Quotes by Jatin Bhatt... NIJ in Bitesapp read free

Jatin Bhatt... NIJ

Jatin Bhatt... NIJ Matrubharti Verified

@jatinuncle8646
(13.1k)

' નિજ' રચિત એક હાસ્ય રચના:

'Gujlish ' midium


પપ્પાને ચિંતા થઈ કે મારો પુત્ર ઈંગ્લીશ મિડિયમમાં ભણે છે, પણ એને ગુજરાતી ખબર પડે છે ખરી?...
એટલે પપ્પાએ એની પરીક્ષા લીધી...
પપ્પા: ' બેટા, એપલ ભાવે કે સફરજન?'
' પપ્પા, મને તો એપલ જ ભાવે.'
પપ્પાએ માથું કૂટ્યું. હજી થોડી વધારે પરીક્ષા લેવા દે. હવે પપ્પાએ એને ગુજરાતી છાપું આપ્યું: ' હવે વાંચીને મને કહે કે તને શું સમજ પડી?'
પુત્રએ ધીરે ધીરે ગુજરાતી વાંચવાનું ચાલુ કર્યું:
_સમાચાર: ચાંદીમાં આંચકા પચાવી ભાવ ઉંચકાયા.
:' પપ્પા, ચાંદી એટલે સિલ્વર એટલી તો સમજ પડી ગઈ પણ સિલ્વર આંચકા પચાવી એટલે પેટમાં જમવાનું પચાવ્યું એવું સમજવાનું કે ટ્રેઈનમાં આંચકા આવે એની વાત છે ?'
_સમાચાર: નિફ્ટી સ્પોટ 308 પોઈન્ટની છલાંગે...
:'પપ્પા, આ છલાંગ એટલે તો કૂદકો મારવો તે ને, તો પપ્પા 308 આંકડાની છલાંગ એટલે 308 ફીટનો કૂદકો માર્યો એવું જ ને? પપ્પા આ તો વર્લ્ડ રેકોર્ડ કહેવાય.'
_સમાચાર: સાયબર ક્રાઈમ પર સકંજો...
:' પપ્પા શિકંજી શરબત તો ખબર છે. સમરમાં પીવાય પણ આ સકંજો એટલે તો ફાંસીને? તો સાયબર ક્રાઈમને ગળું હોય?'
_સમચાર: એક સંચાલકની ભાષણ દરમિયાન જીભ લપસી.
: ' પપ્પા જીભ બહાર નીકળે ખરી? અને લપસી એટલે કેવી રીતે? ક્યાં? કોની ઉપર લપસી?'
_સમાચાર: ચણા, મસૂરની ટેકાના ભાવે ખરીદી કરવા મંજુરી .
:' પપ્પા ,ચણા તો સમજી ગયો અને મસૂર કદાચ મમ્મી મસૂરની દાળ બનાવે છે તે, રાઈટ?, પણ પપ્પા મારો ક્વેશ્ચન એ છે કે ટેકા મિન્સ સપોર્ટ ,બરાબર? તો પપ્પા કોના કોના સપોર્ટ લીધા અને એ સપોર્ટના ભાવની મંજુરી એટલે શું સમજવાનું?'
_સમાચાર: વિકી કૌશલનો વિજયરથ પૂરપાટ દોડી રહ્યો છે.
: ' પપ્પા, વિકી કૌશલ તો એક્ટર છે ને? તો આ વિકી કૌશલે ક્યારથી એક્ટિંગ છોડીને વિકટરી કેરીઓટ ચલાવવાનું ચાલું કર્યું?'

પપ્પાએ તાત્કાલિક ગુજરાતીનું ટ્યુશન લેવડાવ્યું...

.
.
જતીન ભટ્ટ 'નિજ '

Read More

આ તણાવવાળી જિંદગીમાં હાસ્ય બહું જરુરી છે. હસો અને હસાવો...

પોઝિટિવ આર્ટનું સેશન ચાલતું હતું. સ્ટેજ પર વક્તા બધાને જોરશોરથી જીવનમાં હકારાત્મકતાની કેટલી આવશ્યકતા છે એ વિશે જ્ઞાન આપતા હતા. એમાં એક વખત એવું બોલ્યા કે હૃદયમાં કશું પણ રહેવા ના દો. લાગણી છે તો દર્શાવો.ઊર્મિને બહાર કાઢો. વહેવા દો.આ વાક્ય સાંભળી એક જણ અચાનક ઊભો થઈ બહાર નિકળવા માંડ્યો.સ્ટેજ પરથી વક્તાએ પૂછ્યું :
' કેમ એકદમ ઊભા થઈ ને બહાર ચાલવા માંડ્યા? '
' સર , ઊર્મિને બહાર કાઢવા.'
એની પત્નીનું નામ ઊર્મિ હતું...
😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄
રઘુ મારા ઘરમાં આવ્યો ને વિચિત્ર વાસ આવવા માંડી. રઘુને પૂછ્યું તો રઘુ કહે:
' સવારે ઊઠ્યો એટલે લવિંગ ને મીઠાવાળા ટૂથપેસ્ટથી દાંત સાફ કર્યા. પત્નીએ વાસણ ધોવાનું કીધું તો લીંબુવાળા સાબુથી વાસણ ધોયા.નહાવા ગયો ત્યારે ચારકોલવાળા ક્રિમથી દાઢી કરી.માથામાં ડુંગળીવાળું શેમ્પૂ નાખ્યું. લીમડાવાળા સાબુથી નાહ્યો. શરીર પર ગુલાબનું અત્તર છાંટ્યું. જમ્યા પછી કેસરવાળી ઈલાયચી ખાધી. પછી વિચિત્ર વાસ આવે જ ને!!!!'
😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄
.
.

જતીન ભટ્ટ ' નિજ '

Read More

ગુજરાત સમાચારની સહિયર પૂર્તિમાં આવેલ મારી કવિતા

' પ્રેમ આપી દે એને '

ઝણઝણતી, હણહણતી ,લાગણીઓ આપી દે એને

જલ ટપકતા કેશની ,મદકિલી સોડમ આપી દે એને

કાજલિયા, ચંચલ નૈન , શાતા આપી દે એને

છે કપાલ તેજોમય, તેજ આપી દે એને

સુંદર સુરાહી ગરદન, સુરાહી આપી દે એને

તલ મઢયો ગાલ, તલક આપી દે એને

મધમીઠી જિહવા , પ્રેમપ્રતિજ્ઞા આપી દે એને

મધુરા ઓષ્ઠ તારા, આહવાહન આપી દે એને

માંસલ હસ્ત ફેલાવ ને, આલિંગન આપી દે એને

લાગી છે તરસ ' નિજ ' ને, પ્રણય આપી દે એને .

(તલક: તેજ, પ્રકાશ, અજવાળું)

જતીન ભટ્ટ ' નિજ '

Read More

' નિજ ' રચિત મસ્ત હાસ્ય રચના :

હાસ્ય લાવે તેવું ડિપ્રેશન

એની આંખની સામે કાળું ધબ્બ અંધારું છવાઈ ગયું, ટીવીમાં પણ કાળો કલર, ક્યારનો ય મથે છે પણ લાઈટ એડજેસ્ટ થતી ન હતી. કંઈ જ ખબર પડતી ન હતી કે આવું કેમ થાય છે. સવારથી મગજ સુન્ન મારી ગયું હતું. ખાસ મિત્રને ત્યાં લગ્નમાં જવા તૈયાર થયો પણ કપડાં કાળા દેખાવા માંડ્યા. ઓફિસમાં સ્ટાફવાળાઓની મગજમારી હતી ખરી ,એને લીધે મગજ ચિંતાતુર હતું ખરું પણ આવી રીતે આંખ સામે કાળું ધબ્બ અંધારું છવાઈ જાય એ એની કલ્પનાની ય બહાર હતું .
' શિલુ, જો ને મને ડોક્ટર પાસે જવું પડશે, લાગે છે કે મને
' ગ્રેટ ' ડિપ્રેશન છે, કંઈ જ સમજ પડતી નથી, સવારથી ચેન પડતું નથી, બસ મારી આંખ સામે એકદમ કાળું ધબ્બ અંધારું છવાઈ ગયું હોય તેમ લાગે છે, મને કશું જ દેખાતું નથી, કશી જ ખબર પડતી નથી, તું ક્યાં જતી રહી હતી મને છોડીને? લાગે છે કે હું હવે આંધળો થઈ જઈશ.'
' ઓ, હિરો હિરાલાલ? આંખે ડાર્ક બ્લેક ગોગલ્સ પહેર્યા છે , એ તો ઉતારો?'
' હેં? '
😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄
' ચલ, ચેઈન નિકાલ '
' અબે ,અબે , અબે '
' એઈ બકરીકી ઓલાદ, બે બે મત કર, બોલા ના ચેઈન નિકાલ, ખોટી ભેજામારી નઈ કરનેકા, ચલ ચેઈન નિકાલ , યે રામપુરી ચાકુ તેરે પે હુલા દેગા, કયા સમજા ?'
' ઓ ઓ ઓ, ભૈયા, પ્લીઝ ગુંડા ભૈયા, યે મેરી મિસિસ કી દી હુઈ હૈ '
' તો બે ભીડુ, ઈસમે મેં કયા કરું?'
' પ્લીઝ, પ્લીઝ '
' અબે સાલા તું એસે માનેગા નહીં ' કહી ગુંડો ચેઈન ખેંચી લે છે.
ને એકદમ રઘુનો પિત્તો ગયો.: ' સાલા ગુંડા, હરામખોર, મવાલી, તને ના પાડી તોય તેં મારી પાસેથી ચેઈન ખૂંચવી લીધી ' ને ગુંડા સાથે જબ્બર ઝપાઝપી કરી રામપુરી ચાકુ ખેંચી લે છે ને એની સામે ધરે છે. : ' ચાલ ચેઈન લાવ , અને ભાગ અહીંથી નહીં તો પોલીસ બોલાવીશ ને પછી તું જશે જેલમાં. '
પણ ગુંડો ત્યાં જ ઉભો રહી જાય છે. રઘુને ચેઈન પાછી આપી ખભા પર હાથ મૂકી પૂછી લે છે:
' દેખ ભીડુ, અપન પોલીસસે ડરતા નહીં, અરે મેં કિસિસે ડરતા નહીં, લેકિન આજ તુને મુજે ડરા દિયા , સચ બોલ ઈતના જુનુન કહાં સે લાયા? સુબહ સુબહ ઘરવાલીને ડાંટ દિયા ના , ઘરવાલી તુજકો બહોત બોલી હોગી, હેં ના, સચ્ચી બોલ , ઈસીકા ગુસ્સા નિકાલા ના મેરે પે ! ઘરવાલી પે તો તું ઈતના ગુસ્સા નિકાલ નહીં શકતા, તો આજ મેં ઝપટમે આ ગયા, સહી હે ના?!!!!! '
' હાં, '
😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄
.
.

જતીન ભટ્ટ ' નિજ '

Read More

અમારો મિત્ર રઘુ કાયમ ઝડપથી વાંચે, હવે ઝડપથી વાંચે એટલે લોચા ય મારે, જેમકે :
_15 વર્ષ ની સારવાર બાદ બંને *તળાવમાં* 64 દાંત ધરાવતા યુવકની સફળ સર્જરી..
** રઘુ ડિયર ધ્યાનથી વાંચ. તળાવ નહીં તાળવા લખેલું છે.
😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄
_ નાસિકમાં કમોસમી વરસાદમાં સેંકડો ક્વિન્ટલ કાંદા *ભજીયા*
**અરે રે, રઘુ કાંદા ભજીયા નથી લખ્યું ,કાંદા ભીંજાયા એમ લખ્યું છે.
😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄
_ બસમાં ચડતા ઓફિસરનો ફોન *ગાંઠિયાએ* સેરવ્યો.
** જો પાછો, ગાંઠિયાએ નઈ બબૂચક , ગઠિયાએ સેરવ્યો એવુ વાંચ ...
😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄
_ ડિજિટલ હાઉસ એરેસ્ટ... લોકોને ઓનલાઈન *બંધુક* બતાવી ઠગાઈ
** રઘુ રઘુ તારું શું થશે હવે, અરે ભાઈ ઓનલાઈન બંધક બનાવી ઠગાઈ એવું લખ્યું છે..
😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄
_ બે યુનિવર્સિટી વચ્ચે *કેળા* , વિજ્ઞાન, ટેક્નોલોજી બાબતે એમઓયુ
** બે યાર રઘુ ,કેળા નઈ કળા લખ્યું છે.
😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄

જતીન ભટ્ટ નિજ

Read More

" મારી પ્રાણ , મારી વહાલી, "
મેં લાંબો નિઃશ્વાસ નાખ્યો :
" આજે હું જ બોલીશ ને તું સાંભળશે, બરાબર? "
ને મેં બોલવાનું ચાલુ કર્યું:
" તો સાંભળ પ્રિયે,તારી જોડે બે વર્ષ ખૂબ જ સુંદર રીતે નીકળ્યા. મારી સગી પત્ની હતી તો પણ મેં તારી જોડે સંબંધ બનાવીને રાખ્યા હતા. પત્ની પણ ખુશ હતી કે આટલી ઉંમરે પણ તમારી પાસે કોઈ ગર્લ ફ્રેન્ડ છે. બલ્કે પત્નીની ઈચ્છાએ જ તું મારી પોતાની થઈ ગઈ હતી. મિત્રોની પાર્ટીઓમાં આપણે ત્રણેય જતા. તારી ને મારી જોડી બહુ વખણાતી. ને આપણી જોડીના વખાણ સાંભળી પત્ની પણ બહુ ખુશ થતી. "
ગળે ડુમો ભરાયો ( ડુમો ગળામાં જ ભરાય, કોઈને પગે ભરાતા જોયો છે? )
" આપણી પ્રિત જનમોજનમ મેં ધારી હતી , પણ અતિ પરિચય તિરસ્કારનું પ્રથમ પગથિયું છે. એટ્લે હું તને તિરસ્કારું એ પહેલા ખૂબ સારી રીતે છુટા પડી જઈએ તો સારું. એવું વિચારી હું તને હવે આઝાદ કરી રહ્યો છું. તને દૂર કરતા હૃદયમાં ઉઝરડા પડી રહ્યા છે. દિલ રડી ઉઠ્યું છે. ( ભટ્ટજી! કંઈ ખબર ન પડી, એક સાથે બે વસ્તુ કેવી રીતે થાય?) શરીર ધ્રુજી ઉઠ્યું છે. તને વિશ્વાસ ન આવતો હોય તો x ray કે MRI કરાવીને તને બતાવી દઉં."
અને અત્યંત વ્યથિત થઈને:
" ચાલ ત્યારે સાયોનારા, મનમાં ધાર્યું હશે તો પાછા મળીશું!!"
આમ કહી મેં એને મારા હાથેથી પંપાળી અને ભારે હૈયે ફ્રેંચ કટ દાઢી સફાચટ કરી નાંખી.
.
.
.
જતીન ભટ્ટ ' નિજ '

Read More

' નિજ ' રચિત મસ્ત મસ્ત કવિતા :

શિર્ષક: ડોહી લાગે મને બહુ વ્હાલી વ્હાલી

પંચાણું વર્ષીય દાદા ને નેવું વર્ષીય દાદી

સફેદ સફેદ ચોકઠું ને કરચલી વાળી ચામડી ,

કાળા ધોળા વાળ ને સુંદર પહેરેલી સાડી,

નીચે લબડેલા કાને, પાંચ પાંચ બુટ્ટી ,

લાંબા તીણા નાકે, નમણી નમણી નથણી ,

વગર ઠંડીએ ધ્રુજતી , ધ્રુજતા હાથે ડંગોરી ,

કમર વળી ગઈ છે વાંકી , ઝૂકી ઝૂકીને ચાલતી ,

ચુંચવી ચશ્મિશી આંખે , દાદાને જોયા કરતી ,

દાદા ય જોતા દાદીને, હેત્વી નજરોથી ,

ઓ દાદા શું છે દાદીમાં, છે તો બોખી બોખી?,

પાછી આવી ગઈ છે ગાલ પર, બહુ સારી કરચલી ?,

ભાઈ ' નિજ ' તને ખબર નઈ હોય , તો લે જાણી ,

કરચલી વાળી કેરી , લાગે બહુ મીઠી મીઠી,

એટલે જ સ્તો ડોહી ,લાગે મને બહુ વ્હાલી, વ્હાલી...
.
.
.
જતીન ભૂપેન્દ્રભાઈ ભટ્ટ ' નિજ '

Read More

ફિલ્મ 'એનિમલ ' માં બોબી દેઓલની એન્ટ્રી વખતે જે ઈરાની ગીત વાગે છે, તમે બધાએ જ સાંભળ્યું હશે,બસ એજ ઢાળ માં નીચેનું હાસ્ય ગીત મમળાવો, મજ્જા આવશે 😄😄😄😄😄😄😄😄

નવરો બેઠો નખ્ખોદ વાળે ,કામ પર જા
નવરો બેઠો નખ્ખોદ વાળે ,કામ પર જા
શું કામ આળસુ બને,કામ પર જા
શું કામ આળસુ બને,કામ પર જા
તારામાં તો દમ નથી ને ,એ અમને ખબર
તારામાં તો દમ નથી ને, એ અમને ખબર
ડાહી ન જાય સાસરે ,ને ગાંડીને શિખ દે
ડાહી ન જાય સાસરે ,ને ગાંડીને શિખ દે
માં ને માસી માં તો તને,ભાન પડતું નથી
માં ને માસી માં તો તને,ભાન પડતું નથી
ટિંડોળા લેવા કહ્યું તને તો ,પરવળ લાવ્યો
ટિંડોળા લેવા કહ્યું તને તો ,પરવળ લાવ્યો
શું કામ ઘરે રહીને, બધાને હેરાન કરે
શું કામ ઘરે રહીને, બધાને હેરાન કરે
આખો દિવસ ખઈ ખઈને,વજન વધાર્યા કરે
આખો દિવસ ખઈ ખઈને,વજન વધાર્યા કરે
નવરો બેઠો નખ્ખોદ વાળે કામ પર જા
નવરો બેઠો નખ્ખોદ વાળે કામ પર જા
શું કામ આળસુ બને,કામ પર જા
શું કામ આળસુ બને,કામ પર જા ......

જતીન ભટ્ટ ' નિજ '
9426861995,
jatinbhatt67@gmail.com

Read More

ઘટાદાર ઘનઘોર મેઘો ,જલ થી ભરપૂર છે

પાછળ ઊગ્યો છે કિરણમાલી,કિરણો ભરપૂર છે

થનગન નાચે મયુર ,થનગનાટ ભરપૂર છે

ગુંજતા છે હોલો, કોયલ, સંગીત ભરપૂર છે

ચો તરફ ખેત લહેરાય છે , ડૂંડા ભરપૂર છે

ઊંચા નીચા તરું ,પર્ણો ભરપૂર છે

ધરા તરસી, હેલી વરસી,ભાદરવો ભરપૂર છે

તને ખબર છે ' નિજ '? મા રેવા પણ ભરપૂર છે.
( કિરણમાલી: સૂર્ય)
,
,
જતીન ભટ્ટ ' નિજ '
94268 61995

Read More