Pruthvivallabh - 12 in Gujarati Fiction Stories by Kanaiyalal Munshi books and stories PDF | પૃથિવીવલ્લભ - 12

Featured Books
  • నిరుపమ - 10

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • మనసిచ్చి చూడు - 9

                         మనసిచ్చి చూడు - 09 సమీరా ఉలిక్కిపడి చూస...

  • అరె ఏమైందీ? - 23

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • నిరుపమ - 9

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • మనసిచ్చి చూడు - 8

                     మనసిచ్చి చూడు - 08మీరు టెన్షన్ పడాల్సిన అవస...

Categories
Share

પૃથિવીવલ્લભ - 12

પૃથિવીવલ્લભ

કનૈયાલાલ માણેકલાલ મુનશી


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as NicheTech / MatruBharti.

MatruBharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

NicheTech / MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.


૧૨. સહધર્મચાર

‘પણ કોઈને કહેશો નહિ.’

‘હું કોને કહેવાનો હતો ?’

‘મારી બા જાણે તો મને વઢે.’

‘ત્યારે એવી વાત શા માટે પૂછો છો ?’

વિલાસ થોડી વાર મૂંગી રહીને બોલી : ‘બીજું કોઈ એવું નથી કે તેને પૂછું.’

‘બોલો.’

‘તમે પરણેલા છો ?’

‘હા.’

‘પરણીને મારે કેમ વર્તવું ?’

રસનિધિ ખડખડાટ હસી પડ્યો : ‘તમે કેમ ધારો છો ?’

વિલાસને હસવાનું કારણ સમજાયું નહિ : ‘શાસ્ત્રમાં તો સહધર્મચાર કરવાનો કહ્યો છે.’

રસનિધિ ફરી હસ્યો : ‘બસ ત્યારે.’

‘પણ બધાં એમ ક્યારે કરે છે ?’

‘જેમ માણસની જાત જુદી તેમ સહધર્મચારનો પ્રકાર પણ જુદો,’

હસતાં હસતાં રસનિધિએ કહ્યું.

‘તે કેવી રીતે ?’

‘અમારી અવંતીમાં એક કઠિયારો છે. તે પણ સપત્નિક તાંડવ સહધર્મચાર આદરે છે -’

વિલાસે મૂંગે મોઢે જોયા કર્યું.

‘સવાર, બપોર ને સાંજ અકેકને મારે છે.’

વિલાસ પણ હસી પડી : ‘પછી ?’

‘પછી શું ? બીજો પ્રકાર એક વિપ્રવર્યનો છે.’

‘તે શો ?’

‘તેનું નામ સરસ્વતી સહધર્મચાર. તે અને તેનાં ધર્મપત્ની એકબીજાની સાત પેઢી રોજ સંભારે છે.’

‘નહિ, નહિ, મશ્કરી શું કરો છો ?’

‘સાચી વાત. પણ તમારે તો બધા પ્રકાર સાંભળવા છે ને ?’

‘હા.’

‘ત્યારે ત્રીજો પ્રકાર સ્વેચ્છાધર્મચાર.’

‘એટલે ?’

‘જેની નજરમાં જે આવે તે તે કરે તે.’

‘તે કંઈ સહધર્મચાર કહેવાય ?’

‘હાસ્તો ! પરણીને જે કરીએ તે સહધર્મચાર.’

‘પછી કંઈ સારા પ્રકાર છે કે બધા આવા જ છે ?’

‘હા; પછીનો પ્રકાર સ્વયંભૂ સહધર્મચાર.’

‘એટલે ?’

‘એક પક્ષ ધર્મનું આચરણ કરે ને બીજા પક્ષને પરવા નહિ.’

‘એ તો બહુ ખોટું.’

‘પણ ઘણે ભાગે લોકોને આ પ્રિય છે.’

‘કેમ ?’

‘ઘણું ખરું સ્ત્રી ધર્માચરણ કરે ને પુરુષ -’

‘શું ?’

‘ચાહે તે કરે.’

‘અરરર ! કેવી અધમતા !’

‘એમાં અધમતા શાની ? ધર્મનું ગાડું એક જણ ખેંચે ને બીજો ગાડામાં બેસે.’

‘પછી ?’

‘પછી શું ? એક પ્રકાર શુષ્ક સહધર્મચારનો.’

‘એટલે ?’

‘બંને શાસ્ત્ર પ્રમાણે વર્તે. ને ન હોય તેમાં રસ, આનંદ, પ્રેમ.’

‘તેમાં શું ?’

‘આ પણ અધમ પ્રકાર જ કહેવાય.’

‘ખોટી વાત. આ પ્રકાર જ ખરો.’

‘વિલાસવતી ! આનંદ કે પ્રેમ વિનાનો સહધર્મચાર એટલે શું તેનો તમને ખ્યાલ છે ?’

‘હા, મહારાજ અને જક્કલાદેવીનો એવો જ શુદ્ધ પ્રકાર છે.’

‘ત્યારે તેમનાં જેવાં દુઃખી ને હીણભાગી સ્ત્રી-પુરુષ મળવાં કઠણ પડશે.’

‘ત્યારે ખરો સહધર્મચાર કયો ?’

‘જ્યાં અન્યોન્ય પ્રેમ હોય, જ્યાં એકમેકને માટે અનંત રસ વહેતા હોય, જ્યાં આનંદ દિન ને રાત ેકમેકના નયનલગ્નમાં, એકમેકના સ્પર્શમાં હોય તે સહધર્મચાર.’

વિલાસ ગૂંચવાડામાં રસનિધિની સામે જોઈ રહી.

‘તે તો બધી ઊંધી જ વાતો કરો છો.’

‘ના. તમને બધું જ ઊંધું શીખવવામાં આવ્યું છે.’

‘ત્યારે એક વાત પૂછું ?’

‘સુખેથી.’

‘તમારો સહધર્મચાર કેવા પ્રકારનો છે ?’ પૂછતાં વિલાસે પૂછ્યું અને પસ્તાઈ. રાજકન્યાની ઊંચી પદવી પરથી પરિજનોને ગમે તેમ પૂછવાની ટેવ પડી હતી; છતાં રસનિધિમાં કંઈ ન કળાય એવું ગૌરવ હતું. તેને ખોટું તો નહિ લાગે ?

રસનિધિની આંખ ગંભીર થઈ, તેમાં મૃદુતા આવી.

‘વિલાસવતી ! મારે મન સહધર્મચાર એક જ પ્રકારનો છે.’

‘કયો ?’

‘છેલ્લા.’ કહી તેણે નિસાસો મૂક્યો. વિલાસ રસનિધિના હેતભીના મુખ સામે જોઈ રહી, તેના પર અનિર્વચનીય, અપરિચિત ભાવ તેને દેખાયા.

‘તમારી સ્ત્રીનું નામ શું ?’

‘ઉદયામતી.’

‘નામ સરસ છે.’

રસનિધિ ફિક્કું હસ્યો.

‘તેને કાવ્યો આવડે છે ?’

‘તે કાવ્યો લખે છે.’

‘ઓહોહો ! ત્યારે તો કોણ જાણે કેવીયે હશે !’

‘દેવને પણ દુર્લભ એવી.’

વિલાસ જરા મૂંગી રહી, વિચારમાં પડી.

‘મને એવી થતાં શીખવશો ?’

રસનિધિ હસ્યો. ‘મારે થોડાં કાવ્યો સાંભળવાં છે,’ વિલાસે એકદમ કહ્યું. ‘મૃણાલવતી વઢશે નહિ ?’ ‘તે ક્યાં જાણવાનાં હતાં ?’ ‘તો મારે શો વાંધો ? શું સાંભળવું છે ?’ ‘મારી બા કયા કવિની વાત કરતાં હતાં ?’ ‘મહાકવિ ભવભૂતિની.’ ‘તેનું કયું કાવ્ય તમને આવડે છે ?’ ‘બધાં. તમારે કયું સાંભળવું છે ?’ ‘મારી બા કંઈ માલતીમાધવની વાત કરતી હતી.’ રસનિધિ જરા ખંચાયો : ‘ઠીક ત્યારે તે. ક્યારે ?’ ‘જોઈશ. વખત મળશે ત્યારે આવીશ.’