મે ધીરે રહીને ગુલાબનું ફૂલ વંશિકા સામે ધર્યું અને બોલ્યો. "વંશિકા, આઈ લાવ્યું સો મચ. મેં તને પહેલીવાર ઉસ્માનપુરા ટ્રાફિકમાં જોઈ ત્યારથી તારી આંખોએ મને ઘાયલ કરી નાખ્યો હતો અને તને જોયા વગરજ મને તારી સાથે પહેલી નજરનો પ્રેમ થઈ ગયો હતો. ત્યારે મને લાગ્યું કે કદાચ આ મારું સપનું સપનુજ રહેશે અને આટલા મોટા અમદાવાદ શહેરમાં ફક્ત આંખોથી તને કઈ રીતે ઓળખીશ અને મારી લવસ્ટોરી અહિયાજ પૂરી થઈ જશે પણ હું તે દિવસે જ્યારે ઓફિસમાં આવ્યો ત્યારે મેં તારું એક્ટિવા અમારી ઓફિસના પાર્કિગમાં જોયું અને મારા મનમાં વિચાર આવ્યો કે ભગવાન જે કરે છે તે સારા માટે જ કરે છે. પછી જ્યારે તમારી ઓફિસમાં પ્રોબ્લેમ આવ્યો ત્યારે આપણી પહેલીવાર મુલાકાત થઈ અને મેં તને ત્યાં જોઈ. તારું કમ્પ્યુટર બગડવું અને તારું મને કોન્ટેક્ટ કરીને રિપેર કરવા બોલાવવું. ધીરે ધીરે આપણી મિત્રતા થવી અને એકબીજાના સારા મિત્ર બનવા આ બધું મને ભગવાનની મરજી લાગવા લાગી અને મને વિશ્વાસ આવ્યો કે કદાચ તું મારા એકલવાયા જીવનમાં એક સોનાનું કિરણ બનીને પ્રકાશ પાથરવા માટે આવી છે. આજે આપણે એકબીજાના ઘણા નજીક છીએ અને અત્યાર સુધી મને ડર લાગતો હતો કે કદાચ આપણે એકબીજાને સમજી ના શકીએ તેની પહેલા હું તને મારા દિલની વાત જણાવીશ તો કદાચ તું મને ના પાડી દઈશ અને મને છોડીને જતી રહીશ જેના કારણે હું તને અત્યાર સુધી જણાવી શક્યો નહીં પણ હવે મને તારી સાથે રહીને એટલો અનુભવ થયો છે કે તું મારા માટે એક પરફેક્ટ જીવનસાથી છે જેને હું ક્યારેય ખોવા નથી માંગતો. હું મારી પૂરી જિંદગી તારી સાથે વિતાવવા માગું છું અને હું ઈચ્છું છું કે આપણે બન્ને આપણા સુખ અને દુઃખ એકબીજા સાથે વહેંચીને જીવનભર એકબીજાના પૂરક બનીને રહીએ. મારા જીવનમાં આવનારી તું પહેલી છોકરી છું અને તુજ છેલ્લી છોકરી હોઈશ. વંશિકા તું મારી પરિસ્થિતિ સારી રીતે જાણી અને સમજી શકી છું. મારું આ દુનિયામાં કોઈ નથી અને હું તને મારી દુનિયા બનાવવા માગું છું. હું તને કોઈ પણ પ્રકારનો ફોર્સ કરવા નથી માંગતો. દરેક જીવને પોતાનો જીવનસાથી પસંદ કરવાનો હક હોય છે અને હું સમજી શકું છું કે તારી પાસે તારો હક છે તારો જીવનસાથી પસંદ કરવાનો. હવે આનાથી વધારે શું કહેવું તે મને સમજાતું નથી પણ હું ઇચ્છું છું કે તારો નિર્ણય તું તારી જાતે લે અને તારો જે કોઈ નિર્ણય હશે તેની સાથે હું સંમત હોઈશ. હું ફક્ત તને ફરીવાર કહેવા માગું છું કે હું તને ખૂબ પ્રેમ કરું છું."
મારી વાતોથી વંશિકા પૂરે પૂરી હેંગ થઈ ચૂકી હતી. તેની આંખો મોટી મોટી થઈ ગઈ હતી અને કદાચ તે ચોકી ગઈ હતી કારણકે તેણે વિચાર્યું પણ નહોતું કે હું ડિનર કરતા પહેલા તેને આવીરીતે અચાનક પ્રપોઝ કરી દઈશ. જનરલી છોકરાઓ પ્રપોઝ કરવામાં પહેલ કરતા હોય છે અને મેં પણ એવું જ કર્યું હતું. વંશિકા મારી સામે જોઈ રહી હતી અને તે કઈ પણ બોલી નહોતી રહી. તેની આંખો હવે ધીરે ધીરે પોતાના મૂળ રૂપમાં આવી રહી હતી અને તેનું ફેસ ધીરે ધીરે નીચે તરફ ઝૂકી રહ્યું હતું. અમારા વચ્ચે પૂરે પૂરી શાંતિ છવાઈ ચૂકી હતી અને અમે બંને ચૂપ થઈ ગયા હતા. વંશિકાને આવીરીતે જોઈને મારા ધબકારા જોર જોરથી ધબકવા લાગ્યા હતા જે મને હવે ફિલ થઈ રહ્યા હતા. મારા હાથ અને પગમાં હવે ધ્રૂજારી ઉત્પન્ન થવા લાગી હતી. હું એટલીવારમાં આટલું બધું બોલી ગયો હતો જેની મને પણ ખબર નહોતી રહી. મારું શરીર હવે સુન પડવા લાગ્યું હતું અને મને મનમાં ખૂબ ડર લાગી રહ્યો હતો. મે અત્યારે એવી પરીક્ષા આપી હતી જેનું પરિણામ મને તરત મળવાનું હતું પણ હું તેના પરિણામ માટે તૈયાર નહોતો. વંશિકા હજી પણ આમજ બેઠી હતી. મેં ફરીવાર થોડી હિંમત કરી અને ઊભો થઇને વંશિકાની બાજુમાં બેસી ગયો અને બોલ્યો. "વંશિકા, તું ઠીક તો છે ને ?"
વંશિકાએ ધીરે ધીરે પોતાનું માથું ઊંચું કર્યું અને બોલી. " હા, હું થોડી ઠીક છું."
હું :- સોરી વંશિકા, કદાચ મારી ભૂલ થઈ ગઈ. મે કદાચ ઉતાવળ કરી નાખી તને મારા દિલની વાત કહેવાની.
વંશિકા :- રુદ્ર, એક વાત કહું. મને ખ્યાલ જરૂર હતો કે આપણા વચ્ચે એકદિવસ આવી પરિસ્થિતિ જરૂર ઊભી થશે પણ મને ખ્યાલ નહોતો કે આટલી જલ્દી મારે આ પરિસ્થિતિનો સામનો કરવો પડશે એટલા માટે હું આના માટે હજુ સુધી તૈયાર નહોતી.
હું :- આઈ એમ સોરી વંશિકા, પ્લીઝ તું બધું દિલ પર ના લેતી.
વંશિકા :- રુદ્ર, આ વાત દિલ પર લેવા જેવી જ છે અને આનાથી પીછો છોડાવવાનો કોઈ મતલબ નથી.
હું :- હું જાણું છું વંશિકા પણ બસ મેં મારા દિલમાં અત્યાર સુધી જે કઈ પણ હતું તે આજે તારી સામે રજૂ કર્યું છે.
વંશિકા :- આઈ નો રુદ્ર, અને એકવાત સારી છે કે તમે જે કંઈપણ હતું તે આજે કહી દીધું અને આજે ના કહ્યું હોત તો આવતીકાલે કદાચ તમે જરૂર જણાવતા.
હું :- સાચી વાત છે તારી બસ એટલા માટે હું તને કોઈ પણ પ્રકારનો ફોર્સ કરવા નથી માગતો અને વિચારીને જવાબ આપવા માટે કહું છું.
વંશિકા :- રુદ્ર, બહુ વિચારવાની સમય મારે પણ નથી લેવો કારણકે હું પણ આ વાતને વધુ લાંબી ખેંચવા નથી માગતી કે આપણો સંબંધ તોડવા પણ નથી માગતી. આપણે બંને એક સારા મિત્ર છીએ.
હું :- હા મને ખબર છે એટલે જ હું આપણા સંબંધને એકબીજાના પૂરક બનીને વધુ ગાઢ બનાવવા માગું છું. શું તું અત્યારે જવાબ આપવા માટે તૈયાર છે કે નહીં હું ફક્ત એટલું જાણી શકું ?
વંશિકા :- રુદ્ર, જવાબ તો હું અત્યારે પણ આપી શકું છું પણ હું તમને વધારાની હોપ નથી આપવા માગતી કારણકે તમે આ સવાલ મને નહીં પણ મારા મન અને દિલ બંનેને કર્યો છે અને તમે પણ સમજી શકો છો કે આ બંને અત્યારે એકસાથે ક્યારેય મળીને જવાબ નહીં આપી શકે. અને જો તમે મારો જવાબ સાંભળવા માગતા હોય તો તે કદાચ હા હોઈ શકે પણ હું અત્યારે નક્કી કરવાની પરિસ્થિતિમાં નથી. તમે એક ખૂબ સારા મિત્ર છો અને મેચ્યોર પણ છો. તમે મારા કરતા વધારે બહારની દુનિયા જોઈ છે. બહારના લોકોના મન વાચ્યા છે. તમે ખરાબ પરિસ્થિતિમાંથી તમારા જીવનને વધુ ઉજ્જવળ બનાવ્યું છે અને તમારું મન ખૂબ સાફ છે. તમે પણ એક જીવનસાથી તરીકે કોઈપણ છોકરી માટે પરફેક્ટ ચોઇસ છો જેના કારણે તમને ના પાડવાનો કોઈ છોકરી પાસે ચાન્સ ના હોઈ શકે. હું તમને અત્યારે આટલું કહી શકું છું કે હું તમારી પાસે વિચારવા માટે થોડો સમય માગીશ એટલે પ્લીઝ મને થોડો સમય આપો.
હું :- સારું બસ, તને જેટલો સમય જોઈએ તેટલો સમય તું લઈ શકે છે. તારે જ્યારે પણ જવાબ આપવો હોય ત્યારે તું આપી શકે છે.
બસ આટલું પૂરતું હતું મારા માટે જે કાઈ પણ વંશિકાએ મને કહ્યું હતું. વંશિકાએ મને તેના શબ્દો દ્વારા એટલી હિન્ટ આપી દીધી હતી કે તે મારું પ્રપોઝલ રિજેક્ટ કરવા નથી માગતી અને તે પણ મારી જીવનસાથી બનવા માગે છે પણ તેને ડાયરેક્ટ જવાબ આપવાની જગ્યાએ મને હા પણ ના કહ્યું અને ના પણ ના કહ્યું. વંશિકાએ મારી પાસે વિચારવાનો સમય માગ્યો જે મેં પણ તેને આપી દીધો કારણકે વંશિકાનો પોતાનો એક હક હતો જે હું એની પાસેથી છીનવવા નહોતો માગતો. અત્યારે મારું ટેન્શન ઘણું ઓછું થઈ ગયું હતું કારણકે વંશિકાએ મને ગુસ્સે થઈને થપ્પડ નહોતી મારી અથવા બીજું કઈ આડુઆવળુ પણ નહોતી બોલી. વંશિકાએ આખી પરિસ્થિતિ શાંત મનથી સાંભળી લીધી હતી. આજે ખરેખર મને સમજાયું હતું કે વંશિકા એક મેચ્યોર છોકરી છે અને તેની આ વાત મને ખરેખર ખૂબ ગમી હતી. એમણે બંનેમાંથી કોઈને પણ આ વાત લંબાવવાનો શોખ નહોતો. અમે બંને ચૂપ હતા હવે અને અમારી ચૂપકીદી તોડવા માટે વંશિકાએ વાતની શરૂઆત કરી.
વંશિકા :- રુદ્ર, હવે આપણે મગજ પર વધુ લોડ ના આપવો જોઈએ. આપણે આવીરીતે ચુપ રહીશું તો વધુ તકલીફ થતી રહેશે અને મનમાં સવાલો ઊભા થયા કરશે. અત્યારે આપણી વચ્ચે જે કંઈપણ વાત થઈ તેને આપણે અત્યારે ભૂલી જઈએ અને જેમ કાઈ થયુજ ના હોય તેવીરીતે રિએક્ટ કરીશું તો વધુ સારું રહેશે. કારણકે અત્યારે તેના વિશે વિચારીને કોઈ મતલબ નથી અને તેનો જવાબ પણ નથી મળવાનો એટલે સારું છે કે આપણે પહેલની જેમ એક મિત્ર તરીકે એકબીજા સાથે વર્તન કરીએ અને વાતો કરીએ.
હું :- તારી વાત સાચી છે વંશિકા, હું પણ વધુ વિચારવા નથી માગતો. આપણે બધું સમય પર છોડી દેવું જોઈએ.
(અરે યાર, શું છોકરી છે. આવા વાતાવરણમાં મારું શરીર સુન પડી ગયું હતું અને આ છોકરીએ થોડીવારમાં આખી પરિસ્થિતિ બદલી નાખી હતી. તેણે આખી પરિસ્થિતિ એવીરીતે સાંભળી લીધી હતી અને પોતાના મનને એટલું મજબૂત બનાવી દીધું હતું કે અમારા વચ્ચે જાણે કાઈ થયું જ ના હોય. ખરેખર બોસ સાચું જ કહ્યું છે કોઈએ કે સ્ત્રી ઈચ્છે તો કાઈ પણ કરી શકે છે. ભગવાને સ્ત્રીઓને પુરુષો કરતાં પણ વધુ મજબૂત અને મક્કમ બનાવી હોય છે એટલે જ તેમને શક્તિ સ્વરૂપ કહેવાય છે. તેઓ કોઈ પણ પરિસ્થિતિને આપણા કરતાં વધુ મજબૂત બનીને પડકાર આપી શકે છે છતાં આપણે સ્ત્રીઓને સાવ નરમ સમજતા હોઈએ છીએ પણ આજે આ છોકરી મારા મનને ખૂબ મજબૂત બનાવી રહી હતી.)
વંશિકા :- અચ્છા બાય ધ વે તમે મારા માટે જે ગુલાબ લઈને આવ્યા છો તે તો મને આપો.
મે વંશિકાને મારા પાસે રહેલું ગુલાબ આપી દીધું અને તે ગુલાબ પોતાના હાથમાં લઈને બેસી ગઈ. વંશિકાએ મને ફરીવાર પ્રશ્ન પૂછ્યો.
વંશિકા :- હવે પહેલા તે જણાવો કે તમે મને પહેલીવાર ઉસ્માનપુરા ક્યારે જોયેલી ?
હું :- અરે યાર, તને ખરેખર યાદ નથી ?
વંશિકા :- ના મને યાદ નથી તમારે કહેવું છે કે નહીં ?
હું :- અરે ગુસ્સે ના થઈશ. હું તને જણાવું છું. પહેલીવાર હું ઉસ્માનપુરા ટ્રાફિકમાં સવારે ઊભો હતો અને મારા સિગ્નલને હજુ સમય હતો ત્યારે તારી એક્ટિવા ત્યાં આવીને ઊભી રહી. ત્યારે મારી નજર તારા પર ગઈ અને મે પહેલા તારી આંખો જોઈ કારણકે તે દુપટ્ટો બાંધેલો હતો એટલે તારું ફેસ હું ના જોઈ શક્યો. તારી એક્ટીવાનું સ્ટેન્ડ પ્રોપર રીતે સેટ નહોતું થયેલું ત્યારે મેં તને આંખથી સ્ટેન્ડ સરખું કરવા ઈશારો કરેલો. પછી તે સ્ટેન્ડ સરખું કરેલું અને મને આંખથી ધન્યવાદ કર્યું અને સિગ્નલ ખુલતાની સાથે તું ત્યાંથી ઝડપથી નીકળી ગઈ.
વંશિકા :- ઑહ માય ગોડ, એટલે એ તમે હતા જેણે મને સ્ટેન્ડ સરખું કરવા જણાવેલું.
હું :- હા યાર હું જ હતો અને તે દિવસે પણ તે આજ કપડાં પહેરેલા હતા.
વંશિકા :- અચ્છા એટલે તમને તે પણ યાદ છે કે મેં ક્યાં કપડાં પહેરેલા હતા. સોરી રુદ્ર સાચું કહું તો મને ખ્યાલ નહોતો કે તે તમે હતા કારણકે મેં તે સમયે તમારા પર બિલકુલ ધ્યાન નહોતું આપ્યું અને અમારું ફેસ પણ સરખું નહોતું જોયું કારણકે હું ખૂબ ઉતાવળમાં હતી.
હું :- મને ખબર છે તું ઉતાવળમાં હતી કારણકે તારે જોબ પર જવાનું હતું.
વંશિકા :- હા યાર તે દિવસે મારો અહીંયા જોબ પર પહેલો દિવસ હતો અને હું નહોતી ઈચ્છતી કે મારે પહેલા જ દિવસે મોડું થઈ જાય અને બોસ સામે મારે શરમથી નીચે ઝૂકવું પડે. ઓયે વેઇટ, તમને કઈ રીતે ખબર પડી કે મારે જોબ પર જવાનું હતું અને હું એજ છોકરી છું જેને તમે ટ્રાફીકમાં મળ્યા હતા ?
હું :- તારી એક્ટિવાની નંબર પ્લેટ. તું જ્યારે ત્યાંથી નીકળી ત્યારે મારી નજર નંબર પ્લેટ પર પડી અને હું જ્યારે મારી ઓફિસે પહોંચ્યો ત્યારે તારી એક્ટિવા મેં ત્યાં પાર્કિગમાં જોઈ અને પછી મેં બીજા દિવસે પાર્કિગમાં તને એક્ટિવા લઈને આવતી જોઈ ત્યારે હું ૧૦૦% સ્યોર થઈ ગયો કે મેં તને ઉસ્માનપુરા જોઈ હતી.
વંશિકા :- અચ્છા બોસ, હવે મને યાદ આવ્યું મે બીજા દિવસે તમારી બાઈકની બાજુમાં મારું એક્ટિવા પાર્ક કર્યું હતું. બાય ધ વે તમે ફક્ત એકલા લેખક જ છો કે સાથે સાથે ડિટેક્ટિવનું પણ કામ કરો છો.
હું :- અરે આવું કેમ પૂછી રહી છે તું ?
વંશિકા :- આવું એટલા માટે પૂછી રહી છું કારણકે તમે એક નંબરપ્લેટ પરથી આટલું બધું શોધી કાઢ્યું કે હું જોબ કરું છું, હું ઉતાવળમાં હતી અને તમે ટ્રાફીકમાં જોયેલી હું તે જ છોકરી હતી. સાવ ઓછા ટાઈમમાં તમે આટલી બધી રીતે જાસૂસી કરી લીધી મારા માટે એટલે મેં તમને પૂછ્યું.
હું :- આઈ એમ સોરી મેડમ, મે કોઈ જાસૂસી નહોતી કરી. બાય ધ વે મારી બ્રેઇન મેમરી એટલી તો શાર્પ છે કે હું એકવાર કોઈ નંબર જોઈ લઉ તો એને સારીરીતે યાદ રાખી શકું અને બીજી વાત કે આ જે કાઈ પણ થયું તેને તમે એક કોઇન્સીડન્સ સમજી શકો છો અથવા પહેલાથી ભગવાને લખેલું પણ સમજી શકો છો.
વંશિકા :- હા રુદ્ર, આમ જોવા જઈએતો તમારી વાત સાચી છે. આ બધું એક કોઇન્સીડન્સ પણ હોઈ શકે પણ તમે છોકરાઓ ભૂલ ખાઈ જાવ છો ક્યારેક. તમે એવું સમજો છો કે અમે છોકરીઓ કાઈ જાણતી નથી હોતી પણ અમે પણ ઘણું બધું જાણતા હોઈએ છીએ.
હું :- અચ્છા તમે એવું કયું સિક્રેટ જાણો છો મને જણાવી શકો.
વંશિકા :- હા મે ઘણીવાર નોટિસ કર્યું કે તમે જ્યારે મારી સાથે હોય ત્યારે મને જોયા કરતા હતા. તમે જ્યારે પહેલીવાર અમારી ઓફિસમાં આવ્યા મારી કમ્પ્યુટર રિપેર કરવા માટે ત્યારે તમે થોડીથોડી વારે મારા પર નજર નાખ્યા કરતા હતા અને જ્યારે આપણે પહેલીવાર કેફેમાં મળ્યા ત્યારે પણ તમે મને જોયા કરતા હતા.
હું :- અચ્છા તારુ ધ્યાન હતું તો તે મને ક્યારેય ટોક્યો કેમ નહીં.
વંશિકા :- તમે પણ ક્યારેય મને આ બધી વાતો કેમ ના જણાવી હું પણ તમને આવો સવાલ કરી શકું છું.
હું :- યાર, પછી આપણી મિત્રતા થઈ ગઈ હતી એટલે મને આવું બધું જણાવવું જરૂરી ના લાગ્યું.
વંશિકા :- અચ્છા, મને લાગે છે કે હજી પણ તમે ઘણું બધું છુપાવી રહ્યા છો. બાય ધ વે ઘડિયાળમાં જુઓ ૭:૩૦ વાગી ગયા છે અને મને ભૂખ લાગી છે. ચાલો પહેલા આપણે કોઈ રેસ્ટોરન્ટ શોધીએ અને જમવા જઈએ. ત્યાં જઈને તમારી પાસેથી બીજા બધા રાઝ બહાર કઢાવુ છું.