બે અમૂલ્ય હીરા
अभयं सत्त्वसंशुद्धिः ज्ञानयोगव्यवस्थितिः ।
दानं दमश्च यज्ञश्च स्वाध्यायस्तप आर्जवम् ॥१॥
अहिंसा सत्यमक्रोधस्त्यागः शान्तिरपैशुनम् ।
दया भूतेष्वलोलुप्त्वं मार्दवं ह्रीरचापलम् ॥२॥
तेजः क्षमा धृतिः शौचमद्रोहो नातिमानिता ।
भवन्ति सम्पदं दैवीमभिजातस्य भारत ॥३॥ ભગવદ્ગીતા – અધ્યાય ૧૬, શ્લોક ૧–૩ (દૈવી સંપદા)
નિર્ભયતા, સત્ત્વની શુદ્ધિ, જ્ઞાનયોગમાં સ્થિરતા, દાન, ઇન્દ્રિયસંયમ, યજ્ઞ, સ્વાધ્યાય, તપ અને સીધાપણું; અહિંસા, સત્ય, ક્રોધનો અભાવ, ત્યાગ, શાન્તિ, પરનિન્દાનો અભાવ, ભૂતો પ્રત્યે દયા, લોભનો અભાવ, કોમળતા, લજ્જા, ચપળતાનો અભાવ; તેજ, ક્ષમા, ધૈર્ય, શૌચ, અદ્રોહ અને અતિમાનનો અભાવ – આ દૈવી સંપદાથી યુક્ત વ્યક્તિના લક્ષણો છે.
એક વખતની વાત છે.
તે વખતે વાહન વ્યવહાર ના સાધનો ઘોડા અને બળદ ગાડાં હતા. લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા ઘોડા નો ઉપયોગ કરતા. તે વખતે પશુઓની બજાર ભરાતી. જેને લોકો ગુજરી કહેતા.
એવા એક રણકપુર ની ગુજરી બજારમાં વિજયભાઈ ઘોડો ખરીદવા આવ્યા.તે એક પ્રસિદ્ધ વેપારી હતો. અને હંમેશા ઈમાનદારી અને સ્વાભિમાનથી જીવન જીવતા. ગુજરી બજારમાં ફરતાં ફરતાં તેમની નજર એક અત્યંત સુંદર અને મજબૂત વંશના ઘોડા પર પડી. ઘોડો એટલો બધો આકર્ષક હતો કે વિજયભાઈ તેને જોઈને ઊભા રહી ગયા.
ઘોડા વેચનારા પાસે ગણા ઘોડા હતા. વેપારી પણ દુર દુર કોઈ દેશ થી આવેલો જણાતો હતો. વિજયભાઈની વેપારી સાથે લાંબી સોદાબાજી ચાલી. તેમણે પોતાની બુદ્ધિ અને વાણીનો ઉપયોગ કરીને છેવટે ઘોડો યોગ્ય કિંમતે ખરીદી લીધો અને ઘરે લઇ આવ્યા. ઘરે પહોંચતાં જ તેમણે પોતાના વિશ્વાસુ નોકર રમેશને બોલાવ્યો અને કહ્યું, "રમેશ, ઘોડાની કાઠી ઉતારીને સાફ કરી રાખજે. ચારો આપજે અને પાણી પીવડાવજે."
રમેશે કાઠી ઉતારી ત્યારે તેની નીચે એક નાનકડી મખમલની થેલી મળી. થેલી ખોલતાં જ તેમાંથી ચમકતા કીમતી હીરા-જવાહરાત બહાર આવ્યા! રમેશ આશ્ચર્યથી ચીસ પાડી ઊઠ્યો, "માલિક! તમે તો ઘોડો ખરીદ્યો, પણ જુઓ તેની સાથે આ બધું મફતમાં કેવું મળી ગયું!"
વિજયભાઈએ થેલીમાંથી ચમકતા હીરા જોયા. સૂર્યની કિરણોમાં તે વધુ તેજસ્વી લાગતા હતા. પણ તેમના ચહેરા પર આનંદની જગ્યાએ ગંભીરતા છવાઈ ગઈ. તેમણે એક ક્ષણ નો પણ વિલંબ કર્યા વિના શાંતિથી કહ્યું, "રમેશ, મેં તો માત્ર ઘોડો ખરીદ્યો છે, આ હીરા નહીં. આને તરત જ માલિકને પાછા આપવા જોઈએ."
રમેશ મનોમન વિચારવા લાગ્યો કે મારા માલિક કેટલા નાદાન છે! તેણે કહ્યું, "માલિક, કોઈને ખબર નહીં પડે, આપણે રાખી લઈએ!" પણ વિજયભાઈએ એક ન સાંભળી. તેઓ તુરંત બજારમાં પહોંચ્યા અને ઘોડા વેચનારને રત્નો ની થેલી પાછી આપી.
ઘોડા વેચનારો આશ્ચર્યચકિત થઈ ગયો અને ખુશીથી બોલી ઊઠ્યો, "અરે વાહ! હું તો ભૂલી જ ગયો હતો કે મારા આ કીમતી રત્નો બજાર માં ચોરો ના ભય ને લીધે કાઠીની નીચે છુપાવી રાખ્યા હતા. તમારી આ ઈમાનદારી માટે હું તમને ઈનામ આપું છું – આ થેલીમાંથી તમે કોઈપણ એક હીરો પસંદ કરી લો!"
વિજયભાઈએ વિનમ્રતાથી કહ્યું, "મેં તો ઘોડાની યોગ્ય કિંમત ચૂકવી છે, મને કોઈ ઈનામ કે ભેટની જરૂર નથી." વેચનારો વધુ ને વધુ આગ્રહ કરવા લાગ્યો, પણ વિજયભાઈ મક્કમ રહ્યા. છેવટે હસતા હસતા તેમણે કહ્યું, "સાચું કહું તો, જ્યારે મેં થેલી પાછી આપવાનો નિર્ણય કર્યો ત્યારે જ મેં તેમાંથી બે સૌથી કીમતી હીરા મારી પાસે રાખી લીધા હતા!"
વેચનારો ગુસ્સે થઈને થેલી ખાલી કરવા લાગ્યો અને બધા હીરા ગણવા માંડ્યો. તેણે જેટલા હીરા રાખ્યા હતા તેટલા ને તેટલાજ હતા. તે મૂંઝવણમાં પડ્યો અને બોલ્યો, "અરે, મારા બધા હીરા તો અહીં જ છે! તો તમે કયા બે સૌથી કીમતી હીરા રાખ્યા?"
વિજયભાઈએ શાંતિથી જવાબ આપ્યો, "મારી પ્રમાણિકતા અને મારું સ્વાભિમાન!"
જે વ્યક્તિ પાસે આ બે અમૂલ્ય હીરા હોય, તે આ દુનિયાનો સૌથી ધનિક વ્યક્તિ છે. ધન તો આવે છે અને જાય છે, પણ પ્રમાણિકતા અને આત્મસન્માન એકવાર ગયા કે હંમેશ માટે ગયા. અને તે જાય એટલે લક્ષ્મી પણ ધીરે ધીરે ચાલ્યા જાય.
ઘોડો વેચનારે કહ્યું “ આજ સુધી મેં ગણા પત્થરો જમા કર્યા પણ આજે મને બે મોટા રત્નો પ્રાપ્ત થયા છે.” વિજય ભાઈ નો તેમને ખુબ ખુબ આભાર માન્યો.
ઈમાનનો હીરો ચમકે અંતરમાં સદા,
સ્વાભિમાનનો રત્ન બનાવે જીવનને સુજલા.
ધન જાય તો જાય, પણ આ બે રહે સાથ,
આ જ ધનિક છે સાચું, બાકી બધું મિથ્યા વાત.
આવા ગુણો જીવનને સાચે જ અમૂલ્ય બનાવે છે.