From the Earth to the Moon - 5 in Gujarati Short Stories by Jules Verne books and stories PDF | ફ્રોમ ધ અર્થ ટુ ધ મૂન - 5

Featured Books
Categories
Share

ફ્રોમ ધ અર્થ ટુ ધ મૂન - 5

પ્રકરણ ૫ – ચાંદ સાથે રોમાન્સ

એક નિરીક્ષણ પોતાની અનંત દ્રષ્ટિથી ચંદ્રનું નિરીક્ષણ કરી શકતો હોય છે. આ બ્રહ્માંડમાં એક અજ્ઞાત કેન્દ્ર છે અને સમગ્ર બ્રહ્માંડ તેની આસપાસ ફરે છે. અહીં અસંખ્ય અણુઓ પણ છે જે અસ્તવ્યસ્ત રીતે આમતેમ ફરતા હતા પરંતુ એક સમય એવો આવ્યો જ્યારે ભૂલ કરી રહેલા આ અણુઓ અચાનક આજ્ઞાકારી બની ગયા. તેમની વચ્ચે કોઈક રાસાયણિક પ્રક્રિયા થઇ અને તે એક ચોક્કસ પ્રકારની ગુણવત્તા ધરાવતા થયા અને તેમનું ઘનીકરણ થયું અને તેમની ગોળ ગોળ ફરવાની ગતી તેજ થવા લાગી. આનાથી બે અસરો થઇ. એક તો એક મોટો તારો રચાયો અને બીજું તેનું એક મોટું પરંતુ ધૂંધળું કેન્દ્ર

જો એકાગ્રતાથી નિરીક્ષણ કરવામાં આવે તો આ મોટા તારાના તેજ પરિભ્રમણને લીધે તેની આસપાસ અસંખ્ય અન્ય તારાઓ પણ ફરવા લાગ્યા જેને આપણે નિહારિકા તરીકે ઓળખીએ છીએ. ખગોળશાસ્ત્રીઓ ના માનવા અનુસાર આવી તો ઓછામાં ઓછી ૫, ૦૦૦ નિહારિકાઓ આપણા અવકાશમાં છે.

આ ૫, ૦૦૦ નિહારિકાઓમાંથી એક નિહારિકાને આકાશ ગંગા કહેવામાં આવે છે જેમાં અઢાર લાખ કરોડ તારાઓ છે અને તે સૂર્ય મંડળનું કેન્દ્ર માનવામાં આવે છે.

આ તમામ તારાઓને પણ જો ધ્યાનથી જોવામાં આવે તો એક તારા પર આપણું ધ્યાન સૌથી પહેલા સ્થિર થઇ જાય છે અને તે આ તમામ તારાઓ કરતા વિશાળ પરંતુ નમ્ર છે જેને આપણે સૂર્ય તરીકે ઓળખીએ છીએ. આ બ્રહ્માંડની રચના થઇ ત્યારથી તે પોતાની જગ્યાએ સ્થિત છે અને બ્રહ્માંડમાં અત્યારસુધી જે કોઈ પણ ફેરફાર થયા છે એ એની નજર સામે થયા છે. તમામ તારાઓ અને ગ્રહો આ જ સૂર્યની આસપાસ ફરતા રહેતા હોય છે જેનાથી તેમને પોતાના કાર્ય કરવા માટે જરૂરી ઉર્જા મળતી રહે અને તેને તેઓ ધ્યાનપૂર્વક કરતા રહે.

એક અન્ય ઘટનાએ પણ સૌરમંડળમાં આકાર લીધો હતો. કેટલાક પરમાણુઓએ ભેગા થઈને વિવિધ પથ્થરો જેવો આકાર ધારણ કરી લીધો અને તેમાંથી ઘણામાં શની જેવા વલયો પણ જોવા મળે છે. આ પથ્થરો ધીરેધીરે ગતી કરવા માંડ્યા અને તેઓ મુખ્ય ગ્રહોની આસપાસ ફરવા માંડ્યા અને તેને આપણે ઉપગ્રહો તરીકે ઓળખીએ છીએ.

આમ અણુથી પરમાણું, પરમાણુંથી નિહારિકા, નિહારિકાથી મુખ્ય તારો, મુખ્ય તારાથી સૂર્ય, સૂર્યથી ગ્રહો અને ગ્રહોથી ઉપગ્રહો આપણી પાસે અવકાશમાં થયેલા ફેરફારોની આખી શ્રુંખલા ઉપલબ્ધ છે અને તેની રચના અવકાશમાં રહેતી કોઈ અલૌકિક શક્તિ એ જ કરી છે.

હવે સૂર્યની આસપાસ રહેલી ભ્રમણકક્ષામાં ફરતા રહેતા આ ગ્રહોમાંથી બધામાં ગુરુત્વાકર્ષણ બળ નથી હોતું પરંતુ લગભગ બધા પાસે પોતપોતાના ઉપગ્રહો જરૂરથી છે. યુરેનસને આઠ છે, શનીને આઠ છે, ગુરુને ચાર, નેપચ્યુનને કદાચ ત્રણ અને પૃથ્વીને એક. આ છેલ્લા ઉપગ્રહને આખાયે સૌરમંડળમાં સૌથી ઓછું મહત્ત્વ આપવામાં આવે છે જેને આપણે ચંદ્ર તરીકે ઓળખીએ છીએ અને આજે અમેરિકનોના બુદ્ધિબળે તેના પર ચડાઈ કરવાની જાહેરાત પણ કરી દીધી છે.

ચંદ્રની પૃથ્વી સાથેની નિકટતા અને તેના આકારમાં થતા નિરંતર ફેરફારને લીધે તેણે પૃથ્વીવાસીઓ માટે કાયમ એક આકર્ષણ ઉભું કર્યું છે.

ઇસવીસન પૂર્વે પાંચમી સદીમાં થેલ્સ ઓફ મીલેટસથી માંડીને પંદરમી સદીમાં કોપરનિકસ અને સોળમી સદીમાં ટાયકો બ્રાહે આ તમામ લોકોની ચંદ્ર પરની શોધખોળોએ જૂની શોધખોળોને સુધારવાનું કાર્ય કર્યું છે અને ત્યારથી હવે આજના સમયમાં જ્યારે એમ નક્કી થઇ ગયું છે કે ચંદ્ર પર પણ પહાડો છે એ સૌથી છેલ્લી શોધ છે. ગેલીલિયોએ અસાધારણ શોધ કરીને એ સાબિત કર્યું કે ચંદ્રની રોશની મહદઅંશે તેના પર આવેલા પહાડોને આભારી છે જેની ઉંચાઈ ૨૭, ૦૦૦ ફૂટ છે. તેના પછી હેવેલીયસ નામના એક અવકાશ વિજ્ઞાનીએ આ ઉંચાઈ ઘટાડીને ૧૫, ૦૦૦ ફૂટ કહી અને રીસીઓલીએ ફરીથી તેને વધારીને ફરીથી ૨૧, ૦૦૦ ફીટ કરી દીધી.

આઠમી સદીના અંતમાં હર્શેલે પોતાની પાસે રહેલા એકદમ શક્તિશાળી ટેલીસ્કોપની મદદથી આ તમામ ગણતરીઓને સુધારીને પેલા પહાડોની હાઈટ ૧૧, ૪૦૦ ફૂટ કરી દીધી જે સૌથી વધારે ઉંચાઈવાળા પહાડની હતી અને સૌથી નીચી ઉંચાઈ વાળા પહાડની ઉંચાઈ તેને ૨, ૪૦૦ ફીટ હોવાનું નક્કી કર્યું. પરંતુ હર્શેલની ગણતરીને પણ હેલી, નેસ્મિથ, બિઆનચીની, ગ્રુઈથ્યુસેન અને બીજાએ સુધારી પરંતુ છેવટે બોએર અને મેઈડલરની કાળી મજૂરીએ આ કોયડાને છેલ્લી વખત ઉકેલી દીધો. તેમણે ચંદ્ર પર કુલ ૧, ૯૦૫ જુદાજુદા પહાડો હોવાની વાત કરી જેમાંથી છ ૧૫, ૦૦૦ ફૂટથી વધારે, બાવીસ ૧૪, ૪૦૦ ફૂટના હોવાની વાત કરી. સૌથી ઉંચામાં ઉંચો પહાડ ૨૨, ૬૦૬ ફૂટનો હોવાનું પણ તેમણે સાબિત કર્યું. આ તમામ ઉંચાઈ ચંદ્રની સપાટીથી ગણવામાં આવી હતી. આ જ સમયે ચંદ્ર પરનું સંશોધન પૂર્ણ થઇ ગયેલું જાહેર કરવામાં આવ્યું હતું. પરંતુ તેમછતાં ચંદ્રની સપાટી પર વારંવાર થતા ધડાકાઓની પઝલ હજીસુધી ઉકેલી શકાઈ ન હતી અને તેના પર નજર રાખવાનું કાર્ય હવે શરુ થઇ ચૂક્યું હતું. ચંદ્રથી આવતા કિરણોનું જુદીજુદી દિશાઓમાં ન જવું એ બાબતને સાબિત કરી રહી હતી કે ત્યાં વાતાવરણની ગેરહાજરી હતી. આટલું જ નહીં પરંતુ હવા તેમજ પાણીની પણ ગેરહાજરી હોવી સાબિત થઇ ચૂકી હતી. આથી એવું નક્કી થઇ ચૂક્યું હતું કે આ કોઈ એવી જગ્યા છે જે પૃથ્વીવાસીઓની રોજબરોજની જિંદગી કરતા સાવ અલગજ છે.

યાંત્રિક સફળતાને કારણકે હવે ચંદ્ર પરની શોધખોળ વધારે સારી અને કોઇપણ વિઘ્ન વગર થઇ શકે છે. ચંદ્રનો એક ખૂણો પણ બાકી નહીં હોય જેના પર આપણા વિજ્ઞાનીઓએ કોઈ શોધ ન કરી હોય. આ શોધખોળને આધારે જ ખબર પડી છે કે ચંદ્રનો કુલ વિસ્તાર ૨, ૧૫૦ માઈલનો છે અને તેની સપાટી આપણી પૃથ્વીના ૧/૧૫ જેટલી છે. હવે ચંદ્રના કોઇપણ રહસ્યો આપણા અવકાશવિજ્ઞાનીઓથી છૂપા રહી શકે તેમ નથી અને આ કુશળ વ્યક્તિઓએ તેમના સંશોધનોને એક પ્રચંડ ઉંચાઈ પણ આપી છે.

એક અદભુત બાબત એવી છે કે ચંદ્ર જ્યારે સંપૂર્ણ હોય ત્યારે તેના કેટલાક ભાગમાં રહેલી રેખાઓ તે જ્યારે થોડો પણ કાળો હોય તેનાથી વધારે માત્રામાં દેખાતી હોય છે. આ બાબતે પણ ચોક્કસ સંશોધન થયું છે અને આ રેખાઓની કુલ સંખ્યા કેટલી છે એ પણ નક્કી કરી શકાયું છે. આ રેખાઓની લંબાઈ દસ થી સો માઈલ જેટલી લાંબી અને લગભગ ૧, ૬૦૦ યાર્ડ્સ જેટલી પહોળી હોય છે. અવકાશવિજ્ઞાનીઓ તેને બખોલ કહે છે. આ બખોલો પહેલા કોઈ નદીને કારણે બની હતી કે કોઈ અન્ય કારણસર તેને આ વિજ્ઞાનીઓ નક્કી નથી કરી શક્યા.

અન્યોની જેમ અમેરિકનોએ પણ નક્કી કરી લીધું છે કે એક દિવસે તેઓ આ સવાલનો જવાબ પણ શોધી લેશે. તેમણે આ ઉપરાંત ચંદ્રની સપાટી પર આવેલી કેટલીક દીવાલો અંગે પણ સંશોધન કરવાનું નક્કી કર્યું છે જે ગ્રુઈથ્યુસેને શોધી હતી. તેઓ મ્યુનિકના એક પ્રકાંડ પ્રોફેસર હતા. ઉપરોક્ત બંને કારણો ઉપરાંત અન્ય બીજા કારણો પણ છે જેના વિષે વધારે જાણવું હોય તો ચંદ્ર સાથે સીધો સંપર્ક કેળવવો અત્યંત જરૂરી હતું.

જ્યાંસુધી ચંદ્ર પરના અજવાળાની તીવ્રતાનો સવાલ હતો અત્યારસુધી જે શીખવામાં આવ્યું છે તેનાથી વધારે શીખવાની હાલપૂરતી જરૂરિયાત નથી. પરંતુ એટલી ખબર બધાને છે કે ચંદ્રનું અજવાળું સૂર્ય કરતા ૩, ૦૦, ૦૦૦ ગણું ઓછું છે અને તે પૃથ્વી પર સૂર્યના કિરણો ને લીધે જ પ્રકાશ ફેંકી શકે છે. આ જ કારણ છે કે આપણે ચંદ્રને પૂરી રીતે ખીલેલો જોઈ શકીએ છીએ કે કોઈકવાર અડધો ખીલેલો પણ જોઈ શકીએ છીએ.

તો પૃથ્વીના ઉપગ્રહ વિષે આ તમામ જ્ઞાન ઉપલબ્ધ હતું જેને ગન ક્લબે જાણ્યું અને તેના તમામ પાસાંઓ જેવાકે ભૂ-સૃષ્ટિ, ભૌગોલિક, રાજકીય તેમજ નૈતિક ને સંપૂર્ણપણે શીખવાનું નક્કી કર્યું.