Aandhi - 2 in Gujarati Fiction Stories by Praveen Pithadiya books and stories PDF | આંધી - 2

Featured Books
Categories
Share

આંધી - 2

આંધી-૨

વર્ષ—૨૦૧૨

તારીખ---૧૦મી જાન્યુઆરી

સ્થળ----આસામના ગાઢ જંગલોનો એક વિસ્તાર

સમય----અડધી રાત્રે બે વાગ્યાનો...

ડર...એ કઇ બલાનું નામ છે એ તે નહોતો જાણતો. ડર નામનો શબ્દ તેની ડીક્ષનરીમાં જ નહોતો. હદયનાં પોલાણમાં ડરની જગ્યાએ અખૂટ હિંમત ઠાંસી-ઠાંસીને ધરબાયેલી હતી. લોખંડી છાતી હેઠળ ધબકતું તેનું હ્રદય ફોલાદનું બનેલું હતું. મુક્કો મારીને પથ્થર તોડી નાંખવાની તાકત તેની ભરાવદાર કસરતી બાજુઓમાં હતી. તેની વિશાળ અને સુગઠીત છાતીના અણુએ અણુમાં અફાટ શક્તિનો સંચાર હતો. કસાયેલું એકદમ સપાટ, સીધુ પેટ, લચકદાર કમર, લાંબા પગ, કપરો અભ્યાસ અને સખત કસરતનાં કારણે ઉપસી આવેલી પગની લોખંડી નસો. ગોઠણ સુધી પહોંચતા લાંબા મજબુત હાથ...એ હાથમાં અસીમ તાકાત હતી. તેના શરીરની રગોમાં એકદમ ઠંડુ લોહી વહી રહયુ હતું.....ઠંડુ અને ક્રુર. તે ખડતલ અને મજબુત બાંધાનો માલીક હતો. તેના ભાવહીન ચહેરા ઉપર ધાર્યુ પાર પાડવાની મક્કમતા તરવરતી હતી. ધનુષ્યાકાર હોઠ મક્કમતાથી બીડાયેલા હતા અને તેની આંખો, ઉફ્ફ.... તેની આંખોમાં એક વિશિષ્ટ પ્રકારની ચમક હતી. શિકારને આસપાસ જોઇને હિંસક રાની પશુની આંખમાં જેવી ચમક ઉભરે તેવા જ પ્રકારની ચમક તેની આંખોમાં ડોકાતી હતી.

તે સમય અને આદેશની પ્રતિક્ષા કરી રહયો હતો...તેની આંખો નીચેથી પસાર થઇ રહેલા ગાઢ કાળા અંધકારમાં પથરાયેલા ખામોશ સન્નાટા તરફ તકાયેલી હતી. આસામનાં ઉત્તર-પશ્વિમ વિસ્તારનાં નાગાલેન્ડ બોર્ડર પર પથરાયેલા અતી ગાઢ અને દુર્ગમ જંગલ વિસ્તાર ઉપર તેનું સીક્સ-સીટર પ્લેન પુરેપુરી સાવધાનીથી, જમીનથી હજારેક ફૂટની ઉંચાઇએ ઉડી રહયું હતું. પ્લેનના કોકપીટમાં બેઠેલા પાયલોટે તેણે પહેરેલા હેડફોનમાં વારે-વારે કંઇક સાંકેતીક સંદેશાઓની આપ-લે કરી પોતાના દિમાગમાં જટીલ ગણતરીઓ ગોઠવી અને “ હજુ થોડી વાર છે..” એવા નિત્કર્ષ ઉપર તે આવ્યો. પોતાનો જમણો હાથ ઉંચો કરી તેણે પાછળની સીટ ઉપર બેઠેલા વ્યક્તિને થોડુ થોભવાની સંજ્ઞા કરી....એ વ્યક્તિએ માથુ ધુણાવ્યું અને પોતાના સોલ્ડર પર, પીઠ પાછળ બાંધેલા લાંબા મોટી સાઇક્ઝનાં કાળા ઇમ્પોર્ટેડ લેધર કાપડના બનેલા વોટરપ્રુફ થેલાની બંને સાઇડની પટ્ટઓને ખભા પાસેથી ખેંચીને થોડી તંગ કરી. પછી થેલા ઉપર પેરાશુટની બેગ ચડાવી તેના બેલ્ટના છેડાના બન્ને લોકને હાથેથી પકડી, આગળની બાજુ...છાતી ઉપર સરકાવી લોકના બંને છેડા આપસમાં ફીટ કર્યા. આંખો ઉપર મોટા ગ્લાસના પારદર્શક ગોગલ્સ પહેર્યા, હાથનાં કાંડે પહેરેલી રીસ્ટ-વોચમાં એક નજર નાંખી. એ રીસ્ટ-વોચ, તેના શુઝ, કમરે પહેરેલો બેલ્ટ, તેની પીઠ પર બાંધેલો થેલો, આ તમામ સાધન-સામગ્રી તેના માટે અમૂલ્ય હતી. તે જે “ મીશન ” માટે જઇ જઇ રહયો હતો તેમાં તેની પોતાની તાકાત, આવડત, હિંમત, ઉપરાંત આ સાધન-સરંજામ પણ અગત્યનો ભાગ ભજવવાનો હોવાથી આધાર રાખવો પડે તેમ હતો. તેણે જે ખતરનાક કામ હાથમાં લીધુ હતું એ મીશનની સો-ટકા સફળતાની ગેરંટી તો તે ખુદ હતો અને તેમાં લેશમાત્ર પણ સંદેહ તેના મનમાં નહોતો. તે હંમેશા જીતવા માટે જ ખેલતો....હાર તેને સહેજે સ્વીકાર નહોતી. એમ સમજો કે તે આજદીન સુધી કયારેય અસફળ થયો જ નહોતો. તેના હ્રદયમાં, હ્રદયની ધડકનોમાં, મનમાં, હાર કે નિષ્ફળતા જેવા માયકાંગલા શબ્દો માટે કોઇ જગ્યા જ નહોતી. તેને જે તાલીમ આપવામાં આવી હતી એ તાલીમ દરમ્યાન હાર કરતા મૃત્યુ બહેતર છે એવું તેને શીખવવામાં આવ્યું હતું...અને એ વાક્ય તેના માટે આ સંસારનાં બ્રહ્મવાક્ય સમાન હતું.

પ્લેનના કોકપીટમાં કંઇક ઘરઘરાટી જેવો અવાજ સંભળાયો અને તેની બીજી જ સેકન્ડે પાયલોટે જમણા હાથનો અંગુઠો થમ્સ-અપની સંજ્ઞામાં ઉઠાવ્યો... “ ગો...ગો...ગો....મેન.... ” તે મોટેથી બરાડી ઉઠયો...

અને...પ્લેનનું એકિઝટ ડોર ઓપન કરીને તેણે નીચે હવામાં છલાંગ લગાવી દીધી. તે ખુલ્લા આકાશમાં, હવામાં ફંગોળાયો...બેચાર ગુલાંટો માર્યા બાદ હવામાં પાંખો ફેલાવીને સ્થિર ઉડતા પક્ષીની માફક તે સ્થિર થઇને નીચેની દિશામાં ભયાનક વેગથી સરકયો. તે જે પ્લેનમાંથી કુદયો હતો એ પ્લેન ધીરે-ધીરે તેનાથી દુર જઇ ક્ષિતીજમાં સમાઇ ગયું. તેનું માથુ નીચેની તરફ હતું, પગ ઉપરની તરફ અને હાથ શરીર અને પગને સમાંતર... “ ઉ....હુ....હુ....હુ....હે.... ” નીતાંત હવાનાં પ્રેશરમાં ઉડતા-ઉડતા જ તેના મોંઢામાંથી આનંદની ચીચીયારીઓ નીકળી હતી. થોડીવાર હવામાં જ તરતા રહી એક ચોક્કસ દિશા નક્કી કરી તેણે પેરાશુટની સ્વીચ દબાવી...એક ઝટકા સાથે પેરાશુટ ખુલ્યું. પેરાશુટના પાતળા ઇમ્પોર્ટેડ પ્લાસ્ટીકના કપડામાં હવા ભરાઇ....તેના શરીરને એક ઝટકો લાગ્યો અને તે હવામાં ઉંચકાયો ઉંચે ઉચકાયો. લગભગ પંદર-વીસ મીનીટો બાદ ઘાસથી છવાયેલા મેદાનની સમથળ જમીન તે પર સલામત રીતે લેન્ડીંગ કરી ચુક્યો હતો. અહીથી જ તેનું ખરું કામ શરૂ થતું હતું.

પેરાશુટનાં ફ્લેપ ખોલી ઝડપથી તેણે પીઠ પાછળ લટકાવેલો થેલો ઉતાર્યો.... બંને ગોઠણ વાણીને જમીન પર ટેકવ્યા અને થેલો તેની આગળ જમીન પર મુકી, થેલાની ઝીપ ખોલી. મીનીટોમાં તેણે થેલાની અંદરથી બે ઇંચ પહોળુ, ચાર ઇંચ લંબાઇ ધરાવતું એક ડીઝીટલ યંત્ર બહાર કાઢયું. એ યંત્ર લંબચોરસ મોબાઇલ આકારનું હતું. તેના બંને છેડે ઘડીયાળને પટ્ટો હોય એવા બે ફ્લેપ ફીટ કરેલા હતાં. યંત્રનાં ઉપરના ભાગે આછા ભુખરા કલરની ચળકતી સ્ક્રીન હતી. તેણે ઝડપથી એ મોબાઇલ આકારનાં યંત્રને પોતાના ડાબા હાથમાં ઘડીયાળથી ઉપર કાંડા અને કોણીના વચ્ચેના ભાગે મુકયુ અને તેના ફ્લેપ આપસમાં બાંધ્યા. યંત્રમાં લગાડેલા ફ્લેપ તેના હાથ ઉપર સખ્તાઇથી ફીટ થઇ ચુક્યા હતાં. જમણા હાથની આંગળી કંઇક જોરથી તેણે એ યંત્રની સ્ક્રીન ઉપર ઠોકી. એ યંત્રની સ્ક્રીન કોઇ ટચસ્ક્રીન મોબાઇલ ફોનની જેમ ઝળહળી ઉઠી. યંત્રની આસપાસ નાનકડુ તેજ-પુંજ રચાયું અને સ્ક્રીનની અંદર કોઇક જગ્યાનો નક્શો ઉભરી આવ્યો. એ નક્શામાં ઠેક-ઠેકાણે અલગ-અલગ જગ્યા ઉપર ગોળ બિંદુઓ કરેલા હતા જે કોઇક ચોક્કસ સ્થળનો નિર્દેશ બતાવી રહયા હતા. તેણે ધ્યાનપૂર્વક એ નક્શાનો અભ્યાસ કર્યો અને એક ગોળ બિંદુ ઉપર આંગળી દબાવી. સ્ક્રિન ઉપર તરત જ એ બિંદુની આસ-પાસનો વિસ્તાર ઝુમ થઇને (મોટી સાઇઝ) ફેલાયો. તેની આંખો ઝીણી થઇ અને હોઠ ગોળાકારમાં વંકાયા. ” યસ્સ..” એ જ જગ્યા તેનું ટાર્ગેટ હતી. અચાનક તેની આંખોમાં એક વિશિષ્ટ ચમક ઉભરી આવી, તેના પગમાં જોમ છવાયું, હ્રદયનાં ધબકારા તેજ થયા અને સ્ફુર્તીથી તેણે બધો સામાન સમેટી થેલાને ફરી પીઠ પાછળ સરકાવ્યો..ઉભો થયો અને ટાર્ગેટની દિશામાં શિકારની પાછળ ચિત્તો લપકે તેમ લપકયો.

ઘનઘોર, ગીચ અને અજાણ્યા જંગલમાં એકધારુ, સીધી દિશા પકડીને સ્ફૂર્તીથી દોડવું લગભગ અશક્ય જ હોય છે. તેમાં પણ જ્યારે અડધી રાતનો ભયાનક અંધકાર ચારે તરફ ફેલાયો હોય ત્યારે યોગ્ય દિશા ભાન સાથે આગળ વધવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે..પરંતુ તે દોડી રહયો હતો.. સ્ફૂર્તી, ચૂસ્તી, ચપળતાથી યોગ્ય દિશા તરફ એકધારી ગતીએ આડો-અવળો ફંટોતો તે દોડી રહયો હતો. તેનું ટાર્ગેટ, તેનું લક્ષ્ય, તેનાથી લગભગ પાંચેક કિલોમીટર દુર હતું અને તે ત્યાં જેમ બને તેમ જલ્દી પહોંચવા માંગતો હતો. તેનું એક કારણ એ પણ હતુ કે વાતાવરણમાં સવારનો ઉજાસ ફેલાય એ પહેલા તેણે પોતાનું મિશન પાર પાડવું અત્યંત જરૂરી હતું. તેની પાસે કયારેય કોઇ વિકલ્પ હોતા નથી. જે કરવાનું હતું તે આજે, અત્યારે, રાતનાં સમયે, સવાર પડતા પહેલા પતાવવુ જરૂરી હતું.

તેના ચહેરા પર પસીનો ફુટી નીકળ્યો. ઘાસનું મેદાન વટાવીને ઘનઘોર જંગલમાં તે દોડી રહયો હતો. પગ નીચે કચડાતા સુકા પાંદડાનાં અવાજોથી જાણે જંગલ જાગી ઉઠયું...પણ એની તેને કોઇ પરવા નહોતી. હજુ એકાદ કિલોમીટર સુધીનાં વિસ્તારમાં તેને જોવાવાળુ કોઇ ભટકવાનું નહોતું. તેના હ્રદયે જોરથી ધડકવાનું ચાલુ કર્યુ, શ્વાસોશ્વાસની ગતી ભયાનક રીતે તેજ થઇ ચુકી હતી. પગનાં સ્નાયુઓ જાણે રબ્બરનાં બનેલા હોય તેમ ખેંચાઇ રહયા હતા. હ્રદય તરફ જતી નસોમાં ફરતા લોહીમાં ધડબડાટી વ્યાપી ગઇ હતી, અને તેની આંખો ઘનઘોર અંધકારને ચીરતી એક્ષ-રે મશીનની જેમ આગળની દિશા સ્પષ્ટતાથી જોઇ રહી હતી.

( ક્રમશઃ )

પ્રવિણ પીઠડીયા.

વોટ્સએપઃ- ૯૦૯૯૨૭૮૨૭૮.

ફેસબુકઃ- Praveen pithadiya