Pret sathe Preet in Gujarati Horror Stories by Kamejaliya Dipak books and stories PDF | પ્રેત સાથે પ્રિત- એક રોમેન્ટિક ગેમ - 7

Featured Books
Categories
Share

પ્રેત સાથે પ્રિત- એક રોમેન્ટિક ગેમ - 7






મગનદાદાએ ધીમે ધીમે બધાની સામે નજર ફેરવી. હોલમાં હાજર દરેક વ્યક્તિ શ્વાસ રોકીને તેમની વાત સાંભળી રહ્યો હતો.

પછી તેમણે ભારે અવાજમાં કહેવાનું શરૂ કર્યું,

"તમે લોકો અહીં આવતી વખતે જે પુલ ક્રોસ કરીને આવ્યા હતા ને... એ પુલની નીચે વહેતી નદીનું નામ મહુડી છે. એ જ મહુડી નદીના કાંઠે આજે આ વિશાળ કરુણા હોટેલ ઊભી છે."

તેમણે હોલની દિવાલો તરફ જોયું.

"પણ આજે જે જગ્યાને તમે હોટેલ તરીકે ઓળખો છો, એ એક સમયે શહેરની સૌથી જાણીતી આર્ટ્સ અને કોમર્સ કોલેજ હતી."

"દૂર દૂરના ગામડાંઓ અને શહેરોમાંથી વિદ્યાર્થીઓ અહીં ભણવા આવતા. આખો કેમ્પસ યુવાનોના હાસ્ય, સપનાઓ અને મિત્રતાથી ગૂંજી ઊઠતો. અહીં અનેક લોકોએ પોતાના ભવિષ્યના સપના જોયા હતા."

મગનદાદા થોડી ક્ષણો માટે અટક્યા.

જાણે વર્ષો જૂની યાદો તેમની આંખો સામે જીવંત થઈ રહી હોય.

પછી તેમણે ધીમા પણ ગંભીર અવાજે કહ્યું,

"એ જ કોલેજમાં એક છોકરી ભણતી હતી...

માયા."

આ નામ સાંભળતાં જ હોલમાં ફરી એકવાર સન્નાટો છવાઈ ગયો.

"માયા..."

મગનદાદાએ ફરી તેનું નામ ઉચ્ચાર્યું.

"એવી સુંદર કે તેને એકવાર જોઈ લો તો નજર હટાવવાનું મન ન થાય."

"મોટી મોટી કાજળભરી આંખો, લાંબા રેશમી વાળ, ગોરો ચહેરો અને એવું વ્યક્તિત્વ કે જ્યાંથી પસાર થાય ત્યાં લોકોની નજર તેના પર જ અટકી જાય."

"ઘણા લોકો કહેતા કે ભગવાને તેને ફુરસદમાં બનાવી હતી."

"પણ..."

મગનદાદાનો અવાજ અચાનક ગંભીર થઈ ગયો.

"માત્ર સુંદરતા માણસને સારો બનાવતી નથી."

"માયામાં એક એવી ખામી હતી, જેણે આખરે બધાનું જીવન બરબાદ કરી નાખ્યું."

બધા ધ્યાનથી સાંભળી રહ્યા હતા.

"તેના પિતા શહેરના ખૂબ મોટા બિઝનેસમેન હતા."

"પૈસા, સત્તા અને પ્રભાવની તેને બાળપણથી જ આદત હતી."

"જે વસ્તુ ગમે એ મેળવીને જ રહેવાની જીદ તેના સ્વભાવમાં હતી."

"અને જે વ્યક્તિ તેની વાત ન માને, તેને નીચો દેખાડવામાં તેને જરાય અચકાટ નહોતો."

મગનદાદાએ માથું હલાવ્યું.

"તેના ઘમંડ અને વર્તનના કારણે આખી કોલેજમાં બહુ ઓછા લોકો તેને પસંદ કરતા."

"પ્રેમ કરવાની વાત તો દૂર રહી..."

"ઘણા વિદ્યાર્થીઓ તેની નજીક જવાનું પણ ટાળતા."

"જો કે અમુક છોકરીઓ અને છોકરાઓ જેને તેના પૈસા અને પાવરની મદદથી જલસા કરવા હતા તેઓ તેની સાથે જ રહેતા હતા.."

"તેને મોડીરાત સુધી ચાલતી પાર્ટીઓનો શોખ હતો."

"દારૂ પીવો, ડ્રગ્સ લેવી, નિયમો તોડવા અને પોતાની મરજી મુજબ જીવવું... એ તેના માટે સામાન્ય વાત હતી."

"કોલેજના શિક્ષકો પણ ઘણીવાર તેની હરકતોથી પરેશાન થઈ જતા."

"પણ તેના પિતાના પ્રભાવ સામે કોઈ કંઈ કરી શકતું નહોતું."

મગનદાદાની આંખોમાં હવે અજીબ પ્રકારનું દુઃખ દેખાતું હતું.

તેમણે ધીમે અવાજે કહ્યું,

"માયા હંમેશા માનતી હતી કે દુનિયામાં એવી કોઈ વસ્તુ નથી જે તેને મળી ન શકે..."

"અને એ જ વિચાર...

એ જ ઘમંડ...

એક દિવસ તેના જીવનનો સૌથી મોટો અભિશાપ બની ગયો."

હોલમાં બેઠેલા બધા મિત્રો એકાગ્રતાથી સાંભળી રહ્યા હતા.

તેમને હવે સમજાઈ રહ્યું હતું કે આ માત્ર કોઈ આત્માની વાર્તા નહોતી...

પણ વર્ષો પહેલાં શરૂ થયેલી એવી દુર્ઘટનાની કહાની હતી, જેના પડઘા આજે પણ આ હોટેલની દિવાલોમાં સંભળાઈ રહ્યા હતા.

મગનદાદાએ આગળ કહેવાનું શરૂ કર્યું,

"પણ કહેવાય છે ને કે પ્રેમ કોઈને પણ થઈ શકે... પછી ભલે તે માણસ કેવો પણ હોય."

તેમણે એક ઊંડો શ્વાસ લીધો.

"માયા જેટલી ઘમંડી, જીદ્દી અને ઉદ્ધત હતી, તેના હૃદયમાં પણ એક નામ વસેલું હતું."

"આનંદ."

આ નામ સાંભળતાં જ બધાએ એકબીજા સામે જોયું.

મગનદાદા આગળ બોલ્યા,

"આનંદ તેના જ ક્લાસમાં ભણતો હતો. ભણવામાં હોશિયાર, સ્વભાવે શાંત અને બધાને માન આપતો છોકરો. આખી કોલેજમાં તેના ઘણા મિત્રો હતા અને શિક્ષકો પણ તેને ખૂબ પસંદ કરતા."

"માયા માટે આનંદ માત્ર એક ક્લાસમેટ નહોતો."

"તેના માટે આનંદ એક ઝનૂન બની ગયો હતો."

"જ્યારે પણ આનંદ તેની સામે આવતો, ત્યારે માયાનો ઘમંડ અને અહંકાર જાણે થોડી ક્ષણો માટે ગાયબ થઈ જતો."

"તેની નજર આનંદ પર જ અટકી રહેતી."

"ઘણીવાર તે કોઈ ને કોઈ બહાને આનંદ સાથે વાત કરવાની કોશિશ કરતી. ક્યારેક નોટ્સ માંગવાના બહાને, તો ક્યારેક કોઈ પ્રોજેક્ટની ચર્ચાના બહાને."

"પણ..."

મગનદાદાનો અવાજ ફરી ગંભીર થઈ ગયો.

"આનંદને માયા જરાય પસંદ નહોતી."

"તે માયાના સ્વભાવથી સારી રીતે પરિચિત હતો."

"તે જાણતો હતો કે માયા માત્ર સુંદર છે, પરંતુ તેની અંદર ઘમંડ, સ્વાર્થ અને ગુસ્સો ભરેલો છે."

"એટલા માટે જ તે હંમેશા તેની પાસેથી દૂર રહેવાનો પ્રયત્ન કરતો."

"ઘણીવાર તો તે બધાની વચ્ચે જ માયાની વાતને હસી કાઢતો."

"ક્યારેક તેની મજાક ઉડાવતો."

"અને ક્યારેક એવી રીતે જવાબ આપતો કે માયા બધાની સામે અપમાનિત થઈ જતી."

હોલમાં બેઠેલા દરેક જણ ધ્યાનથી સાંભળી રહ્યા હતા.

મગનદાદાએ ધીમેથી કહ્યું,

"પણ આનંદ આમ શા માટે કરતો હતો, એનું એક કારણ હતું."

"કારણ કે આનંદ કોઈ બીજાને પ્રેમ કરતો હતો."

"પ્રિયા."

હોલમાં ફરી સન્નાટો છવાઈ ગયો.

"પ્રિયા અને આનંદ એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા."

"બંને એકબીજાનું માન રાખતા, ધ્યાન રાખતા, એકબીજાને સમજતા અને ભવિષ્યના સપના પણ સાથે જોતા."

"આખી કોલેજમાં તેમના પ્રેમની ચર્ચા થતી."

"અને એ જ વાત માયાને અંદરથી સળગાવતી."

મગનદાદાની આંખોમાં હવે ગંભીરતા વધી ગઈ.

"શરૂઆતમાં માયાએ ઘણું સહન કર્યું."

"તે વિચારતી હતી કે એક દિવસ આનંદ તેને સમજી જશે."

"પણ જેમ જેમ દિવસો પસાર થતા ગયા, તેમ તેમ તેની અંદરનો પ્રેમ ધીમે ધીમે ઝનૂનમાં બદલાતો ગયો."

"અને ઝનૂન જ્યારે હદ પાર કરે..."

"ત્યારે તે પ્રેમ રહેતો નથી."

"તે વિનાશ સર્જે છે."

મગનદાદા થોડી ક્ષણો માટે અટક્યા.

પછી ધીમા અવાજે બોલ્યા,

"એક દિવસ આનંદ કોલેજમાં હાજર નહોતો."

"અને એ જ દિવસે માયાનો ગુસ્સો કાબૂ બહાર નીકળી ગયો."

"તેણે પ્રિયાને કોલેજના પાછળના ભાગમાં રોકી."

"પહેલા બંને વચ્ચે બોલાચાલી થઈ."

"પછી એ બોલાચાલી ઝઘડામાં ફેરવાઈ ગઈ."

"અને થોડી જ વારમાં..."

મગનદાદાનો અવાજ ભારે થઈ ગયો.

"માયાએ ગુસ્સામાં પોતાનો કાબૂ ગુમાવી દીધો."

"તેણે પ્રિયાને ધક્કા માર્યા."

"તેના વાળ ખેંચ્યા."

"અને બધાની સામે તેની સાથે હાથાપાઈ કરી."

"પ્રિયાને ઇજા પણ પહોંચી."

"એ દિવસે આખી કોલેજે પહેલીવાર જોયું હતું કે માયાના પ્રેમની પાછળ કેટલો ભયંકર અહંકાર અને પાગલપન છુપાયેલું હતું."

હોલમાં બેઠેલા બધા લોકો હવે સમજી રહ્યા હતા કે આ કોઈ સામાન્ય પ્રેમકથા નહોતી...

આ તો એવી દુઃખદ અને ખતરનાક શરૂઆત હતી, જે આગળ જઈને અનેક લોકોના જીવનને અંધકારમાં ધકેલી દેવાની હતી.

જ્યારે પ્રિયા અને માયા વચ્ચે થયેલા ઝઘડાની વાત આનંદ સુધી પહોંચી, ત્યારે તે ગુસ્સાથી લાલઘૂમ થઈ ગયો. 

પ્રિયા માત્ર તેની પ્રેમિકા જ નહોતી, પરંતુ તેના માટે સૌથી વિશ્વાસપાત્ર વ્યક્તિ હતી. 

પ્રિયાના ગાલ પર પડેલા નિશાન અને તેની આંખોમાં દેખાતો ડર જોઈને આનંદનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો.

બીજા દિવસે કોલેજના કેમ્પસમાં, બપોરના સમયે, ઘણા વિદ્યાર્થીઓની હાજરીમાં આનંદ સીધો માયા પાસે પહોંચી ગયો. 

માયા પોતાના મિત્રો સાથે ઊભી હતી. આનંદની આંખોમાં ભરાયેલો ગુસ્સો જોઈને આસપાસના વિદ્યાર્થીઓ પણ ચુપ થઈ ગયા.

"તને શું લાગ્યું હતું, માયા? તું જે ઇચ્છે તે કરી શકે છે?" આનંદે કડક અવાજમાં પૂછ્યું.

માયાએ પણ પોતાના ઘમંડભર્યા અંદાજમાં જવાબ આપ્યો.

"હા, કર્યું છે મેં. તો હવે શું કરી લેશે તું? તું માત્ર અને માત્ર મારો છે..જો કોઈ તને મારાથી દૂર કરવાની કોશિશ કરશે, તો એની હાલત એવી જ થશે.."

આ શબ્દો સાંભળતા જ આનંદનો ગુસ્સો કાબૂ બહાર થઈ ગયો. પળવારમાં જ તેણે બધાની વચ્ચે માયાના ગાલ પર એક જોરદાર તમાચો ઝીંકી દીધો.

ચટાક...!

તમાચાનો અવાજ આખા કેમ્પસમાં ગુંજી ઉઠ્યો.

આસપાસ ઊભેલા વિદ્યાર્થીઓ સ્તબ્ધ બની ગયા. કોઈને વિશ્વાસ નહોતો થતો કે કોલેજમાં એવી છોકરી, જેનાથી બધા ડરતા હતા, તેને કોઈએ બધાની સામે તમાચો મારી દીધો હતો.

માયાનું માથું એક તરફ ઝૂકી ગયું. તેના ગાલ પર પાંચ આંગળીઓના નિશાન સ્પષ્ટ દેખાવા લાગ્યા. થોડા ક્ષણો માટે તો તેને સમજાયું જ નહીં કે તેની સાથે શું થયું હતું. ધીમે ધીમે તેણે પોતાનો ચહેરો ઊંચો કર્યો.

તેની આંખોમાં આંસુ નહોતા.

ત્યાં તો માત્ર અપમાન, ક્રોધ અને બદલો લેવાની આગ ધગધી રહી હતી.

આ પહેલી વાર હતું જ્યારે કોઈએ તેને બધાની સામે અપમાનિત કરી હતી. અત્યાર સુધી તે જ બીજાઓને નીચા દેખાડતી આવી હતી, પરંતુ આજે આખી કોલેજ તેની તરફ દયા અને આશ્ચર્યથી જોઈ રહી હતી.

"પ્રિયા પર હાથ ઉઠાવવાનો તને કોઈ હક નથી," આનંદ ગુસ્સામાં બોલ્યો, "આ છેલ્લી ચેતવણી છે. ફરી ક્યારેય તેની નજીક જવાની કોશિશ પણ ના કરતી."

આટલું કહીને આનંદ ત્યાંથી ચાલતો થયો..

વળી તે પાછો ફર્યો અને ગુસ્સામાં બોલ્યો, " હું તને પ્રેમ નથી કરતો..આશા પણ ન કરતી કે હું ક્યારેય તને પ્રેમ કરીશ..મને તારો આ ઘમંડથી ભરેલો ચહેરો જ પસંદ નથી..."

તે ત્યાંથી ગુસ્સામાં ચાલ્યો ગયો..

પરંતુ તે જતો રહ્યો પછી પણ માયા ત્યાં જ ઊભી રહી.

તેના ગાલની પીડા કરતાં તેના આત્મસન્માન પર થયેલો ઘા ઘણો ઊંડો હતો.

ધીમે ધીમે તેણે પોતાની મુઠ્ઠીઓ ભીંસી.

તેની આંખોમાંથી હવે આંસુઓની જગ્યાએ નફરત ટપકી રહી હતી.

તે મનમાં જ બબડી ઊઠી—

"આનંદ... આજે તું મને બધાની સામે અપમાનિત કરીને ગયો છે. હું આ અપમાન ક્યારેય નહીં ભૂલું. એક દિવસ એવો આવશે જ્યારે તું અને તારી એ પ્રિયા... બંને મારી સામે દયા માટે ભીખ માંગશો. અને એ દિવસે હું તમને માફ નહીં કરું."

એ ક્ષણે માયાના દિલમાં પ્રેમનો છેલ્લો અંશ પણ મરી ગયો.

હવે ત્યાં માત્ર અંધકાર, અહંકાર અને ભયંકર વેરની આગ બાકી રહી હતી... અને એ આગ જ ભવિષ્યમાં એક એવા ભયાનક બનાવને જન્મ આપવાની હતી, જેનો પડઘો વર્ષો પછી પણ લોકોના દિલમાં ડર બનીને જીવતો રહેવાનો હતો.


ક્રમશઃ

Dr Dipak Kamejaliya 
"શિલ્પી"