Bhadram Bhadra - 15 in Gujarati Comedy stories by Ramanbhai Neelkanth books and stories PDF | ભદ્રંભદ્ર - પ્રકરણ - 15

Featured Books
  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

  • તલાશ 3 - ભાગ 21

     ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તે...

Categories
Share

ભદ્રંભદ્ર - પ્રકરણ - 15

ભદ્રંભદ્ર

રમણભાઈ મ. નીલકંઠ

૧૫. ભૂતમંડળમાં પ્રવેશ

એકદમ ઊભા થઈ ભદ્રંભદ્ર બોલ્યા, 'આ સમયે મને જે હર્ષ થાય છે તેની આગળ સર્વ અપાર વસ્તુઓ સપાર છે. આપ સર્વ સુધારાના શત્રુ છો અને તેથી પણ વધારે સુધારાવાળાના શત્રુ છો એ જાણી મને જે આનંદ થાય છે તે પારાવારમાં માઈ શકે તેમ નથી. આપ સૌનું

આર્યત્વ,

આર્યપક્ષત્વ,

આર્યપક્ષવાદત્વ,

આર્યપક્ષવાદલીનત્વ,

આર્યપક્ષવાદલીનાભિમાનત્વ,

આર્યપક્ષવાદલીનાભિમાનૈકવૃત્તિત્વ,

આર્ય પક્ષવાદલીનાભિમાનૈકવૃત્તિનિર્ભયત્વ

જોઇ મારા હૃદયમાં જે ઉલ્લાસનો પ્રવાહ વહે છે તે જોઇ કોડિયાના દીવાથી માંડીને દાવાનલ સુધી હરકોઇ અગ્નિને સમાવી નાખવા સમર્થ છે. માત્ર જઠરાગ્નિને શાંત કરવા તે અશક્ત છે. તેનું કારણ હું ટૂંકામાં જ કહી દઈશ, કેમકે મારો અને આપનો કાળ અમૂલ્ય છે અને હજી બીજાં કાર્યનું સાધન મારે કરવાનું છે. વળી દરેક વાત ટૂંકામાં કહી દેવાના અનેક લાભ છે અને તે વિષે મારે પ્રથમ વિસ્તારથી વિવેચન કરવું આવશ્યક છે. એ લાભ બધા મળીને સત્યાશી છે. તેમાં પહેલો જ શીઘ્રસિદ્ધિ નામે છે તેના એકસો તેર ભાગ પડે છે. તેમાં પ્રથમ ભાગ કાળ અને આયુષના સંબંધ વિશે છે અને તેનું પૃથ્થકરણ કરતાં તેનાં ત્રણસેં તેપન પેટા વિભાગ પડી શકે તેમ છે. સર્વની વ્યાખ્યા એક પછી એક તપાસીએ-'

નંદીરૂપ પર પ્રથમ આરોપ કરનાર વચમાં ઊભો થઈ બોલ્યો, 'મહારાજ, ક્ષમા કરજો. આપ કોઇ પૂજ્ય પુરુષ જણાઓ છો. પણ જ્યારે ટૂંકમાં જ કહી દેવાનું આપ જ યોગ્ય ધારો છો તો પછી તેમ કરવાનું કારણ લંબાણથી કહેતા વિરોધ અને અયુક્તિ ભાસે છે.'

ભદ્રંભદ્ર અપ્રસન્ન થઈ બોલ્યા, 'વિરોધ અને અયુક્તિ સમજનાર મારા સમાન જગતમાં કોઇ નથી, તો પછી તે વિષે મને શિખામણ દેવાની અગત્ય નથી. ભલભલા સુધારાવાળાઓને મેં અણધાર્યે સ્થાનેથી સંવાદ અને યુક્તિનો અભાવ દેખાડી આપી વાગ્યુદ્ધમાં પરાજિત કર્યા છે. 'કીડી અને કબૂતર'ના પાઠમાં કેટલો બધો વિરોધ છે, આર્યદૃષ્ટિથી તેમાં કેટલી બધી અયુક્તિ છે, તે વિષે બસેં પાનાનું પુસ્તક લખી મેં સુધારાવાળાઓ પાસે તેમના પોતાના લજ્જાપદત્વનો અંગીકાર કરાવ્યો છે. માટે મારા જેવા પૂજ્ય પુરુષના ભાષણમાં અવરોધ થવો ન જોઇએ. હું તમારા સૌ કોઇથી અધિક જ્ઞાની છું એ વિષે મારી પોતાની તો પૂર્ણ પ્રતીતિ છે અને આ મારો અનુયાયી જે, લાકડા ચીરનાર કઠિયારા જેમ સતૃષ્ણ નયને લાકડાનાં ગાડાં પછાડી ફરે છે, તેમ રાત્રિ-દિવસ મારી પછાડી ફરે છે. તે તમને મારું જગત્પ્રસિદ્ધ નામ કહેશે ત્યારે તમને પણ તેની પ્રતીતિ સહજ થઈ જશે. કોઇ આને આત્મપ્રશંસા કહશે પણ તે ભ્રાંતિ છે. સત્યકથનમાં પ્રશંસાનો દોષ નથી અને હું સત્ય કહું છું એમાં મને સંદેહ નથી. મારા જેવા વિદ્વાન બ્રાહ્મણને સત્કારપાત્ર કરવાને બદલે -'

ભૂતેશ્વરરૂપ એકદમ ઊઠીને બોલ્યા, 'ભૂદેવ, આપના સત્કારમાં અમે પાછા હઠીએ એવા છીએ જ નહિ. અમે સુધારાવાળા નહિ પણ આર્ય છીએ. આપ સુધારાવાળાના શત્રુ છો, એટલાથી જ આપ સન્માનને યોગ્ય છો. પણ આપે જઠરાગ્નિ વિષે કહ્યું તેથી અમને શંકા થાય છે કે આપે હજી ભોજન કર્યું નથી, એમ હોય તો આપના ભાષણના લંબાણથી આપની ભોજનસામગ્રીમાં વિલંબ થાય છે. માટે હાલ ટૂંકામાં કહી દેવાની આપને વિનંતી છે.'

ભદ્રંભદ્ર સ્મિત કરી બોલ્યા, 'ભોજનસામગ્રી થતી હોય તો વિશેષ કહેવાની અગત્ય રહી નથી. મારા ભાષણનો ઉદ્દેશ એ હતો. મારું નામ આપને કહેવાની સૂચના આ મારો અનુયાયી સમજ્યો નથી અને આપે કોઇયે પણ તે હજી પુછ્યું નથી, માટે મારે કહેવું જોઇએ કે મારું નામ ભદ્રંભદ્ર છે.'

પૂર્વના ભૂતેશ્વર અને નંદીરૂપે આવીને ભદ્રંભદ્રને પ્રણામ કર્યાં. નંદીરૂપ કહે, 'આપને નામથી ઓળખતા છતાં દીઠે ન ઓળખ્યા માટે ક્ષમા કરશો.' ભૂતેશ્વરે શી રીતે અમે આવી ચઢ્યા તે પૂછ્યું. ભદ્રંભદ્રે કહ્યું 'દુષ્ટ સુધારાવાળાઓના પ્રપંચને લીધે થયેલા જ્ઞાતિના વિગ્રહમાં સહેજ ખોટી સમજૂતને લીધે કારાગૃહમાં બે રાત્રિ કહાડવાની મને જરુર જણાઇ. તેથી ક્ષુધાર્ત થઈ ગૃહ ભણી જતાં અહીં ભોજનસામગ્રી થતી હશે તો સહેજ કોઇ યજમાનને પાવન કરી શકાશે એમ અનુમાન કરી હું આવ્યો. આપ અન્ય વ્યાપારમાં ગૂંથાયા હતા તેથી હજી બોલ્યો નહોતો.' ભૂતેશ્વરે ભોજનની આજ્ઞા આપવા એકદમ ચાકરને બોલાવ્યો.

મેં હિમત કરી એકદમ ઊભા થઈ ભદ્રંભદ્રને કહ્યું, 'મહારાજ', આપના વચનની સૂચના હું સમજ્યો નહિ માટે ક્ષમા માંગુ છું, પણ, આપતો મારા ઉદરની ખરી હકિકત પૂરેપૂરી જાણતા છતાં, આપ તે વિષે એક શબ્દ પણ બોલ્યા નથી. આપ પેઠે હું પણ ક્ષુધાર્ત છું એ કોઇના જાણવામાં નહિ હોય, એ વાત ક્ષુધાએ આપના ચિત્તમાંથી ખસેડી નાખી છે. તો મારી વિસ્મૃતિ માટે પણ ક્ષુધા જવાબદાર છે.'

ભૂતેશ્વર કહે, 'હું બંને માટે ભોજનની વ્યવસ્થા કરું છું' તેથી તકરારનું કારણ રહ્યું નહિ. મેં દર્શાવેલી હિમંત માટે ભદ્રંભદ્રે બે શબ્દ કહી પ્રસન્નતા જણાવી નહિ તેમ આકારથી તે અપ્રસન્ન થયા પણ જણાયા નહિ; તેથી, ઊંચાઇને લીધે દેખાઇ આવતા અને પાતળાઇને લીધે દેખાવમાં ન આવતા તાડ જેવા તે શોભવા લાગ્યા. આ ઉપમા મારા મનમાં ઘોળાતી હતી એવામાં મંડળમાંના એકે ગૂંચવાઇને પૂછ્યું,

'ભદ્રંભદ્ર ક્યા ? ખટપટાબાદ ગયા હતા અને તાડ પાડવા સારુ તે પરનો કાગડો ઉરાડતાં તાડ ઉપર ચડતાં અડધેથી પડી ગયા હતા તે ?'

તાડનું નામ સાંભળી મેં ઉતાવળમાં ભૂલથી 'હા' કહી દીધી. વિચાર કરતાં આશ્ચર્યથી ચમકી હું પ્રશ્ન વિષે ખુલાસો પૂછવા જતો હતો, પણ કોપસ્ફુરણ કરી ભદ્રંભદ્ર બોલ્યા,

'શું લોકોના અજ્ઞાનથી બ્રાહ્મણને માન મળે એમ શાસ્ત્રમાં કહ્યા છતાં આ પુરુષના અજ્ઞાનથી મારું અપમાન થાય અને મારો નષ્ટમતિ અનુયાયી તેનો સ્વીકાર કરે ? શું સુધારાવાળાના પ્રયોગ નિષ્ફળ કરવા સારુ મલિન, દુર્ગંધી, અજ્ઞાની બ્રાહ્મણને પણ ભૂદેવ કહી પૂજવાનો આર્ય પક્ષનો આગ્રહ હવે પૂરો થયો અને દેવથી શ્રેષ્ઠ દ્વિજોનો ઊલટો તિરસ્કાર થવા લાગ્યો !'

ભૂતેશ્વરે અપમાન કરનારને ઠપકો આપી ભદ્રંભદ્રને કહ્યું, 'પ્રખ્યાત કારભારી તંદ્રાચંદ્રના નામમાં આ માણસ ભૂલ કરે છે. તંદ્રાચંદ્ર વિષે આવી લોકની કહેણી છે તેથી આણે આપને નહિ ઓળખવાથી આ પ્રમાણે અજ્ઞાનથી કહ્યું. બાકી આપે એટલું તો જોયું હશે કે આ મંડળમાં કોઇની મગદૂર નથી કે મારી ઇચ્છા વિરુદ્ધ બગાસું પણ ખાય અને સર્વેને એ પ્રમાણે વશ કરું તો જગતમાં સુધારાનું નામ પણ લેવા ન દઉં. તંદ્રાચંદ્રના બાપ શંભુ પુરાણી મથુરા જઈ આહારમાં ચોબાને હરાવી આવેલા તેમનું નામ તો આપે સાંભળ્યું હશે. તેમના ભાણેજ વલ્લભરામ સુધારાવાળાના શત્રુ તરીકે પ્રગટ થવાથી હમણાં આ મંડળમાં ઘણુંખરું આવે છે. તેથી તંદ્રાચંદ્ર વિષે હમણાં આ મંડળમાં ઘણી વાતો થાય છે. જુઓ આ ત્રવાડિ અને વલ્લભરામ આવી પહોચ્યા.

સહેજસાજ ગાલિપ્રદાનથી બંનેનો આવકાર થયા પછી વલ્લભરામ અને ભદ્રંભદ્ર ભૂતેશ્વર સાથે ગાદી પર બેઠા અને ત્રવાડિ અમારા બધા સાથે બેઠા.

અમે વલ્લભરામને ઓળખતા હતા. તેથી મેં તેમને પ્રણામ કર્યા તેના ઉત્તરમાં તેમણે મને મુક્કી બતાવી અને પોતાના નાકે આંગળી મૂકી ચૂપ રહેવાની મને રોફમાં ઇશારત કરી. એક વખત વલ્લભરામ જુગાર રમતાં પકડાયેલા અને સિપાઇને લાંચ આપી છૂટી ગયેલા તે વખત હું ત્યા આવી પડ્યો હતો અને તે પછી બે-ત્રણ વખત શા વતી જુગાર રમતા હતા તે મેં તેમને પુછ્યું હતું; એક વાર તો બજારમાં મળ્યા ત્યાં કોરે બોલાવી પૂછ્યું હતું; તેથી એ જિજ્ઞાસા હાલ વશ રાખવાની આ ઇશારત છે એમ સમજી મેં નયનના પલકારાથી તે કબૂલ રાખી. મેં ધાર્યું કે મને કોઇ જોતું નથી. પણ ચારે તરફ આંખ ફેરવતાં માલમ પડ્યું કે સર્વની નજર મારા પર હતી. સર્વત્ર હાસ્ય પ્રસર્યું અને તે હાસ્ય પરથી તંદ્રાચંદ્રના દુરાચારના વર્તમાન વિષે કેટલાક સ્પષ્ટાર્થ પ્રશ્નો પુછાયા. તેના વિગતવાર ઉત્તર સંકોચ વિના આપી રહ્યા પછી વલ્લભરામે પૂછ્યું.

'તંદ્રાચંદ્રની મશ્કરી કરો છો પણ, પણ આ બધામાંથી સાધુ થવાનો કોનો વિચાર છે તે કૃપા કરી જણાવશો કે -'

નંદીરુપ વાક્ય પૂરુ કરવા વચમા બોલ્યા, 'સાધ્વી ખોળી કહાડવાની તજવીજ થાય.'

ભૂતેશ્વરે તાળી આપી, પણ બોલ્યા,

'ખરેખર શબ્દ તો 'સાધુડી' છે. બાવા લોક 'સાધ્વી'માં ના સમજે. વલ્લભરામ, તમે તો ભાષાશાસ્ત્રમાં વિદ્વાન છો. ત્યારે નિર્ણય કરો કે આ બાબતમાં બરાબર શબ્દ કયો. તમે તો પાછા એમાંય સુધારાને એકાદ મેણું મારશો.'

વલ્લભરામ કહે, 'બંને શબ્દ યોગ્ય છે અને બંને આર્યદેશની ઉત્તમતા સિદ્ધ કરે છે. 'સાધ્વી' શબ્દ આર્યદેશની સદ્ગુણભાવના સિદ્ધ કરે છે. પણ પાશ્ચાત વિચારના મોહથી સુધારાવાળા એમ તકરાર કરે છે કે સ્ત્રીઓને પણ પુરુષ જેટલા બધી બાબતમાં હક છે તો બતાવી શકાય કે પુરુષ સાધુ થઈ ગમે તેવું વર્તન કરે પણ તેને માટે તો 'સાધુ' શબ્દ જ વપરાય છે. પરંતુ સ્ત્રી સાધુ થવાની ધૃષ્ટતા કરી પુરુષના સમાન હક મેળવા જાય તો તે 'સાધુડી' શબ્દથી તિરસ્કારપાત્ર થાય છે. તેથી સિદ્ધ થાય છે કે આપણા પૂર્વજોએ ભાષા બાંધવામાં આવી ઝીણી બાબતમાં પણ બહુ ચતુરાઇ વાપરી છે. માટે, તેમણે તારની અને બલુનની શોધ કરી ન હોય એ સંભવે જ નહિ એમ સિદ્ધ થાય છે.'

***