Bhadram Bhadra - 10 in Gujarati Comedy stories by Ramanbhai Neelkanth books and stories PDF | ભદ્રંભદ્ર - પ્રકરણ - 10

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

ભદ્રંભદ્ર - પ્રકરણ - 10

ભદ્રંભદ્ર

રમણભાઈ મ. નીલકંઠ

૧૦. વંદાવધ

આ દેશસેવાના મહાકાર્યમાં ભદ્રંભદ્ર ગૂંથાયા હતા. એવામાં અમદાવાદથી ચોંકાવનારી ખબર આવી. અમે મુંબાઈમાં ધર્મચર્ચા અને શાસ્ત્રવિવાદમાં આનંદથી તલ્લીન થઇ દિવસ કહાડતા હતા. ત્યારે અમારા સ્વપ્નમાંએ નહોતું કે ઘેર આવો ખળભળાટ થઇ રહ્યો હશે. આ સૄષ્ટિની રચના જ એવી છે કે ભારે વિષમ ઊથલપાથલો આપણા અજાણમાં પરિણામ લગી આવી પહોંચે છે,એથી જ વિવર્તવાદમાં જ્ઞાન-અજ્ઞાનનો પારમાર્થિક અભેદ કહ્યો છે. હજી એક વર્ષ મુંબાઇ રહેવાનો ભદ્રંભદ્ર વિચાર કરતા હતા અને પ્રસન્નમનશંકરના દિવસે દિવસે મંદ થતા જતા આગ્રહ છતાં જુદું ઘર શોધવાની તજવીજ કરતા હતા કે જ્યાં તે પાછા પોતાના જ તેજથી પ્રકાશી શકે, અને ભક્તવૃંદના એકમાત્ર પૂજ્ય થઇ રહે. પણ એ તેજ ક્ષીણ થવાનું હશે, એ ભક્તિ શિથિલ થવાની હશે, એ સર્વે યોજના ધૂળમાં મળવાની હશે, તેથી એકાએક વિચાર બદલી નાખવો પડ્યો. ઘેરથી આવી ત્રાસદાયક ખબર આવ્યા પછી પણ વિદેશ રહેવું એનું શાસ્ત્રમાં પ્રમાણ નહોતું. ઘરવાળાં પણ એવાં કે છેક હાથથી બાજી ગઇ ત્યાં લગી કંઇ સમાચાર જ ન મોકલ્યા. પરગામ શું કામ ચિંતા કરાવવી એમ તેમણે ધાર્યું હશે, પણ એમ કરી ચિંતા હજારગણી વધારી. પ્રસન્નમનશંકરના જન્મદિવસે મિષ્ટાન્ન બનાવ્યાં હતાં.

ભોજન તૈયાર હતું. સર્વ સ્નાન કરી રહ્યા હતા. કુશલવપુશંકરની બે કલાકની સંધ્યાને મારા પેટમાંના કૉળ ખાઇ જવા કૂદતા હતા. મોદકનો પુંજ તેમના સંકલ્પને પણ ત્વરા કરાવતો હતો. એવામાં એકાએક ટપાલવાળો પત્ર લાવ્યો. ભદ્રંભદ્ર પર પચીસ પત્ર અમદાવાદના હતા. એકે પર 'શુભ છે' એવું લખ્યું નહોતું. એકેએક પર 'જલ્દી હાથોહાથ પહોંચે', 'ઉતાવળનો છે','જરૂરી' એવી અમંગલ સૂચનાઓ હતી. મ્લેચ્છાદિના સ્પર્શથી દૂષિત થયેલા પત્રોને એ માટે ખાસ જુદા કરી મૂકેલા ઠીકરાના કૂંડામાં પાણીમાં પા કલાક પલાળી રાખી, પા કલાક અગ્નિ પર ધરી પાવન કરી ભદ્રંભદ્રે હાથમાં લઇ તે ઊઘાડ્યા. વાંચવા માંડ્યું. પ્રથમ આતુર જણાયા. પછી ચમક્યા, પછી ગાલે શેરડા પડ્યા, મ્હોં લેવાઇ ગયું, આંખમાં ઝળઝળિયાં આવ્યાં. પત્ર નાખી દીધો. ફરી લીધો. ફરી નાખી દીધો. બીજો પત્ર વાંચવા માંડ્યો. તેની પણ એ જ અસર, ત્રીજો લઇ દીર્ઘ નિ:શ્વાસ મૂક્યો. અમે સર્વ ગભરાયા. મિષ્ટાન્ન બગડવાની ચિંતા કરવા લાગ્યા. કંઇ નહાવાનું હશે તો ફરી નહાવાનું પાણી ઊનું કરાવતાં કેટલી વાર લાગશે તેનો વિચાર થવા માંડ્યો. એવામાં ભદ્રંભદ્રે ઊભા થઇ , પગ ઠોકી, દાંત પીસી ઉદ્ગાર કર્યો; 'એનો ઉપાય હું કરીશ. પક્ષપાતી નહિં થાઉં. મારો સગો બાપ કેમ ન હોય. મેં કંઇ આર્યપક્ષ નકામો લીધો નથી. હું અત્યંત ક્રોધાવિષ્ટ છું. મારાથી વધારે નહિ બોલાય. અંબારામ, લે આ વાંચીને બધાને ખબર કર.'

પ્રસન્નમનશંકરની ગંભીરતા પણ દૃષ્ટિને લઇ મોદક પરથી મારા તરફ વળી. દૂધપાકમાં કોયલા પ્રમાણે વિસ્મયમાં જિજ્ઞાસા તરતી જણાવા લાગી. કાગળો વાંચી રહી મેં સર્વને ખબર કરી કે, "ભદ્રંભદ્રનો ભાણેજ મગન અગિયારસને દિવસે રાત્રે દીવો લઇ પાઠ કરવા બેઠો હતો. કંઇક ભેજથી આકર્ષાયેલો એક વંદો (ઝલ) ઓરડામાં આવી દીવાની અને મગનની આસપાસ ફૂદડી ફરવા લાગ્યો. મગનની ચોપડી પર, માથા પર, નાક પર, અનેક સ્થળે તે સ્પર્શ કરવા લાગ્યો. તેની પાંખોનો ફ્ડફડાટ ઠેરઠેર થવા લાગ્યો. તેની લાંબી મૂછોના ઓળાની ભીંત પર લીટીઓ પડવા લાગી. મગન એકલો હતો. જગતમાં સર્વ કોઇ એકલું જ છે તે ભૂલી ગયો. બીવા લાગ્યો. 'શિવોઙહં' એ જ્ઞાનનો આનંદ જાણનાર કદી બીતો નથી. એ તેના ધ્યાનમાં જ ન આવ્યું. ગભરાયો ને અકળાયો. તત્વજ્ઞાનની ઇચ્છા રાખનારે સર્વત્ર સમચિત થવું જોઇએ એ ઉપદેશની ખોટ તેને નડી. અમંગળ ઘડીએ, દુર્ભાગ્ય રાત્રે, નાશકર સંયોગે, નહિ રૂઢિ-આજ્ઞા વિચારી, નહિ જ્ઞાતિકોપ ગણ્યો, નહિ વેદવાક્ય સ્મર્યા. કુલનો નાશ કરવા તે દુર્બુદ્ધિએ લૂગડામાં વંદાને પોલે હાથે પકડી બારીએથી નીચે નાખી દીધો. નીચે એક બિલાડી ભૂખી ડાંસ જેવી ઊભી હતી. વંદો પડ્યો સાંભળી તે ઊઠી અને તેને પકડી ઝપાટામાં ખાઇ ગઇ. અબ્રહ્મણ્યમ્ ! અબ્રહ્મણ્યમ્ ! કમનસીબ મગન તો કંઇ જાણ્યા વિના પાછો પાઠ કરવા બેઠો. પણ સોમેશ્વર પંડ્યા પોતાના પાડોશીને ઓટલે છાનામાના સાપ નાખી જવા આવ્યા હતા, તેમના જોવામાં સરકારી ફાનસને યોગે આ અનર્થ આવ્યો. તે મગનના ઘરમાં ધસી આવ્યા. મગનની ડોસીને બૂમ પાડી. મગનને નીચે ઉતાર્યો.બન્નેને ધધડાવ્યાં, ધમકાવ્યાં. ડોસી માગતા રૂપિયાની ઉઘરાણી કરતી હતી. તે વાત સંભારી, મગનના મહોટા ભાઇએ ગંદકીની વાત કોઠાના ઇન્સ્પેકટરને કરી હતી, તે બોલી ગયા. મહોલ્લો ભરાઇ ગયો. મગનને સાત વાર નહવડાવ્યો. જનોઇ બદલાવવા ગોર આવ્યો પણ મગનનો ભાઇ અંગ્રેજી ભણેલો હતો તે સામો થયો. સોમેશ્વર પંડ્યા પર ગૃહપ્રવેશની ને નાલેશીની ફરિયાદ કરવાની તે બીક બતાવવા લાગ્યો. તેણે સિપાઇને બોલાવી સોમેશ્વર પંડ્યાને બહાર કહડાવ્યા. મગનને જનોઇ નહિ બદલવાની આજ્ઞા કરી. સવારે આખી ન્યાતમાં વાત ફેલાઇ ગઇ. બજારમાં એ જ ચર્ચા થવા લાગી. કોઇ વર્તમાનપત્રમાં આવ્યું કે મગને ઉંદર બાફીને ખાધો. કોઇ માં છપાયું કે મગને બિલાડી દોડાવી ભોંયરામાંના નાગનું ખૂન કરાવ્યું. કોઇમાં પ્રસિધ્ધ થયું કે મગને બંદૂકની ગોળી મારી સાપ માર્યો. અમદાવાદમાં હાહાકાર થઇ રહ્યો. ન્યાતવાળાને મન જગતમાં હાહાકાર થઇ રહ્યો. હિંન્દુસ્તાનના શુભ કર્મનું ફળ પૂરું થઇ રહ્યું. અમદાવાદમાં ચોરાશીઓ બંધ થઇ, નાતો જમતી અટકી.નદીકિનારે સવારે ભૂખ્યા બ્રાહ્મણોની ભીડ વધવા લાગી. રાતે શહેરમાં ચોરીઓ થવા લાગી. કોળીઓને ખાતર પાડવામાં રોજગાર રહ્યો નહિ. ભદ્રંભદ્રની ન્યાત ઉપરાઉપરી મળવા લાગી. શું કરવું તેના વિચારમાં રાત નીકળી જાય, પણ કાંઇ નિશ્ચય સૂઝે નહિ. મગનને નાતબહાર મૂકવાનું સર્વ કોઇ કહેવા લાગ્યા. ભદ્રંભદ્રને હવે અમદાવાદ ગયા વિના ચાલે તેમ નથી.

આ ખબર સાંભળી પ્રસન્નમનશંકરે પણ અમને એ જ સલાહ આપી કે હવે તો ઝટ અમદાવાદ જવું. રાતની ગાડીમાં નીકળવાનું ઠર્યું. અમને હવે પેટમાં ભૂખ નહોતી, પણ પ્રસન્નમનશંકરને ખોટું ન લાગે માટે જેમ તેમ કરી દશ દશ લાડુ ખાઇ ઊઠી ગયા. મુંબાઇમાં ધારેલા બીજાં કામ પડતાં મૂકવાં પડ્યાં. શિંગોડાં અને ધૂમ્રપુરાણના નિર્ણય કરવાની યોજના એમ ને એમ રહી ગઇ. હજી મુંબાઇમાં સ્થળે સ્થળે ભાષણ આપવા અને દુષ્ટ સુધારાવાળાને સંપૂર્ણ રીતે પરાભૂત કરવાની ભદ્રંભદ્રની ઇચ્છા હતી, પણ માણસનું ધાર્યું કંઇ થતું નથી. રૂઢિપ્રશંસાની કૃતિ અધૂરી રાખવી પડી. એ કામમાં ભદ્રંભદ્ર એવા ગૂંથાઇ ગયા હતા, તેની ચર્ચા કરવામાં રાત-દિવસ એવા વ્યાપૃત રહેતા હતા કે વર્તમાનપત્રો પણ વાંચ્યાં નહોતાં. વાંચ્યા હોત તો અમદાવાદની ખબર કંઇ પડી હોત. ઘરથી બહાર પણ નીકળ્યા નહોતા. પણ હવે બીજા જ ઉધમમાં ગૂંથાવાને ચાલ્યા. એક વાર હરજીવનની ભાળ કહાડવાની અને તે ખરેખર લુચ્ચો જ હોય તો તેનું તરકટ બહાર પાડવાની ભદ્રંભદ્રને બહુ ઇચ્છા હતી. પણ હવે કશાનો વખત નહોતો. જેટલો વખત રહ્યો હતો તેટલામાં એક-બે શાસ્ત્રીઓને મળી તકરારી વિષય પરનાં શાસ્ત્રવચનો પૂછી લીધાં અને લખી લીધાં.

રાત્રે અમદાવાદ તરફ આગગાડીમાં બેસી ઊપડ્યા. ગાડી ઊપડી એટલે ભદ્રંભદ્ર બોલ્યા કે, 'અંબારામ, શી આ સંસારની વિચિત્રતા છે ! કેવી જયવંત આશાથી હું મોહમયીમાં આવ્યો હતો ! કેવી ખિન્ન વૃત્તિથી હું મોહમયીથી પાછો જાઉં છું ! મહાપુરુષો તો સંપત્તિમાં અને વિપત્તિમાં એકરૂપ રહે છે તથા હાલ હું પણ તે સમયની પેઠે હરું છું, ફરું છું અને માણસ જેવો દેખાઉ છું. સાધારણ મનુષ્યો તો વિપત્તિમાં કોણ જાણે કેવા થઇ જાય. પણ નિશ્ચય માનજે કે હું કર્તવ્ય ચૂકવાનો નથી. હું અચળ રહીશ. વિપત્તિથી ગભરાઇશ નહિ. યજમાન મરણ પામ્યા છતાં બ્રાહ્મણ મોદકની કે દક્ષિણાની આશા મૂકતો નથી. બિલાડીએ ઝાલ્યા છતાં ઉંદર જીવનની આશા મૂકતો નથી. સૂર્ય અસ્ત થયા છતાં ઘુવડ આનંદની આશા મૂકતો નથી. હું પણ દઢ રહીશ. હું આર્ય ધર્મનો પક્ષ નહિ છોડું. સનાતન ધર્મ હું સિદ્ધ કરીશ, વેદધર્મ હું પ્રતિપાદન કરીશ અને તે જોડે હું મારું હિત સાચવીશ. મારો પ્રભાવ જોઇ લેજે.'

ગાડીના ગડગડાટમાં ભદ્રંભદ્રના આ શબ્દ બ્રાહ્મણના લોભમાં અદૃશ્ય થતા જ્ઞાન પ્રમાણે લીન થવા લાગ્યા. ચિંતાતુર દશામાં ઊંઘ આવે તેમ નહોતું તેથી સૂઇ જવાને બદલે બેઠાં બેઠાં ઝોકાં ખાવામાં અમે રાત કહાડી.

ભોજન કરતાં ક્ષુધા જાય તેમ ગાડી ચાલતાં રાત જણાયા વિના જતી રહી. પાશ્ર્ચાત્ય જડવાદની ભ્રષ્ટ રીત પ્રમાણે કૂકડા બોલતા સંભળાયા વિના વહાણું વાયું અને દાતણ કર્યા વિના દહાડો ચઢયો. દિવસ તપવા માંડ્યો તેથી અમદાવાદ આવ્યું, કે અમદાવાદ આવ્યું તેથી દિવસ તપવા માંડ્યો તે સમજણ ન પડી. પણ એટલી તો ખબર રહી કે અમારાં હ્રદય તો તે કારણોથી સ્વતંત્ર જ તપતાં હતાં, અમારાં એકલાનાં જ હ્રદય તપ્ત નહોતાં, ઇંજનનું હ્રદય પણ તપ્ત હતું. પૈડાંનું હ્રદય પણ તપ્ત હતું, આર્ય ધર્મનો ચમત્કાર જ એવો છે કે એકની ભ્રષ્ટતા સર્વ કોઇને તપ્ત કરે છે. માટે જ શાસ્ત્રમાં આવે વખતે સ્નાન કરવાનું લખ્યું છે.સ્ટેશન પર સર્વ જનો શૂન્યચિત્ત ફરતા જણાતા હતા. અમારા તરફ કોઇએ દૃષ્ટિ પણ ન કરી. દૃષ્ટિસુખની તો હવે આશા જ મૂકી હતી. દેખતાં છતાં ન દેખતાં અમે ઊતરી સ્ટેશન બહાર આવ્યા.

ભદ્રંભદ્રે ધાર્યું હતું કે વખતે સ્ટેશન પર કોઇ પાણી લઇ નહવડાવવા આવ્યું હશે, પણ કોઇ નહોતું આવ્યું તેથી સાંભર્યું કે, મૃત્યુ સરખે બીજે અમંગળ પ્રસંગે આપણે જીવતા રહેલા અશુચિ થઇએ તેથી સ્નાન આપણે કરવાનું હોય. પણ સુધારાના મોહથી થયેલે આવે વિપરીત પ્રસંગે તો ભ્રષ્ટાચારથી મૂવેલા હોય તે અશુચિ થાય તેમને સ્નાન કરવાનું હોય. આમ શાસ્ત્રાર્થ બરાબર બેઠા તેથી અમે ઘર તરફ ચાલ્યા, રસ્તામાં ભદ્રંભદ્રના મનમાં વંદો જ રમી રહ્યો હતો, રસ્તે દોડતી ઘોડાગાડીઓ વિષે ઘડી ઘડી વંદાગાડીને નામે તે વાત કરતા હતા. મને દસ વાર અંબારામને બદલે વંદારામ કહી બોલાવ્યો. મુંબઇથી નીકળ્યા ત્યારથી અમદાવાદને વંદાવાદ કહેવાઇ જવાતું હતું. રસ્તામાં પથરો કે કાંઇ પણ કાળી વસ્તુ દેખે તો રખેને વંદો હશે ને છૂંદાઇ જશે તો હત્યા લાગશે એ બીકથી પાઘડીએ હાથ મૂકી બે પગે તે પરથી અધ્ધર કૂદકો મારી અગાડી જતા હતા. મચ્છરથી કાગડા સુધીના કોઇ પણ ઊડતા પ્રાણીને બહુ સાવચેતીથી પોતાથી દૂર કહાડતા હતા.

શહેરને દરવાજે મ્યુનિસિપાલિટીના વેરા માટે હું પોટલાં છોડી બતાવતો હતો તે દરમિયાન ભદ્રંભદ્રે નાકેદારને પ્રશ્ન કર્યો કે શહેરમાં કેટલા વંદાની વસ્તી છે, કેટલા હરરોજ જન્મે છે, કેટલા હરરોજ મરે છે અને કેટલાનાં શબ દરવાજેથી જાય છે, નાકેદાર એકે પ્રશ્નનો ઉત્તર આપી શક્યો નહિ, તેથી ભદ્રંભદ્ર કોપાયમાન થયા. નાકેદારને મફતનો પગાર ખાનારો કહ્યો, સહુ કોઠાવાળાને નાલાયક ઠેરવ્યા અને અનુમાન કર્યું કે સુધારાવાળાના દબાણને લીધે આર્ય ધર્મને યથાયોગ્ય સહાયતા થતી નથી. દરવાજે ઊભેલા અને અટકાવેલા લોકો વંદાની હત્યા વિશે વાતચીત નહોતા કરતા, તેથી ભદ્રંભદ્રને બહુ નવાઇ લાગી. ક્રોધથી ઉત્તેજિત, ખેદથી મંદ, કૌતુકથી અધીર અને આશ્ચર્યથી ચકિત થઇ તે કંઇક શિથિલતા તજવા લાગ્યા. અપમાન કરવાની તૈયારીમાં આવેલા નાકેદારનો અને મૂઢ થઇ સામું જોઇ રહેલા લોકોનો પરાભવ કરવા વાગ્બાણ વાપરવા તેમણે નિશ્ચય કર્યો. દરવાજેથી જનારાને પણ શહેરમાં પેસતાં પહેલાં વંદાના વિગ્રહની બાબતમાં ખરી વાત સમજાવવાની જરૂર હતી કે તેઓ પક્ષપાતી ન થાય. સર્વનું ધ્યાન ખેંચાય એવે ઠેકાણેથી બોલવાનું હતું. એક ગાડાવાળો ચિટ્ઠી કરાવવા ગયો હતો. તેથી તેના ગાડા પર ચઢતાં હરકત પડે તેમ નહોતું. શ્રીરામચંદ્રના હનુમાનવાળા અનુયાયીની ચંચળતાનું અનુકરણ કરી એકદમ કૂદકો મારી ગાડા પર ચઢી ગયા. ગાડામાં ભરેલા અનાજ પર ઊભા રહી બોલવા લાગ્યા કે, 'આર્યો ! સાંપ્રતકાળમાં અનાર્ય થયેલા આર્યો ! દુર્દશામાં મગ્ન રહેવાનો જ શું તમારો સંકલ્પ છે ? આર્યભૂમિની પવિત્રતા શું તમારે નિર્મૂળ કરવી છે ? વેદધર્મનું શ્રેષ્ઠત્વ વિચ્છિન્ન કરવાની શું તમારી ઇચ્છા છે ? પાશ્ચાત્ય જડવાદના મોહમાં આર્યો ચૈતન્યવાદની શું અવજ્ઞા જ કરશો ? નગરમાં રસ્તા કેટલા છે તે મ્યુનિસિપાલિટી ગણે છે. નગરમાં મસીદ કેટલી છે તે સરકાર ગણે છે. નગરમાં રૂપિયા કેટલા છે વેપારી ગણે છે. અરે ! આ તો મિથ્યાભાસી જડપદાર્થો છે તે કેમ કોઇ ને સૂઝતું નથી ? અને એ જડપદાર્થો ગણો છો પણ વંદા જેવા ચેતનની કોઇને ગણતરી નથી ? શું એ પર કોઇની દૃષ્ટિ જ થતી નથી ? તેની હત્યાઓ થઇ જાય પણ કોઇને અસર જ થતી નથી ? જડવાદના મોહથી સુધારાવાળા લોભાય છે. પણ શું આખું જગત તેથી લોભાશે ? ચૈતન્યવાદની આમ અવગણના થાય તો પછી મ્યુનિસિપાલિટીઓમાં સ્વરાજ્ય શા કામનું ? આર્યપક્ષવાદીઓને તો આશા હતી કે સ્વરાજ્ય થયા પછી મ્યુનિસિપાલિટીઓ મંદિર બંધાવશે, ચોરાશીઓ જમાડશે અને મહોટા યજ્ઞ કરશે. અરે ! 'મ્યુનિસિપાલિટી' એ મ્લેચ્છ ભાષાનું નામ તજી કંઇ અઘટિત આર્ય નામ જો ધારણ કર્યું હોત તો ધર્મશીલ આર્યોને એ મ્લેચ્છ નામના ઉચ્ચારણથી પતિત થઇ નિત્ય પ્રાયશ્ચિત કરવાં ન પડત ! સ્વરાજ્ય થયા પછી સર્વ મ્લેચ્છ શૂદ્ર ચાંડાલ સેવકોને કાઢી મૂકી, બધે સ્થાને બ્રાહ્મણોને રાખ્યા હોત તો કેવું સ્વદેશાભિમાન કહેવાત ! આર્યધર્મનો કેવો જય થાત ! સ્વરાજ્ય માટે કેવા આપણે યોગ્ય જણાત ! પરંતુ અહીં પણ સુધારાવાળા ફાવ્યા જણાય છે. જુઓ, મ્યુનિસિપાલિટીનો આ પતિત સેવક ચૈતન્યવાદની કેવી અવગણના કરે છે. આર્ય પક્ષવાદીઓનો કેવો અનાદર કરે છે, મ્લેચ્છ યવનોના સામાનને અડકી પાછો કેવો ધાર્મિક જનોના સામાનને ભ્રષ્ટ કરે છે ! એ એકેએકના સામાનને અડકીને સ્નાન કરતો હોય તો શું મરી જવાનો હતો ! પણ એ નરકે જાય કે તમે બધા નરકે જાઓ તેની મારે અપેક્ષા નથી. તમે સહુ મનુષ્ય છો. પણ બિચારા અસહાય વંદાનું શું થશે? તેની હત્યાના ઉપાય તમારી મ્યુનિસિપાલિટી નહિ લે, પણ તમે પણ નિર્દય થઇ બેસી રહેશો ? તેના રક્ષણની તમને કંઇ ઇચ્છા જ નથી ?'

આ ભાષણ સાંભળવાને લોકોનો, ગાડાની આસપાસ કંઇ જમાવ થયો હતો. મ્યુનિસિપાલિટીનો નોકર કંઇ અજ્ઞાનથી, કંઇક આશ્ચર્યથી અને કંઇક ક્રોધથી ભદ્રંભદ્રને ત્રાસ કરવાની ચેષ્ટા કરતો હતો. પોલીસનો સિપાઇ તેમને નીચે ઊતરવાનું નિમંત્રણ કરતો હતો, ગાડાવાળો ગાડે ચિઠ્ઠી ચોડી ઉપર આવવાની બીક બતાવતો હતો, આ સર્વથી વિના કારણ ભડકી બળદ ગાડું લઇ નાઠા ભદ્રંભદ્ર ધર્મભ્રષ્ટની ચિંતા મૂકી દઇ સ્થાનભ્રષ્ટ થતા અટકવાની તજવીજ કરવા લાગ્યા. ગાડાવાળો પછાડી દોડ્યો. પોલીસના સિપાઇએ દોડવાની ઉત્સુકતા બતાવી ધીમે ધીમે ચાલી, 'ખડા રખો'ની બૂમો ગાડા પાછળ દોડાવી. લોકોએ તાળીઓ પાડતાં અને હો હો કરતાં ગાડા પછાડી દોડી બળદને ઊભા રાખવાનું વધારે મુશ્કેલ કર્યું. મેં સામાન સાથે દોડવાની મુશ્કેલી બતાવી, ભદ્રંભદ્રને નીચે ઉતરી પડવાની વિનંતી કરી. ભદ્રંભદ્ર લાંબા હાથ કરી ભાષણ કર્યે જતા હતા, પણ વંદાના, બળદના કે પોતાના, એમાંથી કોના રક્ષણ વિશે ઉપદેશ કરતા હતા તે ઘોંઘાટમાં સંભાળાતું નહોતું. ગાડા પછાડી રસ્તે જનારા લોકોના તર્ક પણ દોડવા લાગ્યા. કોઈ કહે કે દાણ ચૂકવીને નાઠો છે, કોઇ કહે કે વેઠે પકડેલો નાઠો છે. કોઇ કહે કે કોઇને વગાડી ને નાઠો છે. કોઇ કહે કે નાટકવાળો છે. આમ સર્વના તર્ક, શંકા, રમૂજ, આશ્ચર્યને પાત્ર થતી ભદ્રંભદ્રની ગતિ ક્યારે અટકશે, એ સૂર્યચંદ્રની ગતિની ગણતરી કરનારથી પણ કહેવાય તેમ નહોતું, પણ ગાડું એક પથરા પર ચઢી ગયું અને ભદ્રંભદ્ર ઊતરવાનો શ્રમ લીધા વગર ઝપાટામાં નીચે આવ્યા. ધરતીના કાનમાં કંઇક વાત કહી તે ઊભા થયા. દરદ થયા છતાં બિલકુલ વાગ્યું નથી એમ કહી પૂછનારની જિજ્ઞાસા ભંગ કરી. અનેક વિશેષણો ઉચ્ચારતા ગાડાવાળાને મેં આવીને સંતોષ્યો. સમાધાન કરીને અમે ઘેર ગયા.

***