ગઈ કાલે રાત્રે હું ખૂબ મોડા સુધી જાગ્યો હતો જેના કારણે આજે હું બહુ મોડો ઉઠ્યો હતો. મે ઉઠીને મોબાઈલમાં ચેક કર્યું સવારના ૧૧:૧૦ થઈ ગઈ હતી. સવારમાં જાગીને મારી પાસે કોઈ કામ નહોતું અને નાસ્તાનો ટાઈમ પણ જતો રહ્યો હતો એટલે મેં ફક્ત ચા પીધી અને ફ્રેશ થવા માટે જતો રહ્યો. લગભગ ૧૫ થી ૨૦ દિવસ પછી મને રવિવારનો દિવસ આરામદાયક લાગી રહ્યો હતો. ગયા રવિવારે બપોર પછી જયંતસરનો ફોન આવેલો અને તેમણે મને મૂર્તિ સર સાથેની કોન્ફરન્સ મિટિંગમાં બેસાડી દીધો હતો. જેમાં ૧ કલાક જેવો સમય મૂર્તિ સરે મારા મગજની અણી કાઢી નાખી હતી નવા સૉફ્ટવેર વિશે કામ અને જાણકારી માગીને જે મને ખૂબ ત્રાસદાયક લાગ્યું હતું. હવે ભોગવવાનું તો હતું હું ના પણ નહોતો પડી શકતો એટલે ૧ કલાક જેમતેમ કરીને સહન કરી લીધું પણ આજે એક અલગ પ્રકારની શાંતિ લાગી રહી હતી કારણકે મેં મારું કામ તેવીરીતે પૂર્ણ કરી નાખ્યું હતું કે મને આજના દિવસે કોઈપણ પ્રકારનો ડિસ્ટર્બન્સ થવાની શક્યતા નહોતી. હું ફ્રેશ થઈને આવ્યો ત્યારે ૧૨ વાગી ગયા હતા અને અમારો જમવાનો સમય પણ થઈ ગયો હતો. હું, અવિ અને વિકિ જમવા માટે બેઠા. મારો આજના પ્લાન વિશે અવિ,વિકી અને શિખા ત્રણેય જણા વાકેફ હતા એટલે આજનું અમારું ઘરનું વાતાવરણ થોડું સિરિયસ પ્રકારનું હતું. આજે આ બંને લોકો મારી મજાક મસ્તી નહોતા કરી રહ્યા અને તેઓ આવું કરીને મારો આત્મવિશ્વાસ ઓછો કરવા નહોતા માગતા. જમીને અમે લોકો ફ્રી થઈને બેઠા ત્યાં સુધીમાં ૧:૩૦ વાગી ગયા હતા. બસ હવે ૪ કલાક જેવો સમય હતો મારી પાસે અને પછી હું વંશિકાને મળવા માટે જવાનો હતો. મેં મારા મનમાં વિચારીને રાખ્યું હતું આજના પ્લાન વિશે. હું થોડીવાર સોફા પર બેઠો અને ટીવી જોવા લાગ્યો. થોડીવાર ટીવી જોઈને મે મારો સમય પસાર કર્યો. બપોરે ઉઠવાના કારણે મને હવે ઊંઘ આવવાનો કોઈ સવાલ નહોતો. આખરે ટાઇમપાસ કરીને મેં ૪:૩૦ વગાડી દીધા અને હું હવે ફ્રેશ થવા માટે ગયો. ફ્રેશ થઈને મારો કપબોર્ડ ઓપન કર્યો અને એમાંથી મારા કપડાં કાઢ્યા. હું આજે કોઈ ફોર્મલ કપડાં પહેરવાના મૂડમાં નહોતો એટલે મેં મારું ઓલિવ ગ્રીન કલરની હૂડી વાળી ફુલ સ્લીવ ટીશર્ટ અને સ્કેબલ્યુ કલરનું જીન્સ કાઢ્યું અને પહેરી લીધું. હું અરીસા સામે ઊભો રહ્યો અને મારી ટીશર્ટની સ્લીવ હાથથી થોડી ઉપર ચડાવી દીધી. મને ઘડિયાળનો ઘણો શોખ હતો એટલે હું ક્યારેય મારા હાથનું કાંડુ ખાલી નહોતો રાખતો એટલે આજે પણ મે હાથમાં ઘડિયાળ પહેરી અને થોડો સ્પ્રે છાંટ્યો. હવે હું એકદમ પરફેક્ટ દેખાતો હતો. મે મારી ઘડિયાળમાં જોયું ૫:૦૦ વાગી ગયા હતા એટલે મે મારા બાઈકની ચાવી લીધી અને હું ફટાફટ ઘરની બહાર નીકળ્યો. મે મારા સૂઝ પહેર્યા અને લિફ્ટની રાહ જોયા વગર નીચે ઉતરવા લાગ્યો. નીચે ઊતરીને બાઇક સ્ટાર્ટ કરી અને વંશિકાને મળવા માટે નીકળી પડ્યો. આજે વંશિકાનો કોઈ ફોન નહોતો આવ્યો કે કોઈ મેસેજ પણ નહોતો આવ્યો જણાવવા માટે કે તે નીકળી છે કે નહીં છતાં પણ હું તેને પૂછ્યા વગર રિવરફ્રન્ટ પર જવા માટે નીકળી ગયો હતો. મારી પાસે હજી અડધી કલાકનો સમય હતો જે મારે રિવરફ્રન્ટ સુધી પહોંચવા માટે પૂરતો હતો. હું નવા વાડજના રૂટ પરથી સીધો ઉસ્માનપુરા તરફ જવા લાગ્યો. ઉસ્માનપુરા એજ જગ્યા હતી જ્યાં પહેલીવાર મારી અને વંશિકાની મુલાકાત થઈ હતી. અહીંના ટ્રાફીકમાં મે પહેલીવાર વંશિકાની આંખો જોઈ હતી અને હું તેનાથી ઘાયલ થયો હતો. ઘણીવાર હું જ્યારે ઉસ્માનપુરા પાસેથી પસાર થતો અથવા ત્યાંના ટ્રાફીકમાં અટવાતો હતો ત્યારે મને અમારી પહેલી મુલાકાત જરૂર યાદ આવતી હતી. ઉસ્માનપુરા ટ્રાફિકથી શરૂ થયેલી આ વાર્તાની કેરેક્ટર આજે મારી હમસફર બનવા જઈ રહી હતી. હમસફર નામ યાદ આવતા મને મારા ખાસ લેખક મિત્ર મેર મેહુલની સફરમાં મળેલ હમસફર નોવેલ યાદ આવી ગઈ. કદાચ આજે મને પણ મારી હમસફર મળી જશે તેવી શોધમાં હું ઉસ્માનપુરથી રિવરફ્રન્ટ તરફ જવા લાગ્યો.
રિવરફ્રન્ટ પહોંચીને મેં મારી બાઇક ત્યાં બહાર સાઈડ પાર્ક કરી અને હું ત્યાં ઊભો રહ્યો. મે ઘડિયાળમાં નજર ફેરવી સાંજના ૫:૨૫ જેવો સમય થઈ ચૂક્યો હતો. મને યાદ હતું કે મને એક ખાસ વસ્તુની જરૂર પડવાની હતી પણ મને ખ્યાલ હતો કે મને તે વસ્તુ રિવરફ્રન્ટ પરથી જરૂર મળી જશે. યસ માય ફ્રેન્ડ, આઈ નીડ અ રોઝ. એક ગુલાબનું ફૂલ ખૂબ જરૂરી હતું મારે વંશિકાને આપવા માટે કારણકે હું ફક્ત સિમ્પલ રીતે વંશિકાને પ્રપોઝ કરવાનો હતો અને મને ખ્યાલ હતો કે વંશિકાને ફુલ જરૂર પસંદ આવશે જેના કારણે મે ગુલાબનું ફૂલ લેવાનું મહત્વનું સમજ્યું. મે ત્યાં આજુબાજુ નજર કરી ત્યાં એક આંટી ફુલ વેચતા હતા મે તેમની પાસેથી એક ફૂલ ખરીદ્યું. મે ફુલ લીધું અને તેને મારી હુડીની પાછળની ટોપીની અંદર મૂકી દીધું જેથી વંશિકાને પહેલા કાઈ ખબર ના પડે અને તે બીજા કોઈ વધારાના સવાલો ના પૂછે. હું હજી ત્યાં ઊભો હતો અને ૫:૩૫ જેવો સમય થયો હતો એટલામાં મારા મોબાઈલમાં વંશિકાનો ફોન આવ્યો અને મેં તરત ફોન ઉઠાવ્યો.
વંશિકા :- હાલો રુદ્ર આવી ગયા રિવરફ્રન્ટ પર ?
હું :- હા આવી ગયો તું ક્યાં છે હજી ?
વંશિકા :- તમારી ક્રોસમાં જુઓ જમણી બાજુ હું ત્યાં ઊભી છું.
હું :- વેઇટ કઈ બાજુ ? (મેં મારી નજર આજુબાજુ ફેરવી અને મારી નજર ક્રોસમાં પડે વંશિકા મારાથી ઘણી દૂર ઊભી હતી અને મારી સામે હાથ ઊંચો કરી રહી હતી.) હા મે તને જોઈ લીધી. તું ત્યાજ ઊભી રહે હું આવું છું તે બાજુ.
વંશિકા :- ઓકે.
મે ફોન કટ કર્યો અને ચાલીને વંશિકા પાસે જવા લાગ્યો. યાર વોટ અ કોઇન્સીડન્સ! મે જ્યારે વંશિકાને પહેલીવાર ઉસ્માનપુરા ટ્રાફિકમાં જોઈ હતી ત્યારે તેણે જે કપડાં પહેર્યા હતા આજે પણ તેણે એજ કપડા પહેરેલા હતા. મરૂન કલરનું ફૂલ સ્લીવવાળું ટીશર્ટ અને બ્લ્યુ કલરનું જીન્સ. ગોળ અને મોટી ઇરિંગ્સ અને બ્લેક ગોગલ્સ પહેરેલા હતા. આજે ફરક એટલો હતો કે બસ વંશિકાએ પોતાના ફેસ પર દુપટ્ટો નહોતો બાંધ્યો. વંશિકા આજે મને કંઈક વધુ પડતી સુંદર દેખાઈ રહી હતી કદાચ આ મારા મનમાં રહેલા તેના પ્રત્યેના પ્રેમની અસર હતી જેના લીધે તે મને વધુ સુંદર લાગી રહી હતી. હું ધીરે ધીરે વંશિકા તરફ આગળ વધી રહ્યો હતો અને ચાલતો ચાલતો વંશિકા પાસે પહોંચ્યો અને તેની પાસે જઈને ઊભો રહ્યો. મને જોઈને વંશિકા બોલી. "શું વાત છે લેખક સાહેબ, આજે ફોર્મલ પરથી જીન્સ પર આવી ગયા." અને મેં વંશિકાને જવાબમાં કહ્યું. "બસ એમ જ."
હવે હું અને વંશિકા સાથે ચાલીને આગળ તરફ જવા લાગ્યા. અમે લોકો ધીરે ધીરે ચાલીને રિવરફ્રન્ટ તરફ ગયા અને ત્યાંથી સિડી ઉતરીને નીચે તરફ જવા લાગ્યા. અમે લોકો ત્યાં જઈને એક બાંકડા પર જઈને બેસી ગયા. હું હજુ સુધી ચૂપ હતો અને વંશિકાને જોઈ રહ્યો હતો જે વાત વંશિકાએ નોટિસ કરી અને મને કહ્યું. "બસ જોયા કરશો કે કાઈ બોલશો પણ ખરા ?" હું અચાનક મારા વિચારોમાંથી બહાર આવ્યો અને કહ્યું.
હું :- તું આજે ખૂબ સુંદર લાગી રહી છે.
વંશિકા :- થૅન્ક યુ રુદ્ર, બાય ધ વે આજે તમે પણ કંઈક અલગજ લાગી રહ્યા છો.
હું :- અલગ એટલે કેવો લાગુ છું ?
વંશિકા :- એટલે જનરલી મે તમને સૌથી વધુ ફોર્મલ આઉટફિટમાં જોયા છે પણ આજે જીન્સમાં તમે પણ વધુ હેન્ડસમ લાગી રહ્યા છો.
હું :- તમારો પણ ખૂબ ખૂબ આભાર. બાય ધ વે તું ક્યારે આવી મને ખબર પણ ના પડી.
વંશિકા :- હું બસ થોડીવાર પહેલા જ આવી અને મારી એક્ટિવા પાર્ક કરી. હું તમને ક્યાં છો તેના માટે ફોન કરવાનું વિચારી રહી હતી એટલામાં મારી નજર તમારા પર પડી ગઈ તમે ત્યાં ઊભા હતા અને પછી તમને ફોન કર્યો.
હું :- હા હું પણ ઘરેથી સમયસર નીકળી ગયો હતો અને તું આવી તેના ૧૦ મિનિટ જેવા સમય પહેલાજ હું પણ પહોંચ્યો.
વંશિકા :- અચ્છા ખૂબ સરસ. બાય ધ વે તમારી વિચાર ખૂબ સારો લાગ્યો. પહેલા અહીંયા બેસીને આટલા સરસ વાતાવરણની મજા લઈ શકાય અને પછી ડિનર પર જઈ શકાય.
હું :- હા મને પણ એવું લાગ્યું એટલે મેં આ પ્લાન બનાવેલો.
વંશિકા :- બરાબર આમ પણ આપણે લોકો કોઈ કામ સિવાય મળતા નથી હોતા અને આપણી ફક્ત મેસેજ પર વાતો થતી હોય છે. આપણે જ્યારે પણ મળ્યા છીએ ત્યારે ફ્રેન્ડ સર્કલ સાથે મળતા હોઇએ છીએ જેના કારણે આપણે આરામથી બેસીને વાતો નથી કરી શકતા.
હું :- હા સાચી વાત છે વંશિકા.
વંશિકા :- આટલું સરસ વાતાવરણ અને આટલા સરસ સાંજના સમયમાં વાતો કરવાની મજા અલગ જ છે. કોઈપણ ડિસ્ટર્બન્સ વગર આપણે શાંતિથી વાતો કરી શકીએ છીએ.
હું :- હા મને પણ આવો સમય ગમે છે આમ પણ હું ઘણા દિવસથી કંટાળેલો હતો.
વંશિકા :- તમે કેમ કંટાળેલા ?
હું :- અરે હું ઓફિસની જવાબદારીની વાત કરું છું. હું ઘણા દિવસથી થોડો કંટાળેલો હતો અને મને પણ આવા શાંત વાતાવરણની જરૂર હતી. મને ઘણા સમયથી મન થતું હતું કે હું કોઈ શાંત પ્લેસ પર જઈને બેસું અને મારા મનને થોડી શાંતિ આપું.
વંશિકા :- સાચી વાત છે ક્યારેક પોતાની જાતને એવીરીતે એકલું મૂકીને પણ સમય આપવો જોઈએ. પણ તમે ક્યારેક તમારા મિત્રો સાથે પણ આવી કોઈ જગ્યાએ આવી શકો છો આમ પણ અવિ અને વિકીને રવિવારે રજા હોય છેને.
હું :- હા એમણે પણ રજા હોય છે પણ મારું શિડ્યુલ કોઈ નક્કી નથી હોતું. હવે ગયા રવિવારની વાત છે મારે ઘરે બેઠા બેઠા એક કલાક વિડિયૉકોલમાં કોન્ફરન્સ મિટિંગ અટેન્ડ કરવી પડી હતી. હવે તું જ કહે રવિવારના દિવસે પણ આવું કોઈ કામ આવી જાય તો પછી માણસનું મન શાંત કઈ રીતે રહી શકે અને તને એક વાત કહું ?
વંશિકા :- હા કહો અહીંયા આપણે વાત કરવા માટે જ મળ્યા છીએ.
હું :- અમારા સૉફ્ટવેર ફિલ્ડના લોકોની લાઇફ બહુ અલગ હોય છે. અમારું જીવન કોડિંગ અને ડેવલપમેન્ટમાં જ ચાલતું રહેતું હોય છે. કમ્પ્યુટર સામે બેસીને અમારું પણ મગજ ઘણીવાર બોખલાઈ જતું હોય છે એટલે એમણે માનસિક રીતે બહુ ત્રાસદાયક ફિલ થતું હોય છે. જેના કારણે એમણે સૌથી વધુ શાંત વાતાવરણની જરૂર પડતી હોય છે એટલે મને પણ આવું શાંત વાતાવરણમાં બેસવું ખૂબ ગમે છે અને હું મારા મગજને ક્યારેક ડાઇવર્ટ કરવા માટે સ્ટોરી લખતો હોઉં છું.
વંશિકા :- આઈ નો તમારા લોકોની લાઇફ ખરેખર ઘણી કૉમ્પ્લેક્સ હોય છે તે હું સારી રીતે સમજી શકું છું. બાય ધ વે અત્યારે આવી બધી વાતો મનમાંથી કાઢી નાખો અને આટલા સરસ ફ્રીડમવાળા સમયને એન્જોય કરો.
હું :- અરે સોરી યાર તને બહુ બોરિંગ લાગતી હશે ને મારી વાતો. હું પણ ક્યાં તારી સામે મારી ઓફિસની વાતો લઈને બેસી ગયો.
વંશિકા :- હા થોડી બોરિંગ તો લાગે છે પણ મારા કહેવાનો મતલબ તેવો છે કે બોરિંગ લાઇફ પાછળ છોડીને તમારે આ સમય એન્જોય કરવો જોઈએ. સામે જુઓ સનસેટ થવાનો ટાઈમ છે. સૂર્યના કિરણો કેવા સુંદર લાગી રહ્યા છે અને વાતાવરણ કેટલું શાંત લાગી રહ્યું છે. આટલો સરસ સમય હંમેશા થભી જાય ક્યારેક એવું મન થતું હોય છે આપણું.
હું :- હા વંશિકા, તારી વાત સાચી છે. બાય ધ વે મને એક વાત જણાવ. તું અહીંયા ઘરે શું બહાનું કાઢીને આવી છે ?
વંશિકા :- સાચું કહું તો મેં ઘરે કોઈ બહાનું નથી કાઢ્યું. જે હકીકત હતી તે ઘરે સાચે સાચી જણાવી દીધી. મે ઘરે જણાવ્યું કે મારા એક મેલ ફ્રેન્ડનું પ્રમોશન થયું છે અને તેના માટે તેમણે મને ડિનરની પાર્ટી આપી છે અને એટલે હું તેમની સાથે જાઉં છું.
હું :- તો પછી તારા ફેમિલી મેમ્બર્સ તરફથી કોઈએ અહીંયા આવવા માટે તને રોકી નહીં અથવા મનાઈ ના કરી ?
વંશિકા :- મે તમને પહેલા જણાવેલું કે મારા ફેમિલી મેમ્બર્સ સાવ જૂના વિચારો નથી ધરાવતા. તે લોકો પણ ફ્રીડમમાં માને છે એટલે તેમણે મને ફક્ત એટલું કહ્યું કે ઘરે આવવામાં બહુ મોડું ના કરતી. આ ઉપરાંત તેમણે કોઈ વધારાના સવાલ જવાબો નથી કર્યા અને મેં ફક્ત તમારા વિશે થોડું ઘણું જણાવ્યું છે એમને કે તમે મારી ઓફિસની બાજુની ઓફિસમાં જોબ કરો છો અને મારા સારા મિત્ર છો.
હું :- અચ્છા, સારું થયું તું ઘરે સાચું બોલીને આવી છું. તે લોકોને કોઈ ચિંતા ના થાય અને ખોટું બોલવાનો ડર પણ ના રહે. હવે તું મને તારા ઘરે ક્યારે લઈ જઈશ મને જણાવીશ કારણકે હવે તો તે ઘરે મારા વિશે વાત કરી છે.
વંશિકા :- હા સર થોડો સમય રાહ જોવો. હું જરૂર તમને મારા ઘરે બોલાવીશ અને લંચ અથવા ડિનર પણ કરાવીશ.
હું :- અચ્છા ખૂબ સરસ.
હું થોડી ઘભરાતો ગભરાતો વાત કરી રહ્યો હતો. વંશિકા મારી સામે આવતા મારો આત્મવિશ્વાસ ગભરાટમાં પરિવર્તિત થઈ રહ્યો હતો અને મને ડર લાગી રહ્યો હતો કે હું વંશિકાને મારા દિલની વાત કઈ રીતે જણાવું. જીવનમાં પહેલીવાર કોઈ છોકરીને પ્રપોઝ કરવાનું હતું અને મને તેનો કોઈ અનુભવ નહોતો એટલે મારી મૂંઝવણ વધી રહી હતી. હું વંશિકાને કઈ રીતે કહું મને સમજાઈ નહોતું રહ્યું. અત્યારે મારી હાલત કાંઈક અલગ પ્રકારની થઈ રહી હતી જેના કારણે હું વધુ પડતી વંશિકા સામે આંખ નહોતો મિલાવી શકતો. મેં થોડી હિંમત ભરી અને વંશિકાને કહ્યું.
હું :- વંશિકા, હું તને કંઈક કહેવા માગું છું.
વંશિકા :- હા બોલો શું કહેવા માગો છો.
હું :- અચ્છા પણ તું ગુસ્સે ના થતી અને પહેલા મારી પૂરી વાત સાંભળજે અને સમજજે પછી તું મને મારા સવાલનો જવાબ આપજે ઓકે.
વંશિકા :- સારું બસ, ચાલો બોલો શું કહેવું છે તમારે.
હું અને વંશિકા બાંકડા પર પાસે પાસે બેઠા હતા. હું બાંકડા પરથી ઊભો થયો અને વંશિકાની સામે જઈને બન્ને ઘૂંટણિયે થઈને બેસી ગયો. મે મારો હાથ મારી હુડીની પાછળની ટોપીમાં નાખ્યો અને તેમાંથી છુપાવેલું ગુલાબનું ફૂલ બહાર કાઢ્યું. મેં ધીરે રહીને ગુલાબનું ફૂલ વંશિકાની સામે ધર્યું અને બોલ્યો. " વંશિકા, આઈ લવ યુ સો મચ."