Nagar - 16 in Gujarati Adventure Stories by Praveen Pithadiya books and stories PDF | નગર - 16

Featured Books
  • એઠો ગોળ

    એઠો ગોળ धेनुं धीराः सूनृतां वाचमाहुः, यथा धेनु सहस्त्रेषु वत...

  • પહેલી નજર નો પ્રેમ!!

    સવાર નો સમય! જે.કે. માર્ટસવાર નો સમય હોવા થી માર્ટ માં ગણતરી...

  • એક મર્ડર

    'ઓગણીસ તારીખે તારી અને આકાશની વચ્ચે રાણકી વાવમાં ઝઘડો થય...

  • વિશ્વનાં ખતરનાક આદમખોર

     આમ તો વિશ્વમાં સૌથી ખતરનાક પ્રાણી જો કોઇ હોય તો તે માનવી જ...

  • રડવું

             *“રડવુ પડે તો એક ઈશ્વર પાસે રડજો...             ”*જ...

Categories
Share

નગર - 16

નગર-૧૬

( આગળનાં પ્રકરણમાં આપણે વાંચ્યુઃ- નગરનાં કોમ્યુનીટી હોલના પરીસરમાં ઇશાન અને આંચલ આકસ્મિક મળી જાય છે....ઇશાનથી છુટા પડી આંચલ તેનાં રેડિયો સ્ટેશને પહોંચે છે....હવામાન ખાતાનાં ચીફ પંચમ દવે સાથે આંચલ વીડીયો ચેટ કરે છે....હવે આગળ વાંચો....)

“ આ વાદળો....હમણાં તો નહોતાં....! હવામાન સ્વચ્છ અને આકાશ એકદમ ચોખ્ખુ હતું તેમાં અચાનક આ વાદળો કયાંથી ઉમટી પડયાં...!” પંચમ દવેનાં સ્વરમાં હેરાની સ્પષ્ટ વર્તાતી હતી.

“ પણ વાત શું છે એ તો કહે...? કયા વાદળોની વાત કરો છો તમે....?” આંચલ કંઇ સમજી નહી. તે કોમ્પ્યુટર સ્ક્રીન ઉપર દેખાતા પંચમ દવેનાં ચહેરાને જોઇ રહી.

“ એક મીનીટ શાંતી રાખ. પહેલા મને બરાબર ચેક કરવા દે.” કહીને દવેએ તેની સામે ગોળાકાર ટેબલમાં ગોઠવેલા મોનીટરમાં ઝાંકયું. મોનીટરની સ્ક્રીન ઉપર ઉભરતું દ્રશ્ય હમણા સુધી એકદમ ક્લિન સ્થિતી દર્શાવતું હતું તેમાં અચાનક ડિસ્ટર્બન્સ સર્જાયો હતો અને સ્ક્રિન ઉપર ગોળાકારમાં ફરતાં કાંટાની ત્રિજીયામાં એકાએક ધુંધળા-ધુંધળા ટપકાંઓ ઉભરવા લાગ્યા હતાં. એ ટપકાઓ અચાનક ત્યાંના વાતાવરણમાં સર્જાયેલા ફેરફારના કારણે ઉદ્દભવ્યા હતા. પંચમ દવેને સમજાયું નહીં કે આવું કેવી રીતે બને....? તેનું મશીન હમણાં સુધી ચોખ્ખા વાતવરણની આગાહી કરતું હતું તેમાં આ વાદળો અચાનક કયાંથી આવી ચડયા.

“ શું દેખાય છે તને....? એનીથીંગ સીરીયસ.....?” આંચલની આતુરતાં વધતી જતી હતી.

“ સીરીયસ તો નથી....પરંતુ કંઇ સમજાતું પણ નથી. વાદળોનો એક સમુહ વિભૂતી નગર તરફનાં દરિયામાં ઉદ્દભવ્યું છે. આ મોનીટર તો એવુંજ કંઇક દર્શાવે છે. આશ્વર્યની બાબત તો એ છે કે હમણાં પાંચ મીનીટ પહેલા આકાશ સાવ ચોખ્ખુ હતું. કંઇ સમજ પડતી નથી.” પંચમ દવેએ માથું ખંજવાળ્યું.

“ વિભૂતી નગરનાં દરીયામાં.....! મતલબ....? શું એ વાદળો નગર તરફ આવી રહયા છે.....?” આંચલને અચાનકજ તે દિવસે થયેલો અનુભવ યાદ આવ્યો. માથુર અંકલના ડોગી બ્રુનોની ડેડબોડી નગરનાં બગીચામાં મળી આવી હતી તે દિવસે પણ નગર ઉપર કાળા ઘનઘોર વાદળો ઓચિંતા છવાઇ આવ્યા હતાં. એ દિવસે તે ખુબ જ ડરી ગઇ હતી.

“ આઇ થીંક યસ્સ....!” દવે બોલ્યો.

“ ઓહ ગોડ....” આંચલ અવાનક ગભરાઇ ઉઠી. “ મી.દવે. આપણે પછી વાત કરીએ....” કહીને પંચમ દવે બીજા કોઇ સવાલો કરે એ પહેલા આંચલે કેમેરો બંધ કર્યો અને ફોન તરફ ધસી. તેણે પોતાના ઘરે ફોન લગાવ્યો. તેને મોન્ટુની ફિકર હતી. આજે સવારે તે બીચ ઉપર જવાની વાત કરતો હતો. જો એ બીચ તરફ ગયો હશે તો જરૂર ઉપાદી સર્જાશે એવું આંચલને લાગતું હતું. ફોન તેના નોકર જીવાએ ઉઠાવ્યો.

“ જીવાભાઇ....મોન્ટુ છે ઘરે....?”

“ હાં....છે ને બહેન. ઉપર તેના કમરામાં છે.” જીવાએ માહીતી આપી. એ સાંભળીને આંચલનો જીવ હેઠો બેઠો. “ તું એને કહેજે કે આજે તે કયાંય બહાર ન જાય. એટલીસ્ટ હું આવું ત્યાં સુધી તો નહીં જ.....”

“ જી....હમણા કહી આવું. કોઇ પ્રોબ્લમ છે....?”

“ ના....તમે આટલું કરો....આજે તે કયાંય બહાર ન જાય તેનું ધ્યાન રાખજો.....”

“ ઠીક છે બહેન....” કહીને જીવાએ ફોન મુકયો અને મોન્ટુના કમરા તરફ ચાલ્યો.

આંચલનો જીવ હેઠો બેઠો. મોન્ટુ ઘરે હતો એ તેના માટે રાહતના સમાચાર હતાં. મનોમન તેણે પંચમ દવેનો પણ આભાર માની લીધો. કારણકે તેમણે જ આ માહિતી તેને આપી હતી. “વોટ ધ હેલ ઇઝ હેપનીંગ ઇન નગર....?” તે ચીંતીત થઇ ઉઠી.

*************************************

ઇશાને “સ્વિફ્ટ”ને ભગાવી હતી અને ગણતરીની મિનીટોમાં તે તપસ્વી મેન્શન પહોંચ્યો હતો. અહીં તેનું ઓળખીતું કોણ આવ્યું હશે એ જાણવાની તાલાવેલીમાં ઝડપથી તે કારમાંથી ઉતરી ઘરમાં ઘુસ્યો. ઘરના ડ્રોઇંગરૂમમાં કોઇ નહોતું. સામે દેખાતા રસોડામાં અંદર વાસણો ખખડવાના અવાજ આવતાં હતા એટલે તે રસોડા તરફ ચાલ્યો. રસોડામાં તેના નિર્મળાફઇ અને બીજી એક નોકરાણી વાસણો રસોડાની અભરાઇએથી નીચે ઉતારી રહયાં હતા. ઇશાન તેનાં ફઇ પાસે જઇ ઉભો રહયો.

“ મને મળવા કોણ આવ્યુ છે ફઇ....? ” અધીરાઇભેર તેણે પુછયું. “ અહી. તો કોઇ જ નથી.”

“ ઉપર છે...તારા કમરામાં. ” નિર્મળાફઇ કોઇ રહસ્યમય વાત જાણતા હોય એવી રીતે હસતાં-હસતા કહયું. “ ભાઇ તું તો ભારે જબરો નીકળ્યો....” તેઓ મોઘમમાં બોલ્યા. ઇશાન મુંઝાયો. તેનાં ફઇ અચાનક કેમ આવી ઉખાણાની વાત કરતાં હતા એ તેને સમજાયું નહી. પણ નિર્મળાફઇને તો ઇશાનનો ચહેરો જોઇને જ મજા આવતી હતી.

“ શું ભારે નીકળ્યો ફઇ....? કંઇક સમજાય એવું બોલો તો ખબર પડેને....?”

“ એતો તું ઉપર જઇશને, એટલે બધુ સમજી જઇશ. જા હવે.....મહેમાન તારી રાહ જોતાં હશે....!” વળી પાછા ફઇ હસ્યા. ઇશાનને લાગ્યુ કે આજે ફઇની ડાગળી જરૂર છટકી ગઇ છે.

“ અચ્છા ફઇ, દાદા કયાં છે....?” “ તેણે પુછયુ.

“ માથુર સાહેબને ત્યાંથી હજુ આવ્યા નથી. પણ તું એ બધુ મુકને ભાઇ. તું જલ્દી ઉપર જા....નહિતર મહેમાન નારાજ થશે. તેને લાગશે કે આતે કેવા લોકો છે જે મહેમાનને એકલા મુકી દે.”

“ અરે પણ તમે કહો તો ખરા કે આવ્યુ છે કોણ....? કયાંથી આવ્યુ છે....? અને વિભૂતી નગરમાં આમ અચાનક મારા મહેમાન કયાંથી પ્રગટ થયા....? ” ઇશાને વાતનો તંત છોડયો નહી.

“ ઓહો ભાઇ....તું તો ભારે લપણો. કોઇ ગોરી મેમ છે. તારુ સરનામું શોધતી આવી છે....હવે ખુશ....! ” નિર્મળાફઇએ આખરે કહયું.

“ ગોરી મેમ ....! ” ઇશાન અસમંજસમાં મુકાયો. તરત તેને કંઇ સમજાયું નહી. અને.... પછી તે ઉછળ્યો. ચારસો ચાલીસ વોલ્ટનો વિજળીનો ઝટકો લાગ્યો તેને. “ એલીઝાબેથ...” તેના હોઠ ફફડયા અને તેનાં મસ્તિસ્કમાં એલીઝાબેથનો ચહેરો ઉભર્યો. તે દોડયો.... રસોડામાંથી બહાર નીકળી ઉપર જતાં દાદર તરફ લપકયો.

“ આ આજકાલના છોકરાઓ....! ” ઇશાનની પીઠને તાકતા નિર્મળા ફઇ ભારે હેતભર્યા અવાજે બોલ્યા. “ ભારે અધીરા....”. પરંતુ ઇશાન એ સાંભળવા રોકાયો નહોતો. ધમાધમ કરતો તે પગથીયા ચડયો અને પહેલા માળે તેને ફાળવાયેલા કમરાના દરવાજે આવ્યો. દરવાજો ખુલ્લો હતો. તે ત્યાંજ, દરવાજાની બારસાખમાં સ્તબ્ધ બની ઉભો રહી ગયો.

***********************

નીલેશ માથુરની કથની સાંભળીને દેવધર તપસ્વી થડકી ઉઠયા. માથુરે તેને અને તેની પત્નીને દરિયાકીનારે જે અનુભવ થયો હતો એ વિસ્તારપૂર્વક દેધરને જણાવ્યુ હતું. એ અનુભવ અકલ્પનીય અને ડરામણો હતો. તેનાંથી પણ અવિશ્વનીય બાબત તો બંને પતિ-પત્નીના ચહેરા જે રીતે દાઝયા એ હતું. દેવધર તપસ્વી ખરેખર મુંઝાયુ હતા. આવું કેમ બની રહયું છે એ તેમની સમજમાં આવતું નહોતું. પાછલા થોડા દિવસોથી વિભૂતી નગરની જાણે પનોતી બેઠી હોય એમ એક પછી એક અકળ ઘટનાઓ બની રહી હતી. દેખીતા કોઇજ કારણો વગર નગરમાં દહેશતનો માહોલ સર્જાયો હતો.

“ માથુર....તને શું લાગે છે....? આપણે શું કરવું જોઇએ....? ” કોઇ જવાબ ન સુઝતા આખરે દેવધરે માથુર પાસે જ સલાહ માંગી.

“ હું ખુદ મુંઝાયો છું દેવધર. તું અમારી બંનની હાલત તો જો....! તને લાગે છે કે આ દશામાં હું કંઇ વિચારી શકું....?” માથુરે દેવધર સામુ જોઇને પુછયું.

“ હંમ્મ્....” દેવધર વિચારમાં ખોવાયા. પછી એકાએક કંઇક યાદ આવ્યુ હોય તેમ બોલ્યા. “ શીવ મંદિરના પુજારી શંકર મહારાજ આજ-કાલમાં આવી રહયા છે. તેમને આ વાત કરીએ તો....? કંઇક હોમ-હવન, પુજા-વિધી કરાવાથી નગર ઉપર આવેલી આફત ટળતી હોય તો એ કરાવીએ. તારુ શું કહેવું છે.....?”

“ વિચાર સારો છે.....અને શંકર મહારાજ આ બાબતનાં જાણકાર પણ ખરા. તે નગરમાં આવે એટલે વાત કર....” માથુરે કહયું.

દેવધર તપસ્વીનું સજેશન ખરેખર ઉમદા હતું... અને તે અમલમાં મુકવાનું નક્કી થયું. એ મુલાકાત ત્યાંજ ખતમ થઇ હતી. હવે શંકર મહારાજનાં નગરમાં આગમનની રાહ જોવાની હતી.

*************************

ઇશાન જાણે દુનિયાની આઠમી અજાયબી નિહાળી રહયો હોય એમ સ્તબ્ધ બની કમરાની અંદર જોઇ રહયો.

ખેતરો તરફ ખુલતી રૂમની બારીમાંથી વહેતા પવનમાં એલીઝાબેથના વાળ ફરફરતાં હતાં. તેણે પહેરેલા થોડા લુઝ ફીટીંગના ટી-શર્ટમાં એ પવન ભરાતો હતો જેનાં કારણે પાછળથી તે ટી-શર્ટ હવા ભરાયેલા કોઇ ફુગ્ગાની જેમ ફુલતું હતું. તે બારીની બારસાખે બંને હાથની હથેળીઓનો ટેકો દઇને ઉભી હતી. તેની પીઠ ઇશાન તરફ હતી. ઇશાન કમરાનાં દરવાજે આવીને ઉભો છે એવો ખ્યાલ હજુ તેને આવ્યો નહોતો.

ઇશાન એલીઝાબેથના પાતળા સોટા જેવા શરીરને તાકી રહયો. કોઇ ફિલ્મની ફ્રેમમાં ઝીલવા જેવું એ દ્રશ્ય હતું. બપોરનો તીખો તડકો એલીઝાબેથનાં ભૂખરા વાળ ઉપર છવાતો હતો. જેના કારણે તેનાં લીસા વાળમાં સોનેરી ઝાંય ચમકતી હતી. ટી-શર્ટની આરપાર નીકળતા સૂર્યના કિરણો તેના એકદમ સુદ્યઢ બાંધાને ઉજાગર કરી રહયો હતો. એલીઝાબેથ ગજબનાક વળાંકોની માલકણ હતી. ઇશાન સંમોહિત બની તેને જોઇ રહયો. તે એ પણ ભુલી ગયો હતો કે એલીઝાબેથથી દુર જવા માટેજ તે અહી વિભૂતી નગર આવ્યો હતો. તે તેનાં ઉપર ગુસ્સે હતો એ પણ તેને અત્યારે વિસરાઇ ગયું હતું. જીવનમાં તેણે એકજ યુવતીને ખરા દિલથી ચાહી હતી, અને તે યુવતી એલીઝાબેથ હતી. એલીઝાબેથ તેની આરાધ્યમૂર્તી હતી. તેનાથી દુર થવું તેના માટે અસંભવ સમાન હતું.

પવનની એક લહેરખી આવી અને એકાએક એલીઝાબેથ પાછળ ફરી. રૂમના દરવાજે કોઇક ઉભુ હતુ એ જોઇ પહેલા તો તે ચોંકી.....અને પછી તેનાં હોઠ ફફડયા......” ઇશાન......” તેનાં અંતરમાંથી અવાજ નિકળ્યો અને એકાએક તેનો ચહેરો ખીલી ઉઠયો. તેની ભુખરી-નીલી આંખોમાં હરખ ઉમટયો. તે દોડી.....ધસમસતી આવીને તે ઇશાનને વળગી પડી. ઇશાનના હાથ આપોઆપ ફેલાયા હતા અને જેવી એલીઝાબેથ નજીક આવી એ સાથેજ તેણે એલીઝાબેથને પોતાની બાંહોમાં સમાવી લીધી. ઇશાનની તમામ ફરીયાદો ક્ષણભરમાં ઓગળીને હવા બની ગઇ. એલીઝાબેથને તે અપાર પ્રેમ કરતો હતો. તેનાં વગર જીવવું તેના માટે અસંભવ હતું. તપસ્વી મેન્શનના પહેલા મજલે, ઇશાનને ફાળવાયેલા કમરાનાં દરવાજે એક અદ્દભુત દ્રશ્ય રચાયું હતું. વર્ષોથી વિખૂટા પડેલા પ્રેમીઓ જાણે એકાએક મળી ગયા હોય અને જે હાલત તેમની થાય એવીજ હાલત એલીઝાબેથ અને ઇશાનની હતી.

“ ઇશાન....” એલીઝાબેથના અંતરમાંથી બસ એકજ નાદ ઉઠતો હતો. તેની આંખો બંધ થઇ હતી. બંધ આંખે જ તેણે ચહેરો ઉપર ઉઠાવ્યો..... તેનાં પાતળા હોઠ અડધા ખુલ્યા. એ હોઠોમાં એક આહવાહન છૂપાયુ હતું. ઇશાને હળવે રહીને તેના પૌરુષી સખ્ત હોઠ એલીઝાબેથના મુલાયમ હોઠો ઉપર ચાંપ્યા. સમય એ ક્ષણે જ થંભી ગયો. બંનેના શરીરમાં એ ચુંબનથી ઉફાણ સર્જાયું. હાથોની ભીંસ એકબીજાના શરીર ઉપર વધુ સખ્તાઇથી વિંટળાઇ. કમરાના તાપમાનમાં એકાએક વધારો થયો. ઇશાને એ સ્થિતીમાં જ એલીઝાબેથને ઉંચકી લીધી અને થોડા અંદર સરકી પગેથી કમરાનાં દરવાજાને ધક્કો મારી બંધ કર્યો. કમરાનો ઓટોમેટીક લોક આપમેળે બંધ થયો. ઇશાન એલીઝાબેથને ઉંચકીને ચાલ્યો અને ત્યાં મુકાયેલા પલંગ સુધી આવીને સલૂકાઇથી તેણે એલીઝાબેથને સુંવાળા ગાદલાં ઉપર સુવડાવી....અને પછી તે તેનાં ઉપર છવાઇ ગયો. બંનેના શરીર ઉપરથી કપડાનાં આવરણો ધીમે-ધીમે હટતા ગયા. ઇશાન બેતહાશા એલીઝાબેથને ચુમી રહયો હતો. તેનાં કપાળે, ગાલે, આંખોએ, હોઠો ઉપર, તેના ગળે, છાતી ઉપર, તેના મુલાયમ પેટ ઉપર પાગલની જેમ તે ચૂમતો રહયો. એલીઝાબેથના દેહમાં ઇશાનના ચુંબનોથી મીઠું દર્દ ઉભરતું હતુ. તે સાતમા આસમાને વિહરી રહી હતી. ભગવાને પ્રેમનાં અહેસાસને વ્યક્ત કરવા માટે કદાચ શરીરને જ માધ્યમ બનાવ્યું હશે, કારણ કે પ્રેમની પોતાની કોઇ અન્ય ભાષા હોતી નથી. ઇશાન અને એલીઝાબેથ એક પ્રવાહમાં તણાતા ગયા હતા. પ્રેમની એ ભાષા વાંચી રહયા હતા. નાનકડા એવા કમરામાં એક તોફાન ઉઠયું હતું જેના પ્રવાહમાં તે બંને વહયે ગયા હતા. તેમના શરીરમાં એક રીધમ ઉઠી હતી અને કમરો મીઠા ઉંહકારાથી ઉભરાઇ ગયો હતો.

મીનીટો બાદ એ તુફાન ઓસર્યુ....અને ઇશાન એલીઝાબેથની બાજુમાં પલંગ ઉપર પથરાયો. તેના સોહામણા ચહેરા ઉપર પસીનાની બુંદો ઉભરી આવી હતી. તેના શ્વાસોશ્વાસ જોરથી ચાલતા હતા. તેના ચહેરા ઉપર પરમ આનંદની આભા છવાઇ હતી. એલીઝાબેથે પલંગના એક ખુણે પડેલી ચાદર ઉઠાવી પોતાના દેહ ઉપર ઢાંકી અને એક હાથનો ટેકો લઇ બાજુમાં સુતેલા ઇશાનના ચહેરા ઉપર તે અધૂકડી ઝંળુબી. તેના ભુખરા વાળની લટ ઇશાનના ચહેરા ઉપર છવાઇ. ઇશાન એલીઝાબેથની બેહદ ખુબસુરત આંખોમાં જોઇ રહયો. એ આંખોમાં તેના પ્રત્યેનો સ્નેહ સ્પષ્ટ નજરે ચડતો હતો.

“ આવી રીતે કહયા વગર ચાલ્યુ જવાય.....? ” તે બોલી. “ એ તો સારુ થયું કે પેલી સામન્થાએ તને જોયો હતો, નહીતર મને તો ખબરજ ન પડત ને.....!” તેના અવાજમાં ફરીયાદનો સુર હતો. ઇશાન કંઇ બોલ્યો નહી. તે એલીઝાબેથની તપખીરી ભુરી-નીલી કીકીઓમાં ડુબી રહયો હતો. તેને એલીઝાબેથનાં અણીયાળા નાકે બટકુ ભરવાનું મન થતું હતુ. એલીઝાબેથે ઓચીંતા અહી આવીને તેને ભારે સરપ્રાઇઝ આપ્યું હતુ. તેની તમામ શિકાયતો, ફરીયાદો વરાળ બનીને ઉડી ગઇ હતી.

“ શું જુએ છે....?”

“ તારી આંખો....તારુ આ નાક....!” ઇશાન બોલ્યો.

“ અચ્છા.....!! પણ તે મારા સવાલનો જવાબ ન આપ્યો....?”

“ જવાબ તને ખબર છે.....”

“ મને જવાબ ખબર છે....? મતલબ....? તારુ આમ અચાનક ઇન્ડિયા ચાલ્યા આવવામાં કારણભુત હું છું....? તું એમ કહેવા તો નથી માંગતોને....? ” એલીઝાબેથના સ્વરમાં આશ્ચર્ય ઉભર્યુ. ઇશાન શું કહવા માંગતો હતો તેનો થોડો અણસાર તેને આવ્યો જ હતો.

“ છોડ એ વાતો. હું ભુતકાળને યાદ કરીને અત્યારની સોનેરી ક્ષણોને ગુમાવવા નથી માંગતો. ”

“ વોટ....? મતલબ મારા લીધે તું કોઇને કંઇ જણાવ્યા વગર અહી આવ્યો છે....? આઇ કાન્ટ બિલિવ....?” એલીઝાબેથ અચાનક બેઠી થઇ ગઇ. તે ઇશાનની વાત ન સમજે એટલી અણસમજું નહોતી.

“ બિલિવ તો મને પણ થયું નહોતું, કે જે એલીઝાબેથ મને ચાહતી હોય તે બીજા કોઇ યુવક સાથે કારમાં બેઠી હોય અને તેને “ કિસ” કરતી હોય...” આખરે ઇશાનનાં દિલની ટીસ શબ્દો બની જીભ ઉપર આવી ગઇ.

“ તું આટલો નેરો માઇન્ડેડ કયારથી થઇ ગયો ઇશાન....? અને કયા યુવકની તું વાત કરે છે.....? કોને મેં ચુંબન કર્યુ હતું.....?” એલીઝાબેથ આશ્ચર્યથી બોલી. ઇશાને તેને કયા અને કેવી હાલતમાં જોઇ હતી, એ બયાન કર્યુ. ઇશાનની વાત સાંભળી એલીનું મોં આશ્ચર્યથી પહોળું થયું હતું.

“ મને વિશ્વાસ નથી આવતો કે તું આવી ગેરસમજ કરીશ ઈશાન. જો તને એ બાબતનું ખરાબ લાગ્યુ હોય તો કમસેકમ તેની ચોખવટ તો માંગવી જોઇએને તારે...!”

“ એમાં ચોખવટ માંગવા જેવું કંઇ હતુંજ નહી. તમે બંને એકબીજાને કિસ કરી રહયા હતા.....”

“ હું નહી ઇશાન..., તે મને કિસ કરી રહયો હતો....”

“ વાત તો એક જ થઇને ....?”

“ ના....એક વાત નથી....”

“ નથી....!” ઇશાને વ્યંગમાં પુછયું.

“ બિલકુલ નહી. તને કયા ખબર છે... કે હમણા હું કેવી માનસીક હાલતમાંથી પસાર થઇ રહી છું....! મારી એ હાલતનું બયાન મેં તે યુવકને કર્યુ હતું. ન જાણે ત્યારે એ શું સમજી બેઠો હશે....અને તેણે મને સાંત્વના આપવાને બહાને કિસ કરી હતી. મેં તેને કિસ કરવા ઉકસાવ્યો નહોતો. ” એલીઝાબેથની આંખોમાં અનાયાસે ઝાકળ છવાયું હતું. ઇશાને તે જોયું અને અચાનક તેને એલીઝાબેથનો ભરોસો કરવાનું મન થયું

“ તને ખબર છે ઇશાન....! હમણા થોડા સમયથી મને રોજ રાત્રે બિહામણા સ્વપ્નો સતાવી રહયા છે. હું ખુબજ અપસેટ છું....! અને તેમાં તું આમ અચાનક મને અધવચ્ચે છોડીને ચાલી ગયો. તને શોધવા હું કેટલી બેબાકળી બની ગઇ હતી. આવા સમયે મારી સાથે રહેવાને બદલે તું મને બ્લેમ કરી રહયો છે....? ”

“ સ્વપ્ના ....? કેવા સ્વપ્ના...? ” ઇશાન બોલી ઉઠયો.

“ સ્વપ્નાઓમાં હું મારી જાતને સળગતી જોઉં છું....! અને પછી ગહેરા- ઠંડા પાણીમાં ડુબતી હોવ એવું ભયાનક દ્રશ્ય દેખાય છે. એટલું જ નહી, મને ઘણા બધા માણસો એક સાથે ચીખતા હોય એવા અવાજો સંભળાય છે. ” એલીઝાબેથના સ્વરમાં આટલું બોલતા પણ થડકાટ સ્પષ્ટ વર્તાતો હતો. “ ચારેકોર આગ લાગી છે અને એ આગમાં સેંકડો માનવીઓ સળગીને ભસ્મિભૂત થઇ રહયા હોય એવું બિહામણુ સ્વપ્ન દેખાય છે મને.....”

ઇશાન અવિશ્વાસ ભરી નજરોથી એલીઝાબેથને જોઇ રહયો.

( ક્રમશઃ )

“ લેખક તરફથીઃ-

નમસ્કાર મિત્રો...”નો રીટર્ન“...”નસીબ“ અને “અંજામ“ બાદ આ મારી ચોથી નવલકથા છે. “નગર” આ પણ મારા જોનરની કહાની છે. હાં...આ વખતે થોડી ડરામણી વાતો પણ આવશે છતાં મને લાગે છે કે વાંચકોને તે ગમશે. રહસ્ય, રોમાન્સ, સસ્પેન્સ, થ્રીલ, ગજબનાક ઉતાર-ચડાવ..આવી બાબતો મને હંમેશા આકર્ષતી રહી છે. અને એટલેજ કદાચ હું એવું લખી શકતો હોઇશ.

સાચુ કહું તો મને મારા વાચકમિત્રોએ ખૂલ્લા દિલે આવકાર્યો છે...સ્વિકાર્યો છે. મને પણ ક્યારેક આશ્વર્ય થાય છે કે આ કોઇ સ્વપ્ન તો નથીને...! “અંજામ” બાદ મારા મિત્રો જે આતુરતાથી નવી નવલકથાનો ઇંતેજાર કરી રહ્યાં છે તેણે મારા જુસ્સાને ઓર વધારી મુક્યો છે. મારી જવાબદારીઓ તેથી વધી ગઇ છે. હું વધુ સજાગ બન્યો છું....! જો કે મારો સબજેક્ટ પણ એવો છે કે મારે સજાગ રહેવુંજ પડે....સસ્પન્સ થ્રિલરમાં તમે કોઇપણ બાબતને અધૂરી ક્યારેય ન છોડી શકો. જે ઘટના પહેલે પાનેથી શરૂ થઇ હોય એ ઘટનાને કહાનીના છેલ્લાં પાના સુધી તમારે જાળવવી પડે...જો તેમાં સહેજપણ શરતચૂક થાય તો તરત વાંચકો કહાનીથી વીમુખ થઇ જાય. હું મારી કહાનીઓમાં શક્ય હોય એટલો ટેબ્લો જાળવવાનો પ્રમાણીક પ્રયત્ન કરતો રહું છું...બાકીતો વાચક રાજા છે. તેમને ગમે તે ખરું.

મારી તમામ નવલકથાઓની જેમ આ નવલકથા પણ હું એક વ્યક્તિને અર્પણ કરું છું...અને તે છે “ અશ્વિની ભટ્ટ “. ગુજરાતી ભાષાનાં એક ધુરંધર લેખક કે જેમણે ગુજરાતી સાહિત્યને એક નવી ઉંચાઇ, નવી દિશા, નવો મુકામ આપ્યો છે. આપણી વચ્ચે તેઓ નથી રહ્યાં છતાં તેમની નવલકથાઓ હંમેશા મને પ્રેરણા આપતી રહી છે અને આપતી રહેશે... તેમને મારા શત શત પ્રણામ.

અને હાં, બીજી એક અગત્યની વાત આજે હું કહીંજ દઉં....પ્લીઝ મિત્રો...સસ્પેન્સ જાણવાની ઉતાવળ ન કરતા. રહસ્યકથા એક પુરાની શરાબ જેવી હોય છે...જેટલી ધીરજ રાખશો એટલો તેનો નશો વધશે અને ઘૂંટાશે.

---------------------------------------------------------------------------------