શ્યામ અને ભગવાન શ્રી કૃષ્ણ હવે સ્વર્ગની શોધ કરતાં કરતાં થાકી ગયા હતા.
સમયનો પણ હવે કોઈ ખ્યાલ રહ્યો નહોતો. તેઓ અવકાશમાં આમથી તેમ ભટકી રહ્યા હતા…
પરંતુ સ્વર્ગ ક્યાંય મળતું નહોતું.
અચાનક જ શ્યામના મનમાં એક સવાલ આવ્યો.“પ્રભુ… સમગ્ર બ્રહ્માંડમાં એવા કેટલા ગ્રહો હશે જ્યાં પૃથ્વીની જેમ જીવન વસતું હોય? જ્યાં લોકો માણસોની જેમ વિચારી શકે… પોતાનો વિકાસ કરી શકે?”
ભગવાન શ્રી કૃષ્ણ તેની સામે જોઈને સહેજ હસ્યા.“માણસો બહુ ઓછું વિચારે છે લાલભાઈ… તેઓ વિકાસ ઓછો અને વિનાશ વધારે કરે છે.”
શ્યામ ચૂપચાપ સાંભળતો રહ્યો.
ભગવાન આગળ બોલ્યા—“સાચો વિકાસ એ નથી કે માત્ર આપણે એકલા આગળ વધીએ. સાચો વિકાસ તો ત્યારે કહેવાય જ્યારે આપણી સાથે પ્રકૃતિનો પણ વિકાસ થાય."
"માણસ કુદરત પાસેથી ઘણું બધું લે છે… પરંતુ પાછું આપવાનું ભૂલી જાય છે.”
તેમણે અવકાશમાં દૂર ચમકતા તારાઓ તરફ જોયું.“પ્રકૃતિ હંમેશા આપે જ છે મિત્ર…પરંતુ જ્યારે માણસ પોતાની ફરજ ભૂલી જાય છે, ત્યારે વિકાસને બદલે વિનાશ શરૂ થાય છે.”
થોડા ક્ષણો પછી તેઓ ફરી બોલ્યા—“સમગ્ર બ્રહ્માંડમાં હાલમાં એવા ૧૦૮૭ ગ્રહો છે જ્યાં બુદ્ધિશાળી સજીવો વસે છે.”
પછી અચાનક તેઓ હસ્યા.“ઓહ સોરી… હમણાં જ આપણે ઓસ્ટ્રોમસને તેના શ્રાપમાંથી મુક્ત કર્યો. એટલે હવે કુલ ૧૦૮૬ ગ્રહો રહ્યા.”શ્યામ આશ્ચર્યથી તેમની સામે જોતો રહ્યો.“આ બધા ગ્રહો પર કરોડો પ્રકારના જીવ વસે છે. કોઈ ઓછા બુદ્ધિશાળી, કોઈ અત્યંત વિકસિત."
"દરેક પોતાના રીતે જીવન જીવે છે. ફરક માત્ર એટલો છે કે દરેક ગ્રહ પર સમય અલગ રીતે વહે છે.”
“અને ભગવાન…?” શ્યામે ધીમેથી પૂછ્યું.
ભગવાન સહેજ મલક્યા.“ભગવાન તો બધાના એક જ છે…માત્ર તેમના સ્વરૂપ અલગ અલગ છે.”
થોડી ક્ષણો માટે બંને વચ્ચે મૌન છવાઈ ગયું.
પછી ભગવાન ધીમેથી બોલ્યા—“સમગ્ર બ્રહ્માંડનું સર્જન બ્રહ્મદેવે કર્યું છે. અને તેમનો એક અચલ નિયમ છે…”
તેમનો અવાજ ગંભીર બની ગયો.“કોઈ પણ ગ્રહના તમામ સજીવોને એકસાથે જીવનચક્રમાંથી મુક્તિ ક્યારેય ન આપવી.”
“પણ આપણે તો ઓસ્ટ્રોમસ પરના બધાને મુક્તિ આપી દીધી હતી ને?” શ્યામ તરત જ બોલી પડ્યો.
ભગવાન તેની સામે શંકાશીલ નજરે જોવા લાગ્યા.
તેમની મોટી થયેલી આંખો જોઈને શ્યામને પોતાની ભૂલ સમજાઈ ગઈ.
હજી પણ મહર્ષિ વેદભટ્ટાચાર્ય ત્યાં પોતાની સજા ભોગવી રહ્યા હતા.
કદાચ… એકલા… પોતાનો તૂટેલો આત્મારસ દંડ શોધતા હશે.
"મુક્તિ તો મારે બધાને આપવી જ હતી, અને એટલા માટે જ મેં મહર્ષિ વેદભટ્ટાચાર્ય ને ઘણીવાર સમજાવવાની કોશિશ કરી, પરંતુ તે એકના બે ના થયા. એટલે પછી મારી પાસે બીજો કોઈ રસ્તો નહોતો." ભગવાને નિસાસો નાખતા કહ્યું.
“અમારા દેવલોકમાં એવું માનવામાં આવે છે કે સ્વર્ગનો માર્ગ પાતાળમાંથી પસાર થાય છે,” ભગવાન અચાનક વાત બદલતા બોલ્યા.
શ્યામ ઉત્સાહથી બોલ્યો—“તો ચાલો! એકવાર પાતાળ લોકમાં જઈએ!”
“પણ પાતાળમાં જવા માટે સૌ પ્રથમ શું કરવું પડશે?” તેણે ઉત્સુકતાથી પૂછ્યું.
ભગવાને કોઈ જવાબ ના આપ્યો.
તેઓ માત્ર તેની સામે જોઈને રહસ્યમય રીતે હસ્યા.
શ્યામને થોડું અજીબ લાગ્યું…
પરંતુ તેણે એ વાતને નજરઅંદાજ કરી.
તેઓ અવકાશમાં આગળ વધી રહ્યા હતા.
થોડા સમય પછી દૂરથી પૃથ્વી દેખાવા લાગી.પૃથ્વીને જોઈને શ્યામનો ચહેરો ખુશીથી ચમકી ઊઠ્યો.
“અરે વાહ! આપણે ઘરે જઈ રહ્યા છીએ હે ને પ્રભુ?” તે ઉત્સાહથી બોલી પડ્યો.
ભગવાન શ્રી કૃષ્ણ મલક્યા.“જો તને ઘર યાદ આવતું હોય તો આપણે ત્યાં જઈ શકીએ. મને કોઈ વાંધો નથી.”
શ્યામ લગભગ હા પાડવા જતો હતો.તેને પોતાની મમ્મી યાદ આવી ગઈ.ઘણા દિવસોથી તે તેમને મળ્યો નહોતો.
પરંતુ પછી તેને યાદ આવ્યું—
તે હજુ સુધી ભગવાનને સ્વર્ગ સુધી પહોંચાડી શક્યો નહોતો.
તો પછી… પોતાના ઘરે જવાનો વિચાર કેવી રીતે કરી શકે?
તેણે મન મજબૂત કર્યું.
અને તેઓ પાતાળ તરફની સફરમાં આગળ વધ્યા.
તેઓ હવે પૃથ્વી પર આવી પહોંચ્યા હતા.
સ્વર્ગની શોધમાં તેમની આગામી સફર હતી—
પાતાળ લોક.
પૃથ્વી પર કોઈ સામાન્ય માણસ કદાચ ક્યારેય કલ્પના પણ ના કરી શકે કે સ્વર્ગનો માર્ગ પાતાળમાંથી પસાર થતો હશે.
થોડા સમય પછી તેઓ એક વિશાળ સમુદ્ર કિનારે આવ્યા.
ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણનો દૈવી રથ ધીમે ધીમે દરિયાની અંદર તરફ આગળ વધવા લાગ્યો.
સમુદ્રતટથી હજારો માઈલ દૂર આવ્યા છતાં તેઓ અટક્યા નહિ.
શ્યામને લાગ્યું કદાચ તેઓ કોઈ રહસ્યમય ટાપુ તરફ જઈ રહ્યા હશે.પરંતુ…
અચાનક જ તેને એક અદભુત દ્રશ્ય દેખાયું.
સમુદ્રની વચ્ચે એક વિશાળ કમળ ખીલેલું હતું.એ કમળ એટલું મોટું હતું કે દૂરથી જોતા કોઈ વૃક્ષ કે ટાપુ જેવું લાગતું હતું.
તેની પાંખડીઓ પર આછો સુવર્ણ પ્રકાશ ઝગમગી રહ્યો હતો.
ભગવાન શ્રી કૃષ્ણ કમળની એકદમ નજીક ગયા અને ખૂબ ધીમા અવાજમાં કંઈક બોલ્યા.
પછી તેઓ શ્યામ તરફ ફરીને બોલ્યા—“લાલભાઈ, પાતાળમાં જવાનો આ એકમાત્ર માર્ગ છે.”
શ્યામ આશ્ચર્યથી કમળ તરફ જોઈ રહ્યો હતો.
ભગવાન આગળ બોલ્યા—“આ માર્ગ દરેક માટે ખુલતો નથી.પાતાળ સુધી પહોંચવા માટે કારણ શુદ્ધ હોવું જરૂરી છે.”
તેમણે કમળ તરફ આંગળી ચીંધી.“સાચા મનથી તેને કહેજે કે આપણે ત્યાં શા માટે જઈ રહ્યા છીએ. જો આપણો ઉદ્દેશ્ય યોગ્ય હશે… તો રસ્તો ખુલી જશે.”
શ્યામ ધીમે ધીમે કમળની નજીક ગયો.
તેણે આંખો બંધ કરી અને પોતાના મનની વાત કહી.
થોડી જ ક્ષણોમાં કમળની મધ્યમાં રહેલી પાંખડીઓ ધીમે ધીમે અલગ થવા લાગી.
પછી…
તેની અંદર એક ઊંડો માર્ગ દેખાવા લાગ્યો.
શ્યામ આશ્ચર્યથી ભગવાન તરફ જોવા લાગ્યો.
ભગવાન સહેજ મલક્યા.“હવે ધ્યાનથી સાંભળજે લાલભાઈ…”
તેમનો અવાજ ગંભીર બની ગયો.“અપણે અત્યંત ભયાનક જગ્યા તરફ જઈ રહ્યા છીએ.
"મને પૂછ્યા વગર કોઈ વસ્તુને હાથ નહિ લગાવતો…"
"ગભરાઈને ભાગવાનો પ્રયત્ન તો બિલકુલ નહિ કરતો.”
“ઓકે…” શ્યામે ટૂંકમાં જવાબ આપ્યો જોકે તેના શરીરમાં ડરની એક અરેરાટી પ્રસરી ગઈ.
તેને હજુ સમજાયું નહોતું કે ભગવાન તેને ડરાવી રહ્યા હતા…
કે ખરેખર ચેતવણી આપી રહ્યા હતા.
હવે તેમને કમળની અંદર બનેલા ઊંડા માર્ગમાં કૂદવાનું હતું.
કૂદતા પહેલાં ભગવાન ફરી બોલ્યા—“એક વાત યાદ રાખજે મિત્ર…ડર્યા વગર અને આંખો ખુલ્લી રાખીને કૂદજે.પાતાળ સુધીનો રસ્તો આપોઆપ જ મળી જશે.”
શ્યામે ગભરાઈને માથું ધુણાવ્યું.“પહેલા તમે કૂદજો… પછી હું આવું,” તેણે ધીમેથી કહ્યું.
ભગવાન હસી પડ્યા.“અરે ડર નહિ લાલભાઈ…હું તારી સાથે જ છું.”
એમ કહી તેઓ કમળની અંદર કૂદી પડ્યા.
શ્યામે પણ ભગવાનનું નામ લઈને આંખો બંધ કરી… અને કૂદી પડ્યો.
કમળની અંદરનું વાતાવરણ અજીબ રીતે શાંત હતું.અહીં ઠંડક પણ હતી… અને અજાણી હુંફ પણ.
કમળની વિશાળ પાંખડીઓ ખૂબ જ કોમળ અને ચમકદાર હતી.
થોડા સમય પછી તેઓ એક ખુલ્લા મેદાન જેવી જગ્યાએ આવી પહોંચ્યા.
શ્યામે ઉપર નજર કરી.ત્યાં પણ આકાશ હતું…પરંતુ પૃથ્વી જેવું નહિ.
અહીં આખું આકાશ લાલ રંગનું હતું.દૂર સુધી લાલાશભર્યા વાદળો ફેલાયેલા હતા. વચ્ચે વચ્ચે લાલ વીજળી કડકતી હતી.
શ્યામના શરીરમાં સહેજ કંપારી ફરી ગઈ.“મેં સાંભળ્યું છે કે પાતાળમાં દૈત્ય, દાનવ, નાગ અને રાક્ષસો રહે છે… શું એ સાચું છે પ્રભુ?” તેણે ધીમેથી પૂછ્યું.
ભગવાન શ્રી કૃષ્ણ રહસ્યમય રીતે હસ્યા.“અપણે જઈએ જ છીએ લાલભાઈ…તું પોતાની આંખે જ જોઈ લેજે.”
એ જવાબ સાંભળીને શ્યામનો ડર થોડો વધી ગયો.
ક્રમશઃ
Dr Dipak kamejaliya
"શિલ્પી"