ભાવનું ટોકરું
એક વિશાળ ટોકરું, જાણે જીવનનું ખુલ્લું મેદાન. તેની અંદર અસંખ્ય મરઘા, એકબીજા સાથે જીવન-મરણનું યુદ્ધ કરતા. નીચેનો મુર્ગો ઉપરનાને પગથી ઠેલીને, પાંખો ફડફડાવતો, હવાની એક ઝલક મેળવવા માટે તરફડી ઊઠતો. ઉપરનો નીચે પડીને ફરી ઊભો થવાનો પ્રયાસ કરતો. આંખોમાં ભૂખ અને તરસની આગ, જાણે જીવનની તમામ ભૂખ અને જીજીવિષા લાલસાઓનું પ્રતીક. તેઓ એકબીજાના પીંછા નોંધીને, ચાંચો વીંધીને, લોહીના ટપકાંથી ટોકરાને લાલ કરતા. કોઈના પંજા કોઈના ગળામાં, કોઈની પીઠ પર કોઈની ચાંચ. આ યુદ્ધમાં કોઈ વિજેતા નહીં, માત્ર અસ્તિત્વની તરફડાટ.
अहस्तानि सहस्तानाम् अपदानि चतुष्पदाम्।
फल्गूनि तत्र महतां जीवो जीवस्य जीवनम्॥
અચાનક આકાશમાંથી જાણે કાળની છાયા ઊતરી. કસાઈ, હાથમાં તીક્ષ્ણ છુરી લઈને, ટોકરા પાસે આવી પહોંચ્યો. તેની આંખોમાં કોઈ કરુણા નહીં, માત્ર સ્વાર્થની નિર્મમતા. તેણે એક મરઘાની ગરદન પકડી, ટોકરામાંથી બહાર ખેંચી કાઢી અને એક જ ઝાટકે કાપી નાખી. ગરમ લોહીની ધાર ફૂટી, જાણે જીવનનું અંતિમ અભિવ્યક્તિ. કપાયેલું શરીર ટોકરામાં પડતાં જ બાકીના જીવતા મરઘાઓ તેના પર ટૂંકી પડ્યા. ભૂખે મરતા પેટને શાંત કરવા તેઓ લોહીમાં ચાંચ મારવા લાગ્યા. મરેલા મરઘાનું માથું, જાણે રમતની ગેંડ, ચાંચોની છીનાઝપટીમાં ઉછળતું-લુઢકતું.
કસાઈ અટક્યો નહીં. એક પછી એક, ગરદન પકડી, કાપી, ફેંકી. ટોકરામાં જીવતાઓની સંખ્યા ઘટતી ગઈ. જેમ જેમ જગ્યા વધી તેમ તેમ લડાઈ વધુ તીવ્ર બની. પણ એકાદ મરઘાની બાંગ પણ સંભળાઈ – વિજયની નહીં, પણ મૃત્યુની આસન્નતાની. છેવટે ટોકરું સાવ ભરાઈ ગયું. કપાયેલા મરઘાઓના શરીરોથી. ક્યાંય કોઈ ફડફડાટ નહીં, કોઈ ઝઘડો નહીં, કોઈ શોર નહીં. માત્ર એક અગાધ શાંતિ. જાણે મૃત્યુએ જ સૌને શાંતિનું વરદાન આપ્યું હોય.
એમ લાગે છે એક નું મૃત્યુ બીજાનું જીવન બનશે ત્યાં જ બીજાનું મૃત્યુ થાય છે.
આ જ તો આપણું જીવન છે, મિત્રો. આપણે પણ આ જ ટોકરામાં છીએ. મૃત્યુના કસાઈ સામે કતારમાં ઊભા. પ્રતિપળ કોઈની ગરદન કપાઈ જાય છે – કોઈ યુવાન, કોઈ વૃદ્ધ, કોઈ અમીર, કોઈ ગરીબ. પણ જેની હજુ કપાઈ નથી, તે લડાઈમાં વ્યસ્ત છે. પ્રતિસ્પર્ધા, સંઘર્ષ, સંગ્રહ. “થોડું વધુ બટોરી લઉં, થોડું વધુ ઊંચે પહોંચી જાઉં, થોડી વધુ પ્રતિષ્ઠા મેળવી લઉં.” જાણે લોહીના ટપકાં માટે ચાંચ મારતા મરઘા.
જીવન ક્ષણભંગુર છે,
“કાળ કરે તો કોઈ ન કરે, પણ કાળ આવ્યે કોઈ ન ટાળે.”
આપણે જાણીએ છીએ કે મૃત્યુ આવી જ રહેશે, તે આવી ચૂક્યું છે, માત્ર કતારમાં ઊભા છીએ. છતાં પણ આપણે આપણી આપાધાપીમાં વ્યસ્ત. બહારની દોડમાં, સંપત્તિની, પદની, માનની. પણ છેલ્લે મૃત્યુ બધું છીનવી લેશે. જેમ ટોકરામાં લોહીના ટપકાં પણ સુકાઈ જાય છે.
આજ ટોકરી ના ખૂણા માં એક મરઘી અને તેનું બચ્ચું હતું. મરઘી એ આ જોયું એક એક મારઘુ મરતું જાય છે ને બીજા તેની ઉજાણી કરે છે. તેને આ વાતની ઘૃણા ઉપજી. પોતાના બચ્ચાને તેને પોતાના બે પગ ની વચ્ચે સંતાડી દીધું.
કસાઈએ તેનો વારો લીધો . છરાએ ગરદન અલગ કરી દીધી. બચ્ચું નીચે છુપાએલું હતું તે લાગ મળતા ટોકરી ની બહાર નીકળી ગયું.
એક નું મૃત્યુ બીજાનો જીવન બને એ રાક્ષસી વૃત્તિ છે.
એક નું ર્સર્જન થાય તે માટે ભલે મારું વિસર્જન થાય આ દેવ વૃત્તિ છે.
જીવનની આ ટોકરીમાં,
મરઘા લડે છે લોહી માટે,
કસાઈ આવે છુરી લઈને,
પણ શાંતિ મળે અંતરમાં જ.
બહારની દોડ છોડીને,
અંદરના પ્રકાશને જાગૃત કર,
મૃત્યુને મિત્ર બનાવીને,
જીવનને અમર કરી દે.
“મરણ પછી કાંઈ નથી, બધું અહીં જ છોડી જવાનું. તો શું પોતાની આજીવિકા(ખોરાક) માટે બીજાનો ભોગ લેવાનો?”
તેથી જેમ જેમ આપણે આ કથાને સમજીએ છીએ, તેમ તેમ આપણું જીવન બદલાઈ જાય છે. બહારની લાલસા મરી જાય છે, અંદરનો પ્રકાશ જાગે છે. આ જ છે સાચું જીવન – નહીં તો માત્ર એક ટોકરું જેમાં આપણે તરફડીએ છીએ.
जीवो जीवस्य जीवनम् ભાગવતના ૧/૧૩/૪૬
જો વેદવ્યાસજી મહારાજનો માત્ર “જીવ જીવનું ભોજન છે” એવું જ કહેવાનો તાત્પર્ય હોત, તો તેઓ શ્લોકના અંતિમ ભાગમાં “જીવો જીવસ્ય ભોજનમ્” જ લખી શક્યા હોત. પરંતુ ના, તેઓએ લખ્યું છે — “જીવો જીવસ્ય જીવનમ્”.
હા, એ વાત સાચી છે કે મુખ્યત્વે આહાર પર જ જીવનું જીવન આધારિત છે. પરંતુ સાથે સાથે એ પણ સાચું છે કે જીવનું જીવન માત્ર આહાર પર જ આધારિત નથી. આહાર ઉપરાંત અન્ય અનેક કારણો પર પણ જીવન આધારિત છે.
એક જીવ બીજા જીવ ની હૂફ (ભાવ) થી જીવે છે.(જીવી જાય છે) આજ તેનો અર્થ છે. માણસ નું ૮૦ ટકા ભાવ જીવન છે. ભાવ ખતમ જીવન ખતમ.
न देवो विद्यते काष्ठे, न पाषाणे न मृण्मये।
भावे हि विद्यते देवः, तस्माद्भावो हि कारणम्॥
લાકડામાં દેવ નથી, પથ્થરમાં દેવ નથી, માટીની મૂર્તિમાં પણ દેવ નથી.
ભાવમાં (શ્રદ્ધા, પ્રેમ અને વિશ્વાસના ભાવમાં) જ દેવ વસે છે. તેથી ભાવ જ કારણ છે