“આ ગામમાં આટલું મોટું ચિત્ર કોનું છે રઘલા? “ અલા બાપૂ ઈ તો આ ગામની સુડેલ માં સે. નામ ભલે ઇ સુડેલ રિયું પણ કામ હંધાય હારા હારા કરેસી માંતા. એટલે? બાપુએ પૂછ્યું. એટલે ઇમ કે વાંઝિયા ને દીકરા આપે. આંધળા ને આંખ્યું દિયે. નિર્ધન ને ધન દિયે અને જો તમારું મોત નો લયખું હોય ને બાપુ તો સુડેલ માં ઇમાંથીય બારે કાઢી લાવે હો. ઈ તો તમે ઘણાં વરહ પસી ગામમાં પગ મુયકો ને એમાંય ભણેલાં એટલે તમે આ હંધુ નો માનો પણ આ હકિકત સે. આજે સૂડેલ જયંતી હતી એટલે મોટું સિત્ર બનાયું તું મંદિરે. લ્યો હાલો ત્યારે રામ રામ હું નીકળું ને તમેય ઘર ભેગાં થાવ.
રઘલો જેને બાપૂ બાપૂ કહી રહ્યોં છે એ ગામનાં વખત સિંહનો એકનો એક દિકરો શિવરાજ સિંહ અને શિવરાજ સિંહનો એકનો એક દિકરો એટલે સંગ્રામ સિંહ. દાદા અને પિતા બન્ને સ્વતંત્ર સેનાની હતા અને બન્ને દેશ માટે લડત આપી હતી અંગ્રેજોને. બાપ અને દાદાની જેમ સંગ્રામ પણ શહેર જઈને ડિગ્રી લઈ આવેલો. હજી આઝાદી મળ્યાને માંડ વર્ષ થયું હતું. એટલે જૂનાગઢ આજુબાજુ ગામડાં હજી પણ પછાત હતાં.
સંગ્રામ સુખી પરિવારનો એકનો એક વારસ હતો. પણ તે પોતાનાં દાદા અને પિતા જેવો ઉદાર અને સારું વ્યક્તિત્વ ન્હોતો ધરાવતો . શહેરી હવાએ એને બરોબર પોતાનાં તાબે કરી લીધો હતો. પોતાનાં સંસ્કાર અને પરંપરા દારૂ અને સિગારેટના ધૂમાડે ક્યાંય છું કરી દીધી હતી. વર્ષો પછી પોતાનાં વતન ડગ એટલે માંડ્યા હતાં કારણ કે પોતે પૂર્વજોની મિલકત વેચી લંડન સ્થાઈ થવા માંગતો હતો. એટલુંજ નહીં પણ એણે શહેર માંજ લવ મેરેજ કરી લીધાં હતાં . છોકરી પારસી હતી પણ એ અનાથ હતી તો બીજી બાજૂ સંગ્રામનાં ઘરમાં કોઈ નાં પાડવા વાળું રહ્યું ન હતું. બંનેને લગ્નને 6 વર્ષ થઈ ગયાં હતાં અને એમને એક પાંચ વર્ષનો દિકરો પણ હતો.
સંગ્રામ પોતાની પત્ની અને પાંચ વર્ષના દીકરા સાથે પોતાનાં વતન આવ્યો હતો. અહિયાં બે ત્રણ વર્ષ રહીને બધું નીલામ કરીને એ દેશ છોડી દેવાં માંગતો હતો. સ્ટેશન થી પોતાનાં વતન રઘલાના છકડામાં આવ્યો હતો. ગામમાં આજે ચુડેલ માતાનો ઉત્સવ હતો. એટલે ચુડેલ માતાનાં મંદિરે એમનું સરસ મજાનું સુંદર ચિત્ર લગાવ્યું હતું. પાંચ વર્ષનો સંગ્રામનો દિકરો આ ચિત્ર એકી ટસે જોઇ રહયો હતો જાણે ચુડેલ માતા એને બોલાવતી હોય.
આ ગામડિયા કદી નહી સુધરે. અંધ શ્રદ્ધાની પણ હદ હોય. આટલી બધી દેવીઓ ઓછી પડતી હતી કે એમાં આ ચુડેલ માં લઇ આવ્યા. સંગ્રામે પોતાની પત્નીને કહ્યું. અરે છોડો અને પહેલા ઘરે ચાલો મને થાક લાગ્યો છે. ઘરે પહોચી ઉપરનાં ઓરડામાં સંગ્રામ પત્ની મારિયા અને દિકરો વિક્રમ સુઈ ગયાં.રાત દિવસમાં પલટ થતાં વાર નાં થઈ. સવારે પથારી માંથી ઉઠતાં જ સંગ્રામ ધ્રુજી ઉઠયો. મારિયા મારિયા… આપડો દિકરો વિક્રમ ક્યાં છે . મને શું ખબર રાત્રે આપડી જોડે જ સૂતો હતો. થોડીજ વારમાં વાત આખાય ગામમાં પ્રસરી ગઈ. લોકો ઠેર ઠેર નાના બાળકને શોધવા નિકળી પડ્યાં. બીજી બાજુ સંગ્રામ અને મારિયા રડી રડીને બેહાલ થઇ ગયાં પણ ક્યાંય ભાળ નાં મળી. એવામાં રઘલો દોડતો દોડતો આવ્યો. બાપુ બાપુ હટ હેંડો સુડેલ માએ.. કેમ? તમારો દિકરો ઇમના મંદિર માલી પા હૂતો સે. રઘલો, સંગ્રામ, મારીયા અને ગામનાં બીજા અમુક લોકો તરત મંદિરે દોડી ગયા . પોતાનાં માસુંમ બાળકને જોઈને સંગ્રામે હાશકારો અનુભવ્યો.
દીકરા સંગ્રામ તારો દિકરો અહિયાં માતાજી લઈ આવ્યા હશે તો જરૂર એમાં કસીક વાત હશે. કેવી વાત? સંગ્રામે ગામનાં મહંત ગીગા બાપાને વળતો સવાલ કર્યો . દીકરા ચુડેલ માતા આ ગામનાં દરેક લોકોની રક્ષા કરે છે એમની મનોકામના પૂરી કરે છે. અને તારો દિકરો આપમેળે ઘરેથી નીકળી ગયો એમાં પણ કઈક રહસ્ય હશે. એવામાં સમાચાર આવ્યા કે નદીમાં પાણી છોડવાથી સંગ્રામનો ઓરડો તણાઈ ગયો છે કારણ કે એનું ઘર નદી કિનારે હતું. જોયું દીકરા હું ન્હોતો કહેતો માતાજીનો કઈક સારો સંકેત હશે? શું ધૂળ સારો સંકેત. એક બાજૂ મારું ઘર તણાઈ ગયું ને તમને આવી અંધ શ્રદ્ધા સુજી રહી છે. ચાલ દીકરા આપડે અહીથી થોડેક દૂર રહીશું એવું કહીને ગુસ્સામાં સંગ્રામ પોતાનાં દીકરા અને મારિયા સાથે નિકળી ગયો.
ગીગા બાપા વાત તો ઇની હાચી હો. બાપડા નું ઘર તણાઈ ગિયું ને તમે વળી કોસો કી હારું થયું. અલા રઘલાં મૂરખ. એનું બાળક અહિયાં દોડી આવ્યું એટલે એ લોકો એને શોધવા નીકળ્યા. જો ઘરમાં હોત તો ત્રણે લોકો ડૂબી ગયા હોત.. હા ઇ વાત હાચી હો. સુડેલ માતા આયું મોત તો ના બદલી હકે પણ મોત નો લખ્યું હોય તો મરવા પણ નો દિયે. હમજાણું મને.
બીજી તરફ સંગ્રામ ગામથી દૂર વસવાટ કરવાં લાગ્યો. એના માટે આ બધું માત્ર પોકળ કલ્પના હતી. વળી એની ધારણા મુજબ કામ ન્હોતું થઈ રહ્યું એટલે વધારે દારૂના રવાડે ચડી ગયો અને મારિયા સાથે રોજ ગૃહ કલેશ કરવા લાગ્યો. એક દિવસ વાત વધતાં વધતાં એટલી વધી ગઇ કે ગુસ્સામાં અને દારૂના નશામાં એણે મારિયાને સળગાવી દીધી અને પોતે પણ સળગી ઉઠયો સાથે સાથે ઘર પણ સળગાવી દીધું . આ બધું થયું એ પહેલાં ક્રોધની અગ્નિમાં પોતાનાં વ્હાલ સોયા દીકરાને પણ સંગ્રામે ઉપરથી નિચે ફેંકી દીધો હતો . સંગ્રામ અને મારિયા બંને આગમાં હોમાઈ ગયાં . વાત પવન વેગે આખા ગામમાં પ્રસરી ગઈ બધાએ જીવ બાળ્યો અને સંગ્રામનો આવો કરુણ અંત જોઇ દુઃખી થયાં .
એવામાં ગીગા બાપાએ ચુડેલ માતાના મંદિરના સવારે દ્વાર ખોલ્યા તો અગાઉની જેમ સંગ્રામનો નાનો દિકરો ત્યાજ સૂતો હતો. અબૂધ બિચારો એને એ પણ ન્હોતી ખબર કે એ અનાથ થઈ ચૂક્યો છે. નિર્દોષ બાળક મોઢામાં અંગૂઠો લઈ ચુડેલ માતાના ફોટા પાસે સુઈ રહયો હતો.
ગીગા બાપા ગામના મહંત હતાં અને આશ્રમ ચલાવતા હતા એટલે ચુડેલ માતાની કઈક ઈચ્છા જાણી આ દિકરો એમણે આશ્રમમાં રહેશે એવું ગામ લોકોની સમક્ષ નક્કી કર્યુ . પછી તો ગીગા બાપા સાથેજ નાનો વિક્રમ રહેવા લાગ્યો ને ચુડેલ માતાના ફોટો સામે આંગળી કરતો કરતો કાલી કાલી ભાષામાં કઈક કહેતો. ગીગા બાપા હવે એની ભાષા સમજવા લાગેલા.
એક દિવસ ગીગા બાપાને થયું કે લાવ વિક્રમ સાથે ગમ્મત કરું. એમણે પૂછ્યું કે દીકરા વિક્રમ તું આ ચુડેલ માતાના ફોટોને વ્હાલ કરે છે રોજ તો તને ખબર છે એ કોણ છે? તે કદી જોયા છે? હા મેં જોયા છે . બે પળ માટે ગીગા બાપા આ સાંભળી ચૂપ થઈ ગયા કારણ કે બાળક કદી ખોટુ નાં બોલે . એમણે ફરી પૂછ્યું બેટા તે ક્યાં જોયા છે? બોલ મારા દિકા તે માતાજી ક્યાં જોયા છે? વિક્રમે કાલી કાલી બાળ ભાષામાં કહ્યુ “માલા પપ્પા ને મમ્મી જઘલી લયા હતા ત્યાલે પપ્પાએ મને ફેંકી દીદો તો . આ લાલ સાલી વાલા માસી મને પક્લી લિદો તો.” કોણ લાલ સાળી વાળા આ ફોટો છે એ? ગીગા બાપાએ ઉત્સુકતા પૂર્વક પૂછ્યું . “ હા આ ફોતો વાલા માસી “
માસૂમ વિક્રમ ફોટાને જોઇ રહયો ને ગીગા બાપા વિક્રમને.