તું કૌરવ, તું પાંડવ: મનવા ! તું રાવલ, તું રામ !
હૈયા ના આ કુરૂક્ષેત્ર પર પળપળ નો સંગ્રામ !
વ્યાકુળ મન નો આ ચિતાર છે. આપણી અંદર ચાલતા સંઘર્ષની વાત છે. મન નું આ મહાભારત લાગણી અને બુદ્ધિ વચ્ચે ચાલે છે ,લવ વર્સીસ લોજિક.
આ બેમાંથી કોણ કૌરવ અને કોણ પાંડવ કે કોણ રામ અને કોણ રાવણ એ ચક્કરમાં ના પડ તા, સામસામી ખેંચતાણની વાત છે. મનમાં ચાલતી કશ્મકશની વાત છે.
લાગણી ખેંચે ગામ ભણી અને બુદ્ધિ ખેંચે સીમ ભણી એ વાત છે. મેં અનેક લોકોને આ અવસ્થામાં જોયા છે. એમના હૈયે ચાલતા લાગણી અને બુધ્ધિના સંધર્ષના નું વરસો સુધી સાક્ષી રહ્યો છું. કેટલાક કિસ્સાઓમાં લાગણીઓ રામ રૂપે હોય છે તો કેટલાક કિસ્સાઓમાં રાવણ રૂપે, ક્યારેક બુધ્ધિ પાંડવ રૂપે છે તો ક્યારેક કૌરવ રૂપે. દરેક સંઘર્ષની વાત અલગ છે. આટલી વાતથી એવું તાત્પર્ય કાઢવાની જરૂર નથી કે હૈયે સતત યુદ્ધ જ ખેલાયા કરે છે. ઘણા સમય-સંજોગોમાં લાગણી અને બુદ્ધિ હાથ મિલાવીને ચાલતા હોય એવું પણ બને છે. મનની સ્વસ્થતા માં આ જોડીની મુખ્ય ભૂમિકા છે,
જ્યાં આ બંને વચ્ચે સુમેળ છે ત્યાં મન શાંત, સુખી અને સ્વસ્થ છે.
જ્યાં આ બંને વચ્ચે સંઘર્ષ છે ત્યાં મન અશાંત, દુઃખી અને અસ્વસ્થ છે.
વાસ્તવમાં તમારા મનની સ્થિતિનું સંતુલન જાળવવા કે તમારા મૂડનું મેનેજમેન્ટ કરવા લાગણી અને બુદ્ધિ વચ્ચે તંદુરસ્તીનું વાતાવરણ જળવાવું જ જોઈએ. લવ અને લોજિક વચ્ચે ભાઈબંધી હોવી જોઈએ, જેટલી એમની ભાઈબંધી પાક્કી એટલી તમારી આંતરિક સ્થિરતા વધારે! આ મૈત્રી કેવી રીતે બાંધવી, કેળવવી કે વિકસાવવી તેની મારે વાત કરવી છે પરંતુ એ પહેલા એક કાલ્પનિક
સંવાદમાં બંનેના દ્રષ્ટિકોણ સમજવાનો પ્રયત્ન કરીએ.
લવઃ હે, વોટ્સઅપ બડી?!
લોજિકઃ હેલો
લવઃ લોંગ ટાઈમ, નો શો !
લોજિક: વર્ક ડિયર વર્ક...
લવ: કામ તો બધાને હોય છે, કનેક્શન પણ તો કોઇ ચીજ છે!
લોજિક: વાત તારી સાચી, પણ આપણી પ્રાથમિક્તા અલગ છે. તું હંમેશા લાગણી, સંવાદ, સંબંધની વાત કરે છે અને હું કામ, સમય, કમાવાની વાત કરું છું.
લવઃ તને નથી લાગતું કે આપણા સંબંધમાં લાગણી, સંવાદ પણ એટલી જ અગત્યતા ધરાવે છે?! લાગણી સભર સંવાદ વગર સંબંધ શુષ્ક અને ઔપચારિક ના બની જાય?!
લોજીક : બધી વાત સાચી, જરૂર પડ્યે આપણે વાત તો કરી જ લઈએ છીએ, બાકી લાગણીઓ ના ચક્કરમાં તું બિનજરૂરી વિચારો ચગળતો રહે છે. લાગણીઓ તારા મગજ ને સ્પષ્ટ વિચારો કરતાં અટકાવે છે અને તું કાયમ કનફ્યૂઝ રહે છે . યોગ્ય અને અસરકારક નિર્ણયો લેવામાં તારી આ આદત તને નડે છે ,એની તને ખબર છે?!
લવઃ નડતી હતી તેની ના નહી, પરંતુ જીવનના ઘણાં નિર્ણયો તર્ક ગણતરી કે એનાલિસિસ વગર લેવાના હોય છે.
જેમ કે પ્રેમમાં પડવાના કે પેશન ફોલો કરવાના ક્યાં કોઈ તર્કસંગત કારણો હોય છે?"
લોજીક : એટલે જ તો પ્રેમ માં પડ્યા કહેવું પડે છે
(હસે છે), બાકી ખરેખર તો પ્રેમમાં ઇન્વેસ્ટ કરવાનું હોય છે. મારી દ્રષ્ટીએ તો વ્યક્તિએ સમજી-વિચારીને જ પ્રેમ કરવો જોઈએ.
લવ. બુધ્ધુ એને પ્રેમ નહી વ્યવહાર કહેવાય અને હા, કોઈ ઝીલવાવાળું હોય તો પડવાની'ય મઝા છે. હવામાં ઊછળતું બાળક જ્યારે બે હાથમાં ઝિલાય છે ત્યારે એનો ઉન્માદ જોયો છે, નહીં જોયો હોય કારણ કે એના માટે આંખ નહીં લાગણીથી છલોછલ નજર જોઈએ
કનેક્શન માટે...
લોજીક: લાગણીઓથી છલોછલ નજર ક્યારેક આંખે અંધાપો પણ લાવી શકે છે અને ત્યારે જે રિબાવાનુ થાય છે એનું શું?!
ખોટી વ્યક્તિ સાથે જ્યારે જોડાણ થઈ જાય ત્યારે તમારા ભુક્કા બોલી જાય. તર્ક વગરના નિર્ણયો જોખમી હોય છે, તેના માટે ક્યારેક જીવનભર પસ્તાવું પડે છે.
લવ: જોખમ લીધા વગર તો જીવનની મઝા જ ચૂકી જવાય, જોખમ અને સાહસ વગર જીવન રોમાંચક કેવી રીતે બને?! એના માટે ક્યારેક તર્ક, ગણતરી, સાબિતી, પૃથ્થકરણ બધું અભરાઈએ ચઢાવવું પડે અને દિલને અનુસરવું પડે.
લોજિક: હૈ લિસન, આઈ નીડ ટુ ગો, જીમનો ટાઈમ થઈ ગયો છે
લવઃ મારે પણ ડાન્સ ક્લાસનો ટાઈમ થઈ ગયો છે, કેચ યુ લેટર...
આ કાલ્પનિક સંવાદમાં તમે કેટલી વાતો નોંધી અને કેટલી નહીં એની મને ખબર નથી પરંતુ હું એના તરફ ધ્યાન દોરવા માંગું છું જેથી લાગણી અને બુદ્ધિને પ્રાધાન્ય આપનારાના દ્રષ્ટિકોણ વધુ સ્પષ્ટ થાય. સંવાદની શરૂઆત લવથી થાય છે અને સંવાદ પૂરો પણ એનાથી જ થાય છે, તે પણ ફરીથી કનેક્ટ થવાની આશા સાથે. લાગણીઓને જોડાવાની તાલાવેલી રહેતી હોય છે જ્યારે બુદ્ધિને એકાંત પસંદ છે.
લાગણીશીલ(ઈર્મોશનલ) વ્યક્તિઓ માટે અંતર્મુખી થવું કે રહેવું અઘરું છે, અંદર વળતા જ તેમને લાગણીઓ સાથે સંકળાયેલી બાબતો ઘેરી વળે છે અને ભીતર અદાલત શરું થઈ જાય છે. સહજ રીતે બહાર જોડાવું તેમના માટે શાંતિનો અનુભવ છે.
બીજી બાજુ, લોજિકલ વ્યક્તિઓને અંદર વળવાની ફાવટ હોય છે, એમને જાત સાથે પ્રમાણમાં ઓછા ઝગડા હોય છે. અન્ય સાથે જરૂર પુરતા જોડાય અને તેમાં પણ ક્યારેક પાર વગરનું પૃથ્થકરણ કરી નાખે!
લાગણીનું વિશ્વ રંગીન છે, છૂટછાટથી ભરેલું છે, જ્યારે બુદ્ધિનું વિશ્વ મહદઅંશે બ્લેક એન્ડ વ્હાઈટ છે જેમાં છૂટછાટ ઓછી અને નિયમો વધારે છે. લાગણી જોખમ લેવા, સહન કરવા તૈયાર છે અને બુધ્ધિ ફૂંકી ફૂંકીને આગળ વધવાનું વલણ લે છે. લાગણીશીલ વ્યક્તિઓને તર્ક માફક નથી આવતા અને તાર્કિક વ્યક્તિઓને લાગણી!
હવે મહત્વની વાત, લાગણીઓ પ્રભાવી વ્યક્તિ અને તર્ક પ્રભાવી વ્યક્તિ વચ્ચેના વ્યવહાર અવારનવાર ઘર્ષણમાં પરિણમતા હોય છે. બંનેને એકબીજાના વિચારો અને વ્યવહારો સમજાતા નથી અને સમજાય તો સ્વીકાર્ય નથી થતાં.
ઘણા યુગલોના લગ્નજીવનના પ્રશ્નોમાં આ બાબત પાયામાં હોય છે.
બુધ્ધિ અને લાગણીઓનો સંઘર્ષ અન્ય વ્યક્તિઓ સાથે થાય તેના કરતા અનેકગણો વધારે વ્યક્તિના પોતાના મન માં થતો હોય છે.
જ્યારે એક જ વ્યક્તિમાં લાગણીઓ અને તર્ક સામસામે આવી જાય ત્યારે અંદર મૂંઝવણ, સંશય, આત્મવિશ્વાસનો અભાવ, અપરાધભાવ વગેરે પેદા થાય છે અને તેનો પ્રભાવ વ્યક્તિના વર્તન-વ્યવહાર પર પડે છે, વ્યક્તિ માનસિક અસ્વસ્થતા અનુભવે છે.
માનસિક સ્વસ્થતા જાળવવા માટે મનમાં લાગણી અને બુધ્ધિ વચ્ચે સંતુલન અને સુમેળ હોવો જરૂરી છે.