Coffee House - 10 in Gujarati Love Stories by Rupesh Gokani books and stories PDF | કોફી હાઉસ - પાર્ટ-૧૦

Featured Books
Categories
Share

કોફી હાઉસ - પાર્ટ-૧૦

રૂપેશ ગોકાણી

Contact no. – 80000 21640

કોફી હાઉસ પાર્ટ – 10

લવ સ્ટોરી

હેલ્લો બોલ બોલ સામુ, કેમ છે? પહોંચી ગયો ને આરામથી?” બીજે દિવસે સવારે સામુનો ફોન આવતા પ્રવીણભાઇએ પુછ્યુ. “હા સાહેબ આરામથી પહોંચી ગયો હું અને મા બન્ને. મા ને દવાખાનામાં દાખલ કરી દીધા છે અને ડોક્ટરે મને સાંત્વના આપતા કહ્યુ છે કે મારા મા બહુ જલ્દી ઠીક થઇ જશે. તમે જે ૫૦૦૦૦/- આપ્યા હતા તેમાંથી ડિપોઝીટ ભરી દીધી છે.” “બહુ સારૂ સામુ અને બીજી વાત કે પૈસાની બાબતે જરા પણ ચિંતા ન કરજે. થોડા ઘણા પૈસા હોય કે બીજા મંગાવી લેજે. અને ભગવાન પર ભરોસો રાખજે, એ તારા મા ને જલ્દી ઠીકઠાક કરી દેશે જ.” “હા સાહેબ તમારી દયા છે આ બધી, નહી તો મારા માટે આ દુઃખ સહન કરવું એ બહુ અઘરૂ હતુ. મારી નજર સામે મારી જનેતા પિડાતી રહેત અને હું લાચાર બેબસ કાંઇ કરી શકત નહી.” “અરે સામુ આ બધુ જે કાંઇ થઇ રહ્યુ છે તેમાં મારી કાંઇ દયા નથી. બધુ ઉપરવાળૉ કરાવે છે. આપણે તો બસ તેના નિમિતમાત્ર છીએ. અને હા, જ્યારે ભગવાન જ્યારે કાંઇ હુકમ કરે ત્યારે શૈતાન પણ સારા માર્ગે ચાલવા મજબુર થઇ જાય છે, સમજ્યો? એટલે ફરી ક્યારેય એમ ન કહેજે કે મારી દયા છે, એમ કહેવાનુ કે બધી ઉપરવાળાની મહેરબાની છે.” “સાહેબ આ તમારી મોટાઇ છે. બાકી આજના જમાનામાં તો પૈસાની વાત આવે ત્યારે સગા વહાલા પણ મોઢુ ફેરવી લે છે.” “બસ કર હવે. મારા વખાણ કરવાનુ બંધ કર અને તારા મમ્મીની કેર કર. સમજ્યો? નહી તો પગાર બંધ કરી દઇશ.” કહેતા પ્રવીણભાઇ હસી પડ્યા, સામા છેડેથી સામુનો પણ હસવાનો અવાજ આવવા લાગ્યો. “ભલે સાહેબ જય શ્રી કૃષ્ણ. ફોન મુકુ હવે.” “જય શ્રી કૃષ્ણ, સામુ.”

“સાહેબ તમને નથી લાગતુ કે તમે સામુ પર હદ્દ કરત વધુ મહેરબાની કરી રહ્યા છો. સોરી મારે તમને આમ પુછવુ ન જોઇએ પણ મારા મનમાં આવ્યુ એટૅલે પુછી બેઠો.” કેશિયર મહેતાભાઇએ પુછ્યુ. “મહેતાભાઇ મારા જીવનમાં તો આગળ પાછળ કોઇ છે નહી. જે છે તે તમે બધા સ્ટાફ મેમ્બર્સ અને મારા ગૃપના મિત્રો છે. અને પૈસાને ક્યાં ઉપર સાથે લઇ જાવાના છે? અને રહી વાત સામુની તો મે તેની માતાને સાચે જ બિમારી છે કે નહી એ બાબતે પુરતી તપાસ કરી લીધી હતી અને સત્ય જાણ્યા બાદ જ મે તેની હેલ્પ કરવાનુ વિચાર્યુ.” પ્રવીણભાઇએ કહ્યુ. “તો સારૂ સાહેબ. નહી તો આજના જમાનામાં છેતરપીંડી કરવાવાળા પણ વધી ગયા છે.” મહેતાભાઇએ કહ્યુ. “હા મહેતાભાઇ સાવ સાચી વાત છે તમારી. પણ સામુની બાબતમાં તે સાચો છે એટલે જ મે તેની હેલ્પ કરી બાકી આડેધડ આંખ બંધ કરીને તો હું પણ કોઇની મદદ ન કરુ.”

“બહુ હોશીયાર હો સાહેબ તમે. ચલો હું બેન્ક જઇ આવું.” “હા જઇ આવો. હું અહી કેશ કાઉન્ટર પર બેસુ છું.” પ્રવીણભાઇએ કહ્યુ.

હજુ પ્રવીણભાઇ બેઠા અને ન્યુઝ પેપર હાથમાં લીધુ કે તેમનો ફોન રણકી ઉઠ્યો. જોયુ તો હરદાસભાઇનો ફોન હતો. “હા કાકા, જય શ્રી કૃષ્ણ, કેમ છો?” “દિકરા મને તો સારૂ જ છે પણ ઓઝાની તબિયત બગડી ગઇ છે અને તેને જનરલ હોસ્પિટલમાં દાખલ કર્યો છે. હું જાઉ છું તેને જોવા, તારે આવવું છે તો આપણે બન્ને સાથે જઇ આવીએ.” “હા હા. હું આવુ છું પણ ઓચિંતુ શું થઇ ગયુ દાદા ને?” “પ્રવીણ તેના સન નો મને કોલ આવ્યો હતો. કંઇ ચિંતા જેવુ નથી બસ સવારથી ડીહાઇડ્રેશનની તકલીફ હતી તો હોસ્પિટલ ગયા હતા ત્યાં ડૉક્ટરે વીકનેશ હોવાથી બે બાટલા ચડાવવાનુ કહ્યુ એટલે ત્યાં એડમિટ છે.” “ઓ.કે. તમે ઘરે રાહ જુવો. હું તમને પીક અપ કરી પછી આપણે જઇએ હોસ્પિટલ.” “હા આવ ઘરે. હું રાહ જોઉ છું તારી.”

પ્રવીણભાઇ વેઇટરને સુચના આપી નીકળી ગયા. આમ પણ બપોરના બાર વાગવા આવ્યા હતા તો કોફીહાઉસમાં ખાસ કાંઇ ટ્રાફીક રહેતો નહી.“ચલો કાકા, હું આવી ગયો. આપણે નીકળીએ.” પ્રવીણભાઇએ કારનું હોર્ન મારતા કહ્યુ. “અરે દીકરા, અંદર તો આવ. ચા પીતો જા. પછી નીકળીએ.” “ના ના કાકા, ચા પછી ક્યારેક, અત્યારે ચલો આપણે જઇએ.” “હા ઠીક છે. ચલ આપણે જઇએ.” કહેતા બન્ને નીકળી ગયા. “જનરલ હોસ્પિટલમાં પહોંચી જોયુ તો ઓઝાસાહેબ ને ગ્લુકોઝની બોટલ લગાવેલી હતી અને પોતે તેની ખબર કાઢવા આવેલા લોકો સાથે ગપ્પાટા મારતા હતા. “અરે આવ આવ પ્રવીણ્યા, આવ હરદાસ.” બન્નેને જોતા જ ઓઝાસાહેબે તેમને બોલાવ્યા. “શું કાકા ઓચિંતુ શું થઇ ગયુ તે આ ઉપાધી આવી પડી?” “અરે કાંઇ થયુ નથી મને. બસ થોડી પેટની તકલિફ હતી અને અહી આવ્યા તો ડોક્ટરે આ સોઇ લગાવી દીધી. સાલા એ ડોક્ટરને શું ખબર કે આવી પેટની ગરબડ તો હવે આ ઉંમરે ચાલે રાખે પણ માન્યો જ નહી એ અને અહી સુવાડી દીધો મને.” ઓઝા હવે બહુ ડાહ્યો થા નહી અને છનુમાનો પડ્યો રે. બહુ આવ્યો છે ડોક્ટરને દોષ આપવા વાળો. તને શું ખબર પડે?” હરદાસભાઇએ ઠપકાના સુરે કહ્યુ. “હવે તું પણ બેસી જા ડૉક્ટરની ગાડીએ. તને પણ ચાલતી બસે ચડી જવું બહુ ગમે છે તે મને ખબર છે. મને ખબર છે તારી દીકરી ડોક્ટર છે એટલે ડોક્ટરોનો પક્ષ તાણે છે. બહુ આવ્યો ડૉક્ટરનો વકિલ જાણે.” ઓઝા સાહેબ પણ ભંવા તાણી બોલી ગયા. “કાકા હરદાસકાકાની વાત સાચી છે. આ ઉંમરે હવે કાંઇ પણ નાની તકલિફ હોય કે ડોક્ટરની સુચના મુજબ જ વર્તવાનુ રહે આપણે અને મે કાલે તમને ના કહી હતી પાણીપુરી ખાવાની છતા સૌથી વધુ પાણીપુરી ખાધી હતી તમે. આ બધુ તેનુ પરિણામ છે. કહી દઉ કાકીને???” “એ મરાવીસ તું મને ક્યાંક. બંધ થા મારા વા’લા. તેને ખબર પડશે કે આપણે બધાએ કાલે પાણીપુરી ખાધી હતી તો હમણા અહી દવાખાનામાં જ મારી ધુળ કાઢી નાખશે અને તને પણ નહી છોડે.” “કા, હમણા તો બહુ બહાદુર બની રહ્યો હતો ને હવે કેમ મિયાની મીંદડી બની ગયો??? હવે બોલને હિમ્મત હોય તો?” હરદાસભાઇ બોલી ગયા. “હવે જા ને દાસ’ળા, હું તો ડરૂ જ છું પણ તુ ક્યાં વળી તારી ઘરવાળી સામે સિંહ છે. ખબર છે ને એકવાર આપણે નોકરી કરતા ત્યારે દીવ ગયા હતા ફરવા અને તુ ત્યાં જઇ ટલ્લી થઇ ગયો હતો. ઘરે આવ્યા અને ભાભીને ખબર પડી ત્યારે ધોકો હાથમાં લીધો હતો, યાદ આવ્યુ કે એ બધુ ભુલી ગયો??/” કહેતા ઓઝાસાહેબ હસી પડ્યા.

“હવે રહેવા દે ને, જુની વાતોને શું કામ ખોલે છે?” હરદાસભાઇ શરમાઇ જતા બોલ્યા. “કાકા હવે આ ઉંમરે કાંઇ પણ થાય તેને જરા ગંભિરતાથી લેતા જાઓ. તમારા પરિવાર અને સાથે સાથે અમારે પણ તમારી ખાસ્સી જરૂર છે.” પ્રવીણભાઇએ જરા ગંભીર બની કહ્યુ. “અરે , પ્રવીણ્યા એમ કાંઇ નહી થાય મને. તારી પ્રેમકથા પુરી સાંભળ્યા વિના મરવાનો નથી હું સમજ્યો ગાંડા??? આજે સાંજે છ વાગ્યે આવુ છું. તૈયાર રહેજે અને હા મોડુ થાય તો મારી રાહ જોવાનુ ભુલતો નહી.” ઓઝાસાહેબે કહ્યુ. “કાંઇ જરૂર નથી હો કાકા આજે આવવાની. અરે અમે કોઇ આજે એકઠા થવાના નથી. તમે બસ તમારી હેલ્થનું ધ્યાન રાખો. કહેવત યાદ છે ને કે પહેલુ સુખ તે જાતે નર્યા.” પ્રવીણભાઇએ કહ્યુ. “હા હા બધુ યાદ છે મને હો, પુરા ચાલીસ વર્ષ આ જ તો શીખવ્યુ છે છોકરાઓને. હવે તુ પણ બહુ ડાહ્યો ન થા. બહુ આવ્યો હરદાસનો ચમચો.” ઓઝાસાહેબ ખીજાઇ ગયા. “ઓઝા તને મનાવવા કરતા તો ભગવાનને મનાવવા સહેલા છે. કોઇ દિવસ કોઇની વાત માને જ નહી તું. બસ બધી વાતમાં તારી પીપુળી વગાડે જા તુ.” હરદાસભાઇએ કહ્યુ. “હા હા હા.... હમણા પ્રતાપ અને રાજ્યગુરૂ આવ્યા ત્યારે તે બન્ને પણ એમ જ કહેતા હતા. તમે બધા જાણો છો તો શું કામ મને મનાવવા પાછળ ટાઇમ બગાડો છો? છાનુમાના સાંજે છ વાગ્યે આવી જાજો સમજ્યા કે નહી?”

“અરે હા કાકા હા. તમારી બધી હા...” કહેતા પ્રવીણભાઇ અને હરદાસભાઇ અને ઓઝાસાહેબ બધા હસી પડ્યા. રાહુલ ની મા, જો આ મારો પ્રવીણ્યો. હું તને વાત કરતો હોઉ ને એ આ જ પ્રવીણ્યો છે. મતલબ પેલી કુંજળીનો પ્રેય.”

“જય શ્રી કૃષ્ણ કાકી. કેમ છો?”

“જય શ્રી કૃષ્ણ દીકરા.”

“જરા રાહુલને કે અમારા બધા માટે કોફી મંગાવે. અમને ટોળકીને કોફી વિના નહી ચાલે.” “અરે કાકી રાહુલને હેરાન ન કરો. અમે બન્ને હવે નીકળીએ જ છીએ. અને કાકા તમે આરામ કરો બસ અને જલ્દી ફીટ એન્ડ ફાઇન થઇ જાઓ પછી હું મારા હાથે કોફી બનાવી તમને પીવડાવીશ.” “તો એક કામ કરજે આજે સાંજે જ લાખોટાએ થરમોસ ભરીને લેતો આવજે કોફી અને પછી કથા પુરી થાય પછી પ્રસાદનું પણ ગોઠવી રાખવાનુ ભુલતો નહી હો....” ઓઝાસાહેબે આંખ મિચકારી કહ્યુ. “શું કાકા તમે પણ....” કહેતા પ્રવીણભાઇ હસી પડ્યા. “આ ઓઝો કોઇ દિવસ સુધરવાનો નથી. ચલ પ્રવીણ આપણે નીકળીએ હવે.” કહેતા હરદાસભાઇ અને પ્રવીણ બન્ને ચાલતા થયા. “નહી જ સુધરુ દાસ’ળા. થાય તે કરી લેજે.” ઓઝાસાહેબે જોરથી કહ્યુ અને હસી પડ્યા. ******************

“અંકલ, બધા આવી ગયા પણ હજુ ઓઝાદાદા કેમ ન આવ્યા? દરરોજ તો સૌથી પહેલા પહોંચી જાય અને આજે સાત વાગવા આવ્યા છતા હજુ કેમ ન આવ્યા?” વ્રજેશે કહ્યુ. હરદાસભાઇએ છોકરાઓને બધી વાત કરી અને ઓઝાસાહેબની તબિયત વિષે જણાવ્યુ.

“દાદા અમને પણ કહેવુ હતુ તો અમે પણ દાદાને જોવા આવી જાત.” પાર્થે કહ્યુ. “દીકરા એવી કાઇ ગંભીર બિમારી હતી નહી અને આમ પણ ઓઝાએ જ ના પાડી હતી કે બધાને કહેતો નહી, અકારણ બધા હેરાન થશે.” રાજ્યગુરૂએ કહ્યુ. ત્યાં દૂરથી ઓઝાસાહેબ આવતા દેખાયા. “જો પેલો કથાનો શોખીન આવે છે. તમે બધા અહી જ તેમના ભાવ પુછી લો.” હરદાસભાઇએ કહ્યુ. બધાએ ઓઝાસાહેબને બેસવા જગ્યા કરી અને તબિયતના હાલ ચાલ પુછ્યા. “કાકા , લો આ તમારા માટે કોફીનું થરમોસ. ખાસ મારા હાથે સ્પેશિયલ કોફી લાવ્યો છું.” પ્રવીણભાઇએ કોફીનુ થરમોસ આપતા કહ્યુ. “વાહ પ્રવીણ્યા વાહ. પણ એકલી કોફી નહી જામે. પાર્થ્યા જા બાજુમા જ એક પકોડાવાળો ઉભો છે. બહુ મસ્ત સુગંધ આવતી હતી, તેને પકોડાનો ઓર્ડર આપી આવ.” “શું ઓઝા તું પણ મગજ ઘરે મુકી આવ્યો છે કે શું? છાનો રે’ ને બાપા. માંડ સાજો થયો છે વળી કાલે દવાખાને લઇ જવો પડશે.” પ્રતાપભાઇએ ચીડાઇને કહ્યુ. “અરે પણ મજાક કરુ છું હું. તુ પણ ક્યાં ચડી બેઠો મારા પર. આજે તો આખો દિવસ બધાની સલાહ જ ખાધી છે. જાણે હું તો ઘોડીયે સુતો બાળક કેમ હોઉ?”

પાર્થે બધા માટે કોફી ભરીને આપી. બધા લોકો કોફીનો સ્વાદ માણી પ્રવીણભાઇ સામે જોઇ રહ્યા. “બ્રેકફાસ્ટ બાદ અમે બન્ને ત્યાં બેઠા હતા ત્યાં કુંજનો ફોન રણકી ઉઠ્યો.

એક્સક્યુઝ મી પ્રેય. પાપા નો કોલ છે.” કહેતા કુંજે તેના પપ્પા સાથે વાત કરી અને પ્રોજેક્ટ બાબતે વર્ક હોવાથી મોડુ થશે કહી કોલ કટ કરી દીધો.

“પ્રેય એક વાત કહેવી છે તને. આખી દુનિયાએ અને સાથે મે પણ મારો બર્થ ડે કાલે સેલીબ્રેટ કરી લીધો પણ તારી આ સરપ્રાઇઝ પાર્ટી મને રીઅલમાં સરપ્રાઇઝડ કરી દીધી. એટલે હું આજે તને પ્રોમીસ આપુ છું કે હું આજીવન મારો બર્થ ડે ૨૦ એપ્રિલના રોજ નહી પણ આજે એટલે કે ૨૧ એપ્રિલના જ સેલીબ્રેટ કરીશ. ઇટ્ઝ માય પ્રોમીસ ટુ યુ એન્ડ અગેઇન થેન્ક્સ અ લોટ ફોર ધીસ ગ્રાન્ડ સેલીબ્રેશન માય બાબુ.” “અરે અરે અરે, હ્જુ ક્યાં સેલીબ્રેશન પુરૂ થયુ છે? હજુ તો સેલીબ્રેશન બાકી છે બેબી. તારી ગિફ્ટ તો હજુ આપવાની બાકી રહી ગઇ.” “પ્રેય આ રીતે મારો બર્થ ડે સેલીબ્રેટ કર્યો અને હજુ કહે છે કે મારી ગિફ્ટ બાકી છે??? હવે મારે કાંઇ નથી જોઇતુ પ્રેય. આ યાદગીરી મને આજીવન મારા સ્મૃતિપટ પર અંકાયેલી રહેશે.” “ તો પણ એક ગિફ્ટ તો જરૂરી જ છે જાનુ. પ્લીઝ ક્લોઝ યોર આઇઝ ફોર મી.” “તેણે આંખો બંધ કરી દીધી અને બેશબ્રી થી મારી ગિફ્ટની રાહ જોવા લાગી. મે તેના હાથને નજીક લાવી તેના હાથમાં p&k લખેલુ બ્રેસલેટ પહેરાવ્યુ અને તેને આંખો ખોલવા કહ્યુ.

“કુંજ હું એટલો તો પૈસાદાર નથી કે તને ડાઇમન્ડ કે ગોલ્ડ બ્રેસલેટ આપી શકુ પણ દિલથી તને આ બ્રેસલેટ આપી રહ્યો છું , પ્લીઝ તેનો સ્વિકાર કરજે.” “પ્રેય ગિફ્ટ સોનાની છે કે ડાઇમન્ડની એ કરતા વધુ મહત્વ એ છે કે આપનારની ભાવના કેવી છે. અને તે દિલથી મારા માટે આટલુ બધુ કર્યુ છે અને ઉપરથી ગિફ્ટ પણ લાવ્યો એ જ મારા માટે મહત્વનું છે. આ બ્રેસલેટ હું હંમેશા મારી સાથે જ રાખીશ.” “થેન્ક્સ અ લોટ બેબી. સો સ્વીટ ઓફ યુ.” કહેતા મે તેનો હાથ ચુમી લીધો. “આજે પણ આપણે કોલેજ બંક મારી ડીઅર. હવે કાલથી તારા કોઇ બહાના નહી ચાલે. હવે એક્ઝામ સુધી કન્ટીન્યુઅસ સ્ટડી પર ધ્યાન આપવાનુ છે તારે સમજ્યો?” કુંજ જરા ઉંચા અવાજે મને કહી ગઇ. “હા મેડમ હા. પાક્કુ સ્ટડી પર ધ્યાન આપીશ પણ તારે મને સાથ આપવો પડશે.” “હું હંમેશા તારી સાથે જ છું. જ્યારે પણ સ્ટડીમાં મન ન લાગે તો મને કહેજે આપણે સાથે સ્ટડી કરીશું પણ સ્ટડી છોડીને આમતેમ ભટકવા નીકળી ન જતો.”

“હમ્મ્મ્મ પણ તું મારી સામે હશે તો મારુ ધ્યાન તો તારી સુંદરતામાં જ રહેશે તો સ્ટડી પર કેમ ધ્યાન આપી શકુ?” “વેરી ફન્ની , તો એક કામ કરીએ, એક્ઝામ સુધી હું ફેસ પર બ્લેક ચારકોલ લગાવી રાખું તો કેવુ રહેશે?” “તો પણ જાનુ મને તો કાળી કોયલ પણ ગમશે જ.”

“હવે મજનુ થવાનુ બંધ કરી દે અને સ્ટડી પાછળ મજનુ થઇ જા તેમા જ તારી ભલાઇ છે. ચલ હવે જઇએ આપણે?” “ના બેબી હજુ તારી સાથે મારે ટાઇમ સ્પેન્ડ કરવો છે પ્લીઝ......... આજે કોલેજ બંક મારી જ છે તો તેનો પુરેપુરો લાભ લેવો જોઇએ ને? અને આમ પણ તારે તો પ્રોજેક્ટ વર્ક છે તો સાંજના પાંચ છ તો આરામથી વાગી જશે, રાઇટ બેબી?”

“હવે બહુ તારી વાતો રહેવા દે નહી તો પપ્પાને કોલ કરી બધુ સત્ય કહીશ તો ભીગી બીલ્લી બની જશે, કરુ ફોન???” “અરે ના ના રહેવા દે રીંગમાસ્ટરને ફોન કરવાનુ. ચલ બસ હવે નીકળીએ.” “ધેટ્સ લાઇક અ ગુડ બોય. અગેઇન થેન્ક્સ પ્રેય ફોર ઑલ.” કહેતા તેણે મારા દ્વારા આપેલુ બ્રેસલેટ ચુમી લીધુ. “બેબી બ્રેસલેટ કરતા અહી સારુ રહેશે.” મે મારા હોઠ સામે ઇશારો કરતા કહ્યુ. “હવે ચલ ચલ.” અમે બન્ને હાથમાં હાથ મીલાવી ચાલતા થયા ત્યાં રાજીવ સામે મળ્યો. “હાય પ્રેય, હેલ્લો કુંજ. ખાતીરદારીમાં કોઇ કમી રહી જવા પામી હોય તો હું દિલગીર છું.” “અરે યાર, આમ કહીને મને શરમાવ નહી પ્લીઝ. મારી કુંજના બર્થ ડે ને યાદગાર બનાવવા તે જે ઝહેમત ઉઠાવી છે તે ખરેખર કોઇ સાચો મિત્ર જ કરી શકે. હાર્ટલી થેન્ક્સ અ લોટ રાજીવ.” મે રાજીવ સાથે કુંજની ઓળખ કરાવી અને તેને મળી અમે બન્ને મારી બાઇક પર ઘર તરફ આવવા નીકળ્યા.

રસ્તામાં ન તો કુંજ કાંઇ બોલી કે ન હું કાંઇ બોલ્યો. આમ તો આખો દિવસ અમે બન્ને બકબક કરતા રહેતા હોઇએ પણ કદાચ મારી જેમ કુંજ પણ આજના દિવસની યાદોમાં ખોવાયેલી હશે એમ માની મે પણ તેને મારા ખ્યાલોમાં ડુબવા દીધી અને હું પણ મૌન જ રહી ગયો.

To be continued…………….