Quotes by નીલકંઠ in Bitesapp read free

નીલકંઠ

નીલકંઠ Matrubharti Verified

@neelkanthvyas3915
(14)

અધૂરપ...

એક આશ સાથે તને મોકલેલી,
કેટલીય કવિતાઓની અથાગ મહેનત બાદ જ્યારે,
તું મળવા આવે છે ત્યારે,
શિશિરની આ શીત સાંજ,
ઓસની જેમ ક્ષણિકતાનો ગુણ આત્મસાત કરી લે છે!

-નીલકંઠ

#afteralongtime

Read More

..તું આવે તો..

આ ઝડપથી પસાર થતી સાંજને મનગમતો વિસામો મળશે!
આ સતત સ્મર્યા કરવાથી મનગમતી આઝાદી મળશે!
આ અમાપ તીક્ષ્ણ ઝંખનાઓને ઋજુતાનો આકાર મળશે!
આ વિખેરાતા જતાં શબ્દોને કવિતાનો આકાર મળશે!

-નીલકંઠ

Read More

તું માને તો...

તું માને તો વાત બહુ સાદી..
જાણે રણને, તરસ ગુલાબની!

તું માને તો વાત બહુ સાદી..
જાણે વેરાન કિનારાને, મહેચ્છા મૃદુ એક લહેરની!

તું માને તો વાત બહુ સાદી..
જાણે અપર્ણ કોઈ વૃક્ષને, ઝંખના એક મીઠા ટહૂકાની!

તું માને તો વાત બહુ સાદી..
જાણે દિવસભર ધગધગતા સૂર્યને, અપેક્ષા સજળ એક સાંજની!

-નીલકંઠ

Read More

બહુ સાચવીને રાખેલી કેટલીક અવ્યક્ત લાગણીઓ,
આજ ભેળવી છે ગુલાલ સાથે..
સમજી શકે જો તું હવે,
આ શ્વેત-શ્યામ જીવન, છલકાઈ જશે અનેકવિધ રંગોથી..!

-નીલકંઠ

Read More

ડાર્ક થીમ સેટ કરેલ IDE અને સ્ક્રીનના આછા અજવાસમાં,
કીબોર્ડ ઉપર ફરતી આંગળીઓ અને સ્ક્રીનમાં લખાતી કલરફૂલ કોડની લાઈનો..

સ્મૂથલી ચાલતો પ્રોગ્રામ અને અચાનક આવી જતી લાલ કલરની લાઈનો(એરર),
અને કેટલાંય આકાર લેતાં અને અચાનક જ વિખેરાઈ જતાં સ્વપ્નો..

લેપટોપ/પીસી પર આવતો ગુસ્સો અને સ્ક્રીનને જોતી હતાશા ભરેલી આંખો,
છતાં કયારેય ન તૂટતું લેપટોપ/પીસી સાથેનું એક હ્રદયંગમ કનેકશન...

કોડિંગ અને ડેવેલપમેન્ટની એક અલગ જ દુનિયા,
ચાલતું જ્યાં ક્રિએટિવીટી અને લોજીકનું રાજ!

-નીલકંઠ

(IDE(integrated development environment), સોફ્ટવેર એપ્લિકેશન કે જેમાં કોડ લખી શકાય તેને રન કરી શકાય અને ટેસ્ટ કરી શકાય)

Read More

દિવસભર બંધ મુઠ્ઠીમાં રહ્યો છું,
થાય એ હથેળી એક ઝંખના સાથે, સાંજ પડે ને!

સવારે પાછી ખીલી ઊઠશે કોઈ તાજા ફૂલ માફક,
કરમાય લાગણી એક મહેચ્છા સાથે, સાંજ પડે ને!

જીવનના અણધાર્યા વળાંકોને અવગણી,
અચરજ ભરેલી આંખો તાકતી રહે મનગમતી ક્ષણોની કેડીને, સાંજ પડે ને!

કિંમતી ભૂતકાળ સમા છૂપાવેલાં અશ્રુઓ,
ઝળહળી ઊઠે ક્ષિતિજે આથમતા સૂર્ય માફક, સાંજ પડે ને!

-નીલકંઠ

Read More

ચાલને ફરીથી મળીએ એક કપ ચાને બહાને..

ચાની ચાહ ન હતી, બસ એકમેકની રાહ હતી..
થતા એક ચા માંથી બે ભાગ અને પ્રેમ છલકાતો..
ચાલને વર્ષોના અબોલાને ચાની વરાળ સાથે અદ્રશ્ય કરી દઈએ,
ચાલને જીવનભરની હતાશા અને ગુસ્સાને ચાની ચૂસકી સાથે ઉતારી દઈએ,
ચાલને એજ સાંજને ફરીથી જીવંત કરીએ,
ડૂબતા સૂર્ય સામે ફરીથી હાથમાં હાથ પરોવી એકમેકમાં ડૂબી જઈએ..
છીએ ભલેને આપણે જોજનો દૂર એકમેકથી પરંતુ,
ચાલને ફરીથી મળીએ એક કપ ચાને બહાને..

-નીલકંઠ

Read More

વર્લ્ડ સ્પેસ વીકની શરૂઆત થઈ ગઈ છે જે દર વર્ષે ૪ ઓક્ટોબરથી ૧૦ ઓક્ટોબર સુધી મનાવવામાં આવે છે, આ વીકને સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ ૬ ડિસેમ્બર ૧૯૯૯ના રોજ એક ઉત્સવ તરીકે મનાવવાનું નક્કી કર્યું હતું!

આ તારીખોની વચ્ચે સ્પેસ વીક મનાવવાનું પણ એક કારણ છે! ૪ ઓક્ટોબર ૧૯૫૭ના રોજ પ્રથમ માનવ નિર્મિત ઉપગ્રહ "સ્પુતનિક-૧"નું પ્રક્ષેપણ કરવામાં આવ્યું હતું જ્યારે ૧૦ ઓક્ટોબર ૧૯૬૭ના રોજ બાહ્ય અંતરિક્ષ સંધિ ઉપર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતાં!

આ સપ્તાહને મનાવવાનો મુખ્ય ઉદ્દેશ બાળકોથી માંડીને દરેક વ્યક્તિને સ્પેસ રિસર્ચ, સાયન્સ અને ટેકનોલોજી સાથે જોડવાનો છે અને જાગરૂકતા ફેલાવવાનો અને વિજ્ઞાનની ઉપલબ્ધિઓને દરેક વ્યક્તિ સુધી પહોંચાડવાનો છે!
આ સપ્તાહ દરમિયાન વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે જેમ કે, આકાશ દર્શન, વિવિધ પ્રોજેક્ટ્સ બનાવવા, વિવિધ ટોપિક ઉપર વ્યાખ્યાનો યોજવા વગેરે..

ઓક્ટોબર મહિનો ખગોળ વિજ્ઞાનીઓ માટે અને જેઓને ખગોળ વિજ્ઞાનમાં રસ છે તેઓ માટે ખાસ છે! આ મહિના દરમિયાન આકાશમાં રાત્રે બે ગ્રહો જોવા મળશે જેમાં પૂર્વ દિશા તરફ ગુરુ(જ્યુપિટર) જે વધુ તેજસ્વી દેખાશે જ્યારે દક્ષિણ દિશા તરફ શનિ ગ્રહ જે ઓછો તેજસ્વી દેખાશે! જ્યારે ૧૪ ઓક્ટોબરના રોજ સૂર્ય ગ્રહણ અને ૨૮ ઓક્ટોબરના રોજ ચંદ્ર ગ્રહણ જોવા મળશે!

-નીલકંઠ

Read More

...કવિતા લખવાનું કારણ..
જ્યારે કવિતાની પંક્તિઓમાં શબ્દો સાથે તારાપણું ભળે છે ત્યારે..
હોય ભલેને જોજનો દૂર તું મારાથી,
પરંતુ આ ઢળતી સાંજે કવિતાએ તને મારી પાસે બેસાડી છે...

-નીલકંઠ

Read More

#ટોપિકઓફધડે

"બોસોન તારાઓ"

યુરોપિયન સ્પેસ એજન્સીની આગેવાની હેઠળના GAIA મિશન ધ્વારા મિલ્કિ વે ગેલેક્સીમાં આવેલ એક અબજથી વધુ તારાઓના વિગતવાર નકશા પ્રદાન કરવામાં આવ્યા હતાં. આ તમામ તારાઓનો અભ્યાસ કરવામાં આવ્યો ત્યારે લગભગ મોટાભાગના તારાઓ અપેક્ષા મુજબ વર્ત્યા હતા, જ્યારે કેટલાક તારાઓ આશ્ચર્ય પમાડે તેવા હતાં, ઉદાહરણ તરીકે, એક બાઈનરી સ્ટાર સિસ્ટમમાં(જેમાં બે તારાઓ અથવા એક તારો અને એક બ્લેક હોલ પણ હોઈ શકે, જે એકબીજા સાથે ગ્રેવિટેશનલ ફોર્સથી જોડાયેલા હોય છે) એક તારો બ્લેક હોલની ઓર્બિટમાં જોવા મળ્યો હતો જેનું વજન 0.૯૩ સૌર દળમાં હતું એટલે કે સૂર્ય જેટલું જ અને સૂર્ય જેટલી જ રાસાયણિક વિપુલતા સાથે! આ તારાની ઓર્બિટમાં રહેલ તારો કોઈપણ કિરણોત્સર્ગનું ઉત્સર્જન કરતો ન હતો જેથી મોટાભાગના ખગોળશાસ્ત્રીઓને શંકા હતી કે તે તારો નહી પરંતુ એક બ્લેક હોલ હતું!

પરંતુ ખગોળશાસ્ત્રીઓની ટીમે ધ્યાન દોર્યું કે આ બાઈનરી સ્ટાર સિસ્ટમ અત્યંત અસામાન્ય છે. બ્લેક હોલ્સ ખૂબ જ વિશાળ તારાઓના મૃત્યુથી રચાય છે, અને આપણા સૂર્ય જેવા તારાઓ આવા વિશાળ તારાઓ સાથે બાઈનરી સ્ટાર સિસ્ટમમાં હોય તેવી શક્યતા નથી તો અન્ય શક્યતાઓને પણ ધ્યાનમાં લેવી જોઈએ!

કદાચ સૌથી વિચિત્ર શક્યતા એ છે કે એ બ્લેક હોલ નથી પરંતુ બોસોન તારો છે. બોસોન તારાઓ એક થિયોરેટિકલ વિચાર છે આવા તારાઓ છે કે નહી તેનું પ્રેક્ટિકલ પરિણામ મળ્યું નથી! બોસોન તારાઓ ડાર્ક મેટરથી બનેલા હોય છે જે કોઈ પણ પ્રકારના કિરણોત્સર્ગનું ઉત્સર્જન કરતાં નથી!માનવામાં આવે છે કે દરેક ગેલેક્સીમાં ડાર્ક મેટરની હાજરી ૮૦% જેટલી હોય છે અને ડાર્ક મેટર અમુક પ્રકારના કણોથી બનેલો છે જેને બોસોન કહે છે, જે ફોટોન અને ગ્લુઓન્સ જેવા કણોનો એક પ્રકાર છે! બોસોન કણો સરળતાથી એકબીજામાં ભળી ગાઢ અને કોમ્પેક્ટ વસ્તુઓ બનાવી શકે છે. આ પદાર્થો બિલકુલ રેડિયેશન ઉત્સર્જિત કરતાં નથી અને નિરીક્ષકોને બ્લેક હોલની જેમ જ કાર્ય કરતા દેખાય છે!

આ બાઈનરી સ્ટાર સિસ્ટમના અવલોકનો બોસોન તારાના અસ્તિત્વને જાહેર કરે તેવી શક્યતા ખૂબ ઓછી હોવા છતાં, આ વિચાર બે કારણોસર ધ્યાનમાં લેવા યોગ્ય છે! એક, તારો ચોક્કસપણે કંઈક ગાઢ અને કોમ્પેક્ટ બોડીની ઓર્બિટમાં છે. આ આઈન્સ્ટાઈનના સાપેક્ષતાના સામાન્ય સિદ્ધાંત દ્વારા આપવામાં આવેલ ગુરુત્વાકર્ષણ વિશેની આપણી સમજણ માટે કુદરતી પરીક્ષણ પ્રદાન કરે છે. સૈદ્ધાંતિક અપેક્ષાઓ અને નિરિક્ષણ પરિણામો વચ્ચે કોઈપણ પ્રકારની વિસંગતતા શોધવી એ એક સીમાચિહ્નરૂપ શોધ હશે. બીજું, ખગોળશાસ્ત્રીઓ બોસોન તારાઓની પ્રકૃતિના ઊંડાણ પૂર્વક અભ્યાસ માટે તેનો ઉપયોગ કરી શકે છે અને આ વિચિત્ર અને કાલ્પનિક વસ્તુઓના ગુણધર્મોની વધુ તપાસ કરી શકે છે, અને બોસોન તારાઓની થિયરીને ચકાસવા માટે આ બાઈનરી સ્ટાર સિસ્ટમનો ઉપયોગ કરી શકે છે! આમતો એવી સંભાવના ખૂબ જ ઓછી છે કે આ પરીક્ષણો બોસોન તારાઓના અસ્તિત્વની તરફેણમાં આવશે, પરંતુ ડાર્ક મેટર અને બોસોન તારાઓ વિશે વધુ જાણકારી મેળવી શકાશે!

-નીલકંઠ

Read More