પ્રભુદાસ પટેલની ટૂંકીવાર્તા 'ચીહ' માત્ર એક કરુણ કથા નથી, પરંતુ સમાજના ઊંડા મૂળિયાંમાં રહેલા શોષણ, અસહાયતા અને ન્યાય માટેના પ્રતિકારને વાચા આપતી એક ધારદાર વાર્તા છે. આ વાર્તા ‘દલિતચેતના’ સામયિકના જુલાઈ ૨૦૧૮ના અંકમાં પ્રકાશિત થઇ હતી ને પછીથી ૨૦૨૧માં પ્રકાશિત થયેલ લેખકના દ્વિતીય વાર્તાસંગ્રહ ‘દેવચકલી’માં ગ્રંથસ્થ પામી છે.
વાર્તા ગુજરાત-રાજસ્થાનના સીમાડે આવેલા 'હરવણ' જેવા ઉજ્જડ અને વેરાન ડુંગરાળ વિસ્તારમાં વસતા ગરીબ, આદિવાસી મજૂર વર્ગની જિંદગીના કાળા સત્યને ઉજાગર કરે છે. મજૂર પ્રથા હેઠળ સ્ત્રીઓના ભયંકર શોષણ અને તેના અંતે લેવાયેલા લોહિયાળ બદલાની કરુણ કથા છે.
વાર્તાનું વિષયવસ્તુ જોઈએ તો, રૂપિયાના લોભમાં રમીલા પોતાની દીકરી વાલીને ઠેકેદાર દેવલા પાસે મજૂરી માટે મોકલે છે. મજૂરણ શાન્તા, પૈસા કમાવવાની લાલચમાં, દેવલા સાથે મળીને ષડયંત્ર રચે છે. તે રાત્રે વાલીને નદીના ભાઠામાં એકલી ફેંકી દે છે. આ તકનો લાભ લઈને ઠેકેદાર દેવલો અને પાછળથી કંટ્રાટી છગન પટેલ બેભાન પડેલી વાલીનું શારીરિક શોષણ કરે છે, જેના કારણે તેનું મૃત્યુ થાય છે. મામલો દબાવવા માટે ઠેકેદાર અને કંટ્રાટી પોલીસ તથા સરકારી કાગળિયાંના સહારે વાલીનું મૃત્યુ બુલડોઝર નીચે કચડાઈ જવાથી થયું હોવાનું જણાવી દે છે અને વાલીના કાકા મકનોને પૈસા આપીને આખી વાતને દબાવી દે છે. ગરીબી અને પોલીસના ભયને કારણે કુટુંબ વિરોધ કરી શકતું નથી.
દીકરીના દુઃખ અને અપમાનથી ઘવાયેલી રમીલા બદલો લેવાનું નક્કી કરે છે. તે શાન્તાને ધમકાવીને દેવલા અને કંટ્રાટીનું નામ જાણ્યા પછી, દારૂ ગાળવાના સ્થળે દેવલાને બોલાવે છે. રમીલા તેને ખૂબ દારૂ પીવડાવીને નશામાં ધૂત કરી દે છે. જ્યારે દેવલો વાલી અને અન્ય સ્ત્રીઓ માટે અપમાનજનક શબ્દો બોલે છે, ત્યારે રમીલાનું ધૈર્ય ખૂટે છે. તે દારૂના નશામાં નિઃસહાય બનેલા દેવલાને લાકડીઓ અને પગના ફટકા મારી મારીને મોતને ઘાટ ઉતારી દે છે.
વાર્તાની સૌથી નોંધપાત્ર વિશેષતા તેની પ્રાદેશિક બોલી અને સળગતી વાસ્તવિકતા છે. લેખકે પાત્રોની વાતો, સંવાદો અને આંતરિક મનોમંથન રજૂ કરવા માટે ડુંગરાળ પ્રદેશની તળપદી ભાષાનો ઉપયોગ કર્યો છે. "શૉન્તાડીનું કૈંક કરતૂક લાગે!", "હાહરાંને ફસાવી જ દેવા જોદ્ધે", "હરો (દારૂ) ગાળવાનો વસા૨ ફરકી ગ્યેલો" જેવા શબ્દપ્રયોગો વાર્તાના વાતાવરણ અને પાત્રોની સામાજિક સ્થિતિને જીવંતતા બક્ષે છે. આ ભાષા પાત્રોની ગરીબી, અશિક્ષિતતા અને નિઃસહાયતા ને વધુ અસરકારક રીતે રજૂ કરે છે.
વાર્તાનું વાતાવરણ શરૂઆતથી જ ભયાનક અને બિહામણું છે, જે આવનારી દુર્ઘટનાનો પૂર્વાભાસ કરાવે છે. "જામી ગયેલી રાત તમાના સૂરને લીધે અને ક્યાંકથી આવતા ઘુવડ બોલવાના અવાજે બિહામણી લાગતી હતી." (પૃ.૩૧) આ બિહામણી રાત જ વાલીના જીવનનો અંત લાવનારી સાક્ષી બને છે. વાર્તા ઝડપથી આગળ વધે છે, જ્યાં એક પછી એક હિંસા અને શોષણ ના દૃશ્યો આવે છે, જે એક ગહન ટ્રેજેડી નું નિર્માણ કરે છે.
વાર્તા મુખ્યત્વે ત્રણ સ્તરે ચાલતા શોષણને ઉજાગર કરે છે:
૧. જાતીય શોષણ અને સત્તાનો દુરુપયોગ :
વાર્તાની યુવાન નાયિકા વાલી, જે "જાણે હરણબચ્ચું!" જેવી નિર્દોષ છે, તે પુરુષપ્રધાન સત્તા અને હિંસકતાનો ભોગ બને છે. ઠેકેદાર દેવલો અને કોન્ટ્રાક્ટર છગન પટેલ દ્વારા વાલીનું નદીના ભાઠામાં જાતીય શોષણ થાય છે. આ ઘટના, જેની કથાને વાર્તાકારે આઘાતજનક રીતે રજૂ કરી છે, તે શ્રમજીવી સ્ત્રીઓના જીવનની કડવી વાસ્તવિકતા છે:
"નદીના ભાઠામાં જ જોતાં નમી પડ્યો. વાલીને થોડું ભાન આવ્યું'તું. તે ધીમેધીમે બબડી રહી’તી : ઓ...ય... કુદરત...’ 'ઓહ ! હાળો દેવલો ! આ કૂણું કૂણું મીઠું મીઠું માંસ મારા માટે મંગાવ્યું'તું ને મારા પહેલાં બૉટી ગ્યો ?’ – કંત્રાટી બબડ્યો અને પળનોય વિલંબ ન કરતાં તેના શરીર પર ગોઠવાઈને..." (પૃ.૩૨)
આ અવતરણમાં શોષણની પશુતા અને માનવતાના પતનની પરાકાષ્ઠા દેખાય છે. ઠેકેદાર અને કોન્ટ્રાક્ટર માટે મજૂર સ્ત્રી એક "કૂણું કૂણું મીઠું મીઠું માંસ" સિવાય કંઈ નથી.
૨. આર્થિક અને સામાજિક શોષણ :
શોષણનો બીજો સ્તર સરપંચ અને સમાજનું વલણ દર્શાવે છે. વાલીના મૃત્યુ પછી, ન્યાય મેળવવાને બદલે, સરપંચ અને ઠેકેદાર-કોન્ટ્રાક્ટર પૈસા આપીને વાતને દબાવી દે છે. આ પ્રસંગ ભારતીય સમાજમાં સત્તા અને પૈસાની તાકાત અને ન્યાયતંત્રની નિષ્ફળતાને સ્પષ્ટ કરે છે:
"એ લોકોને દબાવી-દબડાવીને આ પચા હજાર રૂપિયા તફડાવી લીધા – અને થોકડી મકનાને ધરી દીધી." (પૃ.૩૫)
ગામના ગરીબો "આપડે હો કે ગરીબ ર્યા"ની નિરાશા સાથે પોલીસ અને કાયદાથી દૂર રહેવાનું નક્કી કરે છે. મૃત્યુનું કારણ પણ "બુલડોઝર નીચે આઈને" થયું હોવાનું સરકારી ચોપડે નોંધાવીને સમગ્ર કેસને દફનાવી દેવામાં આવે છે.
૩. સ્ત્રી દ્વારા સ્ત્રીનું શોષણ :
વાર્તામાં શાન્તાનું પાત્ર શોષણના ચક્રને વધુ જટિલ બનાવે છે. પૈસા અને સગવડતાના લોભમાં શાન્તા વાલીને ઠેકેદાર પાસે લઈ જાય છે, જે આખી દુર્ઘટનાનું નિમિત્ત બને છે:
"ને ચબરાક શાન્તા તો ધારેલું સફળ થતાં જ મનોમન હરખાતી, ધીમી ધીમી ખીખલી કરતી પાછી નાઠી." (પૃ. ૩૧) જોકે, અંતે શાન્તા પસ્તાય છે અને માતા રમીલાના પ્રતિકારમાં સાથી બને છે.
વાર્તાનો ઉત્તરાર્ધ રમીલાના પાત્ર દ્વારા બદલો અને પ્રતિકારની ભાવનાને રજૂ કરે છે. પુત્રી ગુમાવ્યાની વેદના (દઝારા) અને કાયદાકીય માર્ગો બંધ થતાં, રમીલા જાતે ન્યાય લેવાનું નક્કી કરે છે. તેનું આંતરિક દુઃખ, જે "ડુંગરાના વાંઘા જેવા" (પૃ.૩૫) છે, તે જ તેને શક્તિ આપે છે. તે દારૂ (હરા) ગાળવાના બહાને દેવલાને નદી કિનારે બોલાવે છે.
રમીલાનો પ્રતિકાર ત્યારે જન્મે છે જ્યારે દેવલો વાલીનું મૃત્યુ પાછળનું પોતાનું પાશવી સત્ય બહાર લાવે છે અને રમીલાને પણ 'પેલ્લી ધાર......નો હરો' (પૃ.૩૭) કહીને નીચલી કક્ષાની ગણે છે. અંતે, દારૂના નશામાં ધૂત થયેલા દેવલા પર હુમલો કરતી રમીલાની "ચીહ" એ માત્ર વ્યક્તિગત દુઃખની અભિવ્યક્તિ નથી, પણ યુગો જૂના શોષણ અને ગરીબી સામેનો વિદ્રોહ છે:
"ને મીં તો ‘તેરી જાતના કૂતરા!’ કે'તાં મૂળ જગ્યાએ જ એવી પાટું મેલી કે મૂળ ખવઈ ગ્યેલું ઝાડવું પડતું હોય ઈમ લોબોહોટ! ને પછે દંડુકો લઈને એજ જગ્યાએ એવી ફરી વળેલી કે.. ‘ચીહ માંથે ચીહ' ને તેનીયે ચીંહને દાબી દે તેવી આખાય ડુંગરાળ મલકને ગજવતી મારીયે ચીહ... એ દોડજો... બચાવજો... દો...ડ...જો...’" (પૃ.૩૮)
રમીલાની અંતિમ 'ચીહ' શોષક દેવલાની ચીસને દબાવી દે છે. આ ચીસ એ ગરીબી, સ્ત્રીત્વ અને નિઃસહાયતાના આઘાતમાંથી મુક્તિ મેળવવા માટેનો પોકાર છે.
'ચીહ' વાર્તા સાહિત્યમાં વાસ્તવવાદ (Realism)નું એક સશક્ત ઉદાહરણ છે, જે સમાજના હાંસિયામાં ધકેલાઈ ગયેલા વર્ગની જિંદગીનું તાદૃશ્ય ચિત્રણ રજૂ કરે છે. તે દલિત અને શ્રમજીવી નારીના જીવનની ભયાનકતા અને તેના અંતિમ પ્રતિકારને રજૂ કરીને વાચકને ન્યાય, સત્તા અને માનવતાના પ્રશ્નો પર વિચારવા મજબૂર કરે છે.
(દેવચકલી, લે. પ્રભુદાસ પટેલ, ડિવાઈન પબ્લિકેશન્સ, અમદાવાદ, દ્વિતીય આવૃત્તિ ૨૦૨૪, મૂલ્ય ૨૨૦/- રૂ.)
(RESEARCH REVIEW E-JOURNAL માં પ્રકાશિત લેખ)
ડૉ. હાર્દિક પ્રજાપતિ
(MA, UGC-NET, GSET, PGDSC, SI, COPA, Ph.D.)
મુ. સબોસણ, તા.જિ. પાટણ
ઉત્તર ગુજરાત, ૩૮૪૨૬૫
hardikkumar672@gmail.com
Mo. 8141125140