ખાઉધરી ચંપા
જામનગરથી થોડે દૂર, એક નાનકડા ગામમાં રહેતો હતો રામજીભાઈ નામનો ખેડૂત. તેની પત્નીને ઉપર ગયે બે વર્ષ થયાં હતાં. ઘરમાં કોઈ કામ કરનાર નહોતું, એટલે તેણે ચંપા નામની એક નોકરાણી રાખી. ચંપા એક સારી નોકરાણી હતી – ઘર સાફ કરે, પશુઓને ખવડાવે, કપડાં ધોઈને સુકવે, વાસણ માંજે, બધું જ બરાબર સંભાળે. પણ એક જ મોટી ખામી હતી: તે અત્યંત ખાઉધરી હતી.
ખાવાનું જોયું નથી કે તે તૂટી પડી જ જાણો.
“तृष्णा न जीर्णा वयसः”
ઉંમર વધવા છતાં તૃષ્ણા (લાલચ) કદી જૂની થતી નથી; તે સતત વધતી જાય છે અને અંતે દુઃખ આપે છે.
રસોઈમાં છુપાઈને કંઈક ને કંઈક ખાતી રહેતી. રામજીભાઈએ એક-બે વાર તેને ખાવાનું ખાતા પકડી પાડી, પણ ચંપા પર કોઈ અસર ન થઈ. તે સીધે સીધું જુખોટું બોલીને બચી જતી. આખરે ત્રાસી જઈને રામજીભાઈએ કહ્યું, “ચંપા, આજ પછી જો મેં તને ચોરીથી કંઈ ખાતી પકડી તો નોકરીમાંથી કાઢી મૂકીશ!”
स्वभावो नोपदेशेन शक्यते कर्तुमन्यथा !
सुतप्तमपि पानीयं पुनर्गच्छति शीतताम् !!
સ્વભાવ માત્ર ઉપદેશથી બદલાઈ શકતો નથી. જેમ પાણી ખૂબ ગરમ કરવામાં આવે તોય સમય જતા ફરી તેની સ્વાભાવિક ઠંડક તરફ પાછું વળી જાય છે, તેમ માણસનો સ્વભાવ પણ અંતે પોતાના મૂળ સ્વરૂપમાં પાછો આવે છે.
નોકરી જવાના ડરથી ચંપા થોડી સાવચેત થઇ ગઈ. પણ લોભ તો લોભ જ છે.
લોભને થોભ ન હોય.
એક દિવસ રામજીભાઈ બજારમાંથી એક અત્યંત સ્વાદિષ્ટ અને મોંઘી જાતનો ‘હાફૂસ’ કેરી લાવ્યા. તેનો મિત્ર વલ્લભભાઈ આવવાનો હતો. તેણે ચંપાને બોલાવી કહ્યું, “ચંપા, આ કેરીની છાલ કાઢીને નાના ટુકડા કાપી તૈય્યાર રાખ. અમે બે મિત્રો આજે મોજથી ખાઈશું.”
ચંપાને કેરી તો ખૂબ જ પ્રિય હતી. મનને કેટલુંય સમજાવ્યું, પણ તે રોકાઈ નહીં. ટુકડા ચાખતાં-ચાખતાં બધી કેરી જ પેટમાં સમાપ્ત થઈ ગઈ. એટલામાં રામજીભાઈનો અવાજ આવ્યો, “ચંપા, કેરી કાપીને લાવ ને! વલ્લભભાઈ તો જો ડેલે આવી ગયા લાગે છે.”
ચંપાની આંખ આગળ અંધારું છવાઈ ગયું. નોકરી જવાની ચિંતા થઈ. ત્યાં જ તેના મગજમાં એક ચતુર યુક્તિ આવી.
ચંપાએ રામજીભાઈને કહ્યું, “માલિક, છરીની ધાર તેજ કરી આપો ને. કેરીની છાલ પાતળી નથી ઉતરતી.”
રામજીભાઈ છરી તેજ કરવા લાગ્યા. એટલામાં ડેલે (દરવાજે) વલ્લભભાઈ આવી પહોંચ્યા. ચંપાએ દોડી જી તેમને એક ખૂણે લઈ જઈને કહ્યું, “લાગે છે માલિક તમારાથી ગુસ્સે છે. છરી તીક્ષ્ણ કરતાં-કરતાં બબડ્યા હતા કે ‘આજ તો વલ્લભની નાક જ કાપી નાખીશ!’”
વલ્લભભાઈએ અંદર ડોકું કાઢીને જોયું. રામજીભાઈ આનંદમાં ગીત ગુંગુનાતા છરી તીક્ષ્ણ કરી રહ્યા હતા. ગાતા હતા “વલ્લભ ભાઈ ને આવવા દો, તેજ ધાર કાઢવા દો. ને પાછી મજા આવશે.”
બસ, વલ્લભભાઈએ માથે પગ રાખીને દોડ લગાવી.
ચંપાએ રામજીભાઈને કહ્યું, “માલિક, તમારા મિત્ર મારી પાસેથી કેરી છીનવીને ભાગી ગયા!”
રામજીભાઈએ હાથમાં છરી લઈને વલ્લભભાઈની પાછળ દોડ લગાવી. વલ્લભભાઈ વધુ ઝડપથી દોડવા લાગ્યા. રામજીભાઈ બૂમ પાડતા હતા, “થોભો તો ભાઈ! ઓછામાં ઓછી અડધી કેરી તો કાપીને આપી જા!”
વલ્લભભાઈએ વિચાર્યું કે રામજીભાઈ અડધી કપાયેલી નાક માંગે છે. બિચારો વલ્લભભાઈ ફરી કદી તે ગામ તરફ આવ્યો જ નહીં.
રામજીભાઈ થાકીને ઘરે પાછા ફર્યા.
અને ચંપા? ખૌધારીએ તો એ સ્વાદિષ્ટ કેરીનો રસ પેટમાં ઉતારી લીધો હતો અને આગલી કઈક ખાવાની તૈયારીમાં લાગી ગઈ.
ચંપા ચતુર, ચાલાકીની રાણી,
લોભના લાલચમાં ડૂબી ગઈ જાણી.
કેરી ખાધી, યુક્તિ રચી ચોખ્ખી,
મિત્રોને દોડાવ્યા, હસી રહી એકલી!
લોભ અને ચતુરાઈનો અતિરેક માણસને કેટલો મૂર્ખ બનાવી દે છે, અને કેટલીક વાર નિર્દોષ લોકોને પણ ભોગ બનાવે છે.
अभ्यासो हि मनुष्याणां कारणं बन्धमोक्षयोः।
મનુષ્ય માટે આદત જ બંધનનું પણ કારણ બને છે અને મુક્તિનું પણ.