LALO 2 - 6 in Gujarati Spiritual Stories by Kamejaliya Dipak books and stories PDF | લાલો 2 - પ્રકરણ 6

Featured Books
Categories
Share

લાલો 2 - પ્રકરણ 6




જંગલમાં જતાં પહેલાં તેઓ હંમેશની જેમ રાજગુરુ મહર્ષિ વેદભટ્ટાચાર્યની સલાહ લેવા તેમના આશ્રમમાં પહોંચ્યા.

અને ત્યાં…

મહર્ષિએ તેમને જંગલમાં જતાં રોકી દીધા.
“મહારાજ… જો તમે અત્યારે જંગલમાં જશો… તો જીવિત પાછા નહિ ફરો.”

આ સાંભળીને મહારાજ ચોંકી ગયા.
“પણ ગુરુવર… આવું કેમ?”

મહર્ષિ વેદભટ્ટાચાર્યની આંખોમાં ગંભીરતા આવી ગઈ.

પછી તેઓ ધીમા અવાજમાં બોલ્યા —
“અમીનારણ્યમાં ‘ઓસ્ટ્રસ’ નામનો એક વિશાળ હાથી રહે છે.”
“પરંતુ હવે તે સામાન્ય હાથી રહ્યો નથી.”
“મદ અને અહંકારએ તેની બુદ્ધિને ભસ્મ કરી નાખી છે.”
“તે આખા જંગલને ખેદાનમેદાન કરવા લાગ્યો છે.”
“વિશાળ વૃક્ષો… વન્યપ્રાણીઓ… અને તેની સામે આવતો દરેક જીવ હવે જોખમમાં છે.”
“તેના મનમાં એક ભયાનક વિચાર જન્મ્યો છે.”
“હવે તે પોતાને સમગ્ર દુનિયાનો સ્વામી માનવા લાગ્યો છે.”
“અને જે કોઈ તેની સામે આવે… તેને પોતાનો શત્રુ સમજી તેનો નાશ કરવા દોડી પડે છે.”

આશ્રમમાં થોડા સમય માટે ભયાનક શાંતિ છવાઈ ગઈ.

પછી મહારાજ અમીરાજ ગંભીર અવાજમાં બોલ્યા 
“પરંતુ ગુરુવર… જો એવી વાત છે, તો એ દુષ્ટ હાથીનો અંત કરવો આવશ્યક છે.”
“આજે નહિ તો કાલે તે રાજ્ય સુધી આવી પહોંચશે.”
“અને જો એવું થયું… તો હજારો નિર્દોષ લોકો સંકટમાં મુકાઈ જશે.”

મહારાજની આંખોમાં હવે ચિંતા સ્પષ્ટ દેખાઈ રહી હતી.
“શું તેને રોકવાનો કોઈ માર્ગ નથી, ગુરુદેવ…?”

ગુરુદેવ થોડા સમય સુધી ઊંડા વિચારમાં ડૂબેલા રહ્યા.
આખા આશ્રમમાં શાંતિ છવાઈ ગઈ હતી.

પછી અંતે તેઓ ધીમેથી બોલ્યા —
“હે રાજન… એ હાથીને મારવો અત્યંત મુશ્કેલ છે.”
“પરંતુ…”
તેમની આંખોમાં ગંભીરતા આવી ગઈ.
“તમારા રાજ્યને તેના આતંકથી બચાવવાનો એક ઉપાય જરૂર છે.”

ત્યારબાદ ગુરુદેવએ મહારાજ અમીરાજને એક ગુપ્ત ઉપાય સમજાવ્યો.

મહારાજ ધ્યાનથી તેમની દરેક વાત સાંભળતા રહ્યા.

અંતે તેમણે ગુરુદેવના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લીધા અને આશ્રમમાંથી નીકળવા લાગ્યા.

પરંતુ એ જ ક્ષણે…

ગુરુદેવના ઊંચા અવાજે તેમને અટકાવ્યા —
“એક વાતનું ખાસ ધ્યાન રાખજો, મહારાજ!”

મહારાજ તરત પાછળ વળ્યા.

મહર્ષિ વેદભટ્ટાચાર્યની આંખોમાં હવે અજીબ ગંભીરતા દેખાઈ રહી હતી.
“કોઈ પણ સંજોગોમાં તમારે ઓસ્ટ્રસ સાથે યુદ્ધમાં નથી ઉતારવાનું.”
“જો તમે તેની સાથે યુદ્ધ કરશો… તો ભયંકર અનર્થ સર્જાશે.”

થોડા સમય માટે બંને વચ્ચે શાંતિ છવાઈ ગઈ.
પછી ગુરુદેવ ધીમેથી બોલ્યા —
“જાઓ… વિજયી ભવઃ”

એટલું સાંભળતાં જ મહારાજ અમીરાજ પોતાના મંત્રી સુખદેવજી અને સૈનિકો સાથે ઘોડા પર સવાર થઈ અમીનારણ્ય તરફ નીકળી પડ્યા.

પરંતુ જંગલમાં પ્રવેશતા જ… તેમના ચહેરાનો રંગ ઉડી ગયો.

આખું જંગલ વિનાશમાં ફેરવાઈ ગયું હતું.

જ્યાં નજર જાય ત્યાં સુધી વિશાળ વૃક્ષો ધરાશાયી પડ્યા હતા.

વન્યપ્રાણીઓની લાશો જમીન પર ચારે તરફ ફેલાઈ હતી.

કેટલીક જગ્યાએ તો આખી જમીન લોહીથી લાલ થઈ ગઈ હતી.

હવામાં સડાંધ અને મૃત્યુની ગંધ ફેલાઈ રહી હતી.

શાંતિથી ભરેલું અમીનારણ્ય હવે ભયાનક કબરસ્તાન જેવું લાગતું હતું.

મહારાજ અમીરાજની આંખો ભીની થઈ ગઈ.
કારણ કે… જ્યાં જુઓ ત્યાં ઓસ્ટ્રસના આતંકનો વિનાશ જ દેખાઈ રહ્યો હતો.

મહારાજ અમીરાજ ઘોડા પર બેઠા બેઠા આસપાસ ફેલાયેલો વિનાશ જોઈ રહ્યા હતા.

તેમની આંખોમાં દુઃખ અને ક્રોધ બંને સ્પષ્ટ દેખાઈ રહ્યા હતા.

જ્યાં ક્યારેય પક્ષીઓનો કલરવ ગુંજતો હતો… ત્યાં આજે ભયંકર શાંતિ છવાઈ ગઈ હતી.

વિશાળ વૃક્ષો મૂળ સહિત ઉખડીને જમીન પર પડ્યા હતા.

હરણ… સિંહ… સસલા… અને અનેક 

વન્યપ્રાણીઓના મૃતદેહો ચારે તરફ વિખરાયેલા હતા.

આખું અમીનારણ્ય જાણે મૃત્યુના પ્રદેશમાં બદલાઈ ગયું હતું.

“હે ભગવાન… આ કેવી ભયાનક સ્થિતિ થઈ ગઈ…”
મંત્રી સુખદેવજી ધ્રૂજતા અવાજે બોલ્યા.

મહારાજ અમીરાજે ક્રોધથી પોતાની મુઠ્ઠી ભીંસી લીધી.
“આ દુષ્ટ ઓસ્ટ્રસને આજે રોકવો જ પડશે.”

થોડું આગળ વધતા જ અચાનક સૈનિકોના ઘોડા ગભરાઈને અટકી ગયા.

હવામાં અજીબ પ્રકારની સડાંધ ફેલાઈ ગઈ હતી.
જાણે આસપાસ ક્યાંક અસંખ્ય મૃતદેહો સડી રહ્યા હોય.

મહારાજ ઘોડા પરથી નીચે ઉતર્યા.
તેમની નજર જમીન પર પડી…
અને તેઓ એક ક્ષણ માટે સ્તબ્ધ થઈ ગયા.

જમીન પર વિશાળ પગલાંના નિશાન દેખાઈ રહ્યા હતા.

પરંતુ… એ સામાન્ય હાથીના પગલાં નહોતા.

દરેક નિશાન એટલું મોટું હતું કે તેમાં એક માણસ સહેલાઈથી ઊભો રહી શકે.

“આટલા વિશાળ પગલાં…?”
એક સૈનિક ડરીને બોલી પડ્યો.

અને એ જ ક્ષણે…

દૂરથી એક ભયંકર ચિંગાડ આખા જંગલમાં ગુંજી ઊઠી.

એ અવાજ એટલો ભયાનક હતો કે ઝાડ પર બેઠેલા પક્ષીઓ ગભરાઈને ઉડી ગયા.

ઘણા સૈનિકોના હાથમાંથી ભાલા છૂટી ગયા.

ઘોડા બેચેન થઈને પાછળ હટવા લાગ્યા.

“ઓસ્ટ્રસ…”

મહારાજ અમીરાજ ધીમેથી બોલ્યા.

અચાનક જંગલના ગાઢ અંધકારમાં કંઈક વિશાળ હલતું દેખાયું.

પછી…

વૃક્ષો તૂટવાના અવાજ ધીમે ધીમે નજીક આવવા લાગ્યા.

ધડામ્મ્મ…!!

એક વિશાળ વૃક્ષ જમીન પર પટકાયું.

અને એ પછી…

આખા જંગલમાં ભય છવાઈ ગયો.

કારણ કે તેમની સામે હવે ઓસ્ટ્રસ ઊભો હતો.
તેનું શરીર સામાન્ય હાથી કરતા અનેકગણું વિશાળ હતું.

તેની કાળી અને કઠોર ચામડી પર અસંખ્ય ઘા દેખાઈ રહ્યા હતા.
તેની આંખો લોહી જેવી લાલ હતી… અને વિશાળ દાંત પર તાજું લોહી લાગેલું હતું.
તેની સૂંઢ પર ઊંડા ઘાવ હતા.

જાણે તેણે અસંખ્ય પ્રાણીઓ સાથે યુદ્ધ કર્યું હોય.

પરંતુ સૌથી ભયાનક હતી તેની આંખો…
કારણ કે એમાં માત્ર ક્રોધ નહોતો.
એમાં પાગલપણું હતું.

ઓસ્ટ્રસે મહારાજ અમીરાજ તરફ જોયું…
અને ભયંકર ચિંગાડ કરી.
આખી જમીન ધ્રૂજી ઊઠી.

કેટલાક સૈનિકો ડરીને પાછળ ભાગી ગયા.

મંત્રી સુખદેવજી તરત જ બૂમ પાડી ઊઠ્યા —
“મહારાજ! કૃપા કરીને ગુરુદેવની વાત યાદ કરો!
યુદ્ધ નહિ કરશો!”

પરંતુ મહારાજાની આંખોમાં હવે અગ્નિ સળગી રહ્યો હતો.

તેમની સામે પોતાની પ્રજાના વિનાશનું કારણ ઊભું હતું.
તેમણે ધીમે ધીમે પોતાની તલવાર બહાર ખેંચી…
અને એ જ ક્ષણે…
ઓસ્ટ્રસ વીજળીની ઝડપે તેમની તરફ દોડી આવ્યો.

ઓસ્ટ્રસને પોતાની તરફ દોડતું જોઈ એક ક્ષણ માટે મહારાજ અમીરાજના મનમાં ભયંકર ક્રોધ ઉઠ્યો.
તેમને લાગ્યું કે અત્યારે જ પોતાની તલવારથી આ દુષ્ટ હાથીના ટુકડા કરી નાખે.

પરંતુ એ જ સમયે…

મંત્રી સુખદેવજીએ ધીમેથી તેમના ખભા પર હાથ મૂક્યો.
મહારાજ તરત જ સમજી ગયા.
તેમને ગુરુદેવના શબ્દો યાદ આવી ગયા.
“યુદ્ધ નહિ કરશો…”

તરત જ તેમણે પોતાના ઘોડાની લગામ જોરથી ખેંચી.
ઘોડો હણહણાટ સાથે પાછળના બે પગ પર ઊભો થઈ ગયો.
એ અવાજ સાંભળતાં જ ઓસ્ટ્રસનું સંપૂર્ણ ધ્યાન તેમની તરફ ગયું.

તેણે ભયંકર ચિંગાડ કરી…
અને વીજળીની ઝડપે તેમની તરફ દોડવા લાગ્યો.

મહારાજ તરત જ ઉત્તર દિશા તરફ ઘોડો દોડાવી દીધો.

તેમની પાછળ મંત્રી સુખદેવજી… અને પછી બાકીના સૈનિકો પણ પૂરપાટ ઝડપે દોડવા લાગ્યા.

પરંતુ ઓસ્ટ્રસ તેમની પાછળ મૃત્યુની જેમ દોડી રહ્યો હતો.

રસ્તામાં અનેક સૈનિકો તેના વિશાળ પગ નીચે કચડાઈ ગયા.

કેટલાક ભયમાં ભાગતાં ભાગતાં વૃક્ષો સાથે અથડાઈ મૃત્યુ પામ્યા.

અંદાજે એક પ્રહર સુધી આ ભયંકર પીછો ચાલતો રહ્યો.

અને પછી…

અચાનક મહારાજ અમીરાજની આંખો પહોળી થઈ ગઈ.

કારણ કે તેમની સામે હવે મહર્ષિ દિવ્યદગ્ધિનો આશ્રમ દેખાઈ રહ્યો હતો.

તરત જ તેમને ગુરુદેવના શબ્દો યાદ આવી ગયા —
“જંગલના ઉત્તર ભાગમાં મહર્ષિ દિવ્યદગ્ધિ તપસ્યા કરી રહ્યા છે.”
“જો તેમની તપસ્યા ભંગ થાય… તો તેઓ ભયંકર દંડ આપે છે.”
“તમારે ઓસ્ટ્રસને તેમની સમક્ષ લઈ જવાનો છે.”
“પરંતુ યાદ રાખજો — મહર્ષિની તપસ્યાનો ભંગ તમારાથી નહિ… ઓસ્ટ્રસ દ્વારા જ થવો જોઈએ.”

મહારાજ તરત જ સમજી ગયા.

તેમણે બધા સૈનિકોને આશ્રમની પાછળ જવાનો આદેશ આપ્યો.
બધા સૈનિકો ઝડપથી મહર્ષિની પાછળ પહોંચી ગયા.
પરંતુ…

ઓસ્ટ્રસ તો પોતાના ક્રોધમાં અંધ બની ચૂક્યો હતો.
તેને કશાનો ખ્યાલ જ નહોતો.
તે ભયંકર ઝડપે દોડતો સીધો આશ્રમમાં ઘૂસી આવ્યો.

અને આવતાની સાથે જ…
તેણે પોતાની વિશાળ સૂંઢ વડે તપસ્યામાં લીન મહર્ષિ દિવ્યદગ્ધિને ગળાથી પકડીને દૂર ફેંકી દીધા.

ધડામ્મ્મ…!!

મહર્ષિ દૂર જમીન પર પટકાયા.

પછી ધીમે ધીમે તેઓ ઊભા થયા.

તેમની આંખોમાં લાલ પ્રકાશ સળગી રહ્યો હતો.

કપાળ પરની કરચલીઓ વધુ ગાઢ બની ગઈ હતી.

તેમનું હાડપિંજર જેવું શરીર ક્રોધથી ધ્રૂજી રહ્યું હતું.

આખા જંગલમાં અચાનક ભયંકર શાંતિ છવાઈ ગઈ.



ક્રમશઃ

Dr Dipak kamejaliya 
"શિલ્પી"