અનુઆધુનિક યુગમાં વાર્તાકાર દશરથ પરમારનું નામ હવે અજાણ નથી. તેમની પાસેથી ‘પારખું,’ ‘બે ઇ-મેઇલ અને સરગવો’ અને વર્ષ ૨૦૨૩માં ‘દરબારગઢની બીજી મુલાકાત’ જેવા વાર્તાસંગ્રહો પ્રાપ્ત થાય છે. દશરથ પરમારની વાર્તાઓમાં માનવમનની તરેહો, દલિતસંવેદના, દલિતેતરસંવેદના, જીવનની કટોકટી કે સૂક્ષ્મ નિરીક્ષણો વગેરે બાબતોના દર્શન થાય છે. અહીં ‘દરબારગઢની બીજી મુલાકાત’ સંગ્રહમાં ગ્રંથસ્થ ‘તલાજીનું ખેતર’ વાર્તાને ઔદ્યોગીકરણ સંદર્ભે તપાસીએ.
પ્રસ્તુત વાર્તામાં ઔદ્યોગીકરણથી ગામડામાં કેવી કરૂણ પરિસ્થિતિ સર્જાય છે તેનું તાદૃશ્ય વરવું ચિત્રણ જોવા મળે છે. ગામના તલાજી નામના ખેડૂતનું ખેતર કોઈ વિદેશી કંપનીએ સારી એવી કિંમત આપી ખરીદી લીધું છે અને આવા તો ગામના ઘણા લોકોના ખેતરો કંપનીએ ‘બથાવી’ પાડ્યા છે. પછી જે તલાજીની આંતરિક અને બાહ્ય કરૂણ પરિસ્થિતિ સર્જાય છે તે દરેક ખેડૂતનું પ્રતિનિધિત્વ કરે છે. વાર્તામાં મુખ્ય પાત્ર તલાજીનું છે. આખી વાર્તા તલાજીના વર્તમાન-ભૂતકાળ-વર્તમાન -ભૂતકાળના આવર્તનમાં ચાલે છે અને સતત તલાજીના વર્તમાન અને ભૂતકાળની પરિસ્થિતિનું ‘Juxtaposition’ થતું જોવા મળે છે.
વાર્તાનું વિષયવસ્તુ જોઈએ તો આ વાર્તામાં તલાજી નામના એક વિધુર ખેડૂત પોતાના દીકરા બાબુ અને તેની પત્ની સાથે રહે છે. હવે ગામમાં કોઈ વિદેશી કંપની વર્તમાન સરકારના સહયોગથી આવી છે અને ગામના ખેડૂતો પોતપોતાના ખેતરો આ કંપની સારી એવી કિંમત આપતી હોવાથી વેચી નાખે છે. પરંતુ તલાજીને પોતાનું ખેતર વેચવું નથી પણ થોડા સમય પછી દીકરો બાબુ ખેતર વેચવાની જીદે ચડે છે અને ના છૂટકે, કમને દીકરાની જીદ આગળ હારી તલાજી પોતાનું ખેતર વેચે છે અને એ પૈસાથી અઢળક ભૌતિક સગવડો ઊભી કરે છે,”હરખઘેલો બાબુ ત્રીસ લાખ ભરેલી બેગને રોજ રાત્રે પડખામાં રાખીને જ સૂઈ જતો હતો. ઢોર-બળદ દલાલો દોરી ગયા. એમને રાખીને હવે કરવાનુંય શું ? આંગણું-ગમાણ-ખીલા સુનાં પડ્યાં. ટ્રેક્ટર-ગાલ્લાં ગામના કણબીઓના આંગણે પહોંચ્યાં. એના સ્થાને મોંઘીદાટ ગાડી આવી. ડબલ ડોરનું ફ્રીજ..બાવન ઇંચનું એલ.ઈ.ડી. ટી.વી..એરકૂલર..ઘરઘંટી.. એન્ડ્રોઈડ ફોન.. ધામધૂમથી થયેલ બાબુનાં લગન અને..” (પૃ. ૬૮) બાબુ જુગારના અવળા રસ્તે ચડે છે. થોડા જ સમયમાં તો પૈસા હતા ન હતા જેવી પરિસ્થિતિ ઊભી થઈ જાય છે. ઔદ્યોગીકરણની કેવી માઠી અસર ગામડાના ખેડૂતો પર થાય છે પછી તે સામાજિક, આર્થિક કે માનસિક હોય તે આ વાર્તામાં લેખકે હૂબહૂ વર્ણવ્યું છે.
વાર્તાની શરૂઆત જ હતાશાથી ભરેલી છે- “શરીરમાં હતી એટલી તાકાત એકઠી કરીને તલાજી બેઠા થયા, ઢોયણીની ઈસ પર હાથ મૂકી ઊભા થવા ગયા ત્યાં જ એમના વજનથી બરાબર તંગ થયેલ વાણની એક દોરી તડાક્ દઈને તૂટી. એ સહેજ ચોંકયા. એક હાથે ઈસનો ટેકો લીધો. બીજા હાથનો પંજો ભોંય પર ટેકવી; માથું નમાવી નીચે જોયું. તૂટી ગયેલા વાણની અઢળક દોરીઓ; સેવો પાડવાના સંચામાંથી નીચે લટકતી ઘઉંના લોટની સેવોની જેમ, આમ-તેમ ઝૂલતી હતી.” (પૃ. ૬૪)
ખેતર વેચી નાખ્યા પછી તલાજીની વર્તમાન પરિસ્થિતિ ખૂબ જ કપરી અને કરૂણ બને છે, દીકરા બાબુની વહુ થાળમાં ઘઉં જોવા બેઠી છે એ તલાજી જુએ છે- “ઝીણી આંખે થાળ સામે જોઈ રહ્યા. માંડ બશેર જેટલા કસ્તરવાળા ઘઉંની ઢગલી જોતાં એમની છાતીમાં સણકો ઉપડયો” (પૃ. ૬૪) બીજી જ ક્ષણે તલાજી યાદ કરે છે, “હોળી પછી; ગોંદરાવાળા ખેતરમાંથી સમી સાંજે; ગાલ્લું ભરીને ઘઉંની પાંચ-પાંચ મણની બોરીઓ આંગણે આવી ખડકાઈ જતી.” (પૃ. ૬૪) તલાજીના મનમાં સતત બંને વિરોધાભાસી સહોપસ્થિતિ સર્જાય છે.
બાબુ ઘણા સમયથી ઘેર આવ્યો ન હોવાથી તલાજી શોધવા માટે ચાલતા જાય છે ત્યાં એક ટ્રેક્ટર આવતું દેખાય છે. તલાજીને ટ્રેકટર જોઈ પોતાની જાહોજલાલી યાદ આવે છે. વાર્તાનું વર્ણન જોઈએ- “એમની મોતિયાવાળી આંખ સામે અનાજથી ઠાંસોઠાંસ ભરેલું ટ્રેક્ટર ઊપસી આવ્યું હતું; એક વેળાએ એમને ત્યાં ટ્રેક્ટરેય હતું. એટલું જ નહીં; ચાર જોડ બળદ.. બે ગાલ્લાં.. દસ દૂઝણી ભેંસો.. અને મજૂરોની તો કોઈ ગણતરી જ નહીં. ગામનાં બધાં વસવાયાં એમને ત્યાં મજૂરીએ આવવા સામેથી ઉઘરાણી કરતાં. બેય ટંક તાંસળાં ભરી-ભરીને મળતી રગડા જેવી ચા... બીડી-તમાકુની રેલમછેલ.. બપોરના ભાતમાં લંકાવહુના હાથનાં બાજરીના રોટલા. પાશેર-પાશેર તેલ-ગોળ.. ચટાકેદાર શાક.. અને લટકામાં બાજરીનો ડોકો ઊભો રહે તેવી છાશ..” (પૃ. ૬૬)
વિદેશી કંપનીના આગમનથી ગામમાં કેવાં કેવાં પરિવર્તનો થવા લાગ્યાં તેનો ચિતાર વાર્તાકારે આ રીતે આપ્યો છે,-
“ગામની રોનક બદલાવા લાગી હતી. તાલુકાના સ્થળ સાથે જોડાયેલા કાચા, ઊબડખાબડ અને સાંકડાં નેળિયાંવાળા રસ્તાને ઠેકાણે ડામરનો પાકો-પહોળો રોડ બની ગયો હતો. રોજ એના પરથી રાતા-પીળા રંગનાં વિશાળ યંત્રોની આવનજાવન થવા લાગી. ઊંચા-નીચાં; ખાડા-ખડિયાવાળાં ખેતરો સમથળ જમીનમાં બદલાઈ ચૂક્યાં હતાં. ગામની ચારેકોર ધૂળિયો ડમ્મર ઊડવા લાગ્યો હતો. તલાજીને બીજું કશું કામ સૂઝતું નહોતું. ચા-પાણી પતાવી; રોજ સવારે કંપનીની જગ્યા પર અચૂક પહોંચી જતા. એ કંઈ એકલા નહોતા. ગામના એમના જેવા બીજા કેટલાય જણ ત્યાં પહેલાંથી જ આવીને બેસી જતા. અને ચડતા જતા તડકામાં નેજવું કરી; નબળી આંખે, પોતાના ખેતરની આછીપાતળી એંધાણી ક્યાંક મળી જાય-ની આશાએ વિશાળ-સપાટ મેદાન સામે એકધારું તાકી રહેતા.” (પૃ. ૬૭)
સમયજતાં ચૂંટણી આવવી, સરકાર બદલી જવી, કંપની સામે કેસ થવો અને છેવટે કંપનીનું કામ અટકી પડવું. જ્યારે કંપનીએ ખેડૂતો પાસેથી જમીન લીધી હતી ત્યારે કહ્યું હતું કે દરેક ઘરમાંથી એક વ્યક્તિને નોકરી મળશે પણ હવે તો કંપની પર જ પ્રશ્નાર્થ આવીને ઊભો રહે છે. જોતજોતામાં તલાજીના ઘરની કેવી તો દુર્દશા થાય છે જોઈએ-, “બાબુના અવળા ધંધા અને પત્નીની જીવલેણ બીમારીને લીધે ગામની બેન્કના ખાતામાં પડેલી સાત આંકડાની રકમ જોતજોતામાં ચાર આંકડા પર આવીને સ્થિર થઈ ગઈ હતી. ઘરવપરાશનાં સાધનોને પગ આવવા લાગ્યા. એક-એક કરીને ઓછાં થતાં ગયાં. ગાડી, ઘરઘંટી, ફ્રીજ, ટી.વી. બધુંય અડધી-પોણી કિંમતે કોઈક કણબીના ઘેર ચાલ્યું ગયું. થોડી મૂડી બચેલી, એમાંથી બાબુને વાસના ઝાંપે ગલ્લો કરી આપ્યો. એમાંય કંઈ ફાવટ આવી નહીં. ઊલટાનો એ અવળા રવાડે ચડી ગયો.” (પૃ. ૬૮)
બાબુને શોધવા નીકળેલા તલાજીને તેમનો મિત્ર ભેમો મળે છે ભૂખ્યા તલાજીને ભેમો ‘તરકારી’ પાવે છે અને પછી અચાનક કશોક તલાજીના મનમાં ધક્કો વાગે છે અને મનોમન સંવાદ કરે છે,-
“આજ તો એ કંપનીવાળા હંગાથ્ય સોખવટ કરી જ નાંહું.. નેનળિયા.. વસન આલીનં ફરી જ્યા.. કંપની સાલુ થઈ, બા’રના બધા ભર્યા, પણ મારા બાબુડાનં ક વાહના કોઈ સોકરાનં નોકરી ના આલી.. આપડો સોદો ફોક.. લ્યોં, આ હાત-બારના ઉતારા.. વેરાની પાવતીઓ.. લાવોં દિયોરો... મારી જમીન પાછી.. તલાજી મોહનજી ઠાકોર.. સરવે નંબર.. એકસો અઢાર.. મું એ શેતરનો ધણી..: બબડાટ કરતા એ હાથ હવામાં વીંઝતા રહ્યા” (પૃ. ૬૮)
તલાજી કંપની તરફ પ્રયાણ કરે છે. કંપનીમાં બહારથી આવેલાં મજૂરોની નાની નાની ઓરડીઓ જોઈ તલાજી પોતાનું ખેતર શોધે છે, એજ સમયે એક ગાડી બાજુમાંથી પસાર થાય છે ત્યારે એ ખાબોચિયામાં પડેલું કાદવિયું પાણી ઉછાળે છે અને તાલજીના કપડાં અને મોઢું બગાડે છે. “એને લૂછતાં લૂછતાં એમના મોઢેથી મા-બેન -સમાણી આઠ-દસ ગાળો નીકળી અને એન્જિનની ઘરઘરાટી દબાઈ ગઈ.”(પૃ. ૬૯) અહીં વાર્તાકારે પ્રતિકાત્મક રીતે આ વર્ણન કર્યું છે. ગરીબ ખેડૂતોની પીડાનો અવાજ આ રીતે જ મોટા આવજોમાં કહો કે ઘોંઘાટો દબાઈ જતો હોય છે.
કંપનીના મુખ્ય દરવાજે ઊભેલો ચોકીદાર તલાજીને રોકી પાસ માંગે છે, તલાજીનો સંવાદ જોઈએ–
“અરઅ..! તેરા પાસ પેહી જ્યા પોત્યામેં ..! તારીનું તગારું મારું... હાંભળતું નહં ? આઘું ખશ્ય.. માંય મારી જમીન હૈ..! તેરા શેઠીયા શ્યાં જ્યા? બોલાય બેટી...કુ..!” બંને વચ્ચે તકરાર થાય છે. ચોકીદાર તલાજીને નીચે પટકે છે. એક સમયની પોતાની જ જમીન અને આજે એજ જમીન પર પગ પણ મૂકવાના ફાંફાં પડે છે, કેવી કરૂણ પરિસ્થિતિ ?
વાર્તાનો અંત અત્યંત કરૂણરસથી ભરેલો છે. નીચે પડેલા તલાજીમાં ઊભા થવાની પણ ઉર્જા રહી નથી. ભૂખ્યા તલાજીના નાકે ચાટમાં નાખેલી એ જ કંપનીની વેફરની સુગંધ આવે છે અને ઢસડાતા ઢસડાતા તલાજી એ વેફરની મૂઠી ભરે છે અને વાર્તાનો અંત આવે છે.
વાર્તામાં સર્જકે ‘Juxtaposition’ અને ‘Bifocal’ પ્રયુક્તિ અસરકારક પ્રયોજી છે. તલાજી સતત વર્તમાન પરિસ્થિતિને જુએ છે અને તરત જ ભૂતકાળની પરિસ્થિતિને યાદ કરે છે, બંનેનું સંનિધીકરણ સર્જાય છે, જે બંને વિરોધભાસી છે અને આ રીતે વર્તમાન-ભૂતકાળ-વર્તમાન-ભૂતકાળ આંદોલન શરૂ રહે છે.
ઔદ્યોગીકરણની માઠી અસરથી સર્જાતી કરૂણ પરિસ્થિતિ પ્રસ્તુત વાર્તામાં જોવા મળે છે. વાર્તામાં ક્યાંક રાજકારણનો પણ મુદ્દો જોવા મળ્યો છે. તત્કાલીન સરકાર અને વર્તમાન સરકાર વચ્ચે હિલ્લોળાતી કંપની પણ એમાં ખેડૂતોનો શો વાંક? કંપની તો શરૂ થઈ જાય છે પણ ગામના એક પણ યુવાનને નોકરીની તક મળતી નથી. તલાજી પાસે કે ખેડૂતો પાસે જે હોય છે એ પણ ગુમાવે છે. આર્થિક સંકળામણ તો ખરી જ સાથે સાથે તલાજી માનસિક રીતે પણ થાકી જાય છે. ગામમાં કંપની તો આવી પણ ગામને લાભ શો? ઊલટાનું તો કંપની આવ્યા પછી ગામની તારાજી થઈ.
(દરબારગઢની બીજી મુલાકાત, લે. દશરથ પરમાર, પ્રકાશક: ડિવાઈન પબ્લિકેશન્સ, અમદાવાદ. પ્રથમ આવૃત્તિ: ૨૦૨૩, કિંમત: ૩૦૦/-રૂ.)
નોંધ : શબ્દસૃષ્ટિ ડિસેમ્બર ૨૦૨૪ દિવાળી વિશેષાંકમાં પ્રકાશિત લેખ.
હાર્દિક પ્રજાપતિ
(MA, UGC-NET, GSET, PGDSC, SI, COPA, Ph.D.scho)
મુ. સબોસણ, તા.જિ. પાટણ (ઉ.ગુ.) ૩૮૪૨૬૫
મો: ૮૩૨૦૬૦૦૫૮૨, 8141125140 hardikkumar672@gmail.com