
Share

પૃથિવીવલ્લભ - 32

પૃથિવીવલ્લભ

કનૈયાલાલ માણેકલાલ મુનશી


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as NicheTech / MatruBharti.

MatruBharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

NicheTech / MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.


૩૨. ભિક્ષા

ક્ષુદ્રમાં ક્ષુદ્ર પ્રાણીની અધમતા ને માનહીનતા મૃણાલવતી અત્યારે અનુભવતી હતી. તેણે ધારેલું પરિણામ આવ્યું નહિ - એટલું જ નહિ, પણ સદાને માટે મુંજ હાથમાંથી ગયો - વખત છે ને તે પ્રાણ પણ ખૂએ. વળી આખા જગતમાં તેની ફજેતી થઈ અને વૈરાગ્યના આડંબરથી જે માન, સત્તા ને શાંતિ મળ્યાં હતાં તે બધાં તદ્દન નાબૂદ થઈ ગયાં. છેલ્લાં-છેલ્લાં લક્ષ્મીદેવીના એક વાક્યે આખા જન્મારાનું વેર લીધું અને હવેથી તૈલંગણનાં કાગડા-કૂતરાં પણ તેની સામે નહિ જુએ એવી અધોગતિએ તે પહોંચી. સુખ ગયું, પ્રણય ગયો, વૈરાગ્ય ગયો, માન ગયું, સત્તા ગઈ, છતાં વસુંધરાએ ન આપ્યો માર્ગ ને યમે ન લીધા પ્રાણ.

તે પોતાના ખંડમાં ગઈ અને શૂન્ય બની બેઠી; તે ન સ્વસ્થ રહી શખી, ન રડી શકી, ન રસ્તો ખોળી શકી. વિલાસની લાલસા, સત્તાનો શોખ ને વૈરાગ્યનો મોહ ત્રણે જાણે વૈતરણી તરી ગયેલાં સ્વજન હોય તેમ દૂરથી તેને છેલ્લાં પ્રણામ કરી રહ્યાં ને સજલ નયને તે પડી રહી - ન તેમને બોલાવી શકી કે ન તેમની પાછળ વૈતરણી ઓળંગી શકી.

મરવાનું મન થયું, પણ યમરાજ આદરવાની હિંમત નહોતી, છતાં યમરાજ ને તૈલપ એ બેમાં તેને યમરાજનું શરણ ઓછું અરુચિકર લાગતું હતું.

પણ રખેને વિષનો પ્યાલો અધૂરો રહી ગયો હોય તેમ તૈલપનાં પગલાં તેના તરફ આવતાં સંભળાયાં. તેનામાં સ્વાસ્થ્ય લાવવાનું જોર નહોતું; સામે થવા જેટલું સ્વમાન નહોતું. જેમ હતી તેમ, વીજળીના પ્રભાવથી પડેલા ઘર સમી, તે નિરાધાર બની બેસી રહી.

તૈલપ આવ્યો. તેણે આટલી વારમાં મૃણાલ વિશે માહિતી મેળવી લીધી હતી. વખત - કવખતે મુંજ સાથેનો તેનો મેળાપ, અકલંકને તેણે આપેલી ખબર ને લક્ષ્મીદેવીનો ટોણો - આ બધાંથી તેને ખાતરી થઈ હતી કે મૃણાલે જ વિષયલાલસામાં મુંજને છોડાવવાનું કાવતરું ઊભું કર્યું હતું. આથી તેના કચવાટનો પાર રહ્યો નહોતો. મૃણાલ વૈરાગ્ય છોડી વિષયી બને મુંજને નસાડવામાં સામેલ થાય, કાવતરાબાજો નાસી છૂટે, જતાં-જતાં અકલંકને હરાવી જાય, ભિલ્લમ જેવો શૂરવીર યોદ્ધો તેને છોડી સ્વાતંત્ર્યનો ઝંડો ઉઠાવે - આ બધા ઉપરાછાપરી પડેલા ઘાથી તે અકળાઈ ઊઠ્યો હતો. એક પલકમાં મૃણાલની બુદ્ધિની ને ભિલ્લમના બાહુની સહાય ગઈ અને ભિલ્લમ અને ભોજ જેવા પ્રતાપી દુશ્મનો પાક્યા, એ ગૂંચવણી જબરી હતી; અને તેમાં મૃણાલના સ્ખલનનું કલંક લાગ્યું : વિજયને શિખરેથી આ ખાઈમાં પડવું એ બિચારાને દુઃસહ થઈ પડે તેમાં નવાઈ જેવું નહોતું.

પણ આ ગૂંચવણમાંથી રસ્તો કાઢવાની કે તૂટેલી રચના ફરી ઊભી કરવાની તેને ફુરસદ કે શક્તિ નહોતી. અત્યારે તે માત્ર ક્રોધ ને દ્વેષ બેનો જ ગુલામ થઈ રહ્યો હતો - અને તે બંનેનું કેન્દ્રસ્થાન મુંજ અને મૃણાલ બન્યાં હતાં.

તે આવ્યો અને થોડી વાર નિઃશબ્દ તિરસ્કારથી મૃણાલને જોઈ રહ્યો. તેની ઝીણી આંખોમાં અનિર્વાચ્ય દ્વેષ હતો, તેના હોઠ પર ભયંકર તિરસ્કાર હતો, તેનું મન દ્વેષ અને તિરસ્કારથી કોઈને પણ ભસ્મ કરવા તલપી રહ્યું હતું.

‘કેમ તૈલંગણની રાજમાતા !’ તેણે ક્રૂર અને શાંત અવાજે કહ્યું, ‘અવંતી કેટલું દૂર છે ?’

મૃણાલ જોઈ રહી - શિકારીએ ઘેરેલી હરિણીની નિરાશાભરી આંખે. શું બોલવું તે તેને સૂઝ્‌યું નહિ. તૈલપે આગળ ચલાવ્યું :

‘કુલાંગાર ! આની કરતાં માને પેટે પથ્થર પડી હોત તો વધારે સારું. નિષ્કલંક તપસ્વિની !’ કહી તૈલપ ખડખડાટ હસ્યો, ‘શો તારો વૈરાગ્ય ને શી તારી નીતિ ! આવું કરતાં તો તૈલંગણની વારાંગનાઓ પણ બિચારી શરમાઈ મરે !’

મૃણાલે નીચેથી ઊંચે જોયું. તેની ફિક્કી આંખમાં નિરાશા હતી. તે તૈલપના શબ્દોનો કંઈ અર્થ સમજવા પ્રયત્ન કરવા લાગી.

તિરસ્કારથી હસીને તૈલપ બોલ્યો : ‘તને તૈલંગણમાં બીજું કોઈ ન મળ્યું કે મુંજ પર મોહી પડી ?’ શબ્દેશબ્દ ખંજર હોય તેમ ધીમેથી કસાઈની રસભરી ક્રૂરતાથી બહેનના હૃદયમાં તે મારી રહ્યો.

તરફડતું પ્રાણી પણ નિરર્થક કરેલા ઘાની ક્રૂરતાથી ગુસ્સો ન શમાવી શકે તેમ નિરાધારીમાં ઘેલી બનેલી મૃણાલમાં પણ ક્રોધના અંકુરો ફૂટ્યા. તેણે સર્વસ્વ ગુમાવ્યું હતું. પણ મુંજ માટેનો મોહ તેવો ને તેવો રહ્યો હતો. પોતાને કહેલા અપશબ્દોની તેને પરવા નહોતી. પણ મુંજ - તેના હૃદયમાં રમી રહેલી એકમાત્ર મૂર્તિ - નું જરા જેટલું અપમાન પણ તેને સાલી ઊઠ્યું.

તે તૈલપ સામે જોઈ રહી ને થોડી વારે બોલી :

‘તૈલંગણ તો શું પણ આખી પૃથિવી પર એનો જોટો તો બતાવ !’

તૈલપની આંખમાં ભયંકર તેજ આવ્યું. તેના હોઠ કંપી ઊઠ્યા. તેના ક્રોધ અને દ્વેષ પર છવાયેલું તિરસ્કારનું આવરણ ખસી ગયું. તેણે ડોળા ફાડી પૂછ્યું :

‘બેશરમ ! મારે મોઢે પણ કહેતાં લાજતી નથી ?’

‘શા માટે લાજું ?’ મૃણાલે ખિન્નતાથી કહ્યું. તેનો પ્રભાવશાળી સ્વભાવ પોતાનું સામ્રાજ્ય ધીમે-ધીમે બેસાડતો હતો. ‘તું નહોતો સમજ્યો મારો વૈરાગ્ય ને તું નથી સમજતો મારો મોહ. મુંજની મશ્કરી કરે છે ? મૂર્ખ ! તારા જેવા દસ હજાર તૈલપ ભેગા થાય તોપણ તેને ન પહોંચે.’ કહી તે તૈલપની સામે ઊભી રહી.

‘શાબાશ તપસ્વિની ! શાબાશ તૈલંગણની રાજમાતા ! શા તારા મોઢામાં આ બોલો શોભી રહ્યા છે !’

‘શોભી રહે કે નહિ તેની મને પરવા નથી. મારા હાથ અત્યારે હેઠે પડ્યા છે, મારું જીવન મારે હાથે મેં ચૂંથી નાખ્યું છે, મારે કોઈ નિસાસો મૂકનાર નથી. હું ઉગ્ર તાપસી હતી, તૈલંગણની રાજવિધાત્રી હતી; હવે બધા કુલટા કહી મારા નામ પર થૂંકશે’ - મૃણાલ શ્વાસ ખાવા જરા થોભી, તૈલપ જરા હસ્યો.

‘- છતાં હું તાપસી બની જે ગર્વ ધારતી હતી એટલો જ ગર્વ તેથી વધારે ગર્વ - પૃથિવીવલ્લભની વલ્લભા થઈ ધારું છું.’

‘હા - હા - હા -’ તૈલપ ખડખડ હસી પડ્યો. ‘ત્યારે તું પણ જો. મેં તને અત્યાર સુધી મા સમાન - મારા પરમેશ્વર સમાન - ગણી. હવે તને પૂરેપૂરો સ્વાદ ચખાડું છું.’

‘તું શું સ્વાદ ચખાડતો હતો ? મને ભાગ્યફૂટીને તો વિધિ કંઈ સ્વાદ ચખાડવામાં મણા રાખતો જ નથી.’ તેણે ગમગીનીભર્યા અવાજે કહ્યું. ‘પહેલાં તો તારા પૃથિવીવલ્લભને સ્વાદ ચખાડું; પછી તને.’ ‘તે તો સદા સુખનો સ્વાદ ચાખે છે, તેને શું કરવાનો હતો ?’ ‘હજુ તને મારા પ્રતાપની ખબર નથી.’ હવે તિરસ્કારપૂર્વક હસવાનો વખત મૃણાલને આવ્યો, તે હસી. તૈલપ ઘૂરક્યો. તેણે મૂંગે મોઢે જઈ બારી ઉઘાડીને કહ્યું : ‘જો-’

મૃણાલે એક ડગલું આગળ આવી જોયું. બહાર શેરીમાં એક ઘરના બારણા આગળ મુંજ ઊભો હતો. તેને હાથે ને પગે બેડી હતી. તેના હાથમાં ભિક્ષાપાત્ર હતું, તેની પાછળ બે ખડ્‌ગધારી સૈનિકો ચાલતા હતા.

‘તારો પૃથિવીવલ્લભ સાત દિવસ ઘેરઘેર ટુકડા માગી ખાશે, પછી-’ ‘પછી ?’ શ્વાસ ઘેરી મૃણાલે પૂછ્યું. ‘પછી - જ્યાં તું ન મળે ત્યાં - યમસદનમાં.’ કેમ જાણ્યું ?’

અત્યારે આવી દયાજનક અધમતામાં પણ મુંજ તેનો તે જ હતો.

તેના મુખ પર શાંતિ ને આનંદ હતાં, તેની આંખો ઘડીમાં સૈનિકો જોડે, ઘડીમાં રસ્તે ચાલનાર જોડે વાત કરતાં નાચી રહેતી હતી, તેના ગૌરવમાં કે સ્વાસ્થ્યમાં જરા પણ ભંગ થયો નહોતો; તેના હાથમાં બેડી ને ભિક્ષાપાત્ર રાજચિહ્ન જેવાં લાગતાં હતાં.

જે ઘર આગળ મુંજ ઊભો હતો તેમાંથી એક યુવતી નીકળી અને મુંજ તેમ જ સૈનિકોને જોઈ ગભરાઈ પાછી હઠી.

‘સુંદરી ! ગભરાય છે શું કામ ?’ સ્નેહ ને આદરભર્યાં નયનો તે સ્ત્રી પર ઠારી, હસીને મુંજે કહ્યું.

‘મહારાજ ! -’ પેલી સ્ત્રી ક્ષોભથી બોલી.

‘આથી બીજું રૂડું શું ? આમ ન હોત તો માન્યખેટના નાગરિકોને પૃથિવીવલ્લભની પિછાન કેમ પડત ? ઘરમાં કંઈ છે ? હોય તો આપ.’

‘મહારાજ ! અત્યારે -’

‘જે કંઈ હોય તે. તૈલપના રાજ્યભવનના પકવાન કરતાં તો વધારે સારું જ હશે. જોઉં તો ખરો કે પાકશાસ્ત્ર કોનું રસ - અવંતીનું કે માન્યખેટનું ?’

પેલી સ્ત્રી દોડતી-દોડતી ઘરમાં ગઈ અને કંઈ ખાવાનું લઈ મુંજના ભિક્ષાપાત્રમાં નાખ્યું.

મુંજે હાસ્યભર્યા નયને કહ્યું : ‘સુંદરી ! આટલું યાદ રાખજે,’ કહી એક સંસ્કૃતશ્લોક કહ્યો.

પેલી સ્ત્રી ન સમજવાથી જોઈ રહી. મુંજે હસીને કહ્યું : ‘હા, ભૂલ્યો, આ અવંતી નથી. જો ચંદ્રલેખા ! આ તારા પુષ્પમાળા શા હાથના સુકુમાર પાશમાંથી પ્રણયી છૂટવાનું કરે તો તેને મૂઢ લેખી તેનો તિરસ્કાર કરજે; કારણ કે પૃથિવીવલ્લભ પણ આ હાથ છે કે પદ્મની દાંડી છે તેના ભ્રમમાં પળવાર ભિક્ષાપાત્રમાં શું નાખ્યું તે જોવાનું વીસરી ગયો.’

પેલી સ્ત્રી શરમાઈ નીચું જોઈ રહી. તેનું મોઢું હસું-હસું થઈ રહ્યું.

મુંજ પણ આનંદથી હસતો હતો. ‘આ તારો પૃથિવીવલ્લભ, જોયો ?’ મુંજ બીજી શેરીમાં વળ્યો એટલે તૈલપે મૃણાલને કહ્યું. ‘મેં તો ક્યારનો જોયો છે. તું જોઈ લે, નહિ તો રહી જશે.’ મૃણાલે તિરસ્કારથી કહ્યું, ‘પૃથિવીવલ્લભ તો આ જ ! તું પ્રાણ પટકશે તોપણ આવો થવાનો નથી.’ કહી તે ત્યાંથી ફરી. હોઠ કરડી તૈલપ ત્યાંથી ચાલ્યો ગયો.