Part-4-Okhaharan in Gujarati Poems by Mahakavi Premanand books and stories PDF | Part-4-Okhaharan

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

Part-4-Okhaharan

ઓખાહરણ

મહાકવિ પ્રેમાનંદ

ભાગ-૪



© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as MatruBharti..


MatruBharti has exclusive digital publishing rights of this book..


Any illegal copies in physical or digital format are strictly prohibited..


MatruBharti can challenge such illegal distribution / copies / usage in court..

ઓખાહરણ

મહાકવિ પ્રેમાનંદ

રચનાઃ આશરે સને-૧૭૩૪ પહેલાં પ્રાચીન ગુજરાતી સાહિત્ય, પ્રકાશનાધિકારમુક્ત

પરિચય

મહાકવિ પ્રેમાનંદ કૃત ઓખાહરણની શરૂઆત ગણેશ સ્તુતિથી થાય છે અને ત્યાર પછી કુલ ૯૩ કડવામાં કથા વહેંચાયેલી છે.. ઓખાહરણ એ ગુજરાતી ભાષાના આખ્યાન સાહિત્ય પ્રકારમાં ગણાય છે.. આથી આ રચના પદ્ય રચના હોય છે.. દરેક કડવું (પ્રકરણ) ચોક્કસ પ્રકારના રાગમાં ગાવાનું હોય છે.. આખ્યાનકારો આ પ્રકારે આ આખ્યાનનું ગાન કરે છે.. રાગની વિગત પણ દરેક કડવા સાથે આપેલી છે.. અહીં આખ્યાનના પ્રકરણો માટે "કડવું" શબ્દ વપરાયો છે.. જેનો ઉચ્ચાર "કડવું" (કળવું) એમ થાય.. જેની વ્યુત્પત્તિ જોતાં જણાય છે કે, મૂળ સંસ્કૃત શબ્દ "કટ" એટલે કે ’બાજુ’ પરથી; ’એક આખ્યાનનો અકેકો ભાગ; પ્રકરણ; અધ્યાય’ એમ અર્થ થાય છે.. બીજી વ્યુત્પત્તિ સંસ્કૃત શબ્દ "કલાપ" મળે છે.. જે પરથી તેનો અર્થ; ’એક જ રાગના કાવ્યની કેટલીક કડીઓના સમુદાય; કવિતાનું એક નાનું પ્રકરણ; એક પ્રકારનો કાવ્યપ્રબંધ’ એમ થાય છે.. કડવાની બધી લીટી એક જ રાગમાં ગવાય.. (સંદર્ભઃ ભ..ગો..મં../કડવું)

કથાસાર

આ આખ્યાનનો સાર ટૂંકમાં જોઈએ તો, દૈત્યરાજ બળિ (બલિરાજા)નો પુત્ર બાણાસુર તપ વડે મહાદેવને પ્રસન્ન કરી અને બળવાન બને છે તથા મહાદેવ તેને પુત્રવત સન્માન આપે છે.. બળના મદમાં બાણાસુર સર્વલોકે હાહાકાર મચાવે છે અને અંતે તેની સામે લડવા વાળું કોઈ ન રહેતા સ્વયં મહાદેવને પોતાની સાથે લડવા આહવાન કરે છે.. અંતે શિવ તેને વચન આપે છે કે હું નહિ પણ મારૂં સંતાન તારી લડવાની ઈચ્છા પૂર્ણ કરશે.. પણ ત્યાં સુધી તું રાહ જો.. ત્યાર પછી ગણેશના જન્મની પ્રસિદ્ધ કથાનો અહીં સમાવેશ થયો છે.. ગણેશની સાથે જ પાર્વતી દ્વારા એક પુત્રી પણ ઉત્પન્ન કરાયાની અને જ્યારે શિવ તપ કરી ઘરે આવે છે ત્યારે ગણેશ સાથેના યુદ્ધ, શિરચ્છેદ અને પુત્રીનું ડરને કારણે છૂપાઈ જવાની કથા છે.. આ પુત્રી તે "ઓખા".. જેને પોતાના ભાઈની વહાર કરવાને બદલે ડરપોક બની છૂપાઈ જવાની સજારૂપે પાર્વતી દ્વારા દૈત્ય વંશમાં જન્મનો શાપ મળે છે..

અંતે ઓખાની કાકલૂદીથી પીગળી પાર્વતી તેને દૈત્યકુળમાં જન્મ છતાં દેવકુમાર સાથે લગ્ન થવાના અને તત્પશ્ચાત પોતાના દ્વારા તેનો સ્વીકાર થવાના આશીર્વાદ આપે છે..

આ ઓખા દૈત્યરાજ બાણાસુરને ત્યાં પુનઃજન્મ પામે છે.. અને ઓખાના જન્મ સમયે આકાશવાણી દ્વારા બાણાસુરને ચેતવણી મળે છે કે, આ કન્યા દેવકુમારને પરણશે અને તે પરણશે ત્યારે જમાઈ દ્વારા તારા બળના અભિમાનનો નાશ થશે.. તારા બાહુઓ છેદાશે.. ઓખાને કદી પરણાવવી જ નહિ તેવા સંકલ્પ સાથે તેને પ્રધાનની કન્યા ચિત્રલેખા સાથે એકદંડિયા મહેલમાં, સઘળી રાજસી સુખ સુવિધાઓ સાથે એકાંતવાસ આપી દેવામાં આવે છે.. ઓખા યુવાનીમાં આવે છે.. સ્વપ્નમાં પોતાના થનાર પતિનું દર્શન કરે છે.. ચિત્રલેખા, જે ચિત્રકલામાં પ્રવિણ છે, દેશદેશાંતરના રાજકુમારોના ચિત્ર બનાવી બનાવી ઓખાને બતાવે છે અને અંતે એ નક્કી થાય છે કે જે ભાવિ ભરથારના ઓખાએ સ્વપ્નમાં દર્શન કર્યા તે દ્વારિકાના રાજા શ્રી કૃષ્ણનો પૌત્ર અનિરૂદ્ધ.. અને પછી સખી ચિત્રલેખા દ્વારિકા નગરી માંહેથી રાજકુમાર અનિરૂદ્ધનું, ઊંંઘમાં પોઢેલા અનિરૂદ્ધનું, અપહરણ કરે છે અને ઓખાને ઓરડે લાવે છે.. ઓખા-અનિરૂદ્ધના છાનામાના લગ્ન થાય છે.. જાણ થતા બાણાસુર કાળઝાળ બની અનિરૂદ્ધ પર ત્રાટકે છે.. સંઘર્ષ પછી અનિરૂદ્ધ કેદમાં પડે છે.. અનિરૂદ્ધની વહારે કૃષ્ણ તો પોતાના ભક્ત બાણાસુરની વહારે શિવ આવે છે.. શિવ અને કૃષ્ણના યુદ્ધની કથા છે.. અંતે સૌ સારાવાના થાય છે.. બાણાસુરનો મદ ભાંગે છે, કૃષ્ણ શિવ વચ્ચે સૂલેહ થાય છે અને ઓખા-અનિરૂદ્ધ ગૃહસંસાર માંડે છે.. આ બધું કવિ પ્રેમાનંદની કાવ્યાત્મક આખ્યાન શૈલીમાં અહીં વાંચવા મળશે.. અને અંતે, હરણ (અપહરણ) તો અનિરૂદ્ધનું થયું છતાં

અનુક્રમણિકા

ઓખાહરણ

૧.કડવું-૬૫ - મધુરે ને સાદે રે હો

૨.કડવું-૬૬ - બાણે બંન્નેને બાંધિયાં

૩.કડવું-૬૭ - શુકદેવ કહે છે પરીક્ષિતને

૪.કડવું-૬૮ - દયા ન આવે દૈત્યપતિને

૫.કડવું-૬૯ - શુકદેવ કહે છે પરીક્ષિતને

૬.કડવું-૭૦ - કમળા તો કલ્પાંત કરે છે

૭.કડવું-૭૧ - ગરૂડ ત્યાંથી પરવર્યો

૮.કડવું-૭૨ - આણી વાતે કુંવર મારા

૯.કડવું-૭૩ - કૃષ્ણે જાદવ મોકલ્યો

૧૦.કડવું-૭૪ - શંખ શબ્દ તે વિકરાળ

૧૧.કડવું-૭૫ - અલ્યા જા પરો જા નંદના છોકરા

૧૨.કડવું-૭૬ - એવી વાણી સાંભળતા

૧૩.કડવું-૭૭ - શુકદેવ કહે તે વાત

૧૪.કડવું-૭૮ - કોટરા કહે છે કરગરી

૧૫.કડવું-૭૯ - આ બેમાં કોને નિદુ તે

૧૬.કડવું-૮૦ - હરિ હર બ્રહ્‌મા ત્રણે મળ્યા

૧૭.કડવું-૮૧ - પારવતીને પિયરનાં નોતરડાં રે

૧૮.કડવું-૮૨ - કૃષ્ણ કેરી તરૂણી, નિદ્રા નવ પોઢશો રે

૧૯.કડવું-૮૩ - હલહલ હાથણી શણગારી રે

૨૦.કડવું-૮૪ - અનિહાંરે અનિરૂદ્ધની ઘોડલી..

૨૧.કડવું-૮૫ - બાણાસુર પખાળે ચરણ, શોભા ઘણેરી રે

૨૨.કડવું-૮૬ - બાણાસુર ગોરવ નોતરે, સૌ કો સાથશું રે

૨૩.કડવું-૮૭ - આપ્યું મૂક્યું સર્વે પહોંચ્યું, કન્યાને વળાવો..

૨૪.કડવું-૮૮ - ઓખા ચાલી ચાલણહાર

૨૫.કડવું-૮૯ - ઓખાબાઈ તો સાસરીએ હવે જાય રે

૨૬.કડવું-૯૦ - સાસરિયાના સાથમાં

૨૭.કડવું-૯૧ - આવ્યો આવ્યો દ્વારિકાનો ચોર

૨૮.કડવું-૯૨ - તારા બાપનો બાપ તેડાવ

૨૯.કડવું-૯૩ - રીતભાત પરિપૂરણ કરી

કડવું-૬૫

મધુરે ને સાદે રે હો, ઓખા રૂવે માળિયે રે હો;

બાઈ મારા પિયુને લઈ જાય, મારા વતી નવ ખમાય,

હમણાં કહેશે રે હો, પિયુજીને મારીઆ રે.. ૧..

બાઈ મારાં પેલાં તે ભવનાં પાપ, બાઈ મારો આવડો સો સંતાપ;

શે નથી મરતો પાપી બાપ, માથેથી આભ તૂટો રે,

હો પડજો સગા બાપને રે.. ૨..

હારે મારા કંથની કોમળ કાય, એવા તે માર કેમ ખમાય;

આ પેલા દુષ્ટને ના મળે દયાય, રંડાપણ આવ્યું રે,

હો બાળપણા વેશમાં રે.. ૩..

(ચાલ)

ચિત્રલેખા કહે બાઈ શેની રડે છે, તારા કંથની નહિ થાય હાણ;

જઈને હું સમજાવું છું રે, તારા પતિના નહિ લે પ્રાણ.. ૧..

ચિત્રલેખા આવી ઉભી રહી, જ્યાં પોતાનો તાત;

સાંભળો પિતા વિનંતિ, કહેશો સમજાવી અહીં વાત.. ૨..

એ છે મોટાનો છોકરો તે, તમે જોઈને છેદજો શીશ;

માથા પર શત્રુ થાશે, હળદર ને જુગદીશ.. ૩..

એને વડવે બળી પાતાળે ચાંપ્યો, એવા જે એનાં કામ,

વગર વિચારે મારશો તો, ખોશો ઘર ને ગામ.. ૪..

પ્રધાને જઈ કહ્યું, જ્યાં બાણાસુર ભૂપાળ;

રાજા રખે એને મારતા, એ છે મોટાનો બાળ.. ૫..

પરણી કન્યા કોઈ પરણે નહિ, માથે રહેશે આળ;

લોકમાં કહેશે જમાઈ માર્યો, એવી દેશે ગાળ.. ૬..

માટે ઘાલો કારાગ્રહમાં, હાથે ન કીજીએ ઘાત;

એકલે દસ લાખ માર્યા, તે મોટી કીધી વાત.. ૭..

પછી વજ્ર કોટડીમાં, બેસાડયો એ તન;

સરપે એને વીંટીઓ કર્યો રે, કર્યો ફરતો અગન.. ૮..

તે પૂંઠે જળની ખાઈઓ ખોદી, મેલ્યા બહુ રખવાળ;

સરપ કેરા ઝેરથી, પરજળવા લાગ્યો બાળ.. ૯..

અનિરૂધ્ધને બંધન કરીને, વિંટ્‌યા બહુ સરપ;

કામકુંવરને બાંધીઓ, ગાજીઓ તે નૃપ.. ૧....

(વલણ)

નૃપ ગાજ્યો મેઘની પેર, ઉતરાવી ઓખાય રે;

અનિરૂધ્ધને બંધન કરી, બાણાસુર મંદિરમાં લઈ જાય રે.. ૧૧..

કડવું-૬૬

બાણે બંન્નેને બાંધિયાં, નૌતમ નર ને નાર;

અનિરૂધ્ધ રાખ્યો મુખ આગળે, ગુપ્ત રાખી કુમાર.. બાણે બંનેને બાંધિયાં.. ૧..

ચૌટામાં ચોર જણાવિયો, ઢાંક્યો વ્યભિચાર;

ઓખા છાની મંદિરે મોકલી, રાખ્યો કુળનો તે ભાર.. બાણ.. ૨..

લક્ષણવંતો હીંડે લહેકાતો, બહેહકાતો આવાસ;

દૈત્યનું બળ તે પુંઠે પળે, ઘેરી હીંડે છે દાસ.. બાણ.. ૩..

એક પેચ છૂટ્‌યો પાઘડી તણો, તે આવ્યો પાગ પ્રમાણ;

ચોરે તે મોર જ મારીઓ, તેનાં લોક કરે વખાણ.. બાણ.. ૪..

ઓખા ફરીને જો વર પરણશે, તો ભૂલશે ભવ ભરથાર;

તે સ્વામીથી શું સુખ પામશે, લીધું અમૃત સાર.. બાણ.. પ

કો કહે એમ દૈવત દીસે ખરૂં, રૂપવંતો રસાળું;

કટાક્ષમાં કામની મોહી પડે, એવી માયા મોહજાળ.. બાણ.. ૬..

તેની ભૂલવણી ભ્રકુટી તણી, ભૂલી પડી તે નાર;

કુંવારી કન્યાને કામણ કરે, સંતાડો સર્વ કુમાર.. બાણ.. ૭..

સખી પ્રત્યે ઓચરી, દેખી અંગ ઉમેદ;

બાંધ્યો જૂવે છે આપણા ભણી, એને છે એવી ટેવ.. બાણ.. ૮..

ચાર માસ આશા પહોંચી, ઘણો લાગ્યો સ્નેહ વિવાદ;

માળિયે સુખ પામ્યો ઘણું, પછી લોક અપવાદ.. બાણ.. ૯..

(વલણ)

લાગ્યો લોકાપવાદ પણ, પામ્યો દેવકન્યાય રે;

પછી બાણાસુરે અનિરૂધ્ધને, રાખ્યો ઓખાના ઘરમાંય રે.. ૧....

કડવું-૬૭

શુકદેવ કહે છે પરીક્ષિતને, તમે સાંભળો કહું એક વાતજી;

કૃષ્ણકુંવરને બાંધી રાખ્યો, ઓખાના ઘરમાંયજી (૧)

નાનાં વિધનાં બંધન કીધાં, કાઢી ન શકે શ્વાસજી;

એક એકના મુખ દેખી, દામણાં દેખી થાય છે ઉદાસજી (૨)

બાણમતી બાણાસુરની રાણી, જળ ભરે છે ચક્ષુજી;

પુત્રી જમાઈને ભૂખ્યા જાણી, છાનું મોકલેં ભક્ષજી (૩)

કષ્ટ દેખી નાથનું ઓખા, નયણે ભરે છે નીરજી;

અનિરૂદ્ધ આપબળે કરીને, ઓખાને દે છે ધીરજી.. (૪)

આદરૂં તો અસુર કુળને, ત્રેવડું તૃણમાત્રજી;

શોભા રાખવા શ્વસુરની તો, હું બંધાયો છું ગાત્રજી.. (૫)

મરડીને ઊંઠું તો શીઘ્‌ર છુટું, દળું દાનવ જુથજી;

શું કરૂં જો શ્વસુર પક્ષમાં, રાખવું છે સુખજી.. (૬)

આકાશ અવનિ એક થાશે, એવા નિપજશે અંધજી;

અગ્નિ કેરી જ્વાળા ધુમ્રથી, અસુર થાશે અંધજી (૭)

સદાય થાશે શામળીઓ સબળો, સઘળા છુટશે બંધજી;

કૃષ્ણ આવી બાણાસુરનાં, છેદશે સઘળાં સ્કંધજી (૮)

મારા સમ જો સુંદરી તમો, ઝાંખો કરો મુખચંદ્રજી;

બંધનથી દુઃખ દે છે ઘણું, તારી આંખનાં અશ્રૂ બુંદજી (૯)

એમ આસનાવાસના કરીને, રાખ્યું ઓખાનું મનજી;

ત્યાર પછી શું થયું, તમે સાંભળો રાજનજી (૧..)

પછી ભવાનીનું સ્મરણ કરીને, બાળક લાગ્યો પાયજી,

ભગવતી ભવતારણી, આવી કરજે સહાયજી (૧૧)

(ચાલ)

મા તું બ્રહ્‌માણી, તું ઈન્દ્રાણી, તું કૃષ્ણા;

સ્થાવર જંગમ તું સચરાચર, મૃગ ઉપર જેમ તૃષ્ણા.. (૧)

દૈત્યને પાતાળ ચાંપ્યા, રક્તબીજ રણ રોળ્યા;

નિશુંભ મહિષાસુર માર્યો, ચંડમુંડ ઢંઢોળ્યો.. (૨)

ધુમ્રલોચનને હાથે હણિયો, મધુકૈટભ તે માર્યા;

અનેક રૂપ ધર્યાં તે અંબા, સુરિનર પાર ઊંતાર્યા.. (૩)

ઓ હિંગળાજ હિંગોળી માતા, કોંઈલાપુર તે કાળી;

આદિ ઈશ્વરી તું છે અંબા, શંખલપુર બહુચર બાળી (૪)

નગરકોટની તું સીધવાઈ, બગલામુખી લાગું પાય;

રાણી ઊંંટવાળી માત, બીરાજતી દક્ષિણ માંય (૫)

અન્નપુરણા ભૈરવી ત્રિપુરા, રેણુકા છત્રસંગી;

રાજેશ્વરી ચામુંડા માતા, દુઃખહરણી માતંગી.. (૬)

એવી રીતે સ્મરણ કીધું, તતક્ષણ ભવાની આવી;

અનિરૂધ્ધને માયે કહ્યું, તેં બાળક કેમ બોલાવી ? (૭)

અનિરૂધ્ધ કહે સાંભળો માતા, મારૂં દુઃખ કહ્યું નવ જાય;

સરપ કેરા ઝેરથી, મારી ઘણી બળે છે કાય.. (૮)

ભવાનીએ પ્રસન્ન થઈને, ઝેર કર્યું સરવે નાશ;

પછી અંતરધ્યાન થયા માત, બાળકની પહોંચી આશ.. (૯)

એવામાં ત્યાં નારદ આવ્યા, બ્રહ્‌માના કુમાર;

જુએ તો કારાગ્રહમાં અનિરૂધ્ધ, વરસે છે જળાધાર.. (૧..)

નારદ કહે અનિરૂધ્ધને, મારૂં સંકટ કાપો;

રૂડી વહુ તમે પરણ્‌યા માટે, મુજને દક્ષિણા આપો.. (૧૧)

તમને દક્ષિણાની પડી ને, જાય છે મારા પ્રાણ;

શરીર ધ્રૂજે અતી ઘણું ને, બોલી ન શકે વાણ (૧૨)

શીદ બીહે પરાક્રમી તું, બોલ્ય મુજ સંગાથ;

બાણાસુરની વર્યો પુત્રી તે, થઈ પૃથ્વીમાં પ્રખ્યાત (૧૩)

દિપાવ્યો વંશ વાસુદેવનો, બંધાએ લાંછન શુંય;

કાલે માધવને મોકલું, દ્વારકામાં જાઉં છું હુંય.. (૧૪)

ઉંડળમાં તેં આભ ઘાલ્યું, અંતર માં શે ન ફુલે?

ઘોડે ચડે તે પડે પૃથ્વી પરે, ભણે તે નર ભૂલે (૧૫)

વલણ-અંતર શે ન ફુલ્યો જોધ્ધા, મુકાવશે ભગવાન રે,

અનિરૂધ્ધની આજ્જ્ઞા લઈ, ઋષ્િા થયા અંતરધ્યાન રે (૧૬)

કડવું-૬૮

દયા ન આવે દૈત્યપતિને, મહાબળિયા દુરમત્યજી,

બાકરી બાંધી દ્વીજવર સાથે, વેર વધાર્યું સત્યજી.. દયા ન આવ.. (૧)

પાતળિયા પંકજ મુખ પિયુને, નાગપાશના બંધજી,

બાંધી લીધો બળે કરીને, કોમળ રૂપે કંથજી.. દયા.. (૨)

ધાજોરે રણધીર શ્રીધર, આપદા પામે નાથજી,

પુત્ર તમારા ઉપર પ્રહાર જ કરે છે, દૈત્યનો સાથજી.. દયા.. (૩)

ભારે દળ કૌભાંડે મેલ્યું, વકાર્યો બળિયો વીરજી,

તો એ રણથી નવ ઓસરીઓ, સાગરનું જેમ નીરજી.. દયા.. (૪)

ભેદ કરીને બાંધી લીધો, નાગપાશના બંધજી,

શ્વાસ ન માયે બહુ અકળાએ, અંગો અંગે ત્રાસજી.. દયા.. (૫)

તાપ સમાય નહિ સ્વામીનો, હું કરૂં દેહનો પાતજી,

વાર લાગે લક્ષ્મીવર તમને, તો થશે મહા ઉત્પાતજી.. દયા.. (૬)

કોમળ મુખ શ્રમથી સુકાયું, કન્યા કરે આક્રંદજી,

અનિરૂધ્ધ સમરે શામળિયાને, કમળાવર ગોવિંદજી.. દયા.. (૭)

ત્રાહે ત્રાહે રે ત્રિકમજી, સુતની કરજો સહાયજી,

વિપદ વેળા વારે ચડીને, કરો ભક્તની રક્ષાયજી.. દયા.. (૮)

ગજ ગ્રાહથી મુક્ત પમાડયો, કીધી હરિશ્ચંદ્ર રક્ષાયજી,

દાનવ કુળ નિકંદન કીધાં, પ્રહલાદજીની સહાયજી.. દયા.. (૯)

આજ આંખેથી આંસુડાં ચાલે, જાશે મારા પ્રાણજી,

સુખ શરીર શાતા નહિ અંગે, લાગ્યો દવ નિરવાણજી.. દયા.. (૧૦)

મનસા વાચાએ વર વર્યો, અવર તે મિથ્યા જાણજી,

રૂપ અને ગુણવંતો સ્વામી, સત્ય કહું છું વાણજી.. દયા.. (૧૧)

તાત કઠોર દયા નહિ હૃદિયે, કોમળ મારો કંથજી,

પ્રહાર કરીને બાંધી લીધા, શ્રીહરિ વેગળે પંથજી દયા.. (૧૨)

કોણ સહોદર આવે અવસર, શોધ કરવાને જાયજી;

ભ્રાતને જાણ નહિ, ને કોણ ઊંઠીને ધાયજી.. દયા.. (૧૩)

પિતા પિયુજીને વેરી રે દેખે, પરભવે બહુ પેરજી,

નાગના ફુંફાડા હળાહળ, ફેરવી નાખે લ્હેરજી.. દયા.. (૧૪)

હળાહળે અંગ અગ્નિ રે ઊંઠ્‌યો, કંઠે પડયો શોષજી;

પૂર્વ તણાં કર્મ આવી નડિયાં, કોને દિજે દોષજી.. દયા.. (૧૫)

તાત મારી કાયા રે પાડું, વિખ ખાઉં આ વારજી;

સ્નેહ ન જાણે રે કોઈ મનનો, સહુ પીડે ભરથારજી.. દયા.. (૧૬)

તાત તણે મન કાંઈ નહિ, મુને સબળો લાગે સ્નેહજી;

છોરૂં પોતાનાં જાણી કીજે, દયાળ ન દીજે છેહજી.. દયા.. (૧૭)

બાણાસુસ મહા-પુરૂષ જ્જ્ઞાતા, જેથી ચૂક ન થાયજી;

બાળક ઉપર હાથ શો કરવો, કાદપિ હોય અન્યાયજી.. દયા.. (૧૮)

વહાલાં થઈને વેર જ વાળો, શું નથી આવતી લાજજી;

નીચ પદારથ નથી કુળ નીચું, કૃષ્ણકુમાર મહારાજજી.. દયા.. (૧૯)

નીચું નાક ન હોય એથી, નિરર્થક શો સંગ્રામજી;

મોટા સાથે વિરોધ ન કરીએ, નહિ નિર્બળ હળધર શામજી.. દયા.. (૨..)

સકળ પૃથ્વી ચાકે ચઢાવી, અસુરનો ફેડયો ઠામજી;

વૈર વધારી વિઠ્‌ઠલ સાથે, ક્યાં કરશો સંગ્રામજી ? દયા.. (૨૧)

જુદ્ધ સમે આકાશે રહીને, જુવે છે નારદ દેવજી;

ભય મા આણીશ અમે જાશું દ્વારામતી, જુદ્ધ કરશું તતખેવજી.. દયા.. (૨૨)

નિર્ભય જાણી વીણાધર ગયા, પરવરીઆ આકાશજી;

પહોંચી દ્વારકાં ઊંતરી હેઠા, ભેટ્‌યા શ્રી અવિનાશજી.. દયા.. (૨૩)

(વલણ)

ભેટ્‌યા શ્રીઅવિનાશને, કુશળ વાર્તા પૂછી વળી;

કહે નારદ અનિરૂદ્ધને, રાખ્યો કારાગ્રહમાં દૈત્યે મળી રે.. (૨૪)

કડવું-૬૯

શુકદેવ કહે છે પરીક્ષિતને, બાંધ્યો તે જાદવ જોધજી;

હવે દ્વારિકાની કહું કથા, જાદવજી કરે શોધાશોધજી.. ૧

હિંડોળા સહિત કુંવર હરિયો, છોડી ગયું કોઈ દોરીજી;

હાહાકાર થયો પુર મધ્યે, અનિરૂદ્ધની થઈ ચોરીજી.. ૨

રતિ અતિ આક્રંદ કરે છે, મળ્યું તે વનિતાનું વૃંદજી;

રૂકમણિ, રોહિણી, દેવકી, સરવે કરે આક્રંદજી.. ૩

જાદવ કહે છે માધવને, શું બેઠા છો સ્વામીજી;

વિચાર કરી વિલંબ ન કીજે, કુળને આવી ખામીજી.. ૪

વસુદેવ કહે શામળાને, શું બેઠા છો ભૂપ;

વિચારો ક્યાં જળમાં બુડયો, ક્યાં ગયો કુંવર અનુપજી.. ૫

ઉગ્રસેન કહે અચરજ મોટું; કોણે હર્યો હિંડોળોજી;

દેવ દૈત્ય રાક્ષસનું કારણ, તે ખપ કરીને ખોળોજી.. ૬

જાદવને જદુનાથ કહે છે, ભાઈ શાને કરો છો શ્રમજી;

ગોત્રદેવીનું ગમતું થાશે, કુંવર હરાયાનું કર્મજી.. ૭

અગ્િાયાર વરસ ગોકુળ સેવ્યું, મામાજીને ત્રાસેજી;

પ્રધ્યુમને શંખ હરી ગયો, આવ્યો સોળમે વરસેજી.. ૮

તેમ અનિરૂદ્ધ આવશે, સાચવશે કુળદેવજી;

કૃષ્ણે કુટુંબને રોતું રાખ્યું, આશા દીધી એવજી.. ૯

પાંચ માસ વહીં ગયા ને, જાદવ છે મહાદુઃખજી;

શોણિતપુરથી કૃષ્ણસભામાં, આવ્યા નારદઋષ્િાજી.. ૧૦

હરિ સાથે જાદવ થયા ઊંભા, પાન મુનિને દીધુંજી;

આનંદે આસન આપ્યું છે, ભાવે પૂજન કીધુંજી.. ૧૧

નારદની પૂજા કરીને, હરિએ કર્યા પ્રણામજી,

કહો મુનિવર ક્યાંથી પધાર્યા, અમ સરખું કાંઈ કામજી ?.. ૧૨

કરજોડી નારદ કહે છે, સાંભળો જુગજીવન;

પુત્ર તમારા સર્વેનું મારે, કરવું છે દરશનજી.. ૧૩

મારા જોતાં પુત્ર સરવેને, સાથેથી તેડાવોજી;

એક લાખને એકસઠ હજાર, એ સૌ આગળ આવેજી..૧૪

સર્વે પુત્ર સામું જોઈને, પૂછે છે નારદ મુનિજી;

આટલામાં નથી દીસતો, પ્રધુમનનો તનજી..૧૫

ભગવાન કહે છે નારદજીને, કાંઈ તમે જાણો છો ભાળજી;

ઘરમાંથી જતો રહ્યો છે, પધ્યુમનનો બાળજી..૧૬

નારદ કહે છે હું શું જાણું, તમો રહો છો સાગર બેટજી;

જેણે ઝાઝા દીકરા, તેને દૈવની વેઠજી.. ૧૭

ત્યારે ભગવાન કહે છે નારદને, પુત્ર વિના કેમ રહેવાશેજી;

ત્યારે નારદ કહે છે પ્રશ્નમાં, આવશે એવું કહેવાશેજી..૧૮

પછી આસન વાળી દીધી તાળી, નાક ઝાલ્યું મનજી;

વેઢા ગણીને નારદ કહે છે, સાંભળો જુગજીવનજી..૧૯

તમારા પુત્રનું એક નારીએ, કર્યુ છે હરણજીઃ

ત્યારે હરિ કહે દ્વારિકામાં આવે, તે તો પામે મરણજી..૨૦

નારદ કહે છે તમે સુણો શામળા, સંભળાવું એક વાતજી;

મારી એવી પ્રતિજ્જ્ઞા છે, જૂઠું ન બોલું જાતજી..૨૧

શોણિતપુર એક નગ્ર છે, બાણાસુરનું રાજજી;

પ્રસંગે હું ત્યાં ગયો ’તો, મારે કોઈ એક કાજજી.. ૨૨

રાજા બાણની પુત્રી ઓખા, તેને હવું સ્વપ્નજી;

અનિરૂદ્ધ સેજે વરી ગયો, તેનું વિહ્‌વળ થયું છે મનજી.. ૨૩

ચિત્રલેખા ચંચળ નારી, વિધાત્રીનો અવતારજી;

તે આવી દ્વારકામાં પછી મન કર્યો વિચારજી.. ૨૪

કઠણ કામ કરવું છે મારે, નહિ એકલાનું કામજી;

મારૂં તેણે ધ્યાન ધરિયું, હું આવ્યો તેણે ઠામજી.. ૨૫

મેં તો તામસી વિધ્યા ભણાવી, તે ઊંંઘ્‌યું બધું ગામજી;

અનિરૂદ્ધને લઈ તે ગઈ ને, ઓખાનું થયું કામજી.. ૨૬

કોઈ પેરે તે લઈ જાયે, એમ બોલ્યા શ્રી જુગાઃજીવનજી,

ચક્ર મારૂં ઊંઘે નહિ ને, છેદી નાંખે શીષજી.. ૨૭

ચક્રનો વાંક નથી ને એ, નિસરીયું’તું ફરવાજી;

અમ સરખા સાધુ મળ્યા તેણે, બેસાડયું વાતો કરવાજી.. ૨૮

ભગવાન કહે છે શાબાશ નારદિયા, એવા તારા કામજી;

માથા ઉપર ઊંભા રહીને, ભલું મરાવ્યું ધામજી..૨૯

નારદ કહે છે કૃષ્ણને, મેં નથી કર્યો અન્યાયજી;

જોયા પછી તમે જાણજો, ઘણી ફૂટડી છે કન્યાયજી..૩૦

ભલી રે કન્યા ભલી રે વહુ, તમે ભલો કર્યો વિચારજી;

હવડાં મારા પુત્રના ત્યાં, શા છે સમાચારજી..૩૧

મહારાજ જણે ભોગવી છે, બાણાસુરની બાળ જી,

દસલાખ દૈત્યોનો એકી વારે, પુત્રે આણ્‌યો કાળજી..૩૨

શિવનો વર સાચો કરીને, ગયો અસુરને હાથજી;

હમણાં તમારા પુત્રની, ઘણી દુઃખની છે વાતજી..૩૩

ઊંંધે મસ્તક બાંધીઓ, તળે લગાડી અગનજી;

લીલા વાંસનો માર પડે છે, ભાગ્ય હશે તો જીવશે તનજી.. ૩૪

વાત સાંભળી વધામણીની, વગડાવ્યાં નિશાનજી;

શામળા તત્પર થાઓ હવે, જીતવો છે બાણજી.. ૩૫

તે માટે તમને કહું, વિઠ્‌ઠલજી વહેલા ધાઓજી;

જો પુત્રનો ખપ કરો તો, શોણિતપુરમાં જાઓજી..૩૬

કડવું-૭૦

કમળા તો કલ્પાંત કરે છે, હૈડે તે ઊંઠી જવાળા જો;

મારો કુંવર કારાગ્રહમાં બાંધીઓ રે, મારાને પાઘડી બાંધતાં ન આવડે રે;

મારો અનિરૂધ્ધ નાનેરૂં બાળ જો.. મારો કુંવર.. ટેક.. ૧..

રૂક્ષ્મણીએ કૃષ્ણ તેડાવિયા રે, તમો સાંભળો દીનાનાથ જો;

મારો બાળક અસુર ઘેર બાંધિયો રે, તે તો કહી નારદજીએ વાત જો.. મારા.. ૨..

અનિરૂદ્ધ બોલી નથી જાણ તો રે, તે તો શું જાણે જુધ્ધ કેરી વાત જો;

હિંડતાં ચાલતાં અખડાઈ પડે રે, અનિરૂધ્ધ નાનેરૂં બાળ જો.. મારા.. ૩..

મારાને નિશાળે ભણવા નથી મોકલ્યો રે, નથી સહ્યો અધ્યારૂનો માર જો;

પ્રભુએ અમને પુરૂષ ન સરજાવ્યા રે, તો સૌ પહેલાં વઢવા જાત જો.. મારા.. ૪..

ત્યારે શ્રીકૃષ્ણે ગરૂડ તેડાવિયો રે, તે તો આવિઓ તત્કાળ જો;

ભગવાન કહે છે ગરૂડને રે, તમો કેટલો સહેશો ભાર જો.. મારા.. ૫..

તમો છપ્પન કોટી જાદવ જેટલા રે, તે તો સરવે થાઓ અસવાર જો;

તમે સાંભળો કૃષ્ણ કોડામણા રે, મારા અંગતણા રખવાળ જો.. મારા.. ૬..

મુજ ઉપર ચડે બધી દ્વારિકા રે, તોયે મુજને ન આવે આંચ જો;

છયાશી જોજન મારી પંખના રે, ત્રણ જોજનની મારી ચાંચ જો, મારા.. ૭..

પછી ગરૂડે ચઢીને ગોવિંદ પરવર્યા રે, ત્યારે ગડગડીઆં નિશાન જો;

--(પુસ્તકમાં કડી ખૂટે છે) ....૮..

મારો કુંવર કારાગ્રહથી છુટ્‌યો, જ્યારે ત્યાં આવિયા સારંગપાણ જો;

શ્રીકૃષ્ણ વાડીમાં ઉતર્યા, તેનાં કોણ કરે રે વખાણ જો.. ૯..

(વલણ)

કૃષ્ણ વાડીમાં ઊંતર્યા, માગ્યું રાયનું વન રે,

ગરૂડને આપી આજ્જ્ઞા, મૂકાવી લાવો તન રે.. ૧....

કડવું-૭૧

ગરૂડ ત્યાંથી પરવર્યો, એક નદી આવી અશેષ;

તેમાં તેણે ચાંચ બોળી, પાણી પીધું વિશેષ.. ૧..

ત્યાંથી આઘેરો પરવર્યો, જ્યાં ધગધગતા અંગાર;

પાણી પેલું પીધું હતું તે, વાપર્યું તે ઠાર.. ૨..

ત્યાંથી આઘેરો પરવર્યો, જ્યાં ભૂત ને પરેત;

પાંખો મારી પાડિયાં, કીધાં સરવે અચેત.. ૩..

ત્યાંથી આઘેરો ચાલીઓ, કુંવરને કોટે નાગ;

નાનાને આખા ગળ્યા, મોટાના કર્યા બે ભાગ.. ૪..

ભલું થજો ભગવાન તમારૂં, પૂરણ પામ્યો આહાર;

કુંવરને મુકાવી લાવ્યો, જ્યાં છે જુગત આધાર.. ૫..

ઓધવ ને અક્રુર બે હસીઆ, ભલા કૃષ્ણના તન;

તમે રે આવ્યા પરણવાને, અમને ન લાવ્યા સંગ.. ૬..

કડવું-૭૨

આણી વાતે કુંવર મારા, શરમાણા નવ થઈએ;

મારી વાતો તુજને કહું, રાખ તારે હૈયે.. ૧..

એક કુબજા પેલી રાંટી ટુટી, કંસરાયની દાસ;

મારા મનમાં તે ગમી, બેસાડી રાખી આવાસ.. ૨..

નરકાસુરને મારીને, સોળ હજાર લાવ્યો તરૂણી;

તારા સમ જો એમાં મુજને, એકે નથી પરણી.. ૩..

તારી માને જઈને લાવ્યો, બાંધવને બંધાવી;

જાંબુવંતી રીંછડી, તેને માનિતી કહી બોલાવી.. ૪..

તું મારો દીકરો, ધન તારી માનું પેટ;

બીજા સર્વે દીકરા, તે દેવે કરી વેઠ.. ૫..

આપણા કુળમાં ચાલ્યું આવ્યું, શરમાણા નવ થઈએ;

રૂડી નારી દેખીએ, તો હરણ કરી લઈ જઈએ.. ૬..

ઓધવ ને અક્રુર બે હસીઆ, ખડખડ મેલ્યા દાંત;

રૂડી શિખામણ છોકરાને, દ્યો છો સુંદરશ્યામ.. ૭..

જો આવી શિખામણ, અમારાં છોકરાં દેશો;

તો મૂકવું પડશે, દ્વારિકા ગામ.. ૮..

કડવું-૭૩

કૃષ્ણે જાદવ મોકલ્યો, તે શોણિતપુરમાં જાય;

જઈને કહેજો બાણાસુરને, પરણાવો કન્યાય.. શ્રીકૃષ્ણ.. ૧..

હોંશ હોય તો જુદ્ધે આવો, તેમાં નથી અમારે નાય;

જાદવ ત્યાં સંચર્યો, આવ્યો અસુર સભાની માંય.. શ્રીકૃષ્ણ.. ૨..

સાંભળને રાજા વિનતી, આવ્યા છે વૈકુંઠનાથ;

દીકરી પરણાવી ચરણે લાગો, નહિ તો જુધ્ધ કરો અમ શાથ.. શ્રીકૃષ્ણ.. ૩..

બાણાસુરને મહાદુઃખ લાગ્યું, નેત્રે વરસે અગન;

નીચ જાદવને જોઈએ મારી, કુળવંતી એ તન.. શ્રીકૃષ્ણ.. ૪..

ચાલ-એ ભરવાડો એ પિંઢારો, ગોકુળમાં ચારી ગાય;

માર્યા વિના મૂકું નહિ, જે થનાર હોય તે થાય.. શ્રીકૃષ્ણ.. ૫..

સેના લઈને રાજા ચાલ્યો, જોધ્ધાનો નહિ પાર;

હસ્તી ઘોડા ને સુખપાલો, બાંધ્યા બહુ હથિયાર.. શ્રીકૃષ્ણ.. ૬..

ખડક ખાંડા ને તંબુર ઝેર, ગોળા હાથ ને નાળ;

ત્રિશુળ સાંગ ને મુગદર ફરસી, તોમર ને ભીંડીમાળ.. શ્રીકૃષ્ણ.. ૭..

લાલ લોહમય ઝળકે ઝેરી, હાથ ધરી તલવાર;

જોદ્ધા જોર કરતા આવ્યા, ને કરતા મારોમાર.. શ્રીકૃષ્ણ.. ૮..

કો જોજન કો બે જોજન ઊંંચા, કોને સમ ખાવા નહિ શીષ;

વિકરાળ દંત દેખાડીને, વળી પાડે ચીસ.. શ્રીકૃષ્ણ.. ૯..

બુમરાણ કરતા આવી પડીઆ, જાદવની સેના માંહ્ય;

ગ્િારધારીને ઘેરી લીધા, પડે બાણાસુરના ઘાય.. શ્રીકૃષ્ણ.. ૧....

પરિઘ ત્રિશુળ ને પડે કોવાડા, મુગદર ને વળી ફરસી;

સંગ્રામ સહુ સેના કરે, આયુધ્ધધારા રહી વરસી.. શ્રીકૃષ્ણ.. ૧૧..

જગદીશે જાદવ હલકાર્યા, કર ધનુષ્ય બાણ ને તીર;

તૂટે કુંભસ્થળ ફુટે દંતશુળ, ચાલે નીર રૂધિર.. શ્રીકૃષ્ણ.. ૧૨..

બહુ ભડ ત્યાં પડવા લાગ્યા, ભુંગળને ભડાકે;

વાંકડી તરવારો મારે, ખડગને ઝડાકે.. શ્રીકૃષ્ણ.. ૧૩..

તૂટે પાખર ને પડે બખ્તર, કીધો કચ્ચરઘાણ;

સર્વે જોધ્ધાઓને મારી કરીને, પાછા વળ્યા ભગવાન.. શ્રીકૃષ્ણ.. ૧૪..

(વલણ)

પૂરણ પુરૂષોત્તમ પાછા વળ્યા, કરી અસુરનો નાશ રે;

સૈન્યમાં આવી કરીને, શંખનો નાદ રે.. ૧૫..

કડવું-૭૪

શંખ શબ્દ તે વિકરાળ, રિપુ દૈત્યને વિદારનાર;

કૃષ્ણ આવ્યાં તે જાણ જ થયું, બાણ પરાક્રમ તે ક્યાં ગયું.. ૧

અનિરૂદ્ધ કહે સુણ સુંદરી, શંખ જણાયો આવ્યા હરિ;

છૂટ્‌યા બંધ તે આજ થકી, ઓ ગાજે હળધર સાત્યકી.. ૨

બોલે પ્રદ્યુમન મોટે સ્વરે, બાણ હાથ છેદાય ખરે;

ગોવિંદની ગત્ય ન જાએ કળી, જાદવસેના આવી મળી.. ૩

જાદવ સૈન્યએ ચાંપ્યો દેશ, મંત્રી કહે ઊંઠો નરેશ;

અનુચર આવ્યો તે લાવ્યો વાત, કહે દશ દિશે ઉત્પાત.. ૪

મંત્રીને કરી નેત્રની સંજ્જ્ઞા, જઈ સેનાને આપો આજ્જ્ઞા;

દુંદુભી નાનાવિધ ગડગડે, આયુધ્ધ ધરીયે યુધ્ધે ચઢે.. ૫

ત્યાં રૂપયા કહાડયા લખી, સેને સજી ટોપ જીવ રાખી;

ધરી ત્રિશુળ ને બખ્તર માળ, ડચકારે ઘોડા દે ફાળ.. ૬

મોરડે મણિ ફુમતા લટકે, પોતાના પડછાયા દેખી ભડકે;

વાંદરા વાદે ઘુંટે નાચતાં, ઘોડાને પાણી પંથા.. ૭

કાબર ને કલંકી, કુમેદ લીલા ને પચરંગી;

હાંસી સો હય હણીઆ જેહ, કાળા પછી કાબરો તેહ.. ૮

પીળા પાખર પોપટ શ્વેત, વાયુ વેગે માંકળીઆ કેત;

રચપાળા અસવાર અનંત, દીર્ઘ દિસે અને કરડે દંત.. ૯

પુરની પોળે સેના નવ માય, હણો જાદવ કહેતા જાય;

ટોળાં ઉપર ટોળાં આવે, પગને પ્રહારે ધરતી ધ્રૂજાવે.. ૧..

રીસે અંતરમાં ઘરહડે, રખે રાય બાણાસુર ચઢે;

ઝટકાર કરે બાણાસુર મલ્લ, પૃથ્વી થઈ જ્યારે ઉથલ.. ૧૧

ગર્જના કીધી મુખથી ભૂપાળ, ખળભળ્યા સાત પાતાળ;

બ્રહ્‌મ લોક સુધી પહોંચ્યો નાદ, બાણે કૃષ્ણને કીધો સાદ.. ૧૨

ગરૂડ આસન આવ્યો ખેપ કરી, નહિ જવા દઉં કુશળ ફરી;

ઉન્મત જાદવ ઉછાંછળા, સકળ સંસારે બહુ આકળાં.. ૧૩

કુંવારી કન્યા કપટે વર્યો, બોલાવે સાપ થાય પાધરો;

કુડુ કરમ કીધું કુંવરે, વળી તું વઢવા આવ્યો ઉપરે.. ૧૪

ત્યારે હસીને બોલ્યા ભગવાન, અમો લેઈ આવ્યા છીએ જાન;

જો વિધાતાએ કીધો સંબંધ, વરકન્યાના છોડો બંધ.. ૧૫

ત્યારે બાણાસુર બોલ્યો તત્કાળ, સંબંધ શાનો એ ગોવાળ;

એવી આપીશ પહેરામણી, સૌને મોકલીશ જમપુરી ભણી.. ૧૬

બાણાસુર જ્યારે બોલ્યો વ્યંગ, ત્યારે કૃષ્ણે લીધું સારંગ;

કડાઝુડ બે કટક થયાં, ઉઘાડા આયુદ્ધ કરમાં ગ્રહ્યાં.. ૧૭

ખાંડાં ફરસી ને તરવાર, કો કહાડે માથેથી ભાર;

ત્રિશુળ તોમર ગદા ત્રિશુળ, ગર્જ્યો હાયે ધરી મુસળ.. ૧૮

છપ્પન કોડ જાદવ ગડગડે, દાનવ ઉપર તૂટી પડે;

દાનવ બહુ પળાય, બાણાસુર દેખી અકળાય.. ૧૯

કડવું-૭૫

અલ્યા જા પરો જા નંદના છોકરા, વઢવાને અહીં તું શીદ આવ્યો,

અલ્યા નીચ ગોવાળીયા જાત કહાવ્યો, તું તો મારી સાથે નહિ જાય ફાવ્યો.. ૧..

અલ્યા ગોકુળેમાંહી તું ગાવડી ચારતો, પરનારી કેરાં તું ચીર હરતો,

હાથમાં લાકડી, ખાંધે હતી કામળી, મધુવન વિષે તું તે ફરતો.. અલ્યા.. ૨..

સાંગ શ્રી સૂર્ય તણી, તેજ ત્રિશુળ તણું, મારા હાથમાં તેહ ચમકે,

મારે ક્રોધે કરી ડોલે છે દેવતા, બધી ધરણી ધ્રૂજે, શેષ સળકે.. અલ્યા.. ૩..

કડવું-૭૬

એવી વાણી સાંભળતાં, કોપ્યા દીનદયાળ;

બાણાસુરના હાથ છેદ્યા, સ્વામી શ્રી ગોપાળ.. ૧..

કોપ કરી કરશસ્ત્ર મેલ્યું, વળતું તેણી વાર;

બે હાથ રહ્યા છે બાણાસુરને, તેનો કહું વિસ્તાર.. ૨..

રૂધિર વહે છે બાણાસુરને, મન થયો નિરાશ;

મહાદેવજીએ હાથ આપ્યા, માટે ગયો કૈલાશ.. ૩..

નારદ ચાલી આવિયા, જ્યાં બાણાસુરની માંય;

તારા કુંવરના હાથ વાઢિયા, કહો શી વલે થાય ? ૪..

કડવું-૭૭

શુકદેવ કહે તે વાત, વેવાણ આવિયાં રે,

જેની જોવા સરખી જાત, વેવાણ આવિયાં રે.. ૧..

માથે કેશ વાંસની જાળ, વેવાણ..

જેનું નેત્ર સરોવર પાળ, વેવાણ.. ૨..

જેના સુપડા જેવા કાન, વેવાણ..

જેનું મસ્તક ગ્િારિ સમાન, વેવાણ.. ૩..

એની આંખ અંધારો કુપ, વેવાણ..

જેનું મુખ દીસે છે કદરૂપ, વેવાણ.. ૪..

હળદાંડી જેવા દંત, વેવાણ..

દીઠે જાએ ન એનો અંત, વેવાણ.. ૫..

એનાં સ્નત ડુંગર શાં ડોઝાં, વેવાણ..

કાને ઘાલ્યા છે હાથીના હોજાં, વેવાણ.. ૬..

કોટે ખજુરાના તનમનીઆં, વેવાણ..

કાને ઊંંટના ઓગનીયા, વેવાણ.. ૭..

પગે રીંછ કલ્લાં વિકરાળ, વેવાણ..

કહેડે પાડાની ઘુઘરમાળ, વેવાણ.. ૮..

વાંકડા સરપ એને હાથે, વેવાણ..

બળતી સઘડી મુકી માથે, વેવાણ.. ૯..

જેની પીઠ ડુંગરશાં ડોઝાં, વેવાણ..

એના મસ્તકમાં ફરે રોઝાં, વેવાણ.. ૧૦

મુખ બોલે વચન વિકરાળ, વેવાણ..

દેખી પડે જાદવને ફાળ, વેવાણ.. ૧૧..

કોટરા આવ્યા જ્યાં મોરાર, વેવાણ..

કુંવરે સાસુ ખોળી સાર, વેવાણ.. ૧૨..

કડવું-૭૮

કોટરા કહે છે કરગરી, એના બાપને ચાંપ્યો પાતાળ;

જાણશે તો ઘણું થાય, એ છે તમારો બાળ.. (૧)

કરૂણાસાગર કૃપાનિધિ, ક્ષમા કરો આ વાંક;

દીન જાણી દયા કરો, એ છે મારો રાંક.. (૨)

ચક્ર ચતુરભુજે પાછું તેડયું, કરૂણા કરી જગન્નાથ;

નવસેં છન્નુ કર છેદી નાંખ્યાં, રાખિયા ચાર હાથ.. (૩)

રૂધિરભર્યો આંસુ ગાળતો, આવિયો શિવની પાસ;

એમ કહીને પાયે લાગ્યો, સાંભળો ગતિ કૈલાસ.. (૪)

એક મારી વિનંતી, તમે સાંભળો જુગદીશ;

સાંભળી કોપે ભરાયા, પોતે ઉમિયાઈશ.. (૫)

(વલણ)

મનમાં રીસ ચઢી ઘણી, તમે સાંભળો રાજકુમાર રે;

સદાશિવ યુદ્ધે ચઢ્‌યા, તેણે ધ્રૂજી ધરા અપાર રે.. (૬)

(રાગઃ સાગર)

એ ભરવાડો એ પીંઢારો, ગોકુળમાં ચારી ગાય;

મારા આપ્યા હાથને, તે છેદીને ક્યાં જાય ? (૧)

બડબડતા ગણેશ ચાલ્યા, ઉંદરડે અસવાર;

મોર ઉપર સ્વામી કારતિક, ચાલ્યા શંકરના કુમાર.. (૨)

સિંહ ઉપર વીરભદ્ર ચાલ્યા, વૃષભ ઉપર શિવરાય;

સેના બહુ ભેળી કરી, કહું તેહ તણો મહિમાય.. (૩)

ડાકણ શાકણ ભૂત પ્રેત, પિશાચ વંતર માત્ર;

દડુક ચાલે ભૂતડાં, જેનાં હાલ્લાં સરખાં ગાત્ર.. (૪)

હરિ જઈ કૃતવર્માને કહે છે, મહાદેવને સમજાવો;

આ શું ઉપરાણું કરી, જોગીડો વઢવા આવ્યો.. (૫)

શંકર મુખેથી બોલ્યા; આવી લાગી ઝાળ;

સન્મુખ આવી ઊંભા રહી, માંહે ભાંડે ગાળ.. (૬)

હે કાળા અરજુનના સાળા, ભર્યા ઉચાળા જેહ;

મધ્યરાતે મથુરાથી નાઠો, ગયો વિસરી તેહ.. (૭)

મારી માસી પુતના ને, દહીંના લીધાં દાણ;

મોસાળનું છેદન કરીને, થઈ બેઠો રાજન.. (૮)

તું આહિરડામાં અવતર્યો, નથી વાત મારી અજાણી;

ત્યારે શંકર પ્રત્યે કોપ કરીને, બોલ્યા સારંગપાણી.. (૯)

મડે મસાણે ફરતો હિંડે, રાખ ચોળે અંગ;

આક ભાંગ ધંતુરો ચાવે, નફટ તારા ઢંગ.. (૧..)

ડાકણ શાકણ ભૂત પ્રેત, નીચે સપરો જોડો;

બળદ ઉપર ભાર કર્યો, તારા ઘરમાં ન મળે ઘોડો.. (૧૧)

રાત દહાડો બાવો થઈ ફરતો, તારા ઘરમાં રોતી નારી;

ત્યારે કૃષ્ણ પ્રત્યે કોપ કરીને, બોલ્યા છે ત્રિપુરારિ.. (૧૨)

અલ્યા છોકરીઓમાં છાશ પીતો, મરદ મટી થયો મેરી;

જગતમાં એવું કહેવાયું, જે કાનુડે કાંચળી પહેરી.. (૧૩)

પરનારી શું ક્રીડા કરતો, કહેવાયો વ્યભિચારી;

ત્યારે શંકર પ્રત્યે કોપ કરીને, બોલ્યા દેવમોરારી.. (૧૪)

ભગવાને કહે હું વ્યભિચારી, મુને બધા વિશ્વે જોયો;

તું એવો સાધુ હતો, ત્યારે ભીલડીશું કેમ મોહ્યો? (૧૫)

વચન એવું સાંભળીને, કોપીઆ શિવરાય;

કડાક દઈને ત્રિશુળ માર્યું, થનાર હોય તે થાય.. (૧૬)

ત્યારે શ્રીકૃષ્ણે મૂક્યું સુદર્શન, આવ્યા ચપટ ધાય;

માંહે માંહે યુદ્ધ કરે છે, બળ કહ્યું નવ જાય.. (૧૭)

ગણપતિ ને કુંવર પ્રદ્યુમન; વઢતા બંને કુમાર;

વસુમાન ને બટુક ભૈરવ, કરતા મારામાર.. (૧૮)

વીરભદ્ર ને બળરામ સામા; યુદ્ધ કરે માંહેમાંહે;

શિવ ને શામળિયો વઢે; ત્યાં જોવા સરખું થાયે.. (૧૯)

કાળભૈરવ કપાળભૈરવ, તૈક્ષણભૈરવ સાર;

સંહારભૈરવ ક્રોધભૈરવ, દંભભૈરવનો સાથ.. (૨..)

ઉગ્રસેન વીરસેન, બે જોદ્ધા કહેવાય;

આપ આપના ભીરૂ લઈ નેં, યુદ્ધ કરે રણમાંય (૨૧)

ભૂત પ્રેત પિશાચ વંતર, ડાકણ વળગે ચૂસે;

અવળા પગે જેને ચુડેલ કહીએ, રૂધિર સહુનું ચૂસે.. (૨૨)

કૃષ્ણ કેરા મારના ભાલા, વાગે ભચોભચ;

તરવારોની ધારોએ, કોનાં નાક વાઢ્‌યાં ટચ.. (૨૩)

કોઈને અધમુવા કીધા, હાથ તણી લપડાકે;

કોઈને માર્યા પાટુ પાની, ભોંગળને ભડાકે.. (૨૪)

જાદવ કેરા મારથી, બહુ ઝોળીએ ઘાલ્યા જાય;

કોને રણમાં રોળીએ, તેની થરથર ધ્રૂજે કાય.. (૨૫)

પરીઘ ત્રિશુળ તંબુર ફરશી, નાળ છૂટે સરસરાટ;

ગડગડતા ગોળા પડે, થાય બહુ ખડખડાટ.. (૨૬)

અસ્થિ ચર્મ ને માંસની બે, પાળ બંધન થઈ;

સાગર શું સંગમ મળ્યો, એમ રક્ત જ કેરી સરિતા વહી.. (૨૭)

પાંડુરોગને હૈયે હોળી, ભગંદર કેરી જાત;

હરસ નારૂં ને પાઠું કરીએ, કરણ તુલ્ય સનેપાત.. (૨૮)

રોગતણો માર બહુ દેખી, જાદવ નાસી જાય;

રોગના વરસાદથી કોઈથી; ઊંભું નવ રહેવાય.. (૨૯)

રોગના વરસાદથી, ચઢી હરિને રીસ;

તાવની ટોળી બાંધીને, છેદવા માંડયા શીશ.. (૩..)

તાવ વાણી બોલીઆ, રહેવાને આપો ઠામ;

તમે મુજને પેદા કરીને, ક્યાં મારો ભગવાન ? (૩૧)

પાપી તમે મૃત્યુલોકના, માનવીના લ્યો પ્રાણ;

તાવ કહે આ કથા સાંભળે, હરિહર કેરૂં જ્જ્ઞાન.. (૩૨)

મહારાજ ત્યાં અમે નહિ જઈએ, સાંભળો અશરણશરણ;

ચૈતર માસમાં સાંભળે, જે કોઈ ઓખાહરણ.. (૩૩)

તેનાં સ્વપ્નાંતરમાં જાશો, તો છેદી નાખીશ શીશ;

તાવની વાણી સાંભળીને, બોલ્યા શ્રી જગદીશ.. (૩૪)

ઓખાહરણ ન સાંભળે, મન ભાવ કરીને જેહ;

તેને પીડે મારી નાખું, એમાં નહિ સંદેહ.. (૩૫)

તાવ કહે એકવાર સાંભળે, તે વરસમાં ન જાવું;

બે વાર સાંભળે તેને, દીઠેથી નાસી જાઉં.. (૩૬)

ત્રણવાર જે સાંભળે, તમારૂં જે જ્જ્ઞાન;

તેને જન્મારે નવ પીડું, તમે સાંભળો ભગવાન.. (૩૭)

ઓખાહરણ જે સાંભળે, તેનું ન લઈએ નામ;

કોલ દઈને સંચર્યો, ગયો કૈલાસ ધામ.. (૩૮)

શુકદેવ કહે પરીક્ષિતને, તમે સાંભળો કહું રાય;

વળતી ભાથા ભીડીઆ, કૈલાસ કેરે રાય.. (૩૯)

શસ્ત્ર એવાં કહાડીઆં, તેનો કોઈ ન પામે પાર;

ઈશને જગદીશ વઢતાં, કોઈ ન પામે હાર.. (૪..)

વજ્રાસ્ત્ર ત્યાં મેલિયું, પોતે શ્રી ત્રિપુરાર;

ત્યારે મોહાસ્ત્ર મેલિયું, સામા રહી દેવ મુરાર.. (૪૧)

નાગાસ્ત્ર ત્યાં મેલિયું, સામા રહી ઉમિયાઈશ;

ગરૂડાશસ્ત્ર ત્યાં મેલિયું, પોતે શ્રી જગદીશ.. (૪૨)

પર્વતાસ્ત્ર ત્યાં મેલિયું, સામા રહી શિવરાય;

ત્યારે વાવાસ્ત્ર ત્યાં મેલિયું, તેનું જોર કહ્યું નવ જાય.. (૪૩)

સુદર્શન ત્યાં કહાડિયું, ક્રોધ કરી જગદીશ;

ત્યારે ત્રિશુલને લઈ, રહ્યા પોતે ઉમિયાઈશ.. (૪૪)

એકે લીધો પોઠિયો ને, એકે લીધો ગરૂડ;

ત્રિશુળને સુદર્શન વળગ્યાં, તે આવ્યાં કડાઝુડ.. (૪૫)

તેમાંથી અગ્નિ વરસે, તે બ્રહ્‌માંડ પ્રલય થાય,

શેષનાગ સળકવા લાગ્યા, ભાર ન ખમે ધરાય.. (૪૬)

બ્રહ્‌માણી કહે છે બ્રહ્‌માજીને, તમે સાંભળો મારા નાથ,

શિવ ને શામિળિયો વઢે, નારદે કીધો ઉત્પાત.. (૪૭)

રાડ જઈને ચૂકવો, તેમાંથી થાય કલ્યાણ;

હંસે ચઢીને બ્રહ્‌માજી આવ્યા, વિચારીને જ્જ્ઞાન.. (૪૮)

કડવું-૭૯

આ બેમાં કોને નિદુ તે, સાંભળો શિવ રણછોડજી;

વિરોધને વેગળો મૂકીને, પૂરો ભગતના કોડજી.. (૧)

શંકર કહે છે કૃષ્ણને, તમે ક્યારે આવ્યા ભગવાનજી;

હરિહર બે કોટે વળગ્યા, દીધું ઝાઝું માનજી.. (૨)

શિવે કૃષ્ણને તાળી મારી, બોલ્યાનો વિવેકજી;

વઢનારા કોઈ હશે પણ, આપણ એકના એકજી.. (૩)

કૃષ્ણે ચક્રને પાછું લીધું, શિવે લીધું ત્રિશુળજી;

બ્રહ્‌માએ આવી સમાધાન કીધું, થયું પૃથ્વીમાં શુભજી.. (૪)

શિવે લઈને પાસે તેડયો, શોણિતપુરનો નાથજી;

અલ્યા તુજને ભુજ આપ્યા, માટે વઢવા આવ્યો મુજ સાથજી.. (૫)

વળી હોંશ હોય તો યુદ્ધ કરો, શામળિયાની સાથજી;

મદમત્સર અહંકારથી તેં, ખોયા હજાર હાથજી.. (૬)

બાણાસુર કહે હવે હું વઢું તો, છેદે મારૂં શીશજી;

બાણાસુર ચરણે લાગ્યો, સાંભળો ઉમીયાઈશજી.. (૭)

(વલણ)

મેં ખોયા હાથ હજાર ને, હવે શિર છેદાવું રે;

જેમ તેમ કરીને જાન તેડાવો, પછી કન્યા પરણાવું રે.. (૮)

કડવું-૮૦

હરિ હર બ્રહ્‌મા ત્રણે મળ્યા, દુઃખ ભાગીઆ રે;

ત્યારે દાનવનું શું જોર, મળ્યા મન માનીઆ રે.. (૧)

હર બ્રહ્‌મા વિષ્ણુ ત્રણ એક રે, દુઃખ ભાગીઆ રે;

તેમાં શી વઢવાઢ, મળ્યા.. (૨)

શિવે બાણ કૃષ્ણને નમાવીઓ, દુઃખ..

શરીરે કૃષ્ણે ફેરવ્યો હાથ, મળ્યા.. (૩)

કાપ્યા હાથની પીડા મટી, દુઃખ..

જ્યારે પ્રસન્ન થયા જદુનાથ, મળ્યા.. (૪)

હવે ગરૂડને દ્વારિકા મોકલો.. દુઃખ..

તેડાવો સઘળો પરિવાર, મળ્યા.. (૫)

સોળ સહસ્ત્ર એકસો આઠ પટરાણીઓ, દુઃખ..

તેડવા જાદવની નાર, મળ્યા.. (૬)

તેડો છપ્પન કોટિને, દુઃખ..

તમે તેડો સહુ પરિવાર, મળ્યા.. (૭)

તે ગરૂડ ઉપર સહુએ ચઢીઆ, દુઃખ..

ત્યારે ગરૂડની પાંખ ભરાય, મળ્યા.. (૮)

તેડી શોણિતપુરમાં આવીઆ, દુઃખ..

આવી જાદવની સર્વે નાર, મળ્યા.. (૯)

જાનીવાસ આપ્યા મન માનતા.. દુઃખ..

તેમાં ઉતર્યા છપ્પન કરોડ, મળ્યા મન માનીઆ રે.. (૧..)

કડવું-૮૧

પારવતીને પિયરનાં નોતરડાં રે,

બેસવા તો રૂડા લાવજો પાથરણાં રે;

તેડાવોને ઉદિયાચળ અસ્તાચળ રે,

તેડાવોને વિંધ્યાચળ પીનાચળ રે;

વરરાયને નાવણ વેળા થાય રે,

વરરાયને પીઠી ત્યાં ચોળાય રે..

કડવું-૮૨

કૃષ્ણ કેરી તરૂણી, નિદ્રા નવ પોઢશો રે,

અનિરૂદ્ધને તે લઈ સંચરો, રૂક્ષ્મણી જાગવું રે..

બળીભદ્ર કેરી તરૂણી, નિદ્રા નવ પોઢશો રે,

અનિરૂદ્ધને તે લઈ સંચરો, રેવંતી જાગવું રે..

વાસુદેવ કેરી તરૂણી, નિદ્રા નવ પોઢશો રે,

અનિરૂદ્ધને તે લઈ સંચરો, રૂક્ષ્મણી જાગવું રે..

મહાદેવ કેરી તરૂણી, નિદ્રા નવ પોઢશો રે,

ઓખાબાઈને તે લઈ સંચરો, શુધબુધ જાગવું રે..

ગણપતિ કેરી તરૂણી, નિદ્રા નવ પોઢશો રે,

ઓખાબાઈને તે લઈ સંચરો, શુધબુધ જાગવું રે..

બાણાસુર કેરી તરૂણી, નિદ્રા નવ પોઢશો રે,

ઓખાબાઈને તે લઈ સંચરો, બાણમતી જાગવું રે..

કૌભાંડ કેરી તરૂણી, નિદ્રા નવ પોઢશો રે;

ઓખાબાઈને તે લઈ સંચરો, રૂપવતી જાગવું રે..

કડવું-૮૩

હલહલ હાથણી શણગારી રે,

ઉપર ફરતી સોનાની અંબાડી રે..

તેના પર બેસે વરજીની માડી રે,

સોનેરી કોર કસુંબલ સાડી રે..

માથે મોડ ભમરીયાળો ઝળકે રે,

ઉષ્ણોદકે વરને કરાવ્યું સ્નાન રે..

નાનાંવિધનાં વસ્ત્ર પહેરાવ્યાં પરિધાન રે,

-(અહીં ખૂટતી કડી હોઈ શકે)

કનક મેખલા પોંચીઓ બાજુબંધ રે,

અનુપમ ઉપન્યો આનંદ રે..

મુગટ મણીધર ધર્યો અનિરૂધ્ધ શીશ રે,

ઝળકે ઝળકે ઉદય જ જેવો દીસે રે..

કસ્તુરીનું તિલક કર્યું છે લાલ રે,

વળતી તેને ટપકું કર્યું છે ગોરે ગાલ રે..

હળધરનો જશ બોલે બધા જન રે,

જાદવ સહીત શોભે છે જુગજીવન રે..

સાત પાંચ સોપારી શ્રીફળ અપાય રે,

વરજીને તો ઘોડીની વેળા થાય રે..

કડવું-૮૪

અનિહાંરે અનિરૂદ્ધની ઘોડલી.. ટેક..

અંત્રિક્ષથી ઘોડી ઉતરી રે, પૂજીએ કુમકુમ ફૂલ;

ચંચળ ચરણે ચાલતી રે, એનું કોઈ ન કરી શકે મૂલ.. અનિરૂદ્ધજીની ઘોડલી.. ૧..

મોરડો મોતી જડયા રે, હિરા જડિત પલાણ;

રત્ન જડિત જેનાં પેગડાં રે, તેના વેદો કરે છે વખાણ.. અનિરૂદ્ધ.. ૨..

અંગ જેનું અવનવું, ઝળકે તે ઝાકમઝાળ;

ઝબુકે જેમ વીજળી રે, તેને કંઠે છે ઘુઘરમાળ.. અનિરૂદ્ધ.. ૩..

દેવ દાનવ માનવી રે, જોઈ હરખ્યા તે સુંદર શ્યામ,

થનક થનક ચાલતી રે, એનું પંચકલ્યાણી છે નામ.. અનિરૂદ્ધ.. ૪..

રૂપવંતી ઘોડી ઉપર, અનિરૂદ્ધ થયા અસવાર;

પાનનાં આપ્યા બીડલારે, શ્રીફળ ફોફળ સાર.. અનિરૂદ્ધ.. ૫..

હીંડે હળવે હાથીઓ રે, ઉલટ અંગ ન માય,

સુરીનર મુનિજન જાએ વારણે રે, આગળ ઈંદ્ર રહ્યા છડીદાર.. અનિરૂદ્ધ.. ૬..

સનકાદિક શિર છત્ર ધરે, નારદ વીણા વાય;

ચંદ્ર સૂરજ બેઉ પેંગડે રે, આગળ વેદ ભણે બ્રહ્‌માય.. અનિરૂદ્ધ.. ૭..

વાજા છત્રીસ વાગતાં રે, નગર અને પરદેશ;

લોક સર્વ જો મળ્યું, શોણિતપુર દેશ.. અનિરૂદ્ધ.. ૮..

રાયે નગર સોવરાવિયુ રે, સોવરાવી છે વાટ,

ધજાપતાકા ઝળહળે રે, જશ બોલે બંધીજન ભાટ.. અનિરૂદ્ધ.. ૯..

દેવ સરવે તે આવીઆ રે, જશ બોલે બંધીજન,

જાચક ત્યાં બહુ જાચનારે, જેને હરિ ટાળે નિરધન.. અનિરૂદ્ધ.. ૧....

રામણ દીવો કર રૂક્ષ્મણી રે, લુણ ઉતારે બેની ધીર;

ગાન કરે છે અપ્સરા રે, ત્યાં તો જોવા ઈચ્છે જદુવીર.. અનિરૂદ્ધ.. ૧૧..

એવી શોભાએ વર આવીઓ રે, તોરણે ખોટી થાય;

વરરાયને સાળો છાંટે છાંટણાં રે, મળી માનુની મંગલ ગાય.. અનિરૂદ્ધ.. ૧૨..

કડવું-૮૫

બાણાસુર પખાળે ચરણ, શોભા ઘણેરી રે;

ત્યાં તો બાણમતી ગાય મંગળ ગીત, શોભા ઘણેરી રે.. ૧..

ત્યાં તો પહેલું મંગળ વરતાય, શોભા ઘણેરી રે;

પહેલે મંગળ સોનાના દાન અપાય.. શોભા.. ૨..

દાન લેશે કૃષ્ણનો સંતાન, શોભા..

ત્યાં તો બીજું મંગળ વરતાય, શોભા.. ૩..

બીજે મંગળ ઘેનુનાં દાન અપાય, શોભા..

ત્યાં તો ત્રીજું મંગળ વરતાય, શોભા.. ૪..

ત્રીજે મંગળ હસ્તીનાં દાન અપાય.. શોભા..

દાન લે છે કૃષ્ણ તણો સંતાન, શોભા.. ૫..

ત્યાં તો ચોથું મંગળ વરતાય, શોભા..

ચોથે મંગળ કન્યા દાન અપાય, શોભા.. ૬..

ત્યાં તો વરત્યાં છે મંગળ ચાર, શોભા..

આપે ગરથ સહિત ભંડાર, શોભા.. ૭..

લાવે બાણમતી કંસાર, શોભા..

ત્યાં પીરસે છે ચાર વાર, શોભા.. ૮..

ત્યાં તો આરોગે નરનાર, શોભા..

ત્યાં તો દૂધડે સ્નાન કરાય.. શોભા.. ૯..

સૌભાગ્યવતી બોલાવે, શોભા..

ઓખા સૌભાગ્યવંતી કહેવરાવે, શોભા.. ૧....

ઓખા અનિરૂદ્ધ પરણીને ઊંઠ્‌યા, શોભા..

ત્યાં તો સોનૈયે મેરૂ ત્રુઠયા, શોભા ઘણેરી રે.. ૧૧..

કડવું-૮૬

બાણાસુર ગોરવ નોતરે, સૌ કો સાથશું રે;

સાથે જમણની રીત, હળધર ભ્રાતશું રે,

શ્રીકૃષ્ણ કરે પ્રણામ, હળધર ભ્રાતશું રે..

તમો ગૌરવ વેળા પધારજો, સૌ કો આવશે રે..

સાથે માણસની શી રીત, ગમે તેને લાવજો રે,

વેવાણ ઘરમાં ગઈ; જ્યાં વરની માવડી રે,

તેના કુમકુમ રોળ્યા પાય, જઈ પાયે પડી રે,

અનિરૂધ્ધની માવડી, બોલ્યાં રીત અમારડી રે,

તમારી પરઠણ જેહ, મનાવું ગોરડી રે,

બાણમતી બોલિયાં રીત અમારડી રે;

ગોરડી મનાવીને ચાલીયાં, મનશું માલતાં રે;

હાલ હાલ કરો રસોઈ, રાંધણ ચાલતાં રે,

રસોઈ બહુ પ્રકારની, ગણતાં નવ લહુ રે,

કાં વસ્તુ અનેક, ગણતાં સહુ સહુ રે,

જાદવ કેરી જોડ, સહુકો સાથ શું રે;

આવ્યા શ્રી કૃષ્ણ મહારાજ, છપ્પન ક્રોડશું રે,

વેવાઈની વાત, કાંઈક સાંભળી રે;

ભોજન કરવા ઠામ, જુગતિઓ ભલી રે,

આજ્જ્ઞા આપી રાય, સહુકો બેઠા થયાં રે;

એ તો સ્નાન કરી મંદિરમાં ગયા રે,

સ્મરણ કીધું નાથનું, બેઠા બેસણે રે;

નવજોબનવંતી નાર, નીકળી પીરસણે રે,

ચમકતા તકીયા ઘણા; ઝારી ને લોટડા રે,

માહે બેસણે બહુ વિવેક, દીસે ફુટડા રે,

બાવન ગજની થાળી, સોનાના વાડકા રે;

પીરસનારી પ્રમાણ, જમનારા લાડકા રે,

ખાંડ પકવાનના મેવા, બહુ ઘણા રે,

પુરણ ને દૂધપાક, સાકરીયા ચણા રે,

ગોઢા ગળિયાં તડબૂચા, આંબા સાખશું રે;

પિસ્તા ને અખરોટ, દાડમ દ્રાખશું રે;

તલ સાંકળી મોળા દહીંથરા, સેવ છુટી કળી રે;

ખોબલડે પીરસે ખાંડ, મરકી બેવડી રે,

ખાજા જલેબી દીસતી, દળીયાં મસમસે રે,

ઘેબર ને મોતીચૂર, જમતા સહુ હસે રે,

મગદળ ને મેસુર, પેંડા લાવીઆ રે;

પકવાન બીજા અને લાકડશી ભાવીઆ રે,

બાટબંધ ટોપરાં, માંહે ખાંડ ભેળી રે;

ગવરીનાં તાવ્યાં ઘી, એવો ગળીયો રે,

સારો કર્યો કંસાર, પોળી પાતળી રે;

સાકરની મીઠાશ, આવી કચોળે ભરી રે,

જમવા બેઠી નાર, જાદવની બાપડી રે;

જમતાં કહો ભલા રે, લવિંગ સોપારી એલચી રે,

પાન સમારીઆ રે, બીડલે બાસઠ પાન,

સહુને આપિઆં રે..

સાજન હતું શ્રીકૃષ્ણનું, તે સરવે જમ્યું રે;

પ્રેમાનંદના નાથ, ત્યાં વહાણું થયું રે..

કડવું-૮૭

આપ્યું મૂક્યું સર્વે પહોંચ્યું, કન્યાને વળાવો.. મારા નવલા વેવાઈઓ..

રથ ઘોડા ને પામરીઓ, સૌ જાદવને બંધાવો.. મારા..

જરકશી જામા, તમે કૃષ્ણને પહેરાવો.. મારા..

પંચ વસ્ત્ર ને શણગાર, તમે જમાત્રને આપો.. મારા..

દક્ષિણના ચીર, રાણી રૂક્ષ્મણીને આપો.. મારા..

સાળુ ને ઘરચોળા, સતી સત્યભામાને આપો.. મારા..

પાટણનાં પટોળાં, રાણી જાંબુવતીને આપો.. મારા..

(વલણ)

પહેરામણી પૂરણ થઈ, હૈંડે હરખ ન માય રે;

કન્યા તેડી કોડે કરી, હવે કૃષ્ણ દ્વારિકામાં જાય રે..

કડવું-૮૮

ઓખા ચાલી ચાલણહાર, સૈયરો વળાયા સંચરી;

ઓખા ઊંભી રહે મળતી જા, માને વહાલી દીકરી..

કોઈ લાવે એકાવળ હાર, કોઈ લાવે સોનાનાં સાંકળાં;

કોઈ લાવે સોળ શણગાર, ઓખાબાઈને પહેરવા..

ઓખાજી વળતાં બોલિયાં, કહે બાઈ રે..

ચિત્રલેખા આવ ઓરી આવાર રે,

આ લે સોનાનાં સાંકળાં, બોલ્યાં બાઈ રે..

તારા ગુણ ઓશીંગણ થાઉં, બોલ્યાં બાઈ રે..

એટલે પહોંચ્યા મનના કોડ, મારી બાઈ રે..

કડવું-૮૯

ઓખાબાઈ તો સાસરીએ હવે જાય રે,

માનુની તો મળીને મંગળ ગાય રે..

રથ અગ્રે પૈડે શ્રીફળ તે સિંચાય રે,

ઓખાબાઈને લાડુ કચોળુ અપાય રે..

ઓખાબાઈને શિખામણ દે છે માય રે..

કડવું-૯૦

સાસરિયાના સાથમાં, તું ડાહી થાજે દીકરી,

હું તુજને શિખામણ દઉં, તે રખે જાતી વીસરી..

સાસરિયાના સાથમાં, હળવે હળવે ચાલીએ;

સાસરિયાના સાથમાં ખોળે ખાવું ના ઘાલીએ..

સાસરિયાના સાથમાં, કંથ સારૂ માલીએ;

સાસરિયાના સાથમાં, સૈડકો આઘો તાણીએ..

સાસરિયાના સાથમાં, કૂવે વાત ન કીજીએ;

સાસરિયાના સાથમાં, પરપુરૂષ સાથે વાત કરતાં બીહીજીએ..

સાસરિયાના સાથમાં, ઢુંકી પાણી નવ લીજીએ,

સાસરિયાના સાથમાં, પરપુરૂષથી હસી તાળી નવ લીજીએ રે..

પિયુજીને પરમેશ્વર જાણી, પગ ધોઈ પીજીએ..

કડવું-૯૧

આવ્યો આવ્યો દ્વારિકાનો ચોર, લાખેણી લાડી લઈ વળ્યો રે;

જેણે વગડે ચાર્યા ઢોર, લાખેણી..

હાર્યો હાર્યો બાણાસુરરાય, કૃષ્ણરાય જીતિયા રે;

વેગે આવ્યા દ્વારિકાની માંય, કેશવરાય જીતિયા રે..

રાણી રૂક્ષ્મણીએ વધાવીને લીધા, ત્રિકમરાય જીતિયા રે;

તે તો પુરાણે પ્રસિદ્ધ, ઢીંગલમલ જીતિયા રે..

તે તો ગોત્રજ આગળ જાય, કલ્યાણરાય જીતિયા રે;

બંનેના હાથ કંકણ મીંઢળ છોડાય, કલ્યાણરાય જીતિયા રે..

કડવું-૯૨

તારા બાપનો બાપ તેડાવ, છોગાળા દોરડો નવ છૂટે;

તારો કૃષ્ણ વડવો તેડાવ, છબીલા દોરડો નવ છૂટે..

તારી રૂક્ષ્મણી માત તેડાવ, છબીલા..

તારો પ્રધુમન તાત તેડાવ, છબીલા..

તારી રતુમતી માત તેડાવ, છબીલા..

બ્રહ્‌માએ વાળી ગાંઠ, છબીલા..

તારો બળભદ્ર કાકો તેડાવ, છબીલા..

તારી રેવંતી કાકી તેડાવ, છબીલા..

તેની રૂદ્રે બાંધી ગાંઠ, છબીલા..

દોરડો ઓખા છોડવા જાય, છબીલી દોરડો નવ છૂટે રે..

બેઠી ગાંઠ તે કેમ છૂટી જાય હો લાડી..

તારો બાણાસુર તાત તેડાવ, હો લાડી..

તારી બાણમતી માત તેડાવ, હો લાડી..

તારો શંકર તાત તેડાવ, હો લાડી દોરડો નવ છૂટે..

તારી પારવતી માત તેડાવ હો લાડી..

તારો ગણપતિ ભ્રાત તેડાવ, હો લાડી દોરડો નવ છૂટે..

તારી શુધ બુધ ભોજાઈ તેડાવ, હો લાડી દોરડો નવ છૂટે..

તારી ચિત્રલેખા ચોર તેડાવ, હો લાડી દોરડો નવ છૂટે..

ઓખા છોડે દોરડો ને જાદવ જુવતી ગાય, છબીલા..

દોરડો કેમ છુટે, બેઠી ગાંઠ તે કેમ છુટી જાય, છબીલી દોરડો કેમ છુટે..

કડવું-૯૩

રીતભાત પરિપૂરણ કરી, ઊંઠ્‌યા કૃષ્ણ તનજી;

નવું રે મંદિર વસાવીને ત્યાં, આપ્યું રે ભુવનજી..

એકવાર શ્રીકૃષ્ણે ઓખાને, ખોળા માંહે બેસારીજી;

માંગવું હોય તે માંગી લેજે, તું છે વહુઅર અમારીજી..

મારા-બાપને એક દીકરો, તમો આપો રે ભગવાનજી;

ભગવાને આપ્યો દીકરો, તેનું ગયાસુર નામજી..

બાણાસુરનો ગયાસુર વંશ ધારણ હારજી;

કહી કથા ને સંદેહ ભાંગ્યો; પરીક્ષિત લાગ્યો પાયજી..

શુકજી અમને પાવન કીધા, સંભળાવ્યો મહિમાયજી;

આરાધું ઈષ્ટ ગુરૂદેવને, ગણપતિને લાગું પાયજી..

શ્રોતા-વક્તા સમજતાં, કહે કવિ કરજોડજી;

ભાવ ધરી સહુ બોલજો, જય જય શ્રી રણછોડજી..

ઈતિશ્રી ભાગવત મહાપુરાણે દશમસ્કંધે શ્રીશુકદેવ પરીક્ષિત સંવાદે પ્રેમાનંદ કૃત ઓખાહરણ સંપૂર્ણ..

કૃષ્ણ - સુદામાનો મેળાપ

“મારો બાળસ્નેહી સુદામો રે,

હું દુખિયાનો વિસામો રે;”

ઊંઠી ધાયા જાદવરાય રે,

નવ પહેર્યાં મોજાં પાય રે..

પીંતાબર ભૂમિ ભરાય રે,

રાણી રૂક્મિણી ઊંંચાં સાય રે;

અતિ આનંદે ફૂલી કાય રે,

હરો દોડે ને શ્વાસે ભરાય રે..

પડે-આખડે બેઠા થાય રે,

એક પળ તે જુગ જેવી જાય રે;

સ્ત્રીઓને કહી ગયા ભગવાન રે,

“પૂજાથાળ કરો સાવધાન રે..

હું જે ભોગવું રાજ્યાસન રે,

તે તો એ બ્રાહ્‌મણનું પુન્ય રે;

જે કોઈ નમશે એના ચરણ ઝાલી રે,

તે નારી સહુપેં મને વહાલી રે..”

તવ સ્ત્રી સહુ પાછી ફરતી રે,

સામગ્રી પૂજાની કરતી રે;

સહુ કહે, માંહોમાંહી, “બાઈ રે,

કેવા હશે શ્રીકૃષ્ણના ભાઈ રે?

જેને શામળિયાશું સ્નેહ રે,

હશે કંદર્પ સરખો દેહ રે;”

લઈ પૂજાના ઉપહાર રે,

રહી ઊંભી સોળ હજાર રે..

“બાઈ લોચનનું સુખ લીજે રે,

આજ જેઠનું દર્શન કીજે રે;”

ઋષ્િા શુક્રજી કહે સુણ રાય રે,

શામળિયોજી મળવા જાય રે..

છબીલાજીએ છૂટી ચાલે રે,

દીધી દોટ તે દીનદયાળે રે;

સુદામે દીઠા કૃષ્ણદેવ રે,

છૂટ્‌યાં આંસુ શ્રાવણનેવ રે..

જુએ કૌતુક ચારે વર્ણ રે,

ક્યાં આ વિપ્ર? ક્યાં આ અશરણશર્ણ રે;

જુએ દેવ વિમાને ચડિયા રે,

પ્રભુ ઋષ્િાજીને પાયે પડિયા રે..

હરિ ઉઠાડયા ગ્રહી હાથ રે,

ઋષ્િાજી લીધા હૈડા સાથ રે;

ભુજ-બંધન વાંસા પૂંઠે રે,

પ્રેમનાં આલિંગન નવ છૂટે રે..

મુખ અન્યોન્યે જોયાં રે,

હરિનાં આંસુ સુદામે લોયાં રે,

તુંબીપાત્ર ઉલાળીને લીધું રે,

દાસત્વ દયાળે કીધું રે..

“ઋષિ, પાવન કર્યું મુજ ગામ રે,

હવે પવિત્ર કરો મુજ ધામ રે,”

તેડી આવ્યા વિશ્વાધાર રે,

મંદિરમાં હરખથી અપાર રે..

જોઈ હાસ્ય કરે સૌ નારી રે,

આ તો રૂડી મિત્રચારી રે!

ઘણુ વાંકાબોલા સત્યભામા રે,

“આ શું ફૂટડા મિત્ર સુદામા રે!

હરિ અહીંથી ઊંઠી શું ધાયા રે!

ભલી નાનપણની માયા રે;

ભલી જોવા સરખી જોડી રે,

હરિને સાંધો, એને સખોડી રે!

જો કોઈ બાળક બહાર નીકળશે રે,

તે તો કાકાને દેખી છળશે રે;”

તવ બોલ્યાં રૂક્મિણી રાણી રે,

“તમે બોલો છો શું જાણી રે?”

વલણ

શું બોલો વિસ્મય થઈ? હરિભક્તને ઓળખો નહિ;

બેસાડયા મિત્રને શય્‌યા ઉપર, ઢોળે વાયુ હરિ ઊંભા રહી..

કૃષ્ણ-સુદામા આખ્યાન કડવું ચોથું

પછી સુદામોજી બોલિયા સુણ સુંદરી રે

હું કહું તે સાચું માન ઘેલી કોણે કરી રે

જે નિરમ્યું તે પામીએ સુણ સુંદરી રે

વિધિએ લખી વૃદ્‌ધિહાણ ઘેલી કોણે કરી રે

સુકૃત દુકૃત બે મિત્ર છે સુણ સુંદરી રે

જાય પ્રાણ આત્માને સાથ ઘેલી કોણે કરી રે

દીધા વિના કેમ પામીએ સુણ સુંદરી રે

નથી આપ્યું જમણે હાથ ઘેલી કોણે કરી રે

જો ખડધાન ખેડી વાવિયું સુણ સુંદરી રે

તો ક્યાંથી જમીએ શાળ ઘેલી કોણે કરી રે

જળ વહી ગયે શું શોચવું સુણ સુંદરી રે

જો પ્રથમ ન બાંધી પાળ ઘેલી કોણે કરી રે

અતિથિ ભૂખ્યા વળાવિયા સુણ સુંદરી રે

તો ક્યાંથી પામીએ અન્ન ઘેલી કોણે કરી રે

સંતોષ સુખ ન ચાખિયાં સુણ સુંદરી રે

હરિચરણે ન સોંપ્યાં મંન ઘેલી કોણે કરી રે

ભક્તિ કરતાં નવનધ આપશે સુણ સુંદરી રે

એવું સાંભળી બોલી સ્ત્રી જન ઘેલી કોણે કરી રે

જળ આંખે ભરી અબળા કહે ઋષ્િારાયજી રે

મારૂં દ્રઢ થયું છે મંન લાગું પાયજી રે

એ જ્જ્ઞાન મને ગમતું નથી ઋષ્િારાયજી રે

રૂએ બાળક લાવો અન્ન લાગું પાયજી રે

કોને અન્ન વિના ચાલે નહિ ઋષ્િારાયજી રે

ભલે હો જોગ જોગેશર લાગું પાયજી રે

અન્ન વિના ભજન સૂઝે નહિ ઋષ્િારાયજી રે

જીવે અન્ને આખું જગત લાગું પાયજી રે

શિવે અન્નપૂર્ણા ઘેર રાખિયાં ઋષ્િારાયજી રે

રવિએ રાખ્યું અક્ષયપાત્ર લાગું પાયજી રે

સપ્ત ઋષ્િા સેવે કામધેનુને ઋષ્િારાયજી રે

તો આપણે તે કોણ માત્ર લાગું પાયજી રે

દેવો સેવે કલ્પવૃક્ષને ઋષ્િારાયજી રે

મનવાંછિત પામે આહાર લાગું પાયજી રે

અન્ન વિના ધરમ સૂઝે નહિ ઋષ્િારાયજી રે

ઊંભો અન્ને આખો સંસાર લાગું પાયજી રે

ઉદ્યમ નિષ્ફળ જાશે નહિ ઋષ્િારાયજી રે

જઈ જાચો હરિવરરાય લાગું પાયજી રે

અક્ષર લખ્યા દારિદ્રના ઋષ્િારાયજી રે

ધોશે ધરણીધર તતખેવ લાગું પાયજી રે