Aandhi - 4 in Gujarati Fiction Stories by Praveen Pithadiya books and stories PDF | આંધી-4

Featured Books
  • નારદ પુરાણ - ભાગ 61

    સનત્કુમાર બોલ્યા, “પ્રણવ (ૐ), હૃદય (નમ: ) વિષ્ણુ શબ્દ તથા સુ...

  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

  • ફરે તે ફરફરે - 66

    ફરે તે ફરફરે - ૬૬   માનિટ્યુ સ્પ્રીગ આમતો અલમોસામાં જ ગ...

Categories
Share

આંધી-4

આંધી-૪

કેમ્પની ચારે તરફ કોઇ અડીખમ દિવાલની જેમ ગોઠવાયેલી પહાડીઓમાં એકાદ ઝાડ ઉપર, પથ્થરોની આડાશે, ઉપર જંગલમાં, એ કેમ્પના બાશીન્દાઓ નજર રાખી રહયા હશે એની તેને ખાતરી હતી જ....અને એટલે તેણે ખુબ જ સાવધાની અને સાવચેતીથી કોઇની નજરમાં ચઢયા વગર તેનું કામ ફીનીશ કરવાનું હતું.

બાયનોકયુલરથી કેમ્પનો એકે-એક ઇંચનો નક્શો પોતાના દિમાગમાં ફીટ કરી ચુપકીદીથી તે ઢોળાવ તરફ સરકયો. બ્લેક કલરના સ્કીન ટાઇટ સુટમાં તે ઘનઘોર કાળા અંધકારની અંદર લગભગ અદ્રશ્ય બનીને કોઇ રાની પશુની જેમ લપાતો કેમ્પની દિશામાં આગળ વધતો ગયો. કેમ્પનો દરવાજો વટાવીને અંદર દાખલ થવુ જરૂરી હતું એટલે ભયાનક સતર્કતા અને ઝાડી-ઝંખરાઓમાં સહેજ પણ હિલચાલ ન થાય તેનું ધ્યાન રાખતો જમીન સાથે ચીપકીને તે આગળ સરકતો રહયો. સૌથી વધુ ડર તેને ઉપર ઢોળાવ પર જંગલમાં છૂપાઇને કેમ્પ પર નજર રાખી રહેલા નકસલવાદીઓના સાથીઓનો હતો. જો તેમની બાજ જેવી તીક્ષ્ણ નજરોએ તે ચડી ગયો તો તેની તમામ ગણતરીઓ પળવારમાં ધૂળમાં મળી જાય એ નક્કી હતું. જો એવું થાય તો પછી તેણે ખુલ્લેઆમ જંગ લડવી પડે જે તેના માટે ખતરનાક સાબીત થાય. જંગલમાં થતી સહેજ પણ હલચલ એ લોકોને ચેતવી દે એમાં કોઇ શંકા નહોતી અને તે નહોતો ઇચ્છતો કે તેની કોઇ નાનકડી અમથી ભૂલ તેના મીશનમાં અવરોધ બને... તે લાગલગાટ કેમ્પ તરફ સરકતો રહયો. બરાબર અડધા કલાક બાદ તે કેમ્પના ગેટથી થોડે દુર ઉપરવાસમાં આવીને અટકયો. કેમ્પનો ગેટ તેનાથી બસ થોડા કદમની દુરી પર જ હતો અને બંધ હતો. અંદર દાખલ થવા માટે એ ગેટ ખોલવો પડે અથવા તો લગભગ પાંચ ફૂટ ઉંચી કેમ્પની વાડને કુદીને તે અંદર દાખલ થઇ શકે. તેણે બંને શક્યતાઓ વિચારી જોઇ. તેની પાસે વધુ સમય નહોતો. જે કરવાનું થાય તે જલ્દી કરવું જરૂરી હતું. તેણે રીસ્ટવોચમાં નજર નાંખી, અઢીનો સમય થયો હતો. મુશ્કેલીથી દોઢ કલાકનો સમય તેની પાસે બચ્યો હતો. અને એ દોઢ કલાકમાં તેણે ઘણુ કામ કરવાનું હતું.

તે અટકયો..કંઇક વિચાર્યું..આંખો બંધ કરી, ખોલી...અને ચિત્તાની ઝડપથી દોડયો. કેમ્પની ફરતે બનાવેલી વાડને આડાશ આપવા ઠેક-ઠેકાણે થોડા-થોડા અંતરે ખુંતાડેલા મજબુત વાંસનાં બાંમ્બુ તેણે જોયા હતા. તે દોડયો અને જેવો વાડની નજીક પહોંચ્યો કે તેણે બંને પગનો જમ્પ લીધો. નાના છોકરાઓ દિવાલ ઓળંગવા જેવો ઠેકડો મારે એવી જ કંઇક હરકત તેણે કરી.... તેનું આખુ શરીર હવામાં ઉંચકાયું, અલપ-ઝલપ નજરોમાં જોયેલા વાડમાં ખુંતાડેલા બામ્બુની ટોચે તેણે પોતાનો ડાબો હાથ ટેકવ્યો.. આખા શરીરનું વજન ડાબા હાથ ઉપર, બામ્બુની ટોચે નાંખ્યુ... અને સર્કસમાં કલાબાજી દેખાડતા કોઇ નટની માફક તેણે હવામાં જ પોતાના પગ અધ્ધર કર્યા અને એક શ્વાસે તે વાડ ઓળંગીને અંદર કુદયો. હજુ ગઇકાલે જ અહી સારો એવો વરસાદ વરસ્યો હતો એટલે અંદરની ભીની જમીનમાં તેના પગ ખૂંપ્યા. સહેજ “ ઘફ ” જેવો અવાજ થયો. પરંતુ એ અવાજથી કોઇ ચોંકી જાય એ શક્ય નહોતું. ભીની જમીન તેને ફાયદારૂપ નીવડી. બે-સેકન્ડ માટે તે એ જ પોઝીશનમાં સ્થિર રહયો અને પછી પોતાની જમણી તરફ વાડના ઓથારે ચૂપકીદીથી આગળ વધ્યો.

કેમ્પની રચના કંઇક આ પ્રકારે હતી. કેમ્પના મુખ્ય પ્રવેશદ્વારથી અંદર ઘુસતા થોડી ખુલ્લી જગ્યા છોડવામાં આવી હતી. ત્યારબાદ બંને તરફ હારબંધ કોટેજો ચાલુ થતા. મુખ્યદ્વારની ડાબી અને જમણી, બંને તરફ એક સીધી હારમાં છ-છ કોટેજો હતાં. એ બંને તરફના કોટેજોની વચ્ચે ખુલ્લી જગ્યા છોડવામાં આવી હતી. મુખ્ય દ્વારની બરાબર સામેની બાજુ, એટલે કે કેમ્પને કવર કરવા માટે બનાવવામાં આવેલી વાડની પાછલી દિવાલને સમાંતર બીજી ચાર કોટેજો એક હરોળમાં બનાવાઇ હતી. એ હરોળની ડાબી બાજુ એક ખૂણામાં છાપરાવાળી જનરેટર રૂમ હતી... જેને રૂમ તો ન કહી શકાય પરંતુ ખુલ્લા માંચડાની હેઠળ જુનુ ખખડધજ ડીઝલ જનરેટર ગોઠવી દેવાયું હતું. કેમ્પનો સંપૂર્ણ વ્યૂ, સામાન્યતહઃ ગામડામાં જુની શૈલીમાં બનાવવામાં આવતા મકાનો જેવો હતો. જેમાં એક ડેલી હોય, એક મોટુ ફળીયુ, એ ફળીયાની ત્રણે બાજુ પરીવારના સભ્યોને રહેવા માટેની રૂમો, એક તરફ ગાય-ભેંસોને રાખવા માટેનો તબેલો હોય, એવી જ કંઇક ગોઠવણી અહીંયા હતી. ડાબી-જમણી અને પાછળની કોટેજોને એવી રીતે બનાવવામાં આવી હતી કે ત્રણેયની વચ્ચે વિશાળ ચોગાન જેવી જગ્યા છૂટતી હતી. એ ચોગાનમાં જમણી તરફના કોટેજ બાજુ બે જીપગાડી ઉભી હતી અને ડાબી બાજુ એક જીપગાડી અને તેની પાછળ એક મોટુ બંધ બોડીનું ટ્રક ઉભુ હતું. ચોગાન અને તેની આસપાસની જમીન વરસાદ પડવાના કારણે ચીકણી અને લપસણી બની હતી. તેમાં જ્યાં-ત્યાં ઠેર-ઠેર જંગલી ઘાસ ઉગી નીકળ્યું હતું. ભીની થયેલી જમીનમાંથી માટી અને વનસ્પતીની સોડમ વાતાવરણમાં અહર્નીશ ફેલાઇ રહી હતી. કોટેજોની આગળ તેની છત થોડી બહાર કાઢી પડાળી જેવું બનાવવામાં આવ્યુ હતું.

તે જમણી બાજુના કોટેજોની પાછળની ખુલ્લી જગ્યામાં પહોંચ્યો. સામે જ જનરેટર નજરે ચડયુ. તેને આશ્ચર્ય એ વાતનું થતું હતું કે અહી કેમ કોઇ દેખાતું નહોતું. કેમ્પમાં કોઇ ચોકીયાત નહોતો, અને જો કોઇ હોય તો એ તેની નજરે નહોતો ચડયો. આ વાત તેને થોડી અજુગતી લાગતી હતી. તેના અજ્ઞાત મનમાં કશોક સળવળાટ થતો હતો. જો કે એક રીતે તો આ બાબત તેને ફાયદારૂપ જ હતી. તેનો અનુભવ તેને કહી રહયો હતો કે કયાંક, કશુંક ખોટુ છે.. એ શું છે તે ખ્યાલમાં આવતું નહોતું. અંધારામાં ટેવાઇ ગયેલી તેની આંખો આગળનું દ્રશ્ય સ્પષ્ટ જોઇ શકતી હતી. કોટેજોની પછીતે તેની સામેની દિશામાં એ માંચડો હતો જેની નીચે જનરેટર મુકાયેલુ હતું.

અહીનું કામ તેણે ચૂપકીદીથી કરીને સરકી જવાનું હતું. સહેજ પણ અવાજ વગર... કોઇને પણ ખ્યાલ ન પડે એ રીતે તેણે કામ પાર પાડવાનું હતું. તેની ઇન્ફોર્મેશન મુજબ આ કેમ્પમાં અત્યારે કમ સે કમ ચાલીસ જેટલા નક્સલવાદીઓ હોવા જોઇએ. આ માહિતી તેને ઉપરથી આપવામાં આવી હતી જે ખોટી હોવાનો તો કોઇ પ્રશ્ન જ નહોતો. તેમ છતાં જે નીરવતા અને સ્તબ્ધતા અહી પથરાયેલી હતી એ તેના મનમાં ખટકતી હતી. તેણે પીઠ પર લટકાવેલો થેલો ઉતાર્યો અને કામ શરૂ કર્યુ. થેલામાં જે વજન હતું એ શક્તિશાળી ટાઇમ બોમ્બનું હતું, એ ટાઇમબોમ્બ તેણે અહી ગોઠવવાના હતાં. જમણી બાજુના પહેલા કોટેજની દિવાલે તેણે એક બોમ્બ ફીટ કર્યો. એનો ટાઇમ સેટ કર્યો અને કોટેજના બીજા છેડા તરફ સરકી સૌથી છેલ્લી કોટેજની પાછળની દિવાલે બીજો બોમ્બ ગોઠવ્યો. એક બોમ્બ જનરેટરમાં ડીઝલ ભરવાની ટાંકી ઉપર સેટ કર્યો. ત્યાંથી સરકીને તે પાછળની કોટેજોની પછીતે પહોંચ્યો... એ કોટેજોમાં આગળ, છેડે અને વચ્ચે એમ ત્રણ બોમ્બ ગોઠવી તેનો ટાઇમ સેટ કર્યો. આ કામ તેણે ભયાનક ઝડપે અને ખુબજ સાવધાની વર્તીને કર્યુ. કેમ્પના ખૂણે-ખૂણે ટાઇમ-બોમ્બ ગોઠવાઇ ચુકયા હતાં. હવે તેણે કેમ્પમાંથી બહાર નીકળીને સમયની રાહ જોવા સિવાય બીજુ કશું કરવાનું નહોતું. કમરેથી ઝુકીને ઝડપથી ચાલતો તે ડાબી બાજુની કેમ્પની વાડ નજીક પહોંચ્યો...કે અચાનક તેને કશુંક યાદ આવ્યું. તેની પાસે હજુ બે બોમ્બ વધ્યા હતાં. તે પાછો ફર્યો અને પાછળની કોટેજો તરફ ચાલ્યો. એ જે કરવા જઇ રહયો હતો એ ઘણું જ ખતરનાક સાબિત થાય તેમ હતું, પરંતુ ખતરાથી તે કયાં ડરતો હતો.

( ક્રમશઃ )

પ્રવિણ પીઠડીયા.